Search This Blog

09/07/2014

બાહર સે કોઇ અંદર ન જા સકે... અંદર સે કોઇ બાહર ન આ સકે !

બાથરૂમો બાબતે આપણો એક વર્લ્ડ-રૅકૉર્ડ ખરો, બાપજી. આજ સુધી બાથરૂમો ઉપર જેટલા લેખો મેં લખ્યા છે, એટલા તો કોઇએ વાંચ્યા પણ નથી. દરેક મહાન વ્યક્તિનું એક સમાધિસ્થળ હોય છે. ભગવાન બુધ્ધનું બોધિવૃક્ષ હતું, મહાત્મા ગાંધીનો આશ્રમ હતો, એમ મારો સમાધિઘાટ બાથરૂમમાં આવેલો છે. એવું નથી કે, મારા લેખો હું બાથરૂમમાં બેસીને લખું છું, પણ મને તાજમહલ કે રણછોડરાયજીનુ મંદિર જોઇને પ્રેરણાઓ નથી થતી... ઘરનું બાથરૂમ જોઇને થાય છે. આ એ સ્થળ છે, જ્યાંથી મને ચારે દિશાઓથી પવિત્ર વિચારો પ્રાપ્ત થાય છે.

અને હમણાં ત્યાં એવી જ એક ઘટના બની કે, મારી કારકિર્દીને એક નવો વળાંક મળ્યો.

મારી નવીનક્કોર સાસુ ઘણા વર્ષો પછી મારા ઘરે આવી. સાસુઓ ભલે હોય આપણા લગ્નો જેટલી જૂની, પણ એને નવીનક્કોરની જેમ સાચવીએ, તો વાઇફોઝ આપણી ઉપર ખુશ રહે. હું મારી સાસુને કૅટરિના કૈફ કહીને બોલાવું છું, તો તીખું અને માર્મિક હસીને, 'ચલ જુઠ્ઠે...' જેવું કંઇક બોલે છે. મનમાં પાછી માની ય જાય કે, 'જમાઇરાજા એમ કાંઇ સાવ જૂઠ્ઠું બોલે એવા નથી...!' સાલી આજકાલની સાસુઓને તો ઘરમાં ય બહાર કઢાય એવી નથી.

તે એમાં થયું એવું કે, રામ જાણે શું કરવા મહીં ગઇ હશે કે, અંદર ગયા પછી બાથરૂમનો દરવાજો એનાથી ખુલ્યો જ નહિ. ઘણાના દરવાજા આવી રીતે પર્મેનૅન્ટ બંધ થઇ જતા હોય છે, ને પછી દરવાજો તોડીને બૉડી બહાર કાઢવું પડતું હોય છે, એ હિસાબે મેં ય આકાશ તરફ જોઇને પરમેશ્વરને સ્માઇલ આપ્યું. કોને કોને ફોન કરવાના છે, એ બધું લિસ્ટ પણ સાસુ આવી, એ દિવસનું તૈયાર રાખ્યું હતું. હવે તો સ્મશાનગૃહોમાં ય અઠવાડીયા પહેલા બૂકિંગો કરાવી લેવા પડતા હોય છે. સાલું સાત-સાત દિવસ સુધી આનો નશ્વર દેહ સાચવવો ક્યાં? આ તો એક વાત થાય છે.

આપણે ય જાણતા હોઇએ કે, ઘટનાની સમાપ્તિ પછી આમાં કાંઇ સારા સમાચારો આવવાના ન હોય. અંતે બધું હેમખેમ પાર પડતું હોય, સાસુ રંગેચંગે બહાર આવતી રહે અને અંદર એને શું શું થતું'તું, એની બૉરિંગ સ્ટોરીઓ કહે. આનાથી ઝાઝું નુકસાન થતું નથી.

છતાં ઘરમાં તો શું ય જાણે ઘટના થઇ ગઇ હોય, એમ વાઇફે ધમપછાડા કરી નાંખ્યા, ''મમ્મી અંદર રહી ગઇ... મમ્મી અંદર ગઇ...''ની બૂમાબૂમો સાથે એણે આખો ફ્લૅટ ગજવી માર્યો. નૉર્મલી, આવી રીતે સાસુ ફસાઇ ગઇ હોય, ત્યારે મને અને મારા સસુરજીને એક સરખા ઉપાયો અને ઈરાદાઓ આવતા હોય છે, પણ એ મારી સાસુને સફેદ હાડલો પહેરાવતા ગયા, એમાં મારે એકલે હાથે સાસુને બાથરૂમની અંદર જમા કરાવી રાખવાની જવાબદારી આવી. એકલો માણસ તો પછી કેટલું પહોંચી વળે? એ તો ઈશ્વરી ન્યાય મેં જોઇ લીધો કે, ભોળાઓનું આ જગતમાં કોઇ નથી. સુઉં કિયો છો?

અમે તાબડતોબ બાથરૂમ તરફ ધસ્યા અને જોયું નહિ, પણ સાંભળ્યું તો અંદર કોઇ કૂરકૂરીયું કણસતું હોય, એવો મંદ મંદ અવાજ કોઇના હિબકાં ભરવાનો આવતો હતો.

''કોઇ શું...? મારી મમ્મી જ છે અંદર...! એટલી ય ખબર પડતી નથી?''

આપણે ફફડીએ તો ખરા ને કે, ભૂતકાળમાં ઘણાને અંદર સંતાડી દેવા પડયા હોય, એટલે આ વખતે કોણ છે, એ યાદ ન પણ રહ્યું હોય! કોઇ પંખો ચાલુ કરો !

''આ તારી બાનો અવાજ નથી... આમાં તો ખેતરમાં પમ્પ ચાલતો હોય, એવા ઠૂસકાં સંભળાય છે...''

''બા નહિ... મમ્મી બોલો... અને જરા શરમ કરો. હવે તમને મારી મૉમનો અવાજ ખેતરના પમ્પ જેવો લાગે છે... લગ્ન પહેલા તમે જ કહેતા'તા કે, તારી મમ્મીનો અવાજ મધુબાલા જેવો છે...!''

''હા, પણ મધુબાલા તો દેવ પણ થઇ ગઇ ને..?''

પણ, આ વખતે આવી વાતો કરવાનો મોકો નહતો. અમારી પ્રાયોરિટી અત્યારે તો એક કિંમતી જાન બચાવવાની હતી. બધાની સાસુઓ એવી અળવીતરી હોતી નથી કે, ક્યાંય નહિ ને બાથરૂમમાં ભરાઇ જાય... પણ કહે છે ને કે, માણસે બધું અહીંને અહીં જ ભોગવવું પડે છે... ઉપર સ્વર્ગ કે નર્ક જેવું કાંઇ હોતું નથી. આપણે ત્યાં તો સાલા એવા બાથરૂમો ય થતા નથી કે, સાસુને બચાવવા વાઇફને અંદર મોકલીએ તો બન્ને ભરાઇ જાય ને બહાર ન નીકળે! એવું થાય તો બે દહાડા આપણે બાજુવાળાનો બાથરૂમે ય વાપરી લઇએ.... હઓ!

વાઇફે દરવાજા ઉપર ગરોળી ચીપકી હોય, એમ ચીપકીને કાન માંડયો અને બોલી, ''મૉમ બિચારી રડતી હોય એવું લાગે છે. ઝીણાં ઝીણાં ડૂસકાં જેવું કાંઇ સંભળાય છે ખરૂં!''

''ઍકચ્યુઅલી, આ ધ્વનિ તો મ્યુનિસિપાલિટીનો નળ આવવાનો થાય ત્યારે મહીંથી પહેલા હવા નીકળવાના અવાજો આવે, એ અવાજો છે, ડાર્લિંગ.''

''અસોક... માંઇલી કોરથી મમ્મીના અવાજું તો આવે છે... ઇ બવ તકલીફમાં હોય, એવું લાગે છે...!''

''આવી રીતે કોઇ ભરાઇ ગયું હોય, એ તકલીફમાં તો હોય જ ને? અંદર બેઠું બેઠું કોઇ એકલું એકલું પત્તા ન રમતું હોય... મને લાગે છે, આપણે ફાયરબ્રિગેડને બોલાવી રાખીએ.''

''સુઉં તમે ય ઝીંકે રાખો છો? અંદર કાંય આયગું (આગ) નથી લાયગી તે પાણીના ધધૂડા છોડવાના હોય.. એના કરતા હિંદી ફિલ્મુંમાં આવે છે, એવું કાંય કરો. હીરો પોતાના ખભાના ઢીકા મારી મારીને દરવાજા તોડી નાંખે છે, એમ તમે દરવાજો તોડી નાંખો. હાય રામ... મૉમ બચારી એકલી એકલી સુઉં કરતી હઇશે?''

''અત્યારે એના એકાંતની ચિંતા કરીને, બે-ચાર જણને કંપની આપવા મોકલવાના ન હોય, ડાર્લિંગ... તું એક કામ કર. તું આપણા રૂમમાં જતી રહે... હું મમ્મીને પતાઇ દઉં છું.''

''ઓઓઓઓ... શટ અપ!''

અડોસપડોસમાંથી પણ કલાકારો ધસી આવ્યા. સાસુઓ તો ઘણાને હતી, પણ કેમ જાણે બધા મારા જેવા નસીબદારો ન હોય, એમ કેટલાક તો સહકાર આપવાને બદલે આપણી ઈર્ષા કરે.

''દાદુ... આ બાથરૂમ વેચાતું આલવું છે?'' કહેવાય મજાક પણ બાજુવાળો રમણીયો આવી ઑફર આપવા આવ્યો. એનો કસૂર બી નથી, કારણ કે, એની સાસુ છેલ્લા ૧૩ વર્ષથી એને પનારે પડી છે અને ઉપડવાનું નામ નથી લેતી. ડોબાએ બાથરૂમનો દરવાજો ય એવો ઈઝી નંખાવ્યો છે કે, અંદર ખોંખારો ખાઓ તો ય ખુલી જાય. આ તો બુધ્ધિ અમારા જેવા જામનગરીઓની જ ચાલે કે, અજાણ્યું કોક જાય તો મહીથી દરવાજો એવો ટાઇટ થઇ જાય કે ખુલે જ નહિ. નીચે વાળો પરીખ કુહાડી અને કરવત લઇને આવ્યો હતો. મેં કીધું, ''દરવાજો તારા બાપાએ નંખાઇ આલ્યો છે, તે તોડવા આયો છે? આમાં બુધ્ધિ દોડાવવાની હોય... કરવત નહિ!''

બહાર અમારા અવાજો પ્રચંડ થતા જતા હતા, ને અંદર સાવ શાંત પડી ગયું હતું. ફિલ્મ ''જીસ દેશ મેં ગંગા બહેતી હૈ''માં પ્રાણ ઝીણી આંખે ખંધૂ હસે છે, એમ કોઇ જુએ નહિ, એમ હું હસ્યો. પણ સજ્જન માણસોની ખુશી બહુ લાંબી ટકતી નથી, એમ જરાક અમથો હું પ્રસન્નતાના હાવભાવો ધારણ કરૂં, ત્યાં તો અંદરથી જરા મોટી સાઈઝનું ડૂસકું સંભળાયું.

''બા જીવે છે... બા જીવે છે.. હૂર્રે હૂરરેએ...'' એવી મેં બૂમ પાડી, એ વાઇફથી સહન ન થઇ.

''સુઉં ગાન્ડા કાઢો છો આમ..? આમને તો કિયાંય વતાવવા જેવા જ નથી. એ પરીખભા'આય... તમે જરા આ સ્ટૂલ ઉપર ચઢીને વૅન્ટીલૅટરમાંથી જુઓ તો ખરા કે, બા સુઉં કરે છે?''

બાથરૂમમાં ગયેલું માણસ મહીં શું કરતું હોય, એ કાંઇ સજ્જન વ્યક્તિઓથી જોવા-જાણવાનો વિષય નથી. શરમાઇને પરીખે ના પાડી. વાઇફનો કહેવાનો ઇરાદો એ હતો કે, મહીં બા સ્વસ્થ તો છે ને? કાંઇ વાગ્યું બાગ્યું તો નથી ને? એવું કશું હોય તો આપણને આગળની વ્યવસ્થા કરવાની ફાવે.

''અસોક... હવે હદ થાય છે.... તમે ઊભા સુઉં રિયા છો? મમ્મી હજી બા'ર નીકરી નથી... કાં તો તમે અંદર જાઓને કાં તો મૉમને બહાર કાઢો. મૉમ... તું અંદર બેઠી બેઠી ગાયત્રીમાંની માળા શરૂ કરી દેજે... ઇ બધું શારૂં જ કરશે.''

અચાનક બહારના રૂમમાંથી અમારી દીકરી મસ્તાનીની બૂમ સંભળાઇ, ''નાની અહીંયા છે.... નાની અહીંયા છે...''

હું સાચ્ચે જ ભડક્યો. એક સાસુ અંદર... એક બહાર? સસુરજી આવી લીલાઓ ક્યારે કરી આવ્યા હશે, એની આપણને થોડી ખબર હોય? તો ય સંયમ સાચવી, ખાનદાન કી ઇઝ્ઝત બચાવવા, મેં અંદરવાળી સાસુના બાથરૂમને બહારથી સ્ટૉપર મારી દીધી. વાઇફ તો પહેલેથી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હું હવે ડઘાઇ ગયો. એ જ મારી અસલી સાસુ હતી, જે નીચેના રૂમમાં બૉડી-મસાજ કરાવવા ગઇ હતી. અમને એમ કે, બાથરૂમમાં એ છે.

''ઓ મ્મી ગૉડ... તો પછી બાથરૂમમાં કોણ છે.....? હાય હાય...!''

હવે હું ગભરાયો. સાલું આજે આવવાનું તો મેં કોઇને કીધું જ નહોતું... ઓહ નો... તો પછી અંદર કોણ છે? બરોબરનો મરવાનો થયો છું. હે શામળીયા... રક્ષા કરજે.

મિસ્ત્રી બોલાવીને વૅન્ટીલૅટરમાંથી જોયું તો, સ્ટૉપર અંદરથી બંધ થઇ ગઇ હતી. અવાજો ગીઝરના આવતા હતા.

બાથરૂમનો દરવાજો ખુલ્યો... મારા ભાગ્યનો બંધ થયો!

સિક્સર

'આપણા સંબંધની ચર્ચા ન કર, જેમ ફાવે તેમ બોલ્યા ન કર...' વડોદરાના શાયર વિનય ઘાસવાલાનો આ શે'ર નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ગૃહમંત્રી રાજનાથસિંહે ગર્જના કરી છે, ત્યારે નક્સલવાદીઓએ આ શે'ર સંભળાવ્યો હશે...?

1 comment:

Unknown said...

Very nice.
birthday sms here.