Search This Blog

03/04/2013

આવો, મિસ્ટર ડાયાબીટીસજી...!

કોક ગરીબની ઝૂંપડીમાં મહારાજાધિરાજ પધાર્યા હોય, એમ મારા શરીરમાં બડી ધૂમધામથી ગયા સપ્તાહે ડાયાબીટીસજી પધાર્યા. ધૂમધામથી એટલા માટે કે, ડાયાબીટીસે મને કોઈ ગરીબગુરબો ધાર્યો નહતો ને હું ગરીબ છું પણ નહિ. એ હિસાબે કોઈ મોટા માણસના ઘેર જતા હોઈએ ત્યારે ગિફ્ટ પણ તોતિંગ લઈ જવી જોઈએ, એ પ્રથા અનુસાર મારા સોહામણા તનબદનમાં ડાયાબીટીસ ૫૪૮-ના આંકડા સાથે આવ્યો અને હજી આ આંકડા સાથે લખવા બેઠો છું. મને હરતો-ફરતો જોઈ મને ઓળખનારા ચોંકી ગયા. ડૉક્ટર પોતે ચિંતિત, ઘરવાળા સહુ બેબાકળા પણ હું જરા મોજમસ્તીમાં એટલે આવી ગયો કે, પરમેશ્વરે મને કોઈ ઑર્ડિનરી માણસ ધારી લીધો નથી. મારા સ્ટેટસ પ્રમાણે મારૂં માન જળવાય, એવો શાહી રોગ આપી દીધો છે. આને બદલે મને કોઈ ગૂમડૂં-બૂમડૂં આપી દીધું હોત, તો સમાજમાં મારૂં માન શું રહેત ? લોકો નાક દબાવીને મારી ખબર પૂછવા આવત. હાળા આપણી સામે સ્માઈલો સાથે વાતે ય ન કરે ! પાછા જતા જતા બોલતા જાય, ''આમાં તો ગુમડામાંથી રક્તપિત્ત નો થઈ જાય, એનું બઉ ધિયાન રાખવું પડે છે, અસ્સોક ભા'આ..ય !''

ખોટું નહિ બોલું, પણ અગાઉ અનેકવાર મારા હાથ-પગ ભાંગ્યા છે, (હૉસ્પિટલમાં ફિટમફિટ પ્લાસ્ટરમાં બંધાયેલો ને અડધી છત સુધી ઊંચો લટકાયેલો મારો એક સુંદર ક્લરિંગ ફોટો ય છે. ફોટામાં તો હું સારો લાગું છું, પણ આ ફોટામાં મૂછો સારી નથી લાગતી...! ... કહે છે કે, હૉસ્પિટલમાં દાખલ થયા પછી ભલભલાની મૂછો ભીનું કપડું ચોંટાડયું હોય, એવી મર્દાનગી વગરની થઈ જાય છે...! ડૉક્ટરો... બોલો જય અંબે...!)

ત્યારે અને મૅલેરિયા-ફેલેરિયા જેવા ફાલતુ રોગો વખતે, આજે મને કહેવા દો કે, સમાજે મારો પૂછવો જોઈએ એટલો ભાવ નહોતો પૂછ્યો, ''ઓહો.. મૅલેરિયા ને...? મારા ફોઈને ય થયો હતો... આ તો કાંઈ નથી... કમળો-કમળી થઈ જાય તો તમતારે કહેવડાવજો ને...! આપણી પાસે બહુ બધા ઈલાજો પડયા છે...!''

તારી ભલી થાય ચમના...! તારા ઘરમાં જૂનું ફ્રીજ, જૂનું ગાદલું, પિત્તળના જૂનાં વાસણો કે મરવા પડેલી તારી જૂની સાસુ જેવો જૂનો સામાન ઘરમાંથી કાઢીને વળગાડવાનો હોય, એવા તારા જૂના ઈલાજો મને ભટકાડવા છે અને તુ રાહ જોઈને બેઠો છું કે, કમળો-કમળી થાય ત્યારે કહેવડાવજો...?

મારા તો સસુરજીનું નામ પણ સ્વ. ડાહ્યાલાલ છે, એટલે મને તો 'ડાહ્યા-બીટીસ' છેલ્લા ૩૭-વર્ષથી થયેલો છે...!

પણ હજી તો આ ફૂલફટાક મેહમાને મારા ઘરમાં જીવનવાસો (રાતવાસો આમાં ન હોય !) કર્યો, એના બે જ દિવસમાં મને બાવીસ-સો શીખામણો મળી કે, 'ડાયાબીટીસ થાય ત્યારે શું કરવાનું અને શું નહિ કરવાનું ! મને જ્ઞાન થયું કે, કોઈએ સ્ટેજ પર વક્તા થવું હોય તો એને ડાયાબીટીસ વિશે બોલવા આપી દો. સાલો, એક પણ માણસ એવો ન નીકળ્યો, જેને ડાયાબીટીસ વિશે જ્ઞાન ન હોય ! એટલે મને થયું કે, ડાયાબીટીસ લગ્ન જેવો છે. લગ્ન એવી ચીજ છે, જેને વિશે કૂંવારાઓને બોલવાનો અધિકાર નથી ને પરણેલાઓ બોલી શકતા નથી. આનું ય એવું જ નીકળ્યું. જેને પોતાને થયો નથી એને બોલવાનો અધિકાર નથી, એ જ સૌથી વધુ સલાહો આપે છે ને જેને થયો છે, એ લોકો બોલી શકતા નથી. જાણતા હોય ને કે, હવે કૂંડાળામાં પગ પડી ગયો છે... નીકળ બેટા હવે તું...!'

મજ્જાની વાત એ છે કે, સલ્લાહ આપનારો દરેક જણ પહેલી સલાહ મારી પાસે ખાંડ છોડાવવાની આપે છે. ''જુઓ દાદુ, પહેલી વાત તો એ કે, આજથી જ ગળ્યું ખાવાનું બંધ... ઓકે ? ચામાં ય ખાંડ નહિ. આઈસક્રીમ-ફાઈસક્રીમ બંધ...! બીજું ખૂબ ચાલવાનું રાખો. કસરત-બસરત કરો. વજન તો ઘટાડવું જ પડશે. ખાખરા બહુ સારા. સેલડ લો. કૅરી, કેળાં કે ચીકુ જેવા ફ્રૂટ્સ તો સપનું આવે તો ય આંખ ખોલીને જાગી જવાનું, પણ ખાવાના નહિ... ભલે ઊંઘો બગડે !... અને ખોટું ના લગાડતા, પણ સ્વભાવ બદલો. સહેજ પણ ચીડીયાપણું નહિ ચાલે. મારામારી તો ભૂલી જ જવાની. આમાં કેવું હોય છે કે, તમે તો મારામારી કરો, પણ જો જરા અમથું તમને વાગશે ને... તો રૂઝ આવતા વર્ષો નીકળી જશે... અને ખાસ... ચિંતા નહિ કરવાની... મૂડમાં રહેવાનું... અમે બેઠા છીએ ને ? કંઈ પણ કામકાજ હોય તો બેફિકર કહેવડાવી દેવાનું...!''

તારી બીજીવાર ભલી થાય ચમના...! મને ડાયાબીટીસ થયો હોય તો હું ડૉક્ટર પાસે નહિ ગયો હોઉં ? મેં 'ગૂગલ' પર નૉવેલની માફક ડાયાબીટ્સ વિશે જેટલું મળે, એટલું નહિ વાંચ્યું હોય ? અને ખાંડ તો કેમ જાણે હું રોજ અડધી રાત્રે ઉઠીને કિચનમાં સાબુને બદલે ખાંડો ચોળી ચોળીને નહાતો હોઉં એવી બાતમી તારી પાસે લાગે છે. ચાલવાનું રોજ રાખવાનું તું મંડયો છે, એમાં ઊંઘમાં ચાલવાના મારા બબ્બે કલાકો નહિ ગણવાના ? ખાખરા બહુ સારા હોય તો ખવડાય તારી બા ને, વાંદરા ! બાકીનું જીવન મારે ખાખરા-પધ્ધતિ ઉપર ખેંચી કાઢવાનું છે ?

મારી પાસે એ સ્વભાવ બદલાવવાની વાત કરે છે, કેમ જાણે હું જમ્પ મારીને એના ખભે બચકું ભરી આયો હોઉં ! મારામારીની દુનિયામાં મારૂં હવે બહુ મોટું નામ થઈ ગયું હોય, એવી છાપ પડી કઈ રીતે ? હમણાં ૬૧-પૂરાં કર્યા, ત્યાં સુધીમાં આજ સુધી કોઈને થપ્પડ તો જાવા દિયો... ધક્કો ય નથી માર્યો. અમારે તો ભણવામાં મહાત્મા ગાંધીનો પાઠ આવતો, એટલે કોઈ મારા ગાલે એક થપ્પડ મારે, તો બીજી મારા બાજુવાળાના બીજા ગાલે મારવાની રીક્વૅસ્ટ કરતો... અને મોટા ભાગે તો એ રીક્વૅસ્ટ મંજૂર પણ થઈ જતી. થપ્પડની સાઈઝના પ્રમાણમાં મારો ગાલ જરા નાનો પડતો. પણ કઈ કમાણી ઉપર તું મને મૂડમાં રહેવાની સલાહ આપવા હાલી નીકળ્યો છું ? એને શી ખબર હોય કે, મૂડમાં રહેવું એ ઘરમાં રહેવા જેટલું સહેલું નથી ! મકાનની માફક ભાડાનો મૂડ મળતો નથી ને પોતાની માલિકીના મૂડો ઉપર ઘણાના લાગભાગા હોય ! આમાં હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ, બીજાના મૂડો ઠીક કરવા અઠવાડીયામાં ત્રણ-ત્રણ કૉલમો હાસ્યની લખું છું, એ બીજાં તો ઠીક, મારા ઘરમાં ય કોઈ વાંચતું નથી ! જેમને ફરજીયાત મારા લેખો વાંચવા પડે છે, એ પ્રૂફ રીડરો કહે છે, ''તમારા તો કોમ્પ્યૂટરમાં ય અક્ષરો સારા નથી આવતા !''

પણ મારા ફિઝીશિયનના તો ડૉક્ટર હોવા છતા હાથે લખેલા અક્ષરો સારા આવતા હતા, જેમણે રીપૉર્ટમાં મને લખી આપ્યું, 'ડાયાબીટીસ ૫૪૮ !' મને કહે, ''દાદુ, બહુ આવ્યો...!'' આવામાં તો હાળું સંબંધમાં બોલાય પણ નહિ, નહિ તો કહેત, ''થોડું ઓછું-બોછું કરી આલો ને...!'' એ તો પછી એમણે કીધું કે, ''આ ૫૪૮ મારૂં બિલ નથી, તમારો ડાયાબીટીસ છે...!'' ત્યારે હાથ થઈ કે, આપણું આટલું મોટું બિલ તો ના હોય, ભ'ઈ !

એક છોકરાની એક સાથે ૮-૧૦ છોકરીઓ સાથે સગાઈ ભસ્મીભૂત થઈ ગઈ હોય, એમ ડાયાબીટીસને કારણે મારે એક સાથે સંસારની તમામ મીઠી ચીજો અચાનક વર્જ્ય થઈ ગઈ. મીઠાઈ, ચૉકલૅટ્સ, આઈસક્રીમ, સૉફ્ટડ્રિન્કસ... ('હાર્ડ' મને આ પગારમાં પરવડતું નથી !) તળેલુ, ઘી-બટરવાળું... બધ્ધું બંધ ! કહે છે કે, આમાં તો કોઈ આપણને મીઠું સ્માઈલ આપે, એ ય ન લેવાય... બા નહિ, ડૉક્ટર ખીજાય ! વળતા હૂમલા તરીકે આપણે ય એને ખારૂં સ્માઈલ આપવું પડે, કારણ કે મીઠાશ તો આપણામાં રહી ન હોય ! મીઠી કોઈ ચીજને અડવાનું જ નહિ. બસ, ખાવા હોય તો એકલા ખાખરા ખાવાના. દૂધ મલાઈ વગરનું, ચા ખાંડ વગરની અને સ્માઈલ કોઈ ફિક્કું આપે, તો લઈ લેવાનું. તારી ભલી થાય ચમના... મેં તો કેમ જાણે જૈન ધર્મ અંગીકાર કરીને દિક્ષા લઈ લીધી હોય ! ખાખરે-ખાખરે તો બાકીનું જીવન કેમ કાઢવું ? એકાએક જ ખાખરા મારી લાઈફમાં હીરો બની ગયા !

હવે તો જીવનના હરએક તબક્કે મારા માટે, ''સામને જામ થા, ઔર જામ ઉઠા ભી ન સકે... હોઓઓઓ'' થઈ ગયું ને ? અનુભવ તમને ય હશે કે, જે દિવસે ઉપવાસ કર્યો હોય, એ જ દિવસે દુનિયાભરની આપણી ભાવતી ચીજો સામે આવે. બધા ચમચી ચાટી ચાટીને આઈસક્રીમ ખાતા હોય ત્યારે, સાલો સાવ ખોટો વિવેક કરીને આપણે ના-ઓ પાડવાની ને મનમાં ને મ્હોંમાં બળતા રહેવાનું ! 'યે જીના ભી કોઈ જીના હૈ, લલ્લુ...?'

અહીં પાછા અનુભવી ખેલાડીઓ મેદાનમાં ઉતરી આવે છે. જેમને ડાયાબીટીસ ચાલુ છે, એ પાછા બહુ સંતોષ આપે છે. ''અરે દાદુ... ફિકર-બિકર કાંઈ નહિ કરવાની ! આ જુઓ... મને ૨૮-વરસથી ડાયાબીટીસ છે... દેખાય છે કોઈ પ્રોબ્લેમ ? છું ને હટ્ટોકટ્ટો ? એ તો શરૂઆતમાં એવું લાગે... પછી તો ટેવાઈ જવાશે.''

એ પાછા એમે ય કહે કે, ડાયાબીટીસવાળા જીવે છે બહુ લાંબુ ! અહીં મારો વિરોધ. મારે લાંબુ જીવવું જ નથી. અત્યારે ૬૨-મું ચાલે છે... ૯૦-૯૫ નો થઉં, એટલે બસ... વાવટો સંકેલી લેવો છે.

પણ... ૯૦-૯૫ની ઉંમર ખાખરા ખાતા ખાતા કાઢવાની...??? પછી જીવનમાં ટેસ્ટ શું રહે ?... ચલો, ૯૫-૯૭ ની ઉંમરમાંથી હું જ સમજીને બે-ચાર મહિના ઓછા કરી આપું છું.... કોઈ પંખો ચાલુ કરો !

સિક્સર

- ફ્રૂટની દુકાનેથી લીધેલા મોટા ભાગના ફ્રૂટ્સમાં હવે મીઠાશ જ રહી નથી. ફ્રૂટ્સમાં કૅમિકલ્સના ઝેરી ઈન્જૅક્શનોને કારણે મીઠાશ જતી રહી હોવાનું જાણકારો કહે છે...

- એક જ ફ્રૂટ (!) એવું છે, જેમાં ઈન્જેક્શન આપી શકાતા નથી, એટલે મીઠાશ બરકરાર રહી છે... શેરડીનો સાંઠો !

1 comment:

ashraj said...

Ashokbhai Dimplebhabhi no fone aavyo to khabar antar puchhva?