Search This Blog

13/07/2014

ઍનકાઉન્ટર : 13-07-2014

* શું ઓબામા ય 'એનકાઉન્ટર'માં સવાલો પૂછશે, તો જવાબ મળશે?
- સવાલો બુધ્ધિજન્ય હોવા જોઇએ.... સાવ જવાબો જેવા નહિ ચાલે!
(પાર્થ રામાણી, જદસણ)

* સર, ક્યાં સુધી આદર્શ સમાજને નામે ખોખલા રિવાજો પાળતા રહીશું?
- બહોત ગહેરી ચોટ ખાઇ લગતી હૈ, ભીડુ...!
(વિવેક મણીયા, સુરત)

* આપ રીટાયર થાઓ પછી આ કૉલમ ચલાવી શકે, એવા કોઇ માણસની જરૂર છે?
- કૉલમથી મારૂં ઘર પણ ચાલે છે.... ફાવશે?
(પરેશ ત્રિવેદી, અમદાવાદ)

* તમે આ જવાબો કઇ ચોપડીમાં જોઇ જોઇને આપો છો?
- મારી પાસબૂકમાં.
(પાર્થ જેઠવા, જામનગર)

* આંગળી કાપીને લોહીથી પત્ર લખવાની બડાશ કોક ફિલ્મ ગીતમાં આવે છે. મોંઘા ભાવના લોહી કરતા પાંચ રૂપીયાની પૅન સસ્તી ના પડે?
- ગીત સમજવામાં તમારી ભૂલ થઇ છે. એ આંગળી પેલા ઉલ્લુની કાપવાની વાત છે... પોતાની નહિ!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* હવે પછીનું ઈલેક્શન અશોક દવે અને અન્ના હજારે વચ્ચે...?
- મારે તો દુશ્મન પણ મારી બરોબરીનો જોઇએ... ગદ્દાર નહિ!
(ઉમેશ વાવલીયા, સુરત)

* વગર રૂપીયે ધંધો કરવાની કોઇ તરકીબ છે તમારી પાસે?
- પૈસાના મામલે વાણીયાઓ બા'મણની સલાહ લેતા થઇ ગયા?
(પાર્થ શાહ, ભૂજ-કચ્છ)

* 'સહારા'માં આપનું રોકાણ ખરૂં કે?
- વાઉ.... લેખકો રોકાણ કરી શકે, એટલું કમાય છે?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* 'સુંદર નારી, પ્રિતમ પ્યારી' નામનો આપે લેખ લખ્યો હતો, એ સુંદર નારી એટલે ડિમ્પલ જ ને?
- નારી સુંદર હોય પછી નામોમાં નહિ પડવાનું!
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* કન્યાને લઇને જતી જાનને જોઇને તમને શું વિચાર આવે છે?
- બસ. ઘરે લઇ ગયા પછી કન્યાને દીકરી જેવું માન મળે.
(કવિતા વસંત ગડા, મુંબઇ)

* ડૉ. મનમોહનસિંઘ આજકાલ શું કરતા હશે?
- કોણ છે એ ભાઇ?
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઇ)

* એસ.ટી. બસોમાં સ્ત્રીઓની સીટ ઉપર પુરૂષો કેમ બેસી જાય છે?
- એમની આ હિંમત? સ્ત્રીઓએ જ કહી દેવું જોઇએ કે, ''ભ'ઇ.... ખોળામાં શું છે? બીજી કોઇ સીટ પર જઇને બેસો.''
(ઓમકાર જોષી, ગોધરા)

* માણસ જેવો હોય, એવો દેખાવાનો પ્રયત્ન કેમ કરતો નથી?
- જ્યાં જાય ત્યાં પોતાનો ઍક્સ-રે સાથે રાખી રાખીને તો ના ફરાય ને, ભ'ઇ?
(વિનુ ભટ્ટ, બાબરા-અમરેલી)

* યમરાજા તમને બનાવવામાં આવે તો તમારા લિસ્ટમાં પહેલું નામ કોનું હોય?
- યમરાજાનું.
(ડૉ. મનહર વૈષ્ણવ, અમદાવાદ)

* આપને વધારે શું ગમે? આપની પ્રશંસા કે આપને આશીર્વાદ?
- બેમાંથી એક તો કરો...!
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* લોકોને સત્ય બોલવાની આદત છે... સત્ય સાંભળવાની કેમ નહિ?
- કોઇ પણ વાતની આદત પડે, એ તો બહુ ખોટું કહેવાય.
(શાંતીલાલ ચંદારાણા, જામનગર)

* આપણા રાજકારણીઓ કોઇ પ્રોજૅક્ટ જોવા વિદેશ ઉપડી જાય છે, પણ વિદેશના રાજકારણીઓ ભારતનો કોઇ પ્રોજૅક્ટ જોવા અહીં આવે છે?
- હા. સોનિયા-રાહુલનો આખરી પ્રોજૅક્ટ જોવા અનેકો આવ્યા હતા...!
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* આપ અમેરિકાની ટ્રીપ પૂરી કરીને અમદાવાદ પાછા આવી ગયા. અમારા માટે કાંઇ લાવ્યા?
- એક-બે કાળીયાઓ મારી સાથે પ્લેનમાંથી ઉતર્યા'તા ખરા!
(નિયતી જી. પટેલ)

* સ્માર્ટ ફૉન વાપરવાથી સ્માર્ટ બની શકાય ખરૂં?
- કૂવામાં કંઇ હોવું તો જોઇએ, ભ'ઇ!
(જયન્તી પંચાલ, અંકલેશ્વર)

* પ્રિય લેખકની પૂણ્યતિથિ આપણા બર્થ-ડેના દિવસે જ આવતી હોય ને ગીલ્ટ ફીલ થતું હોય તો શું કરવું?
- ઓહ, આઇ સી... મતલબ... હું તો તમારો પ્રિય લેખક નહિ જ !
(મયુરી કિશોર પટેલ, રાજકોટ)

* અમેરિકા આપના ધર્મપત્નીને સાથે કેમ લઇ ગયા નહોતા?
- હું અમેરિકા જોવા ગયો હતો... વાવાઝોડાં જોવા નહિ!
(હસમુખ રાજાણી, રાજકોટ)

* પ્રેમ કરવો એક નાટક છે. લગ્ન કરવા એક ફારસ છે. આપને હકીકત સાચી નથી લાગતી?
- બહેન, ખોટી જગ્યાએ નંબર ડાયલ કર્યો તમે!
(રમાગરી ભટ્ટ, ધોળકા)

* લગ્નો સ્વર્ગમાં ગોઠવાય છે, તો છુટાછેડા ક્યાં?
- લગ્નો સ્વર્ગમાં ગોઠવાતા હોત તો છુટાછેડા થાત શું કામ?
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

* પત્ની અર્ધાંગિની કહેવાય, તો પતિ?
- જાતતપાસ કરીને તમે મને જવાબ આપો.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* દરેક ફીલ્ડમાં નિવૃત્તિ હોય છે.. રાજકારણમાં કેમ નહિ?
- નિવૃત્તિ કામ કરવા માટેની હોય છે.
(ઉંજમા મુહમ્મદ હનીફ, અમદાવાદ)

* અમારા અમેરિકામાં તમને સૌથી વધુ શું ગમ્યું?
- એ બોલાય એવું નથી. વાઇફ પણ વાંચે છે.
(શ્રેયા પાર્થિવ શાહ, હ્યુસ્ટન-ટૅક્સાસ)

* આપને સૌથી વધારે આનંદ ક્યારે થાય છે?
- ભારતનો તિરંગો ધ્વજ લહેરાતો જોઇને.
(એમ.જી. સેતા, મહુવા)

No comments: