Search This Blog

19/01/2018

ફિલ્મ: 'સરગમ' ('૫૦)
નિર્માતા    : ફિલ્મીસ્તાન સ્ટુડિયો
દિગ્દર્શક    : પ્યારેલાલ સંતોષી
સંગીત    : સી. રામચંદ્ર
ગીતકાર    : પ્યારેલાલ સંતોષી
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ, ૧૩૫ મિનિટ્સ
કલાકારો : રાજ કપૂર, રેહાના, રાધાકિશન, ઓમપ્રકાશ, ડેવિડ, બેબી તબસ્સુમ, પારો, વિજયાલક્ષ્મી, મુમતાઝ અલી, રામસિંહ, રાજેન્દ્રસિંઘ, એસ. એલ. પૂરી, કમલેશકુમારી, બિમલા, ચંદાબાઈ, સુરૈયા ચૌધરી, સૅમસન, રતનકુમાર, હારૂન, સુદેશ અને નિરંજન શર્મા

ગીતો
૧. તિનક તીન તાની, દો દિન કી જીંદગાની...    લતા મંગેશકર- સરસ્વતી રાણે
૨. જબ દિલ કો સતાવે ગમ, તૂ છેડ સખી સરગમ-    લતા- સરસ્વતી રાણે
૩. અરે બુઢ્ઢા હૈ ઘોડા લાલ લગામ, કૈસી યે જોડી...    લતા મંગેશકર- ચિતલકર
૪. શુનો શા'બ... શુનો ભૈયા, સબ સે બડા રૂપૈયા    લતા- રફી- ચિત્તલકર
૫. વો હમ સે ચૂપ હૈ, હમ ઉનસે ચૂપ હૈ, મનાનેવાલે...    લતા- ચિત્તલકર
૬. મૈં હૂ અલ્લાદીન, મેરે પાસ ચીરાગે-ચીન...    લતા- રફી- ચિત્તલકર
૭. હાં મૈ હું એક ખલાસી, મેરા નામ હૈ ભીમપલાસી...    ચિત્તલકર- સાથી
૮. મૌસમે બહાર યાર, દિલ હૈ ગુલઝાર યાર...    લતા- ચિત્તલકર- સાથી
૯. કોઈ કિસી કા દીવાના ના બને, દીવાના ના બને    લતા મંગેશકર
૧૦ યાર વઇ વઇ સિકૈયા...હો રાત મિલન કી દિલ હૈ...    લતા- ચિત્તલકર- સાથી

એ ત્રિપૂટીમાંથી કેવળ રાજ કપૂર જ એકલો હીરો હતો જેના હીરોપણામાં કૉમેડી પણ આવતી. એકાદ- બે અપવાદો બાદ કરતાં દેવ આનંદ કે દિલીપકુમારની ફિલ્મોમાં હાસ્ય શોધ્યું ન જડે. એકલા દિલીપ- દેવ જ શું કામ, એ જમાનાના કોઈ પણ હીરો કૉમેડી કરતા નહિ... આઇ મીન, કરી શકતા પણ નહિ, એક માત્ર ધી ગ્રેટ મોતીલાલને બાદ કરતા ! પણ રાજ કપૂરમાં જન્મજાત ચાર્લી ચેપ્લિનની છાંટ હતી, કરૂણ વાત પણ કહેવાની હળવી જુબાનમાં ! રાજના પોતાના પ્રોડક્શનની તમામ ફિલ્મોમાં મેસેજ આ જ ઢબે અપાયો હોય... Every humour has a pathos inside !

પણ પ્યારેલાલ સંતોષીની આ ફિલ્મ 'સરગમ'માં એવી હળવાશ કે ગંભીરતાથી ચર્ચવા જેવું કાંઈ નહોતું. એ જમાનાના દર્શકોને હસાવવામાં આ ફિલ્મે કંઈક સારા ધંધા જેવું કર્યું અને ૧૯૫૦ની બૉક્સ-ઑફિસ પર સફળ થયેલી તમામ ફિલ્મોમાં સંતોષીની આ ફિલ્મ 'સરગમે' આઠમો નંબર મેળવી રૂ. ૮૫ લાખનો વકરો કર્યો હતો.

કમાણી રૂ. ૪૮ લાખ. અમથું ય, કોઈ ફિલ્મમાં રાજ કપૂર હોય એટલે ટિકિટબારી ઉપર ફિલ્મ તો છલોછલ જવાની. દર્શકોને સંતોષ રહેતો કે, ફિલ્મ ગમે કે ન ગમે... માત્ર ૨૭-ની ઉંમરનો કેવો હેન્ડસમ રાજ કપૂર થોડું ઘણું હસાવશે તો ખરો ! એમાં ય, ફિલ્મ 'સંગમ' જેવી બે-ચાર ફિલ્મોને બાદ કરતા રાજ શૂટેડ-બૂટેડ અપ-ટુ-ડેટ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળ્યો છે, અધરવાઇઝ... જાગતે રહો, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, આવારા, શ્રી. ૪૨૦, છલીયા કે અનાડી જેવી મોટા ભાગની ફિલ્મોમાં એણે કપડાના જોરે ખૂબસૂરત દેખાવાનો પ્રયત્ન કર્યો નથી, ત્યારે આ ફિલ્મ 'સરગમ'માં એ પૂરી ફિલ્મમાં પરફેક્ટ મેચિંગના શૂટ-બૂટમાં જોવા મળે, એટલે આપણને ય વધારે તો ગમવાનો જ ! આ કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી. પ્રેક્ષકોને ગલીપચી કરીને હસાવવાની કહેવાતી કૉમિક ફિલ્મ હતી ને છતાં ય, રાજ કપૂરની ઉપસ્થિતિ અને સી. રામચંદ્રના 'ક્યા બ્બાત હૈ' સંગીતને કારણે સવા- બે કલાક કાઢી નાખવામાં વાંધો આવતો નથી.

ફ્રેન્કલી કહું તો ફિલ્મની વાર્તા એટલી હદે કઢંગી હતી કે, અત્યારે એના અંશ પણ લખવા જાઉં તો ગોટે ચઢી જવાય એવું છે. ક્યાંયથી ક્યાંયનો મેળ બેસે એવું નથી. છતાં ય, આપણા જમાનાના ફિલ્મ શોખિનોને આ ફિલ્મનુ નામ તો ખૂબ યાદ છે. એ વખતે આ ફિલ્મ જોઈ હોય તો પણ અત્યારે કશું યાદ ન હોય અને ન જોઈ હોય તો પણ 'સરગમ' નામ મોટું હતું. 'શું હતું એ ફિલ્મમાં...' એવી ઉત્કંઠા રહે, એ માટે વાર્તાના અંશો રજૂ કરું છું.

વિદેશથી આવેલા રાજ કપૂરનો પિતા ઓમપ્રકાશ અત્યંત લોભી અને બદમાશ ધનપતિ છે, જેના દેવામાં ડૂબેલા શાસ્ત્રીય સંગીતકાર પંડિત જ્ઞાનપ્રસાદ (ડેવિડ અબ્રાહમ)ની પુત્રીઓ રેહાના, પારો, બિમલા, કમલેશકુમારી અને તબસ્સુમ ઉપરાંત કિશોરાવસ્થાનો પુત્ર સુદેશ ગરીબાઈને કારણે લાલચુ રાધાકિશન અને હારૂન સાથે પણ વ્હાલસોયી દીકરી ભૈરવી (રેહાના)ને પરણવા તૈયાર થાય છે, પણ રાજ કપૂર પોતાના જ ઘરમાંથી રૂ. ૧૦ હજાર ચોરીને ડેવિડનું મકાન લીલામ થતું બચાવવાનો પ્રયાસ કરે છે, જેને એનો પિતા ઓમપ્રકાશ પકડી પાડીને લીલામી કરાવે છે. આખું ફેમિલી ટ્રેનમાં વગર ટિકિટે કોઈ અજાણ્યા ગામ જવા નીકળે છે, પરંતુ ટિકિટ ન હોવાથી સ્ટેશન માસ્તર એ લોકોને જેલમાં મોકલવાની પેરવી કરે છે, જેને એક મોટા થીયેટરનો માલિક કુમાર સા'બ (રામસિંહ) ભૈરવીને પોતાની કરવાની લાલચે બચાવે છે. પ્રેમિકાની શોધમાં દોસ્ત મુમતાઝ અલી (અસલી જીવનમાં મેહમૂદના પિતા) સાથે એ જ ગામમાં આવી ચૂકેલા રાજ કપૂર ફિલ્મના તમામ ખલનાયકો ઓમપ્રકાશ, રાધાકિશન, હારૂન અને રામસિંહથી બચાવીને ભૈરવીને પામી શકે છે.

ફિલ્મમાં તો સમજ્યા કે કોઈ વેતો નહતો, પણ સંગીતકાર સી. રામચંદ્ર આ ફિલ્મના સંગીતમાં પૂરજોશ ખીલ્યા હતા, ખાસ કરીને ચાર ગીતો માટે (૧) તિનક તીન તાની, (૨) જબ દિલ કો સતાવે ગમ, (૩) કોઈ કિસી કા દિવાના ન બને અને (૪) વો હમ સે ચૂપ હૈ, હમ ઉનસે ચૂપ હૈ, ખાસ તો લતા મંગેશકર સાથે મહાન શાસ્ત્રીય ગાયિકા સરસ્વતી રાણેના બે યુગલ ગીતો આજે પણ પેન-ડ્રાઇવમાં રેકોર્ડ કરીને કારમાં રોજેરોજ સાંભળવા જેવા છે. રાણે તો મૂળભૂત ક્લાસિકલ સિંગર હતા, પરંતુ શુદ્ધ શાસ્ત્રીય સંગીતમાં નહિ જઈ શકવા બદલ મન્નાડેની માફક જીવનભર પસ્તાવો કરનારી લતા મંગેશકરે આ બન્ને ગીતોમાં આલાપ, સરગમ અને તાનો દ્વારા કોઈ મોટી કમાલો કરી બતાવી છે.

ફિલ્મમાં વિલનનો રોલ કરતો કોમેડિયન ઓમપ્રકાશ (અટક છિબ્બર) જમ્મુમાં જન્મેલો (જન્મ તા. ૧૯ ડીસેમ્બર, ૧૯૧૯, મૃત્યુ તા. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૮) હતો. ફિલ્મના પ્રારંભે ઓમપ્રકાશ જે. કુમાર સા'બનું ફૂલહારથી સ્વાગત કરે છે, તે એક્ટર રામસિંહ. રામસિંહ એ જમાનાનો ઊંચો- તગડો અને દેખાવડો ખલનાયક હતો. એ જલસામાં ક્લાસિકલ રાગની ગાયકીની હીરોઇન જે રેહાના જેની ઠેકડી ઉડાવે છે, તે કોમેડીયન મૂલચંદ. જે ખીજાઈને સ્ટેજ છોડવા તૈયાર થાય છે, એને મનાવનારો 'હારૂન' છે, જે એ વખતની મોટા ભાગની ફિલ્મોમાં ઇંગ્લિશ બૉ-ટાઇ અને શૂટ પહેરીને આવતો. આ ફિલ્મમાં 'બુઢ્ઢા હૈ ઘોડા લાલ લગામ...' ગીત આ હારૂન માટે ગવાયું છે. ઓમપ્રકાશ અને રામસિંહની બાજુમાં (ઓમપ્રકાશની પત્નીના રોલમાં) આંખો તદ્દન બાંડી સ્ત્રી બેઠી છે તે ચંદાબાઈ છે, જેને તમે 'મુગલ-એ-આઝમ'માં નૃત્યના એકાદ ઠેકો લગાવતા જોઈ છે.

લતા મંગેશકરના લૅજન્ડરી ગીત 'તિનક તીન તાની...'માં તાનપુરામાં સંગત કરવાની સાથે સરસ્વતી રાણેના પ્લૅબેકમાં ગાનારી સ્ત્રી પારોદેવી છે (જે દેવ આનંદની ફિલ્મ 'તેરે મેરે સપને'માં ડૉ. મહેશ કૌલની કજીયાળી પત્ની બનીને દેવ આનંદ સાથે ઝઘડે રાખે છે.) બેઆબરૂ થઈને ઓડિયન્સમાં બેસી ગયેલા મૂલચંદની બાજુમાં જોધપુરી કોટ પહેરીને બેઠેલ કલાકાર મુમતાઝ અલી છે, જે કોમેડિયન મેહમૂદના પિતા હતા.

આ ફિલ્મમાં એ રાજ કપૂરનો જીગરી દોસ્ત બને છે. સ્ટીમરમાં રાજ કપૂરની સાથે એનો દોસ્ત ઉતરે છે, એ રાજેન્દ્રસિંઘ છે, જે ફિલ્મ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં પોપટલાલનો પપ્પો બને છે. અહીં એ મૉડર્ન જાદુગર બન્યો છે.

મોટી વાત એ છે કે રાજેન્દ્રને આ ફિલ્મની સેકન્ડ હીરોઇન વિજયાલક્ષ્મીના હીરો બનવા મળ્યું છે. એક જમાનામાં (ફિલ્મ 'બાવરે નૈન'માં જેની ઉપર 'ખયાલો મેં કિસી કે, ઇસ તરહ આયા નહિ કરતે...' રાજની સાથે ફિલ્માયુ હતું) અને ફિલ્મ 'આહ'માં નરગીસની બહેન બને છે તે) વિજયાલક્ષ્મી સાથે રાજનો પ્રેમસંબંધ નરગીસે પકડી પાડયો હોવાનું કહેવાય છે !) એ આ ફિલ્મમાં વિજયાલક્ષ્મીના પિતા નિરંજન શર્મા બને છે.

આપણે એને એક અનેક ફિલ્મોમાં વૃદ્ધ જોયો છે એટલે પૂરા હટ્ટાકટ્ટા અને પર્સનાલિટીવાળા શરીરમાં એ જલ્દી ઓળખાતો નથી. સ્ટીમરમાં વિલન અજીત (લૉયન) જેવો દેખાતા રામસિંહનો આસિસ્ટન્ટ બને છે બાઝિદખાન. '૭૦-ની અનેક ફિલ્મોમાં એ શૂટેડ- બૂટેડ અડધી ટાલ અને ચશ્મા પહેરીને પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ કરતો જોયો હશે.

બૉટના તોફાન પછી બચેલા પ્રવાસીઓ દરિયાકિનારે લાંગરે છે, તેનો આદિવાસી રાજા બન્યો છે, સૅમસન, દેવઆનંદની ઘણી ફિલ્મોમાં આવી ગયો છે. તબસ્સુમ અહીં બાળ કલાકારના રોલમાં રેહાનાની નાની બહેન બને છે. ડાક બંગલામાં રાજ અને મુમતાઝ અલી સંતાવવા જાય છે, ત્યાંનો પઠાણ એસ. એલ. પૂરી છે, જે દિલીપકુમારની ફિલ્મ 'નદીયા કે પાર'માં ડૉક્ટર બને છે.

આ ફિલ્મની હીરોઇન રેહાનાનું અસલી નામ 'મુશ્તર જહાન' હતું. દેવ આનંદની પહેલી ફિલ્મ 'હમ એક હૈ'ની એ હીરોઇન હતી. રેહાનાને હિંદી ફિલ્મોની પહેલી 'ઝટકા ક્વીન'નું ટાઇટલ મળ્યું હતું. ખાસ તો એને ઊલટી પબ્લિસિટી મળી 'મુગલ-એ-આઝમ'ની નિગાર સુલતાના (તેરી મહેફિલ મેં કિસ્મત આઝમા કર હમ ભી દેખેંગે...) સાથે રાજ કપૂરની ફિલ્મ 'સુનહરે દિન' ('૪૯)માં 'લૅસ્બિયન'ના સીન માટે અને ૧૯૫૦ની ફિલ્મ 'દિલરૂબા'ના સ્નાનદ્રષ્ય માટે.

તમારામાંથી બધા ચાહકોને વિચિત્ર નામ ધરાવતી ફિલ્મ 'શિન શિનાકી બૂબલા બૂ' ('૫૨) જોવાનો એટલા માટે થનગનાટ હશે કે, લતા મંગેશકરનું સર્વકાલીન હીટ ગીત, 'તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં, હમ કિતના રોયે...' એ ફિલ્મમાં હતું, જે ફિલ્મમાં રેહાનાએ ગાયું હતું. હીરો હતો પટ્ટાબાજ રંજન. આ ફિલ્મ કદી જોવા મળે એમ નથી, કારણ કે, બહુ છીછરા અને નીચલા સ્તરની વાર્તાને કારણે ભારત સરકારે પ્રતિબંધિત કરેલી આ પહેલી ફિલ્મ હતી.

હજી હમણાં એટલે કે, ઇ.સ. ૨૦૧૦માં રેહાનાના ફૅમિલીએ પ્રોડયુસર એકતા કપૂર અને ડાયરેક્ટર મિલન લૂથરીયાને, એમની ફિલ્મ 'વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ'માં આ રેહાનાનું નામ એની મંજૂરી વિના લઈને બદનામ કર્યું હોવાની અલ્હાબાદ હાઇકોર્ટમાં લીગલ-નૉટિસ મોકલીને કૅસ ઠોકી દીધો હતો.

પી.એલ. સંતોષીનો સહેલો પરિચય એ છે કે, મીનાક્ષી શેશાદ્રીના પ્રેમમાં નિષ્ફળ પ્રેમી રાજકુમાર સંતોષીના એ પિતા થાય. 'સંતોષી' તો એમણે તખલ્લુસ રાખ્યું હતું. બાકી અટક બચ્ચનવાળી 'શ્રીવાસ્તવ' હતી. મધ્ય પ્રદેશના જબલપુરનો એ રહેવાસી ફિલ્મોની વાર્તા કે ગીતો લખી અને ફિલ્મો બનાવી- દિગ્દર્શિત કરીને પાવડે- પાવડે પૈસો કમાયો. પણ આ ફિલ્મની હીરોઇન રેહાનાના પ્રેમમાં પાગલ બનીને ઝુંપડપટ્ટીના એક ગરીબની દશામાં આવી ગયો. રેહાનાએ એને તમામ દિશાએથી ખાંગો કરી નાખ્યો હતો. સંતોષીએ રેહાનાને ગિફ્ટ તરીકે મરિન લાઇન્સ પર એક ફ્લેટ ગિફ્ટમાં આપ્યો હતો. એક ફિલ્મમાં નકલી ઘરેણાની જગ્યાએ પોતાને અસલી જ જોઈએ, એવી જીદ પૂરી કરાવ્યા પછી રેહાનાએ લાખો રૂપિયાના એ ઘરેણાં કદી પાછા આપ્યા જ નહિ, એવું એ વખતના સિને-મેગેઝિનોમાં છપાયું હતું. રેહાના પાકિસ્તાન જતી રહી અને ત્યાં જ મૃત્યુ પામી. સંતોષીનો છોકરો રાજકુમાર સંતોષી થોડો નસીબદાર કે મીનાક્ષી શેષાદ્રિને પામવા માટે એ ય ખૂબ ઝઝૂમ્યો હતો અને બાપની માફક એ ય બર્બાદીને રસ્તે ચઢી ગયો હોત, પણ સમયસરની બુદ્ધિએ બચાવી લીધો.

સરસ્વતી રાણે મશહૂર શાસ્ત્રીય ગાયિકા હીરાબાઈ બડૌદેકરના નાના બેન હતા. કિરાણા ઘરાનાના આ ગાયિકા બહેનોની જુગલબંધી જગમશહૂર હતી. હકીકતમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં મહિલાઓની જુગલબંદી આ બંને બહેનોએ જ શરૂ કરી હતી.

ઉત્તર પ્રદેશના કૈરાણા ગામને કારણે ઉસ્તાદ અબ્દુલ કરીમખાનથી કિરાણા ઘરાનાનો પ્રારંભ થયો, એ ઉસ્તાદની આ દીકરી એટલે સરસ્વતી રાણે. નામ- અટકમાં તેમને ગરબડ લાગે. વાસ્તવમાં ઉસ્તાદ તારાબાઈ માનેને પરણ્યા હતા અને એમની પાંચ પૈકીની એક દીકરી એટલે આ 'સકીના' પણ ઉસ્તાદથી છૂટાછેડા પછી તારાબાઈએ પાંચેય સંતાનોના નામ હિંદુ કરી દીધા અને 'સકીના'ની સરસ્વતી થઈ. એમનો મોટો ભાઈ સુરેશ માને અને મોટી બહેન હીરાબાઈ પાસેથી સરસ્વતી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખ્યા.

વિજય ભટ્ટની લૅજન્ડરી ફિલ્મ 'રાજરાજ્ય'નું વિશ્વપ્રસિદ્ધ ગીત 'બીના મધુર મધુર કછુ બોલ' (રાગ : ભીમપલાસ) સરસ્વતીએ ગાયું હતું. ફિલ્મના પરદા ઉપરે ય એ જ ગાય છે. સરસ્વતી રાણે ફિલ્મોમાં હીરોઇન તરીકે શું કામ નહિ આવ્યા, એ સવાલ પૂછવાનું મન થાય એમનું અત્યંત તેજસ્વીરૂપ જોઈને ! બહુ ખૂબસુરત હતા એ. આ ગીતમાં એમણે પોતે વીણા વગાડી છે. (શક્ય છે, રૅકોર્ડિગમાં અન્ય કોઈ આર્ટિસ્ટે વગાડી હોય !)

સી. રામચંદ્રએ પોતાની આત્મકથાનું નામ પણ આ ફિલ્મથી પ્રેરિત થઈને રાખ્યું હતું, 'માઝ્યા જીવણાચી સરગમ'.

'સરગમ' એટલે શું ?
(આ સાથે શાસ્ત્રીય સંગીતની કેટલીક મૂળભૂત સમજ આ લખનાર જેવા સામાન્ય જ્ઞાન ધરાવતા વાચકો માટે આપવાનો અહીં પ્રયાસ કર્યો છે. આને શાસ્ત્રોક્ત સમજ કહેવાનો કોઈ દાવો નથી, પણ સંગીતને માણનારા ચાહકોને શાસ્ત્રીય સંગીતનું આ લખનાર જેટલું ય અક્ષરજ્ઞાન મળે, એ હેતુથી આ સમજ આપવામાં આવી છે.)

ફિલ્મનું નામ 'સરગમ' એટલે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના સાત સૂરો 'સારેગમપધનિસા'ના પહેલા ચાર અક્ષરોને હળવા કરીને 'સરગમ' શબ્દ બનાવાયો છે. કોઈ ગીતમાં - જેમ કે 'મધુબન મેં રાધિકા નાચે રે...'માં મુહમ્મદ રફી છેલ્લે 'ની સા રે સા, ગ રે મ ગ,' જેવા સૂરો છેડે છે, એને સરગમ ગાઈ કહેવાય. 'લાગા ચૂનરી મેં દાગ' ગીતમાં મન્ના ડે, 'દિમ તાનાના દેરે ના' ગાય છે, એવા શબ્દો ગવાય એને તરાના કહેવાય. મોટા ભાગે ગીતના પ્રારંભે ગાયક કેવળ 'આઆઆઆઆ... આઆ' ગાય, તેને આલાપ કહેવાય. પણ 'મધુબન મેં રાધિકા નાચે રે...'માં ચાલુ ગીતે કોમેડિયન મુકરી ચાળા કરતો ગાઈ બતાવે છે, તેને 'તાન કહેવાય (હું ખોટો હોઈ શકું છું, પણ આ તાન ઉસ્તાદ નિયાઝ હૂસેન ખાન સાહેબે મારી હતી. ભૂલચૂક લેવી દેવી.) એ પરફૅક્ટ તાન જ હતી, પરંતુ મોટા ભાગની હિંદી ફિલ્મોમાં શાસ્ત્રીય ગાયકીને આ રીતે મજાકને પાત્ર બતાવાઈ છે.) ગાયક ગીતમાં કોઈ એક અક્ષરને મરોડીને ગાય, એને મુર્કી કહેવાય, જેમ કે ફિલ્મ 'પૂનમ કી રાત'ના 'દિલ તડપે તડપાયે' ગીતના અંતરામાં રફી એક અક્ષરને 'કિસ કો સદા દૂં...'માં આ 'દૂઉઉઉઉ... ઉઉઉ'ને મરોડીને ગાય છે, એને મુર્કી કહેવાય. 'તુમને મુઝકો હંસના સીખાયા...' ગીતમાં લતા/ રફી જે ઊંચા સ્વરોમાં 'હંસના સીખાયા' ગાય છે, તે તારસપ્તકમાં ગાયું એમ કહી શકાય, જ્યારે 'દિલ જલતા હૈ તો જલને દે...' ગીતમાં મૂકેશ જાણે નાભિમાંથી અવાજ કાઢતો હોય એવા નીચલા સ્વરે ગાય છે, એને ખરજમાં ગાયું કહેવાય. બાકીનું ગીત મધ્યમ સ્વરોમાં ગવાય કે એને તાર સપ્તક કે ખરજમાં લઈને ગવાતું હોય અને છેલ્લે, ખાસ વાત... આપણે ફિલ્મી ગીતોના ચાહક હોઈએ, એમાં સહેજ પણ જરૂરી નથી કે, આપણને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન હોય... ઑન ધ કૉન્ટ્રારી જેને શજેપ અન જ્ઞાન ન હોય, તે સંગીતને વધુ સારી રીતે માણી શકે છે, એવું જાણકારો કહે છે.)

No comments: