Search This Blog

21/03/2014

'ભાઇ ભાઇ' ('૫૬)

ફિલ્મ : 'ભાઇ ભાઇ' ('૫૬)
નિર્માતા : એવીએમ (મદ્રાસ)
દિગ્દર્શક : એમ.વી.રમણ
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, કિશોર કુમાર, નિમ્મી, શ્યામા, નિરૂપા રૉય, ઓમપ્રકાશ, ડૅઇઝી ઇરાની, ડૅવિડ, શિવરાજ અને કેસરી.



ગીતો
૧. મેરા છોટા સા દેખો યે સંસાર હૈ ....................... લતા મંગેશકર
૨. ઇસ દુનિયા મેં સબ ચોર ચોર ....................... લતા મંગેશકર
૩. કદર જાને ના હો કદર જાને ના, મોરા બાલમ............ લતા મંગેશકર
૪. ઘર મેરા ઘર કી આગ સે.. ભગવાન જો તુ હૈ............ લતા મંગેશકર
૫. અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ............ ગીતા દત્ત
૬. ઠંડી ઠંડી હવા ખાને રાજા ગયા ગાંવ મેં.................. લતા-કોરસ
૭. મેરા નામ અબ્દુલ રહેમાન............................ લતા-કિશોર
૮. અપના હૈ ફિર ભી અપના, બઢકર ગલે લગા લે.......... મુહમ્મદ રફી
૯. દિલ તેરી નજર મે અટકા રે............................આશા ભોંસલે
૧૦. શરાબી જા જા જા, ઓ દીવાને તુ ક્યા જાને..............લતા મંગેશકર

ફિલ્મ 'ચલતી કા નામ ગાડી' માં ત્રણે ય ગાંગુલી બ્રધર્સ સાથે આવ્યા હતા ને ફિલ્મ 'ભાઇ ભાઇ'માં અનુપ નહોતો. દાદામોની એટલે કે, અશોક કુમાર અને આભાસ કુમાર એટલે કે કિશોર કુમાર આ ફિલ્મમાં સગા ભાઇ બને છે.

એક ઍક્ટર તરીકે આજે ય અશોક કુમારનો કોઇ સાની નથી- સૉરી, નૉટ ઇવન મિસ્ટર બચ્ચન ઓર દિલીપ કુમાર. દાદામોનીની ખાસીયત આ બન્ને ગ્રેટ એક્ટરો કરતા એ વાતમાં મોટી હતી કે, અશોક કુમારે હીરો હોવા છતાં થોડા અપવાદોને બાદ કરતા 'ઍન્ટી-હીરો'ના રોલ જ કર્યા. આવા રોલ કોઇ સફળ ઍક્ટર કે હીરો સ્વીકારવાની હિંમત ન કરે. આવું કરતા રહેવાથી પ્રેક્ષકોમાં દેવ આનંદ-રાજ કપૂર જેવી લોકપ્રિયતા ન મળે પણ, એમને ઍક્ટરના બન્ને શૅડ મળે, હીરો અને વિલન-બન્નેના. ઉંમર અને તોફાનો જોતા સામાન્ય પ્રેક્ષકો માટે દેખિતી રીતે જ 'ભાઇભાઇ'નો હીરો કિશોર જ હોય ને એમાં ય એ વખતની ધૂમધામ અભિનેત્રી નિમ્મી હીરોઇન હોય, તો કોઇ કાળે ય હીરો અશોક કુમાર લાગવાનો નથી. આમે ય, આપણા દેશમાં હીરોની વ્યાખ્યા મુજબ, જે હીરોઇનને પ્રેમ કરે, એ હીરો. જ્યારે ફિલ્મનું મૂલ્યાંકન કરનારાઓ માટે ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો હીરો દિલીપ કુમાર નહિ, પૃથ્વીરાજ કપૂર હતો. 'ગંગા-જમુના'નો પૅરેલલ હીરો (વાસ્તવિક જીવનમાં પણ દિલીપ કુમારનો ભાઇ) નાસીરખાન હતો. 'શોલે'નો હીરો કોઇ કાળે ય અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર ન કહેવાય... સંજીવ કુમાર જ કહેવાય.

આ ફિલ્મની અભિનેત્રી નિમ્મી રાજ કપૂરની શોધ છે. દિલીપ-નરગીસ-રાજની ફિલ્મ 'અંદાઝ'નું એ તો શૂટિંગ જોવા આવી હતી ને એમાં એની ભૂરી આંખોએ રાજને મોહિત કરી લીધો. ફિર ક્યા ? 'બરસાત'માં નિમ્મીને ચાન્સ મળી ગયો અને ખૂબ સફળ હીરોઇન બની ગઇ જામનગરમાં હું એને મળ્યો, ત્યારે પણ 'રાજ સા'બ'નો ઉલ્લેખ બાઅદબ કરતી હતી. એની કે ખુદ રાજની ભૂરી આંખો ભારતના પ્રેક્ષકો માટે મોટી અજાયબી હતી. આજે પણ અજાયબી છે. કોઇની ભૂરી કે માંજરી આંખો જોઇ નથી કે લોકો ઇમ્પ્રેસ થયા નથી...!

ફિલ્મની સૅકન્ડ હીરોઇન અથવા વૅમ્પ શ્યામા અત્યંત ખુબસુરત ચેહરો અને ફિગરની માલકીન હતી. મૂળ નામ એનું 'ખુર્શિદ અખ્તર'. આમ તો એ આગ્રાના એક ગરીબ ફ્રૂટવાળાની દીકરી હતી. ચેહરો કામ કરી ગયો અને ફિલ્મોમાં હીરોઇન બનવા સુધી પહોંચી. અભણ એટલે માર્કેટીંગ-બાર્કેટીંગ ના આવડે. એમાં મોટા હીરોની સામે હીરોઇન બનવા મળે, એની સામે જ્હૉની વૉકર કે તલત મેહમુદને ય પોતાના હીરો બનવા દે.

તમને થાય ખરૂં કે, એમાં શું હીરો નાનો હોય કે મોટો... ફરક શું પડે છે ? પણ દાખલો શશી કપૂરનો વાંચી જુઓ. ફિલ્મ 'ચાર દિવારી'થી હીરો બનનાર શશી બાબાની પ્રારંભની તમામ ફિલ્મો ફ્લૉપ ગઇ અને (નંદા સિવાય) એક પણ હીરોઇન એની સાથે કામ કરવા તૈયાર ન થાય. એટલે સુધી કે એ જમાનાની અમિતાઓ કે સઇદાખાનો ય ના પાડી દે, ''શશીને બદલે હીરો કોઇ બીજો લો.''

તે એમાં ને એમાં શ્યામા પોતાનું માર્કેટ ગૂમાવી બેઠી અને પછી તો સાઇડ હીરોઇન નહિ, સાઇડ આર્ટિસ્ટ સુધીના રોલ લેવા પડયા. દેવ આનંદની ફિલ્મોના કાયમી સિનેમેટોગ્રાફર પારસી ફલી મિસ્ત્રી સાથે એ પરણી, પણ કહે છે કે, ચરીત્ર જાળવી ન શકી અને આજ સુધી બદનામ રહી. ખુદ એના દીકરા એને બોલાવતા નહોતા.

એ વખતની ફિલ્મોમાં બાળકલાકારોની બોલબાલા હતી ને એમાં ય ઇરાની-સિસ્ટર્સ ડૅઝી અને હની તો સારી ઍકટ્રેસો હતી. આ લોકોને ત્રીજી પણ એક બહેન હતી મેનકા ઇરાની, જે સ્ટન્ટ ફિલ્મોના ફાલતું હીરો કામરાનને પરણી (કામરાન ચાલુ માણસ હતો. એ મેનકાને છોડીને ફિલ્મ 'તુમ સા નહિ દેખા'વાળી અમિતાને પરણ્યો ને એને ય છોડીને કોઇ ત્રીજીને પરણ્યો. એ બન્ને (મેનકા-કામરાન)ના બે સંતાનો કૉમેડિયન અને ફિલ્મ 'હાઉસફૂલ'નો નિર્માતા-દિગ્દર્શક સાજીદ ખાન અને ડાન્સ- ડાયરેક્ટર ફરહા ખાન પણ ફિલ્મોમાં જોર બતાવી ચૂક્યા છે. હની ઇરાનીના બે સંતાનો 'ભાગ મિલ્ખા ભાગ'નો હીરો ફરહાન અખ્તર અને એની બહેન ઝોયા અખ્તર. ડૅઝીએ પોતાના ત્રણ સંતાનો કબિર, વર્ષા અને રિતુને ફિલ્મોમાં જવા દીધા નથી. ડૅઝી મોટી થઇને સિનેમેટોગ્રાફર કે.કે.શુક્લાને પરણી. હની ઇરાની ગીતકાર અને ફિલ્મ 'શોલે'ના સહલેખક જાવેદ અખ્તરને પરણી. જાવેદે એને તલાક આપીને શબાના આઝમીને પરણ્યો. આ જાવેદ એ જૂની ફિલ્મોના ગીતકાર જાં-નિસાર અખ્તરનો દીકરો.

ત્રીજી હીરોઇન નિરૂપા રૉય...અમિતાભની બારમાસી 'માં'. એક જમાનામાં તો એ ય હીરોઇન હતી. ગુજરાતની મોચી જ્ઞાાતિને ગૌરવ આ સ્ત્રીએ બખ્શ્યું. અલબત્ત, છેવટના વર્ષોમાં તો એ દીકરાની વહુને દહેજ માટે ત્રાસ આપનારી ગૂન્હેગાર તરીકે છાપાઓમાં ય ચમકી હતી. કપાળ અને આંખોની ભ્રમર ઉપરથી વાળ તો બહુ પહેલાના ઉતરી ગયા હતા. એટલે છેલ્લે છેલ્લે તો તમામ ફિલ્મોમાં માથે વિગ પહેરીને જ આવવું પડતું. અશોક કુમાર સાથે અનેક ફિલ્મોમાં પત્ની બનીને આવી, એમાં કહેવાય છે કે, અશોક કુમાર જ નિરૂપાની જીદપૂર્વક ભલામણ કરતા.

અલબત્ત, ભલામણ તમને આ ફિલ્મ જોવાની કરવી પડે, એવી ભૂલ કરાય એમ નથી. ફિલ્મ 'એવીએમ'ની હોવા છતાં તદ્દન ફાલતું ફિલ્મ હતી. વાર્તાની શરૂઆત જરા અંજાઇ જવાય એવી હતી કે, ધનાઢ્ય અશોક કુમાર તેની પત્ની નિરૂપા રૉય અને બાબો ડૅઝી ઇરાની (ફિલ્મના ટાઇટલ્સ મુજબ, 'ધી વન્ડર બૉય, 'રૂપ કુમાર') સુખશાંતિથી મદ્રાસમાં રહેતા હોય છે. ધંધાના કામે એ પોતાની મુંબઇ ઑફિસે આવે છે. જ્યાં એનો જૂનો દોસ્ત અને મુંબઇ ઑફિસનો ઇન-ચાર્જ ઓમપ્રકાશ પોતાની પ્રેમિકા શ્યામા સાથે મળીને અશોકને ફસાવે છે. શ્યામા ગરજપૂર્વક અશોકના પ્રેમમાં પડવાનું નાટક કરે છે ને અશોક પોતાનો પરિવાર ભૂલી જાય છે અને પત્નીને રૂ. ૫૦ હજાર પકડાવી છુટો થઇ જાય છે. ૧૫ વર્ષ પહેલા ખોવાયેલો અશોકનો ભાઇ કિશોર મોટો થઇને ખિસ્સાકાતરૂ બને છે અને ફૂટપાથો ઉપર નાચગાના કરીને પેટીયું રળતી નિમ્મી અને તેના પિતા ડૅવિડના સંપર્કમાં આવે છે. અચાનક એને મોટા ભાઇ અશોક કુમાર મળી જાય છે. પણ મોટા ભાઇના લક્ષણો જોઇને પોતાની આઇડૅન્ટિટી છુપાવેલી રાખે છે. અલબત્ત, અશોકને પણ ખ્યાલ આવી જાય છે કે, આ જ મારો નાનો ભાઇ છે, પણ શ્યામાના ચક્કરમાં એ ભાઇને ઓળખતો નથી. અહી સુધીની વાર્તા મગજમાં ઉતરે એવી છે કે, બરોબર છે. આવું તો થાય.. પણ પછી ફિલ્મના અંત સુધી (એક તો ૧૯ રીલ્સની લાંબી ફિલ્મ... કોઇ પંખો ચાલુ કરો !) જેને ખાડીયાની ભાષામાં, 'મગજનું દહી' કહે છે, એ થયે રાખે છે. કિશોર આ ફિલ્મનો અસલી હીરો છે અને કૉમેડીની સાથે ગંભીર કિરદારોમાં ય એ ઍક્ટર તરીકે કેટલો સારો હતો, એ સાહજીકતાથી સાબિત કરી આપે છે. અશોક કુમારને હું આટલો મહાન ઍક્ટર માનું છું, પણ કબુલ કરવું જ પડશે કે, આ ફિલ્મમાં એ અશોક કુમારનો ભાઇ નહિ... બાપ લાગે છે બાપ ! નવાઇની વાત એ છે કે, ફિલ્મ કોઇપણ હોય, કિશોર અડધી બાંયના ચોકડા કે આડા-ઊભા લીટાવાળા શર્ટો જ પહેરતો. અહી યાદ કરવા પડશે, ગઝલ-સામ્રાજ્ઞી મરહૂમા બેગમ અખ્તરને. મદન મોહને તો બહુ પહેલા એમની પાસે ફિલ્મોમાં ગવડાવ્યું હતું. પણ હીરોઇનને ચાલે એવો અવાજ ન હોવાથી ફિલ્મો છોડીને એમણે કેવળ ગઝલો ઉપર ધ્યાન ધર્યું. એ અમેરિકા હતા ત્યારે લતા મંગેશકરે આ ફિલ્મમાં ગાયેલું, 'કદર જાને ના હો કદર જાને ના...' ગીત એટલું બધુ પસંદ પડી ગયું કે, ત્યાંથી લતાને ફોન કરીને રીક્વેસ્ટ કરી કે, મને ફોન પર આ ગીત સંભળાવ. અને લતાએ સંભળાવ્યું.. બેગમની ફર્માઇશો ચાલુ રહી અને લતાએ એનું એ ગીત ફોન પર ૩-૪ વખત સંભળાવ્યું.

એવું જ બીજું ગીત મદન મોહનની કમાલ સાથે ગીતા દત્તે ગાયું. જે ગીતાની કરિયરના પહેલા પાંચ સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામ્યું, 'અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ...!' મદનના ગીતો નૉર્મલી અઘરા કમ્પૉઝીશનમાં બન્યા હોય છે, જ્યારે ગીતાના આ ગીતામાં ધૂનની સરળતા અને ગીતાનો કેવો મધુરો કંઠ...આહ, આ ગીતને ચિરંજીવ કરતો ગયો. પણ મદન મોહનનો આ જ એક પ્રોબ્લેમ હતો. એ કોઇનાથી પણ ઉતરતો સંગીતકાર નહતો, પણ એની મોટા ભાગની ફિલ્મોના રીઝલ્ટ્સ એ આવ્યા છે કે, ફિલ્મના એક બે ગીતો સર્વોપરી હોય ને બાકીના ઢંગધડા વગરના. આ જ ફિલ્મ 'ભાઇ ભાઇ' જુઓ. આ બે ગીતોને બાદ કરતા એકે ય માં ઠેકાણાં છે ? લગભગ તમામ સંગીતકારોએ આ જ બેવકૂફીઓ કે આળસો નોંધાવી હતી કે, ફિલ્મના એક બે ગીતો ખૂબ સારા હોય ને બાકીનામાં કોઈ ભલીવાર નહિ ! આ નોંધણીમાં ત્રણ સંગીતકારો જુદા નિખરી આવ્યા. શંકર-જયકિશન, નૌશાદ અને ઓપી નૈયર. ફિલ્મના સમજો ને... તમામ ગીતો સુપરહિટ હોય ! આને પરિણામે, હિસાબ આખી કરિયરનો ગણો તો આ ત્રણે સંગીતકારોની તમામ ફિલ્મોના તમામ ગીતો હિટ હતા, એટલે કે એમનો સ્ટ્રાઇક-રેટ કેટલો ઊંચો કહેવાય !

બધા સંગીતકારોની માફક મદન મોહને પણ ગીતા દત્તનો ઉપયોગ ગરજ પૂરતો જ કર્યો છે. નૌશાદે પૂરી કરીયરમાં ગીતા દત્ત પાસે એક જ ગીત ગવડાવ્યું હતું, 'મુઝે હુઝુર તુમ સે પ્યાર હૈ..'(ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'). એક જ હીરોએ મૅક્સિમમ 'પ્લૅબૅક-સિંગરો પાસે ગવડાવ્યું હોય તો એ દેવ આનંદ છે. રફી, દેવ આનંદ, તલત કે હેમંત કુમાર તો બધા જાણે જ છે. પણ સુબિર સેન, દ્વિજેન મુખર્જી,ભૂપેન્દ્ર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર (ફિલ્મ 'રૂપ કી રાની, ચોરો કા રાજા') અને કોઇ માનશે ? જેમણે આજ સુધી કોઇને ય પ્લૅબૅક નથી આપ્યું, એ દાદા સચિનદેવ બર્મનનો કંઠ પણ દેવ આનંદને મળ્યો છે. ફિલ્મ 'કાલા પાની'ના 'દિલ લગા કે, કદર ગઇ પ્યારે'ગીતમાં દાદા બોલ બોલે છે. 'દિમ તાના, તા તા તાના..' જે સ્ક્રીન પર દેવ આનંદ ગાય છે. મતલબ, એને સાચું પ્લૅબેક તો ન કહેવાય, પણ રૅકોર્ડ કે લિયે બાત બુરી નહિ હૈ...!

એમ તો સુનિલ દત્ત માટે ય મન્ના ડેએ એક જ ગીત ગાયું છે. મધુબાલાની ફિલ્મ 'જ્વાલા'નું 'આજા રે આજા...' દિલીપ કુમાર માટે કિશોરે, 'સાલા મેં તો સાહબ બન ગયા.' ફિલ્મ 'સગીના', રાજેન્દ્ર કુમાર માટે કિશોર કુમારે પણ એક જ 'તુમ કો ભી તો ઐસા હી કુછ હોતા હોગા ઓ સજની... (લતા સાથે) અને કિશોર કુમારે તો રાજ કપૂરને ય પ્લેબૅક આપ્યું હતું. ફિલ્મ 'પ્યાર'માં 'એક હમ ઔર દૂસરે તુમ.' દાદા બર્મનના સ્વરાંકનમાં ગીતા રૉય સાથે ગીત ગાયું હતું. (લગ્ન પહેલાં એ ગીતા રૉય કહેવાતી !)

એવીએમ મદ્રાસની ફિલ્મ કંપની હતી અને મદ્રાસની તમામ હિંદી ફિલ્મોની જેમ આનું પ્રોડકશન પણ મુંબઇની હિંદી ફિલ્મો કરતા ઘણું ઊંચુ... અરે, કોઇ શાંતારામ નામના આર્ટ-ડાયરેક્ટરે કેવા ભવ્ય સૅટ્સ બનાવ્યા છે આ ફિલ્મના ! આખી ફિલ્મ ઇનડોર શૂટ થઇ હોવાથી પૂરી ફિલ્મમાં મનને હરી લે તેવા સૅટ્સ જોવા ગમે છે. આર્ટ-ડાયરેક્ટરની કમાલ જ અહી છે કે, એક આખો બંગલો થાય, એટલો મોટો ડ્રૉઇંગ-રૂમ બનાવવો હોય તો એની દિવાલો, ફર્નિચર, બારી-બારણા કે પિયાનો-બિયાનો જેવું ભરી ભરીને કેટલું ભરો ? ને છતાં કોઇ ચીજ અપ્રસ્તુત ન લાગે. આ સૅટ્સ મદ્રાસના એવીએમ સ્ટુડિયોઝમાં જ બન્યા હતા. આમે ય, મુંબઇની ફિલ્મો કરતા મદ્રાસની ફિલ્મોમાં બધું લૅવિશ વધારે હોય.. ભવ્યતા ! એક વખત જો કે હું લખી ગયો છું કે, આજે બહુ ભડાકા કરીને કહી દઇએ છીએ કે, ફલાણી ફિલ્મ બહુ ભંગાર હતી (જેમ કે, આજની ફિલ્મ 'ભાઇ ભાઇ'), પણ એ જમાનામાં તો આવી જ ફિલ્મો ચાલતી અને બહુ ઓછાને ભંગાર લાગતી. કદાચ લોકો પાસે ચૉઇસ નહોતી. ખોટું નહિ બોલાય... પ્રમાણમાં આજે તો ઘણી સારી ફિલ્મો બને છે.

19/03/2014

સુંદર નારી પ્રીતમ પ્યારી

એ... એવું કેમ હશે કે, માની ન શકાય એવી ખુબસૂરતી ધરાવતી સ્ત્રી સાલી સાવ ડોબા પણ અબજોપતિને જ પરણી હોય ? તપાસ કરી લો, તમારા સર્કલમાં કે, આવું કેટલા બધા કિસ્સાઓમાં બન્યું છે ? વાઈફ સુંદર હોય ને ગોરધન ઘાસલેટ હોય, એવું તમે ય તમારા સર્કલમાં કેટલા બધા કેસોમાં જોયું છે ? પૈસો જોઈને પરણનારી સુંદર સ્ત્રીઓ શું ખરેખર બેવકૂફ હોય કે ગણત્રીબાજ ? વેલ. ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં તો આમાંથી કાંઈ લાગતું-વળગતું નથી, એટલે પર્સનલ ચર્ચા આપણે છોડી દઈએ... ને આમે ય, અમારા બા'મણભ'ઈઓમાં અબજોપતિ હોવાની તો વાતે ય ન હોય ને ? અજાયબપતિ ઠેરઠેર મળી આવે... જેમાંના એકને તમે હાલમાં વાંચી રહ્યા છો !

દયા પછી આવે, જીવ પહેલા બળે કે, જસ્ટ બીકૉઝ... પેલો કરોડપતિ છે, પણ દેખાવ અને સ્માર્ટનેસમાં પૈસા પડી જાય, એ જાણવા છતાં સુંદર સ્ત્રીઓ આવા લલ્લુઓને કેમ પરણતી હશે ? આપણે બધા ભગવાન થઈ ગયા'તા, તે નજરમાં ન આયા ? જમાનો જ્યારે અમારો ચાલતો હતો, ત્યારે ખાડીયાની એક એક બ્યૂટી-ક્વીનો સાલી કરોડપતિ લલ્લુઓને પરણી ગઈ, એટલે પછી અમારા જેવાઓનો હૅન્ડસમ લૉટ કંટાળીને કુકરવાડા, જોરાજીના મુવાડા, ધરાસણા કે ધ્રાંગધ્રા-ફાંગધ્રા પૈણી આયો ! શું કરીએ બીજું ? ભવિષ્યમાં કમ-સે-કમ એક ડોસીને કૂંવારી મરતી બચાવવી તો પડે ! એક ફાયદો ગામડાની ગોરીઓને પરણવાનો અમને બધાને થયો કે, એ લોકો કરતા તો અમે વધારે સમાર્ટ દેખાતા હતા. બીજો ફાયદો ખરો ને વળી... કે, આંગડીયું ગામડેથી છોડાવ્યું હોય એટલે અમદાવાદમાં બીજા કોઈ નજર તો ન બગાડે. નહિ તો, અમદાવાદમાં ''ભાભી... ભાભી...'' કહીને આપણને જેઠ-દિયર બનાવી દેનારાઓ ઓછા નથી, ભ'ઈ !

પણ તો ય... માણસ છીએ ને સારા માણસ છીએ. કાગડા દહીંથરાં લઈ જાય ને આપણે જોતા રહેવાનું, એટલે જીવો તો ભડભડભડ બળે ને ?... કોઈ પંખો ચાલુ કરો... બફાઈ મરાય છે !

યસ. કોઈની બળી જાય તો ભલે બળી જાય, પણ બધાએ કબુલ તો કરવું પડશે કે, ગુજરાતીઓમાં સૌથી સુંદર સ્ત્રીઓ બ્રાહ્મણ હોય છે. સુંદરતા પણ ગુજરાતીઓમાં જ્ઞાતિ-જ્ઞાતિએ જુદી પડે છે. બ્રાહ્મણ-સ્ત્રીઓ સૌથી સુંદર હોય, એ દસ્તાવેજ ઉપર હે વાચકો... તમે દસ્તખત કરી આપો, એટલે બીજી કઈ જ્ઞાતિઓની સ્ત્રીઓ ઓછી વત્તી સુંદર કે ડબલાંછાપ હોય છે, એ ચર્ચા મોટું મન રાખીને તમે પતાવી દેજો. મને આમાંથી બહાર રાખજો.

હવે જૂના ઘા ફરી તાજાં કરીએ. ચલો, સ્વીકારી લઈએ કે, કરોડપતિ લલવો શહેરની શ્રેષ્ઠ સુંદરીને પરણી ગયો... ઈશ્વરને ગમ્યું, તે ખરૂં, પણ એ બન્ને ઘરની બહાર કેવી રીતે નીકળતા હશે ? એ બન્ને બહાર નીકળે ત્યારે સમાજ ઉપર કેવા પ્રત્યાઘાતો પડતા હશે ? વટેમાર્ગુઓ પુરૂષ હોય કે સ્ત્રી, કોઈ પેલા રાભાની સામે જોતું હશે ખરૂં ? અરે, જે એને બોલાવતું પણ હોય, એ એની વાઈફ પાસે બે ઘડી ઊભા રહેવા મળે, માટે બોલાવે ને ? કેમ કોઈ બોલતું નથી ? મારો કૅસ ઢીલો પડી રહ્યો છે ! આ વખતે પેલીનો મૂડ તો છલ્લમછલ્લા હોય, પણ એના ગણપતને કાંઈ નહિ થતું હોય ? અરે, તમારા જેવો કોઈ હિંમતવાળો નીકળી આવે, તો એના જ વરને કહી દે, ''ગણપત... બે અડધી કહી આય... !''

પત્ની સુંદર હોય ને આપણે ડોબા હોઈએ, એ કાંઈ બહુ ખુશ થવા જેવી વાત નથી. સાલા વગર કારણે મિત્રો વધતા જાય છે. 'ભાભી... ભાભી...' કરતા હજારો ઘરમાં ઘુસી આવે છે અને 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ'ના ધોરણે આપણે ય મોંઢા હસતા રાખીને આવકારો તો આપવા પડે.

અહીં તો અમે સાલી કોઈ બ્યુટીક્વીનને પરણ્યા નથી, છતાં...

''ઓહ દાદુ તમે... ? કેમ છો ભાભી, કેમ છો... આજકાલ તો દેખાતા જ નથી !''

તારી ભલી થાય ચમના, મારી વાઇફને હું રોજ એક વાર જોઈ લઉં, એ પૂરતું છે... તારે એને દેખીને શું કામ છે ? આમાં પાછી આપણી વાઇફો ય હખણી રહેતી ન હોય ને સામો જવાબ આપે, ''ઓહ, કેમ છો પિલ્લુભા'આય... ? વાસંતિભાભીને હારે નો લી આઇવા... ?''

સાલો આપણો જ રૂપીયો ખોટો હોય, એમાં દોષ કોને દેવો ? પિલીયાએ જીંદગીમાં પહેલી વાર આજે સારૂં કામ કર્યું છે ને એની વાસ મારતી વાસંતિને સાથે લઈ આવ્યો નથી... ને આવડી આ પાછી યાદ દેવડાવે કે, સાથે કેમ નથી લાવ્યા ? આઈ ટૅલ યૂ... એની વાઇફ વાસંતિને એક વાર જોઈ લો પછી આગામી છ મહિના સુધી પરસ્ત્રીઓને જોવાના તમારા કાર્યક્રમો પડતા મૂકવા પડે ! ઘણા તો બૈરાં ય એવા ઉઘરાવી લાવે છે કે, એવીઓને જોયા પછી આપણી સગ્ગી વાઈફો ય આપણને સગી બહેન જેવી લાગવા માંડે ! મૂડ ના ઉતરી જાય ? એક જાણિતી જોકમાં નહોતું આવતું કે, જંગલની પહાડીઓ ખૂંદી ખૂંદીને એક માણસ એક બાવા પાસે ગયો ને પ્રાર્થના કરી, ''સ્વામીજી, મને મારી વાઈફ ગમતી નથી... કોઈ ઉપાય બતાવો !''

''ગધેડા... ઉપાય મળ્યો હોત તો હું બાવો બન્યો હોત ?''

જો કે, સદરહૂ બાવો ય ડોબો હશે, નહિ તો શોખ સ્ત્રીઓનો હોય તો આપણા દેશમાં સાધુ બનવા જેટલી જાહોજલાલી ફિલ્મોમાં ય નથી. ફિલ્મોમાં તો કાસ્ટિંગ-કાઉચ પકડાય તો હલવઈ જવાય... સંત-સાધુઓનો તો સરકાર પણ વાળ વાંકો કરતી નથી. સુઉં કિયો છો ?

પાછું ગતાંકથી ચાલુ કરીએ તો, પિલ્લુ મારા દેખતા જ મારી વાઇફને હસતા હસતા કેમ જાણે કોઈ મોટી જોક મારી હોય એમ ફરિયાદ કરે, ''ભાભી, તમે આ રાક્ષસના પનારે ક્યાં પડયા ? આ માણસ તો ઘરમાં એક મિનિટે ય રહે છે ? આખો દહાડો બહારનો બહાર... !''

સાલાને ક્યાંથી ખબર પડી ગઈ હશે કે, હું આખો દહાડો એના ઘેર હોઉં છું... ? એની અપરણિત સાળી... દિખને મેં બુરી નહિ હૈ !

પાછૂં જે કરોડપતિ આટલી મનોહર, સુંદર અને પ્રાતઃસ્મરણીય પત્નીને ઉપાડી લાવ્યો હોય, એ હોય બહુ વહેમીલો ! વાઇફ સુંદર ને પોતે ઘાસલેટ એટલે પળેપળે એને ફફડાટ રહેતો હોય કે, આવી આ કોક દહાડો મને પડતો મૂકી દેશે... ને એમાં ય, સામે આપણા જેવો હૅન્ડસમ માણસ મળ્યો હોય... ! આ તો એક વાત થાય છે. આપણે ત્રણે મળીએ ત્યારે નોંધવા જેવું છે કે, એની વાઈફ તો આપણી સામે હસી હસીને કેવી નિર્દોષતાથી વાતોએ ઉપડી હોય... મામલો ઘરનો કહેવાય, એટલે બીજીઓ કરતા આપણે એને હસાવીએ પણ વધારે, પણ એ વખતે હસીને રીસ્પૉન્સ આપવાને બદલે એનો ગોરધન સાલો આપણી સામે કતરાતી નજરે જોતો હોય ! સાલા, ગામમાં અમે બીજાની વાઇફો જોઈ નહિ હોય ? એકલી તું જ લઈને બહાર નીકળ્યો છે ? ભગવત ગીતામાં ય કીધું છે, જ્યારે સૃષ્ટી ઉપર પાપનો ભાર વધી જાય છે ને અત્યાચાર થાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધરતી પર ઉતરી આવે છે ને ઍકઝૅક્ટ એ તબક્કે, આપણે પણ સાક્ષાત શ્રીકૃષ્ણસ્વરૂપે ઉતરી આવ્યા હોઈએ છીએ ! સુઉં કિયો છો ?

અલબત્ત, આપણા દેશના મહાન ચિંતક અને વિચારપુરૂષ શ્રી. અશોક દવેજીએ ક્યાંક લખ્યું છે કે, માણસનું ચરીત્ર બીજાની વાઇફોને જોવાથી બગડતું નથી, પણ બીજો કોઈ આપણી વાઇફને જોયે રાખે, તો ચરીત્રના ભડાકા થવા માંડે છે... તારી બીજી વાર ભલી થાય ચમના... જે ઘરમાં ફિટ કરાવેલી છે, તેને જ અપ્સરા માની લે... બહાર તારા કોઈ ચણા ય નહિ આલે ! મોટા ખર્ચા કરીને જેને તું પરણી લાયો છું, એ જ તારી કૅટરીના, જોલી.... એ જ સની લિયોન ને એ જ તારી ઍન્જેલિના.

આઈ મીન... ડિમ્પલની આખી વાત અલગ છે !

સિક્સર

ભાષણોમાં ઘાંટાઘાંટ કરીને બોલવા ઉપરાંત, હવે તો રાહુલ બાબા દરેક વાક્યનો છેલ્લો અક્ષર કોની પાસેથી શીખીને લંબાવે છે ?

16/03/2014

ઍનકાઉન્ટર : 16-03-2014

* એવો કયો સવાલ છે, જેનો તમે જવાબ આપી શકવાના નથી ?
- આ.
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* મનમોહન છેલ્લે ૧૫ ઓગસ્ટે બોલ્યા હતા... હવે ક્યારે ?
- ચૂંટણીના રીઝલ્ટ્સ આવી જવા દો... આખી કોંગ્રેસ 'મનમોહન' બની જશે.
(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)

* પત્ની રડતી ક્યારે સારી લાગે ?
- જૂઠે ખ્વાબ મત દિખાઓ... !
(વિમલ ચંદારાણા, વડોદરા)

* સપના આવે તો શું કરવું જોઈએ ?
- તરત એના ફાધરને જાણ કરી દેવી જોઈએ.
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* યાદશક્તિ સતેજ કરવાનો ઉપાય ?
- કોકને દસેક લાખ ઉધારીએ આપી દો.
(જીગ્નેશ જોબનપુત્રા, જૂનાગઢ)

* 'આમ આદમી' પાર્ટી ઉદ્યોગપતિઓની પાછળ કેમ પડી ગઈ છે ?
- એને ય જોઈતો લાડવો નહિ મળ્યો હોય !
(ઈસુફ મનસુરી, મહેસાણા)

* આપ અમેરિકા જઈ રહ્યા છો... ડર એ છે કે, ત્યાં કોઈ ગોરી મેડમના ચક્કરમાં પડી ન જાઓ !
- હું કાળા-ગોરાના ભેદમાં માનતો નથી.
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* આસારામ કે બાબા રામદેવ જેવાઓએ અબજોની મિલ્કત બનાવી... તમે શું કર્યું ?
- 'બાબા અશોકદેવ' બનવાની તૈયારી... !
(એમ.બી. પંડયા, અમરેલી)

* આપણા દેશનું બંધારણ કોઈ ખરીદતું હશે ખરૂં ?
- લોકો દસ રૂપીયાની જોક બૂક વધારે ખરીદે છે.
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* ગયા સપ્તાહે મુંબઈના એક પુસ્તક-વિમોચનમાં તમને રૂબરૂ જોયા... હેન્ડસમ છો, બૉસ !
- હા, તે આ છેલ્લે આશ્ચર્યચિહ્ન શેનું લગાડયું છે ?
(બિનોતી શેઠ, મુંબઈ)

* પરણેલા પુરૂષો બાબતે આપનો શું અભિપ્રાય છે ?
- હું તો બહુ સીધો માણસ છું. મારો તો પરણેલી સ્ત્રીઓ બાબતે ય કોઈ અભિપ્રાય નથી.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)

* શું એ વાત સાચી છે કે, હવે તમે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં આવવાના છો ?
- ના. એ લોકો તો સારા એક્ટરોને લે છે.
(અલ્તાફ બંગાલી, માંગરોળ)

* પુનઃલગ્ન માટે સ્ત્રીઓ ખાસ કંઈ રાજી કેમ હોતી નથી ?
- પહેલાવાળો મરવો તો જોઈએ ને ?
(અવિનાશ ત્રવાડી, ભૂજ-કચ્છ)

* ન્યાયની દેવીની આંખે પાટા બાંધવા પાછળનો તર્ક શું ?
- સ્ત્રીઓને અંધારામાં રાખવી સારી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ભાઈ હો તો ઐસા... તો પત્ની હો તો કૈસી... ?
- બાજુવાલે કે ઘર મેં હૈ ઐસી... !
(શિવનારાયણ એસ., વડોદરા)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછવા મોબાઈલ અને સરનામું લખવું કેમ જરૂરી ? આપ કોઈના ઘેર જતા તો નથી ?
- કોઈ મારા ઘેર આવી ન જાય માટે.
(રૂચિ પંડયા, ગાંધીનગર)

* શિક્ષિત જ્ઞાતિઓમાં પણ લગ્નવિચ્છેદના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું કારણ શું?
- માણસ શિક્ષિત હોય તો જ બુદ્ધિ આવે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મનમોહન તેમનો જમણો હાથ ખિસ્સામાંથી બહાર જ કેમ નથી કાઢતા ?
- એક જ ખિસ્સામાં બે હાથ રાખવા ન ફાવે માટે.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' વિશે શું માનો છો ?
- કપિલની સ્પોન્ટેનીયસ કમેન્ટ્સ અને શોના સ્ક્રીપ્ટ-રાઇટરો ખૂબ સારા છે.
(ગોકુલ આર. પરીખ, મુંબઈ)

* ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું, એ જ મનુષ્ય ઈશ્વરને ચેલેન્જ કેમ કરે છે ?
- મનુષ્ય પણ ઈશ્વર જ છે... ઈશ્વરને મનુષ્ય બનવાનું પરવડે એમ નથી.
(પુલીન શાહ, સુરેન્દ્રનગર)

* સાચા ધર્મપ્રેમીઓ દેશનો ઉદ્ધાર કરી શકે ?
- આ દેશને ધર્મપ્રેમીઓ જ ખાડામાં નાંખી રહ્યા છે.
(ડૉ. આર.પી. પટેલ, ઉત્તરસંડા)

* નમો ટી સ્ટૉલ સામે રાહુલ કૉફી સ્ટૉલ ચાલે ?
- તમારા સવાલમાંથી 'કૉફી સ્ટૉલ' શબ્દો કાઢી નાંખો.
(રસિક ધામી, જેતપુર)

* મોબાઈલ ફોનને ઘણા પ્રેમિકાની જેમ વળગેલા કેમ રહે છે ?
- તે કાન ઉપર દૂધી લટકાડીને ફરે તે સારૂં લાગે ?
(પ્રણવ કારીયા, મુંબઈ)

* તમને રાજ્યના ગૃહમંત્રી બનાવવામાં આવે તો દારૂની પરમિટને કેવું પ્રાધાન્ય આપો ?
- 'પરમિટ લઈને કે લીધા વગર, 
ક્યાં ચાલે છે કોઇને પીધા વગર?’
(શિવરાજસિંહ વાઘેલા, દરબારગઢ-થરા)

* 'એનકાઉન્ટર' સિવાય પોસ્ટકાર્ડનો ઉપયોગ બીજે થતો જોવા મળતો નથી...
- એટલે જ, પ્રાર્થના કરો કે, પોસ્ટકાર્ડ પ્રથા ચાલુ રહે !
(શશીકાંત મશરૂ, જામનગર)

* બાળક ડાબોડી થાય કે જમોડી... શું ફેર પડે છે ?
- કહે છે કે, જગતના સર્વોત્તમ પુરૂષો ડાબોડી હોય છે... (થેન્ક યૂ)
(જે.બી. દેસાઈ, વડોદરા)

* મહિલાઓના રક્ષણ માટે છેડતી, પીછો કે છુપાઈને તાકવાના અડપલાંને બિનજામીનપાત્ર ગૂન્હો ગણાયો છે... !
- હું પોલીસ-કમિશ્નર હોઉં તો આવા મવાલીઓને ઠોકવાની પબ્લિકને છુટ આપું.
(ઝરિના સદીકોટ, રાજકોટ)

14/03/2014

'હૂમાયૂન' ('૪૫)

ફિલ્મ : 'હૂમાયૂન' ('૪૫)
નિર્માતા-દિગ્દર્શક : મેહબૂબ ખાન
સંગીત : માસ્ટર ગુલામ હૈદર
ગીતકારો : અંજુમ પિલીભીતી, શમ્સ લખનવી, પંડિત મધુર, આરઝુ લખનવી, વિકાર અંબાલવી
રનિંગ ટાઈમ : ૧૧ રીલ્સ થીયેટર : સૅન્ટ્રલ ટૉકિઝ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, નરગીસ, ચંદ્રમોહન, વીણા, શાહ નવાઝ, કે. એન. સિંઘ, હિમાલયવાલા.




ગીતો
૧. નયના ભર આયે નીર, મેરે હઠીલે રાજા - શમશાદ બેગમ
૨. દાતા તેરી દયા સે દેશ હમારા
૩. અય ચાંદ તુ બતા દે, મેરે દિલ કો ક્યા હુઆ હૈ
૪. મેરી દુઆઓં કા યારબ અસર દિખા દેના
૫. મૈં તો ઓઢું ગુલાબી ચુનરીયા આજ રે - શમશાદ બેગમ
૬. રસ્મ-એ-ઉલ્ફત કિસી સૂરત નિભાયે ન બને - શમશાદ બેગમ
૭. હુસ્ન કહેતા જા રહા હૈ, બાદશાહી કુછ નહિ - શમશાદ બેગમ
૮. દોનોં હી કો બિગડી કિસ્મત ને દીવાના બનાકર - શમશાદ બેગમ
૯. ચાંદ ચમકા અંધેરે મેં આજ હૈ - શમશાદ બેગમ
(બાકીના ગીતોના પુરુષ ગાયકો વિશે માહિતી મળી નથી.)

'આમેહબૂબખાનની 'આન' અને 'મધર ઈન્ડિયા' આપણે જોઈ હોય ને ધાંય ધાંય કુરબાન થઈ ગયા હોઈએ, એટલે ભલે જૂની, પણ ફિલ્મ તો મેહબૂબ ખાનની છે ને, એ લાલચે 'હૂમાયૂન' જોઈએ ત્યારે ખબર પડે કે, મેહબૂબ ખાન પહેલેથી જ ગ્રેટ નહોતો... રાજ, દિલીપ, નરગીસની ફિલ્મ 'અંદાજ' પછી ગ્રેટ થયો, 'આન', 'મધર ઈન્ડિયા' અને 'સન ઓફ ઈન્ડિયા' પછી ફૂલટાઈમ ગ્રેટ થયો!

તેમ છતાં....તેમ છતાં....તેમ છતાં....

'લંગડા તો ભી શેર કા બચ્ચા હૈ...'ના ધૉરણે અશોકકુમાર નરગીસની આ ફિલ્મ 'હૂમાયૂન' એવી કોઈ બકવાસ ફિલ્મ નહોતી... ઓછી બકવાસ હતી! સાલ, ૪૫ની હતી, એટલે એ અને એ પછીના જમાનામાં આવેલી સમજો ને... ઑલમોસ્ટ તમામ ફિલ્મો ભારે બકવાસ હતી. આપણે આજ સુધી એ ફિલ્મોને પ્રેમો કરવા ટકી રહ્યા છીએ, એનું મોટામાં મોટું કારણ એ વખતનું ફિલ્મી સંગીત હતું. 'મેલડી' ઉપર આધારિત ગીતો હતા, એટલે '૪૬થી '૬૬ના બન્ને દશકોની ફિલ્મોના મોટા ભાગના ગીતો આપણને કંઠસ્થ નહિ તો હોઠસ્થ તો ખરા...! સુઉં કિયો છો?

'... અને આ ફિલ્મ 'હૂમાયૂન' ઉતરી ૪૫માં! જુઓ, કેવા ખેલ રચાયા છે! લતા, રફી, મુકેશ, મન્ના ડે, આશા, હેમંત કે તલત અને કિશોરવાળો આખો લૉટ ૪૬ની આસપાસ ઉતર્યો. આપણને ગમતા ગીતોની લ્હાણી આ લોકોએ આ તબક્કા પછી કરાવી, પણ ત્યાં સુધી જાહોજલાલી જેમને નામે હતી, તે શમશાદ બેગમ, જોહરાજાન, અમીરબાઈ કે નૂરજહાં અને સુરૈયાઓ પાસે હતી. પુરુષોમાં સાયગલ-પંકજ મલિક પણ એવા કોઈ ચલણમાં નહોતા. એમના પૂરતા ગીતો પૂરતી જ ફિલ્મો. સંગીતકારો તો ઘણા હતા પણ મુખ્ય બે નૌશાદઅલી અને માસ્ટર ગુલામ હૈદર. અને આ બન્નેએ પણ એવા કોઈ મોટા મોર આ સમયગાળા દરમ્યાન નહોતા માર્યા, પણ અનિલ બિશ્વાસની જેમ એમની ગણત્રી પણ 'એ મ્યુઝિશિયન વિથ અ બ્રેઈન'માં થતી, મતલબ સંગીતની સમજ ઊંચી. પણ એ સમજનો અનુવાદ સફળતામાં ભાગ્યે જ થતો. ગુલામ હૈદરે 'ખજાનચી'માં ધડબડાટી બોલાવી દીધી હતી અને ખાસ તો શમશાદ બેગમના કંઠે 'સાવન કે નઝારે હૈ...' જેવા સુરીલા ગીતોએ માસ્ટરને ઊંચા તખ્ત પર બેસાડી દીધા હતા.રેહાના ખભાની આગળ બે ચોટલા રાખી, એની સખીઓ સાથે સાયકલ પર આ ગીત ગાય છે, તે યાદ હશે જ !

લતા મંગેશકર હજી આવી નહોતી, ત્યારે શમશાદબાઈ ગુલામ હૈદરની પેટ હતી. 'હૂમાયૂન'ના તો કેવા રસઝરતા ગીતો ગવડાવ્યા છે! હું ય જાણું છું કે 'હુમાયૂન'નું એકે ય ગીત તમે સાંભળ્યું ન હોય, પણ આદાબ સાથે તમને વિનંતી તો કરી શકાય કે, મારી ઉપર વિશ્વાસ રાખજો અને મળે તો આ ફિલ્મના ગીતો ખૂબ વાર સાંભળજો. માસ્ટર ગુલામ હૈદર અને શમશાદ બેગમ બન્ને માટેનો અહોભાવ વધી જશે. તવાયફી બ્રાન્ડના ગીતોના એ જમાનામાં માસ્ટર ગુલામ હૈદરે 'મૅલડી'ની શરૂઆત કદાચ આ ફિલ્મથી જ કરી દીધી હતી.

લતા લગભગ આજ ગાળામાં ગુલામ હૈદરના પરિચયમાં આવી. મૂળ દાંતના ડૉક્ટર એવા આ સંગીતકાર તાબડતોબ લતાના દોસ્ત બની ગયા. સ્ટુડિયોમાં ય પરાંની ટ્રેનમાં બન્ને સાથે જાય, એમાં એક દિવસ ટ્રેનની રાહ જોવામાં લતા અને માસ્ટર પ્લેટફોર્મ પર ઊભા હતા. કોઈ ચમકારો થયો હશે ને, માસ્ટરે એમના સિગારેટના ગોળ ડબ્બાના ઢાંકણા ઉપર આંગળીઓથી તાલ દેવા માંડયા અને કોઈ તરજ ગણગણવા માંડી ને લતાથી અહોભાવથી 'વાહ...' બોલાઈ જવાયું, ને એ જ ક્ષણે ફિલ્મ 'મજબૂર'માં લતાના ખૂબ પ્રસિદ્ધ ગીત, 'દિલ મેરા તોડા હાય મુઝે કહીં કા ન છોડા...' ગીતની બંદિશ બની ગઈ.

આજની ફિલ્મ 'હુમાયૂન'ના ગીતો અત્યંત મીઠડાં છે, એવું મેં તમને કીધું ને તમે માનજો ય ખરા. નવાઈઓ લાગી શકે, પણ ફિલ્મમાં શમશાદના તમામ ગીતોનો લય એક જ છે ને છતાં ય એકબીજાથી વિભિન્ન છે.

યસ. સાયગલ સાહેબના જમાનાના ચાહકોને ખબર હોય જ કે, એ વખતના ફિલ્મી ગીતોમાં પર્કશન્સ એટલે કે, ઢોલક-તબલાં ગીતના કેવળ સપોર્ટ પૂરતા વાગતા. ઢોલક તો હજી આવ્યું જ નહોતું (જેને પાછળથી માસ્ટર ગુલામ મુહમ્મદે શરૂ કર્યું.) પણ સાયગલના કે એ સમયના તમામ ગીતોમાં તબલાં સાંભળો, તો મટકી વધારે લાગે. હજી ટીપના તબલાં આવ્યા નહોતા. મોટા મોંઢાના તબલાં એકલા જ વાગતા. એ સમયના તમામ સંગીતકારો ભારતીય પરંપરાની રિધમમાં કૈદ હતા. વર્ષો પછી ગૌવાનીઝ સંગીતકારો ઍન્થની ગોન્સાલવીસ અને સેેેબેસ્ટીયન જેવાઓએ રિધમમાં ઢોલકી અને નાલના વૅરિએશન્સ શરૂ કર્યા. રાજ કપૂરની ફિલ્મ 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી...' ગીતમાં રિધમ-સેક્શનમાં આવી ઢોલકી-નાલનો ઉપયોગ તરત દેખાઈ આવશે. મહારાષ્ટ્રના લોકસંગીતનો અતિપ્રસિદ્ધ લાવણી-ઠેકો ય હવે શરૂ થઈ ચૂક્યો હતો ને હિંદી ફિલ્મોના સંગીતના રિધમ-ઍક્શનનો મિજાજ બદલાઈ રહ્યો હતો.

હજી સાયગલ-પંકજના ગીતો સાંભળો તો વધુ ખ્યાલ આવશે કે, રિધમ તો જાવા દિયો, ગાયકીના અંતરામાં પણ મોટા ભાગે વૉયલિન ગાયકને ફોલો કરે જતી હતી એટલે કે, 'એક બંગલા બને ન્યારા...' ગીત ગવાતું હોય ત્યારે ૨૦-૨૫ વૉયલીનો ગીતના અંતરાઓમાં સાયગલ જે ગાતા હોય, એ જ સુર કાઢીને વાગે જાય. એ તો વર્ષો પછી આ ગોવાનીઝ સંગીતકારો... ને એમાં ય ખાસ કરીને ઍન્થની ગોન્સાલવીસ 'ઓબ્લિગેટો' લઈ આવ્યા. 'ફર્માઈશ કલબ'ના એક કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર સંગીતનવાઝ શરદ ખાંડેકરે શ્રોતાઓને આ 'ઑબ્લિગેટો' શું છે, તેનું રસદર્શન કરાવ્યું હતું, અર્થાત, ગીતમાં 'યાદેં ન જાય, બીતે દિનોં કી, જેવા ગીતોમાં અત્યાર સુધી એ જ ઢાળમાં વૉયલીનો વાગતી હતી. ઑબ્લિગેટોમાં ફેરફાર એ થયો કે, મૂળ ઢાળને સપૉર્ટ કરે, એવી પણ જુદી તરજ બૅક-ગ્રાઉન્ડમાં વાગતી રહે. જેમ કે, 'યાદેં ન જાયે....' એટલા જ શબ્દો ગવાઇ જાય, એની સાથે સાથે જે ધૂન વાગે, તે ઑબ્લિગેટો !

લાવણી-ઠેંકાનો મહત્તમ ઉપયોગ સી. રામચંદ્રે કર્યો છે. સાથે મૅન્ડોલીન હોય !

આપણા ઍન્થનીભાઈ કે સેબેસ્ટીયન જેવા મ્યુઝિક ઍરેન્જરોએ ઓબ્લિગેટો દ્વારા એ બતાવ્યું કે, ગીતને ફોલો કરવાને બદલે સપોર્ટ કરો. મતલબ હવે એ ગીત આ વાંચતા વાંચતા બાજુમાં વગાડતા જાઓ. 'યાદેં ન જાયે...' પછી તરત જ બેકગ્રાઉન્ડમાં વોયલિનના જે પીસ વાગે છે, તે ગીતના ઢાળેઢાળમાં વહે જતા નથી... કંઈક જુદું વાગે છે, તે ઓબ્લિગેટો.

કંઈક જુદું કરી બતાવવામાં તો આ મહાન નિર્દેશક મેહબૂબ ખાનનો ય હાથ સારો બેસી ગયો હતો. ભલે ને ફિલ્મ 'હૂમાયૂન' કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી. છતાં એ જમાનામાં આવી પોષાક ફિલ્મ ઉતારવી, કોઈ નાની માંના ખેલ નહોતા. ફિલ્મના બહારી દ્રશ્યો માટે તો જયપુરનો રાજમહલ વાપરવા લીધો છે, પણ મહેલના અંદરની દ્રશ્યોને પકડવા માટે મેહબૂબે બનાવેલા સેટ્સ લાજવાબ છે. ઐતિહાસિક ફિલ્મ બનાવવી અન્ય ફિલ્મો કરતા અનેકગણી મોંઘી પડે. ખાનસાહેબે મોંઘા-સસ્તાની ચિંતા એમની કોઈ ફિલ્મમાં નથી કરી. 'હૂમાયૂન'માં વાતાવરણ ચોક્કસ ઊભું કર્યું છે, ફિલ્મને શાહી બનાવવાનું!

આમ જોવા જઈએ તો, ૪૫ની સાલના સમયગાળાના હિસાબે 'હૂમાયૂન' પણ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. અશોકકુમાર, વીણા, નરગીસ, શાહ નવાઝ અને કે. એન. સિંઘ જેવા કલાકારો એ જમાનામાં ય મોંઘા પડતા. મેહબૂબે એની ચિંતા નહોતી કરી. નરગીસ તો આ ફિલ્મથી જ મેહબૂબ ખાનની લાડકી બની ગઈ અને પોતાની આવનારી ફિલ્મો 'અંદાઝ' અને 'મધર ઈન્ડિયા'માં ય એને જ લીધી. 'આન'માં પણ નરગીસ જ હોત, પણ રાજ કપૂર સાથે નરગીસના પ્રણયફાગથી ધૂંધવાયેલા દિલીપ કુમારે મેહબૂબ પાસે જીદ કરીને નરગીસને ખદેડી મૂકાવી, ૪૫ની સાલમાં બનેલી 'હૂમાયૂન' વખતે અફ કોર્સ, રાજ-નરગીસની પ્રેમકથા શરૂ નહોતી થઈને અશોકકુમાર સૌથી ટોચનો હીરો હતો, માટે નરગીસની સામે એને લેવાયો. આમે ય, પ્રણયના ફાગ ખેલતા હીરો તરીકે અશોક કુમાર કેટલો સ્વીકાર્ય બને, એ ચાની કીટલી પર ચર્ચા કરવાનો સબ્જૅક્ટ છે. આ ફિલ્મમાં તો એ ૩૪ વર્ષની જ ઉંમરનો છે. નરગીસ, ૨૯માં અને દાદામોની, ૧૧ની સાલમાં જન્મેલા, એટલે જુઓ ને, કેટલા થયા... યસ, બન્ને વચ્ચે ૧૮ વર્ષનો ડીફરન્સ એ જમાનાના પ્રેક્ષકોએ ચલાવી લીધો... આજે તો બધાના ઘરની બાઓ ખીજાય! નરગીસનું મૂળ નામ 'ફાતિમા રશિદ' અને એ જદ્દનબાઈની દીકરી હતી. જદ્દનબાઈનું નામ જવાહરલાલ નેહરુથી માંડીને હાલના કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા સુધી અંગત હતું. જદ્દનબાઈ અભિનેત્રી, ગાયિકા અને એક જમાનામાં અલ્લાહાબાદના તવાયફ પણ હતા. પણ દીકરીને કન્વૅન્ટમાં ભણાવીને મોટું કામ કર્યું. નરગીસ બહુ ડીસન્ટ લેડી હતી. યોગાનુયોગ એવો બન્યો કે, ઈ.સ. ૧૯૩૫ની ફિલ્મ 'તલાશ-એ-હક્ક'માં પહેલીવાર કેમેરાનો સામનો બાળ કલાકાર તરીકે કરનાર નરગીસની પહેલી ફિલ્મ 'તમન્ના' (૧૯૪૨) હતી, જે ગાયક મન્ના ડેની પણ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'માં દેવના ખાસ દોસ્ત બનતા મુસલમાન ડ્રાયવરનો રોલ કરનાર અનવર હુસેન નરગીસનો ભાઈ ખરો. બન્ને જદ્દનબાઈની કૂખે જન્મેલા (બીજો ભાઈ અખ્તર હુસેન, જે ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં દેવ આનંદની સેકન્ડ હીરોઈન ઝાહિદાના પિતા થાય!) પણ અનવર હુસેનના પિતા અલગ. 'નરગીસ' નામ પડયું હોય, એટલે 'નાર્સિસસ'નો અપભ્રંશ 'નરગીસ' થયો હોઈ શકે!

૧૯૦૫માં જન્મીને ૧૯૪૯માં ગૂજરી ગયેલો અદાકાર ચંદ્રમોહન ખાસ તો એની મોટી માંજરી આંખો માટે પ્રખ્યાત હતો. મધ્યપ્રદેશના નરસિંગપુરમાં જન્મેલા આ ઍક્ટરની ખૂબી તેના અવાજ અને સંવાદ બોલવાની સખ્ત અદાયગીમાં હતી. વ્હી. શાંતારામે ઠેઠ ૧૯૪૩માં ચંદ્રમોહનને ફિલ્મ 'અમૃત મંથન'માં પેશ કર્યો, ત્યારથી એની આંખો દેશભરમાં છવાઈ ગઈ હતી. એ જમાનામાં ફિલ્મ ચાહકો આજે ય ચંદ્રમોહનને ખાસ તો એની આંખો માટે વધુ યાદ કરે છે. વિધિ ખેલ પણ કેવા રચાવે છે? આ માણસ મૂળ તો કે. આસીફના 'મુગલ-એ-આઝમ'માં જીલ્લે-ઈલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરનો રોલ કરવાનો હતો અને ૩-૪ રીલ જેટલું શૂટિંગ પણ થઈ ગયું હતું, પણ મૌત કેવું આવ્યું? જે માણસ હિંદુસ્તાનના શહેનશાહનો રોલ કરવાનો હતો, એ ભિખારીની દશામાં ગૂજરી ગયો ને શૂટિંગ કૅન્સલ કરીને પાપા પૃથ્વીરાજ કપૂરને અકબર બનાવાયા. હતી પર્સનાલિટી શાહી, એટલે સોહરાબ મોદીની ફિલ્મ 'પુકાર'માં ચંદ્રમોહને શહેનશાહ જહાંગીરનો અને મેહબૂબખાનની જ ફિલ્મ 'રોટી'માં સેઠ ધરમદાસનો કિરદાર નિભાવ્યો હતો.

એવી જ આ ફિલ્મની સાઈડ હીરોઈન વીણા વિશે આપણે હમણાં જ લખી ચૂક્યા છીએ, પણ મુખ્ય હીરોઈન નરગીસ અને અશોકકુમારની કેમેસ્ટ્રી 'હુમાયૂન'માં કેવી રીતે બની, તે નાનકડા આશ્ચર્યની ઘટના છે. નરગીસ-અશોકકુમાર એ પછી તો નીતિન બોઝની ફિલ્મ 'દીદાર'માં દિલીપ કુમારની સાથે આવ્યા હતા, પણ હતું એવું કે, નરગીસ રાજ કપૂર સાથે જોડાયેલી હોવાથી દિલીપ કુમારની ગૂડ-બૂકમાં હરગીઝ નહિ. દિલીપ કુમારને પાછું રાજ કપૂર અને અશોક કુમાર સાથે ય કંઈ એકબીજાના ઘેરથી દહીંનું મેળવવા મંગાવી લેવાના સંબંધો સહેજ પણ નહિ...નહિ તો રાજ કપૂર અને અશોક કુમાર તો ચેમ્બૂરમાં આસપાસ જ રહેતા હતા. આ બાજુ દેવ આનંદનો આનંદ સ્ટુડિયો અને દિલીપ કુમારનો બંગલો એકબીજાને અડીને, પણ હરામ બરોબર બન્ને ક્યારેય એકબીજાને ત્યાં દસના છુટા માંગવા ય જતા હોય! અશોક કુમાર અને દેવ આનંદ વચ્ચે અફ કોર્સ, સગા ભાઈઓ જેવા સંબંધો છેક સુધી જળવાયા, પણ આ ફિલ્મ 'હૂમાયૂન'માં અશોક અને નરગીસ સાથે હોય, એ વાત એ સમયના ચાહકો માટે પણ ઈન્ટરેસ્ટિંગ હતી.

દિગ્દર્શક મેહબૂબ ખાન હોવા છતાં ફિલ્મના ઍડટિંગ ઉપર અનેક જગ્યાએ ધ્યાન અપાયું ન હોવાથી, બે-ચાર દ્રષ્યોમાં એવું પણ બન્યું છે કે, બે પાત્રો વાત કરતા હોય, ત્યારે શૂટીંગ વખતે કૅમેરા ચાલુ થાય, એ પહેલા પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક સ્ટાર્ટ આપે એ જ ઘડીએ પેલા લોકોએ ઍક્ટિંગ ચાલુ કરી દેવાની હોય, પણ એની થોડી ક્ષણો પહેલા તો બન્ને પાત્રો પોતાના સ્થાને સ્થિર ઊભા હોય. અહીં ખાન સાહેબે ધ્યાન નથી આપ્યું, એમાં સંવાદ કે દ્રષ્ય શરૂ કે પૂરું થયા પછી ય પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક 'સ્ટાર્ટ' કહે કે, આ લોકો તરત જ હલવા માંડે! ઑવરઑલ... ફિલ્મ ન જુઓ તો સારું, નહિ તો ભોગ તમારા...!

(સીડી સૌજન્ય : શ્રી નારણભાઈ મૂલાણી, મુંબઈ)

12/03/2014

બાબો બીજાને આવે ને હરખ આપણે કરવાનો ?

''અસોક, હાંજે ટાઇમશર ઘેર વે'લા આવી જાજો... ગૌતમભા'યની વાઇફ નીરાને બાબો આઇવો છે. આપણે-''

''ગૌતમની વાઇફને....? બાબો આયો ?? અઅઅઅ... આઇ મીન...ગૌતમને 'ડાઉટ' કોની ઉપર છે ?''

અચાનક આવા સમાચાર સાંભળીએ એટલે આપણે સારા ઘરના માણસો હચમચી તો જઇએ ને ? ડર લાગવા માંડે કે, પેલીએ કાંઇ બાફી તો નહિ માર્યું હોય ને ? ને આમે ય, હમણાં હમણાંથી આવા સમાચારોમાં હચમચવા ઉપર મારૂં બૉડી સારૂં બેસી ગયું છે. ઘણી વાર તો મેં કાંઇ કર્યું હોતું નથી, તો ય હચમચી જઉં છું, બોલો !

''નીરી બોલી ગઇ કાંઇ...?''

''સુઉં ઘેલાં કાઢો છો આવી વાતુંમાં ! કાંઇક તો સુભ-સુભ બોલો ! હાંજે વે'લા આવજો... આપણે એમના ઘરે હરખ કરવા જાવું પડશે.''

આપણે ત્યાં પ્રથા છે. બાબો બીજાને ત્યાં આવ્યો હોય એમાં હરખ આપણને થયો છે, એ બતાવવા 'હરખ કરવા' જવું પડે. હું પોતે જન્મ્યો ત્યારથી આજ સુધી સમજ પડી નથી કે, પ્રેગ્નન્ટ કોઇ બીજું થાય, એમાં હરખ આપણને શેનો થાય ? મૂળ ઘટનાએ આકાર લીધો હોય, ત્યારે આપણે તો ગામમાં હોઇએ બી નહિ, તો પછી કઇ કમાણી ઉપર હરખ કરવા આપણે જવાનું ? પણ હરખ કરવા માત્ર જવું જ નથી પડતું, ત્યાં જઇને હરખ થયેલો બતાવવો ય પડે છે. ચાર દિવસના બાળકની દાઢી ઉપર આંગળી દબાવીને સાલું લેવાદેવા વગરનું હસતું મોઢું રાખીને ''હુલુલુલુ'' બોલવું પડે. કરૂણા એ હોય કે, આપણે હજી હરખ કરવા પહોંચ્યા જ હોઇએ ને પાછળ પાછળ માં બહુચરના ભક્તો આ મોટ્ટા તાબોટા પાડતા પાડતા આવે. એ ય હરખ કરવા જ આવ્યા હોય... સાલું, કોઇ ત્રીજી પાર્ટી ત્યાં અચાનક આવી ચઢે તો ઓળખી ન શકે કે, આ બેમાંથી બહુચારજીવાળું કોણ ? આપણને સાથે જોવાથી કેવી આબરૂ જાય... બહુચરમાંના ભક્તોની ! એમની બાઓ ય ખીજાય !

મારી વાત ઢીલી પડે એમ હોવાથી તમે બધા વાચકો મને ટેકો આપજો કે, તાજું જન્મેલું બાળક સની લિયોનનું કેમ ન હોય, હાળું વાંદરા જેવું જ લાગતું હોય છે. એકે ય ઍન્ગલથી આપણને એના ઉપર વહાલ ન ઊભરાય. વ્યવહારિક વાત એ છે કે, બાળકને બદલે એની માં ને વહાલ કરી બતાવવાનું હોય તો મન મોટું રાખીને બતાવી આવીએ...એની માંની દાઢી દબાવીને ૮-૧૦ વખત પેલું 'હુલુલુલુ' ય કરતા આઇએ.... હઓ ! આપણા સંસ્કારી ઘરોમાં કદી માં-બાળક વચ્ચે ભેદભાવ ન હોય...! સુઉં કિયો છો ? પણ હવે પહેલા જેવા બાળકો ય ક્યાં જન્મે છે ? પહેલા જેવી માં તો હજી ય થાય છે.. આ તો એક વાત થાય છે !

હું તો બ્રાન્ડેડ કપડાં પહેરીને વાઇફ સાથે હરખ કરવા ગયો. આપણે રજનીગંધાના ફૂલો લેવા ગયા હોઇએ ને સામેથી કોઇ સિંગતેલનો ડબ્બો લઇને આવતું હોય એમ હોસ્પિટલમાં પહેલો જ સામે એનો ઢગા જેવો હસબન્ડ મળ્યો. મૂડનો કેવો કચરો થઇ જાય ? પાછો, એની પ્રસૂતિનું બિલ આપણે ચૂકવવાનું હોય એમ પ્રેમથી કહે, ''થેન્ક યૂ તમે આવ્યા... હવે કોઇ ચિંતા નહિ...!''

''ચિંતા... ? શેની ચિંતા ?'' મેં હેડકી ખાઇને પૂછ્યું.

''ખાસ કાંઇ નહિ... આ તો તમે જાઓ ત્યારે મારી સાળીને ઉતારતા જવાનું છે, એની ચિંતા હતી ને તમે આઇ ગયા.''

''એ ય પ્રૅગ્નન્ટ છે ?.. આઇ મીન, ત્યાં ય બાબો રમાડતા જવાનું છે ?''

''શું તમે ય તે, દાદુ ! અરે, મારા સાળી તો ૭૮- વર્ષના છે... (''તો ય, પ્રેગ્નન્ટ છે ?'' એનું પૂછવા જતો હતો, પણ આપણા જેવા સંસ્કારી ઘરોમાં હવે એવું કાંઇ થોડુ પૂછાય છે ? આ તો એક વાત થાય છે !)

વાઇફને ગામના બાબાઓ રમાડતા સારા આવડે. એ તો હરખ બતાવવામાં મેહફીલ જમાવી દે છે. આપણને તો હાળું એવું બધું આવડે ય નહિ. હું તો નીરાની ચિંતામાં સાઇડમાં અદબ વાળીને ઊભો હતો, પણ વાઇફે જમાવટ કરવા માંડી.

''ઓહો ઓહો... રાધારાણી તો લાગે છે ને કાંઇ...! અશ્શલ એની મમ્મી ઉપર ગઇ છે, કાં ? મોટી થાશે તીયારે એની મમ્મી જેવા લાંબા વાળ રાખશે ને... અલુલુલુલુ''

''ભાભી.. આ બાબો છે..બેબી નથી.'' ગૌતમીયાએ અકળાઇને ભૂલ સુધારી. ''તમને તો ખબર છે. ત્રીજી બેબી પછી અમારે બાબો આયો છે ! હવે ખમૈયા કરજો ભાભી...!''

વાઇફ ચોંકી ગઇ. અટકી ય ગઇ. ખમૈયા એની વાઇફે કરવાના હોય, મારી વાઇફે નહિ ! ''ઓહ, શ્યૉરી શ્યૉરી, હોં ! અમારા અસોકને કાંઇ યાદ નો રિયે ને મારી પાસે આવું બફાવે ! હવાર-હવારમાં એમણે જ મને 'બેબી' કીધું તું. હશે ભા' આય... બાબો તો બાબો. હવે ક્યાં પે'લા જેવું રિયું છે કે, બેબી જ જોઇએ ! બાબા ય સાત ખોટના હોઇ છે..''

પછી મને કોર્નરમાં લઇ જઇને પૂછવા માંડી, ''આ લ્લે લે..અસોક, આઇ ગૌતમભા'આયને બાબો આઇવો, તો આપણે ગઇ કાલે જલેબી કોની ખાઇ આઇવા...?''

''ડાર્લિંગ... બાબો ગૌતમને નહિ, એની વાઇફ નીરાને આવ્યો છે. ગૌતમ એવો માણસ જ નથી...!''

''હવે આંઇ મજાકું બંધ કરશો ? બચ્ચાડાને તઇણ બેબી પછી બાબો આઇવો.. ઇશ્વરને ગયમું, ઇ ખરૂં.''

''ડાર્લિંગ... આ સેશનમાં આપણે બેસણાંમાં નહિ, પ્રસૂતિગૃહમાં આવ્યા છીએ... ઇશ્વરને ગમવાવાળું અહી ન બોલાય... થોડું ધ્યાન રાખતી જા, વાઇફ ! ગયા શુક્રવારે ભીનુંમાસાને હાર્ટ-એટેક આવ્યો, તેની ખબર કાઢવા ગયા'તા, ત્યાં ય તે પૂછી નાંખ્યું, ''આ કેટલામો...?'' આપણે સંસ્કારી માણસો છીએ, વસ્તી-ગણત્રીવાળા નથી તે ગામના હાર્ટ-ઍટેકો ગણતા રહીએ.''

ફ્રૅન્કલી કહું તો સરખો હરખ કરતા મને ય નથી આવડતા. આપણા મનમાં પાપ નહિ, પણ પૂછાઇ એવું જાય કે, ''આ અત્યારથી બાબાનું મોઢું ચીમળાઇ ગયેલું કેમ આયું છે ?'' એ તો વાઇફ ગુસ્સે થઇને મને ખૂણામાં લઇ જઇને સમજાવે કે, ''સુઉં બાફાબાફ કરો છો, તી ? તાજા જન્મેલા બાળકુંના મોંઢ્ઢા આવા ચીમળાઇ ગયેલા જ લાગે.''મને એ એ ય સમજાવે કે, તમને બાળકને તેડતા જ નથી આવડતું. એટલે ત્યાં હખણા રહેવું. વાઇફને એ યાદ હતું કે, ગઇ વખતે મધુના બાબાનો હરખ કરવા ગયા, ત્યારે હોંશમાં ને હોંશમાં મેં... કિચનની સિન્કમાંથી મહારાજ ભીનું પોતું બહાર કાઢે, એમ ઘોડીયામાંથી બાળકને ઉચક્યું હતું. કહે છે કે, બાળકને બે હાથે આડું તેડવું જોઇએ ને પછી ડાબે-જમણે 'હુલુલુલુ' કરતા કરતા હલાવે રાખવાનું હોય. આપણને પર્સનલી કાંઇ ૨૦-૨૫ બાળકો અવતર્યા ન હોય તે બધું યાદ હોય ને આમાં તો પ્રેક્ટિસ જોઇએ. કહે છે કે, 'પ્રૅક્ટીસ મૅઇક્સ ધ મૅન પરફૅક્ટ' હવે એ પ્રૅક્ટીસ પાડવા આપણે મૅટર્નિટી હોમે-હોમે ગામના છોકરાઓ રમાડવા ન જવાનું હોય. હા, એટલું કબુલ કરૂં છું કે, મમ્મીઓ આપણને લેવા-દેવા વગરના 'અન્કલ' બનાવીને છોકરા આપણા હાથમાં પકડાવી દેતી હોય છે, એટલે કંટાળુ એટલે બાળકની પાછળ વગર વહાલનો એક ચીટીયો ભરી દઉં, એમાં કાંઇ છોકરૂં ખોડખાંપણવાળું થઇ જવાનું નથી, પણ આપણે તો છુટીએ ને ? ગમે તેમ તો ય, આપણે સંસ્કારી ફૅમિલીઓમાંથી આવીએ છીએ...સાલું લિનનના મોંઘા શર્ટ ઉપર મૂતરે તો નૉટ આપણી છપાઇ જાય. લોકો વાતો કરે કે, ઘેરથી જ આવા શર્ટો પહેરીને બહાર નીકળતા હશે ? ડાઉટ આપણા ઉપર જાય. કેમ કોઇ બોલતું નથી ? કોઇ પંખો ચાલુ કરો.

હરખ કરવા જવાનો રિવાજ આમ તો સારો છે. ગમે તેમ તો ય, બાળકનો ફાધર કોઇ ભીષણ યુધ્ધ જીતી લાવ્યો હોય, એવો હરખાતો હોય છે. ઘણાને પોતાની શક્તિઓ ઉપર નાઝ થાય છે. તો ઘણાની આબરૂ બચી જાય છે ને ઘણાની બાંધી મુઠ્ઠી લાખની રહી જાય છે.

સિક્સર

''કોંગ્રેસને વૉટ આપશો તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે.''

આ સૂત્ર કોંગ્રેસ અને ભાજપ બન્ને વાપરે છે.

09/03/2014

ઍનકાઉન્ટર : 09-03-2014

* અશોક દવે, તમે અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે ટીકીટ માંગી જુઓ... કદાચ તમને પક્ષ-પ્રમુખ પણ બનાવી દે...!
- ગણત્રીમાં હું ઉંદર જેવો છું. જહાજ ડૂબવાનું હોય ત્યારે પહેલો હું જહાજ છોડું...!
(નૈમિષ સિદ્ધપુરા, મૅલબોર્ન-ઑસ્ટ્રેલિયા)

* અમેરિકા તમે પત્નીને લઈને કેમ નથી જતા?
- હું અમેરિકા જોવા જઉં છું. ત્યાં લોકો મારી સામે દયાથી જુએ રાખે, એવું નથી ઈચ્છતો!
(રમેશ સુતરીયા 'ટ્રોવા' મુંબઈ)

* 'હું કેટલો સુખી છું', એ જાણવાનો રસ્તો ક્યો?
- કોઈ દુઃખીને જોયે રાખો.
(યોગેશ ગણાત્રા, જામનગર)

* લોકસભાની ચૂંટણી માટે સુઉં કિયો છો?
- આજકાલમાં નવા નવા પપ્પા બનનારાઓ ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસનો ફોટો બતાવીને બાળકને કહેશે, 'જો બેટા... આપણા દેશમાં આવું ય કંઈક હતું...!'
(કુ. પી. ડી. કોટક, રાજકોટ)

* પ્રેમ એ તો ભાવનો મેળો છે. ભાવમાં તણાઈ ગયા પછી બાકી શું રહે?
- બસ... બાળક ન રહેવું જોઈએ
(મહેશ મકવાણા, અમદાવાદ)

* (આસા) રામ રાખે, એને કોણ ચાખે?
- (હ)રામ બરોબર, જો મને આની ખબર હોય તો!
(લલિત ઓઝા, જુનાગઢ)

* સલમાન ખુરશિદ કહે છે, 'મોદી નપુંસક છે.'
- તે... એમને ખબર કેવી રીતે પડી?
(કમલેશ ત્રિવેદી, અમદાવાદ)

* ઈશ્વરે પુરુષ સર્જ્યા પછી તેના મનમાં શું વિચાર આવ્યો હશે?
- એ જ કે, હવે મને આનાથી વધુ સારો વિચાર નહિ આવે!
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* દવે સાહેબ, તમે રાજકારણમાં પણ ચાલો એવા લાગો છો...
- ગાલી મત દો!
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* શું તમને વિશ્વાસ છે કે, બ્રાહ્મણો એક થશે?
- એક થવાની જરૂરત બ્રાહ્મણોને નહિ, તમામ દેશવાસીઓને છે. સરહદ પર દુશ્મનો બ્રાહ્મણ કે જૈનને નહિ ઓળખે.
(શ્રદ્ધા દવે, અમદાવાદ)

* કેજરીવાલને બીજા પક્ષો કામ કરવા નહિ દે. સુઉં કિયો છો?
- કેજરીવાલ મીડિયાએ બનાવેલો પરપોટો હતો... ફૂટી ગયો!
(હસમુખ રાજાણી, રાજકોટ)

* આખું છાપું વાંચનારાઓ ય બોલતા હોય છે, 'છાપામાં કંઈ નથી...!'
- આવું એ લોકો બેસણાંની જા.ખ. જોઈને બોલી પડે છે.
(મધુકર પી. માંકડ, જામનગર)

* 'બીઝી' માણસો 'ઈઝી' કેમ હોતા નથી?
- ક્રૅઝી હોય છે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* સુખી હોવા છતાં દર વર્ષે નવા લગ્નનો વિચાર કેમ આવતો હશે?
- બહુ આળસુ છો... અહીં તો દર મહિને નહિ, દર રોજ આવે છે!
(રાજેશ વી. શુકલ, ભરૂચ)

* પાપ-પૂણ્ય કે નીતિ-અનીતિનું સૂત્ર ભારતમાં જ કેમ છે?
- 'મેરા ભારત મહાન'.
(ડો. રસિક ત્રિવેદી, સણોસરા)

* રાજકારણીઓનું આયુષ્ય જ વધારે હોવાનું કારણ શું?
- આયુષ્યો ભલે વધારે હોય, પણ સત્તા છુટી ગયા પછી મરે ત્યાં સુધી રિબાવાની ઈશ્વર એમને સજા કરે છે.
(ધર્મેશ વેકરીયા, આણંદ)

* પત્નીઓ એમના પતિ માટે 'કરવા ચોથ' જેવા વ્રત રાખે છે, પતિઓ આવા વ્રતો કેમ ન રાખે?
- બીજા બધા કામધંધા હોય કે નહિ? વાત કરે છે તે...!
(નૈનેષ પી. ભાવસાર, અમદાવાદ)

* થાક ઉતારવા તમારી મનપસંદ પ્રવૃત્તિ કઈ? સંગીત, વાંચન કે લેખન?
- મારા ફલૅટની નીચે જ શાકવાળાની દુકાન છે. હાથમાં થેલીઓ પકડીને સબ્જી લેવા આવતા લાચાર ગોરધનોને જોઈને રાજી થાઉં છું કે, ભગવાને મને આવો પતિ તો નથી બનાવ્યો...!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ફિલ્મી કલાકારો કે નેતાઓ સાથે ફોટા પડાવતા લોકો સાહિત્યકારો સાથે કેમ ફોટા પડાવવા રાજી નથી?
- અરે, હમણાં કોક વાચકે ઉત્સાહભેર મારી સાથે ફોટો પડાવ્યો ને પછી કીધું, 'થૅન્ક યૂ, ભવેન કચ્છી.'
(રસીલા દિલીપ શાહ, અમદાવાદ)

* 'સાધુ સંત કે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસા રે...' એવું હનુમાન ચાલીસામાં કીધું છે, તે આસારામને હનુમાનજી મદદ કરતા હશે?
- હનુમાનજીએ સાધુ સંત માટે કીધું છે.
(કાંતિ ખખ્ખર, રાજકોટ)

* 'ભારત રત્ન' સરકારની ભાટાઈ કરવા અપાય છે?
- મેં પણ ઘરમાં બધાની વાહવાહી કરી, ત્યારે મને 'ફૅમિલી-રત્ન' એનાયત થયો.
(કનુ બારોટ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ મોકલ્યા પછી આટલી બધી રાહ કેમ જોવી પડે છે?
- એકાદ અઠવાડીયું તે કાંઈ રાહ જોઈ કહેવાય?
(પૂજા ભાટીયા, જસદણ-રાજકોટ)

* એક ધોબીની વાત માનીને શ્રીરામે સીતાજીનો ત્યાગ કેમ કર્યો?
- એની તો ખબર નથી, પણ એ ઘટના પછી પરણેલા પુરુષો રોજ ધોબીઓના ઘેર પહોંચી જાય છે...!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સમાજમાં આપની મથરાવટી કેવી છે?
- રૂ. દસ લાખ રોકડા મોકલો તો જવાબ આપું.
(જગદીશ આર. શાહ, રાજકોટ)

* સાંભળ્યું છે કે, તમારી જૂની પ્રેમિકાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે...!
- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
(દિવ્યા સી. પટેલ, સુરત)

08/03/2014

ફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)

ફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)
નિર્માતા-નિર્દેશક : શક્તિ સામંત
સંગીત : શ્યામલ મિત્રા
ગીતકાર : ઈન્દિવર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ- ૧૪૬-મિનિટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, ઉત્તમ કુમાર, શર્મીલા ટાગોર, રાકેશ રોશન, મૌસમી ચેટર્જી, ઉત્પલ દત્ત, અસિત સેન, ચંદ્રિમા ભાદુરી, માણિક દત્ત, અનિતા ગુહા, સી. એસ. દુબે, રતન ગૌરાંગ, માસ્ટર અલંકાર અને મહેમાન કલાકાર : પ્રેમા નારાયણ





ગીતો
૧. ખુશી બાંટતે હૈ અપની જો લેકે ઔરોં કે ગમ... શ્યામલ મિત્રા
૨. રાહી નયે નયે, રસ્તા નયા નયા, તુમ ન બદલી... કિશોર કુમાર
૩. જબ ચાહો ચલી જાઉંગી, પ્યાર સે બુલા કે દેખો... લતા મંગેશકર
૪. સારા પ્યાર તુમ્હારા, મૈંને બાંધ લિયા હૈ આંચલ મેં... આશા-કિશોર
૫. તેરે લીયે મૈંને સબ કો છોડા, તુ મુઝકો છોડ ચલી... કિશોર કુમાર
૬. તુમ ઈતની સુંદર હો, સારી દુનિયા દીવાની... યેસુદાસ-પ્રીતિસાગર

'આનંદ આશ્રમ' ફિલ્મના નામ પરથી કેવા અંજાઈ જવાય એવું છે? આપણે ત્યાં સ્વચ્છ પ્લસ સામાજીક ફિલ્મો જ પસંદ કરનારો વર્ગ અલાયદો છે. જ્યારે ફિલ્મો જોવાનો જમાનો આપણો હતો. (૫૦ અને ૬૦ના દાયકાઓ) ત્યારે મદ્રાસના જેમિની, એવીએમ કે વાસુ મેનનની ફિલ્મો સામાજીક જ બનતી અને આપણો આ (અમદાવાદની લિંગોમાં, 'નદીની પેલી પારનો વર્ગ' એટલે કે કિલ્લાઓની અંદર પૂરાયેલા શહેરવાળો વર્ગ નહિ, પણ એલિસ પુલ કે નેહરૂ બ્રીજ પત્યા પછીનો મોટા ભાગનો શિક્ષિત વર્ગ. એટલે આ શિક્ષિત વર્ગને આનંદ આશ્રમ ગમી જ જશે, એવું કમ-સે કમ એના નામ પરથી તો લાગે. શમ્મી કપૂર શહેરવાળાઓને ગમતો ને રાજેન્દ્ર કુમાર નદીપારવાળાઓને! ઉત્તમ કુમારની 'અમાનુષ' તો બન્ને પારવાળાઓને ગમી હતી ને તો ય કાંઈ ટિકીટબારી ઉપર તડાકો પાડયો નહતો.

પણ 'અમાનુષ' સારી ગઈ, એટલે આ ય સારી હશે, એવું માની લેવામાં નદીપારવાળા બધા ભરાઈ ગયા...!

થોડું ય માનવામાં આવે ખરું કે, આ જ નિર્માતા-દિગ્દર્શક અને આ જ કલાકારોની આખી ટીમ આની આગલી અદ્ભૂત ફિલ્મ 'અમાનુષ' જોઈ હોય ને ધડ કરતી બીજી ફિલ્મ માની ન શકો એટલી કચરાછાપ બને?

હા. માનવમાં તો આવશે, કારણ કે, હમણાંની જ વિનય પાઠકની ફિલ્મ 'ભેજા ફ્રાય' મેં જોયેલી સર્વોત્તમ હિંદી કૉમેડી ફિલ્મોમાં એકથી પાંચમાં આવે... (એ જ વિનય પાઠક-લારા દત્તા સાથેની બીજી ફિલ્મ 'ચલો દિલ્લી'ની જેમ) પણ તરત જ એ લોકોએ 'ભેજા ફ્રાય'નો બીજો ભાગ બનાવ્યો, એ જ ટીમ સાથે ને કેવી ફાલતુ ફિલ્મ બની હતી, ... કોઈ પંખો ચાલુ કરો! 'કાબે અર્જુન લૂટીયો, વો હી ધનૂષ વો હી બાણ...' આપણને તો પહેલી પસંદ આવી, એટલે બીજી એટલી જ સુંદર હશે, એમ જ માની લઈએ ને? (કુંવારા હોઈએ ને કન્યા જોવા ગયા હોઈએ, એ સબ્જૅક્ટની વાત નથી થતી... પંખો બંધ કરો!)

બાય ગૉડ... 'અમાનુષ' જેવી કલાકૃતિ બનાવ્યા પછી આ બીજી 'આનંદ આશ્રમ' એવી રદ્દી બની કે, શેરવાનીના કારીગરે ચડ્ડી પણ ઊંચી-નીચી બાંયોવાળી બનાવી હોય! આમાં થયું હશે કેવું કે, 'અમાનુષ' બનતા બની ગઈ હોય. એ લોકોનો સુંદર ફિલ્મ બનાવવાનો પ્લાન નહિ હોય... પછી દેશભરના થીયેટરોમાં રીલિઝ થઈ એટલે ઊંઘમાંથી જાગ્યા શક્તિ સામંત કે, 'અલ્યા, આ તો લોકોને ગમી લાગે છે...! ચલો, ત્યારે બીજો ઘાણ ઉતારીએ...'

પરિણામે, પોતે સ્વચ્છ અને સુંદર સામાજીક ફિલ્મો બનાવી શકે છે, એ પુરવાર કરવા શક્તિ દા નિષ્ફળ સામંત બની ગયા અને કચ્ચરઘાણ વાળી નાંખ્યો પોતાની ઈમેજનો! પહેલીમાં અડધા જ બંગાળીઓ ભર્યા હતા ને ટ્રાવેલ્સવાળા બે-ચાર સીટો બાકી રહેતી હોય ત્યારે 'વકરો એટલો નફો'ના ધોરણે સાવ મફતના ભાવમાં બે-ચાર સીટો કોઈને પધરાવી દે, એમ શક્તિ સામંતે 'અમાનુષ'માં બાકી રહી ગયેલા બંગાળીઓ દાદામોની ઉર્ફે અશોકકુમાર, મૌસમી ચૅટર્જી, ધાર્મિક ફિલ્મોની બારમાસી માતા સીતા કે માતા અનસુયા બનતી અનિતા ગુહા અને ચંદ્રિમા ભાદુરી (રીતા ભાદુરીના મધર)ને ય બોલાવી લીધા.

અનિતા ગુહા આમ તો, 'અમાનુષ' અને 'આનંદ આશ્રમ' બન્નેમાં કામ કરતા ઍક્ટર માણિક દત્તને પરણી હતી. (માણિક આ ફિલ્મમાં શર્મીલા ટાગોરના પિતાનો રોલ કરે છે.) પણ મુંબઈના ફિલ્મનગરીયાઓ કહે છે કે, છેલ્લા અનેક વર્ષોથી અનિતા કૉમેડિયન ઓમપ્રકાશની વહાલસોયી 'દોસ્ત' તરીકે રહેતી હતી અને ઓમે અનિતાને ચર્ચગેટ પર એક ફલેટ પણ લઈ આપ્યો હતો. 'જય સંતોષી માં' ફિલ્મથી અનિતા દેશભરમાં સંતોષી માતા તરીકે રીતસર પૂજાવા માંડી હતી. એનું બદનસીબ કહો કે એને જ નસીબવાન કહો પણ એ ફિલ્મોમાં આવી ત્યારથી એને 'માન ન માન, તુ મેરી ભગવાન'ના ધોરણે માતાજી જ બનાવી દેવાઈ. ધાર્મિક ફિલ્મોમાં સીતા, કૌશલ્યા કે સાક્ષાત માં અંબાજી જોઈતા હોય તો અનિતા પાસે હાજર સ્ટોકમાં આ બધા માતાજીઓ પડયા હોય. પછી તો એ ય, એકની એક ઢબની ધાર્મિક ફિલ્મોમાં કામ કરી કરીને કંટાળી ગઈ હતી. પણ એ સિવાય તો કાંઈ નૂતન-નંદા કે નરગીસના રોલ કોઈ થોડા આલે...? પતિ માણિક દા ના અવસાન પછી એ મુંબઈ જ આવતી રહી. પાછલા વર્ષોમાં એના પૂરા શરીરે કોઢ (લ્યૂકોડર્મા) નીકળ્યો હતો, છતાં એના પ્રેમી ઓમપ્રકાશે એના મૃત્યુપર્યંત એનો સાથ છોડયો નહતો.

આ ફિલ્મ 'આનંદ આશ્રમ'માં બહુ વખતે દેખાયેલો ચરીત્ર અભિનેતા સી. એસ. દુબે એકે ય પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યા વિના જ પતી જાય છે, નહિ તો હિંદી ફિલ્મોમાં કોઈ 'આદર્શ' બળાત્કારી કે ભડવો બતાવવો હોય તો જાણકારો એમ કહે છે કે, સી. એસ. દુબે જેવો બીજો કોઈ ઍક્ટર નહિ. બદમાશીભરી ચમચાગીરી કરતા મુનિમ કે શાહુકારના રોલમાં એ ફિટ બેસતો. મૂળ નામ 'ચંદ્રશેખર દૂબે' ('દુબે' અને 'દવે' અટકો મૂળ 'દ્વિવેદી' અટકના અપભ્રંશ છે... અમે બધા બા'મણભ'ઈઓ... જેને સરકારે લઘુમતિનો દરજ્જો આપ્યો નથી... કોઈ પંખો ચાલુ કરો!)

બીજી માથે પડેલી આઈટમ છે, અસિત સેન. વર્ષોથી એકની એક ઢબની ઍક્ટિંગ અને બોલવાની સ્ટાઈલ ને એમાં ય ચેહરો ધાર્યા કરતા વધારે કદરૂપો. શક્તિ સામંતમાં આ ફિલ્મ બનાવતી વખતે ઝાઝી અક્કલ સ્ટૉકમાં નહિ પડી હોય, તે 'આનંદ આશ્રમ'નો અશોક કુમારના નોકરનો આટલો મજબૂત રોલ આવા એક નૉન-ઍક્ટરને આપ્યો. મૂળ વાર્તા મુજબ, ફિલ્મમાં નોકરનો આ કિરદાર અત્યંત મહત્વનું વજન ધરાવે છે, ત્યારે આ ભ'ઈ, એમની બોલવાની કાયમી ચાંપલાશ મુજબ 'દેએએએ...ખોઓઓઓ, કઉન આયા હેએએએએએ...!'થી આગળ વધ્યા નહિ.

એને ચાન્સ પણ સારા મળ્યા હતા. ફિલ્મ હીરોઈન સાધનાએ બનાવેલી ફિલ્મ 'ઇન્તેકામ'માં લોકોને પેટ પકડીને હસાવી શકે એવો એક સંવાદ મારવાડી સેઠીયાના કિરદારમાં મળ્યો હતો. હેલનને જોઈને લટુડો થઈ ગયેલો આ સેઠ કહે છે, 'ના સેઠ ના... મન્ને તો ગરમીમાં કોટ, ધંધામાં ખોટ અને લિપસ્ટીક વગરના હોઠ થોડા ભી પસંદ નહિ હૈ...' જોય મુકર્જીની ફિલ્મ 'લવ ઈન ટોકિયો'માં પણ શોભા ખોટેને પરણવા આવેલા વૃદ્ધ બંગાળી વૃદ્ધની મેહમુદ પટ્ટી પાડે છે, એય સીચ્યુએસન પણ મસ્તાની બની હતી.

અસિત સેનનો દીકરો અભિજીત સેન માંડ કોઈ ૮-૧૦ ફિલ્મોમાં આવ્યો હતો અને તે પણ વિલન તરીકે. વિનોદ ખન્ના, તનૂજાની ફિલ્મ 'ઈમ્તેહાન' યાદ રહી હોય તો એમાં મુખ્ય વિલન આ છોકરો બને છે.

થોડી ઘણી ફિલ્મો આ અસિત સેને પણ દિગ્દર્શિત કરી હતી, પણ 'અનોખી રાત', 'મમતા', 'ખામોશી' અને 'સફર' જેવી ફિલ્મોના સારા દિગ્દર્શક તરીકે નામ કમાનાર અસિત સેન પાછા જુદા.

'આનંદ આશ્રમ'ની ભલે કોઈ ગ્રેટ વાર્તા તો નહોતી, પણ આવા દિગ્દર્શકને અપાઈ હોત તો, કુછ બાત બન જાતી. વાર્તા કંઈક આવી હતી.

ધનાઢ્ય બ્રાહ્મણ જમીનદાર અશોક કુમારનો એકનો એક પુત્ર ઉત્તમ કુમાર કલકત્તામાં ડૉક્ટરીનું ભણીગણીને ગામ પાછો આવે છે... (વાત અહીંથી જ કાંઈ જામતી નથી ને...? એક તો બ્રાહ્મણ... ને એ ય પાછો જમીનદાર... ને એ ય પાછો 'ધનાઢ્ય'? તારી ભલી થયા ચમના... વાર્તાનો પ્રારંભ હંમેશા 'એક ગરીબ બ્રાહ્મણ હતો...' ત્યાંથી કરો, તો વાત પ્રજાના ગળે ય ઉતરે!) ત્યાં એને નાનપણની દોસ્ત શર્મીલા ટાગોર મળી જાય છે. બન્ને ટાઈમની બહુ કિંમત સમજતા હોવાથી પ્રેમમાં પડવામાં કાચી સેંકડ પણ બગાડતા નથી, પણ શર્મીલા ક્રિશ્ચિયન અને ઉત્તમકુમાર બ્રાહ્મણનો દીકરો હોવાથી બ્રાહ્મણ અશોકકુમાર, 'યે શાદી નહિ હો સકતી...'નો દરેક ફિલ્મમાં વપરાતો ઘીસ્યોપીટયો ડાયલૉગ મારે છે. વિદ્રોહ કરીને ઉત્તમ વાઈફને લઈને બીજા ગામ જતો રહે છે. ટ્રેનમાં એમને ઉત્પલ દત્ત મળે છે ને એના ગામમાં એના પૈસે દવાખાનું ખોલી આપવાની ઓફર કરે છે, જ્યાં ગરીબ દર્દીઓનો ઈલાજ થાય. દરમ્યાનમાં શર્મીલા રાબેતા મુજબની માં બને છે ને વગર રાબેતા મુજબ ગુજરી જાય છે. ઉત્તમ કુમાર નવજાત શિશુને પરાણે અશોક કુમારના સહૃદયી નોકર અસિત સેનને સોંપે છે, જેથી એને પણ મોટો કરીને ડૉક્ટર બનાવી શકાય, પણ શરત મૂકે છે કે, આ દીકરો મારો છે, એની જાણ ફાધરને થવી ન જોઈએ, એટલે અસિત સેન બાળકને અનાથ બતાવીને અશોક કુમારના ઘેર મોટો કરે છે. અશોક કુમારને પણ છોકરો ગમે છે, જે મોટો થઈને રાકેશ રોશન બને છે. અને ઉત્પલ દત્તની છોકરી મૌસમી ચેટર્જીના પ્રેમમાં પડે છે. રાકેશ રોશન એના ફાધર સંગીતકાર રોશન અને બ્રધર રાજેશ રોશનની માફક બારમાસી ટાલીયો હોવાથી આપણને જોવી ય ન ગમે, એવી ફાલતુ વિગ પહેરીને દરેક ફિલ્મોમાં આવ્યો. ઉત્તમ કુમાર એને ડૉક્ટર બનતો જોઈને ખુશ તો થાય છે, પણ ખબર પડવા દેતો નથી કે, એ જ એનો બાપ છે ને ઉપરથી દીકરાને ટઈડકાવે છે કે, ડૉક્ટર બનીને ગામડામાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે વધુ પૈસા કમાવવા પરદેશ જવાની વાત કરે છે, તે તારા બાપાનું રાજ ચાલે છે? રાકેશ વધુ બોર થવાને બદલે વાત માની જાય છે, એમાં બાપાનું રાજ જળવાઈ રહે છે ને છેલ્લે બધા સારાવાના થાય છે. અશોક કુમાર, એનો દીકરો ઉત્તમ કુમાર અને પૌત્ર રાકેશ રોશન ભેગા થઈને જય આદ્યાશક્તિની આરતી ગાઈને છુટા પડે છે.

ઓકે. સારી ફિલ્મ કોને કહેવાય, એ આપણા કરતા વધારે ખબર કોઈને પડતી નથી, એ વાતમાં તો તમ સહમત થશો જ, કારણ કે ફાલતુ ફિલ્મ કોને કહેવાય, એની આપણને ખબર પડે છે.

... એટલે જ, પ્રશ્ન થાય છે કે, અશોક કુમાર, ઉત્તમ કુમાર કે ઉત્પલ દત્ત જેવા દિગજોને આવી ફિલ્મ સ્વીકારતી વખતે ભાન પડતું નહિ હોય કે, આવામાં કામો કરવાથી આબરૂ જશે?

ભાન તો બધું પડતું હોય, પણ છતાં ય પૈસો બી કોઈ ચીજ છે ને? આ લોકો ના પાડે તો બીજો કોઈ એ રોલ લઈ જાય ને ભારતમાં દર વર્ષે ઍવરેજ ૧૦૦ હિંદી ફિલ્મો બને છે, એમાં કસમથી... માંડ કોઈ ૮-૧૦ જોવા જેવી હોય છે. Beggars have no choices મુજબ, ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે ય એમને રદ્દી માલ પણ અપનાવવો પડે છે.

સંગીતકાર શ્યામલ મિત્રોએ 'અમાનુષ'માં એવું ક્યું છલોછલ સંગીત આપ્યું હતું કે, શક્તિ સામંતે આ ફિલ્મમાં એને જ પાછો રીપિટ કર્યો... પહેલાથી ય વધુ કચરાછાપ સંગીત આપવા! આ બન્નેમાંથી એકેય ફિલ્મનું, મને યાદ નથી કે, એકે ય ગીત એક પણ સ્ટેજ શોમાં કોઈ ગાતું/વગાડતું હોય! વાત નીકળી એટલે યાદ આવ્યું કે, ચૅન્નઈમાં સ્ટેજ પરથી જૂની ફિલ્મોના મસ્તમધુરા શો આયોજીત કરતા ને 'કૅપ્ટન'ના હુલામણા નામે ઓળખાતા શ્રીમતી લક્ષ્મી વર્ષોથી ચૅન્નઈમાં સુરીલા પ્રોગ્રામોનું આયોજન કરે છે. હમણાં મને ખાસ બોલાવ્યો, ત્યારે હેમંત કુમારના કંઠે સૌથી શ્રેષ્ઠ ગાતા ચૅન્નઈના જ સુરોજીત ગુહા, અમદાવાદના મુકેશ મુખ્તાર શાહ સાથે અદ્ભૂત કાર્યક્રમ યોજ્યો હતો. શોની આવકની પાઈએ પાઈ જરૂરતમંદોના લાભાર્થે ખર્ચતી આ સંસ્થાના સલાહકાર શ્રી મથુરભાઈ સોનીના કહેવા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ સંસ્થાની તમામ આવક ધર્માદામાં જાય છે, તે એટલે સુધી કે, ખુદ અમે આયોજકો પણ આ શોમાં ટિકીટ લઈને બેસીએ છીએ.

ટૂંકમાં, એક સલાહ માનવી સારી, કે એક દિગ્દર્શકની એક ફિલ્મ ગમી, એટલે બીજી ય સારી જ હશે, એવું માની લેવાની જરૂર નથી.

05/03/2014

ચાલતા પહેલા તમે ડાબો પગ ઉપાડો કે જમણો ?

આપણે ત્યાં સંતો-મહાત્માઓના આપણા ઘરમાં પગલાં કરાવવામાં આવે છે, જેથી પરિવારમાં ઐશ્વર્ય આવે. કહે છે કે, એમના પગલાં પડતા જ ઘર પવિત્ર થઇ જાય. ખૈર, સ્વ.પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી હવે તો એક ય સંત આપણા ઘરમાં પગલાં કરાવવા જેવા રહ્યા નથી, પણ ઘરમાં પગલાં કરાવવા આજકાલ મારા દોસ્ત યોગેશ ચાર્જરની ભારે ડીમાન્ડ છે. એને સંતોથી ઊંધુ છું. એક વાર જેના ઘરમાં એ પગલાં પાડી આવે, ત્યાંથી ઘરની સાજીસમી પાર્ટી પણ ઉઠી જાય. કોઇનો જીવ જતો ન હોય ને એને 'પતાવવા' માટે ડૉક્ટરોએ પણ હાથ ધોઇ નાંખ્યા હોય, ત્યારે લોકો ચાર્જરને યાદ કરે છે. ચાર્જર આવ્યો નથી ને ડોહો ઉપડયો નથી !

''સર-જી... મારા દાદીના છેલ્લા શ્વાસો છેલ્લા છ વર્ષથી ચાલે છે.. સાલો છુટકારો થતો નથી... ! કૃપા કરી, આપ બસ... એક આંટો મારી જાઓ... અમારૂં આખું પટેલ-ખાનદાન સદીઓ સુધી આપનું ઋણી રહેશે. અમે ઠેઠ નડિયાદથી આયા છીએ.''

'પપ્પ....પણ, હું એમને ક્યાંથી બચાવી શકવાનો છું...હું કાંઇ...'

''બચાવવાના નથી સર-જી... બચાવવાના નથી...કાઢી જવાના છે ! મોટી મોટી હેડકીઓ તો રોજ ખાય છે, પણ છેલ્લું ડચકું ભરવાનું નામ નથી લેતા. અમે તો એમના ગળામાં ઠેઠ અંદર સુધી સ્ટીલની ચમચી ખોસી રાખીએ છીએ, તો નાનું હેડકું ય આવતું નથી.. અમને શ્રધ્ધા છે કે, આપ એક આંટો મારી જશો તો દાદી પલભરમાં ગાયબ થઇ જશે... એક વાર મંગલ પગલાં પાડી જાઓ, પ્રભો !''

આ સંવાદ યોગેશ 'ચાર્જર' અને એના ગ્રાહક વચ્ચે ચાલ્યો. ચાર્જરનો લોકોને કાઢી જવા ઉપર ગજ્જબનો હાથ બેસી ગયો છે. આમાં અતિશયોક્તિ કોઇ નથી. ચાર્જર ડોસીની ખબર કાઢવા ગયો ને ભાઇભાઇ... ડોસીએ છેલ્લું ડચકું ખાધું ને ઝાડ પડયું ને જગ્યા થઇ...! અફ કૉર્સ, ખબર કાઢીને એ ''પાછો ન આવે'', એ જોવા પેલાનું આખું કુટુંબ એને ઝાંપા સુધી મૂકવા ય ગયું. હાળું, ચંપલ-બંપલ ભૂલી જાય ને લેવા પાછો આવે, એમાં ઘરના બીજા બે-ત્રણે ઉધરસો ચઢે... એવું રિસ્ક કોણ લે ? 'ચાર્જર' એની અટક નથી, પણ એના આવા પગલાંને કારણે ભલભલા મડદાઓ ચાર્જ થવા માંડે છે. વર્ષોથી ખેંચે રાખતી બિમાર પાર્ટીઓની આના એક પગલે બૅટરી ફૂલ થઇ જાય છે. મોબાઇલ રાખનારાઓને ખબર હશે કે, બૅટરી ઑવરચાર્જ થઇ જાય તો ફૂલી જાય...! યોગલાના બસ, એક જ આંટે પેલાને, ખાટા ઘચરકા આવવા માંડે. શહેરભરની અડધી હૉસ્પિટલોએ તો ચાર્જરના પ્રવેશમાત્ર ઉત્તર પ્રતિબંધ મૂકી દીધો છે. સાલો એ બાજુથી માત્ર નીકળે, એમાં ય વૉર્ડે-વૉર્ડે છેલ્લા ડચકાંઓ શરૂ થઇ જાય છે. પ્રતાપ એના પગલાંનો ! જાણકારો કહે છે, વિધિના લેખ બદલાઇ શકે છે, ચાર્જરના પગલાં બદલી શકાતા નથી. અગાઉ તો એ સહૃદયી બનીને સદભાવથી બિમારોની ખબર કાઢવા જતો, પણ એનો સહેજ પણ ગૌરવ વગરનો ઇતિહાસ કહે છે, બિમારના ઘેર એના પગલાં જ કાફી છે. પાલડી અને ખાડીયા બાજુ તો શરદી- ઉદરસવાળા સાજાંનરવા દર્દીઓ પણ પલભરમાં ઉપડી ગયા છે.

આજે ચાર્જરે આ શોખને... સૉરી, આ સિધ્ધિને વ્યવસાયમાં ફેરવી નાંખી છે. હવે એ કોકને ઉડાડવાનો ચાર્જ લે છે. ડોહા જીવતા ય ન હોય ને ઉપડતા ય ન હોય, ત્યારે હજાર બે હજારનો મામૂલી ''સર્વિસ-ચાર્જ'' લઇ ચાર્જર બિમારને ડાઘુઓ ભેગો કરાવી આપે છે. ઘણા નથી ય જતા, પણ ગ્રાહકને સંતોષ એ વાતનો કે, ભલે ડોહા તાબડતોબ ન ઉપડયા હોય, ચાર્જરભાઇ આવી ગયા છે. એમાં માલ તો શ્યૉર ઉપડવાનો, આજે નહિ તો કાલે !

સાલો પાછો કહેતો એવું ફરે કે, ''જન્મ-મરણ તો ઉપરવાળાના હાથમાં છે. હું તો કેવળ નિમિત્તમાત્ર છું.'' તારી ભલી થાય ચમના. ચતુર જમાઇઓ પોતાની સાસુઓને ખેંચી કાઢવા તારે ત્યાં લાઇનો લગાવે છે, તે છતાં તું આટલો બધો નમ્ર બનશ...? પણ લોકો જેને મનહૂસ કહે છે, એ યોગલો કહે છે, એ સાચું છે. એને એના આવા પગલાંની જાણ છે, પણ કોઇનું મૃત્યુ એનાથી સહેવાતું નથી. દુઃખી તો એ ય થઇ જાય છે.. જો નક્કી કર્યા મુજબની ફી આપ્યા વગર પાર્ટી જતી રહે તો ! ને એમાં તો એ બગડે ય ખરો. ફુવાને ખેંચી કાઢવાનો ચાર્જ ચૂકવવામાં એક ફૅમિલી નાડાં ખેંચતું હતું. ચાર્જરે ૮-૧૦ ફોન કર્યા છતાં પૈસા આવતા નહોતા. અગીયારમાં ફોનમાં ચાર્જરે એટલું જ કીધું, ''બોલો, ઘેર આવું ?'' કાચી સેકંડમાં ગાડીઓ ભગાવીને પાર્ટી ઘેર આવીને પૈસા આપી ગઇ.

ચાર્જરની એક આ સાઇડ તમે જોઇ. બીજી આનાથી ઊલટી છે. બિમારીના જગતમાં એનું નામ બીજી રીતે ય લેવાય છે. ઉપર જણાવેલા કૅસોનો નિકાલ તો એ એટલા માટે કરે છે કે, ડોહા-ડોહીને પ્રેમ આખું ફૅમિલી કરતું હોય પણ ઉંમરના એક તબક્કે આવી બિમારીમાં જાન છુટતો ન હોય ને બચી જાય તો ય રિબાઇ રિબાઇને જીવવાના હોય, તો એ વખતે ખોટો ટાઇમ બગાડયા વિના એ છુટી જાય તો ઘરના બીજા કામ થાય ને એક રૂમ જેટલી જગ્યા થાય.

પણ બાકીના કૅસો ચાર્જર હાથમાં લેતો નથી. મતલબ, એ જાણે છે એના પગલાં મનહૂસ છે એટલે ઘરમાં બધાને વહાલી વ્યક્તિ આવી બિમાર હોય તો ચાર્જર એ સોસાયટી પાસેથી પણ પસાર થતો નથી. ખુદ એની સોસાયટીમાં એના પડોસીની યુવાન વાઇફ ગંભીર રીતે બિમાર પડી. બચવાની કોઇ આશા નહોતી. લોકોને તો આના ઉપર જ શક જાય ને ? પણ પડોસી હાથ જોડીને એક જ વાર ચાર્જરનું ધ્યાન દોરવા આવ્યો ને ચાર્જર સમજી ગયો. રાતોરાત એણે સોસાયટી છોડી દીધી ને બીજી જ સવારે પેલાની વાઇફ લાલ બુંદ જેવી પાછી તંદુરસ્ત થઇ ગઇ ! એમ તો, રાજકારણમાં ચાર્જરના 'ભાવ' બોલાય, ''સાહેબ...પૈસા ગમે તેટલા લઇ લો... પણ એક આંટો કોંગ્રેસમાં મારી આવો !'' ધંધાદારીઓને તો આવા પુનિત પગલાનો માણસ કેટલો કામ આવે ? નહિ... ચાર્જર માત્ર 'રચનાત્મક હત્યાઓ'માં માને છે. એના પગલાં મનહૂસ હશે...એ પોતે નહિ !

આપણા સમાજમાં આવા કેટલા બધા ચાર્જરોના સંપર્કમાં આવવાનું થતું હોય છે ! બધું સમુંસુતરૂં પાર ઉતરતું હોય ને કોઇ એક ઍન્ટ્રી એવી મનહૂસ થાય કે ખેદાન મેદાન થઇ જાય. કોઇએ આપણું કાંઇ બગાડયું ન હોય ને માણસ પણ સારો હોય, છતાં એની હાજરીમાત્રથી આપણું ખેદાન મેદાન થઇ જાય. આવું એ હોય ત્યારે જ બને, એની પાછળ વિજ્ઞાન કે લૉજીક-ફૉજીક કાંઇ ન હોય... પણ સાલું એવું એની હાજરીમાં જ બનતું રહે, ત્યારે વહેમાઇ જવાય.

ઇવન, તમે ય નિરીક્ષણ કર્યું હોય તો, અનેક લોકોને બેઠા બેઠા બન્ને પગ હલાય-હલાય કરે રાખવાની આદત પડી ગઇ હોય છે. એ હખણા બેસી જ ન શકે. દરજી સંચો ચલાવતો હોય એમ આ પાર્ટીઓ બેઠી નથી કે, પગની ઘુમરીઓ શરૂ થઇ નથી. અમારા એક દોસ્તને અમે 'બ્રધર' કહીએ છીએ. એના મનમાં ઘુસી ગયું છે કે, એની સામે બેઠેલી વ્યક્તિ આમ પગની ફિરકીઓ મારતી હોય તો કામ બગડવાનું જ. સાલું, આપણે ત્યાં તો બેઠા પછી આવા પગ હલાવવાની આદત દસમાંથી છ જણને હોય છે. પરિણામે બ્રધર જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થઇ જાય, જો સામે આવી કોઇ પબ્લિક આવી ગઇ તો !

કહે છે કે, ઘણીવાર ભૂમિ તમને નડતી કે ફળતી હોય. મકાન બદલો કે તરત પ્રગતિ થાય કે મોટી અધોગતિ થાય. રોજ મારા સાળાને સવારે ઘરની બહાર નીકળતી વખતે લિફ્ટમાં પહેલો પગ જમણો જ મૂકાવવો જોઇએ, નહિ તો અપશુકન ગણાય. યાદ ન રહ્યું ને ભૂલમાં ડાબો પગ મૂકાઇ જાય તો ઘરમાં પાછો આવે ને ફરી જમણો પગ મૂકીને જ લિફ્ટમાં બેસે... આઇ મીન, ઊભો રહે ! એક વહેલી સવારે મારા ફ્લૅટની અગાસીમાં હું ઊભો હતો, ત્યાં નજર પડી તો નીચેના બંગલાવાળા એમની ટૅરેસમાં ઊભા ઊભા મને પ્રણામ કરતા હતા. હું સમજ્યો કે, હું બ્રાહ્મણ છું એટલે મારા આશીર્વાદ જોઇતા હશે. એ વખતે સ્ટોકમાં થોડા આશીર્વાદ પડયાં'તા, તે મેં'કૂ... આલો ને, ભ'ઇ...! આલ્યા, ભગવાન શંકરની જેમ આશીર્વાદ-બ્રાન્ડની હથેળી એની તરફ રાખીને ! એમાં તો એ બગડયો. બૂમ પાડીને મને કહે, ''ભ'ઇ, આઘા ખસો ને...હું સુર્યનમસ્કાર કરૂં છું...!'' તારી ભલી થાય ચમના... મને લાગ્યો હોત તો તારૂં નખ્ખોદ થોડું વળવાનું હતું ?... પણ, હવે પહેલા જેવા પગે લાગનારાઓ થાય છે ય ક્યાં ?

માણસને પોતાના કર્મો ઉપર ભરોસો ન હોય, તે આવા અંધવિશ્વાસોમાં માને અને છેવટે હેરાન થાય છે.

સિક્સર

- મોદી શંકરસિંહને બોલાવશે ?

- ખબર નથી. 'બાપુ'ની હાલની વ્યથા ગઝલકાર રાજેશ વ્યાસ 'મિસ્કીન'ના આ શે'ર જેવી છે.

'હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઇ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મૂકાઇ ગયેલો માણસ છું.'

02/03/2014

ઍનકાઉન્ટર : 02-03-2014

* હમણા જયા બચ્ચન અને રેખા એકબીજાને ભાવથી એક પાર્ટીમાં મળતા જોયા... એજ રીતે, તમારા વાઈફ અને ડિમ્પલ ભેગા થઈ જાય તો?
- એ વખતે તમે જોયું હોય તો બચ્ચનનું મોંઢુ કેવું લેવાઈ ગયું છે...? હંહ... આપણે આવું ન થાય... આપણું તો સાલું આખું બોડી લેવાઈ જાય!
(નૈમિષ સિદ્ધપુરા, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા)

* તમે કોઈ કાર્યક્રમનું સંચાલન કરતા હો ને આગલી હરોળનો કોઈ શ્રોતા બગાસાં ખાતો હોય તો કેવું રીએક્ટ કરો છો?
- પ્રતિભાવ આપવો, હરએક શ્રોતાનું કર્તવ્ય છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'તારી સાસુ કાંદા ખાય...' એ ગાળ છે કે શુભેચ્છા?
- એનો આધાર સાસુ ક્યો ધર્મ પાળે છે, એના ઉપર છે.
(આયુષી ચેતન મેહતા, સુરત)

* 'છળકપટ સ્ત્રી પાસેથી શીખવું' તમે તમારા વાઈફ પાસેથી આવું કાંઈ શીખ્યા?
- છળકપટ મારે શીખવું પડે ને એને કરવું પડે, એટલો ઓર્ડિનરી અમારો સંસાર નથી.
(દાદા અહિરાવકર, સુરેન્દ્રનગર)

* જે નેતાઓ પગના ઘુંટણની તકલીફને કારણે સરખું ચાલી પણ શકતા નથી, એ દેશ શું ચલાવવાના?
- તે એવું તમને કોણે કીધું કે, દેશ ચલાવવા માટે એ લોકો નેતા બને છે...?
(મણીબેન પટેલ, ઊંટણી-વલસાડ)

* 'કૌન કમબખ્ત બર્દાશ્ત કરને કે લિયે પીતા હૈ...' તો પછી શેના માટે પીવે છે?
- આ મૂળ સંવાદ શિવામ્બૂ માટે હતો!
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* 'પાસબુક' અને 'ફેસબુક' વચ્ચે શું સમાનતા?
- બે ય ભરાયેલી હોવી જોઈએ.
(સલમા મણિયાર, વિરમગામ)

* આજના નવજવાનોને આપનો શું સંદેશ છે?
- મારા જીવનને મારો સંદેશ ન ગણે.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* લગ્નની ઉંમર વટાવી ચૂકેલા બાબા ભ'ઈને હવે કોણ કન્યા આપશે?
- દરેક સાંઢને એનો ખીલ્લો મળી રહે છે.
(દિલીપ ધંધૂકિયા, અમદાવાદ)

* કોંગ્રેસના પ્રસારણ મંત્રી મનિષ તિવારી કહે છે, 'મોદી દાનવ જેમ બોલે છે...!'
- એમનો કહેવાનો મતલબ એ હતો કે, ''મોદી મારા જેવું બોલે છે.''
(કેશવ કક્કડ, અમદાવાદ)

* શું વધુ હસવા માટે લાફિંગ-કલબમાં જવાને બદલે 'બુધવારની બપોરે' વાંચવી ન જોઈએ?
- પોતપોતાને સ્થાને દરેકનું મહત્વ છે.
(હરીશ કે. અસવાર, જામનગર)

* જ્યોતિષીઓ અને ઓપિનિયન પોલ્સ કરતા બૂકીઓની ધારણા કેમ વધારે સચોટ હોય છે?
- પહેલાં બન્ને તો ફક્ત મજાક માટે છે... બુકીઓ મજાક નથી કરતા.
(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

* 'મેરા ભારત મહાન' અને 'ગરીબી હટાવો' જેવા સૂત્રો પતી ગયા...?
- ભારત ક્યાં આવ્યું અને ગરીબી એટલે શું, એની ખબર પડતા જ એ સૂત્રો આપણે ફરીથી લાવીશું.
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* અબજો માઈલ દૂર રહેલા ગ્રહો માણસને નડી કેવી રીતે શકે?
- હાલ પૂરતું, જ્યોતિષીઓ નડે છે, એટલામાં સંતોષ માનવો. ગ્રહોની તપાસ પછી કરીશું.
(હરીશ મણિયાર, જેતપુર)

* અગાઉ 'એક ફૂલ, દો માલી' હતું... આજે અનેક માલી કેમ?
- ફૂલ ફાટેલું હોય તો આવું થાય.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* લક્ષ્મી અને સરસ્વતિ કોઈને સાથે કેમ નથી મળતા?
- કાળી લક્ષ્મી હોય, કાળી સરસ્વતિ નહિ!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમે અમેરિકા આવી રહ્યા છો... બોલો, ઈન્તેજામમાં શું શું જોઈએ?
- બસ... આવવા-જવાની ટિકીટ.
(પ્રેમલ વાય. શાહ, કેલિફોર્નિયા)

* તમારા પત્ની અને ડિમ્પલ બન્નેની રાશિ કર્ક છે... કોઈ ફાયદો/ગેરફાયદો?
- સાલી મારી અને એના જમાઈની રાશિ પણ મેષ છે...!
(રોહિત દવે, હાલોલ)

* તેન્ડુલકર વગરના ક્રિકેટ વિશે આપનું મંતવ્ય?
- એ હતો ત્યારે ય સીરિઝ હારવામાં આપણે કોઈની હાડી બાર રાખી નથી.
(નરેશ વી. પટેલ, વડોદરા)

* મંદિરમાં બધા પૂજારી પુરુષો જ કેમ હોય છે?
- એ તો કેવી રીતે ખબર પડે કે, બધા પુરુષો છે!
(અજય વ્યાસ, બિલખા)

* અમેરિકામાં કે. જી.માં ભણતા બાળકો પાસે ય 'ટેબ્લેટ' હોય છે... આપણે ત્યાં કેમ નહિ?
- આપણા દેશનો શૈક્ષણિક ગ્રાફ જોશો તો ખબર પડશે કે દુનિયાના તમામ દેશો કરતા વધુ તેજસ્વી બાળકો આપણા દેશમાં છે... વગર ટેબ્લેટે!
(વૃત્તિ અધ્યારૂ, પાટડી)

* દેશ માટે ધન તો આપીએ, પણ એ ધન લોભી રાજકારણીઓના ખિસ્સામાં જાય છે, એનું શું ?

- દાનનો અર્થ ફંડફાળામાં જ પૈસા આપવાનો થતો નથી. દેશના વિકાસ માટે તમે પાણીની પરબ બનાવો, એ પણ એટલી જ સેવા છે.
(શશીકાંત શેઠ, જામનગર)

* શું કોંગ્રેસની ડૂબતી નૌકાને પ્રિયંકા વાઢ્રા બચાવી શકે?
- કોંગ્રેસને એક જ વ્યક્તિ બચાવી શકે એમ છે... બાબા ભ'ઈ... બોલવાનું બંધ કરીને!
(વસંત ચાચા, સુરેન્દ્રનગર)

* આટલા સફળ હાસ્યલેખક તરીકે આપને ક્યો એવોર્ડ મળે, તે યોગ્ય ગણાશે?
- એવોર્ડ કેવળ મેરિટ પર મળે, એ જરૂરી નથી... સફળતા ફક્ત ને ફક્ત મેરિટ પર મળે છે.
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* સાવ નજીક હોવા છતાં ઈશ્વર પૂજારીઓને કેમ ફળતો નથી?
- મૂર્તિની નહિ, ઈશ્વરની નજીક હોવું જરૂરી છે.
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર)

* આધાર કોનો રખાય? જે સાચી સલાહ આપે તે કે એ સલાહ પ્રમાણે પોતે જીવી બતાવે તે?
- કાર્ડ હોય તો આધાર રખાય !
(અઝલા શેખ, મહેમદાવાદ)