Search This Blog

10/09/2014

વાઇફને કાર ચલાવતા શીખવવાના ફાયદા

''અસોક... મને ગાડી ચલાવતા કે 'દિ સીખવાડસો ?'' વાઇફે પૂછ્યું.

''જાડી, તારે ગાડી ચલાવતા નહિ, ઘર ચલાવતા શીખવાની જરૂર છે...!''

આવું હું કહેવા માંગતો હતો, કહી ન શક્યો. માણસ બુઢ્ઢો થતો જાય, એમ વાઇફ અથવા તો વાઇફોથી ડરતો બહુ જાય. ઘર તો મારી વાઇફ ગાડી કરતા ય સારૂં ચલાવે છે... અને મોટી વાત તો એ છે કે, એ મારા જેવા ડોબા ગોરધનને ય ચલાવે- આઇ મીન, ચલાવી લે છે. હસબન્ડ તરીકે હું તદ્દન નિષ્ફળ ગયેલો યુવાન છું. એક સ્ત્રીનો આદર્શ પતિ બનવા માટે સમાજે લગ્ન પછી પણ ગોરધનોને ઘરની બહાર પણ ઘરઘર રમીને અનેક ટ્રાયલો લેવાની સગવડો કરી આપવી જોઇએ, એવું મારૂં લગીરે માનવું નથી, છતાં કોઇ એવું માનતું હોય, તો આપણો ટેકો સમજવો. આપણને એમ કે આ બધીઓ પાસેથી થોડું થોડું સારૂં વાઇફને આપશું, તો ઘરમાં વાઇફને એક સારો પતિ આપી શકાય.

પણ એ આઇડીયો પડતો મૂકવો પડેલો. એક દિવસ એણે મને પૂછ્યું હતું, ''તમને એક સારી પત્ની દેવા મારે સુઉં સુઉં કરવું જોઇં....?'' એમાં હું આખુડો સમજી ગયેલો કે, આ પેલી ઘરઘર રમવાની પ્રૅક્ટીસ ઘરમાં જ કરવા જેવી સારી.

એટલે પેલું જે મારા મનમાં હતુ, એ કહેવાને બદલે મેં મુહબ્બતપૂર્વક એના માથે હાથ ફેરવીને કહી દીધું, ''ધૅટ્સ ફાઇન... આ રવિવારથી શરૂ કરીએ.''

અગાઉ જ્યારે અમે બન્ને સ્કૂટર પર ફરતા, ત્યારે એણે સ્કૂટર શીખવાની જીદ કરેલી ત્યારે પરિણામો પ્રોત્સાહક નહોતા આવ્યા. પણ આ તો ગાડી છે- ફોર વ્હિલર... ઍક્સિડૅન્ટ થાય તો સામેવાળાના હાથ-પગ ભાંગે, .... આપણે બચી જઈએ છતાં ય આ તો વાઇફને કાર શીખવવાની હતી, એટલે ક્રિકેટ રમવાના પૅડ પગે બાંધીને વાઇફ સાથે બહુ દૂઉઉઉ...રના પ્રવાસે હાલી નીકળ્યો. હૅલમેટ નહોતી લીધી, કારણ કે, માથામાં મારે ખાસ કાંઇ ગૂમાવવા જેવું બચ્યું નથી. (ઘરના કાગળીયાઓમાં જ્યાં જ્યાં વાઇફની સહિઓ કરાવવાની હતી, એ બધી  કરાવી લીધી... કાલનો કાંઇ ભરોસો છે, ભાઆ...ય ?

''અસોક, શઉથી પે'લા સુઉં કરવાનું હોઇ છે ?'' એણે પૂછ્યો એક સવાલ.

''ડાર્લિંગ, પહેલા એ જોઇ લેવાનું કે, આપણે ગાડીની આગલી સીટમાં બેઠા છીએ કે પાછળની ! પાછળથી પગ બ્રૅક સુધી નહિ પહોંચે ને આગળ લાંબા ઝૂકીને સ્ટીયરિંગ પકડો તો, બારીમાં બેઠા બેઠા તાડના ઝાડ ઉપરથી કેરી તોડતા હોઇએ એવું લાગે.''

''સુઉં તમે ગાન્ડા કાઢો છો... ? તાડના ઝાડું પરથી કોઇ 'દિ કેરીઓ ઉતરતી હશે ? ફ્રૂટવાળાની દુકાનેથી ઉતરે...''

''તો પાછળની સીટ પરથી ગાડી ય ન ચલાવાય...!''

હું વિદ્યાર્થી તરીકે મોટો ભોટ પણ ગુરૂજી તરીકે અત્યંત સફળ. ફી પહેલા લેવાની. કાલનો કાંઇ ભરોસો છે ? પણ આ ઘી તો ખીચડીમાં જ ઢોળાવવાનું હતું, એટલે મન મોટું રાખીને શિષ્યાને સહૃદયપૂર્વક ગાડી શીખવાડવા બેઠો.

પુરૂષો સલૂનમાં દાઢી કરાવવા બેસે, એમ એ ડ્રાયવિંગ સીટ પર માથું ટેકવીને બેઠી.

''અત્યારથી સુઇ નહિ જવાનું... માથું ટટ્ટાર રાખવાનું.''મેં ગાડી શીખવાનો નિયમ- ૧ જણાવ્યો. ''જો... બન્ને પગ નીચે રાખવાના. આમા પલાંઠા ન વળાય.'' રોજ તો ગાડી હું ચલાવતો હોઉં, ત્યારે બાજુમાં એ આમ પલાંઠી વાળીને બેસતી હોય છે. ''જો...એક પગ ક્લચ પર રાખવાનો ને બીજો ઍક્સિલરેટર ઉપર...''

''તી એમ કિયો ને કે, દૂધમાં ને દહીમાં... બન્નેમાં પગ રાખવાનો. પણ અસોક... ભગવાને મને બે જ પગું દીધા છે.. બ્રૅક ઉપર પગ તમે રાખસો ?''

''એ તો જરૂર પડે ત્યારે પગ બદલીને બ્રૅક ઉપર મૂકી દેવાનો...''

''પણ મારે તો બબ્બે મિનિટે જરૂર પડસે..''

ઘેરથી પહેલા મારે તૈયારી કરીને આવવા જેવું હતું, એ મારા ધ્યાનમાં નહોતું રહ્યું. મહિલા જેલની કેદી જેલના સળીયા કચોકચ પકડીને ઊભી હોય, એમ વાઇફે સ્ટીયરિંગ બહુ કસીને પકડી રાખ્યું હતું. ''જો ડાર્લિંગ, ચોરાઇ જશે તો આખી ગાડી ચોરાઇ જશે.. એકલું સ્ટીયરિંગ નહિ ચોરાય... તું એને એકલાને આમ જાળવીને બેઠી છે, એના બદલે એને ઢીલું મૂક. આપણે એને ફેરવવાનું છે, ચોંટવાનું નથી. માધવ રામાનૂજની કવિતા યાદ કર... ''હળવા તે હાથે ઉપાડજો... અમે કોમળ કોમળ...''

''અસોક... માધવભાઇએ આટલું સુંદર મુક્તક ગાડીના સ્ટીયરિંગ માટે લયખું હતું ?''

બીજા બે મહિનામાં એને ક્યો પગ ક્યાં મૂકવો અને સ્ટીયરિંગ કેમ પકડવું, એ હું શીખવાડી શક્યો. ગાડી સ્ટાર્ટ કરવામાં પહેલા બે દિવસ તકલીફ પડી. પત્ની અને ગાડી- બન્નેની ઉંમર સરખી હોવાથી, રોજ રોજ તો પાછળથી ધક્કા મારનારા કેટલાને પકડી લાવવા ? (આ ધક્કા ગાડીને મારવાના સમજવાના છે- સ્પષ્ટતા પુરી)

અને એક સુનહરા દિવસે ગાડી એણે સ્ટાર્ટ કરી. એકાદ ઝટકો તો ગાડી શીખનાર બધાને લાગે વળી. પણ પછી એણે સરસ ચલાવી. પ્રોબ્લેમ એટલો જ હતો કે, એ ગાડી ગોળ ગોળ ચલાવતી હતી. કાચની બહારનું જગત જોવાના અંધમોહમાં એ સ્ટીયરીંગ ભૂલી ગઇ હતી. સંત સુરદાસ પણ કહી ગયા હતા કે, ''બાહર કે પટ બંધ કર લે, અંતર કે પટ ખોલ'' પણ આ વાક્ય સુરદાસે કીધું હતું... એમની વાઇફે નહિ ! દરેક પતિને પોતાની જીંદગીની રખેવાળી કરવાનો બંધારણીય હક્ક છે, એટલે એ વખતે હું ગાડીની અંદર નહિ, બહાર હતો. પેટ્રોલ પૂરૂં થાય નહિ ત્યાં સુધી પેલીના ગોળ ગોળ ચકરડા તો ચાલુ રહેવાના હતા, પણ ન કરે નગીનદાસ ને એને કંઇક થઇ ગયું તો સાલું આ ઉંમરે બીજું ગોતવું ક્યાં ? કોઇ પંખો ચાલુ કરો. મેં ધર્મેન્દ્રની અનેક ફિલ્મો જોઇ છે, જેમાં પહાડ ઉપરથી ગબડવાની તૈયારીમાં જ હીરોઇનની કાર ધસમસતી હોય ને સાલો એ ઝાડ ઉપરથી કૂદીને સીધો ગાડીમાં ખાબકે ને હીરોઇનને બચાવી લે. પણ હવે તો એની ય ઉંમર થઇ ને ઠેઠ મુંબઇ બોલાવવા કોણ જાય ? પબ્લિક ઊભી ઊભી, ''હમણાં કંઇક થશે... હમણાં કંઇક થશે...'' ની આશાઓ સાથે કુતુહલવશ ઊભી હતી. હું પબ્લિક નહિ, પતિ હતો, એટલે મારે કોઇપણ ભોગે ગાડી રોકવી જરૂરી હતી. હું દોડતી ગાડીની સામે ય ઊભો રહી શકું એમ નહતો. તાકડે જ એને અમારો કોઇ જૂનો ઝગડો યાદ આવી જાય તો વાત આખી અકસ્માતમાં ખપી જાય. ગાડી એસી હોવાથી કાચ બંધ હતા. કાચ શું, ઘરના દરવાજા ખુલ્લા હોય ત્યારે ય એ મારી વાત ક્યાં કદી સાંભળે છે ? પરિણામે, બહારથી બૂમો પાડીને હું કહી ન શક્યો કે, મારો મોબાઇલ તો ઉપાડ...!

નસીબ બળવાન એટલે ગમે તેમ કરીને ગાડી તો એણે ઊભી રાખી. મારી હાંફતી છાતી જોઇને એ બોલી, ''અસોક, કોયની હારે આવું નો કરાય... આમાં તો જાનું જાતી રિયે... પે 'લા કે 'વું જોઇએ ને કે, સ્ટીયરિંગ બન્ને બાજુ ફેરવવાનું હોય !''

આમ તો ગાડી પાકી આવડી ગઇ પણ એ પછી, 'છોકરૂં છે, ભૂલ થાય', એમ સમજીને અમારા નારણપુરાની સોસાયટીવાળાઓએ સમજીને જ વાઇફનો ગાડી લઇને બહાર નીકળવાનો ટાઇમ જાળવી લીધો. અમારા ફ્લૅટની નીચે જ શાકભાજીવાળાની દુકાન હોવાથી દુકાનનો માલિક ઉપર મને કહેવા આવ્યો, ''દાદુ, અસર અમારી ઘરાકી ઉપર પડી છે. બેનને કહો ને, ગાડી લઇને બહાર નીકળવાનો સમય પરોઢનો રાખે. ડરના માર્યા ગ્રાહકો હવે બીજે જવા માંડયા છે.''

આવું થવાનું કારણ એ હતું કે, દુનિયાભરની સ્ત્રીઓને ગાડી રીવર્સમાં લેવામાં એમની બાઓ યાદ આવી જાય છે. સીધી ચલાવવાની હોય ત્યાં સુધી નો પ્રોબ્લેમ, પણ જ્યાં ગાડી રીવર્સમાં લેવાની આવી કે, પાછળ જે કાંઇ સ્થાપત્ય હોય, ત્યાં ઢગલો થઇ જાય. મૂળ પદાર્થ પોતાનો આકર ગૂમાવી બેસે.

ઓળખિતી મહિલાઓએ વાઇફનો કોઇ વાંક ન કાઢ્યો. ઉપરથી થૅન્ક્સ કીધા કે, હવે એ દુકાને ડિસકાઉન્ટમાં શાક મળે છે ને કોથમિર- મરચાં તો સાવ ફ્રીમાં આપે છે... ગ્રાહકો પાછા લાવવા માટે !

સિક્સર
- આપણે ટૅન્શન કે ભરચક ખુશીમાં હતા ત્યારે એણે આપણને બીયર પહોંચાડયો છે. આજે એ ખુદ મુશ્કેલીમાં છે, તો ચાલો આપણે વિજય માલ્યાને બચાવી લઇએ...
.... 'ફિંગફિશર'ની ઍટ લીસ્ટ, એકએક ઍર હૉસ્ટેસને દત્તક લઇને !

(કૅટ્સકિલ-ન્યુયૉર્કથી પૂર્વિત અશ્વિન પટેલનો મૅસેજ)

No comments: