Search This Blog

17/11/2017

ફિલ્મ : શારદા ('૫૭)
નિર્માદા-દિગ્દર્શક : એલ.વી. પ્રસાદ
સંગીત : સી. રામચંદ્ર
ગીતકાર : રાજીન્દર ક્રિષ્ણ
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ : ૧૨૮-મિનિટ્સ
થીયેટર : રીગલ અને લિબર્ટી (મધુરમ સિનેમા)
કલાકારો : રાજ કપૂર, મીના કુમારી, અનિતા ગુહા, રાજ મેહરા, ઓમપ્રકાશ, કઠાના, આગા, રાજન હકસર, મનોરમા, ગોપ, રણધીર, નઝીર કાશ્મિરી અને શીલા વાઝ.

ગીતો
૧.નિખિલ ભૂવન પાલમ નિત્યમ...   લતા મંગેશકર
૨.જપ જપ જપ જપ જપ રે, જપ રે...    મૂકેશ
૩.ઓ ચાંદ જહાં વો જાયે, તૂ ભી...   લતા-આશા ભોંસલે
૪.આજુ રે બાજુ રે...     આશા ભોંસલે- વિનોદ  ચેટર્જી
૫.લહેરાયે જીયા, બલ ખાયે જીયા,...      આશા ભોંસલે
૬.યે સુબહ સુબહ ભગવાન જરા...      આશા ભોંસલે-કોરસ
૭.ચાહે જીંદગી સે જીતના ભી ભાગ લે...      મન્ના ડે
૮.અચ્છા હૈ મોકા, કિસને હૈ રોકા...    આશા ભોંસલે-મન્ના ડે
૯.દુનિયાને તો મુઝકો છોડ દિયા...    મન્ના ડે
ગીત નં.૩ ફિલ્મની ડીવીડી-માં ઉપલબ્ધ નથી.

રાજ કપૂર હોય કે મીના કુમારી, આપણે એ લોકોની ઘણી બધી ફિલ્મો વિશે જાણીએ છીએ, પણ રામ જાણે કેમ આ એક અદ્ભુત ફિલ્મ 'શારદા' અછુતી રહી ગઈ. બહુ ઓછા ચાહકો ઈવન જાણે પણ છે કે, 'શારદા' નામની આવી કોઈ ફિલ્મ પણ આવી હતી!

અલબત્ત, ખણીખોતરીને એક કારણ કદાચ મળે કે, એ સમયની તમામ હિટ ફિલ્મોના કારણોમાં મેજર હિસ્સો ફિલ્મના ગીતોનો હતો, જેને ફિલ્મની 'રીપીટ-વેલ્યૂ' કહે છે, એ આ ફિલ્મ 'શારદા'માં સદંતર ગેરહાજરી હતી. ફિલ્મનું એકાદું ગીત મશહૂર થયું હોય તો ય લોકો જોવા જાય. આનું એકે ય નહિ.

સંગીતકાર સી.રામચંદ્ર લતા મંગેશકરના પ્રેમમાં પૂરા ડૂબેલા હતા, એ બધી વાત સાચી પણ (આ ફિલ્મમાં ય લતાનું એક હિટ ગીત અન્ના આપી શક્યા નથી) એક લતાને કારણે એ પુરૂષ ગાયકોને પણ દૂર રાખતા હતા. મુહમ્મદ રફી, મૂકેશ, હેમંત કુમાર, મન્ના ડેનો તો વિચારે ય નહિ કરવાનો... રડયા-ખડયા થોડા ગીતો આ ગાયકોના મળી આવે. તલત મેહમુદ જેવો પોતાનો અવાજ હતો, માટે ક્યારેક તલત અન્નાની ફિલ્મોમાં દેખાયો-આઈ મીન, સંભળાયો છે.

સી.રામચંદ્રે આ ફિલ્મમાં કયા મેળનું સંગીત આપ્યું છે, એ સમજાય એવું નથી. એક એક ફિલમના હિટ ગીતોનો સ્ટ્રાઈક-રેટ તો સમજ્યા કે એમનો ગઢ નહતો. પણ પૂરી કરિયરમાં રાજ કપૂર અને મીના કુમારી જેવા લેજન્ડરી કલાકારોની ફિલ્મ મળી હોય ને ૯-માંથી એક ગીત પણ જામે નહિ?

આવી તક મળે ત્યારે તો ભલભલો સંગીતકાર તોડીમરોડીને ય ફિલ્મના ગીતો હિટ કરવા માંગે, પણ આ ફિલ્મમાં તો એકે ય ગીત એવું નહિ, જે તમને અત્યારે યાદ આવે! મૂકેશને એમણે અન્ય કોઈ ફિલ્મમાં ગવડાવ્યું છે કે નહિ, તે અત્યારે તો યાદ આવતું નથી પણ મન્ના ડે જેવા સિધ્ધહસ્ત ગાયક પાસેથી ય કામ લેવામાં કોઈ કુશળતા નહિ? બે ગીતો મન્ના દાને મળ્યા છે અને બન્ને...!

વધારે કમનસીબીની વાત એ છે કે, આ ફિલ્મ ૧૯૫૭-માં આવી ત્યારે તો અન્નાનો જમાનો પુરબહારમાં ખીલેલો હતો. અલબત્ત, એ ખીલેલા જમાનામાં મોટો ફાળો લતા મંગેશકરના ગીતોનો હતો. યાસ્મિન, મીનાર, ઝાંઝર, અલબેલા, નવરંગ, શગૂફા, લહેરેં, શિન શિનાકી બૂબલા બૂ, સાકી, સગાઈ, પતંગા, ખજાના, શબિસ્તાન, સમાધિ, નમૂના, સિપહીયા કે બહુ જૂની ફિલ્મ 'સફર' ગણીએ તો ફિલ્મસંગીતમાં ઘણું આદરણીય નામ હતું અન્નાનું.

પણ લતાબાઈ સાથે ફિલ્મ 'પૈગામ'ના મરાઠા મંદિર ખાતે થયેલા ઝગડા પછી અન્ના પુરા ફેંકાઈ ગયા. છેલ્લી હિટ ફિલ્મ 'નવરંગ' હતી. છેલ્લે છેલ્લે તો. '૭૦-ની આસપાસની તો ફિલ્મોના નામ વાંચો, 'એક અલબેલા', 'તુફાની ટક્કર', 'તુલસી વિવાહ' ...ઓહ, અન્ના શું હતા ને શું થઈ ગયા!

મૂળ તેલગૂ ફિલ્મ 'ઈલાવેલપુ' ('૫૬) ઉપરથી હિંદીમાં 'શારદા' બનાવવામાં આવી હતી. 'ઈલાવેલપૂ'માં આપણા મનપસંદ 'કુહુ કુહુ બોલે કોયલીયા...' ગીતની ફિલ્મ 'સુવર્ણસુંદરી'ના હીરો-હીરોઈન અંજલિદેવી અને અક્કીનેની નાગેશ્વર રાવ (જે તેલગૂના આજના મશહુર હીરો નાગાર્જુનના પિતા હતા.)  નિર્માતા-દિગ્દર્શક એલ.વી. પ્રસાદે કેવળ સામાજીક અને મોટા ભાગની સુંદર ફિલ્મો જ બનાવી છે અને તેમાંની પહેલી આ 'શારદા'.

પ્રસાદ પ્રોડક્શન્સની હિંદીમાં કેટલી બધી સફળ સામાજીક ફિલ્મો બની હતી... એમાંની સૌથી પહેલી આ 'શારદા'. એ પછી છોટી બહેન, સસુરાલ, હમરાહી, બેટી બેટે, દાદી મા, મિલન, રાજા ઔર રંક, જીને કી રાહ, ખિલૌના, શાદી કે બાદ અને બિદાઈ. એ પછી ય 'ઉધાર કા સિંદુર' જેવી તો ઘણી ફિલ્મો આવી, પણ આપણા કામની તો અહીં ગણાવી એ જ!

આજની ફિલ્મ 'શારદા'ની સ્ટોરી આમ તો સિમ્પલ છે, છતાં ઘાતક અને મોટો આંચકો આપનારી છે. ફિલ્મ પ્રસાદ પ્રોડક્શન્સની હતી, એટલે બીજી ફિલ્મમાં જોવા ન મળે, એવી તગડી વાર્તા અહીં છે.

નૅચરોપથીના આશ્રમમાં કામ કરતી ગરીબ ઘરની મીના કુમારીને ત્યાં કરોડપતિ રાજ કપૂરનો પરિચય પ્રેમમાં પરિણમે છે. રાજને અચાનક ધંધાના કામે ચીન જવાનું થાય છે અને એની સ્ટીમર ડૂબી જવાના સમાચારથી એનું કુટુંબ ભાંગી પડે છે. રાજની ગૈરહાજરીનો ખાલીપો દૂર કરવા એના વિધુર પિતા મીના કુમારી સાથે પરણે છે.

મીનાનો ગરીબ બાપ (ઉમા દત્ત) દીકરીને મોટા ઘરમાં પરણાવવાનો સંતોષ લે છે. રાજ ગૂજરી ગયો હોવાથી મીનાને ય આમાં કોઈ વાંધો લાગતો નથી. બચી ગયેલો રાજ પાછો આવે છે અને હેબતાઈ જાય છે. મીના ઉપર ગુસ્સો તો ખૂબ કરે છે પણ બાજી એના હાથમાંથી નીકળી ચૂકી છે અને એ દારૂસિગારેટના રવાડે ચઢી જાય છે.

અલબત્ત, મીના કુમારી એને સુધારવા કટિબધ્ધ છે અને રાજના ધિક્કાર અને લાચારી છતાં સામાજીક મૂલ્યોને જાળવવા મીના એક વખતના તેના આ પ્રેમીના મોંઢે 'મા' બોલાવે છે અને આ દુ:ખી પ્રેમીને એક સમયની પોતાની પ્રેમીકાને પિતાની પત્ની તરીકે જોઈ જોઈને ખૂબ દુ:ખી થાય પછી મીના કુમારીનો મા તરીકે સ્વીકાર કરે છે. રાજ હૃદયપૂર્વક મીના કુમારીને મા તરીકે સ્વીકારે છે.

પરિવાર અને મીનાની ઈચ્છા મુજબ. રાજના લગ્ન કરાવી દેવામાં આવે છે, શ્યામા સાથે. શ્યામાના મનમાં ઝેર ભરેલું છે કે, આ કોઈ મા-દીકરો નથી, જૂના પ્રેમીઓ છે, ત્યારે આખા કુટુંબમાં તબાહી મચી જાય છે. અંતમાં, શ્યામાને સાચી વાત સમજાતા બધું સમુંસુતરૂં પાર તો ઉતરે છે, પણ મીના કુમારીના દેહાંત પછી.

આવી અદ્ભુત વાર્તા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આવા બેનમૂન હીરો-હીરોઈન મળ્યા હોય ત્યારે ફિલ્મ કેવી વહાલી લાગે! સારા ઘરના પરિવારોએ ડીવીડી-મંગાવીને આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે.

ઍક્ટિંગના બહુ મોટા જહૂર બતાવી શકાય, એવા કોઈ પાત્રાલેખન તો રાજ કપૂર કે મીના કુમારીને આ ફિલ્મમાં મળ્યા નહોતા, છતાં ય એ બન્ને સ્ક્રીન પર આવે ત્યાં સુધી નજર હટવાનું નામ ન લે. આપણે એ લોકોથી એટલા ઈમ્પ્રેસ્ડ હતા. એ બન્ને ઊભા રહે, એમાં ય આપણને 'ઓહોહો' એક્ટિંગ લાગે, ત્યારે અહીં તો રાજ કપૂર એની ઍક્ટિંગની કાબિલીયતના જોરે પૂરી ફિલ્મ ઉપર છવાઈ ગયો છે.

આ મોટી તાજ્જુબીની વાત છે કે, મીના કુમારીના જમાનામાં રાજ-દિલીપ અને દેવ આનંદ પૂરબહારમાં ખીલ્યા હતા, છતાં મીના રાજ-દેવ સાથે ભાગ્યે જ કોઈ બે-ચાર ફિલ્મોમાં આવી.

એ લોકો વચ્ચે ઝગડા-ફગડા જેવું તો કાંઈ નહોતું, છતાં મીના તો દિલીપ કુમાર કરતા ય પ્રદીપ કુમારો કે ભારત ભૂષણો સાથે વધારે આવી. મીનાને તો એવી પ્રોફેશનલ ઉસ્તાદી વાપરવાની જરૂર પડે એમ નહોતું કે, પોતાનાથી ઓછી શાન અને આવડતવાળા હીરો સાથે કામ કરીએ તો પ્રેક્ષકો માર્કસ આપણને જ આપે.

મીના પોતે જ એક સંપૂર્ણ અભિનેત્રી હતી. આ ફિલ્મ 'શારદા' જોવાનો સોટો એટલે જ વધુ ચઢે કે, રાજ કપૂર અને મીના કુમારી બન્ને એકબીજાથી ચઢીયાતા અદાકારો હતા અને ખૂબ દેખાવડા, એટલે ફિલ્મની કોઈ ફ્રેમ જોયા વગરની ખાલી ન જાય!

ફિલ્મ 'જંગલી'માં શમ્મી કપૂર સામે વિલન બનતો ટાલીયો અદાકાર રાજન હકસર છે. મોટા ભાગની ફિલ્મોમાં એ ગુંડો બને છે, પણ 'શૉકિંગલી...' અહીં એ નેચરોપથી આશ્રમનો પવિત્ર ગુરૂદેવ બને છે. એની જાડી અને કકળાટીયણ પત્ની મનોરમા મૂળ તો દલસુખ પંચોલીની ૧૯૪૧-માં બનેલી ફિલ્મ 'ખઝાનચી'માં નાજુક નમણી નાર તરીકે સાઇડ-હીરોઈનના રોલમાં આવી હતી.

આ ફિલ્મમાં મનોરમા શ્યામાની મા નો રોલ કરે છે. ફિલ્મ 'સીતા ઔર ગીતા'માં હેમા માલિનીને સખ્ત પજવતી સ્ત્રીનો રોલ વખણાયો હતો. અહીં આગા એનો દીકરો બને છે. જે ગોરમહારાજને લઈને મનોરમા આશ્રમ આવે છે, તે કૉમેડિયન ગોળમટોળ 'કઠાના' છે.

ફિલ્મમાં રાજ કપૂરનો સાળો અને શ્યામાનો ભાઈ બનતો કૉમેડિયન આગા પણ આઇ.એસ.જોહરની જેમ હૉલીવુડના કૉમેડિયન બૉબ હૉપથી પ્રેરિત થયેલો અદાકાર હતો. લગભગ દરેક ફિલ્મમાં એ કોઈની વાત સાંભળીને મસ્તીથી હા-એ-હા કરે ને પછીની ક્ષણે, ''ક્યા...? મૈં ગધા હૂં..???'' કહીને બૂમ પાડી ઉઠે, એ સ્ટાઈલ એણે બૉબ હૉપની કબુલ કરી હતી. આગા ઠેઠ ૧૯૩૫-થી હિંદી ફિલ્મોમાં આવ્યો હતો. એની પહેલી ફિલ્મ હતી. 'સ્ત્રી-ધર્મ'. 'શોલે'ના 'મેહબૂબા મેહબૂબા...'નો ડાન્સર જલાલ આગાનો આ પિતા ફિલ્મનગરીમાં સૌથી વધુ ગાળો બોલતો ઍક્ટર કહેવાયો.

મા-બેનની નઠારી ગાળો એ કારણ વિના બોલી શકતો અને મીના કુમારી હોય કે નરગીસ, કોઈની પણ ઉપસ્થિતિમાં એનો આ વાણીપ્રવાહ ચાલુ રહેતો. પૂરી જીંદગીમાં ટોટલ ત્રણ દિવસ સ્કૂલે ગયેલા આગાને ફિલ્મોમાં આવવું હતું ને અચાનક એને શૂટિંગ જોવા મળી ગયું. પૃથ્વીરાજ કપૂર અને મુબારક વચ્ચે સંવાદના એ દ્રષ્યો હતા.

એ વખતે હજી સાયલન્ટ ફિલ્મોનો જમાનો ચાલતો હતો એટલે શૂટિંગ વખતે બોલાયેલા અવાજો રેકોર્ડ ન થતા, એટલે શૂટિંગની મસ્તી લેવા પૃથ્વીરાજ અને મુબારક હસતા હસતા એકબીજાને નઠારી ગાળો બોલતા (જે રેકોર્ડ થવાની નહોતી). આ શૂટિંગ જોઈ રહેલા આગાને ઘણી નવાઈ લાગી. આટલા મોટા સ્ટાર્સ અને આવી ગાળો...? બસ. એના મન ઉપર આ છાપ અંકિત થઈ ગઈ અને એ જીવ્યો ત્યાં સુધી એ પોતે ગાળોનો આદિ થઈ ગયો.

'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'નો સુપ્રીન્ટેન્ડેન્ટ સા'બ રાજ મેહરા અહીં રાજ કપૂરના પિતા અને મીના કુમારીના બીજવરની ભૂમિકામાં 'બેસ્ટ સપૉર્ટિંગ એક્ટર'નો ફિલ્મફેર એવોર્ડ જીતી ગયો હતો. શ્યામાને સપૉર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ 'મધર ઈન્ડિયા' મોટા ભાગના એવોર્ડ જીતી ગઈ, એમાં નરગીસને બેસ્ટ એક્ટ્રેસનો મળ્યો અને આ ફિલ્મ માટે મીના કુમારીને માત્ર શાબાશી મળી. ફિલ્મ જુઓ તો આઘાત લાગે કે, એવોર્ડ મેળવવા જેવો રાજ મહેરાનો ન તો રોલ હતો, ન એવી કોઇ એકિટંગનો સ્કોપ ! આના કરતા તો 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં એનો અભિનય વધુ સાહજીક હતો.

બારમાસી પોલીસ ઈન્સ્પેક્ટરના કિરદારો ભજવવા બદલે જેનું નામ 'ગીનેસ બૂક ઑફ રેકોર્ડસ'માં મૂકાયું હતું, તે જગદિશ રાજની જેમ મુનિમના પાત્રો ભજવવા માટે રણધીરનું નામ આગળ થઈ શક્યું હોત! ધાર્મિક ફિલ્મોની સીતા-દમયંતિ અનિતા ગૂહાને અહીં નાંખી દેવા જેવો રોલ મળ્યો છે... સ્વાભાવિક છે, એના પ્રેમી ઓમપ્રકાશે આ રોલ એને પરાણે અપાવ્યો હોય! અહીં એ આગાની પત્નીના સામાન્ય કિરદારમાં છે.

દિગ્દર્શકે રાજ કપૂર પાસેથી તો ઍઝ યૂઝવલ... બેહતરીને કામ જ લીધું છે, પણ ફિલ્માંકનમાં એક નવો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. પોતાની પત્ની શ્યામાના રોજના ઝગડાઓથી વાજ આવી જઈને રાજ ઘર છોડીને મુફલિસી દશામાં દરદર ભટકે છે, ત્યારે પાર્શ્વગીત સ્વરૂપે મન્ના દા નું 'ચાહે ઝીંદગી સે કિતના ભી ભાગ લે...'ના પૂરા ગીતમાં રાજ કપૂરને પાછળથી જ દર્શાવાયો છે, ક્યાંય એનું મોઢું બતાવાયું નથી. આ કોઈ મોટી વાત નથી, પણ નવી વાત ચોક્કસ છે.

No comments: