Search This Blog

11/11/2017

ફિલ્મ    :    'સાવન' ('૫૯)
નિર્માતા    :    એન.સી.ફિલ્મ્સ
દિગ્દર્શક    :    રમેશ તિવારી
સંગીત    :    હંસરાજ બહેલ
ગીતકારો    :    પ્રેમ ધવન-અસદ ભોપાલી
રનિંગ ટાઈમ  :  ૧૫ રીલ્સ ૧૪૧- મિનીટસ્
કલાકારો  :  ભારત ભૂષણ, અમિતા, તિવારી, જીવન, નિશી, લીલા મીશ્રા, અચલા સચદેવ, હૅલન, રાજેન્દ્રસિંઘ અને રાજુકુમાર

ગીતો
૧.    નૈન દ્વાર સે મન મેં વો આકર...    મુકેશ-લતા  
૨.    ભીગા ભીગા પ્યાર કા સમા...    શમશાદ બેગમ-રફી
૩.    તુમને કહા છુ, મૈંને છુ લિયા, કહા થા...    સુમન કલ્યાણપૂર-મહેન્દ્ર કપૂર
૪.    કાન્હા છેડો બાંસુરી, કન્હૈયા છેડો બાંસુરી...    લતા મંગેશકર
૫.    દેખો બીના સાવન બરસ ગઇ બદલી...    મુહમ્મદ રફી
૬.    મેરી ઘઘરી નૂં ઓ મેરી ઘઘરી નૂ...    શમશાદ-મુહમ્મદ રફી
૭.    મુરલી તેરી, પાયલ મેરી, તુ ગાયે, મૈં નાચું...    લતા મંગેશકર-મહેન્દ્ર
૮.    હાય કુછ હોગયા જી, ક્યા હો ગયા...    શમશાદ-મુહમ્મદ રફી
૯.    તુમ્હે યાદ કિયા મેરે દિલ ને...    લતા મંગેશકર
છેલ્લું ગીત અસદ ભોપાલી, બાકીના બધા પ્રેમ ધવન. ગીત નં. ના ગીતકાર વિશે માહિતી નથી.

શંકર-જયકિશનનો એક વર્લ્ડ-રેકોર્ડ તો એમના ડાય-હાર્ડ ચાહકોને ય ખબર નહિ હોય. એક અકલ્પ્ય પ્રયોગ એમણે ફિલ્મ 'ઉજાલા'માં મન્ના ડે અને સાથીઓએ ગાયેલા, 'અબ કહાં જાયે હમ, યે બતા અય ઝમીં...'માં કર્યો હતો, જે આ લખાય છે, ત્યાં સુધી તો અન્ય કોઇની નજરે કે કાને પડયો નથી.

આ ગીતમાં પુરૂષ ગાયકોનું કોરસ તો છે જ, પણ એની પાછળ પાછળ 'ક્વૉયર' (CHOIR) પણ ગાય છે. ક્વૉયર એટલે આમ કોરસ જેવું જ, ફર્ક એટલો કે એમાં કોરસે શબ્દો ન ગાવાના હોય. 'દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા...' ગીતમાં મૂળ ગાયકોની પાછળ સાથીઓ (કોરસ) પણ ગાય છે, એવું ક્વૉયરમાં પણ સહગાયકો જ ગાતા હોય, પણ શબ્દો ન હોય અને કોરસમાં બહુ બહુ તો ૧૦-૧૫ ગાયકો હોય ('મુગલ-એ-આઝમ'ના મુહમ્મદ રફીના 'ઝીંદાબાદ, ઝીંદાબાદ, અય મુહબ્બત તું ઝીંદાબાદ...' ગીતમાં ૧૦૦ ગાયકોએ કોરસમાં ગાયું હતું.), પણ ક્વૉયરમાં લગભગ ૨૦-૨૦ ગાયકોની ત્રણ ટીમો હોય, જે સરગમના ખરજ, મધ્ધમ અને તીવ્ર સૂરોમાંથી ત્રણે ટીમોને કોઈ એક સૂર આપવામાં આવ્યો હોય, જેમ કે 'સારેગમપધનિ'માંથી '', એટલે ત્રણે ટીમોએ જે હમિંગ કરવાનું હોય તે ''થી શરૂ કરે. પછી નિ સા ગ રે મ... જે આવતા હોય, એ પ્રમાણે એક સાથે બધા ગાય અને એ ય કોઈ શબ્દના ઉચ્ચારણ વગર... પરિણામે, જે અલૌકીક ધ્વનિ પેદા થાય, તે તમે ફિલ્મ 'દિલ એક મંદિર'ના જ ટાઈટલ સોંગમાં મુહમ્મદ રફી હજી 'જાનેવાલે, કભી નહિ આતે...' શરૂ કરે તે પહેલા જ ક્વૌયર ગાયકોનું ગાન સંભળાય છે.

સલિલ ચૌધરીએ તો ક્વોયરનો તોફાની ઉપયોગ ફિલ્મ 'પૂનમ કી રાત'ના રફીના 'દિલ તડપે તડપાયે...' ગીતના ત્રણે અંતરાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિકમાં કર્યો છે. (થોડી વધુ જાણકારીના શોખિનો માટે રફીએ ત્રીજા અંતરામાં 'કિસ કો સદા દૂં'માં આ 'દૂઉંઉંઉં...'ને છેક ક્યાં સુધી લઇ ગયા છે, તે સાંભળવું શ્રવણીય છે.

'દૂં'ને મચડી નાંખવાની કળાને સાદી સમઝ મુજબ, 'મુર્કી' કહે છે. પ્રસ્તુત ગીતના રેકોર્ડિંગ પછી, રફીએ સલિલને હસતા હસતા કીધું હતું, 'સલિલ સા'બ... આપ તો પૂરા ગલા ચૂસ લેતે હો...' કહીને બન્ને હસી પડયા હતા. તો ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઈ'ના લતાના 'અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ...' ગીતમાં ક્વૉયરનો અનન્ય પ્રયોગ શંકર-જયકિશને જ કર્યો છે.

આમાં વર્લ્ડ-રૅકોર્ડવાળી વાત એ આવી કે, શંકર-જયકિશને ફિલ્મ 'ઉજાલા'ના 'અબ કહાં જાયે હમ...' ગીતમાં કોરસની સાથે સાથે અડોઅડ જ ક્વૉઇરનો ઉપયોગ મધુરો મધુરો કર્યો છે, જે મીશ્રણ હજી સુધી બીજા કોઈ હિંદી ફિલ્મ ગીતમાં તો સાંભળ્યું નથી.

આ જ જોડીએ એવો જ દિલધડક પ્રયોગ (પ્રયોગ એટલા માટે કે, '૫૦ના દશકની હિંદી ફિલ્મોમાં હજી સુધી તો કોઈ સંગીતકારે કર્યો નહતો) રાજ કપૂર-નૂતનની ફિલ્મ 'અનાડી'ના લતામંગેશકરના ક્લબ સોંગ 'નાઈન્ટીન ફિફ્ટી સિક્સ, નાઇન્ટીન ફિફ્ટી સૅવન...'માં અજૂબો કર્યો હતો.

આટલી ફાસ્ટ લય અને વિદેશી વાદ્યોથી ભરચક આ ગીતમાં એકોર્ડિયન. ટ્રમ્પેટ, ચેલો, વોયલિન, ક્લૅરિનેટ, કોર્નેટ, ઓબો, ટ્રોમ્બોન અને સૅક્સોફોન ઉપરાંત પર્કશન્સમાં ડ્રમ્સ અને બોંગા-કોંગા, બાસ-ડ્રમ્સ, સિમ્બાલ્સ અને ઝાયલોફોનનો પ્રયોગ બખૂબીથી આ એક ગીત માટે કર્યો છે.(ડાન્સ હૅલન અને સાથીઓ ઉપર અને મન્ના ડે પ્લેબૅક અસિમકુમાર અને પછી રાજ કપૂર માટે આપ્યું છે.)

અને આવો જ તોફાની પ્રયોગ આપણા બહુ 'રૅર' સંગીતકાર હંસરાજ બહેલે આજની ફિલ્મ 'સાવન'માં કર્યો, જે એક મિસાલ ગણાઈ. આ ગીત રીલિઝ થયું ત્યારે ફિલ્મ સંગીતનગરીનો કોઈ એવો બાશિંદો હંસરાજ બહેલને ભેટીને અભિનંદન આપ્યા વિના રહી શક્યો નહોતો. ... અને આ પ્રયોગ હતો, 'નૈન દ્વાર સે મન મેં વો આયે, મન મેં આગ લગાયે' એ લતા-મૂકેશના યુગલ ગીતમાં થયો છે.

એને યુગલ ગીત કહેવાય કે કેમ, એ પણ સવાલ હજી ઊભો જ છે કારણ કે, મૂકેશ પાસે સલિલ દા એ પૂર્ણપણે ખરજમાં ગવડાવ્યું છે. આ વાંચતા વાંચતા કેવળ ટ્રાયલ ખાતર નાભીમાંથી અવાજ કાઢીને મૂકેશના સૂરમાં ગાઈ જુઓ, 'નૈનદ્વાર સે મન મેં વો આયો...' !

પણ પ્રયોગ હવે શરૂ થાય છે કે, મૂકેશે મુખડું (સ્થાયી) ગાઈ લીધું કે તરત જ, લતા સમજો ને લગભગ તારસપ્તકથી 'હાય રસિયા છલ કિયે જાય, જીયરા લિયે જાય...' ગાય ને એ પૂરૂં થાય કે તરત મૂકેશનો પંકજ  મલિકના સ્તરે પહોંચેલો ખરજનો સ્વર, 'નૈનદ્વારે સે...'

ઠહેરો ઠહેરો... પિકચર અભી બાકી હૈ ! આ બે પ્રયોગો થઇ ગયા પછી હંસરાજ બહેલ અટકતા નથી અને ત્રીજા અંતરામાં તદ્દન ધીમા લયમાં લતા મંગેશકરે 'નૈન દ્વાર સે મન મેં વો આયે...' ગાઈને એક ગીતની ત્રીજી મધુરી રજુઆત પૂરી કરે છે. હંસરાજ બહેલનો આ પ્રયોગ અગાઉ તો કોઈ સંગીતકારે ચોક્કસ નથી કર્યો, પણ પ્રયોગોના રાજાધિરાજ સલિલ ચૌધરીએ આ પ્રયોગ રીપિટ કર્યો ફિલ્મ 'પૂનમ કી રાત'માં જ !

'સપનોં મેં મેરે કોઈ આયે જાયે, ઝલકી દિખાયેં ઔર છુપ જાયેં...' અહીં પણ મુકેશ સોલોમાં સ્થાયી ગાઇ રહે, કે તરત જ લતા અને ઉષા મંગેશકર બહેનો 'વો દેખો મેરા મન જાયે રે હાય, કિ દેખો ચલા જાય રે હાય...' યુગલસ્વરોમાં ગાય છે, પણ ફિલ્મ જોતી વખતે ચોકી જવાય છે કે ગાય છે પેલી એકલી ને અવાજો શેના બબ્બે નીકળે છે ?

એ તો પહેલા અંતરા પછી બીજી હીરોઇન નંદિની પણ સાથે સાથે ગાતી હોવાથી બે ય ના અવાજો સંભળાય છે ને પાછું એવું ય થાય કે, એકલી હિરોઈન (કુમુદ છુગાની) ગાતી હોય ત્યારે બે અવાજો ય નીકળે ને એકે ય નીકળે!

આપણો ગુસ્સો કોઈ એકાદા સંગીતકાર માટે આ જ કારણ નીકળે છે. આજની ફિલ્મ 'સાવન' માટે તો ચાર લાઈનો ય લખી શકાય નહિ, એવી કંટાળાછાપ ફિલ્મ બની છે ને તમે જાણો છો ને એનો હીરો બીજો કોઈ નહિ ને પાછો આપણો ભા.ભૂ.... એટલે ભારત ભૂષણ! સાલું, કમાવવાનું શું આખી ફિલ્મ જોઈને પણ?

કોઈને કૉમેડી લાગશે પણ ભા.ભૂ. અહીં આપણા અમિતાભ બચ્ચન જેવો એન્ગ્રી યંગ મેન પણ બને છે, કાંઈ નહિ ને પાછો ડાકૂ બને છે અને હવે તમે કહેવડાવશો તો આ વાંચતા હો ત્યારે હું તમને ઝાલી રાખવા બે માણસો મોકલીશ કે, ભા.ભૂ. પાછો આ ફિલ્મમાં ડબલ-રૉલમાં છે! સાલી એની ત્રણ કલાકની આખી ફિલ્મે એ હોય ત્યારે દોઢ કલાક કાપીને જોઈએ છે, ત્યારે એને બબ્બે વાર જોવાનો!

વાત તો હંસરાજ બહેલની હતી કે, એ પેલા સમૃધ્ધ સંગીતકારોની લાઈનમાં નહોતો કે, વર્ષની ૭-૮ ફિલ્મો આવે જાય, બિનાકામાં એમના ગીતો ઘણી બધી પાયદાનો ઉપર વાગતા હોય, એકથી પાંચ તમને ગમતા સંગીતકારોમાં એમનું નામ હોય જ... એવા મોટા ગજાંના અનેક સંગીતકારો સાથે આ લોકોની કોઈ બરોબરી નહોતી, છતાં આ લોકો ય પૂરા સમર્થ કલાકારો હતા... બહુ બહુ તો એમને પોતાનો માલ વેચતા ન આવડયો-આજની લિંગો મુજબ, એમનું માર્કેટિંગ નબળું હતું.

નહિ તો આ જ આશા ભોંસલેને હિંદી ફિલ્મોમાં લાવનાર જ હંસરાજ બહેલ હતા. માય ગૉડ... કેવા કેવા સૂરીલા અને આપણી તિજોરીમાં કોઈને અડવા ય ન દઈએ, એવા મીઠાં ગીતો બહેલજી બનાવતા ગયા છે! તીનપત્તીમાં બ્લાઈન્ડમાં સામેવાળો શૉ કરાવે ને એક્કો દેખાઈ જાય, પછી બાકીના બે પત્તાં ખોલવાની જરૂર જ ન રહે, એમ હંસરાજ બહેલનું ફિલ્મ 'મિલન'નું ('૫૮) લતા મંગેશકરે ગાયેલું 'હાય જીયા રોયે, રોયે, પિયા નાહિ આયે...' એટલું જ કાફી છે, બહેલ સાહેબ શું હસ્તિ હતા, એ બતાવવા !

અલબત્ત, આ તો હવે પાગલ થઈ ચૂકેલા મારા જેવા મૂકેશપ્રેમીઓને જ યાદ હોય એ શમશાદ બેગમ સાથેનું ફિલ્મ 'છિન લે આઝાદી' ('૪૭)નું ગીત, 'મોતી ચૂગને ગઈ રે હંસિ માનસરોવર તીર' સાંભળો એટલે સામે ચાલીને તમારે આપણા બે ય ની દુબાઇની બિઝનેસ-ક્લાસની ટિકિટ કઢાવી આપવાના છો. સું કિયો છો?... કાં'ક તો કિયો...! આ પછી ય સૂરીલા ગીતોની લંગાર બાકી છે.

'હાય ચંદા ગયે પરદેશ, ચકોરી યહાં રો રો મરે-લતા (ચકોરી)', 'જીન રાતોં મેં નીંદ ઊડ જાતી હૈ-રફી (રાત કી રાની), જીંદગીભર ગમ જુદાઇ કા મુઝે તડપાયેગા-રફી (મિસ બૉમ્બે) અને ફિલ્મ 'ચંગેઝ ખાન'માં રફીનું મુહબ્બત જીંદા રહેતી હૈ, મુહબ્બત મર નહિ સકતી' અને લતાબાઇનું 'જબ રાત નહિ કટતી...!'

આટલા લાંબા ભાષણ પછી સાબિત એટલું જ કરવું હતું કે, આ કહેવાતા નાના સંગીતકારોને જ્યારે ફિલ્મો મળી ત્યારે મોટા બેનરો, હીરો-હીરોઇનો કે પૈસાના બથ્થેબથ્થા નહોતા મળતા અને છતાં ય ફિલ્મે ફિલ્મે એમનું સંગીત સાંભળો. કેવું મીઠડું- મધુરૂં ! કમનસીબી એવી છે કે, આજના સ્ટેજ-પ્રોગ્રામોમાં શ્રોતાઓને શ્યામસુંદર, વિનોદ, ખેમચંદ પ્રકાશ, વસત દેસાઇ, ગુલામ મુહમ્મદ, સજ્જાદ હુસેન કે ગુલામ હૈદરોની ઓળખાણો આપવી પડે છે.

પણ પછી કહીએ કે, 'જ્યોતિ કળશ છલકે'ના સંગીતકાર સુધીર ફડકે હતા અથવા તો લતાના 'અય દિલ મચલ મચલ કે યું, રોતા હૈ ઝાર ઝાર ક્યા?'ના સંગીતકાર લચ્છીરામ હતા, તો એકે ય ને ઓળખી ન શકે! આ બધા શો-કૅસથી સીધા ગોડાઉનોમાં મોકલાવી દેવાતા ઘરેણાંઓ હતા.

અહીં આપણો હીરો ભા.ભૂ. છે. ડાકુ તિવારી એને અને એના જુડવા ભાઈને વિધવા મા અચલા સચદેવ પાસેથી ઉઠાવી જાય છે. મોટો જંગલોમાં વાંસળીઓ વગાડતો ફરે છે ને નાનો ડાકુ સરદાર તિવારી સાથે જોડાઈ જાય છે.

ડાકુને પ્રેમિકા તરીકે ડાકણ... આઇ મીન, એવી જ ડાકુયુવતી (ફિલ્મ 'ગંગા જમુના'વાળી) નિશી ફાળવવામાં આવી છે, જ્યારે મોટા ભા.ભુ.ને હીરોઇન અમિતા. હસતી રમતી યુવાન અમિતા ઉપર દેશના રાજાની (રાજેન્દ્રસિંહ... જેને તમે 'ફિર વો હી દીલ લાયા હૂં'માં પોપટલાલ-રાજીન્દરનાથના બેવકૂફ બાપના રોલમાં જોયો છે. એની પઠ્ઠા જેવી જાડી મા ઈન્દિરા બંસલ છે.) નજર બગડે છે અને અમિતાના લાલચૂ ચાચા જીવણને ધનદૌલત આપી ખરીદી લે છે.

બન્ને ભા.ભૂ.ઓને ફિલ્મની વચમાં ફાવે ત્યાં મારામારી કરી લેવાની હોય છે અને એ બન્નેની મા અચલા સચદેવને આંસુડા સારવાના હોય છે. આઘાતની વાત છે કે, એક જમાનાની સમૃધ્ધ હીરોઇન નિશી આ બીજા ભા.ભૂ.ની ફાલતુ પ્રેમિકાના કોઈ ૩૬-સેકન્ડના રોલમાં છે.

રાજાના કમાન્ડો તરીકે જે હટ્ટોકટ્ટો લમ્બુ સાથે ને સાથે હોય છે, તે રાજુ કુમારને તમે એ જમાનાની લગભગ બધી ફિલ્મોમાં જોયો જ હોય. ટૂનટૂન એકાદ બે દ્રષ્ય માટે આવે છે, પણ સ્ટુપિડ દિગ્દર્શક એની પાસે કયું કામ લેવા માંગે છે, એ આજે ફિલ્મના ૬૭-વર્ષ પછી ય નક્કી ન હોવાથી ટૂનટૂન આવે અને જાય-ઍક્ટિંગ પૂરી.

3 comments:

Padmanabh K. Joshi said...

Excellent analysis of Shankar-Jaikishan's orchestra style and the way they used chorus and choir. In 1960 Anil Biswas and Salil Chowdhury presented few Bengali choir songs in Town Hall. You have very well presented SJ innovative experiment. Congratulations.

jagadaviren said...

I think jahan daal daal par sone ki chidiya karati hai basera was also behlji s composition.

Ashok Dave said...

Yes. You are right. Jahan Daal Daal Par....' certainly Hansraj Behl's composition. Thanks.