Search This Blog

22/08/2014

'અનહોની'('૫૨)

- હિંદી ફિલ્મોનો પહેલો ડબલ રોલ... મૈં દિલ હૂં એક અરમાન ભરા, તુ આ કે ઇસે પહેચાન જરા... રાજ- નરગીસનું

ફિલ્મ : 'અનહોની'('૫૨)
નિર્માતા- દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : રોશન
ગીતકારો : કોષ્ટક મુજબ
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ : ૧૫૫ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ) ખબર નથી.
કલાકારો : રાજ કપૂર, નરગીસ (ડબલ રોલમાં), ઓમપ્રકાશ, ડૅવિડ અબ્રાહમ, અચલા સચદેવ, આગા, બદ્રીપ્રસાદ, જાનકી દાસ, સલમા, શૌકત હાશમી અને વનલતા.



ગીત

૧. મૈં દિલ હૂં એક અરમાન ભરા, તુ આ કે મુઝે પેહચાન જરા ...તલત મેહમુદ
૨. સમા કે દિલ મેં હમારે જરા ખયાલ રહે .... લતા- તલત
૩. કહા હૈ ઉન્હોને યે રાઝે મુહબ્બત .... લતા મંગેશકર
૪. મેરે દિલ કી ધડકન ક્યા બોલ, ક્યાં બોલે, મૈં જાનું ....... લતા-તલત
૫. શરીફોં કી મેહફીલ મેં દિલ ગયા ચોરી ....... રાજ કુમારી
૬. જીંદગી બદલી મુહબ્બત કા મઝા આને લગા .... લતા- રાજ કુમારી
૭. ઇસ દિલ કી હાલત ક્યા કહીએ જો શાદ ભી હૈ, નાશાદ ભી હૈ..... લતા મંગેશકર

ગીત નં.૧ : સત્યેન્દ્ર અત્થૈયા, ૨, ૩ અને ૫ પી.એલ.સંતોષી, ૪ શૈલેન્દ્ર, ૬ નખ્શબ જારચવી અને ૭ અલી સરદાર જાફરી.

'નામ બડે ઔર દર્શન છોટે'ની કહેવત આ ફિલ્મ જોઇને પડી હતી. રાજ-નરગીસની ફિલ્મ એ બન્નેના ફેમિલી- ફ્રૅન્ડ બની ગયેલા લેખક, દિગ્દર્શક, નિર્માતા ખ્વાજા એહમદ અબ્બાસનું બૅક ગ્રાઉન્ડ પૂરેપુરૂં સામ્યવાદી હતું ને ઇન્ડિયન પીપલ્સ થીયૅટર (ઇપ્ટા)માં એમના જોડીદારો અલી સરદાર જાફરી હોવા છતાં...

.... અને ખાસ તો, નરગીસે રીક્વેસ્ટ કરી કરીને પોતાને માટે કોઇ દમદાર રોલ લખવાની ખ્વાજાને ફરજ પાડી હતી, તો ય અથવા તો એટલે જ આ ફિલ્મ બકવાસ બની. અબ્બાસનું નામ મોટું હતું, એ જ આપણો ગુન્હો. રાજ કપૂરની આવારા, શ્રી ૪૨૦, જાગતે રહો, મેરા નામ જોકર, બૉબી અને હિના ફિલ્મો અબ્બાસે લખી હતી એટલે નામ તો મોટું થયું કહેવાય. ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર' અને અમિતાભ બચ્ચનની સૌથી પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' પણ એમનું જ સર્જન. નરગીસને લઇને રશિયાના અડધા ભાગમાં બનેલી ફિલ્મ 'પરદેસી' અને 'શહેર ઔર સપના' માટે એમને નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા. ૧૯૩૫થી ૧૯૮૭ સુધી (એમનો સ્વર્ગવાસ) મુંબઇના 'બોમ્બે ક્રોનિકલ'માં સૌથી લાંબા સમય સુધી કોલમ ચલાવવાનો એમનો રેકોર્ડ હતો. મતલબ, ૫૨ વર્ષ એમની કોલમ ચાલી. (આ લખનારની કોલમ 'બુધવારની બપોરે'ને તો હજી ૩૭- વર્ષ જ થયા છે.)

પણ નરગીસને ખુશ કરવા માટે બનેલી આ ફિલ્મ નકરો બકવાસ હતી. જુઓ, આવી કોઇ સ્ટોરી હતી. રૂપ અને મોહિની સગી બહેનો (નરગીસ) છે. રૂપ એક કરોડપતિ બાપ (બદ્રી પ્રસાદ)ની શિક્ષિત દીકરી અને બીજી કોઠાની તવાયફ મોહિની. શહેર લખનૌનો એક સામાન્ય વકીલ રાજકુમાર સક્સેના (રાજ કપૂર) રૂપના પ્રેમમાં પડે છે. રાઝ તો તરત ખુલી જાય છે કે મોહિની અને રૂપ બન્ને બહેનો છે ને મોહિનીને કોઇ અન્યાય ન થાય તે માટે રૂપ પિતાના અવસાન પછી તરત પોતાની બધી મિલ્કત મોહિનીને નામે કરી, એને પોતાના ઘેર બોલાવે છે, પણ મોહિની તો રાજને પ્રેમ કરી બેસે છે. ગમે તે ભોગે રાજને પામવા એ બદમાશીઓ કરતી રહે છે ને પોતાની બહેન છે ને... એમ જાણીને રૂપ પોતાના પ્રેમનું બલિદાન આપીને મોહિનીને રાજ સાથે પરણાવી દે છે. રાજને સુહાગ રાતે જ ખબર પડી જાય છે કે, બન્ને બહેનોએ ભેગા મળીને એને મામો બનાવ્યો છે એટલે એ ઓફિશિયલ વિરોધ નોંધાવવા રૂપના ઘેર આવે છે, જેની પાછળ મોહિની પણ આવીને પોતાની જાતનું બલિદાન આપી દે છે. સ્ટારકાસ્ટમાં રાજ-નરગીસ ન હોત તો ૧૫ રીલ્સની આ ફિલ્મ પ્રેક્ષકો પહેલા રીલથી જ કંટાળીને ઘરભેગા થઇ ગયા હોત.

યસ. હિંદી ફિલ્મોમાં પહેલી વાર ડબલ રોલ આવ્યો હતો, એ જોઇને કેમેરામેન રામચંદ્રને અભિનંદન આપવા પડે કે, એ પછી આવેલ ડબલ રોલવાળી બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં કેમેરાને નામે અણઆવડત જ છતી થઇ હતી, એનો મોટો દાખલો દેવ આનંદની ફિલ્મ 'હમ દોનો.' કશું આવડયું નહોતું એટલે બન્ને દેવ આનંદોને અંધારામાં સામસામે ઊભા રાખી કહેવાતો ડબલ રોલ બતાવ્યો હતો.

પણ ખૂબી રાજ કપૂર અને નરગીસની કે ફાલતુ ફિલ્મ હોવા છતાં અભિનયમાં બન્નેએ કોઇ કસર બાકી રાખી નથી. આ એવી સાલ હતી જ્યારે એ બન્ને એકબીજાના કેવળ પતિ-પત્ની થવાના જ બાકી હતા. પણ રાજ પરિણિત હોવાથી કાયદો મંજૂરી આપતો નહતો. નરગીસ તો એની ક્રિશ્ચિયન સખીને લઇને ડરતા ડરતા મુંબઇના તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.મોરારજી દેસાઇને રીક્વેસ્ટ કરવા પણ ગઇ હતી કે, એને રાજ કપૂરની સાથે પરણવા માટે કાયદેસરની છુટ અપાવે. કાકા બહુ બગડયા ને એટલા બગડયા કે, મોટું ઇન્સલ્ટ કરીને બન્નેને ઓફિસની બહાર કાઢી મૂક્યા.

ફિલ્મ 'બોબી'માં ડિમ્પલ કાપડીયાને મળવા રિશી કપૂર પહેલી વાર જાય છે, ત્યારે રસોઇ કરતા કરતા ઊભી થઇને દરવાજો ખોલવા આવેલી ડિમ્પલ અજાણતામાં લોટનો લુવાવાળો હાથ કપાળે અડાડી દે છે, એ દ્રષ્ય વાસ્તવમાં રાજ નરગીસને મળવા પહેલી વાર ગયો ત્યારે બન્યો હતો ને પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકે નરગીસની મમ્મી જદ્દન બાઇએ સારો આવકાર પણ આપ્યો હતો.

સારો આવકાર આપવામાં જદ્દનબાઇનો ય જવાબ નહતો. ઘર આખું નરગીસને 'બેબી' કહેતું. નરગીસને જોઇને ગાંડા બની ગયેલા એક્ટર સુરેશ (ફિલ્મ 'દુલારી'નો હીરો, જેની ઉપર મુહમ્મદ રફીનું 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે...' ફિલ્માયું હતું.) જદ્દનબાઇ પાસે બેબીનો હાથ માંગવા ગયેલો. એક તો, સુરેશની છાપ હોમો સેક્સુઅલ (ગે) હોવાની ને આમે ય ભ'ઇમાં બીજો કોઇ ભલીવાર નહતો, છતાં એની ઓફર સાંભળીને જદ્દનબાઇએ અત્યંત ઉમળકા સાથે સુરેશને બેસાડીને કહ્યું, ''અરે, બેબીનું એવું નસીબ ક્યાં કે, તારા જેવો સુંદર અને સારા ફેમિલીનો છોકરો મળે. હું કાલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથાઓ સરદાર ચંદુલાલ શાહ અને મેહબૂબખાન જેવા મેહમાનોને બોલાવીને ભવ્ય પાર્ટી આપીશ ને એમાં તમારા બન્નેની સગાઇનું એલાન કરીશ. તારા દોસ્તોને ય લેતો આવજે.''

મૂળ તો લખનૌની તવાયફ પણ પરફેક્ટ ઇંગ્લિશ બોલતી જદ્દનબાઇ ડૉ.મોહનલાલને પરણી હતી. બહુ સ્માર્ટ બાઇ હતી, એની ખબર બીજી સાંજે પડી. પાર્ટી એણે ખરેખર આપી હતી ને મેહમાનો ય આવી ગયા. પહેલા જ બોલે સિક્સર મારવા મળી હોય, એમ સુરેશ આખી રાત સુતો ય નહિ હોય ને પોતાના દોસ્તોને લઇને મુસ્કુરાતો પાર્ટીમાં આવી પહોચ્યો. જદ્દને પ્રેમથી આવકારીને બધાની વચ્ચે ફિલ્મી ઢબે એનાઉન્સમેન્ટ કર્યું.

અને સુરેશે કોઇ પુરૂષ પાસેથી નહિ સાંભળી હોય, એવી હલકી બાજારૂ ભાષામાં જદ્દનબાઇએ બધાની વચ્ચે ચીસો પાડી પાડીને સુરેશને ભરચક ગાળો આપી. કેવી હાલતમાં સુરેશે ઘટનાસ્થળે છોડવું પડયું હશે ?

રાજ કપૂરને આવો અનુભવ નહતો થયો, એ જાણવા છતાં કે એ પરણેલો છે ને પોતાની કાચી કુંવારી દીકરીને રમાડે છે. જદ્દનબાઇ જાણતા હતા કે, રાજ મોટો સ્ટાર છે અને જે કોઇ મોટું હોય તે દીકરી માટે જદ્દનબાઇને મનમાં વસી જતું. અર્થાત્, રાજ કપૂરની લાઇફમાં નરગીસ અફ કોર્સ પહેલી સ્ત્રી હતી, પણ નરગીસ માટે રાજ પહેલો પ્રેમી નહતો. સૌથી પહેલો લશ્કરનો આર્મી ઓફિસર કેપ્ટન અન્સારી હતો. જદ્દન અને નરગીસને ટ્રેનના કૂપેમાં એ મળી ગયો ત્યારથી નરગીસ એની ઉપર ઓળઘોળ થઇ ગઇ. સવા છ ફૂટની હાઇટ અને ખૂબસૂરત ચેહરાવાળો આ કેપ્ટન 'બેબી' સાથે પરણે એ માટે નરગીસ જ નહિ, જદ્દનબાઇના પૂરા પ્રયાસો હતા. એ દરમ્યાનમાં આપણા સૌરાષ્ટ્રના રાજવી ઘરાણાનો રૂડી નરગીસની આંખોમાં વસી ગયો કારણ કે, કેપ્ટન અન્સારી કોઇ કારણ- બારણ આપ્યા વિના નરગીસને છોડીને પાકિસ્તાન જતો રહ્યો હતો. રૂડી ભારતના વિખ્યાત પોલો ખેલાડી મહારાજા પૃથ્વીસિંઘનો રાજકુંવર હતો. રૂડી ખૂબ હેન્ડસમ અને બ્રિટીશ ઇંગ્લિશ બોલતો પ્રિન્સ હતો. નરગીસ અને રૂડી વચ્ચેનો પ્રેમ બેતહાશા ફુલ ફોર્મમાં ચાલતો હતો. જદ્દનબાઇને કોઇ વાંધો નહતો... પેલો ગમે તેમ તો ય પ્રિન્સ હતો. ને 'બેબી' પાછળ પૈસા વેડફે, એ હરકોઇ યુવાન માટે એમને એતરાઝ નહતો, માટે જ, રૂડીના ગયા પછી એક રાધેશ્યામ નામનો ફૂટડો યુવાન નરગીસના જીવનમાં આવ્યો. એ જમાનામાં એ સો-સો રૂપિયાની તો હરકોઇ મુલાઝીમને ટીપ આપી દેતો. પણ નરગીસને એમાં રસ ન પડયો, એટલે એક રેસકોર્સની મેચમાં નરગીસે બધાની વચ્ચે એને રાખડી બાંધીને ભાઇ બનાવી દીધો. કહે છે કે, પેલી સો ચૂહે મારકે... વાળી કહેવત આ દિવસથી પડી. રાજની એન્ટ્રી તો રૂડી સાથે નરગીસનું લફરૂં ચાલતું હતું, ત્યારે થઇ. મેહબૂબખાનની ફિલ્મ 'અંદાઝ'ના શૂટિંગ વખતે જ રાજને 'બેબી' ગમી ગઇ અને ફિલ્મ 'આગ' ઓફર કરી. ફિર ક્યા...? વાતવાતમાં ખૂબ હસાવતા રાજની ભૂરી આંખો નરગીસને ગમી ગઇ, તે એટલે સુધી કે, મુંબઇના ફિલ્મી પ્રેસવાળાઓને નરગીસે કહી દીધું, ''રાજ મારો પ્રથમ પ્રેમી છે. બીજા કોઇને પરણવા કરતા હું રાજની રખાત બનવું વધારે પસંદ કરૂં.''

ઓકે. આ દરમ્યાનમાં 'મુગલે આઝમ'ના સર્જક કે.આસીફે ઉઘાડેછોગ નરગીસને પ્રેમની ઓફર કરી હતી ને નરગીસે પણ ઉઘાડેછોગ બધાની વચ્ચે આસીફને થપ્પડ મારી દીધી હતી. દિલીપ કુમારે પણ અરજી કરી જોઇ હતી, પણ પોતાના ભેળાભેળી દિલીપ કુમાર વતી અરજી આપવા ગયેલા આસીફને નરગીસે અક્ષરસઃ આ શબ્દોમાં કહી દીધું હતું, ''હું એ વાંદરા જેવું મોઢુ ધરાવતા માણસ સાથે કેવી રીતે લગ્ન કરી શકું ?''... અને ખાસ તો, એને પૂછજો કે, કામિની (કૌશલ) માટે તારૂં ગાંડપણ પૂરૂં થઇ ગયું...?'' પ્રેમની દુનિયામાં દિલીપ કુમારનો મંત્ર હતો, ''જો ચીઝ મેરી હૈ, ઉસે કોઇ ઓર ન દેખે, મૈં ભી મુહબ્બત મેં બચ્ચો કી તરહ સોચતા હું...''

આ સઘળી વાતો ઇ.સ.૧૯૫૬ના જૂન મહિનામાં બહાર પડેલી ડી.પી. બેરી નામના મશહૂર પત્રકારની કિતાબ Loves of Film Stars માં લખેલી છે. (સૌજન્ય : શ્રી ચંદુભાઇ બારદાનવાલા- જામનગર)

ફિલ્મ 'અનહોની'માં આશ્ચયજનક રીતે સંગીતકાર એક અને ગીતકારો પાંચ હતા. શૈલેન્દ્ર, અલી સરદાર જાફરી, જે.નખ્શબ, સત્યેન્દ્ર અત્થૈયા અને પી.એલ.સંતોષી (જેમની રેહાનાવાળી વાત આ કોલમમાં અગાઉ કરી ચૂક્યા છીએ. નખ્શબની વાત...ફિર કભી.)

પણ રોશનલાલ નાગરથે ફિલ્મના ત્રણ ગીતો જોરદાર મશહૂર કરી બતાવ્યા. 'સમા કે દિલ મેં હમારે...', 'મેરે દિલ કી ધડકન ક્યા બોલે...' અને આપણા બધાનું ફેવરિટ તલત મેહમુદનું, ''મેં દિલ હૂં એક અરમાન ભરા...'' જેમાં આજ સુધીના તમામ હિંદી ગીતો કરતા વધુ મીઠડો પિયાનો વાગ્યો છે. રાજ કપૂરને મૂકેશને બદલે તલત મેહમુદ પ્લેબેક આપે, એને ચોક્કસ સમાચાર કહેવાય. આ ગીત વગાડતી વખતે પિયાનો ઉપર રાજની આંગળીઓ સૂર પ્રમાણે કેવી પરફેક્ટ ફરી છે, એ મને પિયાનો વગાડતા એક જાણકારે કહ્યું. ફિલ્મના એક દ્રષ્યમાં રોશને હજી આગલા વર્ષે જ આવેલી પોતાની ફિલ્મ 'મલ્હાર'ના મશહૂર ગીત 'બડે અરમાનો સે રખ્ખા હૈ બલમ તેરી કસમ...'ની ધૂન વાંસળી ઉપર વગાડી દીધી છે. પણ સમજ એક વાતની ન પડે કે, હિંદી ફિલ્મોમાં હીરો કે હીરોઇન ગુસ્સામાં કોઇપણ ચીજનો ઘા કરે, એ હમેશા દરવાજે ઊભેલા કોઇ અજાણ્યા પગ પાસે જ કેમ પડે ? પછી કેમેરા ઊંચો થાય ને આપણને (અને એ ફેંકનારને) ખબર પડે કે, એ કોણ હતું ! નરગીસને આ ફિલ્મમાં રોલ પ્રમાણે સિગારેટો પીવાની આવે છે, પણ બેનને સિગારેટ પકડતા નથી આવડી, એ પાછું પકડાઇ જાય છે. નવાઇ એ લાગે કે, દર મહિને બાર રૂપિયાનું ઘરભાડું ચૂકવી નહિ શકતા ગરીબ વકીલ રાજ કપૂર દરેક દ્રષ્યમાં મોંઘા શૂટ ક્યાંથી પહેરે છે ? તમે કહેશો કે એ તો વકીલ છે, એટલે પહેરી શકે ને ? પણ ના ભ'ઇ... એવું નથી... ! આ ફિલ્મમાં તો રાજ પ્રામાણિક વકીલ છે, બોલો!

(સીડી સૌજન્ય : હરેશ જોશી, વડોદરા)

No comments: