Search This Blog

27/08/2014

આજે સ્વ. મૂકેશની પુણ્યતિથિ સ્વ. મૂકેશ વહેલા ગૂજરી કેમ ગયા ?

મહાન ગાયક મૂકેશ મરવાની નહિ, જીવવાની ઉંમરે સ્વર્ગસ્થ થઈ ગયા. એમના મૃત્યુનું મેડિકલ કારણ તો જે કાંઈ હશે એ, પણ તેઓ પોતાની પાછળ હજારો મૂકેશો છોડી ગયા છે, જેઓ 'શ્રદ્ધાંજલિ'ના નામે ઉપર બેઠા બેઠા ય સ્વર્ગસ્થને હેડકીઓ ખવડાવીને રિબાવી રહ્યા છે. એ હિસાબે 'મૂકેશજી' આટલી નાની ઉંમરે કેમ જતા રહ્યા, તેનું આપણને વધારાનું એક કારણ મળે છે. આજના મોટા ભાગના 'મૂકેશીયાઓ'ને જો સ્વ. મૂકેશને સાંભળવા પડત, તો સ્વર્ગમાંથી બારોબાર મંગળના ગ્રહ ઉપર જતા રહે, પણ પૃથ્વી ઉપર પાછા ન આવે. અહીં તો જરાક અમથો ખોંખારો ખાતા આવડી શું ગયો અનેક 'મૂકેશો' પોતાને 'મૂકેશ' માનવા લાગ્યા છે. એવા એક મૂકેશમાં અમે કેવા ભરાઈ ગયા, એની દર્દભરી આ છે દાસ્તાન !

ગીતો એમને ગાવા હતા અને એ ય સ્વ. મૂકેશના, એટલે અમારા સર્કલમાં બધા પાસેથી સદગતના આત્માને શાંતિ આપવા 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ'ને નામે રૂ. ૫૦૦- ૫૦૦ ઉઘરાવ્યા. એમને મૂકેશ બહુ વહાલો. ચાહીએ તો અમે પણ મૂકેશને, એટલે એમના મધુરાં ગીતો સાંભળવા મળશે, એ ધોરણે સહુએ ઉદાર હાથે ફાળો આપ્યો. એક તો આમ એમને મૂકેશના ગીતો ગાવા કોઈ બોલાવે નહિ ને બોલાવે તો ય, ''જાઓ બાબા... આગે જાઓ'' કહેવાને બદલે હાથમાં સો રૂપિયા પકડાવી દે. અહીં તો અમારા પાંચ વચ્ચે રૂ. ૨૫૦૦/- મળતા હતા, પછી એમ કાંઈ અમને જીવતા છોડે ?

અમને ભય હતો કે, હૉલમાં સાવ પાછળની રૉમાં તો નંબર નહિ આવે ને ? જો કે સંગીતના પ્રોગ્રામોમાં તો સાંભળવાનું હોય, જોવાનું શું હોય ? રૂ. ૫૦૦/- આપનાર અમે ટોટલ દાતાઓ પાંચ હતા. ઉપસ્થિત શ્રોતાગણમાં ખુદ એમના પરિવારજનો પણ નહિ. અને હૉલ- બૉલ કુછ નહિ... એમના ઘેર આ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' યોજાયો હતો. હવે ડાઉટ પડવા માંડયો કે, કાર્યક્રમ આટલો નાનો છે તો ઉપરથી સ્વયં મૂકેશજી તો ગાવા નહિ આવે ને ?

ખૂણામાં કોઈ કૂતરું પડયું હોય એમ રૂમની વચ્ચોવચ્ચ એક હાર્મોનિયમ પડયું હતું. ભીંતો ઉપર મુકેશના ફોટા ચોંટાડયા હતા. કાકડીની સુગંધનું કોઈ પરફ્યુમ રામ જાણે ક્યાંથી ઉપાડી લાવ્યા હશે તે એ આખા રૂમમાં છાંટેલું હતું. અમારામાંથી કોક બોલ્યું, ''મૂકેશજી કાકડી ખઈને ગીતો ગાતા'તા... ?''

આવા પવિત્ર કાર્યક્રમમાં અમારા સિવાય સાતમું કોઈ આવ્યું નહિ, એટલે ફફડાટ થવા માંડયો કે, શ્રદ્ધાંજલિ તેઓશ્રી પોતે તો નહિ આપવાના હોય ને... ગાઈને ? સ્વ. મૂકેશજીના અવાસનના શોકને કારણે તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, પણ સંગીતનો નિયમ છે કે, ગાવા બેસો ત્યારે ખભા ઉપર ગરમ શૉલ હોવી જોઈએ. આવી ગરમીમાં તેમણે શૉલ ઓઢી હતી. બીજી બે બાજુમાં પડી હતી. જાણકારોએ આપેલી માહિતી મુજબ, તેઓ મૂકેશજીના ગીતોના રંગ પ્રમાણે શૉલનો રંગ બદલશે. બહુ કરૂણ ગીત હોય તો તેઓ કાળી શૉલ ધારણ કરશે. રૉમેન્ટિક ગીત હોય તો ગ્રીન કલરની ને કોઈ ફિલ્મમાં મૂકેશે ઘરડા ભિખારી માટે ગાયું હોય તો તેઓશ્રી ફાટેલી કાણાવાળી ચાદર... આઇ મીન શૉલ ધારણ કરશે. મેં ખાનગીમાં મારી બાજુમાં બેઠેલા ડાઘુભાઈને પૂછી જોયું, ''વરસાદનું ગીત આવશે તો ?''

અમે તો સંગીતને બદલે ઉઠમણાં- બેસણાંના પ્રોગ્રામમાં આવ્યા હોઈએ એમ તેમણે શોકાતુર નજરે અમને નમસ્કાર કર્યા. મૂકેશજી હમણાં અડધો કલાક પહેલાં જ ગૂજરી ગયા હોય, એમ અમારા હાથમાં એક એક ફૂલ પકડાવવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે, શ્રદ્ધાંજલિનું પહેલું ગીત શરુ થાય ત્યારે સહુએ આ ફોટા ઉપર પુષ્પ અર્પણ કરવું. બીજા હાથમાં એક ઢેખાળો આપ્યો હોત તો, એક એક ઢેખાળો તેઓશ્રીના કપાળ ઉપર અર્પણ કરત.

એસ.ટી. બસ સ્ટેશને કોઈ વૃદ્ધ નીચે ઊંઘતુ બાળક સુવડાવીને બેઠા હોય, એમ તેઓ હાર્મોનિયમ પાસે બેઠા. અમારા ૫૦૦ તો ગયા હતા, હવે પાથરણા ઉપર પણ રૂપિયો- બે રૂપિયાના સિક્કા નાખવા પડશે, એવી ભીતિ લાગી.

''સજ્જનો અને સન્નારીઓ... આજે ---'' તેમણે આંખો દબાવેલી રાખીને મહુરત કર્યું, એમાં ધ્યાન ગયું નહિ હોય કે, આખા કાર્યક્રમમાં સન્નારી તો કોઈ હતી જ નહિ ને સવાલ જ્યાં સજ્જનનો આવતો હતો, ત્યાં અમારા પાંચમાં સજ્જન તો હું એકલો જ હતો. મારા સિવાય બાકીના ચારને સજ્જન કહેવાય એમ નહોતું. અમારામાંનો એક અનેકવાર છોકરીઓ સાથે કે છોકરીઓ વગર શહેરભરની હૉટલોમાંથી પકડાયો હતો. બીજાને માણેક ચોકની શાકવાળીએ ઝાલ્યો હતો. ત્રીજો ઇન્કમટેક્સમાં નોકરો કરતો હતો અને ચોથો રાજકારણનો નેતો હતો... અને આમ જુઓ તો... આમ હું સજ્જન ખરો, પણ ગામમાં વાતો બહુ થતી હોય છે...!

કરૂણ કાર્યક્રમ શરૂ થયો. એમણે માપોમાપ સરખે ભાગે બન્ને પલાંઠા વાળ્યા હતા. ગૂમડા ઉપર લેપ લગાવતા હોય એમ હાર્મોનિયમ ઉપર એમણે આંગળીઓ ચોપડી. સુર જેવું કાંઈ નીકળ્યું ખરૂં, પણ એ આ ગીત માટે હતું કે આના પછીના માટે, એની બાતમી અમને નહોતી. તબલાંની સંગત કરનારો હવે આવ્યો એને ય ઝાઝો અનુભવ તો નહિ હોય કારણ કે, ગોળના રવા પકડયા હોય, એમ એ તબલા પકડીને આવ્યો હતો.

સ્વ. મૂકેશજીને શોકાંજલિ સ્વરૂપે એમણે પ્રથમ ગીત શરૂ કર્યું, ''બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ ?''

ગીતમાં કૃષ્ણપ્યારી રાધાનું નામ આવતું હોવાથી તેઓશ્રી એવું સમજેલા કે, આ કોઈ પ્રાર્થનાગીત છે. મારી બાજુવાળા અભાગિયાથી નો રહેવાણું એટલે એમણે ધ્યાન દોર્યું કે, મૂકેશજી માટે આવું પ્રાર્થના ગીત ન ચાલે, 'સૂર કી ગતિ મૈં ક્યા જાનું...' કે 'જીનકે હૃદય શ્રી રામ બસે, ઉન ઓર કો નામ લિયો ન લિયો...' જોઈએ.

પ્રારંભમાં જ શ્રોતાગણમાંથી પથ્થરબાજી થાય, એ એમને ન ગમ્યું, છતાં ય રાધાને રદબાતલ કરીને નવેસરથી હાર્મોનિયમ ઉપર આંગળીઓ ચાંપી. વિશ્વપ્રસિદ્ધ ગાયકો ગાયન શરૂ કરતા પહેલાં તબલાંવાળાને મૌનમાં જે ઇશારો કરે છે, એ ઇશારો આમને યાદ રહી ગયો હતો. તે એ ય કર્યો.

એ પ્રાર્થના ગાય છે કે, ભદ્રના કિલ્લે ઊભા ઊભા ભીખ માંગે છે, એ એમના હાવભાવ પરથી પકડાતું નહોતું. શરૂ કર્યું, ''દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મનમેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ... હોઓઓઓ''

આ તબક્કે ઉપરવાળાને અમે ય આ જ પૂછતા હતા.

પછી તો મદારી સુંડલામાંથી જુદા જુદા સાપ કાઢે, એમ એમણે મૂકેશના ગીતો કાઢવા માંડયા. મૂળ ગીતો આમનાથી ફફડતા હોવા જોઈએ. કારણ કે, ગીતે હજી એમના ગળામાંથી જરાક અમથું ડોકિયું કર્યું હોય, ત્યાં જ શાળાના બાળકો હેડમાસ્તર આવતા જ આમથી તેમ ભાગવા માંડે, એમ આ શબ્દો ઉલટસુલટ થવા માંડતા. 'સારંગા'ને એટલું ભાન ન રહ્યું હોય કે, 'મારે 'તેરી યાદ મેં' પહેલા આવવાનું છે કે પછી... બીકનો માર્યો 'સારંગો' ત્રીજા કે ચોથા શબ્દ પછી આવ્યો. 'યાદ મેં ' કે 'નૈન હુએ બેચૈન...'' જેવા ક્લાસના હોંશિયાર શબ્દો પણ બહુ ડરી ગયેલા, એટલે ગભરાહટમાં એમના ગીતનું મુખડું આમ શરૂ થયું, ''યાદ મેં સારંગે તેરી, જાગ જાગ કે હમ રાતભર કરવટે બદલતે હૈ...'' રામ જાણે એમણે બીજા કોઈ ગીતને શું કામ ભેગું કરી નાંખ્યું !

''દાદુ, હવે મૂકેશજીનું આ ગીત સાંભળો...''

''તો સાલો અત્યાર સુધી શું નીતિન મૂકેશના ગીતો 'હંભળાવતો'તો ?'''

''યે મેરા દીવાનાપન હૈ...'' એમના ગાતાની સાથે અમે ચારેએ સટ્ટાક કરતી હા જ પાડી દીધી કે, ''હા, આ તારૂં દીવાનાપન જ છે, કે તું થોડો ય ઝાલ્યો રહેતો નથી ને મુઠ્ઠી વાળીને ઉપડયો છે... પણ અમને ગણકાર્યા વિના એમણે ચાલુ રાખ્યું, 'યા મુહબ્બત કા સુરૂર... તુ ન પહેચાને તો હૈ યે તેરી નઝરો કા કુસુર...''

વાંક અમારી નજરોનો નીકળે તો અમે ચારે ય શ્રોતાઓ આંખોમાં પિપડાં ભરી ભરીને 'જીવદયા નેત્રપ્રભા' રેડવા તૈયાર હતા. આખરે અમે ય માણસો છીએ. (એટલીસ્ટ, એ ઘડી સુધી અમે એવું માનતા હતા.) અમારી કોઈ મર્યાદા હોય. રાત્રે બંધ દુકાનના ઓટલા પર ચાર જુગારીઓ જુગાર રમતા હોય ને પોલીસની સાયરન સંભાળાય, એ સાથે જ કૂદકા મારીને ભાગે એમ ચોથા ગીતનું તેઓશ્રીએ એનાઉન્સમેન્ટ કરતા જ અમે, 'મૂકેશજી અમર રહો...'ના શંખનાદ સાથે ઊભા થઈ ગયા. તેઓ ડઘાઈ તો ગયા, પણ અમે ટાઇમસર ઉભા ના થયા હોત તો, બાકીની જિંદગીમાં ઓરિજીનલ મૂકેશના ય ગીતો સાંભળવાના બંધ કરી દીધા હોત...!

અમને એમ હતું કે, ભલે ગાયું એમણે પણ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો છે એટલે જે કાંઈ આવક થઈ, એ તો મૂકેશજીની યાદમાં કોઈ સારા કામ માટે વપરાશે. હકીકતમાં તેઓશ્રી પણ ભારતના 'શ્રદ્ધાંજલિ નિષ્ણાત ગાયકો' જેવા નીકળ્યા. કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો હોય તો ભાવકો પાસેથી પૈસા કેમ લઈ શકાય ? અને પ્રોગ્રામમાંથી થતી આવક સ્વ. મૂકેશજીના ઘેર મોકલવાની હોય કે કોઈ સારા ઉદ્દેશ્ય માટે વાપરવાની હોય તો પ્રણામ. મંજૂર કે, તમેય અન્ય પ્રોગ્રામ કરતા આમાં વધારે ખર્ચ્યા છે, એ તમારે દાન થોડા કરી દેવાના હોય, પણ પ્રોગ્રામનું નામ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' રાખો, એ તો સદ્ગત ગાયકનું ય અપમાન છે.

સ્વ. મૂકેશજીના અવસાન પછી એમના અતિપ્રિય રાજ કપૂર કે લતા મંગેશકરે કોઈ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' રાખ્યો હતો ?

સિક્સર

- સ્વ. રાજીવ ગાંધીની શોકસભામાં ડૉ. મનમોહનસિંઘ પડી ગયા...
- ફરી એક વાર... ?

No comments: