Search This Blog

20/08/2014

દૂધની કોથળી

કિચનમાં કાતર લઇને ઊભો છું. મારે ત્યાં કોઇનું ખિસ્સું કાપવું નથી, દૂધની કોથળી કાપવી છે. મારામાં એક ગુણ સારો છે કે, મને જેટલી કલાઓ આવડે છે, એના કરતા નથી આવડતી એની સંખ્યા મોટી છે. મને બાણાવળી વીર અર્જુન ગમે ખરો, પણ મારામાં એવો ઇગો નથી, કે મને એની માફક તીરકામઠાં ચલાવતા આવડવા જોઇએ. હું સારામાં સારી કવિતાઓ લખી શકું છુ પણ એ તો મારા સિવાય કોઇ વાંચે તો ખબર પડે. લોકોને સ્વિમિંગ પૂલમાં તરવાનું શીખતા જેટલો સમય લાગે, એનાથી થોડો વધુ સમય મને બાથરૂમમાં નહાવાનું શીખતા થયો હતો. આજે ય, નહાવા/ નવડાવવાની કલામાં હું પારંગત થઇ ગયો છું, એવું કહી શકું નહિ. મોટી મુશ્કેલી ભીના શરીર ઉપર સાબુની ગોટી ઘસવાની છે. જરા અમથી ગોટી છાતી ઉપર ફેરવવા જઉં, ત્યારે દમયંતિના હાથમાંથી માછલી છટકે, એમ પટ્ટ કરતી ગોટી છટકી જાય છે. આવું અનેકવાર થાય, પછી મારૂં નહાવાનું પૂરૂં થાય છે. હું જાણું છુ કે, આ સ્માર્ટ માણસોના લક્ષણો નથી ને મારી બા તો અનેક વખત સલાહ આપી ચૂક્યા છે કે, તું નહાવાના સાબુને બદલે કપડાં ધોવાનો લાંબો લાટો પકડીને નહા.

એ જ લાઇન પર... મને દૂધની કોથળી કાપતા નથી આવડતું, એ સ્વીકારૂં છું.

એમાં કાંઇ કરવાનું હોતું નથી, એવું મને વર્ષોના અનુભવી કોથળી- ફાડુઓએ સમજાવ્યું. એક હાથમાં કોથળી પકડી રાખીને બીજા હાથમાં કાતર રાખવાની. એક છેડો ઊંચો કરીને ખૂણામાં કાપો મૂકી દેવાનો. ઇટ્સ સો સિમ્પલ... યૂ નો !

ડોબાઓ મારી મૂંઝવણ સમજી શક્યા નહોતા. મારો પ્રોબ્લેમ કોથળી કાપવાનો નહતો. કોથળી તમે ગમે એટલી કાપો, પણ આવી કાપાકાપી વખતે દૂધનું એક ટીપું ય ઢોળાવવું ન જોઇએ, એ પૂર્વશરત. આજે મારે સાતમો મહિનો બેઠો છે, કોથળી કાપવાનું શીખતા. પણ હજી સરખો હાથ બેઠો નથી. મેં દૂધવિજ્ઞાાનના કેટલાક વૈજ્ઞાાનિક રબારી- ભરવાડ મિત્રોની સલાહ લીધી કે, દૂધની કોથળી કેમ કાપવી, એનું રહસ્ય મને સમજાવો, ગુરૂદેવ. તો જવાબ મળ્યો, ''અમને આવડતું હોત, તો હજી ગાય- ભેંસના આંચળો ખેંચી ખેંચીને દૂધો કાઢતા હોત ? અમને ગાયો દોહતા આવડે.. કોથળીઓ દોહતા નહિ !''

કહે છે કે, હવે એમને ય ડાઉટ પડવા માંડયો છે કે, ગાયના પેટમાંથી સીધું કોથળી સાથેનું દૂધ તો નહિ નીકળે ને ?

છેવટે એકલવ્યની જેમ ગુરુદેવ રબારી- ભરવાડોની મૂર્તિઓ નજર સમક્ષ રાખીને મેં કોથળી કાપવાની સ્વતાલીમ લેવાનો પ્રારંભ કર્યો.

આમાં શીખવા માટેની કોથળીઓ અલગ મળતી નથી કે, શીખતા શીખતા ફાટી જાય તો દૂધ કિચનના ફર્શ પર ઢોળાઇ જાય. એના માટે તો અસલ દૂધવાળી કોથળી જ લેવી પડે. પણ મને વીર અર્જુન યાદ આવ્યો. યાદ આવ્યોનો મતલબ એ નહિ કે, ધનુષ-બાણ લઇને દૂધ ભરેલી કોથળી વીંધી નાંખીશ, પણ એનામાંથી શીખવા જેવું એ હતું કે, જે કાંઇ વીંધવાનું હોય, એના ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરો. બીજું બધું ભૂલી જાઓ. યુવાન હો તો મનગમતી છોકરી અને પતવા આવ્યા હો, તો ઘરના કામ ઉપર લક્ષ્ય આપો. લક્ષ્ય વિના સિધ્ધિ નથી.

રોજ સવારે દૂધ પીવાથી વિચારો સારા આવે છે, એવું એક વિચારકે મને કહ્યું હતું. મારા ઘરમાં બકરી નથી, એટલે ગાંધીચીંધ્યા માર્ગે દૂધ પી શકું એમ નથી, પણ દૂધ તો દૂધ છે, ભલે એ બાટલીનું હોય. કહે છે કે, અસલના વીર યોધ્ધાઓ દૂધ પીને રણભૂમિએ જતા. હું ગરીબ બ્રાહ્મણ, એટલે યુદ્ધનું મેદાન મને ન શોભે... આઇ મીન, એવા મેદાનમાં હું ન શોભું. પણ પેલા વિચારકના વિચારો મને ગમી ગયા હતા કે, દૂધ પીવાથી બુધ્ધિ વધે છે. એ વિચારકને આ દુનિયા ''પંડિત અશોકજી દવેજી'' ના શુભ નામે ઓળખે છે.

પણ દૂધ પહેલાની જેમ ભૈયાઓ કે ભરવાડો નથી લાવતા, 'ડેરી' વાળા લાવે છે અને તે પણ પ્લાસ્ટીકની કોથળીમાં. બધું બરોબર છે, પણ દૂધ કાઢવા માટે કોથળીને ફાડવી સરળ નથી. એક નાની અમથી ભૂલ અને અડધું દૂધ બહાર. પેલા વિચારકશ્રીએ સહન કરી શકતા નથી કે, કોથળી ફાડતી વખતે એક ટીપું ય બહાર ઢોળાય. મોંઘા ભાવના દૂધનું એક ટીપું બગડે, એ તો ખોટું જ છે, પણ આમાં તો મારા ઇગોનો ય સવાલ આવે છે કે, આટલી નાનીઅમથી વાત શીખી કેમ ન શકાય ? મને તો કોઇનું ખિસ્સું કાપવા કરતા ય કોથળી કાપવી વધુ જટિલ લાગે છે. મને યાદ છે, એ એક ગોઝારો ગુરૂવાર હતો. વહેલી પરોઢે હું ટાંપીને દુધવાળાની રાહ જોઇને બેઠો હતો. કોઇ લેવાદેવા વગરની ય મારે રોજ બે કોથળી તો ગટગટાવી જવા જોઇએ જ. ગટગટાવતી વખતે ગળામાંથી ગુટુરગુટુર જેવા અફલાતુન અવાજો આવે છે. એ સાંભળવાની આપણી હૉબી. કહે છે કે, કોથળી કાપવા માટે કાતરનો ઉપયોગ કરવો જોઇએ. કાપતા પહેલા કોથળીને કઇ બાજુથી પકડવી, એ મુદ્દે જાણીતા કોથળી- કાપુઓમાં મતભેદો રહ્યા છે. એક કોર્નર પકડીને કોથળી લટકતી રાખ્યા પછી, બીજા હાથે કાતર વડે ખૂણો કાપવાનો હોય છે, પણ મેં જે ખૂણો પકડયો હતો, એ કાપી નાંખ્યો. આ બનાવ બહુ સારો બન્યો ન કહેવાય.

પછી તો યાદ પણ આવ્યું કે, કોથળી કાપવા જેવી તદ્દન સામાન્ય આવડતો મને ફળી નથી. લાઇફમાં મારે હજી ઘણું શીખવાનું છે. અજીતસિંહના શબ્દોમાં, મને હજી એક હાથે ગાડી ચલાવતા નથી આવડતું. ગમે તેટલો પ્રયત્ન કરૂં, છતાં સ્ટીયરિંગ ઉપર બન્ને હાથ આવી જાય છે. અનેક વખત મારા માથાના વાળ જાતે કાપવાના વલખાં માર્યા છે. એમાં અનુભવીઓ કહે છે, સ્વપ્રયત્ને વાળ કાપતી વખતે એક આગળ અને એક પાછળ અરીસો હોવો જોઇએ ૫ણ જોવાનું બેમાંથી કયા અરીસામાં એના સંકેત મળતા નથી. પણ આ આપણો રોજનો ધંધો ન હોવાથી એક વાર કાનની બૂટ ઉપર ચીરો મૂકી દીધો હતો. આપણું કામ આપણે જાતે જ કરવું જોઇએ. એવી મહાત્મા ગાંધીની સલાહ માનીને રાત્રે સુતી વખતે મારી પથારી જાતે કરવાના પ્રયોગો કરી ચૂક્યો છું. મને એ પ્રોબ્લેમ બહુ નડે કે, પથારીના ચાર ખૂણામાંથી એક સાથે મૅક્સિમમ આપણે બે જ ખૂણા ખેંચી શકીએ, તો સામેના ખૂણા વગર બોલાવે આપણી તરફ ખેંચાઇ આવે છે. કરચલીઓવાળી પથારીમાં સુવું મને નથી ફાવતું, પણ મારા સુવાની સાથે જ આખી પથારી તહસનહસ થઇ જાય છે અને આજની ખાસ કબુલાત એ છે કે, મને મોબાઇલમાં ફોન કરવા સિવાય બીજું એકે ય કામ આવડતું નથી. વોટ્સએપ, ફેસ-બુક, ટ્વિટર કે બ્લોગ- ફોગ મારી આવડતના વિષયો નથી.

ત્યારે વાઇફે કહ્યું, ''અસોક, તમને મોબાઇલું વાપરતા નથ્થી આવડતું, એટલે જ સુખી છો. જેને આવડે છે, એ બધાને કાને ગૂમડાં થઇ જાવાના છે. તમારા જેટલી શાંતિ બીજા કોઇને ના મલે...!''

સિક્સર

જ્યારે તમે સુખી હો છો, ત્યારે તમને સંગીત આનંદ આપે છે, પણ જ્યારે દુઃખી હો છો ત્યારે ગીતના શબ્દો સમજાવા માંડે છે. : નીતા જયનેન જહાએ કીધેલી વાત.

No comments: