Search This Blog

11/07/2014

'સસુરાલ' ('૬૧)

ફિલ્મ : 'સસુરાલ' ('૬૧)
નિર્માતા : એલ.વી. પ્રસાદ
નિર્દેશક : તટીનેણી પ્રકાશરાવ
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ, ૧૬૪-મિનિટ્સ
થીયેટર : મૉડેલ ટૉકીઝ (અમદાવાદ)

કલાકારો : રાજેન્દ્રકુમાર, બી. સરોજાદેવી, મેહમુદ, શોભા ખોટે, ધૂમલ, બિપીન ગુપ્તા, લલિતા પવાર, અનવર હુસેન, વાસ્તી, જયશ્રી ગડકર, લીલા મીશ્રા, રત્નમાલા, હીરા સાવંત, મૂલચંદ.



ગીતો

૧. તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નઝર ના.... મુહમ્મદ રફી
૨. એક સવાલ મૈં કરૂં, એક સવાલ તુમ કરો, હર સવાલ.... લતા-રફી
૩. જાના તુમ્હારે પ્યાર મેં, શયતાન બન ગયા હૂં, ક્યા ક્યા.... મૂકેશ
૪. અપની ઉલ્ફત પે ઝમાને કા ન પહેરા હોતા.... લતા-મૂકેશ
૫. સતા લે અય જહાં, ન ખોલેંગ ઝુબાં.... મૂકેશ
૬. ક્યા મિલ ગયા હાય, ક્યા મિલ ગયા.... લતા-રફી
૭. યે અલબેલા તૌર ના, દેખા કોઈ ઓર ના.... મુહમ્મદ રફી
૮. સુન લે મેરી પાયલ કે ગીત.... લતા મંગેશકર

(ગયા અંકમાં ફિલ્મ 'ગુડ્ડી'ના સંગીતકાર તરીકે શરતચૂકથી નામ 'સલિલ ચૌધરી'નું છપાયું છે, તે સુધારીને 'વસંત દેસાઈ' વાંચશો.)

ફિલ્મ મદ્રાસની અને એ ય પ્રસાદ પ્રોડક્શન્સની, સંગીત શંકર-જયકિશનનું હોય ને જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર હીરો હોય, એટલે ફિલ્મ તો સુંદર જ હોવાની કેટલી બધી અપેક્ષાઓ ઊભી થઈ હશે? ને પાછી અમદાવાદના મૉડેલ સિનેમામાં પૂરા ૨૫-સપ્તાહ ચાલી હોય... ને આ બધા મસાલા છતાં આખેઆખી ફિલ્મ ભંગારના પેટની નીકળે, તો કેવી દાઝો ચઢે? મેહમુદ, શોભા ખોટે અને ધૂમલની ત્રિપુટી બીજી બધી ફિલ્મોમાં ધૂમ મચાવે ને અહીં નામનું ય હસવું ન આવે! ટીનુ આનંદના ફાધર ઈન્દર રાજ આનંદના સંવાદોમાં દમ નહિ ને શંકર-જયકિશન જેવા ધૂરંધરો હોવા છતાં આઠમાંથી ફક્ત એક જ ગીત લોકજીભે ચઢે?

...એટલે સવાલ પેદા થાય કે, ફિલ્મ તો આપણે ય એ જમાનામાં મૉડેલ ટૉકીઝની બહાર બબ્બે કલાક લાઈનમાં ઊભા રહીને જોઈ હતી, ને સાલી એ વખતે તો સારી લાગી હતી... છતાં આજે એ ફિલ્મ જુઓ તો પૂરી જોઈ પણ ન શકો, એટલી ફાલતુ નીકળે?

ફિલ્મની સો કૉલ્ડ વાર્તા કાંઈક આવી હતી :

શેખર (રાજેન્દ્રકુમાર) એના કાકા ધરમદાસ (ધૂમલ), કાકી (લીલા મીશ્રા), એમની દીકરી સીતા (શોભા ખોટે) સાથે મધ્યમવર્ગીય જીંદગી જીવે છે. શેખરની બહેન ગૌરી અને પ્રેમી સાથે ભાગી ગયા પછી કદી પાછી આવી નહિ અને કદાચ મરી ગઇ હોવાનું સહુએ માની લીધું છે. શેખરને કૉલેજમાં બેલા (બી. સરોજાદેવી) સાથે પ્રેમ થઈ જાય છે. જેના ધનવાન પિતા (બિપીન ગુપ્તા) અને બેવકૂફ માતા (લલિતા પવાર) એક શરતે બન્નેને પરણાવે છે કે, શેખર ઘરજમાઈ તરીકે રહેશે, જે શેખુને મંજૂર છે. માં બેવકૂફ એટલા માટે (અહીં વાર્તા લેખક અને દિગ્દર્શકને બેવકૂફ કીધા છે) કે, શેખુમાં કોઈ ઍબ ન હોવા છતાં એ શેની મોંઢા મચકોડે રાખે છે? એ ઉપરાંત પોતાની મિલના સામાન્ય કર્મચારી ગોવિંદરામ (વાસ્તી)ના નાલાયક પુત્ર રાજન મુરારી (અનવર હુસેન) સાથે પરણાવવા બેતાબ હોય છે. અહીં મહેશ (મહેમુદ) અને સીતા (શોભા ખોટે) બેલાના ઘરમાંથી હાર ચોરી ગયા છે, શેખર કોઈ નાચવાવાળી(જયશ્રી ગડકર)ના પ્રેમમાં છે અને રૂ. ૧૦ હજાર કોકને આપીને ત્રણ દિવસ માટે અજ્ઞાાત સ્થળે જતો રહ્યો છે, એવી શંકાથી બેલા શેખરને જાકારો આપી દે છે અને ફિલ્મના અંતે એ જ શેખર પેલીની શંકાઓ દૂર કરવા ઉપરાંત, નાલાયક ખલનાયકોને ધરતી ઉપર પાછા લાવે છે અને હીરો-હીરોઈનનું પુનઃમિલન થાય છે.

એ જમાનો જ એવો હતો કે, ફિલ્મની વાર્તાઓમાં ઢંગધડા ન હોય. ફિલ્મ કાં તો એના હીરો-હીરોઈનના નામ પર ચાલે ને કાં તો સંગીત ઉપર. ઍક્ટિંગ રાજેન્દ્રકુમારનો ગઢ હતો જ નહિ. 'દિલ એક મંદિર' જેવા રોલમાં એ બેશક ચાલી જાય, પણ કૉમેડી કરવી એનું કામ નહિ! બગીચામાં ગીતો વખતે એ ખૂબ હાસ્યાસ્પદ લાગતો. કહે છે કે, એના હાથ બાંધી દો, તો એ માણસ એકેય ફિલ્મનું એક પણ ગીત ગાઈ શક્યો ન હોત! નાનું છોકરૂં હોડીમાં બેઠું બેઠું નદીમાં હાથ બોળીને ઉલાળતું હોય, એ રાજેન્દ્રની ગીત ગાવાની પર્મેનેન્ટ એક્ટિંગ. એમાં કોઈ ફેરફાર થયો જ નહિ. કાળો તો ખૂબ હતો, એટલે બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં મેઇક-અપના તો કેવા લપેડા દેખાઈ આવે? ચેહરાને મૅચ કરવા એને તો પાછો ઉઘાડા હાથો ઉપર ય મૅઇક-અપ કરાવવો પડતો. અને માથે વાળનો જથ્થો દિલીપ કુમાર જેવો હતો ને એ પોતાને દિલીપ કુમાર પછી નંબર-ટુ માનતો હતો, પણ એમ કાંઈ તેન્ડુલકરના ઘર નીચેથી નીકળ્યા હોઈએ એટલે રસ્તામાં ક્યાંક સૅન્ચૂરી મારતા અવાય, એવું ન હોય! કપડાં અફ કૉર્સ, એ સરસ પહેરતો, એટલે કે એ જે કાંઈ પહેરે, એ એને શોભી ઉઠતું. રાજેન્દ્ર કુમારની અટક 'તુલી' હતી. એક સમયે રાજ કપૂર સાથેની મીઠી દોસ્તીને કારણે રાજેન્દ્રએ પોતાના દીકરા કુમાર ગૌરવની સગાઈ રાજ કપૂરની દીકરી સાથે કરાવી હતી, પણ પેલી ખૂબ સ્થૂળકાય હોવાથી થોડા સમયમાં એ સગાઈ અને રાજ-રાજેન્દ્રના સંબંધો તૂટી ગયા. આજે રાજ કપૂરની એ જ દીકરીનો દીકરો અરમાન જૈન ફિલ્મોમાં હીરો તરીકે આવી રહ્યો છે.

'સસુરાલ'ની હીરોઈન બી.સરોજાદેવીમાં 'બી' એટલે 'ભાઈરપ્પા', જે એના પિતાનું નામ હતું. બી.સરોજાદેવીનો એક વર્લ્ડ-રેકોર્ડ આજે ય અકબંદ છે, ૧૬૧-ફિલ્મોમાં હીરોઈન તરીકે નૉનસ્ટોપ કામ કરવાનો... (૧૯૫૫-૧૯૮૪) એમાં એક પણ રૉલ સાઈડ-હીરોઈનનો નહિ, એ એના માતા-પિતાની સળંગ ચોથી દીકરી હોવાથી ભાઈરપ્પાના પિતાએ આ છોકરીને ત્યજી દેવાનો હૂકમ કર્યો, પણ ભાઈરપ્પા ન માન્યા અને નૃત્યની તાલીમ લેવાનું કીધું. ફિલ્મોની ઑફર ૧૩-વર્ષની ઉંમરે જ આવવા માંડી, પણ પિતાએ કડક સૂચના આપીને કહ્યું, ''કદી ય સ્વિમ-સ્યૂટ નહિ પહેરવાનો અને સ્લીવલેસ નહિ પહેરવાનું.'' આ સલાહ સરોજાએ મૃત્યુપર્યંત પાળી. ભારત સરકારે સરોજાને એકવાર 'પદ્મશ્રી' આપ્યા પછી 'પદ્મભૂષણ'નો ખિતાબ પણ આપ્યો.

એના પતિ શ્રીહર્ષા વ્યવસાયે ભારત ઈલેક્ટ્રિકલ્સ લિ.,માં એન્જીનીયર હતો. એમને સંતાનો ન થયા, એટલે બે સંતાનો દત્તક લીધા, દીકરીનું નામ ઇંદિરા (જે સરોજાની સ્વ. ઈંદિરા ગાંધી પ્રત્યેની ભક્તિને કારણે હતું.) રાખ્યું. એવો જ બીજો પ્રભાવ એમ.જી. રામચંદ્રનનો હોવાથી દીકરાનું નામ 'રામચંદ્ર' રાખ્યું.

શુભા કે શોભા ખોટેનો સગો ભાઈ ફિલ્મ 'શોલે'નો કાલીયા... 'તેરા ક્યા હોગા કાલીયા...'વાળો! શોભા મુંબઈની વિલ્સન કૉલેજમાં ઈંગ્લિશ-સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ છે, એ વાત એ જમાનાની હીરોઈનો માટે બહુ કહેવાય. એ સમયની ભાગ્યે જ કોઈ હીરોઈનોએ કોલેજનું પગથીયું જોયું હતું. શોભા ખોટે તો ઑલ ઈન્ડિયા સાયકલ ચૅમ્પિયનશીપ જીતી ગઈ હતી. આંખો સહેજ ફાંગી હોવાને કારણે એ હીરોઈન નહિ બની શકી, છતાં ફિલ્મ 'દેખ કબીરા રોયા'માં એ અનુપ કુમારની સામે હીરોઈન તો બની જ હતી. આજની આપણી ફિલ્મ 'સસુરાલ' ઉપરાંત આ જ વર્ષે ફિલ્મ 'ઘરાના'ના એના સપોર્ટિંગ રોલ માટે એ 'ફિલ્મફેર એવોર્ડ્સ' માટે નોમિનેટ તો થઈ હતી, પણ શોભાના બન્ને નોમિનેશન્સ સામે એ એવોર્ડ આખરે નિરૂપા રૉય જીતી ગઈ હતી, ફિલ્મ 'છાયા'ના એના મનોરમાના રોલ માટે.

શોભા ખોટેએ મેહમુદ સાથે અનેક ફિલ્મો કરી જેમ કે, સસુરાલ, ભરોસા, ઝીદ્દી, છોટી બહન, સાંઝ ઔર સવેરા, લવ ઈન ટોક્યો, ગૃહસ્થી, હમરાહી અને બેટીબેટે. સ્વાભાવિક છે, આવા સમાચારની કોઈ હા ન પડે. પણ શોભાનું નામ મેહમુદ સાથે પણ રૉમેન્ટિકલી જોડાયું હતું. અરૂણા ઈરાનીના આવ્યા પછી શોભાએ પોતાનું સ્થાન ખાલી કરી આપ્યું હતું. જયશ્રી ગડકરને તમે રામાનંદ સાગરની ટીવી સીરિયલ 'રામાયણ'માં રામના માતા કૌશલ્યાના રોલમાં જોઈ હશે. એમના પતિ બાલ ધૂરીએ આ જ સીરિયલમાં રાજા દશરથનો રોલ કર્યો હતો. ૨૦૦-જેટલી હિંદી ફિલ્મોમાં કાયમ ચાચી-મૌસીના જ રોલ કરનાર ચરીત્ર અભિનેત્રી લીલા મીશ્રાને આખરે તે ફિલ્મ 'શોલે'ની મૌસીને કારણે જ યાદ કરાઈ, પણ ૧૯૦૮-માં વારાણસીમાં જન્મેલી લીલા મીશ્રાએ ૧૨-વર્ષની ઉંમરે જ લગ્ન કરી લીધા અને ૧૭-ની ઉંમરે તો એ બે દીકરીઓની માં બની ગઈ. એ પછી એના પતિ રામપ્રસાદ મીશ્રની પરવાનગીથી એક ફિલ્મમાં હીરોઈન તરીકે રોલ મળ્યો, પણ એમાં હીરોને ભેટવાનું હોવાથી, લીલાએ પહેલેથી ના પાડી દીધી કે, મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષને હું અડીશ નહિ. આ ફિલ્મ તો હાથમાંથી ગઈ, પણ એવી જ કૉમેડી શાહુ મોડક સાથે એક ફિલ્મમાં થઈ. એને ફરીથી હીરોઈનનો રોલ મળ્યો ને એમાં ય શાહુને ભેટવાનું હોવાથી બહેને ના પાડી દીધી. આમ તો એની તત્કાલ હકાલપટ્ટી થઈ જાત, પણ પ્રોડયુસરની આર્થિક હાલત એવી નહોતી કે, લીલાનો લાલલાલ કોન્ટ્રેક્ટ રદ કરી શકે, પરિણામે એ જ ફિલ્મમાં શાહુની હીરોઈનને બદલે એની માં નો રોલ ઑફર થયો ને બસ... એ પછી જીંદગીભર એ માં, માસી કે કાકી-બાકીના રોલ કરવા માંડી... ને તોય લીલા મીશ્રાએ ૨૦૦-ફિલ્મોમાં કામ કર્યું છે.

અનવર હૂસેનને ફિલ્મ 'ગાઈડ'માં દેવ આનંદના ડ્રાયવર દોસ્ત તરીકે અને નીચ હરિરામના રોલ માટે ફિલ્મ 'ગંગા જમુના'ના રોલ માટે યાદ કરવામાં આવે છે. એનો સગો ભાઈ અખ્તર હૂસેન દેવ આનંદવાળી ફિલ્મ 'ગૅમ્બલર'ની હીરોઈન ઝાહિદાનો પિતા થાય અને નરગીસ અનવરની સાવકી બહેન થાય. આ ત્રણેની માં જદ્દનબાઈ, પણ પિતા જુદા. જોવાની ખૂબી એ છે કે, '૪૦-ના દાયકામાં અનવર હૂસેનને પહેલી અને કદાચ છેલ્લી વાર હીરોનો રોલ મળ્યો ફિલ્મ 'સંજોગ'માં અને એનો સાઈડ હીરો વાસ્તી હતો, એ જ વાસ્તી આ ફિલ્મ 'સસુરાલ'માં અનવરનો બાપ બને છે. છેલ્લે છેલ્લે પૂરા શરીરે લકવો મારી ગયા પછી સંજય દત્તનો આ મામો અનવર હૂસેન ગૂજરી ગયો હતો. નાસિર હૂસેનની લગભગ બધી ફિલ્મોમાં હીરોઈનના પાલક પિતાની ભૂમિકા કરતો ખલનાયક વાસ્તી એક જમાનામાં હીરો હતો, પણ છેલ્લે છેલ્લે કોઈએ એને મુંબઈના 'ઈરોઝ' સિનેમા પાસે ભીખ માંગતો જોયો હતો : શું શંકર-જયકિશનની જાહોજલાલી પૂરી કરતો દસકો આ '૬૦-નો શરૂ થઈ ચૂક્યો હતો? ઍબ્સોલ્યૂટલી નૉટ! યસ. થોડી ફિલ્મો પૂરતો એ લોકોનો જગપ્રસિદ્ધ સ્ટ્રાઇક-રૅટ એ ગુમાવી ચૂક્યા હતા, એટલે કે એમની તો દરેક ફિલ્મનું દરેક ગીત સુપરહિટ હોય... એ સ્ટ્રાઈક-રૅટ કમ-સે-કમ ફિલ્મ 'સસુરાલ'માં એ ચૂક્યા હતા. રાજ કપૂરની ફિલ્મોને બાદ કરીએ તો સ્વ.મૂકેશને આ બન્ને જણાએ નિયમિત ચાન્સ આપ્યા નહોતા. આ ફિલ્મમાં ત્રણ ગીતો મૂકેશના કંઠે છે, પણ આ સાથેના કોષ્ટકમાં જોયા વગર યાદ તો કરો, મૂકેશના કયા ગીતો હતા? રફી પાસે 'ચશ્મે બદ્દૂર'ને બાદ કરતા ફક્ત ગોડાઉનનો માલ જ ગવડાવ્યો છે. તો બીજી બાજુ એ પણ કહી શકાય કે, આ જ '૬૦-ના દશકમાં અન્ય સંગીતકારો જમીનદોસ્ત થવા આવ્યા હતા, ત્યારે આ બંને સંગીતકારોએ '૭૦-ની સાલ સુધી બેનમૂન સંગીત આપ્યું છે. નૌશાદ માટે ઈઝી હતું કે, વર્ષમાં એકાદી ફિલ્મ જ કરવાની, એટલે એમાં જોર લગાકે હૈયા... કરતું સારું સંગીત આપી શકાય, પણ '૬૦-ના દાયકામાં તો એ ય જમીનદોસ્ત થઈ ગયા હતા.

આ ફિલ્મના 'ચશ્મે-બદ્દૂર' ગીત માટે મુહમ્મદ રફીને એ વર્ષના સર્વોત્તમ ગાયક તરીકેનો 'ફિલ્મફૅર એવોર્ડ' મળ્યો હતો. આ એવોર્ડ માટે રફીની સીધી હરિફાઈ પહેલી પોતાના જ ગીત, 'હુસ્નવાલે તેરા જવાબ નહિ...' (ફિલ્મ ઘરાના) અને મૂકેશના, 'હોઠોં પે સચ્ચાઈ રહેતી હાય, જહાં દિલ મેં સફાઈ રહેતી હૈ...' સાથે હતી. પણ જેને એવોર્ડ મળ્યો તે 'ચશ્મે-બદ્દૂર' પણ સોનાના ઘડે ચઢાવેલું મધુરૂં ગીત જ હતું. શંકર-જયકિશને કેવી તગડી ધૂન બનાવી હતી અને રફીએ કેવું રમાડી રમાડીને આ ગીત ગાયું હતું!

'સસુરાલ' ફિલ્મનું કોઈ મૂલ્યાંકન થઈ શકે, એટલી સબળ ફિલ્મ નહોતી. દ્વારકા દિવેચાની સ્વચ્છ ફોટોગ્રાફીને બાદ કરતા ફિલ્મનું અન્ય કોઈ પાસું દાદને કાબિલ નહોતું. દિગ્દર્શક ટી. પ્રકાશરાવે (ટી. એટલે 'તટીનેણી') રાજેન્દ્ર-વૈજ્યંતીને ફિલ્મ 'સૂરજ'માં નિર્દેષીત કર્યા હતા, પણ એ કોઈ ગ્રેટ ડાયરેક્ટર ન હોવાને કારણે એકેય ફિલ્મમાં મોર મારી શક્યા નહોતા. આ જ ફિલ્મ 'સસુરાલ'ની વાર્તા જ ગળે ઉતરે એવી ન હોવાથી સઘળાં પાત્રાલેખનો ય પૂઅર થયા હતા. કયું કેરેક્ટર કેમ આમ વર્તે છે, એનો ધડો ન મળે. દિગ્દર્શક ઉપરાંત કેમેરામેન દિવેચાની ય અક્કલ એંઠ મારી ગઈ હશે કે, કેમેરાની ફ્રેમમાં બે પાત્રો વાતો કરતા હોય ત્યારે જે ત્રીજો થોડીવાર પછી ફ્રેમમાં દાખલ થવાનો હોય, એનો આખેઆખો પડછાયો દેખાતો હોય, પછી ત્રીજું પાત્ર ફ્રેમમાં દાખલ થાય, એટલે પેલા બે જણા, ''તુમ...?'' કહેતા ઊંચા થઈ જાય! તારી ભલી થાય ચમના... અમને અહીં સિનેમામાં આટલે દૂર બેઠા પેલાનો પડછાયો દેખાય છે, એ તને ન દેખાણો?

ફિલ્મ 'સસુરાલ' હજી ન જોઈ હોય તો જાતે ન જોવી... કોકને સીધો કરવો હોય, તો આપણા ખર્ચે એના ઘરે ડીવીડી મોકલાવી દેવી ને 'ભૂલચૂક લેવીદેવી' બોલી નાંખવું.

No comments: