Search This Blog

21/01/2018

એનકાઉન્ટર : 21-01-2018

* 'એનકાઉન્ટર' કોલમ ગીનેસ બૂક ઓફ રેકોર્ડસ્માં ક્યારે ચમકશે ?
-  હું 'સેન્સીબલ' જવાબો આપતો થઈશ ત્યારે.
(
અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* ઇ.સ. ૨૦૧૭ ની શ્રેષ્ઠ પળ કઈ ?
-  ગઈ એ તો.
(
અબ્બાસભાઈ સીરાઝભાઈ કૌઠાવાલા, સુરત)

* 'ઊલટા ચશ્મા'ના ૯- વર્ષ પૂરા થયા. અંજલિ-  બબિતાના 'અચ્છે દિન' કયારે આવશે?
-  નિર્માતા અસિતકુમાર મોદી ઇચ્છે ત્યારે!
(
મહેન્દ્ર કે. પંચોલી, સુરેન્દ્રનગર)

* બધી નોકરીઓ માટે પરીક્ષાઓ લેવાય છે... નેતા થવા માટે કેમ નહિ ?
-  ૯૮ ટકા નેતાઓની શૈક્ષણિક લાયકાતો જોઈ આવો... પરીક્ષાઓ આપણે આપવી પડશે.
(
કુલદીપસિંહ રાઠોર, ભાભર)

* આ વખતે ઉત્તરાયણમાં રાત્રે ટુક્કલો ન ચઢી...
-  કાયદા ફક્ત દિવાળી, ઉત્તરાયણ અને હોળીને લાગુ પડે છે. ફટાકડાથી પૉલ્યુશન થાય, પતંગોથી પક્ષીઓ ઘવાય અને હોળીમાં પાણીનો ખોટો બગાડ થાય... બાકી જે તહેવારો મનાવવા હોય તે મનાઓ ...! દેશને કોઇ નુકસાન નથી!
(
મોના હરિભાઈ ત્રિવેદી, વડોદરા)

* સાચી ગાંધી-  વંદના કોને કહેવાય ?
-  વંદના ગાંધીને.
(
ઝૂલ્ફિકાર અલીહૂસેન રામપુરાવાલા, મુંબ્રા)

* રાજનેતાઓ મળે ત્યારે લાંબા સમય સુધી હાથ મિલાવેલા કેમ રાખે છે ?
-  એ રીતે લાંબા સમય સુધી 'પગ- ટુ- પગ'મિલાવવાના ન ફાવે માટે.
(
ડૉ.અમિત પી.વૈદ્ય, ડેમાઈ-  બાયડ)

* સમગ્ર વિશ્વને સાંપ્રદાયિકતાથી દૂર કરીને માનવતાના તાંતણે બાંધી શકે, એવો એક પણ નેતા નથી ?
-  ના.
(
દીવાન ઇબ્રાહિમશા ઉસ્માનશા, કરજણ)

* અમે નાના હતા, ત્યારે તોફાન કરીએ તો વડીલો કહે, 'બે કાન વચ્ચે માથું કરી દઈશ.'એટલે શું ?
-  ગણી જુઓ. તમારે ચોક્કસ બે કાન તો હશે જ !
(
મનસુખભાઈ ગોસાંઈ, જામનગર)

* બહુચર્ચિત ફિલ્મ 'પદ્માવતી' વિશે તમારો શું અભિપ્રાય છે ?
-  તમારા સિવાય કોઈએ પૂછ્યો નથી... તમે સંજય લીલા ભણસાલી કરતા વધુ નમ્ર છો.
(
ભરત અંજારીયા, રાજકોટ)

* ભ્રષ્ટ નેતાઓથી પીછો ક્યારે છુટશે ?
-  નેતાઓ ભ્રષ્ટ છે, માટે આપણે શુધ્ધ રહેવું પડયું છે!
(
સલીમખાન ભૂસાવાલા, લાજપોર-  સુરત)

* નોટબંધીમાં મોટા માણસો નોટો બદલવા લાઈનમાં નહોતા ઊભા, તો પૈસા બદલ્યા કેવી રીતે હશે ?
-  થૅન્ક ગોડ... તમે મને મોટો માણસ નથી ગણતા...!
(
અરૂણ પી. શુકલ, શિહોર)

* 'ફિલ્મ ઇન્ડિયા' વાંચીને લાગે છે કે, તમે મુંબઈમાં સ્થાપી થયા હોત તો બહુ ઉપર હોત!
-  બહુઉઉઉ...ઉપર...એટલે ?
(
ગિરીશ આર.માલીવાડ, વડોદરા)

* ચૂંટણીઓ પતી ગઈ... હવે કોને મળવાનું ?
-  અત્યારે ખુદ એ લોકો ય એકબીજાને આ જ પૂછી રહ્યા છે.
(
વિક્રમસિંહ બી.સોલંકી, શિહોર)

* રાહુલબાબા ખૂબ મોટા થઈ ગયા છે. કોંગ્રેસ એમના લગ્નની ચિંતા કેમ કરતી નથી?
-  ચિંતા કરવાથી ભાજપ આવી ગયું... હવે ચિંતા ભારે પડે !
(
પ્રતાપ ચાણસ્માવાલા, મુંબઇ)

* ગુજરાતમાંથી કોંગ્રેસનું તો સાવ અસ્તિત્વ જ મટી ગયું.. !
-  હતું ???
(
દેવેન્દ્ર સી.ભટ્ટ, અમદાવાદ)

* સોનિયાજી-રાહુલજીમાં કઈ યોગ્યતા છે કે કોંગ્રેસીઓ એમને જ વળગી રહ્યા છે ?
-  કોંગ્રેસીઓ ગાંડા થઈ ગયા છે કે, પોતાનો પૈસો ખર્ચે ?
(
બિપીન ઠાકર, વડોદરા)

* આપણી રાષ્ટ્રીય રમત કબડ્ડીને લોકપ્રિય બનાવવા કોઈ ઉપાય બતાવશો ?
-  ક્રિકેટની માફક પગે પેડ બાંધીને કબડ્ડી શરૂ કરાવો.
(
રાજુભાઈ પ્રજાપતિ, પાટણ)

* રખડતી ગાયો પ્લાસ્ટિક ન ખાય, એનો કોઈ ઉપાય ?
- રખડતી બંધ કરાવો..
(
અનિલ દેસાઈ, ઉમરેઠ)

* માનવી આટલો બુધ્ધિશાળી હોવા છતાં અઢળક પૈસા જોઈએ બુધ્ધિ ભ્રષ્ટ કેમ થઈ જાય છે ?
-  એ બુધ્ધિશાળી છે માટે.
(
મહેશ આર. દેસાઈ , વલસાડ)

* ૮૦ ઉપરના બધા વડિલો આટલા જીદ્દી કેમ હોય છે ?
-  બધા એટલે ! કેટલો સ્ટોક પડયો છે ??
(
યોગીતા એસ.ખત્રી, માંડવી-  કચ્છ)

* 'એન્કાઉન્ટર'માં મેક્સિમમ કેટલા સવાલો પૂછાયા છે ?
-  બસ... જેટલા જવાબો અપાયા છે !
(
રીયાબેન જોશી, તલોદ)

* સેન્સર બોર્ડ ક્યા પ્રકારની ફિલ્મોને સ્વીકૃતિ આપે છે ?
-  પ્રેક્ષકો જોઈ શકે એવી.
(
રસિકભાઈ વ્યાસ, ભાવનગર)

* આટલી બેરોજગારી હોવા છતાં લગ્નગાળો કેમ ભરચક જાય છે ?
-  મને લાગે છે, લોકો પરણવા માટે લગ્ન કરતા હશે !
(
રાધા જોશી, રાજકોટ)

* સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં હવે રાષ્ટ્રગીતને મરજીયાત બનાવ્યું !
-  ને તો ય, ભાજપ કે કોંગ્રેસ એક શબ્દ પણ બોલે છે ?
(
ત્રિલોકા સી. દવે, અમદાવાદ)

No comments: