Search This Blog

14/11/2014

'અંદાઝ' ('૪૯)

(PART 1)

ફિલ્મ : 'અંદાઝ' ('૪૯)
નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સ
દિગ્દર્શક : મેહબૂબખાન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૪૩-મિનિટ્સ (ઍડિટેડ)
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, નરગીસ, દિલીપ કુમાર, વી.એચ.દેસાઈ, કક્કુ, મુરાદ, અનવરીબાઈ, અમીરબાનો, જમશેદજી, અબ્બાસ અને વાસકર.




ગીત
૧. હમ આજ કહીં દિલ ખો બૈઠે, યું સમઝો કિસી... મૂકેશ
૨. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના... મૂકેશ
૩. તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં... મૂકેશ
૪. ઝૂમઝૂમ કે નાચો આજ, નાચો આજ, ગાઓ... મૂકેશ
૫. સુનાઉં ક્યા મૈં ગમ અપના ઝૂબાં પર લા નહિ સકતા... મૂકેશ
૬. ડર ના મુહબ્બત કર લે, ડર ના મુહબ્બત કર લે... લતા-શમશાદ
૭. ઉઠાએ જા ઉનકે સિતમ, ઔર જીયે જા... લતા મંગેશકર
૮. યૂં તો આપસ મેં બિગડતે હૈં, ખફા હોતે હૈં... લતા-રફી
૯. દા દિર દારા... મેરી લાડલી રી બની હૈ, તારોં કી... લતા મંગેશકર
૧૦. તોડ દિયા દિલ મેરા, તૂને અરે બેવફા... લતા મંગેશકર
૧૧. કોઈ મેરે દિલ મેં ખૂશી બન કે આયા, અંધેરા છાકર... લતા મંગેશકર

ગીત નં. ૫ આ ફિલ્મ માટે રેકોર્ડ થયું હતું. પણ ફિલ્મની લંબાઈ વધી જવાથી એને કાઢી નાંખવું પડયું હતું.

એટ લીસ્ટ, આજની ફિલ્મ 'અંદાઝ'નો આ લેખ તમને મસ્તી કરાવી દેવાનો છે, એની મને ધારણા ૧૦૦ ટકા અને ખાત્રી બે ત્રણ ટકા છે. આપણને વાંચવી ગમે, એ બધી માહિતીઓથી છલકાશે. એક તો ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો રાજ-નરગીસ-દિલીપ આપણા સહુના માનિતા, બીજું, મેહબૂબખાન જેવો મજેલો ડાયરેકટર, ત્રીજું ધી ગ્રેટ નૌશાદ સાહેબનું 'ક્યા બ્બાત હૈ' સંગીત, મૂકેશના અને પાછા લતા મંગેશકરના એવા ગીતો, જે આજે ફિલ્મ રજૂ થવાના ૬૫ વર્ષો પછી ય આપણા સહુના ફેવરિટ છે. આ બધા ફેકટરોની દિલચશ્પ માહિતીઓ અને એમાં ય, હમણાં મેં પૂરી કરેલી મુહમ્મદ યુસુફ સરવરખાન પઠાણ એટલે કે દિલીપ કુમાર (જન્મ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨)ની આત્મકથા, The substance and the shadow : An autobiography. બધામાં ખૂબ ગેલમાં આવ્યો છું અને એ ગેલગમ્મત તમને કરાવવી છે.

પણ એ પહેલા આ ફિલ્મ 'અંદાઝ'ની વાત :

જસ્ટ થિન્ક ઑફ ઇટ... ફિલ્મ ૧૯૪૯માં બની હતી અને છતાં આજદિન સુધી એની અસરો ફિલ્મનગરી તેમજ રાજ-દિલીપ-નરગીસના ચાહકો સુધી યથાવત રહી છે. ૨૭ વર્ષનો દિલીપકુમાર, ૨૫ વર્ષનો રાજ કપૂર (તા. ૧૪ ડીસેમ્બર ૧૯૨૪) અને બિલકુલ ૨૦ વર્ષની નરગીસ (જન્મ તા. ૧ જૂન ૧૯૨૯)... આઈ મીન, ભરચક જવાનીની ફિલ્મ અને મેહબૂબ ખાતે ભારે હિમ્મતપૂર્વક એ જમાનામાં સહેજે ન ચાલે, એવા સબ્જેક્ટ ઉપર આ ફિલ્મ બનાવી, જેમાં સમજો ને, પહેલીવાર લવ-ટ્રાયન્ગલ (પ્રણય ત્રિકોણ)ની સનસનાટીભરી વાર્તા આવી. આવા ટ્રાયન્ગલની ફિલ્મો અગાઉ પણ આવી હતી, પણ કોઈ ફિલ્મને દર્શકોએ સ્વીકારી નહોતી. વાર્તા આજે તો તદ્દન ચીલાચાલુ લાગે અને એના અંશો વાંચવા ય બોરિંગ લાગે, પણ આજે છ દશક પછી ય ફિલ્મ પ્રસ્તૂત લાગે છે, એમાં સઘળી કમાલ મેહબૂબ ખાનની. ટુંકાણમાં અંશો જોઇ લઇએ.

નીના (નરગીસ) બહુ મોટા બીઝનેસમેનની મોડર્ન ખયાલાતની દીકરી છે. સિમલામાં પોતાના બંગલેથી તોફાની ઘોડા ઉપર સવાર થઇને બહાર નીકળતા જ ઘોડો ભાગે છે. જગતનો નિયમ છે, હીરોઇનના ઘોડા કરતા હીરોવાળો ઘોડો વધુ ફાસ્ટ ભાગતો હોય, એટલે દિલીપ (દિલીપ કુમાર) બીજા ઘોડા ઉપરથી નીનાને બચાવી લે છે.

દિલીપને નીના ગમી જાય છે અને પૈણવાના સપના શરૂ કરે છે. નીના પણ દિલીપને અંતરંગ દોસ્ત બનાવી પેલાને આગળ વધવાની અજાણતામાં તકો આપે છે. એની બા ગુજરી ગઇ હોવાથી એ નથી ખીજાતી, પણ ફાધર (મુરાદ) ખીજાય છે, જેમને આ બન્નેની દોસ્તી પસંદ નથી. 'જમાના ક્યા કહેગા...?' નીનાની સખી શીલા (કક્કુ) દિલીપને પ્રેમ કરવા લાગે છે, પણ એકતરફો. દિલીપે નીનાનો જીવ બચાવ્યો, એમાં ખરી કમાલ તો ઘોડાની હતી, છતાં ફાધરના બેસણાં પછી નીના પોતાની અડધી મિલ્કતનો ભાગીદાર ઘોડાને બદલે દિલીપને બનાવી, તમામ કારોબાર સોંપી દઇ પોતે ચારધામની યાત્રાએ નથી જતી, ઘડીક નવરી પડે એટલે દિલીપને બોલાવી એની પાસે સ્વ. મૂકેશના ચાર ગીતો ગવડાવે છે. ઇન્ટરવલ સુધી આપણએ રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઈએ, પણ દિલીપ નીનાને કહી શક્તો નથી કે, હું તારા પ્રેમમાં છું. દરમ્યાનમાં નીનાનો ખરો પ્રેમી રાજન (રાજ કપૂર) લંડનથી પાછો આવે છે અને બન્ને ઘર-ઘર રમવા લાગે છે, ત્યારે દિલીપને જાણ થાય છે કે, નીના તો રાજનની છે. રાજન-નીનાના લગ્ન થઇ જાય છે. અહીં દીકરી વળાવવાના કરૂણ ગીતો ગાવાને બદલે દિલીપ ભગ્નહૃદયી પ્રેમીના મરશીયા ગાય છે. 'તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના...' આવી તોડફોડના ગીતો આવા પ્રસંગે ગાવાથી નીનાને બહુ ખોટું લાગે છે, એટલે વળતા હૂમલા તરીકે એ પાછું બીજું એક ગીત બેન લતા મંગેશકરના અવાજમાં ગાય છે.

આ વખતે બાજી ફિટાઉન્સ કરવાનો દિલીપ ટ્રાય કરે છે, પણ એ તો વાર્તા લેખક જ જાણે કે, દિલીપ જતો રહેવા માંગતો હોવા છતાં નીના જવા દેતી નથી, પરિણામે એક દિવસ તો રાજનને ખબર પડે ને ?... પડી ને જોરદાર પડી. એમાં રાજન પત્નીને તરછોડી દે છે, જેથી નીના કોઈ રસ્તો કાઢવાને બદલે લતા મંગેશકરના કંઠમાં બબ્બે-તત્તણ ગીતો ગાઈ નાંખે છે. એક બાજુ, દિલીપ પિયાનો ઉપર બબ્બે દહાડે મંડયો હોય ને નવરી નીના ઘેર બેઠી લતાના ગીતો તાણતી હોય, એમાં રાજીયો બગડે કે નહીં ?

દિલીપ નીનાની 'બેગૂનાહી કા સબૂત' પેશ કરને રાજનના ઘેર આવે છે, જ્યાં રાજને એના માથામાં ટેનીસનું રેકેટ ફટકારે છે. એ મરતો નથી, પણ પોતાને નિર્દોષ સાબિત કરાવી શકાય, એ માટે નીના એને જીવતો રાખવા ડોક્ટરને કાલાવાલા કરે છે. દિલીપ બચી જાય છે એમાં હવે એ રાજનનું ખૂન કરીને નીનાનો પ્રેમ મેળવવા રીવૉલ્વર લઇને નીકળી પડે છે. રાજનને મારતા પહેલા એ નીનાની પાછળ પડીને પરાણે પ્રેમ સ્વીકારવા આજીજીઓ કરે છે. આજીજી હુક્મ બની જાય એ પહેલા નીના એને ઠાર મારીને જેલમાં જાય છે. અદાલતમાં રાજન નીનાની વિરૂધ્ધ જબાની આપે છે. પણ દિલીપે પોતાની નિર્દોષતા પૂરવાર કરવા અગાઉ લખી રાખેલો પત્ર હવે પસ્તાયેલા રાજનના હાથમાં આવતા એ નીનાને મળવા જેલમાં જાય છે, પણ ત્યાં સુધીમાં તો નીનાને કાલાપાનીની સજા થઇ ચૂકી હોય છે.

ફિલ્મ એ જમાનામાં ભલે ચાલી હોય અને ભરચક પ્રચારને આધારે આ ફિલ્મને ભલે કોઈએ 'ક્લાસિક' ગણી હોય, પણ નો...! ફિલ્મ ઘણી નબળી હતી, ખાસ કરીને એની ગળે ન ઉતરે એવી વાર્તા. વિદેશ વસેલા રાજ કપૂરની પ્રેમિકા ગમે તેટલી મોર્ડન જમાનાની હોય, ફાધર ઉપરાંત સમાજના સખ્ત વિરોધ છતાં શું કામ દિલીપને આટલો નજીક આવવા દે કે, પોતાની મિલ્કતનો અડધો ભાગ એને આપી પૂરો કારોબાર ચલાવવા આપે ! અને એ ય, ફિલ્મોની ભાષામાં કહીએ, તો 'દિલીપ કા ન જાત કા પતા થા, ન પાત કા' ! એક બાજુ લેખક પેલીને સતી સાવિત્રી ચીતરે છે તો ભારતની સાવિત્રીઓ આટલી ગીરેલી હોતી નથી કે, દોસ્ત દિલીપથી પોતાના પ્રેમી રાજ કપૂરની આખી વાત જ છૂપાવે. છૂપાવવાનું કોઈ કારણ દિલીપને ભલે ન આપે, પ્રેક્ષકોને કેમ નથી અપાતું ? નરગીસની ખુલ્લમખુલ્લી દોસ્તી જોઇએ દિલીપ તો શું, શહેર કોંગ્રેસ સમિતીનો કાર્યકર પણ માની લે કે, નીનકી આપણા પ્રેમમાં છે. એક વાર ઘોડા ઉપરથી પડતી બચાવવાનો ચાર્જ આટલો મોંઘો અપાતો હોય, તો હિંદુસ્તાનનો બચ્ચેબચ્ચો ઘોડા પાળવા માંડશે.

સખ્ત વિરોધ કરવો પડે એવો મુદ્દો તો એ છે કે, રાજ કપૂર આટલો હસમુખો અને નિખાલસ હોવા છતાં, નરગીસ સાવ આસાનીથી કહી શકી હોત કે, મારી દોસ્તીને દિલીપ લેવાદેવા વગરનો પ્રેમ સમજી બેઠો છે.

વાર્તા ઉપરાંત, મેહબૂબ ખાનની ફિલ્મ આવી તો ન જ હોય, એવા ય કારણો મળી આવે છે. ફિલ્મોમાં દસ ગીતો છે... પચ્ચી પણ હોય, પણ આ મેહબૂબ ખાનની ફિલ્મ છે અને એમની ફિલ્મમાં વાર્તાને આગળ ચલાવવા ગીતો જ હોય, માત્ર સંગીતને પ્રમોટ કરવા ન હોય! અહીં તો, દાવા સાથે ફિલ્મમાં એક પણ ગીત રહેવા ન દો, તો પણ વાર્તા અકબંધ રહે છે. ફિલ્મનું કોઈપણ ગીત જરૂરી નથી. ફિલ્મનું કોઈપણ પુરૂષપાત્ર ઈંગ્લિશ શૂટ-બૂટ સિવાય ઘરમાં ય ફરતું નથી, એ ગળે ન ઉતરે એવી વાત છે. આપણે તો મેહબૂબની 'આન', 'મધર ઈન્ડિયા' કે 'સન ઓફ ઈન્ડિયા' પણ જોઈ છે. એની ફિલ્મોમાં એકેય પાત્ર બિનજરૂરી કે વધારાનું ન હોય. અહીં તો કહેવાતી કોમેડીના નામે સર્કસ કરાવવા આપણા ગુજરાતી કૉમેડીયન વી.એચ. દેસાઈને વેડફી નાંખ્યો છે. ફિલ્મની વાર્તામાં શીલા (કક્કુ)ની કોઈ જરૂરત જ નથી, છતાં વચ્ચે લેવાદેવા વગરની ઘુસાડીને, કોઈ રેફરન્સ વિના દિલીપના એકતરફા પ્રેમમાં પડાવી દીધી છે. ધૅટ્સ ફાઈન, પણ પછી વાર્તામાં જાણે એનું કોઈ મહત્ત્વ જ નહિ, એમ કોઈ સ્પષ્ટતા વગર કક્કુને હાંસીયામાં ધકેલી દીધી છે. નરગીસનું વર્તન જોઈને નાનું છોકરૂં ય કહી શકે, કે એકતરફા પ્રેમ માટે દિલીપનો કોઈ વાંક નથી. પણ પતિને કન્વિન્સ કરવા, ''મૈંને દિલીપ કો મારા હૈ...'' કહેનાર નરગીસ પોતાને નિર્દોષ સાબિત કરવા દિલીપનું ખૂન શું કામ કરે?

તો બીજી બાજુ, આ ફિલ્મની ઉજળી બાજુઓ એટલી બધી છે કે, 'અંદાઝ'ને નીગ્લૅક્ટ પણ કરાય એવી નથી. ખાસ તો, એનું બેનમૂન સંગીત. ધી ગ્રેટ નૌશાદ સાહેબને એક આ જ ફિલ્મ માટે નહિ, એ જમાનાની એમની તમામ ફિલ્મોના મધુર ગીતોના સાતત્ય (Consistency) માટે શત શત પ્રમાણ કરવા પડે! એ વર્ષમાં એક જ ફિલ્મ કરતા હોવાથી રીઝલ્ટ્સ તો જુઓ એમની એકોએક ફિલ્મના સંગીતના! મેહબૂબની તો (ફિલ્મ 'ઔરત' જેવી એકાદીને બાદ કરતા) તમામ ફિલ્મોનું સંગીત નૌશાદઅલીએ આપ્યું છે. પછી તો મુહમ્મદ રફી કાયમ માટે નૌશાદ સાથે પ્રતિબધ્ધ રહ્યા, પણ 'અનોખા પ્યાર', 'મેલા' અને 'અંદાઝ' જેવી નૌશાદીયન ફિલ્મોમાં મૂકેશને લેવાયા પછી ખુદ દિલીપ કુમારે પોતાના પ્લેબૅક માટે મૂકેશની ભલામણો કરી હતી. સહુ જાણે છે કે, મૂકેશ સંગીતની શાસ્ત્રોક્તતાથી કોસો દૂર હતો. તેની લતા-રફી-આશા જેવા ગાયકોને એક-બે વાર રીહર્સલ સમજાવવું પડે, ત્યારે મૂકેશ માટે ૧૦-૧૫ રીહર્સલો તો મિનિમમ થઈ જતા, કોઈ પણ સંગીતકાર માટે.

મૂકેશ વર્લી-'સી ફેસ' પર રહે ને નૌશાદ બાંદરા. 'અંદાઝ'ના ચાર (એક પાંચમું ગીત પણ હતું, જે કાઢી નંખાયું હતું.) ગીતોના એક એક રીહર્સલ માટે મૂકેશ લોકલ ટ્રેન પકડીને રોજ સવારે નૌશાદના ઘેર જતો. એક ગીત માટે એણે સરેરાશ પચ્ચીસ ધક્કા ખાધા છે. એ વાત પણ સાચી હશે કે, નૌશાદને મૂકેશમાં મૂકેશને બદલે કે.એલ. સાયગલ વધુ સંભળાતો હશે, એટલે શરૂઆતમાં આટલા ઓળઘોળ હતા. સહુ જાણે છે કે, સાયગલનો ડીટ્ટો અવાજ લાગતો હોવાને કારણે મૂકેશને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો હતો. 'અંદાઝ'માં લતાના ગીતો ય... જસ્ટ આઉટ ઑફ ધ વર્લ્ડ છે, છતાં સદીના અંતે તો ફક્ત મૂકેશના ગીતો જ પ્રજાને યાદ રહી ગયા.

મૂકેશની આ જ તો ખૂબી હતી. ફિલ્મના અન્ય ગાયકો ભલે ને લતા, આશા કે રફી હોય, આખી ફિલ્મમાં મૂકેશનું કેવળ એક જ ગીત હોય તો સૌથી વધુ મશહૂર એ જ થયું હોય. વિશ્વાસ ન આવતો હોય તો જાતે એવી યાદી ચકાસવા માંડો.

નવાઈ નહિ, આઘાતની વાત છે કે, દેવ આનંદની પૂરી ફિલ્મોના સંગીતમાં મેજર શૅર રફીનો છે, છતાં દેવ આનંદે પોતાની આત્મકથા Romancing with Lifeમાં એક જગ્યાએ રફીનો ઉલ્લેખ માત્ર કર્યો નથી. કારણ એ હતું કે, '૬૯ પછી કિશોર કુમારનું વાવાઝોડું આવ્યું, એમાં દેવ આનંદે ઉઘાડેછોગ રફીને જાકારો દઈ દીધો, તો દિલીપ કુમાર અને રફી તો દર રવિવારે બેડમિન્ટન રમવા વર્ષોથી નૌશાદના ઘેર ભેગા થતાં, પણ કોઈ વાતે દિલીપને વાંકું પડયું, એમાં રફીને સીધા કરવા દિલીપે, દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત હોતા હૈ, એ કપટ કરીને રફીના મુખ્ય હરિફ કિશોર કુમારને 'સગીના'માં પોતાના પ્લેબેક માટે લેવડાવ્યો. એ તો સહુને ખબર છે કે, દિલીપની પ્રેમિકા મધુબાલા સાથે કિશોર પરણ્યો હતો, એમાં દિલીપ કિશોર ઉપર ખીજાયો પણ હતો. અલ્લાહના નેક બંદા જેવા રફી સાહેબની ગરજ હતી, ત્યાં સુધી સંગીતકારો કે હીરોલોગે લાભ લીધો ને એવા જ કારણોએ ખૂબ વહેલી ઉંમરે હાર્ટ-એટેક આવી ગયો.

'૪૯માં 'અંદાઝ' રીલિઝ થયું, ત્યાં સુધી એ બૉક્સ-ઑફિસ ઉપર સર્વશ્રેષ્ઠ વકરો કરાવતી ફિલ્મ હતી, પણ એ જ વર્ષે રાજ કપૂરનું 'બરસાત' આવ્યું, એમાં 'અંદાઝ'ના બધા રેકોર્ડસ ધોવાઈ ગયા. બદલો મેહબૂબે બરોબરીનો લીધો. '૫૨-માં આવેલી 'આન'માં મેહબૂબે ટિકીટબારી ઉપર એવો સપાટો બોલાવ્યો કે, એ પછી ઘણા વર્ષો સુધી 'આન'ના વિક્રમને કોઈ તોડી શક્યું નહિ ને મેહબૂબની ગણત્રી હોલીવૂડના મશહૂર દિગ્દર્શક સૅસિલ બી ડી'મેલો સાથે થવા લાગી.

(વધુ આવતા અંકે)
Go to Part II

No comments: