Search This Blog

07/09/2014

ઍનકાઉન્ટર : 07-09-2014

* ફૂટબોલ વિશે શું માનો છો?
- એ જ કે, આપણા ક્રિકેટનું સ્તર આપણા ફૂટબોલના સ્તરની બરોબરીએ આવી ગયું.
(નિશાન્ત રાઠોડ, પાલિતાણા)

* દિલીપ કુમાર વિશે પુસ્તક લખનાર ઉદયતારા નાયર કહે છે, ''દિલીપ કુમારે જીવનમાં ક્યારેય દુઃખને ગણકાર્યું નથી. એટલે સુધી કે, હીરોઈનો સાથેના રોમાન્સની વાતો ય એમણે હસવામાં કાઢી નાંખી.'' તમે સુઉં કિયો છો?
- એ વાતો એની એકે ય હીરોઈને હસવામાં નથી કાઢી.
(કિશોર દવે, ભાવનગર)

* આ બુલેટ ટ્રેન ચાલુ થાય તો મારે અમદાવાદ શિફ્ટ થવું છે...
- એમાં અમદાવાદનો શું વાંક?
(મનોજ પંચાલ, મુંબઈ)

* તમે અમેરિકાથી અમારા માટે શું લાવ્યા?
- જાઓ... આ જવાબ તમને આપ્યો!
(ખુશ્બુ ઠાકુર, વડોદરા)

* અમેરિકાની જેમ ભારત પણ પોતાનું નામ 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયા' કરે તો?
- તાકાત એ હોવી જોઈએ કે, અમેરિકા પોતાનું નામ બદલીને 'અમેરિકત' કરે.
(શશીકાંત મશરૂ, જામનગર)

* પ્રીતિ ઝિન્ટા કે પ્રીતિ જૈન... એમના બૉય ફ્રેન્ડ્સ સાથે વર્ષો જૂનાં પ્રેમસંબંધો હોવા છતાં હવે છેડતીની ફરિયાદો કેમ કરે છે?
- હું તો મારા માટે ફરિયાદ કરી હોય તો જીવો બાળું...!
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* તમારી મોટી ખાસીયત કઈ?
- હું એક હાથે ટુથબ્રશ કરી શકું છું.
(રોહન માંકડ)

* દર વખતે પૂછવા છતાં અમારા સવાલો કેમ લેવાતા નથી?
- આ વખતે ય ન લેવાત... ગુજરાતી વાંચી શકતા હો તો અહીં ચોખ્ખી સૂચના આપવામાં આવી છે કે, મોબાઈલ નંબર કે સરનામા વિનાના સવાલો નહિ લેવાય. હજી અનેકને ઈ-મેઇલ વાપરતા આવડતું નથી અને 'સબ્જેક્ટ'માં કે 'એટેચમેન્ટ'માં સવાલો લખી નાંખે છે. આવા સવાલો ધ્યાનમાં ન લેવાય.
(સુરૂચિ મધુભાઈ શાહ, મુંબઈ)

* આ મારીયા શારાપોવા કોણ છે?
- મેં અડી જોયું નથી.
(વિક્રમસિંહ ચંપાવત, વિજયનગર)

* રીટાયર થયા બાદ હવે ડૉ. મનમોહનસિંઘ શું કરતા હશે?
- એ તો પહેલા ય કંઈ કરતા હોત તો આજે કશું 'નહિ કરવાની' ચિંતા હોત!
(નિહાર ગોરા, પાલનપુર)

* આવતા વર્ષે મારા મેરેજ છે. તમે ગોર મહારાજ બનીને આવશો?
- તમારે મેરેજ કરવા છે કે કૉમેડી શૉ ગોઠવવો છે?
(ડૉ. મિતેશ મોદી, પાટણ)

* વરસાદ આવતો નથી, તો તમે હોમ-હવન કરાવવામાં માનો છો?
- શ્રધ્ધા અને અંધશ્રધ્ધાએ તો દેશને ડૂબાડયો છે.
(હિરલ નિમાવત, રાજકોટ)

* ૧૫-વર્ષ જૂની બાબતે પણ મારી પત્ની મારી સાથે ઝગડે છે. શું કરવું?
- એ તો ૧૫-૧૭ વર્ષમાં ઠીક થઈ જશે.
(ઉમેશ દોશી, થાણે-મહારાષ્ટ્ર)

* લગ્નતિથિ વખતે તમે પત્નીને ગીફ્ટમાં શું આપો છો?
- બસ. વર્ષમાં આ એક જ દિવસ મારા કપડાંને ઈસ્ત્રી કરવાની હું એને છૂટ આપું છું. બાકી તો... મૈં હૂ, ના?
(દિનેશ પરમાર, ફતેપુર-સંખેડા)

* ફૅસબુક જેવી કોઈ લવ-સાઇટ ધ્યાનમાં હોય તો કહો...
- ત્યક્તા-વિધવા આશ્રમોમાં તપાસ કરી જુઓ.
(જીજ્ઞોશ સરવૈયા, ભાડાવાવ- પાલિતાણા)

* 'મા તે મા, બીજા બધા વગડાના 'વા', તો પછી બાપ...?
- બાપ કોણ છે, એની ય ખબર મા ને હોય!
(અભિજ્ઞાા ત્રિપાઠી, અમદાવાદ)

* ભરબપોરે તો ઠીક, રાત્રે પણ યુવતીઓ મોંઢા ઉપર દુપટ્ટા બાંધીને ફરે છે. રહસ્ય?
- આ હસવા જેવી વાત નથી. મવાલીઓથી બચવા સારા ઘરની સ્ત્રીઓએ આમ જ કરવું જોઈએ. કારણ કે, ભરબજારે કોઈ મવાલી નાલાયકી ઉપર ઉતરી આવે, તો ગુજરાતમાં એકેય મર્દ એવો નથી, જે બચાવવા આવે.
(ગૌરવ ભટ્ટ, રાજકોટ)

* તમને તમારા નવા પુસ્તકો પ્રકાશિત કરવામાં કંટાળો કેમ આવે છે?
- નથી આવતો. બે મહિનામાં ત્રણ નવા પુસ્તકો આવી રહ્યા છે.
(કે.ટી પટેલ, સુરત)

* તમારી આવી હાજરજવાબી અફલાતુન કલાનું રહસ્ય શું?
- 'ચરણજીત'ના ગંજી-બનીયાન... જે હું ક્યારેય પહેરતો નથી.
(ડૉ. યજ્ઞોશ દવે, મહુઆ)

* તમને કોઈ સ્ત્રી સાથે પ્રેમ થયો છે ખરો? એ તમને છોડીને જતી રહે તો તમારા રીઍક્શન્સ શું હોય?
- હું જેને પ્રેમ કરી શકું, એવી પ્રેમિકા હજી સુધી તો મળી નથી. મળે તો એટલી ડોબી ન હોય કે મને એ છોડે. બાય ધ વે... મારી પત્નીથી વધુ પ્રેમ મને કરી શકે, એવી તો કોઈ દેખાઈ નથી.
(કરણ પંચાલ, અંકલેશ્વર)

* તમે હરદમ 'ગુજરાત સમાચાર'ની જ પ્રશંસા કેમ કરે જાઓ છો? બીજા છાપાઓ નથી?
- ''....કહેતે હૈં, 'ગાલિબ'કા હૈ અંદાઝ-એ-બયાં ઓર...'!''
(શ્વેતા પુરૂરાજ જૈન, સુરત)

* તમે સવાલ પૂછનારના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો આગ્રહ કેમ રાખો છો?
- અમદાવાદના એક ડૉક્ટર સવાલ પૂછ્યા પછી ફરી ગયા કે, 'મેં આવો કોઈ સવાલ પૂછ્યો જ નથી.' આવું એમણે બે વખત કર્યું. સદ્નસીબે, એમની સહિથી લખેલા પોસ્ટકાર્ડ્સ અમારી પાસે હતા, એટલે એમને ભોંઠા પડવું પડયું.
(જ્યોતિ નગરકર, વડોદરા)

* પહેલા મરઘી કે પહેલા ઈંડુ?
- નજીકમાં કોઈ ઑમલેટની લારીવાળો ઊભો હોય, એને પૂછી આવો.
(ક્રિશ વ્યાસ, ખંભાત)

* આજની ફિલ્મોના કહેવાતા આઈટમ-સૉંગ્સના ડાન્સ જોતા તમને નથી લાગતું કે, નકલ બધા હૅલનની કરી રહ્યા છે? સાચો 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' હૅલનને જ મળવો ન જોઈએ?
- ભારતભરનો કોઈપણ ઍવોર્ડ એક નાટક છે. સાત્વિકતા એકે ય એવોર્ડમાં જળવાતી નથી. હૅલનને તમે આટલો સુંદર એવોર્ડ આપી દીધો છે, એનાથી વિશેષ 'ફાળકે એવોર્ડ' શું હોવાનો?
(ઉત્તમ ચોટાઈ, જામનગર)

No comments: