Search This Blog

12/11/2017

એન્કાઉન્ટર : 12-11-2017

* માણસ ગમે એટલું ઈંગ્લિશ ભણે, પણ પાછળ કૂતરૂં દોડે, તો એને 'હઈડ હઈડ' જ કેમ બોલવું પડે છે?
- કૂતરાં કોઇ 'દિ ઈંગ્લિશમાં ભસે છે?
(
પરમ રાજા, જામજોધપુર)

* અશોકભાઈ, તમે આટલા 'ફની' કેમ છો?
- આ પગારમાં આટલા 'ફની' જ રહેવાય!
(
સેજલ એસ. વાઢેર, રાજકોટ)

* ચોઇસ મળે તો આવતા જન્મે શું થવું ગમે?
- બસ. રીપિટ થયે રાખવું.
(
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* 'એન્કાઉન્ટર' વાંચતા તમારી ઉંમર જાણવાની ઈચ્છા થઈ. કહેશો?
- તમારા શહેરના ટાઉન હૉલની સામેના 'અશોક સદન' જેટલી.
(
અંકૂર કણસાગરા, જામનગર)

* બીજાનું સુખ જોઈને લોકો નારાજ ક્યારે થાય?
- એ જોઈને કે, હજી ગુજરાતની ગાદી હાથમાં નહિ આવે!
(
ધર્મેશ રૂપારેલીયા, ગીરગઢડા)

* પૈસો હાથનો મેલ હોવા છતાં લોકો એની પાછળ કેમ ભાગે છે?
- મેલ ધોઇને કાદવ લાવવા.
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* સાવરકુંડલાની બસમાં પંક્ચર પડયું, એમાં ય લોકો નરેન્દ્ર મોદીને ગાળો દેતા હતા... બોલો!
- કોંગ્રેસના સપોર્ટરો ગાળો કદી ન બોલે!
(
મનિષ અમીન, વડોદરા)

* રામદેવ બાબાએ ભક્તિ સંગીતનો રીયાલિટી શૉ ચાલુ કર્યો છે...
- એમની કોઈપણ વાતમાં રાષ્ટ્રભક્તિ હોય છે, એ પર્યાપ્ત છે.
(
નીરા સરડવા, હિંમતનગર)

* 'ભલા, ઈન કી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યું હૈ...?' તમે શું માનો છો?
- એ તો જે પહેરતું હોય એને ખબર.
(
ભરત અંજારીયા, રાજકોટ)

* 'દીકરી અને ગાય, દોરે ત્યાં જાય' ... શું માનો છો?
- 'ફાવે ત્યાં જાય!'
(
જગદિશ ભોગીલાલ મેહતા, મુંબઈ)

* આતંકવાદી હૂમલાથી અનેક અમરનાથ યાત્રીઓ માર્યા ગયા... શિવજી ત્રીજું નેત્ર ક્યારે ખોલશે?
- એ નેત્રો ભારત સરકારે ખોલવાના હોય!
(
મણીબેન પટેલ, ઊંટડી)

* 'સ્વચ્છતા અભિયાન'થી 'કૉંગ્રેસ' અને 'ઊકરડો' જેવા શબ્દો ભૂલાઈ જશે?
- બેમાંથી એક જ ભૂસો ને... અર્થ સચવાઈ જશે!
(
ખુશ્બૂ માલવ મારૂ, રાજકોટ)

* તમને, 'તમે' શું હોવાનું ગર્વ છે? સફળ હાસ્યલેખક, દેશભક્ત ભારતીય કે આદર્શ પતિ?
- ભારતીય હો, એમાં સફળ- બફળ કે આદર્શ- ફાદર્શ... બધું આવી ગયું.
(
પૂજા એમ. વસ્તાણી, રાજકોટ)

* શું અમદાવાદમાં દાળવડાં કે ચોળાફળીની લારીઓ ઉપર ગ્રાહકોને ટોકન લેવા પડે છે?
- આપણે થર્મલની નોકરી ચાલુ રાખો ને, 'ઈ!
(
હરેશ બી. લાલવાણી, થર્મલ)

* કાર્યક્રમના આયોજકોએ જ 'રાષ્ટ્રગીત' ગવડાવવાનો નિયમ પાળવો ન જોઈએ?
- નિયમ બનાવીને રાષ્ટ્રગીત ગવાય, એવું શું કામ? એ આપણા બ્લડમાં હોવું જોઈએ.
(
રમેશ વલ્લભદાસ આશર, કાલાવડ)

* લાંચ લેતા પકડાતા સરકારી કર્મચારીઓ જોઈને બીજા એમાંથી શીખતા કેમ નહિ હોય?
- શેખાદમ આબુવાલાનો અસરકારક શે'ર છે :
'
લાંચ લેતે પકડા ગયા? ...લાંચ દે કે છુટ જા.'
(
રક્ષિત વોરા, ગાંધીનગર)

* કાશ્મિરમાં છેલ્લા ત્રણ વર્ષમાં યુધ્ધ વગર ૫૭૮- સૈનિકો શહીદ થયા... ૫૬'ની છાતીવાળા ક્યાં છે?
-  એ શહીદો ૫૬'ની છાતીવાળા હતા, એમ સમજવું.
(
ભાવુભા ઝાલા, ભાવનગર)

* મગજ શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે, છતાં 'મગજમારી' કેમ?
- એમ તો આંખ પણ એટલું જ મહત્ત્વનું છે, છતાં 'આંખમારીઓ' થાય છે જ ને?
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* વિદેશી ભારતીયોને ગુજરાત આવવા મોદીજી જોરદાર ભાષણો આપે છે, પણ ગુજરાતની હાલત કેવી છે, એ તો તમે ય જોતા જ હશો ને?
- તમે બીજા રાજ્યોમાં ફર્યા હશો. સમગ્ર દેશમાં ગુજરાત જેવું સુંદર રાજ્ય બીજું એકે ય છે?
(
બાબુભાઈ ભીખાપુરવાલા, ગોધરા)

* કોમવાદ, આતંકવાદ, ત્રાસવાદ... તમે કયા વાદમાં માનો છો?
- અમદાવાદ.
(અનિલ દેસાઈ, નિયોલ- સુરત)

No comments: