Search This Blog

13/08/2014

સવા લાખનું પર્સ

અમેરિકાથી વાઇફ માટે શું લઇ જવું, એ મૂંઝવણ બહારથી અમેરિકા આવેલા ગુજરાતીઓને ચોક્કસ થાય છે. કેટલાક ભયના માર્યા વાઇફ માટે ગિફ્ટ લઇ જાય છે, તો કેટલાક એક જ ગિફ્ટ બબ્બે- ત્રણત્રણની જોડીમાં લઇ જાય છે. (ઘેર એમાંની એક જ દેખાડવાની હોય !) હું એક હોનહાર અને આદર્શ પતિ છું. પશ્ચિમ ભારતમાં હવે આવા સારા પતિઓ નથી થતા, એની તો તમને ય ખબર છે. મારી વાઇફને હું અમેરિકા જઇને પણ ભૂલ્યો નહતો. જે જે ધોયળીઓ સારી લાગે, તે બધીઓને મેં વાઇફસ્વરૂપે જોઇ છે. મારામાં કાળા-ગોરાનો ભેદભાવ નથી. એ વાત જુદી છે કે, અહી આવી ગયા પછી વાઇફમાં મેં એ બધીઓના સ્વરૂપો જોવાનું ટાળ્યું હતું. હું નહોતો ઇચ્છતો કે, મારે કારણે ભારત-અમેરિકાના સંબંધો બગડે.

''અસોક...ઠેઠ અમેરિકા જાવ છો, તો મારા હાટું સુંઉ લાવસો ?''હું તો ઓફિસે જતો હોઉ, ત્યારે ય એ મને આવા ટેન્શનો આપે છે, ત્યાં આ તો અમેરિકા જતો હતો, તો છોકરૂં કંઇક અપેક્ષા તો રાખે ને ?

એ જ સંદર્ભમાં મેં હળવા કંઠે અમેરિકામાં ગાયું હતું, ''વો હમ સે કહેંગે શરમા કે, પરદેસ ગયે થે ક્યાં લાયે, હમ ઉનસે કહેંગે જાને જહાં, દિલ અપના બચાકર લે આયે...હોઓઓઓ.'' આ અઘરૂં છે. આટલે દૂર ગયા પછી પત્ની માટે ભલે કશું ન લાવીએ, પણ દેશમાં પાછા આવીને આપણી જ વાઇફે કોક ધોયળીને ભાભી કહેવું પડે, એવું કાંઇ લેતા જવું શરમજનક છે. માટે હું પણ મારૂં હૈયું બચાવીને લાવ્યો હતો. મેં અનેક ભારતીયો જોયા છે જે, પોતાની પત્ની માટે જ નહિ... કોઇની બી પત્ની માટે અમેરિકાથી સો ગ્રામ ગાજરે ય લઇ આવતા નથી. કેવું શરમજનક ?

છતાં ય પત્ની છે ને ? કંઇક લઇ જવું સારૂં. આપણે બીજી વાર જવાનું થાય તો એને આશા ન બંધાય અને સાથે આવવાની બબાલ ન કરે...કે, ઘેર બેઠા ય એ લાખ-સવા લાખનું કાંઇ લાવવાનો જ છે ને ? હું ન્યુજર્સીના 'મૅસી'' સ્ટોરમાં ગયો, ત્યાં 'વર્સાચી' અને 'ગુચ્ચી' જેવા બ્રાન્ડ- નૅઇમ્સવાળી કમર તોડી નાંખે એવા ભાવવાળી આઇટમો મળતી હતી. (આ બન્ને નામો કોઇ મહિલાઓના નથી...બ્રાન્ડના છે.) ચાલતી વખતે વાઇફના બન્ને ખભા સમાંતર રહે, માટે એ ઉપાડી શકે, એટલા વજનનો માલ જ લઇ જવાય. મારો વિચાર તો, ત્યાં જો મળતો હોય તો એને માટે ખાદીનો એક બગલથેલો લેવાનો હતો. બગલથેલામાં એ અલીયાબાડાની સેવાભાવી ગ્રામસેવિકા જેવી મનોહર- મનોહર લાગે છે. (ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં બગલથેલા વિનાની લેખિકા મળવી મુશ્કેલ છે. એમનું સઘળું સાહિત્ય બગલેથેલામાં લટકતું જોવા મળે છે. કહે છે કે, બગલથેલા વગર કોઇ લેખિકા ગણતું નથી.)

'વર્સાચી'ના એ સ્ટોરમાં અનેક પર્સ હતા. મેં એક ખરીદ્યુ. કિંમત ૨,૨૦૦ અમેરિકન ડોલર્સ એટલે આશરે રૃા.૧ લાખ ૩૪ હજાર.

આમાં હું થોડો ગણત્રીબાજ ખરો કે, આમે ય, એ સાથે આવી હોત તો આટલા તો ફ્લાઇટોની ટિકીટોમાં જતા રહેત. એના કરતા લાખ-સવા લાખમાં પતતું હોય તો ખોટું નહિ. બિલ ચૂકવતી વખતે શરીરમાં એક લખલખું આવી ગયું હતું, કારણ કે, ઇન્ડિયા જઇને સવા લાખના પર્સમાં એ રૂપિયા કેટલા મૂકીને ફરશે. એ ધારણાએ ધૂ્રજી ગયો હતો. નોર્મલી, એના પર્સમાં બસો- ત્રણસો તો હોય છે જ. (હું સાથે હોઉં ને... એટલે એને ઝાઝા રાખવાની જરૂર ન પડે. મારા વોલેટમાં ત્રણસો ચાર સો હોય!) વધારે રાખીએ તો કોક માટે કાઢવા પડે ને ?) પણ હવે સવા લાખના પર્સમાં નૈતિક રીતે પણ એણે મિનિમમ ૪૦-૫૦ હજાર તો મૂકવા પડે કે નહિ ? એ ય કમાવવાના તો મારે ? હવે એ હક્કથી ૧૦-૨૦ હજાર માંગશે કે, ''અસોક... સવા લાખના પર્સુમાં બશો-તઇણશો હારા નો લાગે ! કાંઇક વધારે દિયો.'' મને ભય પેસી ગયો કે, આ પર્સ મને બીજા ૪-૫ લાખમાં પડવાનું છે. કેમ કોઇ બોલતું નથી ? મને આટલું લખતા વાઇ કે ફિટ આવી જાય એમ છે.

''હા.... અસોક આવી ગીયા હોં, રીટા. ના રે ના... ખાસ તો મારા હાટું કાંય નથ્થી લાઇવા... બસ એક અમથું એક લાખ ચોત્રીશ હજારનું પર્શ લાઇવા છે. મેં કીધું, સુઉં કામ પણ આવા ખોટા ખર્ચા કયરા ? પણ ઇ માને તો ને ?''

''એક લાખ ચોત્રીશ હજારનું પર્સ....? તુ પાગલ તો થઇ ગઇ નથી ને ? તારો વર આટલી રમકમમાં તો પંદર વાર અમેરિકા જઇ આવે એવો કંજૂસ છે...!''

''ના હો, આ શ્રાવણ મહિનામાં મારાથી ખોટું નંઇ બોલાય. અલી, 'વર્સાચી'નું છે, પછી એટલા તો હોય જ ને ?''
''એક લાખ ચોત્રીશ હજાર...?? તુ ફરી તપાસ કરજે, નહિ તો...''

''જો શાંભળ રીટા... આમ તો આ વાત ગામમાં કોઇને નો કે'વાય, પણ તું ખાસ ઓલી અમુડીને કે'જે જ... ઇનાથી શહન નંઇ થાય. લાશ્ટ ટાઇમ, ઇ ન્યુઝીલેન્ડ ગઇ'તી, તો મારા જીવો બળાવવા મને કિયે, ''હું તીયાંથી પિચ્ચોતેર હજારના કાનના બુટીયા લાઇવી...!'' રીયલી, મેં તો પૂછી જ લીધુ, ''પિચ્ચોત્તેર હજાર તો બન્ને કાન શાથેનો ભાવ હશે... ખાલી બુટીયાના આટલા નો હોય... એમાં ઇ બઇગડી'તી. હવે તુ એને ખાસ કે'જે કે, મારો વર મારા હાટું એક લાખ ને ચોત્રીશ હજારનું પર્સ લાઇવો છે....! આપણે નથ્થી બોલતા તીયાં શુધી જ, હોં...!

ઇન્ડિયા પહોચ્યા પછી પહેલું અને છેલ્લું ટેન્શન આટલા મોંઘા પર્સની સમાજને જાણ કરવાનું હતું. હાથમાં લઇ લઇને ફરીએ... ઓકે, લોકો જુએ પણ ખરા... ઓકે, પણ બધાને એ તો ખબર ન હોય ને કે, પર્સ આટલું મોંઘું છે ? આમ બહારથી પચ્ચી રૂપીયાનું છે કે સવા લાખનું, એ કાંઇ ખબર ન પડે. સમાજને માહિતગાર કરવાની જવાબદારી આપણી છે. સુઉં કિયો છો ?

સામે ચાલીને બહુ મોંઘા ખર્ચાવાળી કિટ્ટી પાર્ટી દેવામાં આવી. (પાર્ટીને અંતે ખર્ચાનો સરવાળો રૂ. ૩૨,૦૦૦) વાઇફે સંયમ રાખ્યો કે, આપણે સામે ચાલીને કોઇને જાણ નથી કરવી. જોઇએ તો ખરા, લોકો શું કહે છે ? એણે પર્સ કાર્ડસ્-ટેબલ પર રાખ્યું, જેથી સહુની નજર પડે. વાઇફની જન્મથી ખાસીયત છે. વીણી વીણીને એક એક સખીઓ એવી રાખી છે, જેની ઉપર આપણી તો ઠીક, એમના વરોની ય નજર ન બગડે. એ બધામાં રૂપાળી ગણો તો ય અમારી રાધા ને જોવી ગમે તો ય અમારી રાધા ! હવે તમે કલ્પના કરી શકો કે, બાકીનીઓ કેવી હશે ? પણ બાકીની એકે ય સખીને સખી કહેવામાં ગૌરવ ન થાય... 'સખો' કહીએ તો વાતમાં વજન પડે ! કોઇના બે દાંત આગળ હોય, કોઇ કાળું ગુલાબ હોય, કોઇ એટલી હદે બટકી હોય કે, ટીવી પર અમિતાભને જોવો હોય તો એકની ઉપર એક, એવા ત્રણ ટીવી મૂકો તો ઉપરવાળામાં બચ્ચનનું માથું ને નીચેવાળામાં પગ દેખાય. એકનો તો વાતવાતમાં ખભાનો ઝટકો આપણી તરફ આવે... ખભાથી હેડકી ખાતી હોય એવું લાગે ! બીજી એકનું નામ 'પુષ્પી' છે. પુષ્પ એટલે ફૂલ. પણ દુનિયાભરના 'બોટની'ના એકે ય પાઠયપુસ્તકમાં આ 'જંગલી ફૂલ'નો ઉલ્લેખ નથી. સીધુ આપણા ઘેર આવીને જ ખીલ્યું. પણ આ બધીઓથી પત્ની ખુશ કે, મારો અસોક તો આઘો રિયે છે !

''હાય હાય... આ ઓશિકાનું લેધર-કવર ક્યાંથી લીધું ? છે સારૂં, હો !'' કાળા ગુલાબે સવા લાખના પર્સને હાથમાં પકડીને વાઇફને પૂછ્યું. ઊંધી કરેલી કાચની રકાબી ઉપર કોઇએ લોખંડની હથોડી પછાડી હોય, એવો ઝટકો વાઇફને લાગ્યો.

''સુઉં રક્ષાડી....તને ઇ ઓસિકાનું કવર લાગે છે ? અરે, આ તો પર્સ છે ને મારો વર...''

''મારી રૂપાળી રાધા... આને તુ પર્સ કહે છે ?'' બટકી બોલી, ''અરે ઢાલગરવાડમાં આવા ચીંથરાઓ પચ્ચી પચ્ચી રૂપિયામાં જોઇએ એટલા મળે છે.... કોક તને છેતરી ગયું. બેન !''

દેખાવમાં જાવેદ મીયાંદાદ જેવી લાગતી બેન પૂનમે વધુ આઘાત આપ્યો, ''બકા, ધોયા પછી આ ચઢી જવાનું... આને ધોઇશ જ નહિ !'' સાલા પર્સો ક્યે દહાડે લોન્ડ્રીમાં ધોવા નાંખીએ છીએ, પણ ગામના મોંઢે તાળાં મરાય છે ?

ભારે નિરાશાઓ સાથે એ પાર્ટી પતી ગઇ. કોઇએ પૂછ્યું તો ઠીક... એ પર્સને હાથમાં લઇને જોયું પણ નહિ, એનાથી નિરાશ મારી પત્ની ફિલ્મ 'સુજાતા'ની નૂતન જેવી દેખાતી હતી.

''અસોક, આપણા 'મનપસંદવાળા'શ્મિતાબેન કે'તા'તા કે, આવી મૂલ્યવાન ચીજુંને પરખનારો તો ક્લાશ જ નોખો હોય. ક્લબું કે મોટી હોટલુંમાં જ આની કદર કરનારા મલી રિયે. ઇ લોકો આવું વાપરતા હોય, એટલે એમને ખબર હોય. આપણે ક્લબમાં મેમ્બર થઇ જાંઇ...?'

કોના બાપની દિવાળી ? અમે શહેરની એક ક્લબમાં પાંચ લાખ આપીને મૅમ્બર થયા. રવિવારે ભીડ હોય એટલે ગયા. ઓળખીતાઓ ય મળ્યા. પારૂલ-દિપક સામેથી જ આવતા હતા. પત્નીએ કોણી ઉપર પર્સ લટકાવીને ભારે ઉમળકા સાથે ''ઓ હાય... તમે આઇયાં...?'' સુઉં વાત કરો છો ?'' કહ્યું. પર્સ પકડેલી કોણી ઊંચી કરવા વાઇફે હાથ ગળાની પાછળ અડકાડયો.

''ઓહ ભાભી... આ તમારી કોણી ઉપર કાળું કાળું ડામર જેવું શું ચોંટયુ છે ? જુઓ જુઓ જરા .... ડ્રેસને અડે નહિ !''

તારી ભલી થાય ચમની... તને આ જાંબલી-જાંબલી પર્સ ન દેખાણું ને કાળું કાળું ડામરીયું જ દેખાણું ? ને છતાં ય, શરમ તોડીને વાઇફે કહેવું પડયું, ''ઓહ પારૂલભાભી... આ જરા પર્સ પકડો ને... હું ઇ ડાઘો લૂછી નાંખુ...!''

બેન પારૂલે પર્સ હાથમાં લેતા જ પૂછ્યું, ''અરે વાહ... આટલું સુંદર પર્સ...? 'વર્સાચી'નું ?'' વાઇફના ચેહરા ઉપર નૂર આવ્યું. એ સ્માઇલ આપવા જતી જ હતી, ત્યાં પારૂલ બોલી, ''દીપક... જોયું ? સાલા ચાઇનાવાળા અહીં ય પહોચી ગયા છે.. 'વર્સાચી'નું ય ડૂપ્લિકેટ...! ઓરિજીનલ 'વર્સાચી'નું લાખ- સવા લાખમાં મળે ને આ...? બસ્સો બસ્સો રૂપિયામાં....!''

સિક્સર 
- રાત્રે બબ્બે વાગે કાન નહિ, બધું ફાડી નાંખે એવા લાઉડ- સ્પીકરો સાથે ધાર્મિક સરઘસો બૂમરાણ કરતા નીકળે, વૃધ્ધ અને બિમાર લોકો તરફડે, છતાં પોલીસ આવા ઘોંઘાટની પરવાનગી પણ આપે, એ તો કેવળ ભારતમાં જ બને !
- ના સર-જી, તમે સમજ્યા નહિ ! આવા સરઘસો પોલીસ અધિકારીઓ રહે છે, ત્યાંથી ક્યાં નીકળવાના છે ?

- નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !!!

No comments: