Search This Blog

31/01/2018

ભ'ઇ કરતા બેન લમ્બુ છે

પરણીને એને ઘરમાં તો લાવી દીધેલી, પણ ઘરમાં ગોઠવ્યા પછી બેવકૂફીનું ભાન થયું કે, રૂમ કરતાં કબાટ મોટું આવી ગયું છે. આપણા દેશમાં સાલું માપીને પરણાતું નથી. કન્યા જોવા જાઓ ત્યારે ખિસ્સામાં ફૂટપટ્ટી રાખીને જવાતું નથી. એમાં તો બા પહેલા ખીજાય! એને જોવા ગયા પછી ધ્યાન એની સુંદરતા ઉપર ચોંટેલું રહે, એમાં છોકરીના હાઇટ-બૉડી જોવાના રહી જાય, એટલો આપણો વાંક.

આ બાજુ, દીનશો પૂરા સવા છ ફૂટ ઊંચો ને વાઇફને ત્રણ-ત્રણ ફૂટના બે સ્ટૂલ ઉપર ઊભી રાખ્યા પછી કાન સુધી પહોંચે. ઘરમાં તો બધા હોય. કાનમાં કાંઈ કહેવું હોય તો ય, દર બબ્બે મિનિટે દીનશાના પગ પાસે બબ્બે સ્ટૂલો મૂકીને એમ કાંઈ ઊભા રહેવાય છે?

મકાન નવું લીધું હતું ને દીનશાને પહેલો પ્રોબ્લેમ એ નડયો કે સુવાના બન્ને પલંગ કયા કયા માપના કરાવવા? આમ તો, બે વચ્ચે એક પલંગ ચાલે પણ ઘરમાં બા-બાપુજીની અવરજવર નહિ? ''શરમ જેવું કાંઇ ફિટ કરાવ્યું છે કે નહિ...?'' એવું ફાધર તો ઉઘાડેછોગ પૂછી લે એવા છે.

એમાં ય, સુર્મિ (દીનશાની બેન) એની નવી ભાભી માટે ડ્રેસ લેવા ગઈ, તે સ્કૂલનો યુનિફોર્મ લઈ આવી. પચાસમાં બે જોડી.... ને પરફેક્ટ થઈ પણ ગયો! બીજા બધાને આખેઆખા ટુવાલો જોઇએ ને લોરી માટે નાનકડો ટેબલ-નેપકીન ચાલે. એ જ લવાયો. કિચનમાં લોરી માટે ખાસ પ્લેટફોર્મ નીચું કરાવવું પડયું.

બારીઓ ઉપર એને સ્ટૂલ મૂકીને ચઢવું પડતું હતું. લોરીને ફક્ત દીનશો ઊંચો પડતો હતો એવું નહોતું... એને તો બાજુમાં કોકને ત્યાં સુવાવડ આવી હોય ને હરખ કરવા જવાનું હોય તો અજાણ્યા સગાઓ લોરીને 'ગીલીગીલીગીલી' કરતા રમાડવા માંડતા. એક વાર તો ટીનીમાસીએ લોરીના ગાલે પપ્પી ય કરી.

બાય ધ વે... લોરીના ઉચ્ચારમાં ધ્યાન રાખો. 'લો'ની ઉપર અર્ધચંદ્રાકાર માત્રા નથી એટલે બોલવામાં 'લૉરી' બોલો તો ટ્રક-ખટારાવાળી 'લૉરી' થઈ જાય... આપણાવાલી લોરી એટલે 'હાલરડું'.

ટુંકમાં, લોરીમાં દીનશો વેતરાઇ ગયો હતો. સસરાએ કન્સાઇન્મેન્ટ જ બહુ નાનું મોકલ્યું હતું ને કમનસીબે, એમના ઘરમાં લોરીની સાઇઝનો બીજો કોઈ માલ પડયો નહોતો. અફ કૉર્સ, સંસ્કાર સારા એટલે લોરીને બદલે બીજું કોઈ લઈ આવશું, એવા નફ્ફટ વિચારો નહોતા આવતા. અને પરણ્યા છીએ એટલે સાથે બહાર તો નીકળવું પડે.

એમાં મુશ્કેલી એ વાતની કે ગાડીમાં ચઢવા માટેનું એક સ્ટૂલ અને બીજું દીનશાની બાજુની સીટમાં પાટલો ગોઠવવો પડે, તો વટેમાર્ગુઓને બાજુમાં કોક બેઠું છે, એવું માનવામાં આવે. ટ્રાફિક-સિગ્નલો ઉપર આજુબાજુવાળાઓ દીનશા ઉપર રાજી થતા કે, આટલી નાની દીકરીને ય કાર લઇને આંટો મારવાનું આ માણસ ચૂકતો નથી... વાઈફને ઘેર રાખીને બહાર નીકળવામાં છાતી ૩૬-ની જોઈએ, ત્યારે આ તો વહાલસોયી લાડકીને લઇને ફરે છે.

શૉપિંગ-મૉલ્સ દીનશાને બહુ અકળાવવા માંડયા. મૉલના ગેટ પર ગોળગોળ ફરતો કાચનો દરવાજો હોય, એમાંથી પોતે તો નીકળી જાય, પણ લોરી ભરાઇ પડે ને જે કોઈ આવતું-જતું હોય, એમ લોરી ય પડી-પડી ગોળગોળ ફરે રાખે. મૉલના 'એસ્કેલેટર' (સરકતી સીડી) ઉપર લોરીને બે વાર ઊભી રાખવી પડે, તો એક વાર ઉપર પહોંચે.

હવે લોરીની પર્સનાલિટીની વાત. પરમેશ્વરે... સૉરી, મમ્મી-પાપાએ એને હાઇટ નામની જ આપી હતી, પણ એને કોઈ 'ઈન્ફિરિયોરિટી-કમ્પ્લૅક્સ' (લઘુતાગ્રંથિ) નહોતો. કાલ ઉઠીને અમિતાભ બચ્ચન સાથે એને સેલ્ફી લેવાનો આવે, (એના ઢીંચણ સુધી તો લોરી માંડ આવે!) તો કમ્પ્લૅક્સ બચ્ચનને આવે કે, 'થૅન્ક ગૉડ... આવી સુંદર અને સ્વમાની સ્ત્રી સાથે ફોટામાં હું આવીશ...' બીજી ફખ્રની વાત એ હતી કે, દીનશાને ય આવી બટકીને પરણવાનો કોઈ પસ્તાવો નહોતો... ઑન ધ કૉન્ટ્રારી, આનંદ હતો કે, વાઇફ આ સાઇઝની હોય તો ફ્રેન્ડઝો 'ભાભી-ભાભી' કહીને નજર તો ના બગાડે! વાઇફની ઓછી હાઇટ ચાલે... ગોરધન બાંઠીયો હોય એ સારૂં ન લાગે... લોકો વાતો કરે! ...આ તો એક વાત થાય છે.

લોરીની એક ફ્રેન્ડ બહુ ક્લોઝ બની ગઈ હતી - પલ્લુ. હતી તો ખુબસુરત પણ વજન માટે એણે ઈશ્વરને બદલે રસોડાને પોતાનો આદર્શ માન્યો હતો. પરિણામે, સાઇઝમાં એ અમદાવાદના રિવરફ્રન્ટ જેવી પહોળી-પ્લસ-લાંબી થઈ ગઈ હતી. અવાજ પણ યેસુદાસ જેવો. એનો ગોરધન ગૂડ-લુકિંગ બેશક હતો પણ હેન્ડસમ ના કહેવાય કાંઇ...! પલ્લુને ઘર કે બહાર, 'જાડી' કહીને બોલાવતો.

પલ્લુ પઠ્ઠો હોવા છતાં કોઈ તેને જાડી કહે તે સહન ન થતું, ભલે ને મોંઢે ન કહે પણ મનમાં ય કહે શું કામ? ઘરમાં ય બધા, 'આ તારાથી નહિ થાય...' 'તારી સાઇઝનો તો એકે ડ્રેસ મળતો નથી'... 'હવે જરા ખાવા-પીવામાં થોડું ધ્યાન રાખ... બહુ વધી ગયું છે!' આ રોજના ડાયલોગ્સ પલ્લુને સાંભળવા પડતા. સહન ન થતું, એટલે આવી ઢમઢોલ હોવા છતાં ઢીલી ઢીલી થઇને લોરીને મળવા જતી. લોરી પાસેથી કેવળ આશ્વાસન નહિ, ઉપયોગી સૂચનો પણ મળતા... જેટલા સમજમાં આવે એટલા!

''લોરી, હવે સહન નથી થતું... બધા મને જાડી, રોડ-રોલર કે તંબૂ જેવા નામોથી બોલાવે છે... ફ્રૅન્કલી કહું લોરી... મને તો મરવાના વિચારો આવે છે... ઓહ, શું કરૂં?'' લોરી પર્સમાં લાવેલ ચીઝ-બટર સૅન્ડવિચનું બાઇટ લેતા બોલી.

''તમારા બાપાના રોટલા ખાઉં છું..? જાડી છું તો મારા વરને નથી નડતી... તમારા પેટમાં શેની ચૂંકો આવે છે?'' આવું સીધું જ કેમ કહી દેતી નથી?'' લોરી નાની હતી ત્યારે પોળમાં મોટી થઇ હતી એટલે પોળની જુબાન તો આવે. આમ તો, એના મ્હોમાંથી ક્યારેય બિનસાહિત્યિક શબ્દો ન નીકળે, પણ પલ્લુના કેસમાં આ જ કામમાં આવે, એટલે એનો સ્પિરિટ બુલંદ રાખવા લોરીએ શબ્દોની આટલી છુટ લીધી હતી.
''જો પલ્લુ, જે પ્રોબ્લેમ તારો છે, એ જ મારો છે. મને ભગવાને બટકી બનાવી ને તને જાડી. તું તો ભગવાન કરે ને તું ય કરે તો બે-ત્રણ વર્ષમાં પતલી-પતલી સુંદર સૅક્સી બની શકે છે... મને તો ઊંચા બિલ્ડિંગો બાંધવાના મોટા ક્રેનથી લટકાવી રાખે તો ય મારી હાઇટ વધવાની નથી... કે મારો દીનશો માથું પકડીને ઉપરથી ખેંચ-ખેંચ કરે કરૂં તો ય મારી હાઇટમાં ફરક પડવાનો નથી. પલ્લુડી, આપણી પાસે જે માલ પડયો છે, એ જ વાપરવાનો છે. આપણા બન્નેના ફેવરિટ રાજ કપૂરે શું કીધું'તું યાદ છે? 'લાખ લૂભાયે મહેલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...''

આવી સલાહથી પલ્લુ રાજી રાજી થઈ ગઈ. આ વખતે તો એને પોતાને ય સમજણ પડી ગઈ કે, જગત આખું ભલે ટોણા મારતું રહે... એક વાર આવું બૉડી બનાવીને તો બતાવે..! અને જગત આવું કાંઇ કરી ન બતાવે તો હું શરીર ઉતારી બતાવું... લોરીની સલાહો મુજબ, હવે પછી એકે ય સફેદ ચીજ નહિ ખાવાની...

ખાંડ, મીઠું, ચીઝ, બટર, મૅયોનીઝ, પનીર, દૂધ... અને ખાસ તો, હવે તો મા મરી જાય જો તેલનું એક ટીપું ય મોંઢામાં નાંખુ. તળેલું તો કોઇનું મગજે ય નહિ ખાવાનું. શરૂઆતમાં ભલે એટલું ન ચલાય પણ હવેથી રોજના દસ કી.મી. ચાલવું જ છે-ઊંઘમાં જુદું! મરી જતા પહેલા એક વખત શરીર ઉતારવું છે, એ નક્કી.
પલ્લુ મરી ન ગઈ... શરીર બેશક ઉતાર્યું, માત્ર છ મહિનામાં. લોરીનો સાથ અને સલાહો તો હતી જ. ૧૪૭-કીલોનું આ ઢેફૂં બૉડી ઉતારી ઉતારીને કેવળ ૬૪-કીલોનું થઈ ગયું. ખાવા-પીવાનો સંયમ કામ કરી ગયો હતો. એને જોનારાઓ માની શકતા નહોતા કે જાત ઉપર કન્ટ્રોલથી આટલું મોટું કામ થઈ શકે!

...ને! એણે ઈશ્વરને પ્રાર્થના કરી, ''પ્રભુ, મને ફરીથી જાડી બનાવી દેવી હોય તો બનાવી દો... પણ લોરૂડીને લમ્બી નહિ બનાવતા... એને બટકી જ રાખજો...''

આખરે તો સ્ત્રી સ્વભાવ ને?

સિક્સર
છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતની ૮૭૪-સંસ્થાઓએ, પોતાના કોઈ પણ કાર્યક્રમ પહેલા રાષ્ટ્રગીત ગાવાના શપથ લીધા હોવાની ખબરો મળે છે... બસ, સાધુ-સંતોની કથાઓના એક પણ આયોજક આમાં શામેલ નથી. જયહિંદ...

No comments: