Search This Blog

30/09/2018

ઍનકાઉન્ટર : 30-09-2018


* આ મોદી સરકાર કૉંગ્રેસ અને પાકિસ્તાન માટે ખાલી બોલ્યા કરશે કે, કંઇક કરી ય બતાવશે ?
કાંઇ કરી બતાવવું ન પડે, એની તો આ બધી ધમાલ છે !
(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)

* આપણી ચલણી નૉટો ઉપર શહીદ ભગતસિંહ જેવા દેશભકતોના ફોટા ક્યારે મૂકાશે?
તમારી દેશભક્તિ સર આંખો પર, પણ વિશ્વમાં મહાત્મા ગાંધી જેવો અન્ય કોઇ શહીદ થયો નથી. એમની તસ્વીર બરોબર છે.
(યોગીરાજ બ્રહ્મભટ્ટ, અમદાવાદ)

* રક્ષાબંધને ડિમ્પલે તમને રાખડી મોકલી કે નહિ ?
એણે તો નથી મોકલી... તમે મોકલી દો.
(નીરા સરાડવા, હિમ્મતનગર)

* પ્રેમમાં લોકો પાગલ કેમ થઇ જાય છે ? હું તો થયો નથી !
અમારી પાસે કેટલાક આવા ડાહ્યા માણસોના ય સવાલો આવે છે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* તમે ભગવાનમાં માનો છો ?
મા-બાપમાં માનો એમાં બધા ભગવાનો આવી ગયા.
(સાધના યાદવ, વડોદરા)

* તમારા ગુરૂ કોણ ?
ઘણા બધા ઘંટાલો છે...
(ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* આપણા હિંદુસ્તાનમાં બધા હિંદુસ્તાની છે ?
અફ કૉર્સ બધા જ છે. જે નથી એમનો ભાવ પૂછવાની ય ક્યાં જરૂર છે ?
(ચિરાગ કટારીયા, ટંકારા-મોરબી)

* તમારા પરિવારમાં કેટલા સભ્યો છે ?
- બસ. હવે એક તમારો વધારો થયો, બેન.
(કોમલ આહિર, જૂનાગઢ)

* તમને નથી લાગતું, હાસ્યલેખકને બદલે તમે ક્રિકેટર થયા હોત તો કરોડપતિ હોત ?
કરોડપતિ તો આજે ય છું.... ક્રિકેટર બન્યો હોત તો ૪૪-વર્ષ ચાલ્યો ન હોત !
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* પૅટ્રોલ-ડીઝલના વધતા ભાવો વિશે શું કહો છો ?
એકે ય સ્કૂટર કે ગાડી બંધ રહ્યા ?
(વિરાજ કાવાણી, વિસાવદર)

* મોબાઇલ ફોનથી સુખ વધ્યું કે દુઃખ ?
એનો આધાર બિલમાં કેટલાની ચોંટે છે, એની ઉપર છે.
(જગદિશ પી. પટેલ, મેસણ-ઈડર)

* ૬૦-ની ઉંમરના પરિણિત ડોસાને ૩૦-વર્ષની છોકરી સાથે પ્રેમ થાય, તો એને પ્રેમ કહેવાય ?
એ અક્કલ પેલીમાં હોવી જોઇએ.
(ડૉ. શૈલજા, ઠક્કર, અમદાવાદ)

* કેજરીવાલ અને રાહુલ ગાંધી દેશભક્ત છે ખરા ?
હા.... ઇ.સ. ૨૦૧૯ સુધી તો દાવો થવાનો !
(અંકુર મિસ્ત્રી, અજરાઇ-ગણદેવી)

* પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી આતંકવાદ ડામવા કાંઇ કરશે ખરા ?
નૉ બૉલ...
(અશ્વિન મોરે, વડોદરા)

* રોકાણ ન કરવું પડે અને જંગી નફો મળતો રહે, એવો કોઇ ધંધો ખરો ?
શરૂઆત મ્યુનિ. કૉર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવાથી કરો.
(જગદિશ કપૂરીયા, જૂનાગઢ)

* આપણા લશ્કર માટે બુલેટ-પ્રૂફ જૅકેટ્સ પૂરતા છે ?
સિયાચીન પરના આપણા જવાનોને બુલેટ-પ્રૂફ જૅકેટો કાતિલ ઠંડીથી બચવાના કામમાં લેવા પડે છે.
(નિસર્ગ રાવલ, અમદાવાદ)

* એમના દાવા મુજબ, દરેક રોગનું નિવારણ યોગ છે, તો પછી સ્વામી રામદેવજી દવાઓ કેમ વેચે છે ?
ઘણી ફાર્માસ્યૂટિકલ કંપનીઓ રોગ વેચે છે, એના કરતા બાબા દવાઓ વેચે, એ વધુ સારૂં નહિ ?
(ધિમંત ભાવસાર, ઈડર)

* રૂ. ૫૦૦/-ની ઈસ્ત્રીમાં રૂ. ૧૮૦/- જીઍસટી...! કોણ રળ્યું કહેવાય ?
બિલ વગર લીધી હોત તો બધા રળ્યા હોત !
(પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* સાયકલ ચલાવવાથી પર્યાવરણ વધુ જાળવી શકાય કે નહિ ?
- બોલવામાં મીઠું લાગે છે... વ્યવહારમાં નહિ.
(મૂકેશ પડસાલા, અમદાવાદ)

* તમારી સફળતા જોઇને મને ય હાસ્યલેખક બનવાનું મન છે....શું કરવું જોઈએ ?
મારે હવે બીજું કાંઇ કરવું ન જોઇએ.
(પિયૂષ પરમાર-પૂણેં-મહારાષ્ટ્ર)

* વરસાદમાં કાગળની હોડીઓ તરાવતા બાળકો ક્યાં ગયા ?
જુઓ ને આજુબાજુવાળાને ત્યાં વરસાદ-બરસાદ છે ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આજકાલ પંખો બગડયો છે કે શું ?
અમે તો છત્રી હલાવી હલાવીને હવા ખાતા'તા...!
(વિપુલ ચૌહાણ, પાલનપુર)

* દિલ અને દિમાગમાં શ્રેષ્ઠ કોણ ?
વાહ..... સવાલ તમે દિલથી પૂછ્યો છે !
(ચિરાગ પંડયા, માડવી-કચ્છ)

* પાસબૂક ભરી આપવા છતાં ગ્રાહકો એમનું બૅલેન્સ પૂછવા કેમ આવતા હોય છે ?
- આજકાલ બૅન્કોવાળાનો કાંઇ ભરોસો છે, ભાઇ ? ગમે તેને લોન આપી દે છે ને પાછી ય નથી લેતા !
(રાકેશ પરમાર, કલોલ)

* ભાજપ અને કૉંગ્રેસના શાસન વિશે તમારો મત ?
- હવેતો લોકો ગઠબંધનના સપના જુએ છે ને?
(જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

No comments: