Search This Blog

24/01/2018

લાખા સરખી વાર્તા

પોરબંદર પાસે ચીરૂડી નામનું સાવ નનેકડું ગામ. એમ તો ગામમાં આઠ-દસ પાકાં મકાનો ય હતાં. પણ વહેલી પરોઢે હાથમાં ડબલું કે કળશીયો પકડીને જવું પડતું તો ગામની બહાર પાદરે જ ! વિકાસ કે વિદ્યા બાલન હજી આટલે ઊંડે પહોંચ્યા નહોતા.

ઘરની બહાર ખાટલી પાથરી હોય, એ ફર્નિચરવાળું ઘર કહેવાતું. ચોમાસામાં ઝૂંપડીની બહાર કાદવ ન થાય, એટલે જે ઘરમાં જવાનીયાઓ વધુ હતા, એ સરખા માપના પથ્થરો ઉંચકી લાવીને આંગણામાં સરખા માપથી પાથરી દેતા. ટુંકમાં, ગામ ક્યાંક ક્યાંક વળી રૂડું ય લાગતું.

શરીરમાં ધોધમાર જવાની ફૂટી નીકળી હતી અને પરણવાના અરમાનો હોળીની પિચકારીની જેમ ફૂટાફૂટ થતા હતા ને આવી જવાની જુવાનજોધ લાખાને ચઢી હતી. બસ, હમણાં કોઇ આઠ-દસ મહિના પહેલા જ ફાટફાટ થતી યુવાનીએ લાખાને ઘેરી લીધો હતો, પછી લાખો ઝાલ્યો રહે ? કોકે કીધું ત્યારે એને ખબર પડી કે, હવે એ જુવાન થઇ ગયો છે.

ચીરૂડીમાં લાખાના બાપા ખેતી કરતા એટલે કે ખેતમજૂર હતા. બહુ ગરીબ, બહુ ગરીબ, 'ઇ સા'બ ! જ્ઞાતિના રીતરિવાજ મુજબ પણ લાખાને પૈણની ઉંમર તો ચઢી ચૂકી હતી, પણ મોટા બાપા સાંકડી ગલીની વચ્ચોવચ શિંગડા ધૂણાવતા ઊભેલા સાંઢની માફક આડે આવતા હતા. 'અટાણે સુઉં માઇંડુ છે...? હજી તો લાખો વીહ વરસનો ય માંડ થીયો છે.... મોટો તો થાવા દિયો.... છોકરાને પૈણાય-પૈણાય કરવાના સોટાં ચઇઢા છે, તી...?''

આમ તો ઘરના બધા ય મોટા બાપા સાથે સહમત હતા, લાખાને હજી વાંઢો રાખવા માટે નહિ... ઘરમાં ખાવાને હરખું ધાન નથી તીયાં વઉને સુઉં ખવડાવશું, એની ચિંતામાં ! હજી લાખાની બેનડી તો થાંભલાની ઘોડે (થાંભલાની જેમ) કોરીધાકોડ ઊભી હતી.... એને નહિ પરણાવવાની ?

પણ લાખાને તો બરાબરનું પઇણ ઉપડયું હતું. પોતાના જ ચીરૂડી ગામની પૂરા સત્તર વરસ ને માથે તઇણ 'દિની ઉંમરે પહોંચેલી 'સઇતા'માં લાખાને પોતાની આવનારી સાત પેઢીયું દેખાતી હતી અને વચમાં વચમાં ક્યાંક કેટરિના કૈફે ય દેખાતી... આડો સલમાન ઊભો ન હોય તો ! અને હવે તો એ ગામડીયણ પણ નહોતી લાગતી. એના મોટા ભા સાથે પોરબંદર ગઇ'તી, ત્યાંથી બન્ને ઢીંચણથી ફાટલું જીન્સ લેતી આવી હતી ને માથે કાળું ડિબાંગ ટી-શર્ટ... લાલ દિલના ચિત્રવાળું ! ટીવી પર ફિલ્મો આવે એમાંથી સઇતા શીખી હતી કે, હીરોઇનું માથામાં તેલું નો નાંખે, વાળ છુટ્ટા રાખે, ઊભી બજારે નીકળી હોય ત્યારે ગોગલ્સ ઠઠાડી રાખવાના અને ચાલતી વખતે પગના ઝાંઝરૂ બોલવા જોઇએ.

એ તો કોકે વળી કીધું કે જીન્સના પાટલૂન હેઠે ઝાંઝર નો સારા લાગે એટલે સઇતા ઝાંઝરને જીન્સના પૉકેટમાં રાખતી. એને કોઇ મોટો શોખ હોય તો મોબાઇલમાં સૅલ્ફી લેવાનો.... અને ઘણી વાર તો સૅલ્ફી પાઇડાં પછી સઇતાનો પોતાનો ફોટો ય પડતો ! મોટે ભાગે તો એનો હાથ હલી જતો એટલે પોતાના કરતા આજુબાજુના ઝાડી-ઝાંખરાના 'સૅલ્ફી' વધારે આવતા.

ખાસ તો, સઇતાના શરીરનો આકાર અને ચેહરા ઉપર સુંદરતાના આખેઆખા ગોડાઉનો ચોંટયા હોય એવી રૂપકડી થઇ ગઇ'તી. કહે છે કે, લોકો પોરબંદરથી સઇતાને જોવા માટે ખાસ આવતા.... એવું સઇતા માનતી.

લાખો જાણતો' તો કે, સાવ નખ જેવડાં આ નનેકડાં ગામ ચીરૂડીમાં તો પોતાના સિવાય હવે જુવાને ય કોણ રિયું છે ? લાખો ખુશ થતો કે, સઇતા માની જાય તો લાઇફમાં એક દિ ચીરૂડી સાથે ગામની બહાર આવેલી ટેકરી ઉપરથી ગબડતા-ગબડા હેઠે આવવું છે... એણે જોયેલી બધી હિંદી ફિલ્મોએ એને આ શીખવ્યું હતું કે, પ્રેમમાં પડયા, એટલે પર્વતના ઢાળ ઉપરથી, બન્નેએ ચીપકેલાં રહીને ગગડતા ગગડતા નીચે આવવાનું હોય, પણ ગીત ચાલુ રહેવું જોઇએ.

હવે... ચીરૂડીમાં તો પર્વતો ક્યાંથી કાઢવા....? બરફની જગ્યાએ તગારાં ભરીભરીને ટેકરી ઉપર મીઠું ભભરાવો તો બરફના પર્વતું જેવો આકાર આવે. પણ ઈ પોસાવું જોઇં ને ? ગામની ભાગોળે એક નનેકડી ટેકરી જેવું હતું, એની ઉપર ચઢીને બન્નેએ એકબીજાને વળગીને ગગડવાનું. વાંહે શરતું એટલી કે, ગામનું કોક જોતું નો હોવું જોઇં, ટેકરી ઉપર પડેલા ઝાંખરા આપણે મૉ'રથી (અગાઉથી) સાફ કરી આવવા પડે અને ગગડવું તો હેઠે સુધી પડે... વચમાં અટકવાનું નહિ !

પણ આ બધા તો સપના હતા. સઇતા માનવી જોઇએ ને ? અને એ માને, એના કરતા આવું ગબડવાનું એને ફાવવું જોઇએ. આવી પ્રૅક્ટિસ બધીઓને ના ય હોય ! ટેકરીની ટોચ પર પહોંચ્યા પછી, વન-ટુ-થ્રી બોલીને બન્નેએ સાથે પડવાનું, પણ પોતે એકલો હેઠે આવ્યો ને આમ કરવામાં ક્યાંક હાઇડકા ભાંયગા  તો ?

નવાઇ તો પછી, પહેલાં આઘાત લાગે કે લાખાને, પરણવા કરતા ય સઇતાને પકડીને ટેકરી પરથી ગબડવાના બહુ અરમાનો થતા. આમ તો રાજેશ ખન્નો એને બહુ ગમતો નહિ, પણ કહે છે કે, મુમતાઝ કે શર્મીલા ટાગોરને બથ્થ ભરીને બરફના પહાડો ઉપરથી ગબડવા ઉપર એનો વાંહો ફિટ બેસી ગયો હતો. હવે તો સલમાન ખાન કે અક્ષય કુમારો ય આવું કરતા શીખી ગયા છે, તો આપણને કાં નો આવડે ?

સરકાર ગ્રામવિકાસની વાતું ભલે કરે પણ હજી ચીરૂડીમાં પાકું મકાન તો એકે ય નહોતું બઇનું. જો કે, મોબાઇલો બબ્બે હજારમાં મળી જતા, એમાં સઇતાની કાચી ઝૂંપડીની પાછળ છાનામાના ઊભા રહીને લાખાએ ફોટા ઘણા પાડયા હતા, એમાં તગારામાં ગાયનો પોદરો ઉપડાતી સઇતા બઉ ઝગારા મારતી હતી. ઈ ફોટો તો લાખો કોક 'લાઇફ' નામનું મૅંગેનીઝ આવે છે ને.... શ્યોરી, મૅગેઝિન, એમાં મોકલવા તૈયાર હતો. (આવા ફોટા છાપવા ન પડે, એ કારણે આખું 'લાઇફ' બંધ થઇ ગયું.)

સઇતાનો બાપ લાખાના ડોહા કરતા થોડો પૈસાવાળો ખરો. એમને બે ભેંશુ હતી ને લાખાના આખા ઘર વચ્ચે એક ગાય, બે રખડતા કૂતરાં અને ચાર-પાંચ કૂકડાઓ !... એમાં મોટા ભા પણ આવી ગયા...!!

અહીં આપણે 'થૂપ્પીસ' બોલીને વચ્ચેની વાર્તા કાઢી નાંખીએ છીએ કે, પછી લાખો અને સઇતા કેવી રીતે સાચુકલા પ્રેમમાં પડી ગયા, કેવી રીતે બન્ને લીમડાના ઝાડ નીચે ઘર-ઘર રમતા પકડાઇ ગયા'તા ને સઇતાના બાપે ગામના ચોરા વચ્ચે લાખાની કેવી બેફામ ધોલાઇ કરી હતી ! આપણે એ બધી ફિલ્મી વાતો રદબાતલ કરીને સીધા મુદ્દા ઉપર આવીએ છીએ કે, ટેકરી પર પહોંચ્યા પછી શું થયું ?

જીવનમાં પહેલી વાર ગબડવાનું હતું એટલે લાખો, સઇતાને બદલે એના બાપને બથ્થ ભરીને ગબડવાનું હોય એવો ધ્રૂજતો હતો. એ ડોહાને ધરમના હરએક કામમાં પથરા નાંખવાની ટેવ હતી. પણ સઇતા રીલૅક્સ હતી. એનું મન લાખા અથવા એની હારે ગબડવાના સૅલ્ફીઓ  લેવામાં વધારે ચોંયટું હતું.

''લાખા... આપણે આંઇથી ખાબકવું જરૂરી છે ?'' લાખો વધુ અકળાયો એટલે કે સઇતા 'જરૂરી'ના ''ને બદલે ઝભલાંનો '' બોલતી હતી. ''ઈના કરતા હાથમાં હાથ પકડીને હેઠે ઉતરી જાંઇ તો...?''

''સઇતુ....તું આંઇ મેલડી માંના દર્સનું કરવા આઇવી છો ? હાલ હવે... મને બથ્થ ભરીને ઊભી 'રે... અને કંવ એટલે મારી ભેળાભેળું ખાબકજે.... હઇમજી ?''

સઇતા સમજી તો ખરી પણ સૅલ્ફી ચાલુ કર્યા પછી સમજી અને લાખો ૧, ૨ ને તઇણ બોયલો ત્યારે સઇતાએ 'બોલ મારી અંબે'ની રાડું નાખતી હોય, એવા તાનમાં આવી જઇને, સૅલ્ફી લેવા હાથ ઊંચો કર્યો, એમાં પગ લપસ્યો. ઝંપલાયવું તો લાખાએ પણ હતું, પણ હરખું માપ નો લેવાણું એમાં લાખો આની કોર ખાબક્યો ને સઇતા ઓલી કોર !

ઘટનાનો આ સાર છે 'કે, ઈ પછી લાખો ગામની આ પાર પૈણ્યો ને સઇતા ટેકરીની ઓલી પારના ગામડે જમા થઇ ગઇ.... પણ નવી બાઇડીને લાખો ઘરમાં ય એકે સૅલ્ફી  નથી લેવા દેતો, એવો બગડયો છે.

ઈ વાત નોખી છે કે, લાખાની નવી વાઇફ ચંદેરીને પોતાનો સૅલ્ફી પડાવવો હોય તો પેલી ટેકરી ઠેકીને સઇતા પાસે છાનીમાની જઇ આવે છે... આ બાજુ, ધૂંધવાયેલો લાખો પોતાના ઍક્સ-રે ય ફાડી નાંખે છે.

(કેવળ વાર્તાના શીર્ષક માટે સ્વ. કવિ શ્રી રમેશ પારેખની ક્ષમા સાથે)
(સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતી વાચકોને કાઠીયાવાડના તળપદા શબ્દો સમજવામાં અઘરા પડે, એ ભયથી પૂરી વાર્તામાં કાઠીયાવાડી-બોલી જાળવી નથી. સૌરાષ્ટ્રવાળાઓએ જાતે અનુવાદ કરી લેવો.)

સિક્સર
-
હવે સિનેમાઓમાં પણ રાષ્ટ્રગીત મરજિયાત... ઊભા થવું હોય તો થવાનું, નહિ તો કાંઇ નહિ. સુપ્રીમ કોર્ટનું સૂચન છે.
- હા, પણ જજસાહેબો અદાલતમાં દાખલ થાય ત્યારે ઊભા થઇ જવું પડે. એમાં કોઇ છુટછાટ નથી.

No comments: