Search This Blog

14/03/2014

'હૂમાયૂન' ('૪૫)

ફિલ્મ : 'હૂમાયૂન' ('૪૫)
નિર્માતા-દિગ્દર્શક : મેહબૂબ ખાન
સંગીત : માસ્ટર ગુલામ હૈદર
ગીતકારો : અંજુમ પિલીભીતી, શમ્સ લખનવી, પંડિત મધુર, આરઝુ લખનવી, વિકાર અંબાલવી
રનિંગ ટાઈમ : ૧૧ રીલ્સ થીયેટર : સૅન્ટ્રલ ટૉકિઝ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, નરગીસ, ચંદ્રમોહન, વીણા, શાહ નવાઝ, કે. એન. સિંઘ, હિમાલયવાલા.




ગીતો
૧. નયના ભર આયે નીર, મેરે હઠીલે રાજા - શમશાદ બેગમ
૨. દાતા તેરી દયા સે દેશ હમારા
૩. અય ચાંદ તુ બતા દે, મેરે દિલ કો ક્યા હુઆ હૈ
૪. મેરી દુઆઓં કા યારબ અસર દિખા દેના
૫. મૈં તો ઓઢું ગુલાબી ચુનરીયા આજ રે - શમશાદ બેગમ
૬. રસ્મ-એ-ઉલ્ફત કિસી સૂરત નિભાયે ન બને - શમશાદ બેગમ
૭. હુસ્ન કહેતા જા રહા હૈ, બાદશાહી કુછ નહિ - શમશાદ બેગમ
૮. દોનોં હી કો બિગડી કિસ્મત ને દીવાના બનાકર - શમશાદ બેગમ
૯. ચાંદ ચમકા અંધેરે મેં આજ હૈ - શમશાદ બેગમ
(બાકીના ગીતોના પુરુષ ગાયકો વિશે માહિતી મળી નથી.)

'આમેહબૂબખાનની 'આન' અને 'મધર ઈન્ડિયા' આપણે જોઈ હોય ને ધાંય ધાંય કુરબાન થઈ ગયા હોઈએ, એટલે ભલે જૂની, પણ ફિલ્મ તો મેહબૂબ ખાનની છે ને, એ લાલચે 'હૂમાયૂન' જોઈએ ત્યારે ખબર પડે કે, મેહબૂબ ખાન પહેલેથી જ ગ્રેટ નહોતો... રાજ, દિલીપ, નરગીસની ફિલ્મ 'અંદાજ' પછી ગ્રેટ થયો, 'આન', 'મધર ઈન્ડિયા' અને 'સન ઓફ ઈન્ડિયા' પછી ફૂલટાઈમ ગ્રેટ થયો!

તેમ છતાં....તેમ છતાં....તેમ છતાં....

'લંગડા તો ભી શેર કા બચ્ચા હૈ...'ના ધૉરણે અશોકકુમાર નરગીસની આ ફિલ્મ 'હૂમાયૂન' એવી કોઈ બકવાસ ફિલ્મ નહોતી... ઓછી બકવાસ હતી! સાલ, ૪૫ની હતી, એટલે એ અને એ પછીના જમાનામાં આવેલી સમજો ને... ઑલમોસ્ટ તમામ ફિલ્મો ભારે બકવાસ હતી. આપણે આજ સુધી એ ફિલ્મોને પ્રેમો કરવા ટકી રહ્યા છીએ, એનું મોટામાં મોટું કારણ એ વખતનું ફિલ્મી સંગીત હતું. 'મેલડી' ઉપર આધારિત ગીતો હતા, એટલે '૪૬થી '૬૬ના બન્ને દશકોની ફિલ્મોના મોટા ભાગના ગીતો આપણને કંઠસ્થ નહિ તો હોઠસ્થ તો ખરા...! સુઉં કિયો છો?

'... અને આ ફિલ્મ 'હૂમાયૂન' ઉતરી ૪૫માં! જુઓ, કેવા ખેલ રચાયા છે! લતા, રફી, મુકેશ, મન્ના ડે, આશા, હેમંત કે તલત અને કિશોરવાળો આખો લૉટ ૪૬ની આસપાસ ઉતર્યો. આપણને ગમતા ગીતોની લ્હાણી આ લોકોએ આ તબક્કા પછી કરાવી, પણ ત્યાં સુધી જાહોજલાલી જેમને નામે હતી, તે શમશાદ બેગમ, જોહરાજાન, અમીરબાઈ કે નૂરજહાં અને સુરૈયાઓ પાસે હતી. પુરુષોમાં સાયગલ-પંકજ મલિક પણ એવા કોઈ ચલણમાં નહોતા. એમના પૂરતા ગીતો પૂરતી જ ફિલ્મો. સંગીતકારો તો ઘણા હતા પણ મુખ્ય બે નૌશાદઅલી અને માસ્ટર ગુલામ હૈદર. અને આ બન્નેએ પણ એવા કોઈ મોટા મોર આ સમયગાળા દરમ્યાન નહોતા માર્યા, પણ અનિલ બિશ્વાસની જેમ એમની ગણત્રી પણ 'એ મ્યુઝિશિયન વિથ અ બ્રેઈન'માં થતી, મતલબ સંગીતની સમજ ઊંચી. પણ એ સમજનો અનુવાદ સફળતામાં ભાગ્યે જ થતો. ગુલામ હૈદરે 'ખજાનચી'માં ધડબડાટી બોલાવી દીધી હતી અને ખાસ તો શમશાદ બેગમના કંઠે 'સાવન કે નઝારે હૈ...' જેવા સુરીલા ગીતોએ માસ્ટરને ઊંચા તખ્ત પર બેસાડી દીધા હતા.રેહાના ખભાની આગળ બે ચોટલા રાખી, એની સખીઓ સાથે સાયકલ પર આ ગીત ગાય છે, તે યાદ હશે જ !

લતા મંગેશકર હજી આવી નહોતી, ત્યારે શમશાદબાઈ ગુલામ હૈદરની પેટ હતી. 'હૂમાયૂન'ના તો કેવા રસઝરતા ગીતો ગવડાવ્યા છે! હું ય જાણું છું કે 'હુમાયૂન'નું એકે ય ગીત તમે સાંભળ્યું ન હોય, પણ આદાબ સાથે તમને વિનંતી તો કરી શકાય કે, મારી ઉપર વિશ્વાસ રાખજો અને મળે તો આ ફિલ્મના ગીતો ખૂબ વાર સાંભળજો. માસ્ટર ગુલામ હૈદર અને શમશાદ બેગમ બન્ને માટેનો અહોભાવ વધી જશે. તવાયફી બ્રાન્ડના ગીતોના એ જમાનામાં માસ્ટર ગુલામ હૈદરે 'મૅલડી'ની શરૂઆત કદાચ આ ફિલ્મથી જ કરી દીધી હતી.

લતા લગભગ આજ ગાળામાં ગુલામ હૈદરના પરિચયમાં આવી. મૂળ દાંતના ડૉક્ટર એવા આ સંગીતકાર તાબડતોબ લતાના દોસ્ત બની ગયા. સ્ટુડિયોમાં ય પરાંની ટ્રેનમાં બન્ને સાથે જાય, એમાં એક દિવસ ટ્રેનની રાહ જોવામાં લતા અને માસ્ટર પ્લેટફોર્મ પર ઊભા હતા. કોઈ ચમકારો થયો હશે ને, માસ્ટરે એમના સિગારેટના ગોળ ડબ્બાના ઢાંકણા ઉપર આંગળીઓથી તાલ દેવા માંડયા અને કોઈ તરજ ગણગણવા માંડી ને લતાથી અહોભાવથી 'વાહ...' બોલાઈ જવાયું, ને એ જ ક્ષણે ફિલ્મ 'મજબૂર'માં લતાના ખૂબ પ્રસિદ્ધ ગીત, 'દિલ મેરા તોડા હાય મુઝે કહીં કા ન છોડા...' ગીતની બંદિશ બની ગઈ.

આજની ફિલ્મ 'હુમાયૂન'ના ગીતો અત્યંત મીઠડાં છે, એવું મેં તમને કીધું ને તમે માનજો ય ખરા. નવાઈઓ લાગી શકે, પણ ફિલ્મમાં શમશાદના તમામ ગીતોનો લય એક જ છે ને છતાં ય એકબીજાથી વિભિન્ન છે.

યસ. સાયગલ સાહેબના જમાનાના ચાહકોને ખબર હોય જ કે, એ વખતના ફિલ્મી ગીતોમાં પર્કશન્સ એટલે કે, ઢોલક-તબલાં ગીતના કેવળ સપોર્ટ પૂરતા વાગતા. ઢોલક તો હજી આવ્યું જ નહોતું (જેને પાછળથી માસ્ટર ગુલામ મુહમ્મદે શરૂ કર્યું.) પણ સાયગલના કે એ સમયના તમામ ગીતોમાં તબલાં સાંભળો, તો મટકી વધારે લાગે. હજી ટીપના તબલાં આવ્યા નહોતા. મોટા મોંઢાના તબલાં એકલા જ વાગતા. એ સમયના તમામ સંગીતકારો ભારતીય પરંપરાની રિધમમાં કૈદ હતા. વર્ષો પછી ગૌવાનીઝ સંગીતકારો ઍન્થની ગોન્સાલવીસ અને સેેેબેસ્ટીયન જેવાઓએ રિધમમાં ઢોલકી અને નાલના વૅરિએશન્સ શરૂ કર્યા. રાજ કપૂરની ફિલ્મ 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી...' ગીતમાં રિધમ-સેક્શનમાં આવી ઢોલકી-નાલનો ઉપયોગ તરત દેખાઈ આવશે. મહારાષ્ટ્રના લોકસંગીતનો અતિપ્રસિદ્ધ લાવણી-ઠેકો ય હવે શરૂ થઈ ચૂક્યો હતો ને હિંદી ફિલ્મોના સંગીતના રિધમ-ઍક્શનનો મિજાજ બદલાઈ રહ્યો હતો.

હજી સાયગલ-પંકજના ગીતો સાંભળો તો વધુ ખ્યાલ આવશે કે, રિધમ તો જાવા દિયો, ગાયકીના અંતરામાં પણ મોટા ભાગે વૉયલિન ગાયકને ફોલો કરે જતી હતી એટલે કે, 'એક બંગલા બને ન્યારા...' ગીત ગવાતું હોય ત્યારે ૨૦-૨૫ વૉયલીનો ગીતના અંતરાઓમાં સાયગલ જે ગાતા હોય, એ જ સુર કાઢીને વાગે જાય. એ તો વર્ષો પછી આ ગોવાનીઝ સંગીતકારો... ને એમાં ય ખાસ કરીને ઍન્થની ગોન્સાલવીસ 'ઓબ્લિગેટો' લઈ આવ્યા. 'ફર્માઈશ કલબ'ના એક કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર સંગીતનવાઝ શરદ ખાંડેકરે શ્રોતાઓને આ 'ઑબ્લિગેટો' શું છે, તેનું રસદર્શન કરાવ્યું હતું, અર્થાત, ગીતમાં 'યાદેં ન જાય, બીતે દિનોં કી, જેવા ગીતોમાં અત્યાર સુધી એ જ ઢાળમાં વૉયલીનો વાગતી હતી. ઑબ્લિગેટોમાં ફેરફાર એ થયો કે, મૂળ ઢાળને સપૉર્ટ કરે, એવી પણ જુદી તરજ બૅક-ગ્રાઉન્ડમાં વાગતી રહે. જેમ કે, 'યાદેં ન જાયે....' એટલા જ શબ્દો ગવાઇ જાય, એની સાથે સાથે જે ધૂન વાગે, તે ઑબ્લિગેટો !

લાવણી-ઠેંકાનો મહત્તમ ઉપયોગ સી. રામચંદ્રે કર્યો છે. સાથે મૅન્ડોલીન હોય !

આપણા ઍન્થનીભાઈ કે સેબેસ્ટીયન જેવા મ્યુઝિક ઍરેન્જરોએ ઓબ્લિગેટો દ્વારા એ બતાવ્યું કે, ગીતને ફોલો કરવાને બદલે સપોર્ટ કરો. મતલબ હવે એ ગીત આ વાંચતા વાંચતા બાજુમાં વગાડતા જાઓ. 'યાદેં ન જાયે...' પછી તરત જ બેકગ્રાઉન્ડમાં વોયલિનના જે પીસ વાગે છે, તે ગીતના ઢાળેઢાળમાં વહે જતા નથી... કંઈક જુદું વાગે છે, તે ઓબ્લિગેટો.

કંઈક જુદું કરી બતાવવામાં તો આ મહાન નિર્દેશક મેહબૂબ ખાનનો ય હાથ સારો બેસી ગયો હતો. ભલે ને ફિલ્મ 'હૂમાયૂન' કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી. છતાં એ જમાનામાં આવી પોષાક ફિલ્મ ઉતારવી, કોઈ નાની માંના ખેલ નહોતા. ફિલ્મના બહારી દ્રશ્યો માટે તો જયપુરનો રાજમહલ વાપરવા લીધો છે, પણ મહેલના અંદરની દ્રશ્યોને પકડવા માટે મેહબૂબે બનાવેલા સેટ્સ લાજવાબ છે. ઐતિહાસિક ફિલ્મ બનાવવી અન્ય ફિલ્મો કરતા અનેકગણી મોંઘી પડે. ખાનસાહેબે મોંઘા-સસ્તાની ચિંતા એમની કોઈ ફિલ્મમાં નથી કરી. 'હૂમાયૂન'માં વાતાવરણ ચોક્કસ ઊભું કર્યું છે, ફિલ્મને શાહી બનાવવાનું!

આમ જોવા જઈએ તો, ૪૫ની સાલના સમયગાળાના હિસાબે 'હૂમાયૂન' પણ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. અશોકકુમાર, વીણા, નરગીસ, શાહ નવાઝ અને કે. એન. સિંઘ જેવા કલાકારો એ જમાનામાં ય મોંઘા પડતા. મેહબૂબે એની ચિંતા નહોતી કરી. નરગીસ તો આ ફિલ્મથી જ મેહબૂબ ખાનની લાડકી બની ગઈ અને પોતાની આવનારી ફિલ્મો 'અંદાઝ' અને 'મધર ઈન્ડિયા'માં ય એને જ લીધી. 'આન'માં પણ નરગીસ જ હોત, પણ રાજ કપૂર સાથે નરગીસના પ્રણયફાગથી ધૂંધવાયેલા દિલીપ કુમારે મેહબૂબ પાસે જીદ કરીને નરગીસને ખદેડી મૂકાવી, ૪૫ની સાલમાં બનેલી 'હૂમાયૂન' વખતે અફ કોર્સ, રાજ-નરગીસની પ્રેમકથા શરૂ નહોતી થઈને અશોકકુમાર સૌથી ટોચનો હીરો હતો, માટે નરગીસની સામે એને લેવાયો. આમે ય, પ્રણયના ફાગ ખેલતા હીરો તરીકે અશોક કુમાર કેટલો સ્વીકાર્ય બને, એ ચાની કીટલી પર ચર્ચા કરવાનો સબ્જૅક્ટ છે. આ ફિલ્મમાં તો એ ૩૪ વર્ષની જ ઉંમરનો છે. નરગીસ, ૨૯માં અને દાદામોની, ૧૧ની સાલમાં જન્મેલા, એટલે જુઓ ને, કેટલા થયા... યસ, બન્ને વચ્ચે ૧૮ વર્ષનો ડીફરન્સ એ જમાનાના પ્રેક્ષકોએ ચલાવી લીધો... આજે તો બધાના ઘરની બાઓ ખીજાય! નરગીસનું મૂળ નામ 'ફાતિમા રશિદ' અને એ જદ્દનબાઈની દીકરી હતી. જદ્દનબાઈનું નામ જવાહરલાલ નેહરુથી માંડીને હાલના કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા સુધી અંગત હતું. જદ્દનબાઈ અભિનેત્રી, ગાયિકા અને એક જમાનામાં અલ્લાહાબાદના તવાયફ પણ હતા. પણ દીકરીને કન્વૅન્ટમાં ભણાવીને મોટું કામ કર્યું. નરગીસ બહુ ડીસન્ટ લેડી હતી. યોગાનુયોગ એવો બન્યો કે, ઈ.સ. ૧૯૩૫ની ફિલ્મ 'તલાશ-એ-હક્ક'માં પહેલીવાર કેમેરાનો સામનો બાળ કલાકાર તરીકે કરનાર નરગીસની પહેલી ફિલ્મ 'તમન્ના' (૧૯૪૨) હતી, જે ગાયક મન્ના ડેની પણ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'માં દેવના ખાસ દોસ્ત બનતા મુસલમાન ડ્રાયવરનો રોલ કરનાર અનવર હુસેન નરગીસનો ભાઈ ખરો. બન્ને જદ્દનબાઈની કૂખે જન્મેલા (બીજો ભાઈ અખ્તર હુસેન, જે ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં દેવ આનંદની સેકન્ડ હીરોઈન ઝાહિદાના પિતા થાય!) પણ અનવર હુસેનના પિતા અલગ. 'નરગીસ' નામ પડયું હોય, એટલે 'નાર્સિસસ'નો અપભ્રંશ 'નરગીસ' થયો હોઈ શકે!

૧૯૦૫માં જન્મીને ૧૯૪૯માં ગૂજરી ગયેલો અદાકાર ચંદ્રમોહન ખાસ તો એની મોટી માંજરી આંખો માટે પ્રખ્યાત હતો. મધ્યપ્રદેશના નરસિંગપુરમાં જન્મેલા આ ઍક્ટરની ખૂબી તેના અવાજ અને સંવાદ બોલવાની સખ્ત અદાયગીમાં હતી. વ્હી. શાંતારામે ઠેઠ ૧૯૪૩માં ચંદ્રમોહનને ફિલ્મ 'અમૃત મંથન'માં પેશ કર્યો, ત્યારથી એની આંખો દેશભરમાં છવાઈ ગઈ હતી. એ જમાનામાં ફિલ્મ ચાહકો આજે ય ચંદ્રમોહનને ખાસ તો એની આંખો માટે વધુ યાદ કરે છે. વિધિ ખેલ પણ કેવા રચાવે છે? આ માણસ મૂળ તો કે. આસીફના 'મુગલ-એ-આઝમ'માં જીલ્લે-ઈલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરનો રોલ કરવાનો હતો અને ૩-૪ રીલ જેટલું શૂટિંગ પણ થઈ ગયું હતું, પણ મૌત કેવું આવ્યું? જે માણસ હિંદુસ્તાનના શહેનશાહનો રોલ કરવાનો હતો, એ ભિખારીની દશામાં ગૂજરી ગયો ને શૂટિંગ કૅન્સલ કરીને પાપા પૃથ્વીરાજ કપૂરને અકબર બનાવાયા. હતી પર્સનાલિટી શાહી, એટલે સોહરાબ મોદીની ફિલ્મ 'પુકાર'માં ચંદ્રમોહને શહેનશાહ જહાંગીરનો અને મેહબૂબખાનની જ ફિલ્મ 'રોટી'માં સેઠ ધરમદાસનો કિરદાર નિભાવ્યો હતો.

એવી જ આ ફિલ્મની સાઈડ હીરોઈન વીણા વિશે આપણે હમણાં જ લખી ચૂક્યા છીએ, પણ મુખ્ય હીરોઈન નરગીસ અને અશોકકુમારની કેમેસ્ટ્રી 'હુમાયૂન'માં કેવી રીતે બની, તે નાનકડા આશ્ચર્યની ઘટના છે. નરગીસ-અશોકકુમાર એ પછી તો નીતિન બોઝની ફિલ્મ 'દીદાર'માં દિલીપ કુમારની સાથે આવ્યા હતા, પણ હતું એવું કે, નરગીસ રાજ કપૂર સાથે જોડાયેલી હોવાથી દિલીપ કુમારની ગૂડ-બૂકમાં હરગીઝ નહિ. દિલીપ કુમારને પાછું રાજ કપૂર અને અશોક કુમાર સાથે ય કંઈ એકબીજાના ઘેરથી દહીંનું મેળવવા મંગાવી લેવાના સંબંધો સહેજ પણ નહિ...નહિ તો રાજ કપૂર અને અશોક કુમાર તો ચેમ્બૂરમાં આસપાસ જ રહેતા હતા. આ બાજુ દેવ આનંદનો આનંદ સ્ટુડિયો અને દિલીપ કુમારનો બંગલો એકબીજાને અડીને, પણ હરામ બરોબર બન્ને ક્યારેય એકબીજાને ત્યાં દસના છુટા માંગવા ય જતા હોય! અશોક કુમાર અને દેવ આનંદ વચ્ચે અફ કોર્સ, સગા ભાઈઓ જેવા સંબંધો છેક સુધી જળવાયા, પણ આ ફિલ્મ 'હૂમાયૂન'માં અશોક અને નરગીસ સાથે હોય, એ વાત એ સમયના ચાહકો માટે પણ ઈન્ટરેસ્ટિંગ હતી.

દિગ્દર્શક મેહબૂબ ખાન હોવા છતાં ફિલ્મના ઍડટિંગ ઉપર અનેક જગ્યાએ ધ્યાન અપાયું ન હોવાથી, બે-ચાર દ્રષ્યોમાં એવું પણ બન્યું છે કે, બે પાત્રો વાત કરતા હોય, ત્યારે શૂટીંગ વખતે કૅમેરા ચાલુ થાય, એ પહેલા પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક સ્ટાર્ટ આપે એ જ ઘડીએ પેલા લોકોએ ઍક્ટિંગ ચાલુ કરી દેવાની હોય, પણ એની થોડી ક્ષણો પહેલા તો બન્ને પાત્રો પોતાના સ્થાને સ્થિર ઊભા હોય. અહીં ખાન સાહેબે ધ્યાન નથી આપ્યું, એમાં સંવાદ કે દ્રષ્ય શરૂ કે પૂરું થયા પછી ય પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક 'સ્ટાર્ટ' કહે કે, આ લોકો તરત જ હલવા માંડે! ઑવરઑલ... ફિલ્મ ન જુઓ તો સારું, નહિ તો ભોગ તમારા...!

(સીડી સૌજન્ય : શ્રી નારણભાઈ મૂલાણી, મુંબઈ)

No comments: