Search This Blog

22/11/2017

ગુજરાતીઓ 'પીવા' બેસે ત્યારે...

'તમે... લો છો ?'

આવો મૅસેજ વૉટ્સઍપમાં ના મોકલાય કે, 'સાંજે આપણા ઘેર ડ્રિન્કસની પાર્ટી રાખી છે..તમને ફાવશે ?' આમાં બા-ફા ના ખીજાય... ગવર્ન્મેન્ટ ખીજાય ને આપણને સીધા ઘાલી દે મહીં...! સુઉં કિયો છો ? (તમે 'પીતા' હો તો જ કાંઇક કે'જો... અમથે અમથી ઠોકમઠોક કરતા નહિ!... જે લોકોએ બાળપણમાં 'ગ્રાઇપવૉટરે' ય ન પીધું હોય, એ લોકો મોટા થઇને વ્હિસ્કીમાં ય 'ગ્રાઇપવૉટર' નાંખવાની સલાહ આપે છે. તારી ભલી થાય, ચમના... તું તારે બેઠો બેઠો લસ્સી પી !)

'તમે... લો છો ?' આવું પહેલાના જમાનામાં કોકના ઘેર જઇએ ત્યારે ચા-કૉફી માટે પૂછાતું હતું. હવે પીણું બદલાયું છે. ગરમમાંથી ઠંડુ થયું છે. એ શું લેવાનું પૂછે છે, એનો ઘટસ્ફોટ એ બીકનો માર્યો કરતો નથી કે તમે ફૂલટાઇમ વૈષ્ણવજન હો અને શરાબના નામથી ભડકી જતા હો તો પૂછનારો ચાટ પડે. એની તમારા ઉપર છાપ ખરાબ પડે, એવા ડરતી પદાર્થ કે પ્રવાહીનું નામ નથી બોલતો, કેવળ અણસારો આપે છે કે, 'તમે લો.. છો ?' 'લો' અને 'છો'ની વચ્ચે પાર્ટીનો ફફડાટ બતાવે છે.

તમારૂં મોંઢું જોઈને તો તમે સજ્જન કે શરાબી લાગવાના નથી (પીતા પહેલાની વાત થાય છે!) અને આ ઑફર સાંભળીને તમે ભડકી જાઓ તો પેલાથી તરત ફેરવી લેવાય, 'આઈ મીન.. તમે ચા-કૉફી લો છો...?' એવું પૂછતો હતો.

શરાબ જગતનું એક જ પીણું એવું છે, જેમાં 'જૈન-ડ્રિન્ક્સ'ની સગવડ હોતી નથી. ભગવાન શંકર સોમરસ પીતા, એવું કાંઈ પુરાણોમાં લખ્યું હશે, એટલે શરાબભક્તોએ નામ ભગવાનનું જોડી દીધું. પણ સોમરસનો આથી વધુ ઉલ્લેખ પુરાણોમાં મળતો નથી ને મળતો હોય તો જોવો ય નથી. જુગારીઓને તો એટલું જોઇતું હોય કે, શ્રીકૃષ્ણ અને પાંડવો જુગટું રમતા, એટલે જન્માષ્ટમીને નામે 'તીનપત્તી' ચાલુ થઇ ગઇ..આધાર ધર્મનો! ધર્મને નામે ચરી ખાનારાઓથી આપણો દેશ ભરેલો છે.

આપણે તો એટલું જ પૂછવું છે, ''ધર્મ કે ભગવાનોને વચમાં લાવ્યા વગર તમે જુગાર રમો કે દારૂ પીઓ, તો કોણ રોકે છે ? (પોલીસ અને પત્ની સિવાય...! આમ તો, આપણાથી છુપાવીને એ લોકો ય પીએ છે... ભૂલચૂક લેવીદેવી !)

સાચું પૂછો તો, ઘરમાં હવે 'ડ્રિન્ક્સ' રાખવું સ્ટેટસ થઇ ગયું છે-ખાસ કરીને આ ગુજરાત છે માટે. જે નાનાનાના ગૂન્હાઓ ચોરીછુપીથી કરવાની મઝા પડે છે, તે ખુલ્લેઆમ થાય તો નહિ પણ કરી શકાતા હોય તો ભરાઇ જાઓ.

ટ્રાફિક-સિગ્નલ પર ગાડીમાં બેઠા બેઠા બાજુની ગાડીમાં કોક મનમોહક સૌંદર્ય ઊભરી આવ્યું, તે ખુલ્લેઆમ જોઇ શકાતું નથી, પણ ગુજ્જુ ગોરધનો શાણા હોય છે. વાઇફને એની પાછળની તરફ, 'જો સામેની ફૂટપાથ પર... મને લાગે છે, ગાર્ગીબેન જતા લાગે છે !' એ ય જાણતો હોય કે ત્યાં કોઇ ગાર્ગી-ફાર્ગી નથી, પણ પેલીને એ જોવામાં બિઝી રખાવીને, 'ઈ જે ૪-૫ સેકંડ મળી, તેમાં બાજુની ગાડીમાં બેઠેલી સાથે ચક્ષુ-વિવાહ કરી લે, એટલે આજનો ક્વૉટા પૂરો...  આઇ મીન, પછીની વાત, બીજા ટ્રાફિક-સિગ્નલે ! એ વાત જુદી છે કે, હવેની વાઇફો ગાર્ગી-ફાર્ગી જોવામાં ટાઇમ બગાડતી નથી... એ ય કોઈ, છ ફુટીયા હૅન્ડસમને મનભરીને જોઇ લે છે ને આ લલ્લુને ખબરે ય ન હોય ! જે પાપ કરવામાં પકડાવાતું ન હોય, એ કરવાની આવે છે મઝા !

અગાઉના જમાનામાં આવા આમંત્રણો ઘેર શ્રી સત્યનારાયણની કથા રાખી હોય, ત્યારે આપવામાં આવતા. સગા કે પડોસીઓ આસ્થાપૂર્વક કથાશ્રવણ કરવા કે પ્રસાદ લેવા શ્રદ્ધાપૂર્વક આવતા. હવે આવી સઘળી પ્રવાહી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ધાર્મિક નામો રાખવામાં આવ્યા છે.

'તીનપત્તી'ની બેઠક માટે, ''અમારે ત્યાં આજે સંધ્યાકાળે '૫૨-પાનાની ગીતા''ના' પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પધારશોજી. '' એવું નમ્ર નિમંત્રણ અપાય છે. ડ્રિન્ક્સની પાર્ટી માટે 'દાંડીયા-રાસ'ની ગોઠવણ કરવામાં આવે છે, જે નવરાત્રી સિવાય બારે માસ ચાલે છે.

અહીં, બાટલી ખોલવાના સમયને નારીયેળ હોમવાનો સમય જણાવાય છે. 'મંચિંગ' એટલે કે, 'બાઈટિંગ' માટે 'પંચાજીરી' અથવા 'પ્રસાદ' જેવા પવિત્ર નામો અપાય છે. ધર્મની વિરુદ્ધ કાંઈ નહિ કરવાનું ! મોટા ભાગના હિંદુ દેવી-દેવતાઓ 'સોમરસ' ટૅસથી પીતા, એટલે કેટલાક ભક્તો આવી બેઠકને 'હોમહવન' જેવા પવિત્ર શબ્દથી પણ ઓળખે છે. જે કાંઈ કરવાનું, તે ધર્મથી કરવાનું !

યસ. એ વાત હવે જુદી છે કે, ગુજરાતના ઑલમોસ્ટ દરેક શિક્ષિત ઘરમાં દારૂ પીવાય છે. પણ એ બયાન તો કાચનો ખાલી ગ્લાસ પછાડીને આપી શકાય એમ છે કે, પીતા કોઇને આવડતું નથી. પીવા બેઠા પહેલા પાર્ટીઓના નખરા-દાવા સાંભળવા જેવા હોય છે. એક તો, ધૂળજીને વીસ રૂપિયા પકડાવીને ઘરના ઝાંપે ઊભો રાખવાનો કે, પોલીસ-ફોલીસ આવે તો જોરથી 'કૂકડો' બોલાવવાનો. દૂરથી પોલીસની જીપ દેખાય તો તરત દોડતા અંદર આવતા રહેવાનું.

એ વાત જુદી છે કે, ધૂળજી છાનોમાનો વીસ રૂપિયાની 'પોટલી' પીવા જતો રહ્યો હોય ! રૂમના બારી-બારણા મુશ્કેટાટ બંધ રાખવાના. પણ જે કાંઇ કરવાનું, એ બધું ધાર્મિક કરવાનું, એટલે સમારંભના મુખ્ય મેહમાન યજ્ઞનો પ્રારંભ કરે, ત્યારે પોતાના ગ્લાસમાં આંગળી બોળી, પ્રભુને નૈવેદ્ય ધરાવતો હોય, એમ બે-ત્રણ છાંટા જમીન પર છાંટવાના.

એ પતાવે પછી ધ્વજા ફરકાવતા હોય એમ સહુ સ્નેહીજનો ગ્લાસ ઊંચા કરીને સામસામા ધૂમધામ અથડાવે, એટલે કે, 'ચીયર્સ' બોલવાનું. આવું 'ચીયર્સ' કઈ ખુશીમાં બોલવાનું હોય છે, એની હરામ બરોબર જો એકે ય ને ખબર હોય ! (દસ-પંદર વર્ષ પહેલા તો, આટલી બધી સમજ પડે નહિ, એટલે 'ચૅર્સ.. ચૅર્સ... ચૅર્સ' એટલે કે, 'ખુરશીઓ... ખુરશીઓ' એવું બોલાતું. નવા પીનારાઓ ગાડી-તકીયેથી કૂદીને સીધા ખુરશીઓ ઉપર ચઢી બેસતા... કારણ ખબર ન હોય !)

વાસ્તવમાં, 'ધ રીડર્સ ડાયજૅસ્ટ'ના એક સ્નિપેટ મુજબ, બ્રિટિશરો ભૂતપ્રેતમાં આજે પણ વધુ પડતું માને છે અને એવું ય માને છે કે, તમે દારૂ પીવા બેસો, એટલે દારૂમાં 'સ્પિરિટ' હોય અને એ સ્પિરીટને કારણે 'ઈવિલ-સ્પિરિટ' (ભૂત-ડાકણ) વગર બોલાવે આવી જાય.

પણ એ પ્રજા નાનકડો કોઇ ખખડાટ થાય એટલે ડરીને ભાગી જાય. અર્થાત, પીતા પહેલા ગ્લાસ અથડાવો તો 'ખડિંગ' દેતા અવાજની સાથે એ લોકો ભાગી/ઊડી જાય, એની ખુશાલીમાં 'ચીયર્સ' એટલે કે આનંદો... આનંદો... હવે પેલા ગયા !' માટે 'ચીયર્સ' બોલાય છે. બાકી એનું કોઇ સાયન્સ નથી.

કેટલાક નિરીક્ષણો તમે ય કર્યા હશે.

(૧) ગુજરાતમાં દારૂબંધી છે, એની એક માત્ર ખબર ગુજરાતની પોલીસને છે. આવી પવિત્ર 'બંધી'થી કેટલાયના ઘર ચાલે છે.

(૨) પીનારાઓની માનીએ તો પીનારા કરતા નહિ પીનારા બહુ ડાહ્યા થતા હોય છે. બેઠક ગોઠવાઇ હોય, એમાં પરાણે ઇન્વાઇટ કરવો પડેલો ગોરધનનો સાળો કે બનેવી જેવો કોઇ માથે પડેલો એકાદો પણ બેઠો હોય.

એ ખરેખર પીતો ન હોય અને 'છતાં' પોતાને સંસ્કારી માનતો હોય, પણ એ પોતાને કાંઇ વધુ પડતો સંસ્કારી અને બાકીના બેઠેલાઓને 'દારૂડીયાઓ' તરીકે જોતો હોય. આ લોકો દારૂડીયા હોય કે નહિ, એની ચિંતા કરવાને બદલે 'એ પોતે આ બધાની જુદો અને કેવો સંસ્કારી છે,' એટલું બતાવવાનો એને ભરચક આનંદ આવતો હોય ને ખૂણામાં બેઠો બેઠો મંદમંદ મુસ્કુરાતો હોય.

વિવેક ખાતર કોઇ પૂછે કે, ''આપ લેશો ને ?'' ઓહોહોહો... આટલું એને પૂછાયું, એમાં તો એના હાવભાવો જુઓ... એ એવી દંભી અને બનાવટી ઢબે સ્માઈલ આપીને, ઢીંચણો પહેલા કરતા વધારે ઊંચા લઈને વિનયપૂર્વક કહે છે, ''જી.. થૅન્કસ... આપ લો.. મને આ બધામાં ન ગણશો.'' શબ્દો ગમે તે હોય, એનો અલ્ટિમેટ ઇરાદો પોતાને પવિત્ર અને બાકીનાઓને સમાજના કલંક ગણાવવા પૂરતો હોય ! આ બધાના  કેવા સંસ્કાર છે અને હું આવી બદીથી કેટલો દૂર છું, એવું એ પોતાના વિવેક-વિનયથી પોતાને ખુશ રાખે.

બીજી બાજુ... આ બેઠેલાઓમાંથી એકે ય નું ધ્યાન પણ ગયું ન હોય કે, ટણપો પીવાનો છે કે નહિ !

(૩) ''બૉસ... બહુ પી નાંખ્યો. દુનિયાભરનો દારૂ પી નાંખ્યો. આપણે તો... આ બધું રોજનું છે !'' એવા ધાપા મારનારાને પૅગ બનાવવા આપો એટલે લસ્સીની માફક આપો ગ્લાસ ભરે. જોનારા ચૉંકી તો જાય ''જુઓ બૉસ... પીવામાં કંજુસાઇ નહિ કરવાની... ટૅસથી ઠઠાડવાનો ! ફાધર તો પિત્તળના લોટામાં પીતા.. ઊંચેથી ધાર કરીને...!''

(૪) પીતા કોઇને આવડતું નથી, એની સાબિતી જોઇતી હોય તો આ લોકોને મન્ચિંગ કરતા જોવા. ફાફડા ઉપર ફાફડા મારે જશે. જાણકાર પીનારાઓ પ્રોટીનવાળું મન્ચિંગ એટલે કે ચણા બબ્બે દાણા એક સિપ પછી એટલે મારતા હોય કે, વ્હિસ્કી સ્વાદમાં તૂરી હોય ને મોંઢું બગડે નહિ, માટે બબ્બે દાણા લેવાય! અહીં તો મંડી પડયા હોય છે ફાફડા મારવા ! ભૂલી ગયા હોય કે, ડિનર તો હજી બાકી છે..જમવા બેસે ત્યારે બધો બગાડ.. જે બૉટલના ખર્ચા કરતા વધુ હોય છે.

આ આખી વાતનો સરવાળો એટલો જ કે, શરાબ કે પત્તાં કોઈ કાળે ય સારી કે સીધી વાત નથી. જે લોકો એને માણે છે, એ પોતાની જવાબદારી ઉપર આ જુગાર ખેલે છે.

સિક્સર
રાધે મા, હનિપ્રીત રામ-રહિમ, આરૂષી હત્યાકાંડ, રાયન સ્કૂલ હત્યાકાંડ, કોક અનામતી નેતાની સૅક્સ-વિડિયો... આપણા દેશમાં ગર્વ લઈ શકીએ એવી કોઈ વાત જ બનતી નથી ? ટીવી પર રોજ એકના એક સમાચાર અને એ ય આવા... દેશનો કોઇ નાગરિક વિરોધ પણ કરતો નથી !

No comments: