Search This Blog

17/01/2018

ઘાંટો સે ખીંચકે યે ટૅબલ

એ કહેતા શરમ આવે છે કે, ગુજરાતીઓને હજી પૂરજોશમાં ઘાંટા પાડીને વાતો કરતા નથી ફાવતું. વાતો ચોક્કસ બરાડા પાડીને કરે છે, પણ એ બરાડા ય શું કામના, જે માંડ ૨૫-૫૦ લોકો સુધી પહોંચે ? હોટલ કે ક્લબમાં ૪-૫ જણા વાતો કરતા હોય તો બસ્સો માણસ ભેગું થયું હોય એટલું જ લાગે છે.

હમણાં એ બધા એકબીજા સાથે મારામારી ઉપર આવી જશે, એવું જોનારો માની લે. બધા એક સાથે એક રાગના મંડયા હોય. એ લોકોને સાંભળનારો ગોટે ચઢી જાય કે, આ લોકો કયા સબ્જૅક્ટ ઉપર કોણ વાત કરે છે અને અત્યારે માઇક કોના હાથમાં છે ! દૂર અદબ વાળીને ઊભેલા અજાણ્યાને ખબર ન પડે કે, આમાં સાભળનારા કેટલા ? કયા સબ્જૅક્ટ પર વાતો થઇ રહી છે ?

દરેકને માઇક પોતાની પાસે જોઇએ છે. પરિણામે, ભલેને બૂમાબૂમ કરીને વાતો કરતા...સંભળાય બધું પણ સમજાય છે કોને ? ટોળું હોય કે બે જણા, વાતો દિવાલ ફાડીને આરપાર પહોંચવી જોઇએ, એવા ખુલ્લા દિલે કે ખુલ્લા મોંઢે ઘાંટાઘાટ કરનારા ગુજ્જુઓ સિવાય કયા રાજ્યમાં છે ? બે જણા વાતો કરતા હોય તો એ બંને જ સાંભળે, એવા ખોટા અભિમાનો નહિ. ભલે ને બીજા સાંભળે. એક તો, અમારી વાતોમાં એવો કોઇ દમ હોતો નથી કે, બીજો સાંભળી જાય તો લાડવો લઇ જાય અને બીજું, ધોળીયાઓની માફક સાવ એ બંને જ સાંભળે, એવા ધીમા ટૉનમાં વાતો કરવાનો કોઇ અર્થ નથી.

આપણી વાતોથી પેલો એકલો જ શું કામ માલામાલ થાય ? અમે લોકો ચીસાચીસ કરીને અફ કૉર્સ, વાતો કરીએ, પણ એમાં આજુબાજુ બેઠેલાઓ ગીન્નાતા નથી, કારણ કે, એ લોકો અમારાથી ય મોટા અવાજે વાતો કરતા હોય ! આમાં કોઇ કોઇને ડિસ્ટર્બ કરતું નથી. આ તો પંખીઓનો માળો છે, 'ઇ...બે ઘડી ચીંચીંચીં કરીને કાલ તો ઊડી જઇશું !

કેટલી શરમની વાત છે કે, ઘાંટા પાડીને વાત કરનારાઓની આજકાલ ટીકા થાય છે. શું આપણી વાતને સામેવાળાના કાન સુધી પહોંચાડવાનો આપણને હક્ક નથી ? જેટલા મોટા ઘાંટે વાત કરીશું, એટલા જ બીજાના અવાજો દબાઇ જશે અને ઉપસ્થિત શ્રોતાઓ જાણી પણ શકે કે, આ બધામાં માત્ર આપણી વાત સાચી છે. પેલો ઍક્રોસ-ધ-ટૅબલ, એટલે કે, માંડ દોઢ-અઢી ફૂટ દૂર બેઠો હોય તો આપણી વાત એને સંભળાશે જ, એવી કોઇ ગૅરન્ટી ખરી ? શું આપણા દિલમાં કોઇ પાપ હોય છે, તે છાનીછપની વાતો કરીએ ? અરે, બધા સાંભળતા હોય, એવા ઘાંટે વાત કરવાથી સાક્ષીઓ ઊભા થાય છે કે, જરૂર પડે એમને સાક્ષીમાં ઊભા કરી શકાય કે, 'હું આ બોલ્યો'તો કે નહિ ?' ટૅબલ પર બેઠેલા બધામાંથી હોટેલનું બિલ ભલે એ ચૂકવતો હોય, પણ હાથ પછાડી પછાડીને પોતે જ સાચો છે, એ જાહેરાત તોતિંગ બરાડે ન કરે તો કોણ સાંભળવાનું છે ? ઇન ફૅક્ટ, ગુજરાતીઓના હૃદય ખુલ્લી કિતાબો જેવા હોય છે...ભલે મહીં ઉધઇ ચઢે, પણ એમના દિલની તો ધડકનો ય ઘાંટા પાડી પાડીને ધબકતી હોય છે. ગુજરાતનો એકે ય ડૉક્ટર કાને ભરાઈને દર્દીની છાતીએ અડાડવાનું સ્ટેથોસ્કૉપ વાપરતો નથી. દર્દીની છાતીને ડૉક્ટર પહેલી બે આંગળીથી ટકોરા મારી લે, ત્યાં 'ધકધકધક' અવાજો આવવા માંડે... ગુજ્જુ દર્દીઓ માટે સ્ટેથોની જરૂર ન પડે.

કેટલાક ઠીંગુજીઓને-એટલે કે બટકાઓને પરમાત્માએ જનમથી જ ઘાંટાને બદલે નાનકડી ઘાંટી જેવું આપ્યું હોય છે, જે બહાર નીકળી શકતી નથી. એમાં મહીં લાખો ઘાંટીઓ વપરાયા વગરની સબડતી પડી હોય છે. એ લોકોને ગુસ્સામાં ભરરસ્તે કોકને ગાળ દેવી હોય તો ય ઘાંટી નીકળતી નથી અને સાંજે પાણીના નળ આવતા પહેલા નળમાંથી પવનના સુસવાટા પહેલા સંભળાય છે, એટલી જ માત્રામાં ઠીંગુજીઓ અવાજ કાઢી શકે છે.

જેને ઠીંગુજી ગાળ દેવા કે મારવા માંગતો હોય, એ હસી પડે છે અને ભીષણ યુધ્ધ બચી જાય છે. દુનિયાભરના ઠીંગુજીઓનો બૅઝિક પ્રોબ્લેમ એ છે કે, મૂળ તો ગળામાંથી ઘાંટા જેવું કાંઇ નીકળે નહિ અને નીકળે તો ટાર્ગેટ સુધી પહોંચે નહિ. બધો ગુસ્સો મનમાં દાબી દેવો પડે છે. એ ટ્રાફિકજામમાં મરવાનો થાય છે. ગાળ એને પણ દેવી હોય છે, પણ સંભળાય કોને ? (.... છેવટે, એના હાથ બાંધી દેવા પડે... !)

કોઈ પણ વાત જેન્ટલમેનની અદાથી સોફટ અવાજે કહેવાની ગુજરાતીઓને ફાવતી નથી. જેટલું મોટેથી બોલીશું, એટલા બીજાના અવાજો દબાઈ જશે... એમાંને એમાં તો ઘણા ગોરધનોને વાઇફે કીધેલું 'આઈ લવ યૂ' ય સંભળાતું નથી અને પોતાનાવાળું જ 'આઈ લવ યૂ' સાચું, એમ માને છે. સાવ બીજા જેવું નહિ, ગુજરાતીઓ સગ્ગી વાઇફને 'આઈ લવ યૂ' પણ ઘાંટા પાડીને કહે છે, ''એક વાર કીધું... સંભળાતું નથી, બહેરી... !'' આમાં પહેલી વારનું 'આઈ લવ યૂ' ય એટલા મોટા ઘાંટે કીધું હોય કે, વાઇફ સિવાય આખી સોસાયટીની બધી સ્ત્રીઓએ સાંભળ્યું હોય... વાઈફ પાસે તો પડઘો રીટર્ન થાય ત્યારે આવે !

આમાંનું કોઈપણ એક જ વખત ઈંગ્લેન્ડ-અમેરિકા જઈ આવ્યું હોય તો એ ધોળીયાઓ ઉપર દાઝો ચઢે કે, ચાર-પાંચ જણા ય વાતો કરતા હોય તો અડધા ફૂટ દૂર બેઠેલો એમાંની એક વાત સાંભળી ન શકે. આપણા તો જીવો બળે કે, એવી તે વળી શું ધીમા અવાજે વાતો કરવાની કે, જગતથી એવું તે શું છુપાવવાનું હોય કે બાજુના બિલ્ડિંગવાળા ય સાંભળી ન શકે.

ટેબલ પર ઘાંટાઘાંટ સાથે વાતો કરવાનો એટલો ફાયદો કે, આપણી એ વાતોની ફોટો-કોપીઓ આજુબાજુ બેઠેલાઓને મોકલાવવી ન પડે. ધોળીયાઓ એવા સોફ્ટ-ટોનમાં વાતો કરતા હોય કે, એમના કમનસીબે વાત કરવામાં એ કોઈ ગુજ્જુના હાથે ઝડપાઈ ગયો તો વોશરૂમમાં જઈને કાનના કોગળા કરે.

દરેક ગોરધનનો જીવ જલાવતો સવાલ છે કે, વાઈફ (આમાં માત્ર ગુજ્જુ વાઇફો નહિ... દુનિયાભરની વાઇફોઝ આવી ગઈ !) ફોન પર ક્યારે ય બે-ત્રણ કલાકમાં વાત પતાવતી નથી. ઓફિસ જવા એ સવારે નીકળ્યો હોય ને સાંજે એના કમનસીબે પોતાના જ ઘરમાં પાછો આવે ત્યારે ફોન પર વાઇફની વાત પૂરી થઈ ન હોય. ઓહ... વોટ્સએપો અને ફેસબૂક-મેસેજીસ તો જુદા ! કહે છે કે, હવે તો વોટ્સએપ મેસેજ ખોલો તો આખો મેસેજ બૂમબરાડા સાથે સંભળાય, એવી નવી એપ બની રહી છે.

ચલો. એ ય ચલાવી લેવાય કે, વાઇફો જેટલી લાંબી વાતો કરે, એટલી આપણને શાંતિ. હકીકતમાં દરેક ગોરધને પ્રભુપ્રાર્થના કરવી જોઈએ કે, એ જ્યારે ઘેર પાછો આવે ત્યારે વાઇફ ફોન પર ચીટકેલી હોય જેથી, ''આજે કેમ આટલું મોડું થયું''થી માંડીને છુપાવવા જેવા આઠ-દસ સવાલોના જવાબોમાંથી છટકી જવાય.

કેટલાક પેટ બળ્યા હસબન્ડોઝ એવું માને છે કે, આ લોકો ફોન બાજુ પર મૂકીને વાતો કરે તો ય પેલીને મુંબઈ સંભળાય. ફોન તો કેવળ હાથ જરા સારો લાગે એટલા માટે પકડયો હોય છે, બાકી એની કોઈ જરૂરત હોતી નથી. કહે છે કે, ફોનની શોધ ત્રાસેલા ગોરધનોએ ભેગા મળીને કરી હતી. આ કોઈ એક માણસનું કામ નથી. તો જામનગર-સુરત બાજુના દુ:ખી પતિદેવો એવું માની બેઠા છે કે, વાઇફો ફોન પર ચોંટી હોય, એમાં ઘરના કામ અમારે પતાવવા પડે છે.

એ બધું તો સમજ્યા કે, કર્યા ભોગવવાના છે ને ? દરેક શાંતિપ્રિય અને પરણવા માંગતા યુવાને એ ચોખવટ કરી લેવી જોઈએ કે, વાઈફને એના બાપે આણાંમાં સેલફોન તો નથી આપ્યો ને ? આ મુદ્દાનો બીજો અર્થ કાઢીએ તો શાંતિપ્રિય ગોરધને સામે ચાલીને મોંઘો સેલફોન વાઈફને અપાવી દેવો એ બદનસીબી છે કે, ઘાંટા પાડીને બોલી તો શકાય છે... લખી શકાતું નથી.

સિક્સર

સરદાર વલ્લભભાઈ પટેલે તો એવું નહોતું કીધું કે, ''વડા પ્રધાન મને બનાવો, તો જ હું દેશની સેવા કરૂં... !''

No comments: