Search This Blog

12/04/2013

મીસ ફ્રન્ટિયર મેલ ('૩૬)

ગીતો 
૧. શર્મ કહેતી હૈ જો પરદે મેં... કરેગા હર એક કદ્રજાની ... બશિર કવ્વાલ 
૨. ફૅવરિટ મૈં ઘોડા ખેલા, અરબી વૅલર સબ પુરજોર ... મીનૂ, ધ મિસ્ટિક એન્ડ પાર્ટી 
૩. રાહે મયખાના બતા દેના મુઝે કોઈ ... બશિર કવ્વાલ 
૪. ગાઓ ગાઓ, અય મેરે સાધુ, સબ હી ભુલાઓ ગમ ... મીનૂ, ધ મિસ્ટિક એન્ડ પાર્ટી 
(આ ગીત મન્ના ડેના કાકા કે.સી.ડેએ ૧૯૩૩માં બનેલી ફિલ્મ 'પૂરણ ભગત'માં ગાયેલા ગીત 'જાઓ જાઓ ઓ મેરે સાધુ રહો ગુરુ કે સંગ'ની પૅરોડી છે.)

ફિલ્મ : 'મીસ ફ્રન્ટિયર મેલ' ('૩૬)
નિર્માતાઃ વાડિયા મૂવિટોન, મુંબઈ
નિર્દેશકઃ હોમી વાડીયા
સંગીતકારઃ માસ્ટર મુહમ્મદ
ગીતકારઃ નામ મળેલ નથી
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ : ૧૬૧ મિનિટ્સ
થીયેટર : ૧૯૩૬ની ફિલ્મ હતી. કોણ હયાત હોય, એ કહેવા કે અમદાવાદના ક્યા થીયેટરમાં આવી હતી?

કલાકારો : નાદિયા, ગુલશન, સરદાર મનસુર, માસ્ટર મુહમ્મદ, સયાણી 'આતિશ', જોન કાવસ, જાલ ખંભાતા, 'મીનૂ, ધ મિસ્ટિક', માસ્ટર જયદેવ (દેવ આનંદની ફિલ્મ 'હમદોનો'ના સંગીતકાર) બશિર કવ્વાલ.


'૬૨ કે '૬૩ની સાલ હશે. એ વખતે બૉડી બનાવવા હું પાંચકુવા મ્યુનિ. સ્કૂલ પાછળના અખાડામાં મગદળ ફેરવવા જતો. બાજુમાં ઈંગ્લિશ ટોકીઝ, જે કદાચ આખા ગુજરાતનું સૌથી પહેલું થીયેટર હતું. ત્યાં ઈંગ્લિશ સિવાયની બધી ફિલ્મો આવે અને શહેરભરના તમામ થીયેટરોની બહાર, અંદર જે ફિલ્મ ચાલતી હોય એનું જ હૉર્ડિંગ્સ કે પોસ્ટર હોય, ત્યારે ઈંગ્લિશ ટોકીઝની બહાર એક સાથે ત્રણ ફિલ્મોના પોસ્ટરો હોય... અંદર ચોથી કે પાંચમી ફિલ્મનું ય પોસ્ટર હોય!

આ ઈંગ્લિશ ટોકીઝની હજારો ખૂબીઓ હતી, તેમાંની એક જ યાદ છે કે, ઈન્ટરવલમાં સિનેમાની બહાર, પેટ ઉપર વાંસનો મોટો સુંડલો લટકાવીને તળેલા અને ખૂબ મોટી સાઈઝના પાપડ વેચનારાઓ ઊભા રહેતા. પાપડ સસ્તા ય ખરા અને અહીં ઓલમોસ્ટ બધાના પસંદીદા, એટલે ઈન્ટરવલ પૂરો થતા જ લગભગ દરેક પ્રેક્ષક પાપડ ખાતો ખાતો આવે. એમાં ચાવવાનો કચડકચડ અવાજ પરદા ઉપરના સંવાદો કરતા ઘણો મોટો હોવાથી ક્યારેક તો સંવાદો પણ સંભળાય!

એમાં પટ્ટાબાજ રંજનની ફિલ્મ 'હક્કદાર'નું પોસ્ટર જોઈને હું અંદર ગયો, ત્યાં ૧૯૩૬ની સાલની ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મૅલ' ચાલતી હતી. રંજન આમ તો સાઉથની ફિલ્મોનો હીરો હતો, પણ ફિલ્મોમાં તલવારબાજીનો અઠંગ ખેલાડી, એટલે ઍક્ટર કરતા પટ્ટાબાજ તરીકે વધારે મશહૂર થયો. બુલો સી.રાનીના સંગીતમાં મૂકેશે આ ફિલ્મમાં એક સરસ ગીત ગાયું હતું, 'મૈં હૂં દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભી કહે, ગાતા ચલા દિલ કા તરાના...' હું એ વખતે દસેક વર્ષનો અને યાદ એટલું જ રહ્યુ છે કે, રંજન આ ગીત ઘોડા ઉપર બેસીને ગાય છે. ફિલ્મનું બાકીનું આજે ય કશું યાદ નથી.

એ જ ધોરણે, નાદિયા-જોન કાવસની આ ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મૅલ'માં પણ એટલું જ યાદ કે, હીરોઈન નાદિયા ચાલતી ટ્રેન ઉપર કૂદે, નીચે ભૂસકા મારે અને એકલી ૧૦-૧૫ ગુંડાઓ સાથે લડે. વધારે યાદ એટલે રહી ગઈ હતી કે, જન્મે એ ઈન્ડિયન નહોતી. ધોયળી હતી. ઓસ્ટ્રેલિયામાં જન્મીને મમ્મી-પાપ્પા સાથે ભારત આવેલી નાદિયાનું અસલી નામ 'મૅરી ઇવાન્સ' હતું. ભારતમાં એને એક સર્કસમાં કામ મળી જતા મૅરીમાંથી એ ફીયરલેસ નાદિયા બની ગઈ. આ ફિલ્મના ટાઇટલ્સમાં નાદિયાને 'ઇન્ડિયન પર્લ વ્હાઈટ'ના નામે ઓળખાવાઈ છે. નાદિયાનો ચેહરો અફકોર્સ હીરોઈનને લાયક હતો, પણ શરીર નહિ, નવાઇ લાગશે કે, કેમ આવું કહી રહ્યો છું? નાદીયા એની ફિલ્મોના સ્ટન્ટ્સ જાતે કરતી. આ ફિલ્મમાં તો એને ઇંગ્લિશ સાધનો સાથે કસરતો કરતી પણ બતાવાઈ છે. કમનસીબે, એના શરીરને સપ્રમાણ કહી શકાય એવું નહોતું. નીચેનો ભાગ ઘણો બધો ચરબીયુક્ત હોવાથી ક્યાંય કશું કસરતી લાગે નહીં!

એવું જ એની લગભગ બધી જ ફિલ્મોના હીરો જોન કાવસ માટે કહી શકાય એમ છે. બોડી સુદ્રઢ ખરું, પણ ૧૯૩૦માં આ પારસી છોકરો આખા ભારતની બોડી-બિલ્ડિંગ ચેમ્પિયનશીપ જીતી ગયો, ત્યારે સુદ્રઢ લાગતો હશે. ઈવન, આજના હીરો લોગના મસલ્સ વધુ મજબુત અને ઉપસેલાં લાગે છે.

સીડી મંગાવીને આ ફિલ્મ જોવાની ઇચ્છા એટલે વધુ થાય કે આજનું 'બોમ્બે સેન્ટ્રલ' ૧૯૩૬ની સાલમાં કેવું લાગતું હતું, તે જોઈ શકાય છે. બહારનું એલિવેશન આજનું જ બરકરાર છે. એ જ રીતે ફિલ્મમાં આજનું વીટી સ્ટેશન પણ દેખાય છે. આવી અને આટલી જૂની ફિલ્મો ડોક્યુમેન્ટરી હેતુથી પણ જોઈ શકાય. એ સમયનો સમાજ, રીતરિવાજ, ફેશન, રસ્તા, મકાનો કે ફિલ્મો ય કેવી બનતી હતી, તે જોયે રાખવાનો જલસો તો છે જ. આ ફિલ્મમાં 'ગૂડ યર ટાયર'ની એક જાહેરાત જોવા મળે છે, ત્યારે ખબર પડે કે કેટલી જૂની કંપની હજી ચાલી રહી છે! મુંબઈમાં ડામરની સડકો નહોતી. બંગલાઓની ડીઝાઈન આજના જેવી સુંદર. પુરુષોની હેરસ્ટાઈલ વિચિત્ર લાગે. આગળથી સીધું માથું ઓળીને પાછળ બોચી ઉપર વાળનો જથ્થો ખરો, પણ ત્યાં નીચેથી એક સરખા કપાયેલા વાળ. તત્સમયની તમામ ફિલ્મોમાં સંવાદો કાવ્યાત્મક સ્વરે બોલાતા. બધું નાટકીયું લાગે. 'મૈં નહિ જાઉંગી'ને બદલે 'મૈં ન જાઉંગી!' ફોટોગ્રાફી બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં બાકાયદા સ્વચ્છ અને ચોખ્ખી લાગે. જોવી ગમે. પ્લેબેક તો હજી શરૂ થયા નહોતા. પણ સંગીતકારો અને ગાયકો પૂરા સજ્જ, એ હિસાબે ગીત તો કોઈ પણ સાંભળો, કર્ણપ્રિય લાગે જ. કોઈ બશિર કવ્વાલે આ ફિલ્મમાં કવ્વાલી સ્ટાઈલમાં બે મસ્ત ગઝલો ગાઈ છે. મેં તો ઓડિયોમાં એમને રેકોર્ડ કરી લીધી. ગાડીમાં સાંભળતા જવાની લજ્જત અનોખી આવે છે.

ફિલ્મના ટાઈટલ્સમાં બુદ્ધુ પ્રેક્ષકોને કદાચ સમજ નહિ પડે, એમ માનીને હીરોનું નામ લખીને બાજુમાં મુખ્ય કામ' લખવાનું. હીરો જોન કાવસના નામની નીચે 'ઇન્ડિયન ઍડી પૉલો' લખે. ફિલ્મનો સંગીતકાર પાછો ગાયક પણ છે, એટલે એના નામની નીચે આપકા પ્યારા ગવૈયા માસ્ટર મુહમ્મદ લખવું પડે. દેવ આનંદની ફિલ્મ 'હમદોનો'ના સંગીતકાર જયદેવ અહીં એક્ટિંગ કરે છે ને ટાઈટલમાં એમને માટે 'ઈન્ડિયન ફ્રેન્કી ડૅરો' લખાયું છે. વિલન એટલે સ્ક્રીન કા વિલન સયાની. ૧૯૩૧માં બોલતી હિંદી ફિલ્મોની (ટોકી) શરૂઆત થઈ, એ પછીના વર્ષોમાં બનતી મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અથવા મારધાડ ઉપર આધારિત હતી. એ ફિલ્મના નામો વાંચવા ગમે એવા છે, 'મતવાલા માશુક, રોમેન્ટિક પ્રિન્સ, થર્ડ વાઈફ, છત્ર બકાવલી (જેમાં ૪૯ ગીતો હતા), હઠીલી દુલ્હન, ઈન્દ્રસભા (જેમાં ૬૯ ગીતો હતા) મૅડમ ફૅશન (જેની હીરોઈન, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શિકા અને ગાયિકા જદ્દનબાઈ હતી, જે રાજ કપૂરવાળી નરગીસની માં થાય. નરગીસે પણ આ ફિલ્મમાં 'બેબી રાની' નામથી રોલ કર્યો હતો.

'૩૦ના દાયકામાં નિર્માણ અને સંગીત ક્ષેત્રે પારસી અને ગુજરાતીઓનો ફાળો વિપુલ રહ્યો હતો. મુંબઈની ઇમ્પિરીયલ મૂવિટોન, સાગર મૂવિટોન, કલકત્તાનું માદન થીયેટર્સ, સરદાર ચંદુલાલ શાહનું રણજીત મૂવિટોન, કૃષ્ણાટોન, કલકત્તાનું ન્યુ થીયેટર્સ, ભવનાની પ્રોડક્શન્સ, વાડિયા મૂવિટોન, બૉમ્બે ટૉકીઝ, વિજય ભટ્ટનું પ્રકાશ પિકચર્સ અને પૂનામાં વ્હી. શાંતારામની પ્રભાત ફિલ્મ્સ કંપની મૌજુદ હતી.

આ ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મેલ' હોમી વાડીયાની હતી. ખૂબ જગમગતો સિતારો વાડીયા મૂવિટોનનો છેવટ સુધી રહ્યો. ઇવન '૬૦ના દાયકામાં ય એમની ફિલ્મો આવતી રહી. એકેય અપવાદ વિના એ લોકો સ્ટન્ટ ફિલ્મો જ બનાવતા. બહુ બહુ તો જાદુઈ વાર્તાની હોય. ફિલ્મોનું સ્તર એવું મનોરંજન ઇચ્છતા પ્રેક્ષકો માટે પરફેક્ટ. યાદ હોય તો '૬૦ના દાયકામાં હોમી વાડીયાની ચિત્રા અને આઝાદની ફિલ્મો ઘણી આવી. સાધના-સંજયખાનની ફિલ્મ 'ઈન્તેકામ'માં હેલનના 'આ જાને જા, આ મેરા યે હુસ્ન જવાં, જવાં...' (ઓહ,રાજીન્દર કિશને કેવા ફાલતું ગીતો ય લખ્યા હતા અને કેવા ફાલતું લખાયેલા ગીતોને લક્ષ્મીકાંત પ્યારેલાલે અમર પણ બનાવી દીધા હતા!) ગીતમાં સોનાના પિંજરામાં જે હબસી કૈદી છે, એ આઝાદ એક જમાનાનો હીરો હતો, જે ટારઝન કે ઝીમ્બો બનીને આવતો. કેવી કમનસીબી? જમાનો પૂરો થઈ ગયો એટલે આ જ આઝાદ 'ઈન્તેકામ' પછીની ફિલ્મોમાં સાવ ફાલતુ એટલે કેવા ફાલતુ રોલમાં આવવા માંડયો કે, હીરોની સાથે વિલનના ગુંડાઓ લડતા હોય, એમાંનો એક ગુંડો આઝાદ હોય અને તેને ક્લોઝ-અપ તો બહુ દૂરની વાત છે, ઘેર ડીવીડીમાં સ્લો-મોશનમાં ફિલ્મ ચલાવો ત્યારે માંડ ખબર પડે કે આ પિપડાં ઉપરથી ગડથોલીયું ખાઈ ગયો, એ એક જમાનાનો ટારઝન હતો! તેની હીરોઈન ચિત્રા જ હોય. ચિત્રાનું એક ગીત... બહુ બહુ તો મારા જેવા લતા મંગેશકરના કંઈક વધારે પડતા પાગલ ચાહકોને યાદ હોય, શમ્મીકપૂરની ફિલ્મ 'ચોર બાઝાર'માં અનુ મલિકના પિતા સરદાર મલિકે કમ્પોઝ કરેલું, 'હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે...' ગીત ચિત્રા પર ફિલ્માયું હતું. મૂળ એક ઘણા ધનવાન મુસ્લિમ પરિવારમાં 'અફસર બાનુ' નામથી ફિલ્મોમાં આવેલી ચિત્રાએ પોતાનું નામ ચિત્રલેખા રાખ્યું હતું, પણ અનિલ બિશ્વાસવાળી એની પ્રારંભની ફિલ્મ 'માન'થી એણે નામ બદલીને 'ચિત્રા' કરી નાખ્યું. એ પછી એણે નામ બદલ્યુ કે ગામ બદલ્યું, એની તો કોઈને ખબર નથી, પણ આ ફિલ્મ 'માન'ની એક રોચક ઘટના યાદ આવે છે. ફિલ્મ 'અનારકલી'ની સાથે અનિલ બિશ્વાસના સંગીતમાં બીજી એક 'અનારકલી' બની રહી હતી ને એમાં આ ગીત, 'અલ્લાહ ભી હૈ મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કિ ડૂબી જાતી હૈ' - સી. રામચંદ્રવાળી 'અનારકલી'ના લતાએ ગાયેલા 'યે ઝીંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા'ની બરોબરીમાં મહેલની રાજકુંવરી ગાવાની હતી. ફિલ્મ ઉઠી ગઈ ને ગીતે ય રદબાતલ થયું. અનિલ દાને બહુ ગમતું આ ગીત સાવ કાઢી નાંખવાને બદલે ચિત્રાવાળી ફિલ્મ 'માન'માં એક ભિખારણ ઉપર ફિલ્માયું. ગીત એક જ... જેને રાજકૂંવરી ગાવાની હતી, તેને ભિખારણે ગાવું પડયું. 'માન'માં લતા બીજાં બસ્સો વર્ષે ચાલે એટલી છવાઈ ગઈ હતી. યાદ તો કરો એના ગીતો, 'મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મુઝે ભૂલ જા', 'ગૂઝરા હુઆ ઉલ્ફત કા જમાના, યાદ કર કે રોયેંગે', 'કહે દો કે મુહબ્બત સે ન ટકરાયે જમાના' આ ફિલ્મ ૧૯૫૪માં બની હતી.

'મીસ ફ્રન્ટિયર મેલ' કે એ જમાનાની મોટા ભાગની સ્ટન્ટ ફિલ્મોની વાર્તામાં બહુ પડાય એવું હોતું નથી. પ્રેક્ષકો માટે ય આકર્ષણ વાર્તા-ફાર્તાનું નહિ, હીરો-હીરોઈનોનું હોય છે. નાદિયા ખૂનના આરોપ હેઠળ જેલમાં મોકલાયેલા પોતાના રેલ્વેના સ્ટેશન માસ્તર પિતા ઉપરનું આળ કઢાવી નિર્દોષ છોડાવવા એના પ્રેમી જોન કાવસને સાથે રાખી ગુંડાઓ સાથે મારામારી કરતી રહે છે. પિતાને ફસાવી દેનાર એનો કાકો (આતિશ સાયાણી) જ હોય છે. અને ફિલ્મ પૂરી થતા સુધીમાં છોડાવી પણ દે છે.

કમાલની વાત છે કે, પ્રેક્ષકોને એ જમાનામાં 'પણ' કેવા સ્ટુપિડ ધારી લેવાતા હશે? ફિલ્મના એક દ્રષ્યમાં સુંદર (સરદાર મનસુર) સાઈડ હીરોઈન ગુલાબને (ગુલશન) બેભાન અવસ્થામાં રેલ્વે ટ્રેક ઉપર એનાથી મેક્સિમમ ૨૦ ફૂટના અંતરે પડેલી છે. પણ આ હું લખીશ તો કોઈને માનવામાં નહિ આવે, કે પેલીને બચાવવી જ હોય તો સા.બુ.વાળો કોઈપણ માણસ (સા.બુ.વાળો એટલે 'સામાન્ય બુદ્ધિવાળો') શું કરે? તરત જઈને પેલીને પાટા ઉપરથી ખસેડી લે ને?

અહીં જુઓ ભાયડાના ભડાકા! સામેથી ધસમસતી ટ્રેન આવી રહી છે, ત્યારે સુંદર દોડતો દોડતો રેલ્વે સ્ટેશનમાં, વાડ કૂદીને જાય છે. ત્યાં થાંભલા ઉપરથી ગુલાંટ ખાઈને (દાદરો ખાલી હોવા છતાં...!) બ્રીજ ઉપર બહારથી ચઢે છે, જેથી નીચેથી પસાર થતી ટ્રેન ઉપર ભૂસકો મારી શકાય. તો ય બે-ચાર ડબ્બા જવા દે છે ને પછી ઠેકડો મારે છે, જેથી દોડતી ટ્રેનના ડબ્બાઓ ઉપર કૂદતો બતાવી શકાય. એ એન્જિન સુધી પહોંચીને ડ્રાયવરને બ્રેક મારવાનું કહેવાને બદલે એન્જિનની આગળ બેસી જાય છે, જેથી નીચે પાટા ઉપર પડેલી ગુલાબને ભાગતી ટ્રેન પરથી ઉચકી લઈ શકાય ને ઉચકી પણ લે છે, બોલો...! તારી ભલી થાય ચમના... સાલું, તારી બેવકૂફી પર સિક્સર મારવા ય કોઈ શબ્દ મળતા નથી!

10/04/2013

હું તો મરું, પણ તને વિધવા કરું...!

''બસ...તું આ ગોખલામાં પગ મૂકીને કબાટ ઉપર ચઢી જા... જો જે... પડે નહિ...''

પિતા ભરૂભ'ઈ એમના પુત્ર 'દેસી'ને સૂચના આપી રહ્યા હતા ('ભરૂભ'ઇ' એટલે ભરતભ'ઇ અને 'દેસી' એટલે દિનેશનું ટૂંકું નામ... દિનીયો આપણો...!) કબાટ લોખંડનું હતું. આખા ફેમિલીએ હૈસો-હૈસો કરીને બડી મુશ્કીલથી કબાટનો એક પાયો ઉંચો કરી પકડી રાખ્યો હતો. ચોથા પાયા નીચે અખરોટ મૂકવામાં આવ્યું હતું. અખરોટને તોડવાના હજારો પ્રયાસો નિષ્ફળ ગયા પછી છેલ્લા ઉપાય તરીકે લોખંડના કબાટના પાયા નીચે અખરોટ મૂકવું અને પછી કબાટની ઉપર કોકને ઊભો રાખીને જોર કરાવવું, એવો નિર્ણય લેવાયો. કહે છે કે, ત્રણે જણાથી બહુ વાર સુધી કબાટ ઊંચુ પકડી રખાયું નહિ, એમાં દેસી સીધો ભોંય પર ખાબક્યો. આખેઆખો અખરોટ ઉપર પડયો છતાં ભાંગી નહિ. એના ઢીંચણ ઉપર અખરોટ આકારનું મીંડુ કોતરાઈ ગયું....!

કબાટ પદ્ધતિ અપનાવતા પહેલા તો, આ લોકોએ અખરોટને હાથમાં પકડીને હથોડી મારી, એમાં ભરૂની વાઇફનો અંગૂઠો છુંદાઈ ગયો. બારણાના મીજાગરા વચ્ચે દબાવીને બારણું બંધ કર્યું. ખટ્ટાક કરતી છુટેલી અખરોટ સ્વર્ગસ્થ દાદાજીના ફોટાને અથડાઈ. જોનારને એમ લાગે કે દાદાજી જનમથી કાણિયા હશે. દસ- બાર અખરોટો તો ગેરેજવાળાને ત્યાં લઈ ગયા, એ લોકો કહે, ''આખી સ્ટીમર તોડી આલીએ... આવા અખરોટો ના લાવો...!''

એક લોકવાયકા એવી છે કે, ભરૂ- પરિવારને અખરોટનો થેલો ભેટસ્વરૂપે કોક અશોક દવે નામના માણસે કોઈ જૂની પુરાણી દાઝ કાઢવા મોકલાવ્યો હતો. અશોકના કાઠીયાવાડમાં 'હું તો મરૂં પણ તને રાંડ કરૂં...' નામની કહેવત ઘરઘરમાં જાણીતી અને ઉપયોગમાં લેવાતી રહી છે. 'રાંડ' શબ્દનો કાઠીયાવાડી અર્થ તમે જે સમજો છો તે નહિ, પણ 'વિધવા' થાય. પતિ- પત્ની વચ્ચે ઝગડા થાય ત્યારે ફાટફાટ થયેલો ગોરધન ગુસ્સામાં આવું કહી દેતો હોય છે કે, ''ભલે હું અરિહંતશરણ થઈ જાઉં, પણ તને ધોળા હાડલામાં જોવી છે.. આઇ મીન જોવડાવવી છે. મને એ શુભ અવસર ભલે ન મળતો, પણ તને રાંડ બનાવ્યા વિના નહિ મરૂં...!'' (સૂચના : ભુરાયા થયેલા ગોરધનો આવો વ્યાકરણ દોષ કરી બેસતા હોય છે. આ બન્ને કામો સાથે ન થઈ શકે. ગોરધન મરે, એ જ ક્ષણે પેલીને રાંડ બનાવી શકાય, મર્યા પહેલા નહિ. એટલે ભાઈની મનોકામના મુજબ, પોતાના જીવતેજીવત એ વાઇફને વિધવાસ્વરૂપ જોઈ ન શકે. હા, હૉબી મોટી હોય, તો પસંદગીની અન્ય કોઈ પણ સ્ત્રીને વિધવા બનાવી શકાય. પોતાનીને નહિ- સૂચના પૂરી.)

ઉપરોક્ત કહાનીમાં સદરહૂ શખ્સ અશોક અને સામાવાળો ભરતીયો ઉર્ફે ભરૂભ'ઇ (અમને જાણકારી છે, ત્યાં સુધી) બન્ને પુરુષો હોવાથી માત્ર મરવાથી એકબીજાની વાઇફને રાંડ કે પોતાને વિધૂર બનાવી શકે નહિ... યે પોઇન્ટ નોટ કિયા જાય, યોર ઓનર...! પણ સંદર્ભ કેવળ કહેવતનો હોવાથી આ ચર્ચાસ્પદ વાતમાં 'પુરૂષ' કે 'રાંડ' શબ્દનો એકચ્યૂઅલ અર્થ નહિ કાઢવા, સમાજને વિનંતી કરવામાં આવે છે.

કહેવતનો મતલબ, એટલો જ હતો કે, અશોક નામના માણસ પાસે ક્યાંકથી ભેટમાં અખરોટના થેલા આવ્યા. ખાઈ તો શું, તોડી શકાય એવી પણ આ અખરોટો નહોતી. પોતે ભલે ન ખાઈ શકે તો બીજાના દાંત તોડવા, એવા ભ્રષ્ટ વિચારો સાથે અશોકે એ થેલાઓમાંથી અખરોટના નાના-મોટા ગિફ્ટ પેકેટો બનાવીને ઓળખીતાઓને મોકલવા માંડયા હિચકી ને હેડકી તો ઘણા બધાને આવી કે, 'આ કંજુસિયો પાનના ગલ્લે ઉભો હોય તો એક પાને ય ખવડાવે એવો નથી, એને બદલે આટલો બધો દિલદાર ક્યાંથી થઈ ગયો ? એ તો અઠવાડિયે નહિ નહિ તો ય ટોટલ ૨૬ ફેમિલીઓ અખરોટ તોડવાના પ્રયાસોમાં હણાઈ ગયા, ત્યારે ખબર પડી કે, પોતે ન ખાઈ શકે તો બીજા મરે, એવા બદઇરાદાથી અશોકીયાએ બધાને હલવાઈ દીધા હતા..!'

આપણે ત્યાં આવા અશોકો બહુ મળી આવે છે. પોતે ખાઇ ન શકે તો બીજાને ય ખાવા ન દેવું, બીજા ભલે ભરાઈ જતા. આમાં તો એક તબક્કે નુકસાન પોતાનું થાય તો ભલે થાય, પણ સામાવાળાને ફાયદો ન થવો જોઈએ... પૈસો એવા માણસો પાસે જ ભેગો થાય છે. પ્રસિદ્ધ અમેરિકન હાસ્યલેખક આર્ટ બુકવોલ્ડની એક વાર્તામાં આવતું કે બે અબજોપતિ દોસ્તો વધુ પડતા જાડા હોય છે. બન્ને વજન ઉતારવાનું અભિયાન શરુ કરે છે ને શરત મારે છેકે, વજન આપણે બન્નેએ ઉતારવાનું, પણ બે મહિના પછી જેનું વજન વધારે હોય એ બન્ને વચ્ચેનો ડિફરન્સ લાખો ડોલર્સમાં ચૂકવી દેવાનો. મતલબ, એકનું ૧૫ કિલો ઉતર્યું ને બીજાનું ૨૩ કિલો, તો ૮ કિલો ડિફરન્સના કિલો દીઠ દસ લાખ ડોલર્સને હિસાબે ૮૦ લાખ ડોલર્સ જીતેલો લઈ જાય. બન્નેએ સરકારી હૉસ્પિટલોમાં પોતપોતાના વજન કરાવીને તારીખ સાથે નોંધાવી દીધા.

બન્નેએ પ્રયાસો તો શરૂ કર્યા, પણ પહેલે જ દિવસે ખ્યાલ આવી ગયો કે, આ કામ આપણાથી થાય એવું નથી. ખાવા-પીવા ઉપર કન્ટ્રોલ, કસરતો, ચાલવાનું ને દવાઓ લેવાની. બન્ને સમજી તો ગયા, પણ ડર બન્નેને કે, હું નહિં ઉતારૂં તો સામેવાળો તો ઉતારવાનો જ છે. પ્લાન એવો કર્યો કે પોતાનું વજન ભલે ન ઉતરે, પણ સામાવાળાનું ય ન ઉતરવું જોઈએ. ઓન ધ કોન્ટ્રારી, સામેવાળાનું વધે તો પછી ફિકર નહિ આપણું ઘટે કે ન ઘટે ! બનનેએ પ્લોટ ગોઠવવા માંડયા. એક જાણતો હતો કે, બીજાને મીઠાઈઓ, પેસ્ટ્રીઝ ને ચોકલેટ્સ બહુ ભાવે છે, એટલે પોતાના ખર્ચે સામેવાળાને ત્યાં રોજના બબ્બે- ત્રણ ત્રણ કરંડિયા મોકલવા માંડયા. પેલો રોજ વહેલી સવારે ચાલવા ન જઈ શકે એ માટે એના બંગલાની બહાર રખડતા કૂતરાઓ છોડી મૂક્યા, ટેન્શન કરવાથી શરીર ઉતરે છે, એટલે પેલાને કોઈ ટેન્સન ન થાય તે માટે બન્ને એકબીજાના ઇન્કમટેક્સ, સેલ્સટેક્સ કે એમની ફેક્ટરીઓની સામે પડેલા યુનિયનોને ખુશ કરવા માંડયા. શહેરભરના કેમિસ્ટોને પૈસા ખવડાવીને બન્નેએ દવાની દુકાનોમાંથી, વજન ઉતારવાની દવાઓનો સ્ટોક ગાયબ કરી દીધો, એમાં બીજા ય હલવાઈ ગયા.

મનમાં બન્ને ય રાજી હતા કે, આપમે ઉતારવું ના પડયું. પેલો પઠ્ઠો થઈને આવશે !

બે મહિના પછી નક્કી કરેલી તારીખે બન્ને પેલી હૉસ્પિટલમાં મળ્યા. વજન કરાવ્યું... બન્નેનું પાંચ પાંચ કિલો વધી ગયું હતું... એક સરખું !

ઍક્ઝેટક્ટ આ જ મોડસ ઓપરેન્ડાઇ (ગુન્હો કરવાની પદ્ધતિ), આજની જનરેશનના છોકરાઓ ફિલ્મ જોયા પછી કરે છે. કાં તો એમને ફિલ્મો જોતાં આવડતી નથી ને કાં તો રાહ જુએ છે કે, બીજાનો રિપોર્ટ આવે પછી આપણે કહીએ કે, 'અમને કેવી લાગી !' ખબર બીજાઓને ય ન પડતી હોય, એટલે આજના છોકરાઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. તમે પૂછો, 'કેવું લાગ્યું, 'સાહિબ, બીવી ઔર ગેન્ગસ્ટર... ?'' એટલે જવાબ આપે, ''એકવાર જોવાય...''

તારી ભલી થાય ચમના... તો બીજી બધી ફિલ્મો અમે પચ્ચા- પચ્ચા વખત જોતા હોઈશું ? કાં તો તું ના પાડ કે, ફિલમ ફાલતું છે ને કાં તો વખાણે ચઢી જા. 'એકવાર જોવાય..' એટલે શું ?

હું હજી આવા કામો કરૂં છું.. હું કોઈ ફિલ્મમાં ભરાઈ પડયો હોઉં ને સખત ગુસ્સો આવે, એટલી કચરાછાપ ફિલ્મ હોય તો યારદોસ્તોને હું આવી ફિલ્મ નહિ જોવાનો રિપોર્ટ નથી આપતો... ઉપરથી કહું, 'અરે બોસ્સ... છેલ્લા દસ વરસમાં આટલી એક્સાઇટિંગ ફિલ્મ મેં તો નથી જોઈ....! હું તો હજી ૮- ૧૦ વખત જોવાનો છું. તાબડતોબ જોઇ આવો જ !' એમાં મારી ઉપર વિશ્વાસ રાખનારા હલવાઈ જાય. સિનેમામાં બેઠા પછી મને આવડી ને આવડી જોખાવે ને છૂટયા પછી સીધા મારા ઘરે આવે. મારી ઉંમરના દોસ્તો હોય, તો અહીં ન લખાય એવા વિશેષણો મારા માટે વાપરીને મારો બાયોડેટા બદલી નાંખે. પણ... એ તો હું ઘેર હોઉં તો સાંભળવાનું ને ? મહિના સુધી એ લોકોની હડફેટમાં જ નહિ આવવાનું.

બસ... આ જ પદ્ધતિ ઉપર મેં અનેકની સગાઈઓ, અનેકના લગ્નો કરાવી આપ્યા હતા... આજ સુધી બધા મને શોધે છે...!

ઉપસંહાર : બસ, હું તમને બધાને ફોલો કરી રહ્યો છું ! જે સી ક્રસ્ણ. 

સિક્સર

ઓહ... ગયા સપ્તાહના મારા 'ડાયાબીટિસ' પરના લેખ પછી ખબર પડી કે, લોકો મને વાંચે પણ છે...!

07/04/2013

ઍનકાઉન્ટર 07-04-2013

* આજ સુધી તમને પૂછાયેલો સૌથી વિચિત્ર પ્રશ્ન ક્યો?
- 'અશોક દવે, તમે સ્માર્ટ છો?' આ સવાલનું પ્રશ્નાર્થ ચિહ્ન મને નડી ગયું હતું.
(હિમાની/શિવાની વોરા, જોરાવરનગર)

* આપણો દેશ ઈઝરાયલ જેવો લડાયક બની શકશે ખરો?
- એક વાર મનમોહનને ત્યાં જઈ આવવા દો... ઈઝરાયલ ઈન્ડિયા જેવું થઈ જશે.
(નૈતિક ઓઝા, ભાવનગર)

* 'બા ખીજાય... બા ખીજાય... બા ખીજાય...!' હવે એ તો કહો બા રાજી ક્યારે થશે?
- એ પૂછવા ગયો એમાં ડબ્બલ ખીજાણા...!
(વિસનજી જાદવજી ધરોડ, મુંબઈ)

* સતત ધ્યાનાવસ્થામાં રહેતા દેવાધિદેવ મહાદેવ કોના ધ્યાનમાં હશે?
- આપણા.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* પરદેશ રહેતી પત્ની ફક્ત ફોનથી સંપર્ક રાખતી હોય એવા ગોરધનને ભાગ્યશાળી કહેવાય ખરો?
- એનો આધાર કોની પત્ની કોનો સંપર્ક રાખે છે, એની ઉપર છે!
(બાબુભાઈ દસાડીયા, ભાવનગર)

* કસાબ-અફઝલને ફાંસી આપી દીધી... સુઉં કિયો છો?
- યસ. કોંગ્રેસે પહેલીવાર થોડું ય કોઈ મર્દાનગીનું કામ કર્યું કહેવાય!
(ઉષ્મા એચ. ઓઝા, ભાવનગર)

* શહેનશાહ અકબરે એના દરબારમાં નવ રત્નો ભેગા કર્યા હતા... અને ડો. મનમોહનસિંઘે?
- 'હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામ-એ-ગુલિસ્તા ક્યા હોગા?'
(સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* બિનસાંપ્રદાયિકતા સામે લડવા બાલ ઠાકરે પછીનો ફાલ સક્ષમ છે?
- ઠાકરે સાંપ્રદાયિકતા સામે લડયા હતા... 'બિન' નહીં!
(સાધના નાણાવટી, જામનગર)

* નેતા પધારે ત્યારે રસ્તા સાફ... અને ગયા પછી ખાક... ઐસા ક્યું?
- પનોતિ જાય એનો આનંદ હોય!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* લગ્નના પહેલા વર્ષોમાં જ યુગલો ખુશ હોય છે... પછી?
- ત્યાં સુધી 'એક ગુણ્યા એક, બરોબર બે' હોય છે... પછી દાખલા ખોટા પડી શકે છે!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હાલ શ્રી અટલબિહારી બાજપાઈ સક્રીય રાજકારણમાં હોત તો?
- અટલજી બોલતી વખતે બે શબ્દો વચ્ચે બહુ લાંબુ અંતર રાખે છે...એ ''મૈં'' બોલ્યા પછી શું બોલશે, એની રાહ જોવામાં ભાજપે બીજાને તખ્તનશીન બનાવી દીધા!
(પિયુષ પી. પટેલ, કલોલ)

* ખેતર છે નહિ ને મારો સાંવરિયો હળનો ભાવ પૂછે છે... આવા માણસને શું કહેવું?
- તમારો હોય તો જાવા દિયો... નહિ તો 'બળદીયો' કહેવાય!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* આપણી ચલણી નોટો ઉપર બાપૂ હસતા કેમ દેખાય છે?
- ફોટો પડાવતી વખતે ફોટોગ્રાફરે 'સ્માઈલ પ્લીઝ' કીધેલું...!
(રાજેન્દ્ર દવે, જીટોડીયા-આણંદ)

* ભ્રષ્ટાચારી નેતાની અવસાન પછી સ્થિતિ શું હોય છે?
- ફક્ત 'નેતા' લખો, એમાં બધું આવી ગયું.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* આપનામાં કોઠાસૂઝ ઘણી હોય એમ લાગે છે. આ અફવા સાચી છે?
- હું અમદાવાદના મ્યુનિ. કોઠા સિવાય કોઈ કોઠામાં જતો નથી. હું એવો માણસ નથી.
(ક્ષમા પાર્થિવ પટેલ, વડોદરા)

* દુષ્કૃત્ય કરનારને રોકવામાં જોખમ છે, છતાં એની સામે અવાજ કેમ ઉઠાવી શકાતો નથી?
- મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી અવાજ પાછો આવી જશે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* આવી કાળઝાળ ગરમીમાં તમે એ.સી.ને બદલે પંખો ચાલુ કરવાનું કેમ કહો છો?
- એ.સી.માં બા ખીજાય છે!
(શશીકાંત મશરૂ, જામનગર)

* હું દર બુધવારે 'બુધવારની બપોરે' નિયમિત વાંચું છું, એટલે મારા ઘરે બુધવારની બપોરે જ લક્ષ્મી પધાર્યા (પુત્રી અવતરી...) સુઉં કિયો છો?
- હવે પછી 'ઍનકાઉન્ટર' ન વાંચશો.
(વિભૂતિ આર. જોશી, કરમલા-સુરત)

* આપણી ભાષામાં 'સાડી સત્તરવાર કીધા'નો ઉલ્લેખ આવે છે... એટલે શું?
- મને 'સાડા બાર' સુધીની જ ખબર છે!
(હરિઓમ જોશી, ભાવનગર)

* સર્જરી કરાવવા સોનિયાજી પરદેશ કેમ જાય છે?
- જાય છે એનું ક્યાં દુઃખ છે...?
(બિપીન બી. પટેલ, ધ્રાંગધ્રા)

* દરેક જીવને પ્રભુએ બે આંખો આગળ જ કેમ આપી છે?
- ચાલવાનું આગળ આગળ હોય છે... પાછળ પાછળ નહીં!
(દેવાંશી/પાર્થ પટેલ, આણંદ)

* સવાલના જવાબો આપનો પટાવાળો આપે છે, એ વાત સાચી?
- આવો સહેલો સવાલ ઘરની કામવાળી પાસે ન પૂછાવાય...!
(નીતા વિજયાનંદ પટેલ, ઉમરેઠ)

* ગાંધીજી તો રાષ્ટ્રપિતા હતા, તો પછી દારૂબંધી માત્ર ગુજરાતમાં જ કેમ?
- અબજોપતિ પોલીસવાળા પણ કેવળ ગુજરાતમાં જ છે ને?
(રણજીતસિંહ ગોહિલ, રાજકોટ)

* દેશના અનેક લોકોના ઘરમાં ટોઈલેટ નથી, પણ મોબાઈલ ફોન છે. એવું કેમ?
- મોબાઈલ બહાર જઈને કરાય...!
(રમેશ આર. સુતરીયા 'ટ્રોવા', મુંબઈ)

* આપના અન્ય લેખોની સરખામણીમાં 'ઍનકાઉન્ટર' જ બેસ્ટ હોવાનું કારણ શું?
- બાકીની બન્ને કોલમોમાં તો વાંચકોએ પણ બુદ્ધિ વાપરવી પડે છે!
(રૂપાભાઈ ચૌહાણ, ઉંદરેલ)

* ભારતની ક્રિકેટ ટીમ જીતે છે, ત્યારે કેમ કોઈ એમની સંપત્તિ વિશે સવાલ ઉઠાવતું નથી? હારે ત્યારે જ કેમ?
- સવાલ ઉઠાવો... કે નીચે પછાડો... સાંભળે છે કોણ?
(કૌશલ પટેલ, ધોરાજી)

03/04/2013

આવો, મિસ્ટર ડાયાબીટીસજી...!

કોક ગરીબની ઝૂંપડીમાં મહારાજાધિરાજ પધાર્યા હોય, એમ મારા શરીરમાં બડી ધૂમધામથી ગયા સપ્તાહે ડાયાબીટીસજી પધાર્યા. ધૂમધામથી એટલા માટે કે, ડાયાબીટીસે મને કોઈ ગરીબગુરબો ધાર્યો નહતો ને હું ગરીબ છું પણ નહિ. એ હિસાબે કોઈ મોટા માણસના ઘેર જતા હોઈએ ત્યારે ગિફ્ટ પણ તોતિંગ લઈ જવી જોઈએ, એ પ્રથા અનુસાર મારા સોહામણા તનબદનમાં ડાયાબીટીસ ૫૪૮-ના આંકડા સાથે આવ્યો અને હજી આ આંકડા સાથે લખવા બેઠો છું. મને હરતો-ફરતો જોઈ મને ઓળખનારા ચોંકી ગયા. ડૉક્ટર પોતે ચિંતિત, ઘરવાળા સહુ બેબાકળા પણ હું જરા મોજમસ્તીમાં એટલે આવી ગયો કે, પરમેશ્વરે મને કોઈ ઑર્ડિનરી માણસ ધારી લીધો નથી. મારા સ્ટેટસ પ્રમાણે મારૂં માન જળવાય, એવો શાહી રોગ આપી દીધો છે. આને બદલે મને કોઈ ગૂમડૂં-બૂમડૂં આપી દીધું હોત, તો સમાજમાં મારૂં માન શું રહેત ? લોકો નાક દબાવીને મારી ખબર પૂછવા આવત. હાળા આપણી સામે સ્માઈલો સાથે વાતે ય ન કરે ! પાછા જતા જતા બોલતા જાય, ''આમાં તો ગુમડામાંથી રક્તપિત્ત નો થઈ જાય, એનું બઉ ધિયાન રાખવું પડે છે, અસ્સોક ભા'આ..ય !''

ખોટું નહિ બોલું, પણ અગાઉ અનેકવાર મારા હાથ-પગ ભાંગ્યા છે, (હૉસ્પિટલમાં ફિટમફિટ પ્લાસ્ટરમાં બંધાયેલો ને અડધી છત સુધી ઊંચો લટકાયેલો મારો એક સુંદર ક્લરિંગ ફોટો ય છે. ફોટામાં તો હું સારો લાગું છું, પણ આ ફોટામાં મૂછો સારી નથી લાગતી...! ... કહે છે કે, હૉસ્પિટલમાં દાખલ થયા પછી ભલભલાની મૂછો ભીનું કપડું ચોંટાડયું હોય, એવી મર્દાનગી વગરની થઈ જાય છે...! ડૉક્ટરો... બોલો જય અંબે...!)

ત્યારે અને મૅલેરિયા-ફેલેરિયા જેવા ફાલતુ રોગો વખતે, આજે મને કહેવા દો કે, સમાજે મારો પૂછવો જોઈએ એટલો ભાવ નહોતો પૂછ્યો, ''ઓહો.. મૅલેરિયા ને...? મારા ફોઈને ય થયો હતો... આ તો કાંઈ નથી... કમળો-કમળી થઈ જાય તો તમતારે કહેવડાવજો ને...! આપણી પાસે બહુ બધા ઈલાજો પડયા છે...!''

તારી ભલી થાય ચમના...! તારા ઘરમાં જૂનું ફ્રીજ, જૂનું ગાદલું, પિત્તળના જૂનાં વાસણો કે મરવા પડેલી તારી જૂની સાસુ જેવો જૂનો સામાન ઘરમાંથી કાઢીને વળગાડવાનો હોય, એવા તારા જૂના ઈલાજો મને ભટકાડવા છે અને તુ રાહ જોઈને બેઠો છું કે, કમળો-કમળી થાય ત્યારે કહેવડાવજો...?

મારા તો સસુરજીનું નામ પણ સ્વ. ડાહ્યાલાલ છે, એટલે મને તો 'ડાહ્યા-બીટીસ' છેલ્લા ૩૭-વર્ષથી થયેલો છે...!

પણ હજી તો આ ફૂલફટાક મેહમાને મારા ઘરમાં જીવનવાસો (રાતવાસો આમાં ન હોય !) કર્યો, એના બે જ દિવસમાં મને બાવીસ-સો શીખામણો મળી કે, 'ડાયાબીટીસ થાય ત્યારે શું કરવાનું અને શું નહિ કરવાનું ! મને જ્ઞાન થયું કે, કોઈએ સ્ટેજ પર વક્તા થવું હોય તો એને ડાયાબીટીસ વિશે બોલવા આપી દો. સાલો, એક પણ માણસ એવો ન નીકળ્યો, જેને ડાયાબીટીસ વિશે જ્ઞાન ન હોય ! એટલે મને થયું કે, ડાયાબીટીસ લગ્ન જેવો છે. લગ્ન એવી ચીજ છે, જેને વિશે કૂંવારાઓને બોલવાનો અધિકાર નથી ને પરણેલાઓ બોલી શકતા નથી. આનું ય એવું જ નીકળ્યું. જેને પોતાને થયો નથી એને બોલવાનો અધિકાર નથી, એ જ સૌથી વધુ સલાહો આપે છે ને જેને થયો છે, એ લોકો બોલી શકતા નથી. જાણતા હોય ને કે, હવે કૂંડાળામાં પગ પડી ગયો છે... નીકળ બેટા હવે તું...!'

મજ્જાની વાત એ છે કે, સલ્લાહ આપનારો દરેક જણ પહેલી સલાહ મારી પાસે ખાંડ છોડાવવાની આપે છે. ''જુઓ દાદુ, પહેલી વાત તો એ કે, આજથી જ ગળ્યું ખાવાનું બંધ... ઓકે ? ચામાં ય ખાંડ નહિ. આઈસક્રીમ-ફાઈસક્રીમ બંધ...! બીજું ખૂબ ચાલવાનું રાખો. કસરત-બસરત કરો. વજન તો ઘટાડવું જ પડશે. ખાખરા બહુ સારા. સેલડ લો. કૅરી, કેળાં કે ચીકુ જેવા ફ્રૂટ્સ તો સપનું આવે તો ય આંખ ખોલીને જાગી જવાનું, પણ ખાવાના નહિ... ભલે ઊંઘો બગડે !... અને ખોટું ના લગાડતા, પણ સ્વભાવ બદલો. સહેજ પણ ચીડીયાપણું નહિ ચાલે. મારામારી તો ભૂલી જ જવાની. આમાં કેવું હોય છે કે, તમે તો મારામારી કરો, પણ જો જરા અમથું તમને વાગશે ને... તો રૂઝ આવતા વર્ષો નીકળી જશે... અને ખાસ... ચિંતા નહિ કરવાની... મૂડમાં રહેવાનું... અમે બેઠા છીએ ને ? કંઈ પણ કામકાજ હોય તો બેફિકર કહેવડાવી દેવાનું...!''

તારી બીજીવાર ભલી થાય ચમના...! મને ડાયાબીટીસ થયો હોય તો હું ડૉક્ટર પાસે નહિ ગયો હોઉં ? મેં 'ગૂગલ' પર નૉવેલની માફક ડાયાબીટ્સ વિશે જેટલું મળે, એટલું નહિ વાંચ્યું હોય ? અને ખાંડ તો કેમ જાણે હું રોજ અડધી રાત્રે ઉઠીને કિચનમાં સાબુને બદલે ખાંડો ચોળી ચોળીને નહાતો હોઉં એવી બાતમી તારી પાસે લાગે છે. ચાલવાનું રોજ રાખવાનું તું મંડયો છે, એમાં ઊંઘમાં ચાલવાના મારા બબ્બે કલાકો નહિ ગણવાના ? ખાખરા બહુ સારા હોય તો ખવડાય તારી બા ને, વાંદરા ! બાકીનું જીવન મારે ખાખરા-પધ્ધતિ ઉપર ખેંચી કાઢવાનું છે ?

મારી પાસે એ સ્વભાવ બદલાવવાની વાત કરે છે, કેમ જાણે હું જમ્પ મારીને એના ખભે બચકું ભરી આયો હોઉં ! મારામારીની દુનિયામાં મારૂં હવે બહુ મોટું નામ થઈ ગયું હોય, એવી છાપ પડી કઈ રીતે ? હમણાં ૬૧-પૂરાં કર્યા, ત્યાં સુધીમાં આજ સુધી કોઈને થપ્પડ તો જાવા દિયો... ધક્કો ય નથી માર્યો. અમારે તો ભણવામાં મહાત્મા ગાંધીનો પાઠ આવતો, એટલે કોઈ મારા ગાલે એક થપ્પડ મારે, તો બીજી મારા બાજુવાળાના બીજા ગાલે મારવાની રીક્વૅસ્ટ કરતો... અને મોટા ભાગે તો એ રીક્વૅસ્ટ મંજૂર પણ થઈ જતી. થપ્પડની સાઈઝના પ્રમાણમાં મારો ગાલ જરા નાનો પડતો. પણ કઈ કમાણી ઉપર તું મને મૂડમાં રહેવાની સલાહ આપવા હાલી નીકળ્યો છું ? એને શી ખબર હોય કે, મૂડમાં રહેવું એ ઘરમાં રહેવા જેટલું સહેલું નથી ! મકાનની માફક ભાડાનો મૂડ મળતો નથી ને પોતાની માલિકીના મૂડો ઉપર ઘણાના લાગભાગા હોય ! આમાં હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ, બીજાના મૂડો ઠીક કરવા અઠવાડીયામાં ત્રણ-ત્રણ કૉલમો હાસ્યની લખું છું, એ બીજાં તો ઠીક, મારા ઘરમાં ય કોઈ વાંચતું નથી ! જેમને ફરજીયાત મારા લેખો વાંચવા પડે છે, એ પ્રૂફ રીડરો કહે છે, ''તમારા તો કોમ્પ્યૂટરમાં ય અક્ષરો સારા નથી આવતા !''

પણ મારા ફિઝીશિયનના તો ડૉક્ટર હોવા છતા હાથે લખેલા અક્ષરો સારા આવતા હતા, જેમણે રીપૉર્ટમાં મને લખી આપ્યું, 'ડાયાબીટીસ ૫૪૮ !' મને કહે, ''દાદુ, બહુ આવ્યો...!'' આવામાં તો હાળું સંબંધમાં બોલાય પણ નહિ, નહિ તો કહેત, ''થોડું ઓછું-બોછું કરી આલો ને...!'' એ તો પછી એમણે કીધું કે, ''આ ૫૪૮ મારૂં બિલ નથી, તમારો ડાયાબીટીસ છે...!'' ત્યારે હાથ થઈ કે, આપણું આટલું મોટું બિલ તો ના હોય, ભ'ઈ !

એક છોકરાની એક સાથે ૮-૧૦ છોકરીઓ સાથે સગાઈ ભસ્મીભૂત થઈ ગઈ હોય, એમ ડાયાબીટીસને કારણે મારે એક સાથે સંસારની તમામ મીઠી ચીજો અચાનક વર્જ્ય થઈ ગઈ. મીઠાઈ, ચૉકલૅટ્સ, આઈસક્રીમ, સૉફ્ટડ્રિન્કસ... ('હાર્ડ' મને આ પગારમાં પરવડતું નથી !) તળેલુ, ઘી-બટરવાળું... બધ્ધું બંધ ! કહે છે કે, આમાં તો કોઈ આપણને મીઠું સ્માઈલ આપે, એ ય ન લેવાય... બા નહિ, ડૉક્ટર ખીજાય ! વળતા હૂમલા તરીકે આપણે ય એને ખારૂં સ્માઈલ આપવું પડે, કારણ કે મીઠાશ તો આપણામાં રહી ન હોય ! મીઠી કોઈ ચીજને અડવાનું જ નહિ. બસ, ખાવા હોય તો એકલા ખાખરા ખાવાના. દૂધ મલાઈ વગરનું, ચા ખાંડ વગરની અને સ્માઈલ કોઈ ફિક્કું આપે, તો લઈ લેવાનું. તારી ભલી થાય ચમના... મેં તો કેમ જાણે જૈન ધર્મ અંગીકાર કરીને દિક્ષા લઈ લીધી હોય ! ખાખરે-ખાખરે તો બાકીનું જીવન કેમ કાઢવું ? એકાએક જ ખાખરા મારી લાઈફમાં હીરો બની ગયા !

હવે તો જીવનના હરએક તબક્કે મારા માટે, ''સામને જામ થા, ઔર જામ ઉઠા ભી ન સકે... હોઓઓઓ'' થઈ ગયું ને ? અનુભવ તમને ય હશે કે, જે દિવસે ઉપવાસ કર્યો હોય, એ જ દિવસે દુનિયાભરની આપણી ભાવતી ચીજો સામે આવે. બધા ચમચી ચાટી ચાટીને આઈસક્રીમ ખાતા હોય ત્યારે, સાલો સાવ ખોટો વિવેક કરીને આપણે ના-ઓ પાડવાની ને મનમાં ને મ્હોંમાં બળતા રહેવાનું ! 'યે જીના ભી કોઈ જીના હૈ, લલ્લુ...?'

અહીં પાછા અનુભવી ખેલાડીઓ મેદાનમાં ઉતરી આવે છે. જેમને ડાયાબીટીસ ચાલુ છે, એ પાછા બહુ સંતોષ આપે છે. ''અરે દાદુ... ફિકર-બિકર કાંઈ નહિ કરવાની ! આ જુઓ... મને ૨૮-વરસથી ડાયાબીટીસ છે... દેખાય છે કોઈ પ્રોબ્લેમ ? છું ને હટ્ટોકટ્ટો ? એ તો શરૂઆતમાં એવું લાગે... પછી તો ટેવાઈ જવાશે.''

એ પાછા એમે ય કહે કે, ડાયાબીટીસવાળા જીવે છે બહુ લાંબુ ! અહીં મારો વિરોધ. મારે લાંબુ જીવવું જ નથી. અત્યારે ૬૨-મું ચાલે છે... ૯૦-૯૫ નો થઉં, એટલે બસ... વાવટો સંકેલી લેવો છે.

પણ... ૯૦-૯૫ની ઉંમર ખાખરા ખાતા ખાતા કાઢવાની...??? પછી જીવનમાં ટેસ્ટ શું રહે ?... ચલો, ૯૫-૯૭ ની ઉંમરમાંથી હું જ સમજીને બે-ચાર મહિના ઓછા કરી આપું છું.... કોઈ પંખો ચાલુ કરો !

સિક્સર

- ફ્રૂટની દુકાનેથી લીધેલા મોટા ભાગના ફ્રૂટ્સમાં હવે મીઠાશ જ રહી નથી. ફ્રૂટ્સમાં કૅમિકલ્સના ઝેરી ઈન્જૅક્શનોને કારણે મીઠાશ જતી રહી હોવાનું જાણકારો કહે છે...

- એક જ ફ્રૂટ (!) એવું છે, જેમાં ઈન્જેક્શન આપી શકાતા નથી, એટલે મીઠાશ બરકરાર રહી છે... શેરડીનો સાંઠો !

31/03/2013

ઍનકાઉન્ટર 31-03-2013

* સિંહ શિકાર નહિ કરતા... સિંહણ કરતી હૈ... તો પછી 'ઍનકાઉન્ટર' સિંહ કરે છે કે તમારી સિંહણ?
- બહારના કામો એ પતાવે છે ને ઘરના હું.
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોને શ્રીનગરમાં વીંધી નાંખ્યા ને તો ય આપણે ચૂપ...?
- પાકિસ્તાની આતંકવાદીઓએ અમેરિકાને (અને આખા જગતને) એક ચસચસતી થપ્પડ મારતા કહ્યું હતું, 'અમારે ત્યાં મૂલ્કને ખાતર 'કન્ફર્મ્ડ' મૌત વહોરી લેનારા એક-બે નહિ, લાખો લોકો છે... તમારા આખા અમેરિકામાંથી ફક્ત એક તો બતાવો...!' વાત પણ સાચી છે ને? આપણા દેશમાંથી ય એવો એક નીકળે એવો છે કે, જે લાહોરમાં જઈને બોમ્બ ફોડી આવે...?
(શુભાંગિની રાવલ, વડોદરા)

* ૨૨- દેશોની પોતાના ફેમિલી સાથે ફક્ત યાત્રાઓ કરી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે દેશના પાંચ કામો ય કર્યા છે ખરા?
- એમણે રાષ્ટ્રપતિની 'પ્રતિભા' સાવ છેલ્લી 'પાટલી'એ બેસાડવાનું મહાન કામ કર્યું જ છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* તમારી જિંદગી ઉપર કોઈ ફિલ્મ બનાવી શકાય, એવું તમને લાગે છે ખરું?
- ફિલ્મ ઉતારી શકાય.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* લગ્ન એક કરાર છે, તો સગાઈ શું?
- લગ્ન છેકછાકવાળો કરાર છે અને સગાઈ મોટા ભાગે ખોટી વિગતો ભરેલું અરજીપત્રક છે.
(કાનજી ભદરૂ, ગોલગામ)

* જીતેલાને હાર કેમ પહેરાવાય છે?
- હારેલાઓ હાર સ્વીકારતા નથી માટે.
(મોના રમજાનભાઈ મીરાણી, મહુવા)

* કહેવાય છે કે, હસતો માણસ ભીતરથી રડતો હોય છે... સાચું?
- હસતા માણસની દાઢ દુઃખતી હોય તો સાચું.
(રૅનિસ રમજાનભાઈ મીરાણી, મહુવા)

* 'બુધવારની બપોરે' વાંચ્યા પછી અમારું માથું દુઃખે છે...!
- માથામાં મગજ હોય, એમને માટે આ કોલમ છે... તમારે ક્યાં ચિંતા કરવાની છે?
(રજનીકાંત દવે, વાસદ-આણંદ)

* તમારા અમોલ પુસ્તક 'ઓળખ-પરેડ'માં વિભિન્ન જ્ઞાતિઓ વિશે લખ્યું હતું. એ બધામાંથી તમારી લાડકી જ્ઞાતિ કઈ લાગી?
- એકે ય નહિ. એમાંના એકેએ ભારતીય હોવાનું ગર્વ બતાવ્યું નથી. મને હું બ્રાહ્મણ હોઉં કે હરિજન, એમાં કોઈ રસ નથી... ભારતીય હોવાની દેશદાઝ મારામાં બેશક હોવી જોઈએ અને છે. મેં મારા બન્ને સંતાનોને ફાવે ત્યાં પરણવાની છુટ આપી હતી... કોઈ જ્ઞાતિબાધ નહિ, પણ આવનારી વહુ કે જમાઈ ભારત માટે દેશદાઝ રાખનારા છે કે નહિ, તે જોજો અને કૃપા ભારતમાતાની કે, અમને વહુ અને જમાઈ બન્ને સખ્ત દેશદાઝ રાખનારા મળ્યા છે.
(પ્રણાલિ મેહતા, મુંબઈ)

* ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય, એવી કેટલી હીરોઈનો છે?
- આઈ ડોન્ટ થિન્ક... એક ય હીરોઈન એમ તમારા ઘરે આવે!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* હેડકી આવે એટલે કોક સંભારતું હોય, એ વાત કેટલી સાચી?
- કહે છે કે, સૌથી વધારે હેડકીઓ જેલના કેદીઓ ખાય છે...!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* શું અક્ષર સારા હોવા જરૂરી છે?
- અક્ષર બહુ સારા હોય તો બહુ નબળા હાસ્યલેખક બની શકાય છે, એટલી મને ખબર છે!
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

* પૂજ્ય સ્વામી અશોકાનંદજી, હવે દેશભક્તિનું જૂનુન ચઢાવવા તમે ઝૂકાવો તો...?
- કમનસીબી એ જ છે ને કે, દેશના જેટલા 'પૂજ્ય', 'સ્વામી' કે નંદજીઓ દેશભક્તિને બદલે ધર્મભક્તિના ઝનૂનો ચઢાવીને દેશને ખોખરો કરી રહ્યા છે.
(ડૉ. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર)

* આજ સુધી તમે કોઈને 'ટોપી પહેરાવી' છે?
- દર રવિવારે આશરે ૨૫ જણને ટોપીઓ પહેરાવું છું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* તોરણે ઊભેલા વરરાજાને ફક્ત સાસુ જ પોંખે છે, સસરા કેમ નહિ?
- સસુરજીને ખબર છે કે, એક વાર પોંખાવામાં હું આખેઆખો ભરાઈ ગયો છું.
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* ઘેર આવેલા ગોરધનને પાણીનો ગ્લાસ ધરતી વખતે ગોરધન 'હુ, પીને આયો છું' કહે તો?
- બોચીથી ઝાલીને એવા ગોરધનને હેઠા પછાડીએ નહિ કે, 'એકલો-એકલો શેનો પીને આયો છું...? હું મરી ગઈ'તી...?' એવી ચોપડાઈ દેવાય... હઓ!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* સાસુ-વહુ વચ્ચે સંપ હોઈ શકે ખરો?
- જે વહુ પોતાની સાસુને સગી માંના સ્થાને જુએ, એ ઘરમાં કદી પ્રોબ્લેમ ન હોય!
(દિલીપ જે ધંધુકીયા, અમદાવાદ)

* કેન્દ્રીય મંત્રી જયસ્વાલે, પત્ની જૂની થાય પછી મજા નથી આવતી, એવું ક્યા સંદર્ભમાં કીધું હશે?
- એ એમની આત્મકથાનો ભાગ હતો.
(સુધીરસિંહ રાજપુત, જમડા-બનાસકાંઠા)

* લગ્ન પછી શાંતિ ન હોવા છતાં લોકો લગ્ન શું કામ કરે છે?
- જખ મારવા.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* દસ રૂપીયાના વેફરના પેકેટમાં પાંચ રૂપીયાની હવા ભરી હોય છે...
- આમ કહીને જાડી સ્ત્રીઓનું તમે અપમાન ન કરો.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ડીસેમ્બરમાં પૃથ્વીનો પ્રલય અટકી કેમ ગયો?
- આપણા બન્નેના પૂણ્યો કામમાં આવી ગયા...!
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* આપને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરો?
- બીજે દિવસે ઉતરી જઉં.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)
* પત્નીને કન્ટ્રોલમાં રાખવાનું રીમોટ-કન્ટ્રોલ મળી જાય તો?
- એને પૂછી પૂછીને વાપરવું.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* તમને પ્રેમ કરનારી સ્ત્રી બીજાને પ્રેમ કરવા માંડે તો શું કરો?
- ... પછી તો, એ બીજા પુરુષ સાથે જે કરતી હોય, એ તો મારાથી ન કરાય ને?
(વંદના ઝવેરી, મુંબઈ)

***
સવાલોનું સરનામું
'એનકાઉન્ટર'માં સવાલ
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : 'એનકાઉન્ટર',
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

29/03/2013

'હલચલ' ('૭૧)

ફિલ્મ : 'હલચલ' ('૭૧)

નિર્માતા-દિગ્દર્શક : ઓપી રલ્હન
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતો : ગીતો વગરની ફિલ્મ હતી.
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ) 
કલાકારો : ઓપી રલ્હન, કબીર બેદી, ઝીનત અમાન, સોનિયા સાહની, પ્રેમ ચોપરા, અંજલિ કદમ, મદનપુરી, સરદાર અખ્તર, હૅલન, ટુનટુન, રમેશદેવ, રામમોહન, જગદિશરાજ, ગજાનન જાગીરદાર, ચાંદ ઉસ્માની, ચંદ્રશેખર, ચંદ્રિમા ભાદુરી, સપ્રૂ, અમરીશ પુરી, મૂલચંદ, તબસ્સુમ અને મનિષા.


બહુ નસીબદાર હો તો આવી આઉટરાઈટ કૉમેડી ફિલ્મ જોવા મળે... અને તે પણ સૅન્સિબલ કૉમેડી. હમણાંની કમ-સે-કમ બે ફિલ્મો જોઈને તો બાળકની જેમ ખડખડાટ અને ધૂમધામ હસ્યો છું - પૂરી ફિલ્મમાં. એ બન્ને વિનય પાઠકની ફિલ્મો છે, 'ભેજા ફ્રાય' (પહેલો જ પાર્ટ, બીજો બંડલ હતો!) અને બીજી મીસ વર્લ્ડ બની ચૂકેલી લારા દત્તા સાથેની 'ચલો દિલ્હી'. એવી જ ધૂંઆધાર કૉમેડી ફિલ્મો હતી, 'ફસ ગયે ઓબામા' અને 'તેરે બિન લાદેન'. મારા ઉપર જરીકે વિશ્વાસ હોય ને હસતા હવે ફાવી ગયું હોય તો આ ફિલ્મોની ડીવીડીઓ મંગાવીને જોઈ જ લેજો.

આજની ફિલ્મ ઓપી રલ્હનની 'હલચલ' એવી જ નમૂનેદાર કૉમેડી હતી. એનો નિર્માતા, દિગ્દર્શક અને આ ફિલ્મનો હીરો ઓપી રલ્હન બહુ ઊંચા ગજાંનો કૉમેડિયન હતો. રામ જાણે કેમ એણે પોતાની ફિલ્મો સિવાય ભાગ્યે જ ઍક્ટિંગ કરી છે. રાજેન્દ્રકુમારનો એ સગો સાળો થાય, માટે તો રલ્હન પ્રોડક્શન્સની ફિલ્મો 'ગહેરા દાગ' અને 'તલાશ'માં એને હીરો બનાવ્યો. એણે છેલ્લે છેલ્લે તો અમિતાભ બચ્ચનને લઈને 'બંધે હાથ' નામની ફ્લૉપ છતાં ખૂબ સરસ થ્રિલર પણ બનાવ્યું. મીના કુમારી અને ધર્મેન્દ્રવાળી સુપરહિટ ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર' (જેના શૂટિંગ દરમ્યાન મીના-ધરમ પ્રેમમાં પડયા.) અને શર્મીલા-રાજેન્દ્રવાળી 'તલાશ' હિટ ફિલ્મો હતી.

'હલચલ' ઝીનત અમાન અને કબીર બેદીની પણ પહેલી ફિલ્મ હતી. ઝીનત સુપરસ્ટાર હીરોઈન બની ગઈ ને કબીર બેદી ઈન્ડિયાની ફિલ્મો પૂરતો ફ્લૉપ, પણ ઇટાલીમાં આજે ય એ સુપરસ્ટાર ગણાય છે. ત્યાં વર્ષો પહેલાં 'સૅન્ડોકન' નામની મીની-ટીવી સીરિયલ આવતી હતી, એનો એ હીરો. 'જૅમ્સ બૉન્ડ' (રૉજર મૂર)ની ફિલ્મ 'ઑક્ટોપુસી'માં ય કબીરે વિલનના બૉડી ગાર્ડ 'ગોવિંદા'નો અત્યંત ફાલતુ રોલ કર્યો હતો... જસ્ટ બીકૉઝ, જૅમ્સ બૉન્ડની ફિલ્મમાં કામ કરવા મળે, એમાં આખા વિશ્વમાં તમારું નામ થઈ જાય.

કબીરની લાઈફ સ્ટાઈલ જ ઈન્ડિયાને પોસાય એવી નહોતી. એ ચાર વાર પરણ્યો હતો. એની પહેલી પત્ની 'પ્રોતિમા બેદી' અત્યંત કાળી છતાં અત્યંત સૅક્સી ઓડિસી-ડાન્સર હતી. સૅક્સની બાબતે આ પતિ-પત્નીના વિચારો તોડફોડ કરાવી નાંખે એવા હતા. યાદ હોય તો જસ્ટ ફન ખાતર... પ્રોતિમા જુહુ બીચ પર સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં દોડી હતી... પ્રેસ ફોટોગ્રાફરોને સામેથી બોલાવી રાખીને! એના ઘેર પોસ્ટમેન આવ્યો, ત્યારે પણ એ સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી, છતાં એ જ સ્થિતિમાં એ દરવાજો ખોલવા ગઈ, એ જોઈને પોસ્ટમૅન ભડકીને ભાગ્યો, પણ પ્રેસને આ વાત એણે ખુદ કરી હતી. એના પૂર્ણ વિકસિત સ્તનો લગભગ અડધા દેખાય, એવા બ્લાઉઝ પહેરીને તે પાર્ટીઓમાં કબીરની સાથે જતી અને પુરૂષો ગુટર ગુટર જોયે રાખતા, એ જોઈને કબીર સિવાય બધા તંગ અને દંગ થઈ જતા. એ વખતના મૅગેઝીન 'સ્ટારડસ્ટ'માં એક કૉલમ આવતી, 'કૉર્ટ માર્શલ', જેમાં કબીરને આ જ સવાલ પૂછાયો કે, 'પાર્ટીઓમાં તમારી પત્નીના છાતીના ભાગને લોકો એકીટસે જોયે રાખે છે, એથી તમે ખીજાતા નથી? તો કબીરે જવાબ આપ્યો હતો, ''એમાં ખીજાવાની વાત જ ક્યાં છે? 'બહારોં કો ભી નાઝ જીસ ફૂલ પર થા, વો હી ફૂલ હમને ચૂના ગુલસિતાં સે...' કહીને ખુશ થયો હતો કે, ''ભ'ઈ... જે સ્ત્રીને લોકો લાલચુભરી નજરે જુએ છે, એ મારી પત્ની છે... મારે તો રાજી થવું જોઈએ!''

આ કબીર-પ્રોતિમાએ ડિવૉર્સ લીધા એ પહેલાં, પૂજા બેદી અને સિધ્ધાર્થ નામના બે સંતાનો થયા. એ પછી પરવિન બાબી સાથે એ વગર લગ્ને વર્ષો સુધી રહ્યો. આ સિધ્ધાર્થ યુવાનીમાં જ Schizophrenia (ઉચ્ચાર 'સ્કિત્ઝોફ્રેનિયા')ના રોગનો શિકાર બનીને આપઘાત કરીને ૨૬-વર્ષની ઉંમરે ગૂજરી ગયો. સાદી ભાષામાં કહીએ તો એ ગાંડો થઈ ગયો હતો. એ પછી કબીર બ્રિટીશ મોડેલ સુઝાન હમ્ફ્રીઝ સાથે પરણ્યો, જેનાથી આદમ બેદી નામનો પુત્ર થયો. આદમ ઈન્ટરનેશનલ મૉડેલ છે અને હિંદી ફિલ્મ 'હૅલ્લો, કૌન હૈ?'માં એ ચમક્યો છે. એ પછી કબીર ટીવી અને રેડિયો જૉકી નિક્કી બેદીને પરણ્યો. સંતાન-ફંતાન ન થયું ને એમાંથી ય રસકસ ઊડી જતા એને ય ડાયવૉર્સ પધરાવી દઈને હાલમાં તે બ્રિટનમાં જન્મેલી પરવિન દુસાન્જ નામની સ્ત્રી સાથે ફરી એક વાર લિવ-ઈન રીલેશનશીપથી રહે છે...

(આ આખી વાત વાંચીને આપણામાંથી સહુએ સંયમ રાખવાનો છે. કબીર બેદીના જીવનમાંથી પ્રેરણા લઈને કોઈ તોફાન કરવાની કે રૅકોર્ડ-બૅકોર્ડ તોડવાની જરૂર નથી... કહેતા હો તો પંખો હું ચાલુ કરું...!)

સ્ટોરી કાંઈ ઝીનત અમાનની ય ખુશ થવા જેવી નથી. દેવ આનંદ પોતાની આત્મકથા Romancing with life માં ઉઘાડેછોગ કબુલી ચૂક્યો છે કે, હું ઝીનતના પાગલ પ્રેમમાં હતો. તાજ ઑબેરોયની ટેરેસ રેસ્ટરામાં હજી એ 'આઈ લવ યૂ' પ્રપોઝ જ કરવા જતો હતો, ને સામેથી આવતા રાજ કપૂરે તેને બોલાવી લીધી અને એજ ઘડીએ ઝીનતે કોઈ ડીસન્સી-બીસન્સી રાખ્યા વગર દેવ આનંદને છોડી દીધો ને 'સત્યમ, શિવમ, સુંદરમ' મેળવી લીધું. સત્ય જરા ય સુંદર નથી હોતું, એની રાજ કપૂર કરતા વધારે ખબર દેવ આનંદને પડી હશે!

સોનિયા સાહની કોમેડિયન આઈ.એસ. જોહરની કાયદેસરની પત્ની હતી (કયા નંબરની તે યાદ નથી!) ને એણે ય જોહર સાથે છુટાછેડા લઈને ગુજરાતના જ કોઈ મહારાજા સાથે પરણી છે.

'હલચલ'માં મદન પુરીની પત્ની બનતી અભિનેત્રી સરદાર અખ્તર છે, જેણે ૧૯૪૦-માં મેહબૂબખાને બનાવેલી ફિલ્મ 'ઔરત'માં એ રાધાનો રોલ કર્યો હતો, જે રાધા ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નરગીસ બની હતી. સરદાર અખ્તર મેહબૂબખાનને પરણી અને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નાના સુનિલ દત્ત (બિરજૂ)નો રોલ કરનાર સાજીદખાનની સાવકી માં બની. સાજીદને મેહબૂબ ખાન કોક ઝૂંપડપટ્ટીમાંથી લઈ આવ્યા હતા. પણ ખુશી ખુશીથી મોટો કરીને અમેરિકા ભણવા ય સરદાર અખ્તરે મોકલ્યો.
'હલચલ'માં નોકરાણી બનતી મનિષાની આ પહેલી ફિલ્મ હતી. મનિષાને તમે રાજેશ ખન્નાની ફિલ્મ 'બાવર્ચી'માં જોઈ છે, જે જયા ભાદુરી સાથે નૃત્યમાં હરિફાઈ કરે છે, મનિષાનો નૃત્યગુરૂ પૅન્ટલ બને છે.

'હલચલ'ની તો વાર્તા જ કમ્માલની છે. ઓપી રલ્હન રેલ્વેના બ્રીજ નીચે કામ કરતો ફિટર છે. મોડી રાત્રે ત્યાં કામ કરતા, બ્રીજ પર બેઠેલા એક કપલની વાત એનાથી સંભળાઈ જાય છે કે, એ મહેશ જેટલી નામનો માણસ એની પત્નીનું ખૂન કરીને આ પ્રેમિકા સાથે પરણી જવા માંગે છે. નીચે બેઠેલો રલ્હન આ સાંભળી જાય છે ને ઉપર જઈને પીછો કરવા જતા પહેલાં પેલું કપલ નીકળી ચૂક્યું હોય છે. પોલીસને ખબર આપે તો પોલીસના લફરામાં ફસાવું પડે, એટલા માટે એને વિચાર એવો આવે છે કે, હું જ આ મહેશ જેટલીની વાઈફને ફોન કરીને જણાવી દઉં કે, તારો ગોરધન તારું ખૂન કરવા માંગે છે. ટેલિફોન-ડિરેક્ટરીમાં ત્રણ મહેશ જેટલીઓ નીકળવાથી રલ્હન મૂંઝાય છે, એટલે એ ત્રણ મહેશ જેટલીઓના ઘેર ફોન કરીને ત્રણેની વાઈફના ઘરમાં હલચલ મચાવી દે છે. એમાંનો પહેલો મહેશ જેટલી મદનપુરી એની આસિસ્ટન્ટ લૅડી ડૉક્ટર સાથે વધારે રહે છે, એમાં રલ્હનનો ફોન આવવાથી એની પત્ની સરદાર અખ્તરના મનમાં ઠસી જાય છે કે, મને લંગડીને સાજી કરવાના બહાને મારો વર મને ઝેરનું ઈન્જૅક્શન આપીને મારી નાંખશે. બીજો મહેશ જેટલી પ્રેમ ચોપરા છે. પ્રેમ ચોપરા ફેશન મૉડેલનો સ્ટુડિયો ચલાવે છે ને ઝીનત અમાનને મોડલ બનાવવા માંગે છે. જેની સુંદર અને સુશીલ પત્ની (અંજલી કદમ)ને પણ શંકા છે કે, ઝીનતના પ્રેમને ખાતર આ મને મારી નાંખશે. જ્યારે ત્રીજો મહેશ જેટલી કબીર બેદી છે, એ ફિલ્મ ઍક્ટ્રેસ સોનિયા સાહનીને પરણ્યો છે અને શંકા છે કે, સોનિયા એની ફિલ્મના ડાયરેક્ટર રમેશ દેવ સાથે સંબંધમાં છે. સોનિયાના મનમાં રલ્હને ઠસાવેલું છે જ કે, કબીર તારૂં ખૂન કરવાનો છે, એટલે એના ઘરમાં ય હલચલ મચી છે... પણ બીજાનું ભલું કરવા જતા ખુદ રલ્હનના પોતાના ઘરમાં મોટી હલચલ મચી છે. એને નાનપણથી ક્રિશ્ચિયન ટુનટુને ઉછેર્યો છે અને પોતાની દીકરી હેલન સાથે એના લગ્ન નક્કી થયા છે. ટુનટુન માનતી નથી, એટલે રલ્હનને ભૂત-ફૂત વળગ્યું છે, એમ માનીને ભૂવાઓને બોલાવે છે. છેવટે હૅલન અને રલ્હન ભેગા મળીને આ ત્રણમાંથી પત્નીનું ખૂન કરવા માંગતો મહેશ જેટલી કોણ છે, એ શોધી કાઢવાના પ્લૉટ ઘડે છે, જે મુજબ એ ત્રણેની જાસુસી કરીને, પોતાની પત્નીને સાચો પ્રેમ કોણ કરે છે, એ શોધી કાઢવા ત્રણે સાચો પ્રેમ કરનારા સાબિત થાય છે, પણ કબીર બેદીને શંકા જતા, એ રૂ. પાંચ હજારમાં સોનિયાનું ખૂન કરવા કામચલાઉ ગુંડા બનેલા રલ્હનને કામ સોંપે છે...
બસ. આગળની વાર્તા સ્પૉઈલરમાં આવતી હોવાથી, ફિલ્મ તમે જોવાના હો તો રસભંગ ન થાય, માટે અહીં અટકીએ.

યસ. આ ફિલ્મમાં મદન પુરી પણ છે. ખૂબ સારો ઍક્ટર. બહુ વર્ષો પહેલાં મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાથી મોટરબોટમાં અમે ઍલિફન્ટા ગૂફાઓ જોવા જતા હતા, ત્યારે બૉટમાં અમારી સાથે મદન પુરી અને અનિલ ધવનની પત્ની રશ્મિ પણ હતી. એ લોકો 'એક નારી, દો રૂપ'નું શૂટિંગ કરવા જતા હતા. રશ્મિ આપણી ગુજરાતી વૅમ્પ બિંદુની બહેન થાય. મદન પુરી સાથે ઘણી વાતો કરવાનો મોકો પણ મળ્યો. આ ફિલ્મમાં એના નાના ભાઈ (ત્રીજો ભાઈ ચમનપુરી) અમરીશ પુરીને પણ કરિયરની શરૂઆત છતાં ઘણો મોટો રોલ મળ્યો છે, સરકારી વકીલનો. સહુને ખબર છે કે, અમરીશ પુરીને પહેલો ચાન્સ દેવ આનંદે એની ફિલ્મ 'પ્રેમ પુજારી'માં આપ્યો હતો.

ફિલ્મમાં ગીત-બીત કાંઈ નથી, પણ રાહુલદેવ બર્મનની કમાલો એક ડાન્સમાં જોવા મળે છે. માત્ર ભારતના તમામ રાજ્યો નહિ, વિશ્વના તમામ દેશોના ડાન્સીઝની ઝલક આપતા એક ડાન્સમાં બર્મન પૂરજોશથી ઝળક્યા છે. આર.ડી.એ. ફિલ્મનું ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ આપ્યું છે, પણ મારી જેમ દેવ આનંદની ફિલ્મ 'જ્વૅલ થીફ' ૧૫-૨૦ વખત જોઈ નાંખનારાઓને તરત ખ્યાલ આવી જશે કે, એના ટાઈટલ મ્યુઝિકના ઘણા ટુકડા આખી ફિલ્મ 'હલચલ'માં એણે રીપિટ કર્યા છે. (આખી ફિલ્મમાં ગીત નથી, પણ આર.ડી. પોતે અને આશા ભોંસલે ફિલ્મના ટાઈટલ્સ અને વચ્ચે વચ્ચે માત્ર ''હલ... ચલ'' ગાયે રાખે છે. આ સિવાય કોઈ શબ્દ નથી, એટલે સવાલ થાય છ કે, આટલું ''હલ...ચલ'' લખનારના ગીતકાર કોણ હશે...? તમને ખબર પડે તો જણાવશો.)

ફિલ્મમાં bloopers તો ઘણી નીકળે એમ છે. bloopers એટલે ભૂલો. વિશ્વભરના ઈંગ્લિશ ફિલ્મોના શોખિનો ફિલ્મ રીલિઝ થાય પછી નૅટ ઉપર આવી bloopers લખી મોકલે કે, શૉન કૉનેરી ટેબલ પર બેઠો છે, ત્યારે વ્હિસ્કીનો ગ્લાસ ફૂલ ભરેલો છે ને બીજી જ પળે ફરીથી શૉનને બતાવાય છે, ત્યારે ગ્લાસ અડધો ખાલી થઈ ગયો છે... બ્રુસ વિલિસ ગાડીમાંથી ઉતરે છે, ત્યારે સામેની ફૂટપાથ ઉપર બીજી એક કાર ઊભી હોય છે એ જ ક્ષણે એ કારનો દરવાજો બંધ કરીને બહાર ઉતરતો બતાવાય છે, ત્યારે પેલી ગાડી ગૂમ થઈ જાય છે.

એમ આ ફિલ્મ 'હલચલ'માં મદન પુરીથી ડરીને એની પત્ની બંગલાની બત્તીઓ બુઝાવી દે છે, જેને શોધવા મદન ટૉર્ચ કાઢે છે, તો સ્વિચ કેમ ચાલુ કરતો નથી? ફ્યૂઝ થોડો ઊડી ગયો છે?

ગળી કલરનું રલ્હનને ઓબ્સેશન હોવું જોઈએ. દરેક પાત્ર પાસે એક એક વખત તો ગળી કલરના કપડાં પહેરાવ્યા છે. જરા હસી પડો કે, તદ્દન ગળી કલરના પાટલૂનમાં રમેશ દેવ કેવો લાગતો હશે?

બસ. ત્રણ કલાક ખડખડાટ હસવું હોય તો આ સિચ્યૂએશન કૉમેડી જોવાનું ચૂકતા નહિ.

('ગૂંજ ઉઠી શેહનાઈ' અમદાવાદની નૉવેલ્ટી સિનેમામાં નહિ, કૃષ્ણમાં આવ્યું હતું, એ તરફ અનેક વાચકોએ ધ્યાન દોર્યું છે. આટલી ઝીણવટથી આ કૉલમ વાંચનારાઓનો આભારી છું.) 

27/03/2013

સોળ વર્ષે સૅક્સ ???....કૅન્સલ...કૅન્સલ !

રાત્રે ઘનઘોર ૧૧ વાગ્યા છે. ફલૅટના ટૅરેસ પર નાનકડો લેલુ હાથમાં ગુલાબના ફૂલ સાથે મીન્ટીની રાહ જોઈ રહ્યો છે. બાજુના બ્લૉકની પાળી કૂદીને મીન્ટી આવી. થોડા હતાશ થયેલા લેલુએ ગુલાબનું ફૂલ મીન્ટીના હાથમાં થમાવતા કહ્યું, ''સૉરી જાને જાં... આજે કાંઈ થઈ નહિ શકે... હું આવતી કાલે વહેલી સવારે સોળ વર્ષનો થઈશ... કાયદો આજે આપણને રોકે છે... આજે મારાથી કાંઈ થઈ નહિ શકે... હો સકે તો મુઝે ભૂલ જાના... કલ તક !''

એક જ રાતમાં બન્નેના સપના ચોળાઈ ગયા. કલતલ/બલતક વાળી વાત તો દૂર રહી... હવે આ બન્ને ભૂલકાંઓને સરકારી ધારાધોરણો મુજબ બીજા બે વર્ષ રાહ જોવી પડશે. સૅક્સની ઉંમર ૧૬-ની થવાની હતી, તેને બદલે પાછી હતી એની એ-૧૮ ની કરી નાંખવામાં આવી...! બાપાનું રાજ ચાલે છે...!!

રાષ્ટ્રીય કક્ષાએ સવાલ એ ઊભો થાય છે કે, બે-ચાર દિવસ તો બે-ચાર દિવસ, ઉંમર ૧૬-ની તો થઈ ગઈ હતી, એમાં એ વખતે માંડ ૧૬-ની ઉંમરે પહોંચેલા નિર્દોષ ભૂલકાંઓ ૧૮-ના થવાની રાહ જોઈને બેઠા હોય ને વચ્ચેના આ બે દિવસમાં એ લોકોએ તાતાથૈયા કરી લીધા હોય તો એ ગૂન્હો ગણાશે કે નહિ ? અથવા, જે થઈ ગયું છે, એ કાંઈ ભૂસાવાનું છે ? કાયદાની આવી અદલબદલથી નાના ભૂલકાંઓ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે...? આ તો એક વાત થાય છે...!

કહે છે કે, ૧૬ અને ૧૮ની આ અદલાબદલીના પ્રત્યાઘાતો નાના ભૂલકાં કરતા એમના ફાધર-મધરો ઉપર બહુ બુરા પડયા છે. ૧૮-પછી ગમ્મે તે કરી આવે... હૂં કૅર્સ...? પણ ૧૬-થી ૧૮-ની વચ્ચે દીકરી કાંઈ ગરબડ કરી આવી, તો મોટી થઈને એને પરણશે કોણ ? ૧૮ પછીનું તો બધા સમજતા હોય કે, છોકરાઓ અત્યારે નહિ શીખે, તો પછી ક્યારે શીખશે ? આ એના ડોહા પંચાવનના થયા તો ય ''પેલી'' સ્માર્ટનૅસ સહેજ બી નહિ. માં-બાપો ય છોકરાંવને કાંઈ શીખવાડી-બીખવાડીને નહિ મોકલતા હોય ? અમે તો લગ્ન કર્યા છે કે તાલીમશાળા ખોલી છે ? કોઈ પંખો ચાલુ કરો.

સરકારમાં ય બુધ્ધિના લઠ્ઠા ભેગા થયા છે ને ? અત્યાર સુધી ઘર તો બહુ દૂરની વાત છે, ક્યાંય કોઈ સારા ઘરના માણસો 'સૅક્સ' શબ્દ પણ બોલી શકતા નહોતા. સ્પૅલિંગ તો આવડતો હોય, પણ આવડતું હોય એ બધું કાંઈ જાહેરમાં થોડું કરી બતાવાય છે ?

મને યાદ છે, '૬૯ની સાલમાં મારી સગાઈ થઈ, ત્યારે મારી ફિયૉન્સેને અમદાવાદના એસ.ટી. બસ સ્ટેશને મૂકવા મારા ફાધર-મધર સાથે હતા. એ બસમાં બેઠી ને બસ ઉપડવાની થઈ, ત્યારે આંખમાં બસના ટાયર જેવડા આંસુઓ સાથે એણે બસની બારીમાંથી હાથ બહાર કાઢી મારી સાથે હાથ મિલાવ્યો. ભ', જમાનો એવો હતો એટલે બસ ઉપડી ગયા પછી ફાધર-મધરે મારો સખ્ત ઉધડો લીધો, ''કાંઈ લાજશરમ જેવું બચ્યું છે કે નહિ ? બધાના દેખતા તેં એનો હાથ પકડયો ? હજી તમારા લગ્ન નથી થઈ ગયા, સમજ્યા...?''

મારી ઉંમર એ વખતે ગણીને પૂરી સત્તર વર્ષની એટલે ઈવન, આજના કાયદા પ્રમાણે પણ ફાધર-મધરની વાત સાચી હતી. અલબત્ત, સરકારી ધોરણો મુજબનું એ કાંઈ સૅક્સ નહોતું. અમે તો કેવળ હાથ મિલાવ્યા હતા. આજે તો યુવાન બાળકોની હાલત કફોડી એ થઈ ગઈ છે કે, ઉંમર ૧૮-ની થઈ ગઈ, એટલે ગમે ત્યાંથી શોધીને સૅક્સ તો માણવું પડે. નહિ તો એવા કોરાધાકોડ છોકરાને આ જમાનામાં કોઈ કન્યા ય ન આપે. યાદ હોય તો લગ્નવિષયક દરેક ટચુકડી જા.ખ.માં એક લાઈન ભૂલ્યા વગર લખી હોય છે, ''અનુભવીને પ્રથમ પસંદગી''.

અમારો તો એ લાજશરમનો જમાનો હતો, એટલે મારા લગ્નની મધુરજની વખતે ય, પહેલું ચુંબન મોકૂફ રાખ્યું હતું. સાપુતારાના એ હનીમૂન વખતે, બીક એ હતી કે, 'આ બહેન ઉપર મારા કૅરેક્ટર વિશે કેવી છાપ પડશે ?' મને યાદ છે, 'નટરાજ' ટૉકીઝમાં અમે બન્ને ફિલ્મ 'નયા જમાના' જોવા ગયા ત્યારે ઈચ્છાઓ તો લોખંડના લાલઘુમ થઈ ગયેલા સળીયા જેવી લાલચોળ હતી, કે ભૂલ ભૂલમાં એના હાથને અડાઈ જવાયું છે, એવું નાટક કરીને, એના હાથ ઉપર મારો હાથ મૂકી દઉં. પેલી બાજુ ધર્મેન્દ્ર બેફામ અને નફ્ફટ બનીને બહેન હેમા માલિનીને ગમે ત્યાંથી પકડતો હતો. પણ આપણાથી કાંઈ ફિલ્મસ્ટારો જેવા છાકટા થવાય છે...? સાહેબ, ના અડયો તે ના જ અડયો ! આખરે સંસ્કાર નામની બી કોઈ ચીજ છે...! અને એ સંસ્કારને કારણે જ અમારે પહેલું સંતાન ત્રણ વર્ષ મોડું આવ્યું. કહેવાનું તાત્પર્ય એ કે, સરકાર ભલે સૅક્સની ઉંમર પાછી ૧૮-ની કરે... અમારા જેવાને તો આજે ૬૨-ની ઉંમરે પણ સરકારના આદેશોને માન આપતા હત્તર વખત વિચાર કરવો પડે છે... કોઈ પંખો ચાલુ કરો હવે !

મને ખબર બધી પડે છે કે, તમે લોકો બોલો નહિ, પણ મારી એ ઉંમરમાંથી તમે લોકો ય પસાર થઈ ચૂક્યા છો અને તમે પણ મારા જેટલા જ સરકારી આદેશોનું પાલન કરનારા હોનહાર નાગરિકો હતા... હવે પંખો બંધ કરો ! ભલેને હિસ્ટરી એ વખતની હતી પણ ઘરના છોકરાઓને રાત્રે ડિનર પછી બધું માંડીને કાંઈ કહેવા બેસાય છે કે, ''અમારા જમાનામાં તો હનીમૂનની પહેલી રાત્રે નવવધુ ઠેઠ હવાર સુધી ઘુંઘટે ય ઊંચો ન કરવા દે. કારણ એટલું કે, હૉટેલમાં વ્યવસ્થા બધી કરી હોય... ફક્ત ઑડોમોસ ક્રીમ લાવવાનું ભૂલી ગયા હોઈએ... પણ...? એ જમાનો તો કાંઈ ઓર જ હતો. મને ખબર છે, પહેલી વખત એનો ઘુંઘટ ખોલ્યો, ત્યારે... હાળી કાંદા-લસણ ખઈને બેઠી હતી...!''

આજે હાલત ઊલટી છે. આજે તો હનીમૂનમાં તાલીમ અને પ્રૅક્ટિસ વગર આવેલી કન્યા 'દેસી' ગણાય છે. એ તો સરકાર ઠોકાઠોક કરે કે, સૅક્સની ઉંમર ૧૮-વર્ષની હોવી જોઈએ...! ઊ...ફ્ફો... અમને તો તમે બે દહાડા માટે સૅક્સની ઉંમર ૧૬-ની કરી નાખી, એમાંય હસવું આવતું હતું કે, સરકાર ત્રણ-ચાર વર્ષ મોડી પડી ! છોકરા-છોકરીઓ તો ૧૨-૧૩ની ઉંમરે પુખ્ત થઈ જાય છે.

આપણી કોંગ્રેસ સરકારમાં બે કરતા વધારે ગાંડા છે. એવો તો કયો ચાંદ મળી જવાનો હતો કે, આવો બફાટ કરવો પડયો ? આ તૂત ઊભું કરવાની ય ક્યાં જરૂર હતી ? દેશના બાળકો વાવટા લઈને પાર્લામૅન્ટ ગયા'તા કે, અમને ૧૬-મે વર્ષે જીવન શરૂ કરવા દો... નહિ તો અમે ૧૮-ના થઈશું જ નહિ ! ૧૬-વર્ષની ઉંમરે લગ્ન ન કરાય પણ સૅક્સનો વાંધો નહિ ? તારી ભલી થાય ચમના... આ વિષયની ચર્ચાને રાષ્ટ્રવ્યાપી બનાવાય જ નહિ !

ઈટ્સ ઓકે કે, એમને ૧૬-વર્ષનો વિચાર આવ્યો, તો એની પાછળ કોઈ કારણ હશે, પણ તો પછી બે જ દિવસ વિચાર ફેરવી કેમ તોળ્યો ? સમજદારી એમાં હતી કે, બાળક જન્મે ત્યારથી સૅક્સની છુટ આપવા જેવી હતી, કારણ કે દુનિયાભરનું બાળક જન્મતી વખતે કોરૂંધાકોડ હોય છે. શક્ય છે, બાજુના ખાટલા પર જન્મેલી બાળકીનું ધ્યાન ખેંચાય, તો ૧૬-વર્ષવાળી મર્યાદા ય ન નડે ! તમારી સરકાર દુનિયાભરમાં ઝંડો ફરકાવીને વટ મારી શકે કે, અમારા દેશમાં તો બાળકને જન્મતાની સાથે સૅક્સની છુટ આપવામાં આવે છે... હઓ !

યસ. અભિયાન ૧૬-વર્ષની ઉંમરે સૅક્સની જાણકારીનું ફરજીયાત શિક્ષણ ચલાવ્યું હોત તો વાત વ્યાજબી સાબિત થાત. ૧૬ કે ૧૮ તો જાવા દિયો... ૨૫-ની આસપાસ પરણનારાઓને વૈજ્ઞાનિક સૅક્સનું નૉલેજ કેટલું હોય છે ? કેટલા શૈક્ષણિક સમજ આપતા પુસ્તકો વાંચી લીધા પછી હનીમૂન પર જાય છે ? નથી વાંચતા, એમાંના અડધા ત્યાં ગયા પછી ભોંઠા પડે છે. લૅજીટિમૅટ-સૅક્સ એટલે કે મર્યાદાઓનો ભંગ ન કરે તેવા સૅક્સને પણ આપણા સાહિત્યકારો, શિક્ષકો કે સાધુ-સંતોએ આભડછેટવાળું બનાવી દીધું છે કે, એની કોઈ ચર્ચા જ ન થાય... ભલે લગ્ન પહેલા એ જાણવું નિહાયત જરૂરી હોય ! 

સિક્સર
''મને ડાબી બાજુ નાકાવાળો કપ નહિ ફાવે...'' એટલું સાંભળીને ટૅન્શનમાં આવી ગયેલા બહેનજી કિચનમાં એવો કપ લેવા ગયા...!

24/03/2013

એનકાઉન્ટર - 24-03-2013

૧. લગ્ન વખતે વરને 'રાજા' ગણવામાં આવે છે, પણ બાકીની જીંદગીનું શું ?
- બાકીની જીંદગીમાં પણ એ રાજા જ છે, એવું સાબિત કરવાની મર્દાનગી એનામાં હોવી જોઈએ.
(અર્જુન ઉપાધ્યાય, અમદાવાદ)

૨. સારા માણસની કદર થતી નથી, તો શું સારા માણસ બનીને જીવવામાં નુકસાન છે ?
- નુકસાન થાય એટલે માણસ સારો ગણાય ખરો ? રહી વાત કદરની ? તો એમાં તો ખૂબ મોટી જરૂરત પડે ત્યારે સારો એકે ય માણસ મદદમાં આવતો નથી. ખરાબ માણસ ક્યારેક તો મોટી મદદમાં આવી જાય.
(પ્રદીપ રૂપારેલ, વડોદરા)

૩. તમારી કૉલમોના વાચકો માટે શું અભિપ્રાય છે ?
- ૪૦- વર્ષથી દર બુધવારે (અને હવે શુક્ર અને રવિવારે પણ) તમારા બધાની પાસે સાબિત થતા રહેવું પડે છે કે, મારા લેખો વાંચતા રહેવાનો તમારો નિર્ણય સાચો છે. વાચકોને ૩૦- લેખો ખૂબ ગમ્યા હોય ને વચમાં એકાદો ન ગમે તો સહન નથી કરતા.
(પૂર્વી ડી. શાહ, સુરત)

૪. ગાંધીજીએ કહ્યું હતું કે, કોઈ તમારા એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેજો.. પણ એ બીજા ગાલે ય મારે તો ?
- અશોકજી એમ કહે છે કે, પરમેશ્વરે એને પણ બે ગાલ આપ્યા છે...!
(ઈસ્માઈલ કાચવાલા, વિરાર)

૫. ચોરલોકો ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં છે... જાયે તો જાયે કહાં...?
- આપણી પ્રજાએ ઓછા નાલાયકને હંમેશા પસંદ કરવો પડયો છે.
(ડૉ. અબ્દુલગની મેહસાણીયા, સુરત)

૬. આવતી ચૂંટણી પછી ડૉ. મનમોહનસિંઘ ફરીથી વડાપ્રધાન બને તો દેશની પ્રજાને શું કહેવું ?
- આપણા રાષ્ટ્રીય-ભાણાભ'ઈને તમારે અંબાજી-બેચરાજી મોકલવા છે ?
(ભરત આર. મેહતા, રાજકોટ)

૭. બમ્પ અને બ્રેક વચ્ચે શું તફાવત ?
- એક મ્યુનિ.અધિકારીઓના ખિસ્સા ભરી આપે છે અને બીજો ડોક્ટરોના !
(સલમાબાનુ મણિયાર, વિરમગામ)

૮. તમારો ફોટો છાપામાં જોયો. હજી આ ઉંમરે પણ તમે સરસ દેખાવ છો, એમાં કમાલ તમારા ચેહરાની છે કે ફોટોગ્રાફરની ?
- 'હમ જાનતે હૈં તસ્વીર-એ-હકીકત લેકીન, દિલ કો બેહલાને કે લિયે 'અશોક', યે ખયાલ અચ્છા હૈ...'
(અઝીઝ એચ. ટાંક, જૂનાગઢ)

૯. રોજ બે-ચાર કૌભાંડ, રોજ ગૅન્ગરૅપ ને રોજ આત્મહત્યા, છતાં 'મેરા ભારત મહાન ?'
- ભારત આજે પણ મારા-તમારા જેવા દેશભક્તોથી મહાન જ છે... નાલાયકોને હીરો જેવું ફૂટેજ ટીવી-મીડિયાવાળા આપીને હીરો બનાવે છે.
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

૧૦. શું નરેન્દ્ર મોદી દેશનું ભલું કરી શકે, એટલા સમર્થ છે ખરા ?
- એમને બાજુ પર મૂકો અને હવે કહો... એમના પછી બીજો, ચોથો કે ચાલીસમો કોઈ લાયક માણસ લાગે છે ખરો ?
(રંજન પરમાર, વિડજ-કડી)

૧૧. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની મોડેલ તુલિકા પટેલે 'દિશા અને દશા, બદલાવવાની ડીંગો મારી હતી, તેનું શું થયું ?'
- નહિ. એમનું સ્લોગન સ્માર્ટ અને સાહિત્યિક હતું. એ સંભવ છે કે, મનથી તેઓ રાજકારણી ન હોય !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

૧૨. 'ઍનકાઉન્ટર'ના જવાબો વાચકના જીવનમાં કેવો ભાગ ભજવતા હશે ?
- મને બીજી તો ખબર નથી, પણ વાચકો લખે છે કે, એક વાર એમનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાય, એટલે સગાવહાલા ને યારદોસ્તોમાં તોતિંગ પબ્લિસિટી મળે છે. યસ. તમારૂ નામ ૭૫- લાખ વાચકો સુધી જાય છે.
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૧૩. હંમેશા છોકરો જ છોકરી જોવા એના ઘરે કેમ જાય છે ?
- છોકરો 'છોકરો' છે કે નહિ, એની છોકરીને ઝટ ખબર પડતી નથી.
(અંજના બી. મોદી, અમદાવાદ)

૧૪. જમીનની અછતને કારણે કહે છે કે હવે તરતી કબરો તૈયાર થશે... સુઉં કિયો છો ?
- મેં તો જો કે મરવાનું જ માંડી વાળ્યું છે, એટલે મને લાગુ પડતું નથી.
(રમેશ સુતરિયા 'ટ્રોવા', મુંબઈ)

૧૫. વેદો-પુરાણોમાં અનેક વિદ્વાન બ્રાહ્મણોનો ઉલ્લેખ થયો છે. આપના મતે આજ સુધીનો સર્વોચ્ચ વિદ્વાન બ્રાહ્મણ કોણ ?
- દોસ્ત નીલુ... દોસ્તીમાં મારા માટે આટલો બધો પ્રેમ ઉભરાવી ન નંખાય... બા ખીજાય !
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

૧૬. સોનું મોટા આંકડા પાર કરી જાય, એનું કાંઈ નહિ... ને બસ્સો-ત્રણ સો ઘટે, એટલે 'ગાબડું' કેમ કહે છે ?
- જેના ઘરમાં બસ્સો ગ્રામ પિત્તળે ય નથી, એને તમે આ સવાલ પૂછી રહ્યા છો...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૭. છાપાઓમાં મૃત્યુનોંધ મૂકાય છે... જન્મનોંધ કેમ નહિ ?
- બન્ને નકામા છે... આવી નોંધો નથી મૃત્યુ પામનાર વાંચી શકતો, નથી જન્મ લેનારો...!... અને જે વાંચે છે, એને બેમાંથી એકે ય માં રસ નથી.
(હિતેશ દેસાઈ, તલીયારા-અમલસાડ)

૧૮. સચિનની નિવૃત્તિ પછી ટીમ ઈન્ડિયાનું શું થશે ?
- એમ પૂછો કે, વર્લ્ડ ક્રિકેટનું શું થશે ?
(જગદિશ ગુંદીગરા, ભાવનગર)

૧૯. તમને ટીવી સીરિયલમાં ચાન્સ મળે તો રોલ કરો ?
- યૂ મીન... સીરિયલો હવે એટલી બધી ખરાબ આવવા માંડી છે ?
(નિતાંશ શાહ, મુંબઈ) અને (પ્રફૂલ બી. કોઠારી, જૂનાગઢ)

૨૦. ચૂંટણી હારેલાં નેતાઓ આજકાલ શું કરે છે ?
- બીજીવાર હારવાની તૈયારીઓ !
(દેવાંગ કબુતરવાળા, સુરત)

૨૧. સારા કામમાં સો વિઘ્નો આવે. અમારો વિચાર સો વિઘ્નો પૂરા થાય પછી સારૂ કામ કરવાનો છે. પણ આ સો વિઘ્નો ગણવા કઈ રીતે ?
- ૧, ૨, ૩, ૪... એમ ગણતા ગણતા ૧૦૦-એ પહોંચાય.
(જયંતિ છીછીયા, રાજકોટ)

૨૨. હાસ્યલેખકોને કઈ નિશાનીથી ઓળખી શકાય ?
- અમે બધા દેખાવમાં હાસ્યાસ્પદ લાગીએ છીએ.
( ડી.કે. માંડવીયા, પોરબંદર)

૨૩. 'બૉબી'માં સાથે કામ કર્યા પછી આજે ઋષિ કપૂર બહુ જાડો થઈ ગયો છે, પણ ડિમ્પલ કાપડીયાએ હજી સુધી જાળવી રાખ્યું છે... અભિનંદન.
- બન્ને પોતપોતાને ઘરે જમે છે, એટલે 'યે તો હોના હી થા...!'
(સુધીર ભટ્ટ, ભાવનગર)

૨૪. સોક્રેટીસના જીવનમાંથી શીખવા જેવું શું મળે ?
- એ જ કે, ન હોય ત્યાંથી વાઈફ કકળાટીયણ ઉપાડી લાવવી...!
(પિયુષ પી. પટેલ, કલોલ)