Search This Blog

04/07/2014

'અર્થ' ('૮૧)

ફિલ્મ : 'અર્થ' ('૮૧)
નિર્માતા : કુલજીત પૉલ
દિગ્દર્શક : મહેશ ભટ્ટ
સંગીત : ચિત્રા-જગજીતસિંઘ
ગીતો : (કોષ્ટક મુજબ)
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)



કલાકારો : શબાના આઝમી, સ્મિતા પાટિલ, કુલભૂષણ ખરબંદા, રાજકિરણ, મઝહર ખાન, દિના પાઠક, કિરણ વૈરાલે, રોહિણી હટંગડી, સિધ્દાર્થ કાક, ગીતા કાક, ગુલશન ગ્રોવર, ઓમ શિવપુરી, દલિપ તાહિલ, ચાંદ ઉસ્માની અને શમ્મી.

ગીતો

૧. ઝૂકી ઝૂકી સી નઝર, બેકરાર હૈ કિ નહિ.... જગજીતસિંઘ
૨. તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ છે.... જગજીતસિંઘ
૩. કોઇ યે કૈસે બતાયેં કિ વો તન્હા ક્યું હૈ.... જગજીતસિંઘ
૪. તેરે ખુશ્બુ મેં બસે..... જગજીતસિંઘ
૫. તૂ નહિ તો ઝીંદગી મેં.... ચિત્રા સિંઘ

પહેલી ત્રણ ગઝલો કૈફી આઝમી, ચોથી રાજેન્દ્રનાથ 'રહેબર' અને છેલ્લી ઇફ્તિખાર ઇમામ સિદ્દીકીએ લખેલી છે. ફિલ્મમાં પહેલી ત્રણ જ સમાવેશ કરવામાં આવી હતી.)

મહેશ ભટ્ટને સલામ કરવી પડે. મુસલમાનોને હિંદુઓ વિરૂદ્ધ પૂરજોશ ઉશ્કેરીને મુસલમાનોના મસીહા બનવા બદલ ! એ પોતે નાગર બ્રાહ્મણ બાપ અને મુસલમાન માં નું અનૌ રસ સંતાન છે, એટલે ઉઘાડેછોગ પોતાને 'બાસ્ટર્ડ' કહેવડાવતો અને આજે પણ એના ભાષણો સાંભળીને મુસલમાનો હિંદુઓને મારવા ઉશ્કેરાય, એવી વાતો એ કરતો ફરે છે. દેશનું નસીબ સારૂં છે કે, હિંદુઓને આવી કોઇ પડી નથી અને આવા ઉશ્કેરણીજનક ભાષણોને નજર અંદાજ કરી શકે છે. મહેશ જ્યારે પણ ટીવી પર આવ્યો છે, ત્યારે શક્ય હોય ત્યાં સુધી મુસલમાનો માટે જ વાત કરી છે. પોતાની સગ્ગી દીકરી પૂજા ભટ્ટના હોઠ ઉપર 'ઇન્ટિમૅટ' અને લાંબુ ચુંબન કરી, એના ફોટા પડાવી જાહેરમાં દર્શાવ્યા હતા. આવી જ કોક ઉશ્કેરણીજનક સભામાં કોક મુસલમાને એને સવાલ પૂછ્યો કે, 'ઇસ્લામ કેમ કુબુલ કરી લેતા નથી ?' ત્યારે એણે જવાબ આપ્યો હતો કે ''મુસલમાન હદીસ પઢાવે છે, જ્યારે હું તો હદીસ જીવું છુ.'' અર્થાત, હું નામનો મુસલમાન નથી, ઇસ્લામને મારા જીવનમાં ઉતાર્યો છે. સિર્ફ, મજહબ કુબુલ કરી લેવાથી મુસલમાન બની જવાતું નથી. આટલું કહીને, એણે હિંદુઓ સામે જીહાદ જગવવાનું એલાન આપ્યું હતું.

પણ આવી ઉશ્કેરણીઓને એની અંગત બાબત ગણીને ચર્ચા એની ફિલ્મો વિશે કરીએ તો માણસ ચોક્કસ સારો કલાકાર છે. રાજ કપૂરથી માંડીને ગુરૂ દત્ત જેવા અનેક સર્જકોએ ફિલ્મના માધ્યમથી પોતાની આત્મકથા આપણા ઉપર ઠોકી બેસાડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે. એ સઘળી ફિલ્મો ફ્લોપ થઇ હતી. એક માત્ર મહેશ ભટ્ટની ફિલ્મો, જેણે આજની એક ફિલ્મ 'અર્થ' જ નહિ, અન્ય ફિલ્મોમાં ય પોતાની આત્મકથાના ટુકડાઓ જોડીને અસરકારક ફિલ્મો બનાવી છે. એ જીનીયસ છે. એમાં બે મત નથી. પરિણિત હોવા છતાં, એક જમાનામાં પરવિન બાબી સાથે બેફામ રોમાન્સ અને તેમાં નિષ્ફળતા અને બદનામી ઉપરાંત આખરી સજા પરવિનને મળે, એમ પરવિન ગાન્ડી પણ થઇ ગઇ, ત્યાં સુધીની સત્યઘટનાત્મક ફિલ્મ 'અર્થ' કોઇપણ સંદર્ભમાં શ્રેષ્ઠ ફિલ્મોમાં બેસી શકે એવી સુંદર ફિલ્મ હતી. આજે ૩૩ વર્ષ પછી પણ ફિલ્મ પૂરેપૂરી પ્રસ્તુત છે. આ ફિલ્મમાં બન્યું, તે સદીઓથી બનતું આવ્યું છે અને કદી રોકાવાનું નથી. સાહિર લુધિયાનવી ભલે કહી ગયા, ''વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે એક ખૂબસુરત મોડ દે કર છોડના અચ્છા..''આ શીખામણ સાંભળવામાં સારી લાગી અથવા તો પરિણિત હોવા છતાં જે લગ્નેતર સંબંધોમાં ભરાયા નથી, એમને સારી લાગે, બાકી લગ્નેતર સંબંધ ગળામાં ભરાઇ ગયેલા હાડકાં જેવા કેવા ખતરનાક હોય છે. તેનો ચિતાર આ ફિલ્મમાં આપ્યો છે. મહેશને અભિનંદન એટલા માટે આપવા પડે કે, કિરણ (એની અસલ પત્ની અને પૂજા ભટ્ટની માં) અને પ્રેમિકા પરવિન બાબી સાથે અનૌરસ પ્રેમસંબંધમાં ભરાયા પછી, કોઇ ખરાબ ઇરાદો ન હોવા છતાં એક સાથે બે સ્ત્રીઓનું જીવન એણે કેવું બર્બાદ કરી નાંખ્યું, એની છાતી સોંસરવી ફિલ્મ મહેશે પોતાને ગૂન્હેગાર બતાવીને કરી છે.

યસ. તમારી વાઇફ સર્વાંગસુંદર અને સંપૂર્ણ હોય, પછી અન્ય સ્ત્રી તરફ આકર્ષાવાનું થાય જ કેમ, એ નૈતિકતાને તો હું પણ નથી માનતો.. સિવાય કે પુરૂષના નકરા લંપટવેડાં હોય, જેમાં ઇરાદો પોતાની પોઝિશન, સુંદર શારીરિક પર્સનાલિટી અથવા બેવકૂફ છતાં સારા ઘરની દુઃખી સ્ત્રીઓ તરફ સહાનુભૂતિ બતાવીને સેક્સની જાળમાં ફસાવનાર હલકટોને માફ કરી ન શકાય, પણ દરેક કિસ્સામાં આવી નફ્ફટાઇ નથી હોતી. ક્યાંક ઍક્સિડૅન્ટ, ક્યાંક અણધાર્યાપણું ને ક્યાંક મજબુરીથી આવો લગ્નેત્તર પ્રેમસંબંધ બંધાઇ જતો હોય, તો ભલે એની યથાર્થતા આપણા સમાજના ધોરણો અનુસાર સાબિત ન કરી શકાય, પણ નૈતિકતા આડી આવતી હોવા છતાં, એક વાર આવા સંબંધમાં ભરાઇ ગયા પછી છુટાતું નથી અને એક વાર ભરાઇ ગયા પછી ટૅન્શન, બદનામી, મારઝૂડ, પોલીસ, પૈસો અને ખાસ તો સરવાળે ''નો રીઝલ્ટ''ની યાતનાને કારણે આવા સંબંધો કદી ય જસ્ટિફાય થઇ શકતા નથી.

જાહેરમાં પડીને ખૂબ સફળતા પામેલા ફિલ્મ એક્ટરો, નેતાઓ, સાહિત્યકારો, રમતવીરો કે ડૉક્ટરો- વકીલો ઇરાદા કે પ્લાન ખોટું ન કરનાર હસબન્ડ અચાનક બદલાઇ જાય છે. આવડત અને અનુભવ ન હોવાથી પકડાઇ પણ જલ્દી જાય છે અને પકડાઇ ગયા પછી ટેન્શનો, બદનામીઓનો ખૌફ અને સહુની નજરમાંથી ઉતરી પણ જાય છે. આખી વાતની કરૂણા એ છે કે, લગ્ન બહારના સંબંધોનો વિશ્વભરમાં કોઇ અંજામ નથી ને જે અંજામ હોય તે કદી સુખદ ન હોય. પોતાની અંગત વાતને ફિલ્મમાં વણી લઇ મહેશે ફિલ્મને પૂરી પ્રભાવક બનાવી છે. આખી ફિલ્મમાં ક્યાંય ફિલ્મીવેડાં નહિ કે અર્થ વગરના બચાવો અને સહાનુભૂતિ નહિ. નકરી વાસ્તવિકતા સાથે એક યુગલના જીવનમાં બીજી સ્ત્રીના પ્રવેશવાથી ઊભા થતાં ઝંઝાવાતોનું આલેખન પણ સુરૂ ચિપૂર્ણ થયું છે.

ઇન્દર મલ્હોત્રા (કુલભૂષણ ખરબંદા) 'ઍડ' ફિલ્મોનો એક સામાન્ય ડાયરેક્ટર છે. વાઇફ પૂજા (શબાના આઝમી) ઘરમાં પૈસાની તંગી અને મકાન ખાલી કરવાની નૌબત અંગે બૂમો પડાતી રહે છે. પણ ઇન્દર એની ફિલ્મની હીરોઇન કવિતા (સ્મિતા પાટિલ)ના પ્રેમમાં છે, જે અત્યંત આક્રમક હોવાથી ઇન્દરને એની પત્ની સાથે છુટાછેડા લઇ લેવાની ધમકીઓ આપતી રહે છે. પૂજાને આ બન્નેના અફૅયરની ખબર પડતા, તે ભાંગી પડે છે. લાચારીમાં અલબત્ત, એ કાંઇ કરી પણ શકતી નથી. ઇન્દર કવિતાને લઇને બીજા મકાનમાં રહેવા જતો રહે છે, જેથી મકાનવિહોણી થયેલી પૂજાને કોક ગર્લ્સ હૉસ્ટેલમાં રહેવા જવું પડે છે. અહી એની રૂમમૅટ (કિરણ વૈરાલે) પૈસા કમાવવા માટે આડે ધંધે ચઢાવી દેવાની પેરવી કરે છે, પણ પૂજા ફસાતી નથી. દરમ્યાનમાં જગજાહેર બનેલી કવિતા-ઇન્દરની સો કૉલ્ડ... પ્રેમકહાણી આક્રમક સ્વરૂપ ધારણ કરવા માંડે છે અને કોક ફિલ્મી પાર્ટીમાં તોફાન મચી જાય છે. એક સામાન્ય ગાયક (રાજકિરણ) નજીક જવાનો પ્રયત્ન કરે છે. અહી પત્ની શબાના પતિની પ્રેમિકા સ્મિતાને બધાની વચ્ચે પૂરજોશ ખખડાવી એને માટે 'રખાત' અને 'રંડી' જેવા શબ્દો વાપરે છે. આ બાજુ, સબકૉન્શ્યસ- માઇન્ડમાં પૂજાનું ઘર બર્બાદ કરી નાંખવા ઉપરાંત, ''ઇન્દર આજે પૂજાને છોડીને મારી પાસે આવ્યો છે. તો કાલ ઉઠીને મને છોડીને કોક બીજી પાસે જતો રહેશે.'' એવા ખૌફ સાથે કવિતાના મગજ ઉપર અસર થવા માંડે છે. તે અર્ધપાગલ થઇ જાય છે. જેને બચાવવા માટે કવિતાની માતા (દિના પાઠક) અને સૅકાયટ્રીસ્ટ (ઓમ શિવપુરી) પૂજા પાસે વિનંતી કરવા આવે છે. જેમના મતે એકવાર પૂજાને મળી લેવાથી કવિતાનું મન શાંત પડે. પૂજા મોટું મન રાખીને કવિતા પાસે જાય છે પણ ખરી, પણ પરિણામ વગર પાછી ફરે છે, પણ ખાત્રી આપતી આવે છે કે, એ કદી ય ઇન્દર-કવિતાની વચ્ચે નહિ આવે. આ બાજુ, રાજકિરણ પ્રયત્નો પૂરા કરે છે, પૂજાને નવી જીંદગી આપવાના, પણ પૂજાએ આ જ જીંદગી સ્વીકારી લઇ, એની નોકરાણીની દીકરીને જીવનભર ઉછેરવાનું નક્કી કરી, કવિતાને પડતી મૂકીને પૂજાના જીવનમાં પાછા આવેલા ઇન્દરને પૂજા પાછો કાઢે છે.

ફિલ્મ 'અર્થ' ૧૯૮૧માં આવી હતી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ સાથે અભિનયની દુનિયામાં અન્ય કોઇ ટકી શકે એમ નહોતી. સ્મિતા તો મુંબઇ દૂરદર્શન પર મહેજ એક સમાચાર-વાચક હતી અને આમ જોવા જઇએ તો રૂપ-સુંદરતાની દ્રષ્ટિએ નહિ શબાના કે સ્મિતા... હિંદી ફિલ્મોની અન્ય હીરોઇનો જેવા ગ્લૅમરસ ન હોતા. માર્કેટમાં બન્નેની એવી કોઇ ડીમાન્ડ પણ નહોતી, પણ નવો નવો આર્ટ-ફિલ્મોનો દસકો શરૂ થયો હતો. એમાં આ બન્ને બહુ ઊંચા આસનની મહારાણીઓ હતી. આ ફિલ્મમાં વધુ સારી ઍક્ટિંગ કોણે કરી છે, એ મુદ્દે ફિલ્મી- મીડિયાએ બન્નેને એકબીજાની દુશ્મન બનાવી દીધી. અફ કૉર્સ, ફિલ્મની મુખ્ય હીરોઇન શબાના હતી અને એને રોલ પણ પ્રેક્ષકોની સહાનુભૂતિનો મળ્યો હતો, એ જોતા 'અર્થ' પૂરતી તો શબાના જ છવાઇ ગઇ હતી. બન્ને વચ્ચે બોલવાના સંબંધો ફિલ્મની બહાર પણ રહ્યા નહોતા, પણ એવી અનેક ફિલ્મો આવી, જેમાં સ્મિતાએ સાબિત કરી દીધું કે, શબાના સ્મિતાથી એક દોરોય ઊંચી નથી.

ખરબંદા જેવી વિચિત્ર અટક ધરાવતો કુલભૂષણ ખાસ તો ચમક્યો હતો. રમેશ સિપ્પીની 'શોલે' પછીની મહત્વાકાંક્ષી ફિલ્મ 'શાન'માં જે રોલ બે દ્રષ્ટિએ મહત્વનો હતો. એક તો જેમ્સ બૉન્ડની ફિલ્મોનો કાયમી ખલનાયક 'બ્લોફેલ્ડ' ઉપર શાકાલ આધારિત હતો અને બીજુ 'શોલે'ના હીરોઝ જેટલું જ નામ એનો વિલન ગબ્બરસિંઘ કમાયો હતો, એ દ્રષ્ટિએ શાકાલ પણ જામવો જરૂરી હતો. ફિલ્મ જ સરીયામ નિષ્ફળ ગઇ અને કુલભૂષણને ય ડૂબાડતી ગઇ. પણ મેં કહ્યું તેમ, જમાનો આર્ટ ફિલ્મોનો શરૂ થયો હોવાથી કુલભૂષણને રોટલો તો મળી ગયો અને 'મંથન', 'નિશાન્ત', 'ભૂમિકા', 'જૂનુન', 'કલયુગ' 'મંડી' અને 'અર્થ' જેવી ફિલ્મો મળી. ફિલ્મો ન મળવાથી આજે ૭૪ વર્ષની ઉંમરે એ કોલકાતામાં નાટયપ્રવૃત્તિ સાથે જોડાઇ ગયો છે. સ્મિતા પાટિલ બહુ નાની ઉંમરે ગૂજરી ગઇ. એક વાર પરણી ચૂકેલા રાજ બબ્બરના પ્રેમમાં ફસાઇને એણે ય આ ફિલ્મમાં પોતાના રોલ જેવું અંગત જીવનમાં ય કર્યું. રાજથી એને પ્રતિક બબ્બર નામનો પુત્ર થયો, જે માંડ છ દિવસનો હતો ને સ્મિતા ગૂજરી ગઇ. સ્મિતાના મૃત્યુનું કારણ તો એના જન્મ સમયની શારીરિક તકલીફનું જણાવાયું હતું પણ, હજી હમણાં વિશ્વવિખ્યાત દિગ્દર્શક મૃણાલ સેને એવો ઘટસ્ફોટ કર્યો છે કે, સ્મિતાનું મૃત્યુ મૅડિકલ બેદરકારીને કારણે થયું હતું. (આ વાતમાંનું ઝીણું નકશીકામ ઉકેલો, તો ઘણા અર્થો નીકળે એમ છે.) શબાના આઝમી બેશક ભારતની સર્વોત્તમ અભિનેત્રીઓ પૈકીની એક છે. ગયા મહિને અમેરિકાના ન્યુજર્સી શહેરમાં ટીવી- એશિયા તરફથી ઇન્ટરવ્યૂ હતો, તેના પછીના દિવસે જ શબાના આઝમી અને જાવેદ અખ્તરનો ઇન્ટરવ્યૂ હતો. સ્ટુડિયોના કોકે મને પૂછ્યું ય ખરૂં કે, 'જે ખુરશી પર તમે બેઠા છો, ત્યાં આવતી કાલે શબાના-જાવેદ બેસવાના છે... શું લાગે છે ?''

મેં કહ્યું, ''..જાવેદને આજે બોલાવી લો...!''

જાવેદ અખ્તર તો જાણિતા શાયર જાન-નિસાર-અખ્તરનો દીકરો થાય, પણ પિતાના ચરિત્ર અંગે બાપ-દીકરાને અનેક સંઘર્ષો થતા, તેમાં જાવેદ બાપ સાથે સંબંધ પણ રાખતો નહતો. આપણા જમાનાની બાળકલાકારો ડેઝી ઇરાની- હની ઇરાની પૈકીની હની સાથે જાવેદના પહેલા લગ્ન થયા હતા. જેનાથી હાલના સ્ટાર દિગ્દર્શક ફરહાન અખ્તર અને એની બહેન ઝોયા અખ્તર નામના સંતાનો છે. હનીને તલ્લાક આપીને જાવેદે શબાના સાથે નિકાહ કર્યા. ભારતમાં પૅરેલલ સિનેમાના શ્રીગણેશ થયા, એના પ્રારંભિક પાયામાં શબાના આઝમીનું નામ ગૌરવપૂર્વક લેવાશે.

ઝીનત અમાનનો સ્વર્ગસ્થ પતિ અને રમેશ સિપ્પીની ફિલ્મ 'શાન' માં લોકોને ગમી ગયેલો સડક પરનો ભિખારી/ખબરી મઝહર ખાન પણ 'અર્થ'માં અર્થ વગરનો રોલ કરવા આવે છે. વિલન ગુલશન ગ્રોવર તો ખૂબ નવો નવો હોવો જોઇએ, કારણ કે, એક ફાલતું ઍક્સ્ટ્રા તરીકે આ ફિલ્મમાં એને નજીવા બે દ્રષ્યો મળ્યા છે.

રાજકિરણ અત્યારે આ જગતમાં છે કે નહિ, તેની કોઇને જાણ કે પડી ય નથી. હમણા ઋષિ કપૂર ઍટલાન્ટા- અમેરિકા ગયો, ત્યારે ગાંડાની હોસ્પિટલમાં એણે રાજકિરણને જોયો. જો કે, એની દીકરીએ એક નિવેદન જાહેર કરીને આ રીપોર્ટને પાયા વગરનો ગણાવ્યો છે. એ કહે છે, પપ્પાને શોધવા અમે ખાનગી જાસુસો અને ન્યુયોર્ક પોલીસની મદદથી છેલ્લા આઠ વર્ષથી તપાસમાં છીએ. એ ઍટલાન્ટાની ગાન્ડાની હૉસ્પિટલમાં હોઇ જ કેવી રીતે શકે ? રાજકિરણ જન્મે સિંધી હતો, રાજકિરણ મેહતાણી.

મહેશ ભટ્ટની ફિલ્મોમાં બધા મસાલા ભર્યા હોય, પણ હ્મૂમર ભાગ્યે જ હોય, તેમ છતાં આ ફિલ્મમાં સૂક્ષ્મ છતાં મજેદાર હ્મૂમર એકાદ દ્રષ્યમાં આવે છે. જ્યારે શબાના એની દોસ્ત ગીતા કાકને ત્યાં જાય છે, જે એના પતિ સિધ્ધાર્થનો હાથ પકડીને સોફા પર બેઠી હોય છે. આ જોઇને શબાના હળવી ટકોર કરતા કહે છે, ''મુઝે તુમ્હારી જલન હો રહી હૈ...'' પતિનો હાથ પકડીને બેસી હોવાથી આ મીઠડી જલન થઇ છે, એ જોઇને ગીતા સુઝાવ મૂકે છે, ''ક્યું ના હમ જીંદગી બદલ લે ?'' ત્યારે સિધ્ધાર્થ કહે છે, ''પૂજા, માન જાઓ પ્લીઝ !''

No comments: