Search This Blog

24/09/2014

આપણને કોઇ કામની શરમ નહિ

આ એ જમાનાની વાત છે, જ્યારે હું સાસુ-સસુરજીને લઇને ચારધામની યાત્રાએ નીકળી પડયો હતો. આમ તો બે ય... ગમે ત્યારે ઉપડી જાય એવા કૅસો હતા. યાત્રાનો ખોટો ખર્ચો કરવાની ય જરૂર નહોતી, પણ અનુભવ તમને બધાને સરખો જ હશે કે, સાસુ- સસરાના મામલે જ્યાં કેસ પતવા જેવો લાગે, ત્યાં આપણી વાઇફો હનુમાનજી બનીને પ્રગટે અને છેલ્લા ડચકાં ખાતા આપણા સાસુ-સસરાને ઉગારી લેવા આપણને દોડધામ કરાવે. ગંગા નદીમાં નહાવા પડેલી મારી સાસુને નદી માતા સમાવી લે, એટલી હદે પાણી પી ગયેલી અને આખરી ગોથમડાં ખાતી ખાતી 'બચાવો... બચાવો'ની બૂમો હાંફતે શ્વાસે પાડતી હતી. હું એ વખતે કિનારે બેઠો કોકા-કોલા પી રહ્યો હતો. વાઇફ સસુરજીને લઇને દેવદર્શને ગઇ હતી, એટલે સમજોને, રસ્તો સાફ હતો. છતાં છેલ્લા દ્રષ્યો નજરે જોનારાઓ કહી ન જાય કે, જમાઇરાજ તો બેઠા બેઠા કોકા-કોલા પી રહ્યા હતા ને ઊભાય નહોતા થયા, એટલે મેં ય એકાદી બૂમ પાડી, ''બચાવો''

'કોને બચાવવાનો છે ને કોના નામની મેં બૂમ પાડી છે, એ આજુબાજુની પબ્લિક સમજી ન શકી, એટલે મને પૂછવા આવી, 'ક્યા હુવા ?... ક્યા હુવા ?'' બે- ચાર જણાની સાથે એક વૃદ્ધ પાન્ડો મને પૂછવા આવ્યો.

''તારા બાપનું કપાળ હુવા..''નું મને હિંદી આવડતું ન હોવાથી મેં ફક્ત ડૂબતી સાસુની દિશામાં ઇશારા કર્યો. બાપનો માલ હોય એમ એ બધા નદી તરફ દોડવા માંડયા, એટલે વ્યવહારિક રીતે મારેય દોડવું પડે. પેલી બાજુ, સાસુ બૂમો પાડે રાખતી હતી, તે એમ નહિ કે, જે નદીમાં પડયા છીએ એ કામ પતાવી લઇએ. સાક્ષીઓ ઊભા કરવા મેં કિનારે ઊભા ઊભા બૂમો પાડવા માંડી, ''અરે કોઇ હૈ... ? બચાવો... બચાવો''

'કોઇ હૈ' શું સાલા બધા હતા અને કાચી સેકંડમાં સાસુને બચાવીને લઇ આવ્યા.

કહે છે કે, પવિત્ર ગંગા નદી સહુના પાપ ધૂએ છે, પણ મારા તો વગર ધૂવે બચાવી લાવી. આપણને તો ભારતભરની નદીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે નહિ ?

એ પછી તો અર્ધ- બેભાન સાસુને પગ રીક્ષામાં નાંખીને હું અમારી હોટેલ પર લઇ આવ્યો ને, વાઇફ એના ફાધરને લઇને આવી ત્યારે સાસુ જાગી ગઇ હતી. એમને જોઇને ફરી પાછી ગભરાઇ ગયેલી સાસુએ મને એમના ગળે વળગાડીને વાઇફ સામે જોઇને કહે, ''બેટા... આવા જમાઇ તો બહુ નસીબદારોને મળે... હું ગંગામાં ડૂબતી હતી ને મારી બૂમો સાંભળીને જમાઇરાજા સીધા નદીમાં ખાબક્યા અને મને બચાવી લીધી.''

પેલા પાન્ડાઓના હાથમાં દસ-દસની નોટો થમાવવાનો આ એક ફાયદો.

(જો કે, ત્રાંસી આંખે મેં જોયું ત્યારે ખ્યાલ તો આવી ગયો કે, સસુરજી મારા કૃત્યથી સહેજ પણ રાજી થયા નથી. માંડ ગોડાઉન ખાલી થતું 'તુ ને વચમાં હું એમને નડી ગયો.) જાનના જોખમે મેં એની માંને બચાવી લીધી છે, એ જાણીને વાઇફ રીતસર મારા ઘૂંટણે પડીને, ફિલ્મ 'ખાનદાન'ની નૂતનની જેમ ''તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હોઓઓઓ...'' જેવા ભાવથી મારી સામે જોવા માંડી. મેં કીધુંય ખરૂં, 'ઇસમેં ક્યાં ? યે તો મેરા ફર્જ થા...' બસ, આ વખતે મારા સસુરજીનું મોઢું જોવા જેવું હતું, કેમ જાણે એમના સજળ નયનો કહેતા ન હોય, ''માનવી ધારે છે કંઇક... પણ ઇશ્વર કરે એમ જ થાય છે.''

બીજે દિવસે અમે કોઇ દૂરની ધર્મશાળામાં ઉતર્યા હતા, ત્યાં કોઇ વાળંદ ન મળે. એક-બે દિવસ સસુરજીએ ચલાવી લીધું, પણ ચાર-પાંચ દિવસમાં અકળાયા, ''કુમાર... આંઇ કિયાંય વાળંદ દેખાતો નથી.. વાન્ધો નો હોય તો તમે મારુ વતું કરી દેશો ?'' સૌરાષ્ટ્રમાં દાઢી કરવાની કળાને 'વતું કરવું' કહેવાય છે. બહાર હું મર્દ ખરો, પણ વાઇફ- વિશ્વના સહુ કલાકારોની સામે હું કેવળ પરદો ઉચકવાવાળા જેવો નમાલો થઇ જઉં છું.

''પપ્પા સૉરી, પણ મને મારી પોતાની દાઢી કરતા ય બહુ ફાવતું નથી ને ખાસ તો, બહારના ઑર્ડરો ઉપર હું પૂરતું ધ્યાન આપી શકતો નથી તો-''

''પપ્પાએ જીંદગીમાં પેલ્લી વાર તમને કામ શોંયપું, એમાં ય તમે ના પાડો છો ?''

''અરે ડાર્લિંગ, મને બહારના કામો લેવાનો અનુભવ નથી ને આ છરી- ચપ્પાનો ધંધો કહેવાય.. ક્યાંક મારાથી એમને અસ્ત્રો- બસ્ત્રો વાગી ગયો તો... આખિર લોગ ક્યાં કહેંગે ?''

આ મુદ્દે સાસુજી સ્પીડમાં આવી ગયા. ''તમે ત્યારે થવા દો ને, કુમાર...! એમાં કાંય વાન્ધો નંઇ. ઇ તો ઘણી જાડી ચામડીના છે. એમનું દાઢું કરી દિયો.''

મને સાચ્ચે જ, બીજાના બાલ- દાઢી કાપવાનો અનુભવ નથી. એ બાજુની કરિયર જ વિચારેલી નહિ. યસ સલૂનમાં વાળ કાપતા કલાકારને જોઇને હું ઇમ્પ્રેસ બહુ થતો. કાતરનો કચકચકચકચ અવાજ આજે ય મારા કાનોમાં ગુંબજની જેમ ગૂંજે છે. કોકની દાઢી ઉપર બ્રશ વડે એ મહાન કલાકારનું આમ સાબુ ઘસવું, મને પિકાસો કે રાજા રવિ વર્માની યાદ અપાવતા. અને એમાં ય, જ્યારે દાઢી ઉપર ઘસાતો ઘસાતો અસ્ત્રો હેઠે ઉતરતો હોય, ત્યારનો તો કોઇ સાઉન્ડ આવતો હોય... ! એ સાઉન્ડનો અનુવાદ અહી શબ્દોમાં મૂકી ન શકાય... એને માટે તો કેશકર્તન કલાકેન્દ્રમાં જાતે જવું પડે. આર.ડી.બર્મન અને ઓપી નૈયર રિધમ- કિંગ્સ કહેવાતા, પણ સલૂનમાં ઊભો ઊભો વાળંદ ચામડાના લટપટીયા ઉપર અસ્ત્રો ઘસતી વખતે જે અવાજ કાઢી શકે છે, તે તબલાં- નવાઝ ઉસ્તાદ ઝાકીર હુસેનના હાથની ય કમાલ બની ન શકે. આ તો એક વાત થાય છે. આ બધી સુહાની યાદોને સહારે હું ઉમંગમાં આવી ગયો કે, ''ચલો, સસુરજીની દાઢી હું બનાવી આપીશ, પણ ત્યાં જ એમણે નવો ઝટકો આપ્યો.''

''કુમાર, નાકના વાળ તો કાપી આપશો ને ?'' હવે ડોહા આગળ વધતા હતા. હું પ્રોફેશનલ હોત તો કહી પણ શકત કે, એનો જુદો ચાર્જ થશે, પણ મને ડર મારા આવનારા ભવિષ્યનો હતો. આ વખતે અમને બન્નેને ફાવી ગયું, તો ડોહો જીવશે ત્યાં સુધી બાલ- દાઢી મારી પાસે કરાવશે.

કામ અઘરૂં હતું, પણ લગ્ન પછી તરત જ સસુરજી મને ખૂબ સલાહો આપતા, એમાંની એક એ હતી કે, જે કામ કરો, એ ચીવટથી કરો. કોઇ રેતાળ ટેકરી ઉપર માતાજીનો ગોખલો હોય, એવું સસુરજીનું નાક ઉપસી આવ્યું હતુ. મહી અનેક ધ્વજાઓ ફરકતી હતી. બન્ને તીણી અણીઓવાળી કાતર પકડીને મેં ડોહાના નાકનું ટોચકું દબાવ્યું. ''આ કામ મારાથી નહિ થાય, પપ્પા.. મને બીક લાગે છે, ક્યાંક કાતર વગાડી બેસીશ.''

''અરે એમાં ગભરાવાનું શું, કુમાર ? તમે તીયારે વાઢી નાંખો...'' અવાજ અને આહવાહન મારી સાસુના હતા. પણ વાઇફ મદદે આવી, ''ના હો... એમના એકે ય કામમાં ઠેકાણાં નો હોય... ઇ કિયાંક પપ્પાના નાકને વાઢી નાંખસે તો ભારે ઉપાધીયું થાસે... ઇ રે'વા દિયો.''

પહેલા વરસાદ પછી સડકો ઉપર અનેક તિરાડો પડી જાય, એમ ડોહાના ગાલો ઉપર નાની મોટી અનેક ગલીઓ હતી. સાબુના ફીણવાળો કૂચડો એમના ગાલ ઉપર ફેરવતી વખતે મેં વાતો શરૂ કરી, ''સુઉં લાગે છે મોદીનું ?'' બાલ- દાઢી બનાવતી વખતે દુનિયાભરના વાળંદો ગ્રાહક સાથે વાતો ખૂબ કરે, એની મને ખબર, એટલે ડોહાને પૂછ્યું પણ એ એમ સમજ્યા કે, મોદીની બાલ- દાઢી બનાવવા ય હું જતો હોઇશ. એ થોડા ગીન્નાયા ને બોલ્યા, ''કુમાર, અટાણે મોદીનું રે'વા દિયો... ધિયાન મારી દાઢીમાં રાખો.''

આપણી પાસે પ્રોફેશનલ અસ્ત્રો તો ક્યાંથી હોય, એટલે મેં ઘેર દાઢી કરવાનું રૅઝર લીધું અને કીધું, ''પપ્પા, ઊંચુ જુઓ,'' મને એટલી ખબર કે, સમાજના તમામ ધંધાદારી વેપારીઓ આપણી પાસે હંમેશા નીચું જોવડાવે છે... એક વાળંદ જ આપણું મસ્તક ગર્વથી ઊંચુ રાખવાનો આદેશ આપે છે. એ વાત જુદી છે કે, સસુરજીએ આખા જનમમાં એમની દીકરી મારી સાથે પરણાવવાથી બીજું એકે ય કામ સારૂં નહોતું કર્યું... એ તો પાછળથી ખબર પડી કે, દીકરીને મારે ઘેર વળાવ્યા પછી એ તરત બોલ્યા હતા કે, ''હાશ... છુઇટાં...!''

ભગવાનની સોગન, બસ ! એમના ગાલ ઉપર આ લાં... બો ચીરો પડયો ને ઘંટ વાગતા છોકરીઓ નિશાળમાંથી છુટે, એટલી સ્પીડમાં ગાલમાંથી લાલલાલ લાંબી ટશરો ફૂટી નીકળી, એમાં ખરેખર મારી કોઇ ભૂલ નહોતી. અણઆવડત હશે, પણ ચાલુ કામે એમણે ઉધરસ ખાવાની જરૂરત નહોતી, એમ મારૂં દ્રઢપણે માનવું છે. કાકા 'વોય માડી રે...'ની રાડૂં પાડતા ઊભા થઇ ગયા. ચીરો મોટો પડયો હતો.. ટાંકા લેવા પડે એવો મોટો ! ડોહાની બૂમો ચાલુ હતી, પણ નીડર એવા મારા સાસુએ એમને નહિ, મને હિમ્મત આપી, ''કુમાર, આવું તો થાય... તમે તીયારે બીજા ગાલ ઉપરે ય વતું કરો. અડધી દાઢી લઇને ક્યાં બહાર નીકળશે ?'' હવે મને ખબર પડી કે, લગ્ન પછી સાસુમાં મારો પરિચય કરાવતા બધાને કીધે રાખે, ''અમારા અસોકકુમારને કોઇ કામની સરમ નંઇ...! ઇ સાવ બેસરમ જમાઇ છે.''

એમની વાતે ય સાચી હતી. શાસ્ત્રોમાં કીધું છે કે, કોઇ કામ અધૂરૂં છોડવું નહિ... બા ખીજાય. પણ ડોહા ગભરાઇ બહુ ગયા હતા. ''હું ભીંતે ગાલ ઘસી ઘસીને અડધી દાઢી પૂરી કરીશ, પણ આવા જમાઇઓ પાસે દાઢાં નહિ કરાવું.''

આવું એમણે મારા માટે બોલવું ન જોઇએ. સમાજમાં મારી છાપ કેવી પડે ? શું આ સમાચાર જાણ્યા પછી ભવિષ્યમાં કોઇ ગ્રાહક મારી પાસે દાઢી કરાવવા આવે ? મારી આવનારી નસ્લ પણ કામધંધા વિનાની રહે.

પણ સાસુ મારી કૂમકે આવ્યા. મને આંખ મીંચકારીને કહે, ''કુમાર... કાલથી આ કામ તમે જ ઉપાડી લેજો.''

...એ ધારણાએ કે, જમાઇએ આજે ભૂલ કરી છે.... કાલે તો નહિ કરે !

સિક્સર

૯૯- વર્ષની ઉંમરની એક વૃધ્ધાને તેમની 'યુવાની'નું રહસ્ય પૂછાયું, તો કહે, ''જમવાનું પચાવવા હું બીયર પીઉં છું. ભૂખ ન લાગે તો વ્હાઇટ વાઇન પીઉં. લો બ્લડ- પ્રેશર જેવું લાગે તો રેડ વાઇન ને હાઇ બ્લડ પ્રેશરમાં સ્કૉચ પીઉં છું. શરદી- બરદીમાં 'શ્નેપ્સ' ઠીક રહે છે.

''તો પછી તમે પાણી ક્યારે પીઓ છો ?''

''ઓહ ના. હું એટલી બધી બિમાર તો ક્યારેય નથી પડી.''

(કૅટસ્કીલ-ન્યુયોર્કથી પૂર્વિત અશ્વિન પટેલનો મૅસેજ)

No comments: