Search This Blog

12/04/2013

મીસ ફ્રન્ટિયર મેલ ('૩૬)

ગીતો 
૧. શર્મ કહેતી હૈ જો પરદે મેં... કરેગા હર એક કદ્રજાની ... બશિર કવ્વાલ 
૨. ફૅવરિટ મૈં ઘોડા ખેલા, અરબી વૅલર સબ પુરજોર ... મીનૂ, ધ મિસ્ટિક એન્ડ પાર્ટી 
૩. રાહે મયખાના બતા દેના મુઝે કોઈ ... બશિર કવ્વાલ 
૪. ગાઓ ગાઓ, અય મેરે સાધુ, સબ હી ભુલાઓ ગમ ... મીનૂ, ધ મિસ્ટિક એન્ડ પાર્ટી 
(આ ગીત મન્ના ડેના કાકા કે.સી.ડેએ ૧૯૩૩માં બનેલી ફિલ્મ 'પૂરણ ભગત'માં ગાયેલા ગીત 'જાઓ જાઓ ઓ મેરે સાધુ રહો ગુરુ કે સંગ'ની પૅરોડી છે.)

ફિલ્મ : 'મીસ ફ્રન્ટિયર મેલ' ('૩૬)
નિર્માતાઃ વાડિયા મૂવિટોન, મુંબઈ
નિર્દેશકઃ હોમી વાડીયા
સંગીતકારઃ માસ્ટર મુહમ્મદ
ગીતકારઃ નામ મળેલ નથી
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ : ૧૬૧ મિનિટ્સ
થીયેટર : ૧૯૩૬ની ફિલ્મ હતી. કોણ હયાત હોય, એ કહેવા કે અમદાવાદના ક્યા થીયેટરમાં આવી હતી?

કલાકારો : નાદિયા, ગુલશન, સરદાર મનસુર, માસ્ટર મુહમ્મદ, સયાણી 'આતિશ', જોન કાવસ, જાલ ખંભાતા, 'મીનૂ, ધ મિસ્ટિક', માસ્ટર જયદેવ (દેવ આનંદની ફિલ્મ 'હમદોનો'ના સંગીતકાર) બશિર કવ્વાલ.


'૬૨ કે '૬૩ની સાલ હશે. એ વખતે બૉડી બનાવવા હું પાંચકુવા મ્યુનિ. સ્કૂલ પાછળના અખાડામાં મગદળ ફેરવવા જતો. બાજુમાં ઈંગ્લિશ ટોકીઝ, જે કદાચ આખા ગુજરાતનું સૌથી પહેલું થીયેટર હતું. ત્યાં ઈંગ્લિશ સિવાયની બધી ફિલ્મો આવે અને શહેરભરના તમામ થીયેટરોની બહાર, અંદર જે ફિલ્મ ચાલતી હોય એનું જ હૉર્ડિંગ્સ કે પોસ્ટર હોય, ત્યારે ઈંગ્લિશ ટોકીઝની બહાર એક સાથે ત્રણ ફિલ્મોના પોસ્ટરો હોય... અંદર ચોથી કે પાંચમી ફિલ્મનું ય પોસ્ટર હોય!

આ ઈંગ્લિશ ટોકીઝની હજારો ખૂબીઓ હતી, તેમાંની એક જ યાદ છે કે, ઈન્ટરવલમાં સિનેમાની બહાર, પેટ ઉપર વાંસનો મોટો સુંડલો લટકાવીને તળેલા અને ખૂબ મોટી સાઈઝના પાપડ વેચનારાઓ ઊભા રહેતા. પાપડ સસ્તા ય ખરા અને અહીં ઓલમોસ્ટ બધાના પસંદીદા, એટલે ઈન્ટરવલ પૂરો થતા જ લગભગ દરેક પ્રેક્ષક પાપડ ખાતો ખાતો આવે. એમાં ચાવવાનો કચડકચડ અવાજ પરદા ઉપરના સંવાદો કરતા ઘણો મોટો હોવાથી ક્યારેક તો સંવાદો પણ સંભળાય!

એમાં પટ્ટાબાજ રંજનની ફિલ્મ 'હક્કદાર'નું પોસ્ટર જોઈને હું અંદર ગયો, ત્યાં ૧૯૩૬ની સાલની ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મૅલ' ચાલતી હતી. રંજન આમ તો સાઉથની ફિલ્મોનો હીરો હતો, પણ ફિલ્મોમાં તલવારબાજીનો અઠંગ ખેલાડી, એટલે ઍક્ટર કરતા પટ્ટાબાજ તરીકે વધારે મશહૂર થયો. બુલો સી.રાનીના સંગીતમાં મૂકેશે આ ફિલ્મમાં એક સરસ ગીત ગાયું હતું, 'મૈં હૂં દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભી કહે, ગાતા ચલા દિલ કા તરાના...' હું એ વખતે દસેક વર્ષનો અને યાદ એટલું જ રહ્યુ છે કે, રંજન આ ગીત ઘોડા ઉપર બેસીને ગાય છે. ફિલ્મનું બાકીનું આજે ય કશું યાદ નથી.

એ જ ધોરણે, નાદિયા-જોન કાવસની આ ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મૅલ'માં પણ એટલું જ યાદ કે, હીરોઈન નાદિયા ચાલતી ટ્રેન ઉપર કૂદે, નીચે ભૂસકા મારે અને એકલી ૧૦-૧૫ ગુંડાઓ સાથે લડે. વધારે યાદ એટલે રહી ગઈ હતી કે, જન્મે એ ઈન્ડિયન નહોતી. ધોયળી હતી. ઓસ્ટ્રેલિયામાં જન્મીને મમ્મી-પાપ્પા સાથે ભારત આવેલી નાદિયાનું અસલી નામ 'મૅરી ઇવાન્સ' હતું. ભારતમાં એને એક સર્કસમાં કામ મળી જતા મૅરીમાંથી એ ફીયરલેસ નાદિયા બની ગઈ. આ ફિલ્મના ટાઇટલ્સમાં નાદિયાને 'ઇન્ડિયન પર્લ વ્હાઈટ'ના નામે ઓળખાવાઈ છે. નાદિયાનો ચેહરો અફકોર્સ હીરોઈનને લાયક હતો, પણ શરીર નહિ, નવાઇ લાગશે કે, કેમ આવું કહી રહ્યો છું? નાદીયા એની ફિલ્મોના સ્ટન્ટ્સ જાતે કરતી. આ ફિલ્મમાં તો એને ઇંગ્લિશ સાધનો સાથે કસરતો કરતી પણ બતાવાઈ છે. કમનસીબે, એના શરીરને સપ્રમાણ કહી શકાય એવું નહોતું. નીચેનો ભાગ ઘણો બધો ચરબીયુક્ત હોવાથી ક્યાંય કશું કસરતી લાગે નહીં!

એવું જ એની લગભગ બધી જ ફિલ્મોના હીરો જોન કાવસ માટે કહી શકાય એમ છે. બોડી સુદ્રઢ ખરું, પણ ૧૯૩૦માં આ પારસી છોકરો આખા ભારતની બોડી-બિલ્ડિંગ ચેમ્પિયનશીપ જીતી ગયો, ત્યારે સુદ્રઢ લાગતો હશે. ઈવન, આજના હીરો લોગના મસલ્સ વધુ મજબુત અને ઉપસેલાં લાગે છે.

સીડી મંગાવીને આ ફિલ્મ જોવાની ઇચ્છા એટલે વધુ થાય કે આજનું 'બોમ્બે સેન્ટ્રલ' ૧૯૩૬ની સાલમાં કેવું લાગતું હતું, તે જોઈ શકાય છે. બહારનું એલિવેશન આજનું જ બરકરાર છે. એ જ રીતે ફિલ્મમાં આજનું વીટી સ્ટેશન પણ દેખાય છે. આવી અને આટલી જૂની ફિલ્મો ડોક્યુમેન્ટરી હેતુથી પણ જોઈ શકાય. એ સમયનો સમાજ, રીતરિવાજ, ફેશન, રસ્તા, મકાનો કે ફિલ્મો ય કેવી બનતી હતી, તે જોયે રાખવાનો જલસો તો છે જ. આ ફિલ્મમાં 'ગૂડ યર ટાયર'ની એક જાહેરાત જોવા મળે છે, ત્યારે ખબર પડે કે કેટલી જૂની કંપની હજી ચાલી રહી છે! મુંબઈમાં ડામરની સડકો નહોતી. બંગલાઓની ડીઝાઈન આજના જેવી સુંદર. પુરુષોની હેરસ્ટાઈલ વિચિત્ર લાગે. આગળથી સીધું માથું ઓળીને પાછળ બોચી ઉપર વાળનો જથ્થો ખરો, પણ ત્યાં નીચેથી એક સરખા કપાયેલા વાળ. તત્સમયની તમામ ફિલ્મોમાં સંવાદો કાવ્યાત્મક સ્વરે બોલાતા. બધું નાટકીયું લાગે. 'મૈં નહિ જાઉંગી'ને બદલે 'મૈં ન જાઉંગી!' ફોટોગ્રાફી બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં બાકાયદા સ્વચ્છ અને ચોખ્ખી લાગે. જોવી ગમે. પ્લેબેક તો હજી શરૂ થયા નહોતા. પણ સંગીતકારો અને ગાયકો પૂરા સજ્જ, એ હિસાબે ગીત તો કોઈ પણ સાંભળો, કર્ણપ્રિય લાગે જ. કોઈ બશિર કવ્વાલે આ ફિલ્મમાં કવ્વાલી સ્ટાઈલમાં બે મસ્ત ગઝલો ગાઈ છે. મેં તો ઓડિયોમાં એમને રેકોર્ડ કરી લીધી. ગાડીમાં સાંભળતા જવાની લજ્જત અનોખી આવે છે.

ફિલ્મના ટાઈટલ્સમાં બુદ્ધુ પ્રેક્ષકોને કદાચ સમજ નહિ પડે, એમ માનીને હીરોનું નામ લખીને બાજુમાં મુખ્ય કામ' લખવાનું. હીરો જોન કાવસના નામની નીચે 'ઇન્ડિયન ઍડી પૉલો' લખે. ફિલ્મનો સંગીતકાર પાછો ગાયક પણ છે, એટલે એના નામની નીચે આપકા પ્યારા ગવૈયા માસ્ટર મુહમ્મદ લખવું પડે. દેવ આનંદની ફિલ્મ 'હમદોનો'ના સંગીતકાર જયદેવ અહીં એક્ટિંગ કરે છે ને ટાઈટલમાં એમને માટે 'ઈન્ડિયન ફ્રેન્કી ડૅરો' લખાયું છે. વિલન એટલે સ્ક્રીન કા વિલન સયાની. ૧૯૩૧માં બોલતી હિંદી ફિલ્મોની (ટોકી) શરૂઆત થઈ, એ પછીના વર્ષોમાં બનતી મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અથવા મારધાડ ઉપર આધારિત હતી. એ ફિલ્મના નામો વાંચવા ગમે એવા છે, 'મતવાલા માશુક, રોમેન્ટિક પ્રિન્સ, થર્ડ વાઈફ, છત્ર બકાવલી (જેમાં ૪૯ ગીતો હતા), હઠીલી દુલ્હન, ઈન્દ્રસભા (જેમાં ૬૯ ગીતો હતા) મૅડમ ફૅશન (જેની હીરોઈન, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શિકા અને ગાયિકા જદ્દનબાઈ હતી, જે રાજ કપૂરવાળી નરગીસની માં થાય. નરગીસે પણ આ ફિલ્મમાં 'બેબી રાની' નામથી રોલ કર્યો હતો.

'૩૦ના દાયકામાં નિર્માણ અને સંગીત ક્ષેત્રે પારસી અને ગુજરાતીઓનો ફાળો વિપુલ રહ્યો હતો. મુંબઈની ઇમ્પિરીયલ મૂવિટોન, સાગર મૂવિટોન, કલકત્તાનું માદન થીયેટર્સ, સરદાર ચંદુલાલ શાહનું રણજીત મૂવિટોન, કૃષ્ણાટોન, કલકત્તાનું ન્યુ થીયેટર્સ, ભવનાની પ્રોડક્શન્સ, વાડિયા મૂવિટોન, બૉમ્બે ટૉકીઝ, વિજય ભટ્ટનું પ્રકાશ પિકચર્સ અને પૂનામાં વ્હી. શાંતારામની પ્રભાત ફિલ્મ્સ કંપની મૌજુદ હતી.

આ ફિલ્મ 'મીસ ફ્રન્ટિયર મેલ' હોમી વાડીયાની હતી. ખૂબ જગમગતો સિતારો વાડીયા મૂવિટોનનો છેવટ સુધી રહ્યો. ઇવન '૬૦ના દાયકામાં ય એમની ફિલ્મો આવતી રહી. એકેય અપવાદ વિના એ લોકો સ્ટન્ટ ફિલ્મો જ બનાવતા. બહુ બહુ તો જાદુઈ વાર્તાની હોય. ફિલ્મોનું સ્તર એવું મનોરંજન ઇચ્છતા પ્રેક્ષકો માટે પરફેક્ટ. યાદ હોય તો '૬૦ના દાયકામાં હોમી વાડીયાની ચિત્રા અને આઝાદની ફિલ્મો ઘણી આવી. સાધના-સંજયખાનની ફિલ્મ 'ઈન્તેકામ'માં હેલનના 'આ જાને જા, આ મેરા યે હુસ્ન જવાં, જવાં...' (ઓહ,રાજીન્દર કિશને કેવા ફાલતું ગીતો ય લખ્યા હતા અને કેવા ફાલતું લખાયેલા ગીતોને લક્ષ્મીકાંત પ્યારેલાલે અમર પણ બનાવી દીધા હતા!) ગીતમાં સોનાના પિંજરામાં જે હબસી કૈદી છે, એ આઝાદ એક જમાનાનો હીરો હતો, જે ટારઝન કે ઝીમ્બો બનીને આવતો. કેવી કમનસીબી? જમાનો પૂરો થઈ ગયો એટલે આ જ આઝાદ 'ઈન્તેકામ' પછીની ફિલ્મોમાં સાવ ફાલતુ એટલે કેવા ફાલતુ રોલમાં આવવા માંડયો કે, હીરોની સાથે વિલનના ગુંડાઓ લડતા હોય, એમાંનો એક ગુંડો આઝાદ હોય અને તેને ક્લોઝ-અપ તો બહુ દૂરની વાત છે, ઘેર ડીવીડીમાં સ્લો-મોશનમાં ફિલ્મ ચલાવો ત્યારે માંડ ખબર પડે કે આ પિપડાં ઉપરથી ગડથોલીયું ખાઈ ગયો, એ એક જમાનાનો ટારઝન હતો! તેની હીરોઈન ચિત્રા જ હોય. ચિત્રાનું એક ગીત... બહુ બહુ તો મારા જેવા લતા મંગેશકરના કંઈક વધારે પડતા પાગલ ચાહકોને યાદ હોય, શમ્મીકપૂરની ફિલ્મ 'ચોર બાઝાર'માં અનુ મલિકના પિતા સરદાર મલિકે કમ્પોઝ કરેલું, 'હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે...' ગીત ચિત્રા પર ફિલ્માયું હતું. મૂળ એક ઘણા ધનવાન મુસ્લિમ પરિવારમાં 'અફસર બાનુ' નામથી ફિલ્મોમાં આવેલી ચિત્રાએ પોતાનું નામ ચિત્રલેખા રાખ્યું હતું, પણ અનિલ બિશ્વાસવાળી એની પ્રારંભની ફિલ્મ 'માન'થી એણે નામ બદલીને 'ચિત્રા' કરી નાખ્યું. એ પછી એણે નામ બદલ્યુ કે ગામ બદલ્યું, એની તો કોઈને ખબર નથી, પણ આ ફિલ્મ 'માન'ની એક રોચક ઘટના યાદ આવે છે. ફિલ્મ 'અનારકલી'ની સાથે અનિલ બિશ્વાસના સંગીતમાં બીજી એક 'અનારકલી' બની રહી હતી ને એમાં આ ગીત, 'અલ્લાહ ભી હૈ મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કિ ડૂબી જાતી હૈ' - સી. રામચંદ્રવાળી 'અનારકલી'ના લતાએ ગાયેલા 'યે ઝીંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા'ની બરોબરીમાં મહેલની રાજકુંવરી ગાવાની હતી. ફિલ્મ ઉઠી ગઈ ને ગીતે ય રદબાતલ થયું. અનિલ દાને બહુ ગમતું આ ગીત સાવ કાઢી નાંખવાને બદલે ચિત્રાવાળી ફિલ્મ 'માન'માં એક ભિખારણ ઉપર ફિલ્માયું. ગીત એક જ... જેને રાજકૂંવરી ગાવાની હતી, તેને ભિખારણે ગાવું પડયું. 'માન'માં લતા બીજાં બસ્સો વર્ષે ચાલે એટલી છવાઈ ગઈ હતી. યાદ તો કરો એના ગીતો, 'મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મુઝે ભૂલ જા', 'ગૂઝરા હુઆ ઉલ્ફત કા જમાના, યાદ કર કે રોયેંગે', 'કહે દો કે મુહબ્બત સે ન ટકરાયે જમાના' આ ફિલ્મ ૧૯૫૪માં બની હતી.

'મીસ ફ્રન્ટિયર મેલ' કે એ જમાનાની મોટા ભાગની સ્ટન્ટ ફિલ્મોની વાર્તામાં બહુ પડાય એવું હોતું નથી. પ્રેક્ષકો માટે ય આકર્ષણ વાર્તા-ફાર્તાનું નહિ, હીરો-હીરોઈનોનું હોય છે. નાદિયા ખૂનના આરોપ હેઠળ જેલમાં મોકલાયેલા પોતાના રેલ્વેના સ્ટેશન માસ્તર પિતા ઉપરનું આળ કઢાવી નિર્દોષ છોડાવવા એના પ્રેમી જોન કાવસને સાથે રાખી ગુંડાઓ સાથે મારામારી કરતી રહે છે. પિતાને ફસાવી દેનાર એનો કાકો (આતિશ સાયાણી) જ હોય છે. અને ફિલ્મ પૂરી થતા સુધીમાં છોડાવી પણ દે છે.

કમાલની વાત છે કે, પ્રેક્ષકોને એ જમાનામાં 'પણ' કેવા સ્ટુપિડ ધારી લેવાતા હશે? ફિલ્મના એક દ્રષ્યમાં સુંદર (સરદાર મનસુર) સાઈડ હીરોઈન ગુલાબને (ગુલશન) બેભાન અવસ્થામાં રેલ્વે ટ્રેક ઉપર એનાથી મેક્સિમમ ૨૦ ફૂટના અંતરે પડેલી છે. પણ આ હું લખીશ તો કોઈને માનવામાં નહિ આવે, કે પેલીને બચાવવી જ હોય તો સા.બુ.વાળો કોઈપણ માણસ (સા.બુ.વાળો એટલે 'સામાન્ય બુદ્ધિવાળો') શું કરે? તરત જઈને પેલીને પાટા ઉપરથી ખસેડી લે ને?

અહીં જુઓ ભાયડાના ભડાકા! સામેથી ધસમસતી ટ્રેન આવી રહી છે, ત્યારે સુંદર દોડતો દોડતો રેલ્વે સ્ટેશનમાં, વાડ કૂદીને જાય છે. ત્યાં થાંભલા ઉપરથી ગુલાંટ ખાઈને (દાદરો ખાલી હોવા છતાં...!) બ્રીજ ઉપર બહારથી ચઢે છે, જેથી નીચેથી પસાર થતી ટ્રેન ઉપર ભૂસકો મારી શકાય. તો ય બે-ચાર ડબ્બા જવા દે છે ને પછી ઠેકડો મારે છે, જેથી દોડતી ટ્રેનના ડબ્બાઓ ઉપર કૂદતો બતાવી શકાય. એ એન્જિન સુધી પહોંચીને ડ્રાયવરને બ્રેક મારવાનું કહેવાને બદલે એન્જિનની આગળ બેસી જાય છે, જેથી નીચે પાટા ઉપર પડેલી ગુલાબને ભાગતી ટ્રેન પરથી ઉચકી લઈ શકાય ને ઉચકી પણ લે છે, બોલો...! તારી ભલી થાય ચમના... સાલું, તારી બેવકૂફી પર સિક્સર મારવા ય કોઈ શબ્દ મળતા નથી!

No comments: