Search This Blog

21/12/2016

એમને ખોટું બહુ લાગી જાય...!

નપુંસક લોકોને ખોટાં જલ્દી લાગી જાય છે. તમને તો ખબરે ય ન હોય કે તમારી કઇ વાતનું એમને ખોટું લાગ્યું છે ! સ્પષ્ટતા કરવાની એમનામાં હિમ્મત હોતી નથી અથવા એમની વાત સાચી લાગે ને તમે માફી માંગવા જાઓ, ત્યારે નાટક કરે કે, ''ના રે ના... મને કાંઇ ખોટું લાગ્યું નથી.'' તમે એકાદવાર પૂછ્યું ય હોય,''કેમ, કાંઇ મૂડમાં નથી ? સરખી રીતે બોલતા નથી...  ‘Hope, everything is fine between us, na...?’

બસ. અહીં એમની કાયરતા એની બુલંદી ઉપર આવી જાય. પુરૂષ હોય તો ય તાજો તાજો વિધવા બન્યો હોય, એવા મોંઢે અને આડું જોયેલા બે-સેકન્ડીયા સ્માઇલે કહેશે, ''ના ના... મને કાંઇ નથી થયું... ઈટ્સ ઑકે... આઇ એમ ફાઇન...!''

તારી ભલી થાય ચમના. તો પછી મને જોતાની સાથે જ તું શેનો તરડાવા માંડે છે ? આજ પછી મારી સાથે સંબંધ ચાલુ રાખવાનો હોય (ને પહેલા જેવો જ ચાલુ રાખવાનો હોય) તો હિંમતથી ખુલાસો કર કે, ''અમે તમારા ઘેર આવ્યા, ત્યારે તમારી વાઇફે ચાનો ય ભાવ નહોતો પૂછ્યો, એનું દુ:ખ થયું છે !''

આટલી  સ્પષ્ટતાથી આવનારા અનેક વર્ષોની ગેરસમજ કેવી દૂર થઇ જાય !

એટલું જ નહિ, અહીં તું સાચો હોઇશ ને ચા નહિ મૂકવા બદલ, મારી વાઇફની ધૂળ કાઢી નાંખવાની મારામાં હિમ્મત હશે તો બેશક જે કાંઇ હશે એનો સાચો ખુલાસો તારી પાસે કરીશ... નૉટ ઑન્લી ધૅટ, હું સંપૂર્ણપણે ગુજરાતીમાં બધાની વચ્ચે તારી માફી માંગીશ ને એમાં હું પાછો ય નહિ પડું. પોતાને જન્મજાત મરદજાત ગણનારાઓમાં સદીઓથી હજી અમારૂં નામ હાલ્યું આવે છે. ઈરાદા વગરની ભૂલ કરનારાઓને ખેલદિલીપૂર્વક માફી માંગતા શરમ આવતી નથી કેકોઇના બાપની  બીકે ય લાગતી નથી.

...
ઍન્ડ જસ્ટ થિન્ક ઑફ ઈટ ! માની લો કે, મને મારી ભૂલ ન લાગી. ગેરસમજ તારી હતી. તું ખુલાસો કરવાની કે પૂછવાની હિમ્મત ન કરી શક્યો એમાં આપણાં બન્નેના સંબંધો તુટવાના કગાર ઉપર આવી ગયા. તો શું કરવું ? જસ્ટ બીકૉઝ, તું ખુલાસો નથી કરતો અને મને મારા ગૂન્હાની જાણ નથી, એટલી જ વાત ઉપર કાયમ માટે આપણા સંબંધોના ડબલાં ડૂલ...???

બેવકૂફ, તારે કશું કરવાનું જ નથી, સિવાય જે કાંઇ હોય, સ્પષ્ટતાપૂર્વક મને પૂછી જોવાનું કે, તમારા ઘરમાં અમારા માટે ચા મૂકાવા જેટલો ય આદર નથી ?

પહેલા તો કહી દીધું ને કે, ભૂલ જ હશે તો ચોખ્ખી ગુજરાતીમાં માફી કેવળ સિંહલોકો માંગતા હોય છે ને એવા સિંહ અમે છીએ જ, પણ ક્યાંક ગેરસમજણ કે શરતચૂક હશે કે ઉતાવળનું બેધ્યાનપણું હશે-જે માફ ન જ કરી શકાયપણ અમારા ધ્યાનમાં ન આવ્યું હોય તો તું કહીશ તો કાચી સેકન્ડમાં ખુલાસો થઇ જશે ને આવનારા છસ્સો વર્ષો સુધી આપણા સંબંધો બગડતા અટકી જશે. આ સંબંધ બચાવવો તારા જેવા નબળાઓના હાથમાં હોય છે. અમારા જેવી (છપ્પનમાંથી વીસ જાય એવી) છત્રીસની છાતીવાળાના નહિ. તું બોલી નાંખ અને થઇ જા ભાયડો (તું સ્ત્રી હોય તો તને 'ભાયડો' નહિ, જે છું એનું  જ સન્માન રહેશે ! સ્પષ્ટતા પૂરી)

એક તો, સોશિયલી, હવે આપણા બધાનું મળવાનું ય સમજો ને... નીલ થઇ ગયું છે. શહેરોનો મારી નાંખે એવો ટ્રાફિક, ચારે બાજુથી પહોળા નહિ પણ સાંકડા થતા જતા શહેરોને કારણે એકબીજાના ઘરે જવાની અસમર્થતા, ઉંમરો વધવાને કારણે શરીરના રીફ્લૅક્સીસ ઓછા થઇ જવા, એકબીજાના ઘેર ગયા પછી આ સાલી નોટબંધી સિવાય બીજો કોઇ વિષય નહિ અને ખાસ તો, પહેલાસમો એકબીજા માટે આદર રહ્યો ન હોય,

એ બધા કારણોસર તમે કોઇને પ્રેમથી જમવા બોલાવો તો ય કોઇ આવતું નથી, ત્યારે જે કાંઇ સંબંધ છે, એને ટકાવી રાખવાનો અણગમો ખુલ્લો કર ને એમાં તું રામ જાણે કઇ વાતનું ખોટું લગાડી બેઠો હોય તેની અમને જાણ નહિ ! ઓ ભાઈ, નવા સંબંધો કે દોસ્તીઓ બાંધવી હવે પોસાય એમ નથી, તો પછી જે છે એને ટકાવી રાખવા અમારે એકલાએ નહિ, તારે પણ ખુલ્લા તો થવું પડશે ને ? આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે, આપણી તમામ લડાઇઓમાં 'આપણો તો કોઇ વાંક જ હોતો નથી... બધો સામેવાળાનો જ હોય છે !' કમનસીબે, સામેવાળો ય એવો જ વાયડો છે, એમાં સંબંધ પૂરો !

તારી ભલી થાય ચમના... એક વાર ખોટું તો ખોટું, સમાધાન કરી લેવાથી નીચાજોણું સામેવાળાને થવાનું છે. તારો હાથ ઉપર રહેશે. મને ગર્વ છે એ વાતનો કે, આજ સુધી મને કોઇ વાતનું કોઇનું ખોટું લાગ્યું નથી ને છતાં ય સંબંધ ભોંયભેગો થવાના કગાર ઉપર હોય તો સાચું કોણ ને ખોટું કોણ,એ બધી લમણાકૂટોમાં પડવાને બદલે હું સામે ચાલીને માફી માંગી આવું છું. (યસ. આપણે અશોક દવેની વાત કરી રહ્યા છીએ.) મારા દુશ્મનોને હરદમ હું સામેથી બોલાવું છું.

આ વાંચનાર મારો દુશ્મન હશે તો ય કબુલ કરશે કે, દુશ્મનની ક્વૉલિટી જોયા વિના... જસ્ટ સંબંધ ટકાવી રાખવા હું સામે ચાલીને ભેટવા ગયો છું. એ ન બોલે તો હું બોલાવું છું ને એમાં હું કોઇ નાના બાપનો થઇ જતો નથી. હું હંમેશા સાચો નહિ તો મોટો સાબિત થવાનો બેશક પ્રયત્ન કરૂં છું કે, મરતી વખતે અફસોસ મને રહી જવો ન જોઇએ કે, 'હું કાયમ આડો ચાલ્યો,

માટે સંબંધો પૂરા થઇ ગયા !' અનેક દોસ્તોએ પીઠમાં ઘા માર્યા છે. જેમનું મેં બાય ઑલ મીન્સ, સારૂં જ નહિ, ઘણું સારૂં કર્યું હોય એ લોકોએ માનવતા કોરાણે મૂકીને મારૂં ખરાબ કર્યું હોય તો પણ એવા દોસ્તો(!)ની સાથે હું સંબંધ ઉજળા રાખું છું. એમાં મારી ગ્રેટનેસ નહિ, મારી શાંતિને ઈમ્પોર્ટન્સ આપ્યું છે. મારો ઈગો મારી શાંતિની આડે ન આવવા દઉં. એ જ કારણ છે કે, રોજ રાત્રે શાંતિથી ઊંઘી શકું છું ને એવા વિચારો નથી આવતા કે, 'હજી પેલાને સીધો કરવાનો બાકી છે !' એ વાતનો હું વિકૃત આનંદે ય નથી લેતો કે, 'જો... હું સામેથી સમાધાન કરવા ગયો એમાં એનું મોંઢું કેવું લેવાઇ ગયું ?

આ બધી કૈફીયત પછી એવું લાગે કે, હું બહુ શાણો અને સજ્જન હોવાનો દેખાવ કરૂં છું. માય ફૂટ...! સજ્જન તો આપણામાંથી કોઇ નથી. મને એટલો જ ખ્યાલ આવે છે કે સંબંધ તોડીને એને હોય કે ન હોય, મને કોઇ ફાયદો નથી. ક્યાંક ઑલમોસ્ટ જીવલેણ અકસ્માત થયા પછી એકલો અટુલો હું રસ્તા ઉપર હું લાચાર થઇને લોહીલુહાણ પડયો હોઇશ ને સંબંધ ટકાવ્યો હશે તો મારો એ જ દોસ્ત કમસેકમ મને ઊભો કરવા કે ૧૦૮ બોલાવવા તો આવશે ! આપણે કોઇનું સારૂં બોલવા માટે એના મરવાની - એના બેસણાંની રાહ જોઇએ છીએ. એ વાતનો એડવાન્સ હપ્તો ભરીને એના જીવતે જીવ સારૂં બોલીએ અને એને ખબર પડશે કે, 'આ માણસનું મેં હંમેશા ખરાબ ઈચ્છ્યું ને એ તો મારા માટે સારૂં બોલે છે...' તો વિચાર કરી જુઓ... તમારા ચેહરા ઉપર કેવો વિજયીભાવ અને એના ચેહરા ઉપર કેવો પસ્તાવો લહેરાતો હશે ? આ વિજયીભાવ લાવવાની કોઇ મોટી કિંમત ચૂકવવી પડતી નથી. આપણે આપણી નજરમાં ઊંચા આવવાની જાહોજલાલી  બધાને મળતી નથી, ભાઇ...!
'
કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં,
એક વીંટી આંગળીમાં કઇ હદે નડતી હશે! '
-
ભાવિન ગોપાણી

બોલો. હું કાંઇ વધારે બોલી ગયો હોઉં તો મને ટોકવો. આ તો વખાણ કરવા કરતા ટોકવાનું  આપણને જરી વધારે ફાવે છેમાટે કીધું !
જયહિંદ.

સિક્સર
સૌથી પહેલી ગુજરાતી અર્બન ફિલ્મ 'બૅટર-હાફ' બનાવનાર આશિષ કક્કડની તાજી ફિલ્મ 'મિશન મમ્મી'માં નાના ટેણીયાને એના પપ્પા પૂછે છે, ''બધા કૂવે પડતા હોય એટલે તારે ય પડવાનું ?'' છોકરો હા પાડે છે. પપ્પા પૂછે છે, ''કેમ ?'' તો એ કહે છે, ''...પછી કુવા ઉપર એકલો ઊભો ઊભો હું શું કરૂં ?''

No comments: