Search This Blog

26/09/2014

'મેરી બીવી કી શાદી' ('૭૯)

ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

ફિલ્મ : 'મેરી બીવી કી શાદી' ('૭૯)
નિર્માતા : એવીએમ ઇન્ટરનૅશનલ
દિગ્દર્શક : રજત રક્ષિત
સંગીત : ઉષા ખન્ના
ગીતકારો : રવિન્દ્ર જૈન, અસદ ભોપાલી
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, રણજીતા, અશોક શરાફ, દિલીપ કુલકર્ણી, જાનકી દાસ, બિરબલ, નીલુ ફૂલે, નમિતા ચંદ્રા અને મારૂતિ.



ગીત
૧. શ્યામ કી બાંહો મેં રાધિકા ખેલે, વૃંદાવન મેં જમુના તટ પે.. ઉષા ખન્ના
૨. જીંદગી કૈસે કટેગી, આપ સે રહેકર જુદા, ઈસ સે પહેલે.. લતા મંગેશકર
૩. મુઝ સે શામ સુહાની, પૂછે પ્રેમ કહાની, આધી હૈ અધૂરી હૈ.... આશા-રફી
૪. રામદુલારી માયકે ચલી ગઇ, ખટીયા હમરી ખડી કર ગઇ... સુરેશ વાડકર

હુંમાંડ ૧૦-૧૨ વર્ષનો હોઇશ, ત્યારે અમદાવાદની સૅન્ટ્રલ ટૉકીઝમાં રૉક હડસન (જેનું નામ વર્લ્ડ ફૅમસ ફિલ્મ 'કમ સપ્ટેમ્બર'ની પેલી ધૂનને કારણે વધુ મશહૂર બન્યું હતું.) અને અભિનેત્રી ડોરીસ ડે ની ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' રીલિઝ થયું હતું. બાય ધ વે, ફિલ્મોને હિંદીમાં નારી જાતિથી બોલાવાય છે, ''ગાઇડ'' દેખી ? મહારાષ્ટ્રમાં એને પુરૂષવાચક બનાવી દેવાઇ છે, ''આવારા જોયો ?'' જ્યારે ગુજરાતીઓ ક્યાંય હખણા ન રહે. એમણે ફિલ્મને નાન્યતર જાતિની બનાવી દીધી છે, ''લીડર'' જોયું ?''

આ રૉક હડસનવાળી ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' આવી, ત્યારે જેને ઇંગ્લિશમાં સમજ પડતી હતી, એ પોળના અમારાથી મોટી ઉંમરના છોકરાઓ આ ફિલ્મના વખાણ બહુ કરતા હતા. અમને એમ કે, એમને ઇંગ્લિશ ફિલ્મમાં સમજણ પડતી હશે, માટે વખાણ કરતા હશે. એ તો પછી ખબર પડી કે, અમદાવાદના સિનેમા હાઉસમાં ઇંગ્લિશ ફિલ્મો જોવા જઇએ ને આખા થીયેટરમાં આપણા સિવાય બીજું કોઇ હસ્યું ન હોય...!

બસ. 'સૅન્ડ મી નો ફલાવર્સ.' આજે ૬૦-૭૦ની ઉંમરે પહોંચેલા મોટા ભાગના સિનેરસિકોને ખૂબ યાદ રહી ગઇ હશે. એ જ ફિલ્મ પરથી રજત રક્ષિતે સીધી ઉઠાંતરી કરીને આ ફિલ્મ બનાવી છે. '૭૮થી '૯૦ સુધીમાં એણે આઠ ફિલ્મો બનાવી પણ એકે ય ચાલી નહિ. કારણ કે બધામાં બનાવટ નબળી હતી. ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

આ જ 'સૅન્ડ મી ફલાવર્સ'નો સૅન્ટ્રલ આઇડીયા રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં ઋષિકેશ મુકર્જીબાબુએ ઉઠાવ્યો હતો કે, ઘણા એવા ઘનચક્કર હોય છે, જે માની લીધેલી બિમારીથી પીડાતા હોય. શરીરે સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતા ! યાદ હોય તો ડૉ. કુલકર્ણી (રમેશ દેવ)ના દવાખાનામાં આવો દર્દી અસિત સેન આવે છે, જેને કોઇ બિમારી નથી, પણ જ્યાં સુધી ડૉક્ટરે લખી આપેલી દવાઓ ન ખાય, ત્યાં સુધી એ બિમાર જ રહે છે !

આ જ લાઇન પર ફિલ્મ બનાવાઇ પણ દિગ્દર્શનમાં ઘણી નબળી જાણકારી અને ફિલ્મ નિર્માણના ખર્ચામાં ખટકે એવી કરકસરને કારણે રજતભાઈએ એમની એકે ય ફિલ્મમાં મેદાન માર્યું નહિ. સૅટ મોંઘા પડતા હશે એટલે પૂરી ફિલ્મનું શૂટિંગ પણજી (ગોવા)ના કોક બંગલામાં કરવામાં આવ્યું છે. અમોલ પાલેકરના આટલા જથ્થાદાર વાળ હોવા છતાં બહુ બિહામણી લાગે એવી વિગ શું કામ પહેરાવી છે ? પ્રોફેસર હોય એટલે ચશ્મા પહેરાવવાના જ ? સ્ટારકાસ્ટમાં ય એકેએક નમૂના એવા લીધા છે કે, એકે ય ચેહરો જોવો ન ગમે. રણજીતાને સુંદર કહેનારો તો પાર્ટલી અંધ હોઇ શકે, પણ ટપકે ટપકે મેહમુદની નકલ કરતો કહેવાતો કૉમેડીયન (છતાં મરાઠી ફિલ્મોમાં ખૂબ ચાલ્યો હતો એ) અશોક શરાફને કારણ વગરનો મોટો રોલ આપી દીધો છે. એ દેખાય છે એટલો ગંદો કે, એનો સીન પતી જાય એની રાહ જોવી પડે. ફિલ્મની હીરોઇન રણજીતા પાસે ફિલ્મ 'પાકીઝા'નો ઈન્હી લોગોં ને લે લીના દુપટ્ટા મેરા...' ડાન્સ સાથે કરાવતી વખતે દિગ્દર્શકે એ ધ્યાન ન રાખ્યું કે, હીરોઇનને ગોરી દેખાડવા મૅક-અપ કેવળ ચેહરા ઉપર જ નહિ, પાછળ પીઠ ઉપર કે હાથમાં ય લગાવવો પડે, નહિ તો સ્કીન પણ વર્ણસંકર લાગે !

સ્ટોરી તો જમાવટ કરી હોત તો ઘણી કૉમિક ફિલ્મ બનાવી શકાઇ હોત. જુઓ, કાંઇક આવું હતું.

અમોલ પાલેકર એટલે ભગવંતકુમાર 'ભારતેન્દુ'. કોઇ કૉલેજમાં પ્રોફેસર છે, પણ દિલનો જાતે બની બેઠેલો મરીઝ છે. એને વહેમ થઇ ગયો છે કે, એ કોઇ કદી ય મટી ન શકે એવી બિમારીનો ભોગ બની ગયો છે અને નજીકના ભવિષ્યમાં એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે પોતાની સુંદર વાઇફ (રણજીતા)નું વિધવા થયા પછી શું અને કોણ ? એની ચિંતા સતાવે છે. એ પ્લાનિંગનો માણસ હોવાથી પોતાના મૃત્યુ પછી કોઇ લલ્લુપંજુ એની વાઇફને પરણી ન જાય, એ માટે કોઇ સારો 'મૂરતીયો' શોધવાનો પ્રારંભ કરી દે છે, કારણ કે પ્રોફેસર માને છે કે, બધા એની ભોળી વાઇફને ઉલ્લુ બનાવી જાય એમ છે. એ પોતાના દારૂડિયા દોસ્ત (અશોક શરાફ)ની સલાહ લે છે. ફિલ્મ સારી છે, એટલે તમે જોવાના હો તો, ''પછી શું થયું ?'' વાળો રાઝ ખોલતો નથી.

અમોલ પાલેકરનો હું ચાહક ખરો. '૭૦-ના દશકમાં એની ફિલ્મો આવ્યા પછી કાલ્પનિક હિંદી ફિલ્મોમાં અસાધારણ શક્તિમાન હીરોને બદલે અમોલે મારા-તમારા ઘરમાં વસતા મિડલ-કલાસ માણસની ફિલ્મોની શરૂઆત કરી. મારી તમારી જેમ આ હીરો ૫૦-ગુડાઓને એકલે હાથે મારી ન શકે, ભરચક ફિલ્મી પાર્ટીમાં પિયાનો ઉપર ગાયન ગાવા મંડી ન પડે, ઊડતા પ્લેનમાંથી સીધા દરિયામાં હીરોઇનવાળી બૉટમાં વગર ઇજાઓ ઝંપલાવી ન શકે. એ આપણા જેવો સામાન્ય નાગરિક જ હોય, જેને બસની લાઇનમાં ઊભા રહેવું પડતું હોય, મહિનાને આખરે પગાર ટુંકો પડવા માંડતો હોય કે અડધી બાંયના સામાન્ય ફૅબ્રિક્સના શર્ટ પહેરતો હોય.

આ હીરો '૭૦-ના દાયકામાં અમોલ પાલેકરના રૂપમાં મળ્યો. 'રજનીગંધા', 'છોટી સી બાત,' 'રંગબિરંગી', 'બાતોં બાતોં મેં', 'ઘરૌંદા' કે 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં અમોલ આ જ કારણોથી આપણી નજીક હતો. એની આ જ સાદગી આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં જોવા મળે છે, અર્થાત્ આ પ્રકારની ફિલ્મો આર્ટ ફિલ્મો પણ નહિ કે 'અમર, અકબર, ઍન્થની' જેવી કમર્શિયલ ફિલ્મ પણ નહિ !

યસ. આવો સારો અદાકાર આ ફિલ્મમાં વધુ પડતો 'અન્ડરપ્લે' રોલ કરવા જતા નાટકીયો બની ગયો છે અને અભિનય ઑવર-ઍક્ટિંગ બની ગયો છે. મૂળ તો મુંબઇની 'બૅન્ક ઑફ ઇન્ડિયા'નો આ કલાર્ક પૅઇન્ટર હતો અને એના એકલાના પૅઇન્ટિંગ્સના પ્રદર્શનો જહાંગીર આર્ટ ગૅલેરી જેવા માધ્યમોમાં રજુ થતા. ફરી શરૂ થયેલી ઢીશૂમ-ઢીશૂમ ફિલ્મોમાં પોતે ચાલી નહિ શકે, એ જાણતો હોવાથી એ જાતે જ હિંદી ફિલ્મોમાંથી ખસી ગયો અને દિગ્દર્શક બની ગયો. ૧૯૮૧-માં કોલકાતાની ફાઇવ-સ્ટાર ગ્રાન્ડ હૉટેલમાં હું એને પહેલી વાર મળ્યો, ત્યારે એની સાથે એની પત્ની 'ચિત્રા' હતી. છુટાછેડા પછી આજે એની નવી પત્ની 'સંધ્યા ગોખલે' છે.

ફિલ્મની 'બીવી' એટલે કે રણજીતા કૌર જન્મે તો સીખ્ખ છે. શંકર બી.સી. નામના સિંધી દિગ્દર્શક-નિર્માતાએ એને પહેલી વાર રિશી કપૂર સાથે ફિલ્મ 'લયલા-મજનૂ'માં ચમકાવી, એ પછી સચિન પિલગાંવકર સાથે ફિલ્મ 'અખીયોં કે ઝરોખોં સે'માં એ દેશભરમાં પ્રસિધ્ધ થઈ ગઇ. મિથુન ચક્રવર્તી સાથે એની ઘણી ફિલ્મો આવી. આજે તો એ (જન્મ તા. ૨૨ સપ્ટૅમ્બર, ૧૯૪૬) ૬૭-વર્ષની ઉંમરે તમે ઓળખી ય ન શકો, એવી ઘરડી અને સામાન્ય દેખાય છે. હું અમેરિકા ગયો ત્યારે ખબર પડી કે ત્યાંના વર્જીનિયા સ્ટેટના નૉર્ફોકમાં એનો પતિ રાજ મસંદ '૭-ઈલેવન' સ્ટૉર્સની અનેક શાખાઓ ધરાવે છે. એના દીકરાનું નામ 'સ્કાય' રાખ્યું છે અને અમેરિકામાં એક ટૅનીસ-ખેલાડી તરીકે સારો એવો જાણિતો છે. એક સમયે રણજીતાનું નામ મિથુન દા સાથે ય બહુ વટથી જોડાયું હતું.

ફિલ્મનું સંગીત ઉષા ખન્નાએ આપ્યું હતું. ક્યારેક નવાઇ લાગે કે, તમે ફૂલટાઇમ સંગીતકાર છો અને તમારી ઍવરેજ જોતા, વર્ષે એક ફિલ્મમાં માંડ સંગીત આપવાનું આવે, છતાં કેમ કાંઇ મોર મારી ન શકો ? યસ. એ વાત પણ કબૂલ કે, ભારતની આ માત્ર બીજી મહિલા સંગીતકાર (પહેલા હતા પારસી મહિલા સરસ્વતીદેવી, જેમણે પોતાની જ્ઞાતિના ખૌફથી બચવા પારસી નામ બદલીને આ રાખ્યું હતું) ઉષા ખન્નાએ અનેક ફિલ્મોમાં મધુરૂં સંગીત આપ્યું છે અને મુહમ્મદ રફીના ડાયહાર્ડ ચાહકોએ એનો ખાસ આભાર માનવો પડે, કે એમના અનેક ઉત્તમ ગીતો ઉષાએ કમ્પૉઝ કર્યા છે. 'દિલ દે કે દેખો'ના તમામ ગીતોથી માંડીને 'તેરી ગલીયો મેં ના રખ્ખેંગે કદમ, આજ કે બાદ....' પણ વચમા વચમા મધુર ગીતોના અનેક ચમકારા એણે માર્યા હતા. પ્રારંભ જૉય મુકર્જી-સાયરા બાનુની ફિલ્મ 'આઓ પ્યાર કરેં'ના સુપરહિટ ગીતોથી થયો, એમાં રફીના 'જહાં તું હૈ વહાં ફિર ચાંદની કોન કૌન પૂછેગા...' કે લતા મંગેશકરનું ખૂબ ઊંચા ઘરાણાનું ગીત, ''મેરી દાસ્તાં મુઝે ભી, મેર દિલ સુના કે રોયે....'' રાજકોટના ભગવાન થાવાણી કે શિકાગોના સુમન્ત વશીને ય છાતીફાડ ગમે છે. રફીના ગીતો મેહમુદની ફિલ્મ 'શબનમ'માં 'યે તેરા સાદગી, એય તેરા બાંકપન' અને 'મૈંને રખ્ખા હૈ મુહબ્બત, અપને અફસાને કા નામ...' ક્યાં ભૂલાય એવા છે ? સંજીવ કુમારને હીરો બનાવતી ફિલ્મ 'નિશાન'માં રફી સાહેબનું, 'હાય તબસ્સુમ તેરા, ધૂપ ખીલ ગઇ છાંઓ મેં...', પણ ઉષાની જ કમાલ. તો બીજી બાજુ મૂકેશને પણ આપણા માટે વહાલો કરી આપવામાં ઉષાના ગીતો ઓછા નથી. ફિલ્મ 'લાલ બંગલા'નું ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઇ ચકોર, 'તેરી નિગાહોં પ મરમર ગયે હમ, બાંકી અદાઓં પે મરમર ગયે હમ...' (...સાલા ફાલતુ શબ્દો તો જુઓ....!) ગરમ કરેલી ઈંટ આપણા સીડી-પ્લૅયર પર પછાડવાનો જોસ્સો ચઢે કે નહિ ? (જવાબ : ના ચઢે...પ્લૅયર મફતમાં નથી આવતું. જવાબ પૂરો) ઉષાની છેલ્લી કમાલો 'સાજન બિના સુહાગન'માં યેસુ દાસનું 'મધુબન ખુશ્બુ દેતા હૈ' કે 'હવસ'નું 'તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ' અને યેસુદાસનું જ ફિલ્મ 'દાદા'નું 'દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરાકર ચલ દિયે...'

પણ આ તો સચિનની ફક્ત સૅન્ચુરીઓ ગણાવવા જેવું જ કામ થયું. વચમાંના ફલૉપ-શોઝની વાત કરીએ તો ઉષાને કોઇ ગંજાવર સંખ્યામાં ફિલ્મો નહોતી મળતી. વરસમાં એકાદી માંડ હોય ને એના સંગીતમાં ય કોઇ ઠેકાણા નહિ, એટલે દુઃખ થાય કે, આખું વરસ તો તમે નવરા બેઠા હો છો...આખા વરસમાં કોઇ પાંચ-સાત ગીતોની અલમસ્ત ધૂનો તૈયાર કેમ કરી ન શકો ? અને ઉઠાંતરી કરવામાં ય આપણા તમામ સંગીતકારોએ વર્લ્ડ-મ્યુઝિકમાં ઘણો મોટો ફાળો આપ્યો છે, તો ય તમે નબળા દર્દી જેવા ?

હકીકતમાં ઉષા ખન્નાના સંગીતનો પ્રારંભ જ બિનધાસ્ત ઉઠાંતરીઓથી થયો હતો. જૉય મુકર્જીના ફાધર શશધર મુકર્જી પાસે ઓપી નૈયર ઉષા ખન્નાને લઈ ગયા અને એમના પર વિશ્વાસ રાખીને શશધરે ઉષાને જબરૂં હોમવર્ક સોંપ્યું. ''એક વર્ષ સુધી તારે 'રોજના'' બે ગીતોની ધૂનો બનાવવાની....સારી લાગશે તો એમાંથી તારા બે ગીતો લઇશ.'

એ નહિ બનાવી શકી હોય, માટે શશધરે છેવટે હૉલીવૂડના ગાયક-અભિનેતા બિંગ ક્રૉસબીની રૅકર્ડોનો ખજાનો ઉષા સામે ધરી દીધો, ''આના ઉપરથી આપણી ફિલ્મ 'દિલ દે કે દેખો'ના બધા ગીતો બનાવવાના છે.''

મુકર્જીને એ ચોરીચપાટી પણ સારી લાગી ગઇ હશે એટલે એમની બીજી ફિલ્મ 'હમ હિંદુસ્તાની'નું સંગીત પણ ઉષાને સોંપ્યું. કબ્બુલ કે, મને એના લગભગ તમામ ગીતો ખૂબ ગમ્યા હતા. ''છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...'' (મૂકેશ), 'રાત નિખરી હુઇ, ઝૂલ્ફ બિખરી હુઇ, હર અદા તેરી....' (મૂકેશ), 'નીલી નીલી ઘટા, ભીગી ભીગી હવા....' (મૂકેશ-આશા) અને લતા મંગેશકરનું લાગણીભર્યું ગીત, ''માંઝી મેરી કિસ્મત કે, જી ચાહે વહાં લે ચલ...''

બસ. આદત....ઉષા આ ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં ય ધોધમાર માર ખાઇ ગઇ અને એકબીજાને શરમાવે એવા ફાલતુ ગીતો બનાવીને પોતાની છાપ યથાવત રાખી.

No comments: