Search This Blog

27/01/2018

ફિલ્મ : 'દુલ્હા દુલ્હન' ('૬૪)
નિર્માતા-દિગ્દર્શક  : રવિન્દ્ર દવે
સંગીત :  કલ્યાણજી-આણંદજી
ગીતકારો  :  ઈન્દીવર, ગુલશન બાવરા, આનંદ બક્ષી, હારૂન.
રનિંગ ટાઇમ  : ૧૫-રીલ્સ
થીયેટર :  રૂપમ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, સાધના, આગા, કે.એન. સિંઘ, રાજ મેહરા, મધુમતિ, વિશ્વ મેહરા, અનવરીબાઇ, ભોલે, યુસુફ અને ખુર્શિદ.

ગીતો
૧. મુઝે કહતે હૈં કલ્લુ કવ્વાલ...    લતા-મૂકેશ
૨. હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના...    લતા મંગેશકર
૩. જુમ્મે કી રાત હોય યા દિન જુમ્મે...    લતા-મૂકેશ
૪. બને તો બન જાયે જમાના દુશ્મન...    લતા-મૂકેશ
૫. હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના...    મૂકેશ
૬. પિયા ખીંચે હુએબંધે હુએ...    લતા-કમલ બારોટ
૭. તુમ સિતમ ઓર કરો તૂટા નહિ દિલ યે...    મૂકેશ
૮. જો પ્યાર તૂને મુઝકો દિયા થાવો પ્યાર...    મૂકેશ
ગીત નં.૧ ગુલશન બાવરા,, ૭ અને ૮-ઈન્દીવર, ૩-હારૂન ૪ અને ૬-આનંદ બખ્શી

ઈતિહાસમાં આટલી વિરાટ સંખ્યામાં ક્યારેય પબ્લિક ભેગું થયું નથી, જ્યાં રીલિફ ટૉકીઝમાં આપણા રાજ કપૂરનું 'સંગમ' રીલિઝ થવાનું હતું. લોકો આઠ-દસ મહિનાથી 'સંગમ' રીલિઝ થવાની બેસબ્રીથી રાહો જોતા હતા.

ફિલ્મફૅર, માધુરી, પિક્ચરપૉસ્ટ કે જી જેવા મેગેઝિનોમાં 'સંગમ' બનવાની રોજરોજની ખબરો છપાતી. 'આજે રાજેન્દ્ર પૅરિસ ગયો, જ્યાં રાજ અને વૈજ્યંતીમાલા પહેલેથી મૌજુદ છે...' 'રાજુ-વૈજુએ સ્વિત્ઝર્લેન્ડના બરફના પહાડો પર લપસી-લપસીને શૂટિંગ કર્યું...' જેવી ખબરો ભાવિ પ્રેક્ષકોને બહુ બેતાબ કરતી. આ ફિલ્મ પાછળ રાજ એ જમાનાના લાખો રૂપિયા ખર્ચવાનો હતો... આંકડો કદાચ કરોડ ઉપરે ય પહોંચે. પૈસા એ ખર્ચવાનો હતો ને અમદાવાદમાં જીવો અમારા બળતા હતા.

એ દિવસોમાં બિનાકા ગીતમાલા અને રેડિયો સીલોનને કારણે કોઈ પણ ફિલ્મ રીલિઝ થાય એના મહિનાઓ પહેલા એ ફિલ્મના ગીતો ઘરઘરમાં ગૂંજવા માંડયા હોય. ભીડ તો રાક્ષસી કદની થાય જ ને, કારણ કે માત્ર ફિલ્મ નહિ, રાજ કપૂર પોતે રૂબરૂ આવવાનો હતો. બેકાબૂ ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ પણ બેફામ કર્યો, પણ રાજને જોવાનો હતો ને એટલે આવી હજાર લાઠીઓ માફ..! લોકોનું પાગલપન એ વાતે ય વધ્યું હતું કે, પ્રેક્ષકોને આમ તો પહેલી જ વાર પરદેશના રંગીન દ્રષ્યો જોવા મળવાના હતા. રીલિફ સિનેમાની દિવાલો ઉપર ફિલ્મ 'સંગમ'માં દર્શાવાનાર પૅરિસ, લંડન, જીનીવા અને સ્વિત્ઝરલૅન્ડના જાયન્ટ-સાઇઝના કટ-આઉટ્સ મૂક્યા હતા.

કંઈક બાકી રહી જતું હોય, એમ આ ફિલ્મના એકેએક ગીત ઉપર શંકર-જયકિશન છવાઈ ગયા હતા. '૪૦-ના દાયકામાં ફાયરબ્રાન્ડ-હીરોઇન શાંતા આપ્ટે પાસે દિગ્દર્શક વ્હી.શાંતારામે અમેરિકન કવિ હૅનરી વૉડ્સવર્થ લૉંગફૅલો રચિત 'ઇન ધ વર્લ્ડ્સ..' પૂરૂં ઈંગ્લિશ ગીત ગવડાવ્યું હતું અને તે પણ શાંતાએ પૂરા ઈંગ્લિશ ઍક્સૅન્ટ્સ (ઉચ્ચારો)માં ગાયું હતું. રાજે પણ ઈંગ્લિશ ગાયક વિવિયન લૉબો પાસે 'ઇશ લિબે દિશ, આઇ લવ યૂ' નામનું ઈંગ્લિશ ગીત ગવડાવ્યું હતું.

પ્રેક્ષકો માટે તો એ અનોખી અને તદ્દન નવી વાત હતી ને? અમે બધા કહેતા, ''આવી કમાલ તો રાજ જ કરી શકે...'' આજે જે દબદબો અમિતાભ બચ્ચનનો છે, તે આ જમાનામાં રાજ કપૂરનો હતો. નહિ તો એ જ રીલિફ રોડ પર સ્ટેશન તરફ થોડા આગળ જાઓ, તો રૂપમમાં રાજ કપૂરની જ ફિલ્મ 'દુલ્હા દુલ્હન' ચાલતી હતી... 'સંગમ'ને કારણે એની ટિકીટોના ય રાતોરાત બ્લૅક બોલાવા માંડયા.

અને 'દુલ્હા-દુલ્હન' જેવી સમજો ને... સામાન્ય ફિલ્મની ટિકીટોના બ્લૅક બોલાય તો એના બે-ત્રણ કારણો હતા. એક તો ફિલ્મમાં રાજ કપૂર હતો ને એની સાથે પહેલી અને છેલ્લી વાર બધાને બહુ ગમતી સાધના હતી.

ત્રીજું કારણ, મૂકેશના દિલડોલ ગીતોએ પ્રજાને પહેલેથી જ પાગલ કરી મૂકી હતી. આપણા એ જમાનામાં ફિલ્મો ગીતો મોંઢે થઈ જવા બહુ કૉમન વાત હતી અને એમાં ય, મુહમ્મદ રફીની સરખામણીમાં મૂકેશને ગાવો સહેલો પડતો. અલબત્ત, રાજ કપૂરની એક ખાસીયત ઘણા જાણકારો જાણે છે કે, એની ફિલ્મમાં ગીતોની ધૂનો યા તો પોતે બનાવીને સંગીતકારને આપતો, યા તો એ લોકોએ બનાવેલી ધૂનો રાજ કપૂર પાસે મંજૂર કરાવવી પડતી.

મંજૂરી તો આપણા ગુજરાતી બ્રાહ્મણભ'ઇ નિર્માતા-દિગ્દર્શક રવિન્દ્ર દવેને ય લેવી પડી હશે કે, તમારી સાથે હીરોઇનમાં સાધનાને લઉં? જાણવી ગમ્મત પડે એવી વાત છે કે, વર્ષો પહેલાં રાજની ફિલ્મ 'શ્રી.૪૨૦'ના 'ઇચક દાના બિચક દાના' ગીતમાં નરસીગ જે નાના બાળકોને ભણાવે છે, એમાં એક બાળકી સાધના ય હતી. મોટી (ઉંમરમાં) થયા પછી એ ખૂબ સફળ હીરોઇન બની, પણ કારણ જાણવા મળતું નથી કે, રાજ કપૂરને એવો તે કયો વાંધો પડયો હતો સાધના સાથે, કે એની સાથે કોઇ પણ ફિલ્મમાં કામ કરવા એ રાજી નહતો. એક બીજા સાથે ડખો પડવાને કારણે જેમ વૈજ્યંતિમાલા-દિલીપ કુમારને પૂરી ફિલ્મ 'સંઘર્ષ'ના શૂટિંગમાં 'હૅલ્લો-હાય' કહેવાના ય સંબંધો નહતા, તેમ રાજ-સાધના ય આખી 'દુલ્હા દુલ્હન' બની ત્યાં સુધી કે ત્યાર પછી એકબીજા સાથે બોલ્યા નથી. નિરીક્ષણનો મજો પડે એવી વાત એ છે કે, ફિલ્મના પ્રારંભમાં રાજ પોતાના ગરીબ ઘરમાં કૉમેડિયન આગાએ આપેલી ચિઠ્ઠી આપે છે, એ દ્રષ્યમાં પાછળ કૅલેન્ડર ઉપર વૈજ્યંતિમાલાનો ફોટો છે. એવું કોક કહેતું હતું કે, '૬૧-માં રાજ-વૈજુની પહેલી ફિલ્મ 'નજરાના'ના શૂટિંગ વખતે જ બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

દિલીપ કુમારની પૂરી ઈનાયત હતી વૈજુને પામવાની પણ જ્યાં રાજ ટાંગ મારે, ત્યાં દેવ આનંદને પણ ઝીનત અમનથી હાથ ધોવા પડે અને દેવ ઝીનીને પહેલી વારનું 'આઇ લવ યૂ' મુંબઇની તાજમહલ હોટલના ટૅરેસ-ગાર્ડન રેસ્ટરાંમાં લઇ જઇને કહી શકે, ત્યાં કોરિડોરમાં સામા મળેલા રાજ કપૂરે કાચી સેકંડમાં ઝીનીને બોલાવી તો લીધી, લઇ પણ ગયો અને 'સત્યમ શિવમ સુંદરમ'ની હીરોઇન પણ બનાવી દીધી. ખાડીયાની ભાષામાં આવી ઉઠાંતરીને 'માલ કિસી કા, કમાલ કિસી કા...' કહેવાય! દેવ બસ... જોતો રહી ગયો.

જીગરજાન દોસ્તો હોવા છતાં વૈજ્યંતિને દિલીપ પાસેથી ઉઠાવીને રાજ કપૂર લઇ ગયો, એ હોંશિયારીનો ટૉણો રાજ કપૂરે 'સંગમ'માં 'સબ દેખતે રહે જાયેંગે, લે જાઉંગા એક દિન...' ખાસ લખાવીને માર્યો છે. અલબત્ત, ફિલ્મનગરીમાં તો આવું જ ચાલતું હોય, એ ધોરણે આ ઘટનાથી રાજ-દિલીપ નામના ય દુશ્મનો બન્યા નહોતા, પણ વૈજ્યંતિને આ દુશ્મનીની મોટી કિંમત ચૂકવવી પડી.

એક તો દિલીપે 'સંઘર્ષ'માં એને એક વાર પણ બોલાવી નહિ અને 'રામ ઔર શ્યામ'માં વૈજુ જ હતી, એને કઢાવીને વહિદા રહેમાનને લેવડાવી, એના ગુસ્સામાં વૈજુના પિતાએ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બી.નાગી રેડ્ડી ઉપર લાખોની નુકસાનીનો દાવો ઠોકી દીધો, જેના સમાધાનના પૈસા વૈજુના એક ફિલ્મમાં કામ કરવાના પૈસા કરતાં ય અનેકગણા મળ્યા હતા.

રવિન્દ્ર દવેએ 'મીના બાઝાર' 'નાચ' કે આશા ભોંસલેને પ્લૅબૅક-સિંગર તરીકે પહેલો ચાન્સ આપનારી ફિલ્મ 'ચૂનરીયા' બનાવી હતી-હંસરાજ બહેલના સંગીતમાં. આમ તો રાજેશ ખન્નાને ય પહેલો ચાન્સ રવીન્દ્ર દવેએ ફિલ્મ 'રાઝ'માં આપ્યો હતો, પણ ખન્નાના કહેવા મુજબ એની પહેલી ફિલ્મ ચેતન આનંદની 'આખરી ખત' હતી, જ્યારે 'રાઝ' કરતાં થોડી મોડી રીલિઝ થવાને કારણે ફીરોઝ ખાન-પદ્મિની-પ્રાણવાળી ફિલ્મ 'ઔરત'ને ખન્નાની પહેલી ફિલ્મ ગણે છે.

નૂતનને ય હીરોઇન તરીકે પહેલી વાર રવીન્દ્ર દવેએ દિલીપ કુમારના ભાઈ નાસિર ખાન સાથે ફિલ્મ 'નગીના'માં ચમકાવી ('તૂને હાય મેરે ઝખ્મ જીગર કો છુ લિયા...') એ ફિલ્મ પુખ્ત વયનાઓ માટે જ હોવાથી ખુદ એના પ્રીમિયર શોમાં અન્ડર-ઍજ હોવાથી ડોરકીપરે નૂતનને જ સિનેમામાં જવા દીધી નહોતી. આ ફિલ્મમાં દવે સાહેબ ઘણું કમાયા, એમાં જે નવો બંગલો ખરીદ્યો, એનું નામ 'નગીના' રાખ્યું હતું.

આ તો રાજ કપૂર-સાધના-આગા જેવા ઍક્ટરોને કારણે ફિલ્મ કંટાળો ન આપે, પણ તદ્દન ફાલતુ વાર્તા પરથી બનેલી આ ફિલ્મમાં રસ લેવો પડે એવું કાંઈ નહોતું. આમે ય, રવિન્દ્ર દવે કોઈ ટૉપ-ક્લાસ દિગ્દર્શક નહોતા. કરોડપતિ મા-બાપની થપ્પડ ખાઈને યાદદાસ્ત ભૂલેલી સાધના અજાણતામાં મુંબઇ આવે છે, જ્યાં ગરીબ અને ચાલીમાં રહેતા રાજ કપૂર સાથે પ્રેમ અને પછી લગ્ન થઈ જાય છે.

ફરી પાછી યાદશક્તિ ગૂમ થાય ને એ પાછી મા-બાપને ઘેર પાછી આવે ને રાજ દરદર ભટકતો રહે અને સાધના એને ઓળખી ન શકે, છતાં ફરીવાર યાદદાસ્ત પાછી આવતા બન્ને વચ્ચે મિલન થઈ જાય. આવી હીરો-હીરોઇનની યાદદાશ્ત જતી રહે-પાછી આવતી રહે, એવી બૉરિંગ વાર્તાવાળી ઘણી ફિલ્મો જોઈ, એમાં આમાં કશું શકોરૂં ય નવું નથી.

કપૂર-ખાનદાનમાં જીવનભર મૂછો રાખનાર કેવળ રાજ કપૂર હતો. પૃથ્વીરાજ, શમ્મી, શશિ, રણધિર, રિશી, રાજીવ કે રિશી-પુત્ર રણબીરે મૂછો નથી રાખી. શમ્મી કપૂર શરૂઆતની બધી ફિલ્મોમાં મૂછો રાખતો. એની તમામ ફિલ્મો નિષ્ફળ જવા માંડી એમાં એને તાના સાંભળવા પડયા કે, રાજ કપૂરનો ભાઇ હોવાથી ચેહરો અને મૂછો એના જેવી રાખીને હમશકલ હોવાનો ફાયદો ઉઠાવે છે.

બસ, આ પછી 'તુમ સા નહિ દેખા'માં શમ્મીએ કાયમ માટે મૂછો કઢાવી નાંખી. એક રાજે પર્મેનૅન્ટ પાર્લામૅન્ટ-કટ મૂછો રાખી હતી. સાધનાને પણ અટક કાઢી નાંખવી પડી. હિંદી ફિલ્મોના ખૂબ જૂના અને ખૂબ નિષ્ફળ અભિનેતા હરિ શિવદાસાણીની એ સગી ભત્રીજી થાય (બબિતાની ફર્સ્ટ-કઝિન), પણ બન્ને ફૅમિલીઓ વચ્ચે કદી બન્યું ન હોવાથી, હરિની અટકનો પોતે લાભ ઉઠાવતી નથી, એવું બતાવી આપવા એ કેવળ સાધના બની ગઇ, નહિ તો શરૂઆતની બધી ફિલ્મોમાં એ પુરૂં નામ લખાવતી, 'સાધના શિવદાસાણી'. ફિલ્મની વાર્તા કોઈ બી હો... રાજ કપૂર મોટા ભાગે એનું ફિલ્મનું નામે ય 'રાજ' રખાવતો. આ વાતની સંપૂર્ણ સાર્થકતા 'શ્રી. ૪૨૦'માં જોવા મળી હતી કે, ગરીબ વસ્તીમાં રહીને પાછા આવેલા રાજને જોઇને એક ગરીબ લલિતા પવારને કહે છે, ''મૈં ના કહેતા થાય, મૌસી... કે એક દિન હમ ભૂકે નંગો કા 'રાજ' જરૂર આયેગા..!!''

ફિલ્મમાં રાજ કપૂર સાધનાની ભીની સાડી લાકડાના કઠેડા ઉપર સૂકવવા મૂકે છે, એ બાજુની પડોસણ લઈ જાય છે, એ અનવરીબાઇ છે. એનો ગોરધન બનતો કલાકાર વિશ્વ મેહરા છે, જે રાજનો બહુ પુરાણો દોસ્ત હોવા ઉપરાંત રાજનો મામો પણ છે. 'મુઝે કહેતે હૈં કલ્લુ કવ્વાલ...' ગીતના અંતે જે સૂકલકડી સિસોટી વગાડે છે, તે આ જ ગીતનો ગીતકાર ગુલશન બાવરા પોતે છે.

હૅલનની સમકક્ષ પહોંચી ચૂકેલી ડાન્સર મધુમતિ વિશે આ કૉલમમાં અનેકવાર લખાઇ ચૂક્યું છે (જેની અને કામિની કૌશલની એકસરખી પર્સનલ સ્ટૉરી પરથી બી.આર. ચોપરાએ માલા સિન્હા-અશોક કુમાર-સુનિલ દત્તની ફિલ્મ 'ગુમરાહ' બનાવી હતી.) પણ જે નહોતું લખાયું, એ એ છે કે, મધુમતિ ફિલ્મ 'ધરતી કહે પુકાર કે'ની સાઇડ હીરોઇન નિવેદિતાની સગી બહેન થાય.

આ જ ફિલ્મની માફક સંજીવની એ પ્રેમિકા ફિલ્મ 'જ્યોતિ'માં બને છે, જેનું લતા-મન્ના ડેનું બર્મન દાદાવાળું ખૂબ સૂરીલું ગીત 'સોચ કે ય, ગગન ઝૂમે, અભી ચાંદ નીકલ આયેગા...' પણ નિવેદિતા ઉપર ફિલ્માયું હતું. મધુમતિને નિવેદિતા પારસી બહેનો હતી. અમદાવાદમાં રહેવાનો ય ફિલ્મશોખિનોને એક ફાયદો હતો. ઑલમોસ્ટ, બધા થીયૅટરો આજુબાજુમાં. આમાં ટિકીટ ન મળે તો આમાં...! ધક્કો ન પડે. આમે ય, '૬૪ની સાલ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગયેલી ફિલ્મોની સાલ હતી.

નૉવૅલ્ટી ટૉકીઝમાં જૉય મુકર્જી-સાયરાબાનુનું 'આઓ પ્યાર કરેં' અને પછી મીના કુમારી-અશોક કુમાર અને શશિ કપૂરનું 'બેનઝિર..'એ બહુ ચાલ્યું નહિ એટલે નૉવેલ્ટીમાં જ બી.સરોજાદેવી-સુનિલ દત્તનું 'બેટી-બેટે' આવ્યૂં, એના ય ફનાફાતીયા થઇ ગયા એટલે ત્યાં જ બી.સરોજાદેવી-ભારત ભષણ (ભા.ભૂ.નું) 'દૂજ કા ચાંદ' અને છેલ્લે માલા સિન્હા-ધર્મેન્દ્ર-નિમ્મીનું 'પૂજા કે ફૂલ' રીલિઝ થયું. પ્રકાશમાં ધર્મેન્દ્રનું 'આપ કી પરછાઇયાં' આવ્યું પણ ત્યાં રિલીઝ થયેલું માલા સિન્હા-ભારત ભૂષણનું 'જહાનઆરા' બહુ ફાલતુ ફિલ્મ હોવાને કારણે જલ્દી ઉતારી લેવું પડયું, લક્ષ્મીમાં કે.એ. અબ્બાસનું 'હમારા ઘર' જરા ય ચાલ્યું નહિ, એટલે વૈજ્યંતિ માલા-જૉય મુકર્જીનું 'ઇશારા,' એ તો થોડું ય ચાલ્યું નહિ એટલે ત્યાં વહિદા રહેમાન-વિશ્વજીતનું 'કોહરા' મૂકવું પડયું. એ ય ફૅઇલ ગયું એટલે અશોક કુમાર-વૈજ્યંતિ-મનોજની ફિલ્મ 'ફૂલોં કી સેજ' આવ્યું અને પછી એમાં સાયરા બાનુ-વિશ્વજીતનું 'ઍપ્રિલ ફૂલ' આવ્યું, કૃષ્ણમાં સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારનું 'આઈ મીલન કી બેલા'એ ટિકીટબારી છલકાવી હતી.

વ્હી.શાંતારામનું 'ગીત ગાયા પથ્થરોં ને' મોડેલમાં આવ્યું હતું કે કૃષ્ણમાં, એ મને બહુ યાદ નથી આવતું...અશોકમાં લીલા નાયડૂ-પ્રદીપ કુમારનું 'બાગી,' એ પછી હૅલન-ચંદ્રશેખરનું 'ચા ચા ચા', રૂપમમાં પહેલા આ 'દુલ્હા-દુલ્હન' આવ્યું અને પછી મીના કુમારી-અશોક કુમાર-પ્રદીપ કુમારનું 'ચિત્રલેખા', એ જ વર્ષમાં આ જ સિનેમામાં કિશોર કુમાર-ધર્મેન્દ્ર-કુમકુમનું 'ગંગા કી લહેરેં' અને સાધના-મનોજનું 'વો કૌન થી ?' આવ્યું, સ્ટેશન સામેની અલંકારમાં મીના કુમારી-સુનિલ દત્તનું 'ગઝલ' પણ દિલીપ કુમારનું 'લીડર' ત્યાં મૂકવાનું હતું એટલે આ ફિલ્મની કસુવાવડ થઇ, લાઇટ હાઉસમાં ધર્મેન્દ્ર-પ્રિયા રાજવંશનું 'હકીકત'ની પહેલા મીના કુમારી-ગુરૂદત્તનું 'સાંજ ઔર સવેરા,' ત્યાં જ મધુબાલા-દેવ આનંદનું 'શરાબી, ઍલ.ઍન.માં નંદા-વિશ્વજીતનું 'કૈસે કહૂં ?'', મૉડેલમાં 'સંત જ્ઞાાનેશ્વર' અને પછી આશા પારેખ-જૉય મુકર્જીનું 'ઝીંદ્દી' અને જેની સદીઓથી રાહ જોવાતી હતી તે રાજ કપૂરનું 'સંગમ' રિલીફમાં આવ્યું ત્યારે જાણે કે આખું અમદાવાદ આ થીયેટર પર ઉમટયું હતું.

2 comments:

vinod dave said...

અશોકભાઈ..... અભિનેત્રી વૈશાલી તે મધુમતી ની બહેન થાય .... કદાચ મારી ભૂલ થતી હોઈ તેવું બની શકે .... જો કે હું ચોક્કશ નથી....

VINOD DAVE

Ashok Dave said...

You seem to be close with your guess....I think, I will have to verify again, because by the similarity of their faces, I understand you might be right. Let me verify it.
Thanks, Vinodbhai.