Search This Blog

10/04/2013

હું તો મરું, પણ તને વિધવા કરું...!

''બસ...તું આ ગોખલામાં પગ મૂકીને કબાટ ઉપર ચઢી જા... જો જે... પડે નહિ...''

પિતા ભરૂભ'ઈ એમના પુત્ર 'દેસી'ને સૂચના આપી રહ્યા હતા ('ભરૂભ'ઇ' એટલે ભરતભ'ઇ અને 'દેસી' એટલે દિનેશનું ટૂંકું નામ... દિનીયો આપણો...!) કબાટ લોખંડનું હતું. આખા ફેમિલીએ હૈસો-હૈસો કરીને બડી મુશ્કીલથી કબાટનો એક પાયો ઉંચો કરી પકડી રાખ્યો હતો. ચોથા પાયા નીચે અખરોટ મૂકવામાં આવ્યું હતું. અખરોટને તોડવાના હજારો પ્રયાસો નિષ્ફળ ગયા પછી છેલ્લા ઉપાય તરીકે લોખંડના કબાટના પાયા નીચે અખરોટ મૂકવું અને પછી કબાટની ઉપર કોકને ઊભો રાખીને જોર કરાવવું, એવો નિર્ણય લેવાયો. કહે છે કે, ત્રણે જણાથી બહુ વાર સુધી કબાટ ઊંચુ પકડી રખાયું નહિ, એમાં દેસી સીધો ભોંય પર ખાબક્યો. આખેઆખો અખરોટ ઉપર પડયો છતાં ભાંગી નહિ. એના ઢીંચણ ઉપર અખરોટ આકારનું મીંડુ કોતરાઈ ગયું....!

કબાટ પદ્ધતિ અપનાવતા પહેલા તો, આ લોકોએ અખરોટને હાથમાં પકડીને હથોડી મારી, એમાં ભરૂની વાઇફનો અંગૂઠો છુંદાઈ ગયો. બારણાના મીજાગરા વચ્ચે દબાવીને બારણું બંધ કર્યું. ખટ્ટાક કરતી છુટેલી અખરોટ સ્વર્ગસ્થ દાદાજીના ફોટાને અથડાઈ. જોનારને એમ લાગે કે દાદાજી જનમથી કાણિયા હશે. દસ- બાર અખરોટો તો ગેરેજવાળાને ત્યાં લઈ ગયા, એ લોકો કહે, ''આખી સ્ટીમર તોડી આલીએ... આવા અખરોટો ના લાવો...!''

એક લોકવાયકા એવી છે કે, ભરૂ- પરિવારને અખરોટનો થેલો ભેટસ્વરૂપે કોક અશોક દવે નામના માણસે કોઈ જૂની પુરાણી દાઝ કાઢવા મોકલાવ્યો હતો. અશોકના કાઠીયાવાડમાં 'હું તો મરૂં પણ તને રાંડ કરૂં...' નામની કહેવત ઘરઘરમાં જાણીતી અને ઉપયોગમાં લેવાતી રહી છે. 'રાંડ' શબ્દનો કાઠીયાવાડી અર્થ તમે જે સમજો છો તે નહિ, પણ 'વિધવા' થાય. પતિ- પત્ની વચ્ચે ઝગડા થાય ત્યારે ફાટફાટ થયેલો ગોરધન ગુસ્સામાં આવું કહી દેતો હોય છે કે, ''ભલે હું અરિહંતશરણ થઈ જાઉં, પણ તને ધોળા હાડલામાં જોવી છે.. આઇ મીન જોવડાવવી છે. મને એ શુભ અવસર ભલે ન મળતો, પણ તને રાંડ બનાવ્યા વિના નહિ મરૂં...!'' (સૂચના : ભુરાયા થયેલા ગોરધનો આવો વ્યાકરણ દોષ કરી બેસતા હોય છે. આ બન્ને કામો સાથે ન થઈ શકે. ગોરધન મરે, એ જ ક્ષણે પેલીને રાંડ બનાવી શકાય, મર્યા પહેલા નહિ. એટલે ભાઈની મનોકામના મુજબ, પોતાના જીવતેજીવત એ વાઇફને વિધવાસ્વરૂપ જોઈ ન શકે. હા, હૉબી મોટી હોય, તો પસંદગીની અન્ય કોઈ પણ સ્ત્રીને વિધવા બનાવી શકાય. પોતાનીને નહિ- સૂચના પૂરી.)

ઉપરોક્ત કહાનીમાં સદરહૂ શખ્સ અશોક અને સામાવાળો ભરતીયો ઉર્ફે ભરૂભ'ઇ (અમને જાણકારી છે, ત્યાં સુધી) બન્ને પુરુષો હોવાથી માત્ર મરવાથી એકબીજાની વાઇફને રાંડ કે પોતાને વિધૂર બનાવી શકે નહિ... યે પોઇન્ટ નોટ કિયા જાય, યોર ઓનર...! પણ સંદર્ભ કેવળ કહેવતનો હોવાથી આ ચર્ચાસ્પદ વાતમાં 'પુરૂષ' કે 'રાંડ' શબ્દનો એકચ્યૂઅલ અર્થ નહિ કાઢવા, સમાજને વિનંતી કરવામાં આવે છે.

કહેવતનો મતલબ, એટલો જ હતો કે, અશોક નામના માણસ પાસે ક્યાંકથી ભેટમાં અખરોટના થેલા આવ્યા. ખાઈ તો શું, તોડી શકાય એવી પણ આ અખરોટો નહોતી. પોતે ભલે ન ખાઈ શકે તો બીજાના દાંત તોડવા, એવા ભ્રષ્ટ વિચારો સાથે અશોકે એ થેલાઓમાંથી અખરોટના નાના-મોટા ગિફ્ટ પેકેટો બનાવીને ઓળખીતાઓને મોકલવા માંડયા હિચકી ને હેડકી તો ઘણા બધાને આવી કે, 'આ કંજુસિયો પાનના ગલ્લે ઉભો હોય તો એક પાને ય ખવડાવે એવો નથી, એને બદલે આટલો બધો દિલદાર ક્યાંથી થઈ ગયો ? એ તો અઠવાડિયે નહિ નહિ તો ય ટોટલ ૨૬ ફેમિલીઓ અખરોટ તોડવાના પ્રયાસોમાં હણાઈ ગયા, ત્યારે ખબર પડી કે, પોતે ન ખાઈ શકે તો બીજા મરે, એવા બદઇરાદાથી અશોકીયાએ બધાને હલવાઈ દીધા હતા..!'

આપણે ત્યાં આવા અશોકો બહુ મળી આવે છે. પોતે ખાઇ ન શકે તો બીજાને ય ખાવા ન દેવું, બીજા ભલે ભરાઈ જતા. આમાં તો એક તબક્કે નુકસાન પોતાનું થાય તો ભલે થાય, પણ સામાવાળાને ફાયદો ન થવો જોઈએ... પૈસો એવા માણસો પાસે જ ભેગો થાય છે. પ્રસિદ્ધ અમેરિકન હાસ્યલેખક આર્ટ બુકવોલ્ડની એક વાર્તામાં આવતું કે બે અબજોપતિ દોસ્તો વધુ પડતા જાડા હોય છે. બન્ને વજન ઉતારવાનું અભિયાન શરુ કરે છે ને શરત મારે છેકે, વજન આપણે બન્નેએ ઉતારવાનું, પણ બે મહિના પછી જેનું વજન વધારે હોય એ બન્ને વચ્ચેનો ડિફરન્સ લાખો ડોલર્સમાં ચૂકવી દેવાનો. મતલબ, એકનું ૧૫ કિલો ઉતર્યું ને બીજાનું ૨૩ કિલો, તો ૮ કિલો ડિફરન્સના કિલો દીઠ દસ લાખ ડોલર્સને હિસાબે ૮૦ લાખ ડોલર્સ જીતેલો લઈ જાય. બન્નેએ સરકારી હૉસ્પિટલોમાં પોતપોતાના વજન કરાવીને તારીખ સાથે નોંધાવી દીધા.

બન્નેએ પ્રયાસો તો શરૂ કર્યા, પણ પહેલે જ દિવસે ખ્યાલ આવી ગયો કે, આ કામ આપણાથી થાય એવું નથી. ખાવા-પીવા ઉપર કન્ટ્રોલ, કસરતો, ચાલવાનું ને દવાઓ લેવાની. બન્ને સમજી તો ગયા, પણ ડર બન્નેને કે, હું નહિં ઉતારૂં તો સામેવાળો તો ઉતારવાનો જ છે. પ્લાન એવો કર્યો કે પોતાનું વજન ભલે ન ઉતરે, પણ સામાવાળાનું ય ન ઉતરવું જોઈએ. ઓન ધ કોન્ટ્રારી, સામેવાળાનું વધે તો પછી ફિકર નહિ આપણું ઘટે કે ન ઘટે ! બનનેએ પ્લોટ ગોઠવવા માંડયા. એક જાણતો હતો કે, બીજાને મીઠાઈઓ, પેસ્ટ્રીઝ ને ચોકલેટ્સ બહુ ભાવે છે, એટલે પોતાના ખર્ચે સામેવાળાને ત્યાં રોજના બબ્બે- ત્રણ ત્રણ કરંડિયા મોકલવા માંડયા. પેલો રોજ વહેલી સવારે ચાલવા ન જઈ શકે એ માટે એના બંગલાની બહાર રખડતા કૂતરાઓ છોડી મૂક્યા, ટેન્શન કરવાથી શરીર ઉતરે છે, એટલે પેલાને કોઈ ટેન્સન ન થાય તે માટે બન્ને એકબીજાના ઇન્કમટેક્સ, સેલ્સટેક્સ કે એમની ફેક્ટરીઓની સામે પડેલા યુનિયનોને ખુશ કરવા માંડયા. શહેરભરના કેમિસ્ટોને પૈસા ખવડાવીને બન્નેએ દવાની દુકાનોમાંથી, વજન ઉતારવાની દવાઓનો સ્ટોક ગાયબ કરી દીધો, એમાં બીજા ય હલવાઈ ગયા.

મનમાં બન્ને ય રાજી હતા કે, આપમે ઉતારવું ના પડયું. પેલો પઠ્ઠો થઈને આવશે !

બે મહિના પછી નક્કી કરેલી તારીખે બન્ને પેલી હૉસ્પિટલમાં મળ્યા. વજન કરાવ્યું... બન્નેનું પાંચ પાંચ કિલો વધી ગયું હતું... એક સરખું !

ઍક્ઝેટક્ટ આ જ મોડસ ઓપરેન્ડાઇ (ગુન્હો કરવાની પદ્ધતિ), આજની જનરેશનના છોકરાઓ ફિલ્મ જોયા પછી કરે છે. કાં તો એમને ફિલ્મો જોતાં આવડતી નથી ને કાં તો રાહ જુએ છે કે, બીજાનો રિપોર્ટ આવે પછી આપણે કહીએ કે, 'અમને કેવી લાગી !' ખબર બીજાઓને ય ન પડતી હોય, એટલે આજના છોકરાઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. તમે પૂછો, 'કેવું લાગ્યું, 'સાહિબ, બીવી ઔર ગેન્ગસ્ટર... ?'' એટલે જવાબ આપે, ''એકવાર જોવાય...''

તારી ભલી થાય ચમના... તો બીજી બધી ફિલ્મો અમે પચ્ચા- પચ્ચા વખત જોતા હોઈશું ? કાં તો તું ના પાડ કે, ફિલમ ફાલતું છે ને કાં તો વખાણે ચઢી જા. 'એકવાર જોવાય..' એટલે શું ?

હું હજી આવા કામો કરૂં છું.. હું કોઈ ફિલ્મમાં ભરાઈ પડયો હોઉં ને સખત ગુસ્સો આવે, એટલી કચરાછાપ ફિલ્મ હોય તો યારદોસ્તોને હું આવી ફિલ્મ નહિ જોવાનો રિપોર્ટ નથી આપતો... ઉપરથી કહું, 'અરે બોસ્સ... છેલ્લા દસ વરસમાં આટલી એક્સાઇટિંગ ફિલ્મ મેં તો નથી જોઈ....! હું તો હજી ૮- ૧૦ વખત જોવાનો છું. તાબડતોબ જોઇ આવો જ !' એમાં મારી ઉપર વિશ્વાસ રાખનારા હલવાઈ જાય. સિનેમામાં બેઠા પછી મને આવડી ને આવડી જોખાવે ને છૂટયા પછી સીધા મારા ઘરે આવે. મારી ઉંમરના દોસ્તો હોય, તો અહીં ન લખાય એવા વિશેષણો મારા માટે વાપરીને મારો બાયોડેટા બદલી નાંખે. પણ... એ તો હું ઘેર હોઉં તો સાંભળવાનું ને ? મહિના સુધી એ લોકોની હડફેટમાં જ નહિ આવવાનું.

બસ... આ જ પદ્ધતિ ઉપર મેં અનેકની સગાઈઓ, અનેકના લગ્નો કરાવી આપ્યા હતા... આજ સુધી બધા મને શોધે છે...!

ઉપસંહાર : બસ, હું તમને બધાને ફોલો કરી રહ્યો છું ! જે સી ક્રસ્ણ. 

સિક્સર

ઓહ... ગયા સપ્તાહના મારા 'ડાયાબીટિસ' પરના લેખ પછી ખબર પડી કે, લોકો મને વાંચે પણ છે...!

No comments: