Search This Blog

28/01/2018

ઍનકાઉન્ટર : 28-01-2018

* સ્વરચિત ગઝલ સંગ્રહ 'આલ્કોહોલનો કોલાહલ'નું વિમોચન કોના હાથે કરાવવું ?.... વિજય માલ્યા કે આપના હાથે ?
- કિંગફિશરના કૅલેન્ડરનું વિમોચન હોય તો મને બોલાવવો.
(
અશોક ગાંધી, વણાકબોરી)

* નોટબંધી કે જીએસટીની અસર તમારા દૈનિક જીવનમાં થઇ છે ?
- દૈનિક નહિ, પણ સાપ્તાહિક જીવનમાં બેહદ થઇ છે... 'ઍનકાઉન્ટર'માં દર સપ્તાહે મિનિમમ ૨૦૦-સવાલો આ વિષયના કાઢી નાંખવા પડે છે.
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઇ) અને (વલ્લભ પારેખ, કાલોલ)

* 'ઍનકાઉન્ટર' લખવા ક્યારે બેસો છો ?
- બસ. સૂતા સિવાય ગમે ત્યારે.
(
અંબરિશ મેહતા, ભાવનગર)

* 'દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' હવે ખબર પડી કે, રાહુલ ગાંધીની નેતાગીરીમાં કૉંગ્રેસ જીતતી કેમ નથી !
- આ જાણીતા વાક્યના એક એક શબ્દ પર વારાફરતી ભાર મૂકીને વાંચી જુઓ...જવાબ મળી જશે.
(
નવીનચંદ્ર જે. દવે, વડોદરા)

* ગરીબ વ્યક્તિને સહાય શું એક તીર્થયાત્રા સમાન નથી ?
- યસ. તમે યાત્રા કરી આવો.
(
ઝંખના અંધારીયા, ભાવનગર)

* માનુષી છિલ્લરે 'મિસ વર્લ્ડ'નો તાજ જીતીને આપણું ગૌરવ વધાર્યું...
- તે હશે... આપણે તો આપણા ઘરમાં જોઇને રાજી થવાનું ને ?
(
નટવરલાલ કાચા, શાપુર)

* ઍરોપ્લેનમાં વિમાનની બંને પાંખોની લાઇનમાં તમારી સીટ આવે તો કેવો આનંદ આવે ?
- એ તો ખબર નથી... બસ, વિમાન એ બંને પાંખોની વચ્ચે રહેવું જોઈએ.
(
ખુશ્બૂ માલવ મારૂ, રાજકોટ)

* પત્નીની નસકોરાં બોલાવવાની ટેવથી ઊંઘ ઊડી જાય છે...તેનું ગળું દબાવી દેવા સિવાય બીજો કોઇ ઉપાય ખરો ?
- ગળાને બદલે એનું નાક દબાવી રાખો ને !
(
રમેશ દેસાઇ, અમદાવાદ)

* જે લોકોએ બાળપણમાં ગ્રાઇપ વૉટરે ય ન પીધું હોય, એ મોટા થઇને વ્હિસ્કી કેમ પીએ છે ?
- તમે હજી ગ્રાઇપ વૉટર જ પીધે રાખો છો ?... ગ્રો અપ, મૅન !
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે, 'તમારા જીવનમાં પ્રેમ નહિ હોય તો તમારી સમસ્યાઓ વધતી જવાની'. આપનું શું કહેવું છે ?
- એમણે આવું કીધું છે કે નહિ, એ તો ખબર નથી પણ પ્રેમો વધતા જાય તો પણ સમસ્યાઓ વધતી જાય.
(
ભરત ડી. સાંખલા, ડિસા)

* કહે છે કે, લંડનના 'બિગબૅન' ટાવરના ડંકા ઑસ્ટ્રેલિયામાં સંભળાય છે....
- તમને હવે ખોટું સંભળાય છે.
(
ચારૂદત્ત ડી. શાહ, અડાલજ)

* લગ્ન પછી દીકરી સાસરે જાય છે... દીકરો કેમ નહિ ?
- બંનેને સાથે તો ના મોકલાય ને !
(
કામિની ડી. પરમાર, વણાકબોરી)

* રૂઠેલી સ્ત્રીને મનાવવા શું કરવું ?
- વાઇફની મદદ લેવી.
(
ડૉ. વી. પી. કાચા, અમદાવાદ)

* બૅન્ડબાજાંવાળાઓના યુનિફૉર્મ લાલ જ કેમ હોય છે ?
- શાસ્ત્રીય સંગીતના જલસાઓમાં પહેરાતા લીલા-પીળાં ઝભ્ભા કરતાં એ વધારે સારા લાગે છે.
(
સલમા મણીયાર, વિરમગામ)

* પાકિસ્તાન યુધ્ધવિરામનો ૯૦૦-વખત ભંગ કરીને બૉર્ડર ગામોના આપણા નિર્દોષ નાગરિકોને મારે છે...આનો કોઇ ઉપાય નથી ?
- એ લોકોનાં ય બૉર્ડરનાં ગામો હશે ને ?
(
પક્ષી વી. મેહતા, અમદાવાદ)

* આજકાલ લાંચ કોણ નથી લેતું ?
- મારી કમસેકમ પરીક્ષા તો લઇ જુઓ.... કોકને મોકલો, 'ઈ !
(
રક્ષિત વોરા, ગાંધીનગર)

* હિંદુ દેવતાઓ-મહાદેવ, વિષ્ણુ, હનુમાનજી કે ગણેશજી કમરથી ઉપરનું વસ્ત્ર કેમ નથી પહેરતા ?
- એક દેવનું નામ લખવાનું રહી ગયું, 'મહાત્મા ગાંધી'.
(
હરિભાઇ પ્રજાપતિ, પિલવાઇ)

* 'મારું' અને 'તમારૂં'...'આપણું' બની જાય તો શું કહેવાય ?
- ભારત દેશ.
(
ઝૂલ્ફિકાર અલીહૂસેન, મુંબ્રા)

* 'ધણી' અને 'ઘરધણી' વચ્ચે શું ફરક ?
- 'ઘર'નો.
(
મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* વૈભવ મેળવવા ખાદીધારી બનવું કે ભગવાધારી ?
- યોગી આદિત્યનાથ પાસે કોઇ વૈભવ છે ?
(
સુમન વડુકૂળ, રાજકોટ)

* એક શે'રમાં કહે છે કે, પૂરા બગીચાનો નાશ કરવા એક જ ઘુવડ કાફી છે... તો આપણા દેશનું કેવું ?
- આપણો વનરાજોનો દેશ છે...કોઇ ઘુવડની તાકાત નથી બરબાદ કરી શકે.
(
દિનેશ વી. કોઠારી, જૂનાગઢ)

* લાલુ યાદવ જેવાઓને જેલમાં પણ મહેલ જેવી સગવડો અપાય છે... સાબિત શું થાય છે ?
- હું એકે ય વાર અંદર ગયો તો નથી, પણ સાંભળ્યું છે કે, પૈસા છૂટા કરો તો જેલમાં ખિસ્સાકાતરુને પણ માંગે એ સગવડ મળી રહે છે.
(
જી. એન. પરીખ, વડોદરા)

* ભાજપમાં પદ માટેના ઝઘડા ક્યારે બંધ થશે ?
- બંધ કરાવીને તમારે કામ શું છે ?
(
રઝાહૂસેન બચુભાઇ, મહુવા)

* ૧૫૦-સીટોનો પિટારો પીટનાર ભાજપને માંડ માંડ બે આંકડાની સીટો કેમ આવી?
- ફાંકો નડી ગયો...!
(વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઇ)

No comments: