Search This Blog

03/09/2014

એ બહુ વહેમીલો પતિ છે...

એની વાઈફ હતી તો આંખને ગમે એવી... ઈવન, એને પણ ગમે એવી હતી. એ તો માની ગયેલો કે, પૂરા શહેરમાં આનાથી વધારે સુંદર બીજી કોઈ સ્ત્રી હોઈ ન શકે. (ક્લબમાં અમે ગ્રૂપવાળા ય બધા માની ગયેલા... અને અમે દર વખતે આવું માની જતા. અને જીદ્દી જરા ય નહિ!) પણ કોયલે માળો ખોટા ઝાડ ઉપર બાંધ્યો હતો, એનો અમને ખેદ. હરએક ઉત્સાહી માનવી પરણે એ જ દિવસથી બીજી સ્ત્રીને સુંદર માનવા લાગે છે. નહિ તો આજકાલ... બીજાની પ્રશંસા કરનારા રહ્યા છે કેટલા? જગમાં પોતાની જ વાઈફ સુંદર ને બીજી બધીઓ બેન ચંપા... આવા અહંકારીઓમાં આ અમારો જનકે ય ખરો.

પણ જનકો વહેમીલો બહુ. જનકો એટલે જનક શાહ. ક્લબમાં નિયમિત અમારી સાથે સવારે ચાલવા આવનારો. ટ્રાયલ પૂરતો એકાદ વખત એની વાઈફને લઈને આવ્યો. બસ ફિર ક્યા? જનકાના ભાવ વધી ગયા. બ્રેકફાસ્ટનું બિલ કોઈ એને આપવા દે? એને જોઈ, એ જ ક્ષણથી અમારી વાઈફો ઉપરાંત જગતની સર્વ સ્ત્રીઓ અમને માં-બેન લાગવા માંડી. જનકાની વાઈફને અમે સહુ 'ભાભી-ભાભી' કહીને અમારી સાથે ચલાવીએ ને જનકો પાછળ હોય. પાછળ રાખી દેવાનો હોય. ક્રાંતિઓ એમને એમ નથી આવતી. ત્યાગની સમજવાળા એક-બે મિત્રો જનકાને ઈંગ્લૅન્ડ સામેની વન-ડે સીરિઝની વાતોમાં બીઝી રાખી, અમને ભાભી સાથે ચાલવાની સવલત કરી આપતા. બીજા રાઉન્ડે ભાભી સાથે ચાલવાનો એમનો વારો. સંપ ત્યાં જંપ. મને ક્રિકેટનું બહુ નૉલેજ નહિ, એટલે જનકા પાસે જવા કરતા હું 'ભાભી'ને કંપની આપવાની જવાબદારી હસતા મુખે નિભાવી લેતો. મેં જીવનમાં હંમેશા બીજાને દુઃખ ન પડે, ને હું સહન કરી લઉં, એવા રસ્તા અપનાવ્યા છે.

ચાલી લીધા પછી અમે નાસ્તો કરવા સાથે બેસતા, પણ અમે બધા ભાવનાના ભૂખ્યા (ભાવના... જનકાની વાઈફ!) અમે નાસ્તાના લાલચુડા નહિ! બિલ જનકો ચૂકવે, એ એની ખાનદાની અને એની વાઈફને અમે 'ભાભી' કહીએ, એ અમારી ખાનદાની. અમને તો બધાને હસાવતા બહુ આવડે અને ભાવનાને કોણ વધારે હસાવી શકે, એ માટે અમે એને કહી દેતા, ''ભાભી... આ જે તમે હસ્યા ને... એ આપણી જોક હતી... હહહાહાહા!'' નહિ તો ક્લબ-કલ્ચરમાં તો તમે જાણો છો, ''માલ કિસી કા... કમાલ કિસી કા.'' માંડ એક પીસી મારી હોય ને ક્રેડિટ બીજો લઈ જાય, એમાં ભાભી ઉપર... આઈ મીન, 'ભાવની' ઉપર કેવી છાપ પડે? આ તો એક વાત થાય છે!

જનકો સાલો વહેમાવા તો માંડયો હતો. અમને એનું વર્તન ન ગમ્યું. અમારા ખાડીયાની ભાષામાં, ''આ કાંઈ એના બાપાનો માલ હતો?'' (જવાબ : અફ કૉર્સ, એના બાપનો માલ નહોતો... એના સસરાનો હતો... અથવા, હવે તો એનો એકલાનો! જવાબ પૂરો !) ભાભીને અમે હસાવીએ, એ એને ન ગમતું. બધા હસતા હોય ને જનકો જાણે, ''આવી તો બહુ સાંભળી લીધી...'' એવા મોંઢે અમારી પીસીનો કચરો કરે. આ એક સજ્જનના લક્ષણ ન કહેવાય.

પરમેશ્વર પણ ભાવકોની સામું જોતો હોય છે, એ ન્યાયે જનકો જરાક અમથો વૉશરૂમમાં જવા નીકળ્યા કે, વહાલા ભાભીની બાજુમાં બેસવા ફટાફટ ખુરશીઓ ઘસડાઈ. ભરતનો નંબર લાગી ગયો, એમાં તો શું ય જાણે સની લિયોન પાસે રાખડી બંધાવવા બેઠો હોય, એવી હુંશિયારીઓ મારવા માંડયો. અમને કોઈને ભરતાનું વર્તન ન ગમ્યું. માં-બાપના ખોટા સંસ્કાર, બીજું શું? અલબત્ત, એ એક જ દહાડે અમારા ગ્રૂપમાં બધાને અંબાણી, અદાણી, વિજય માલ્યા કે વૉરન બફેટ સાથે ઘર જેવા સંબંધો નીકળ્યા. ભાભીને પૂછ્યું ય ખરું કે, આમાના કોઈનું બી કામ હોય તો કહેવડાવજો. જો કે, બધાનું જનરલ નૉલેજ આપણા જેવું ના હોય. ખાનગીમાં મેં અજીતસિંહને પૂછ્યું કે, ''આ વૉરન બફેટ કોણ છે?'' એમને નૉલેજ હતું. મને કહે, ''એ ભાજપનો બહુ મોટો કાર્યકર છે.'' ભાવનીને જો કે, રાજકારણમાં બહુ રસ હોય, એવું લાગ્યું નહિ, એટલે બફેટને મૂક્યો પડતો.

જનકો તો જાણે વોશ-રૂમમાં હવાફેર કરવા ગયો હોય, એમ કાચી સેકંડમાં તો પાછો આવતો રહ્યો. આટલી ઝડપે કોઈ એકીઓ પૂરી કરતું હશે? આયુર્વેદમાં ચોખ્ખી મનાઈ છે કે, આમાં ઉતાવળો ન કરાય.

જનકાએ ભાવનીને ઊભી કરતા કહ્યું, ''ચાલો હવે બહુ હસમહસી થઈ... ચલો ભાવુ...'' બેશરમ અમે દિયરીયા-જેઠીયાઓના દેખતા 'ભાવુ' કહીને અમારા જીવો બળાવતો હતો. શું અમે જોઈ શકતા નહોતા કે, એની વાઈફને અમે હસાવીએ, એ એનાથી ખમાતું નહોતું. કહે છે ને કે, ઈર્ષા જ તમામ રોગોનું મૂળ છે.

આપણે નવી ગાડી લાઈએ, તો ફ્રૅન્ડઝ લોકોને ચલાવવા દઈએ. આપણું મોટું મન, પણ જનકો નવી વાઈફ લઈ આયો - ...કેટલાક લોકો હોય છે જ સંકુચિત મનના. આવા લોકો લાઈફમાં આગળ ન આવે... વાઈફોની દુનિયામાં!

અમારા ગ્રૂપમાં કડક નિયમ કે, ક્લબમાં કોઈના પણ ગેસ્ટ આવે, એને ગેટ સુધી મૂકવા નહિ જવાનું. અહીં તો આગળની ઘટના ન લખું, તો ય તમે સમજી તો જવાના કે, પાર્કિંગમાં શું થયું હશે! એટલું કહી દઉં કે, અમારા સહુના ચહેરા ઉપર ભાવ દીકરી વળાવવાનો હતો... એ ઘડી પૂરતો!

ક્લબમાં પાછા આવ્યા પછી તો કોઈના મૂડના ઠેકાણાં નહિ. કાલે જનકો આવશે કે નહિ? આજે જ બન્નેને ડિનર પર બોલાવીએ તો કેવું રહેશે? પછી સૉલ્જરી સમજી લઈશું. અને ભરતો દોઢો બહુ થતો'તો... ભાવનીની પાસે બેસવા શું મળ્યું કે, આપણે બધા તો ભરતના સાળાઓ થતા હોઈએ, એવા સોટા મારતો'તો! ચિંતાઓ એવી પણ થઈ કે, આવતી કાલે જનકાને વૉશરૂમમાં જવાનું થાય જ નહિ, તો એને મોકલવો ક્યાં ? એક વાતે બધા ચોક્કસ માની ગયા કે, જનકાનો લૅન્ડ-લાઈન નંબર લઈ લેવો... તો પેલી ઉપાડશે.

નૅગેટીવ વાત એ નીકળી કે, જનકો આપણા બધાની ઉપર વહેમાવા માંડયો હતો. અમે બધા એક વાતે સહમત કે, જે ગોરધન પોતાની વાઈફ ઉપર વૉચ બહુ રાખતો હોય, એ મોડો-વહેલો પતવાનો તો જ છે. આવા હસબન્ડોઝની વાઈફોઝ અકળાઈને પછી એકલી ફરવા માંડે છે... આપણે એ તબક્કા સુધી રાહ જોવી અને હાલ પૂરતું ભાવના-જનકના માર્ગમાં નહિ આવવું, એવું સર્વાનુમતે નક્કી થયું. મનમાં બધા ખુશ હતા કે, એકબીજાને કેવા 'દૂ' બનાયા...?

તમે તો જાણો છે કે, આ બધી પબ્લિકમાં સૌથી વધારે સજ્જન અને સ્માર્ટ હું. આપણો પ્લાન કોઈને કીધો નહિ કે, ભાવનીને વાઈફની ફ્રેન્ડ બનાવી દેવી. બન્ને એકબીજાને ઘેર આવતી જતી થાય તો કોક દિવસ તો વાઇફને ગૅસનું બિલ ભરવા મોકલી દેવાય ને?

પેલા સની લિયોનવાળા ભરતાએ પ્લાન એવો બનાવ્યો હતો કે... હે ય...એકલા ભરતાએ જ નહિ, સહુ પોતપોતાની ફિરાકમાં હતા. અમને મામુ બનાવવાનો પ્લાન હરકોઈએ બનાવ્યો હતો.

દોઢેક મહિના સુધી જનકો ક્લબમાં દેખાયો નહિ. સાલો વાઈફને લઈને ઘરમાં ને ઘરમાં ચાલી આવતો હશે, ફોનો કરીએ તો ખબર પડી કે, અમારામાંથી કોઈના ફોન જનકાને લાગે નહિ. અમારા બધાના નામ એણે કઢાવી નાંખ્યા હતા. બીજાના ફોન ઉપરથી કરીએ તો જનકો કહે, ''મીટિંગમાં છું. કાલે ફોન કરીશ.'' ને પછી કાલ તો આવે નહિ!

એના ય થોડા દહાડા પછી ખબર અમને બધાને પડી કે, જનકો અમારામાંથી કોઈ બે-ત્રણની વાઈફોને રોજ સવારે ક્લબમાં 'ચાલવા' બોલાવતો, નાસ્તા કરાવતો અને પીસીઓ મારી મારીને હસાવતો ય બહુ. ને ક્લબ પણ અમારી રોજવાળી નહિ... બીજીમાં. આ બાજુ વહેલી સવારે અમે ચાલવા ક્લબમાં ઉપડીએ ને બીજી બાજુ પેલી બે-ત્રણ વાઈફો ય ચાલવા ઉપડે. આ તો ઘેર આવીને અમારા બધાની વાઈફો સાલા જનકાના તો જે વખાણો કરવા માંડી... જે વખાણો કરવા માંડી, ત્યારે ખબર પડી કે, જનકાએ અમારાવાળી બધીઓને ભાભી બનાવી દીધી છે ને ખૂબ હસાવે છે... પીસીઓ મારીને નહિ... હાઇ-ક્લાસ હ્યૂમરો કરીને!

તારી ભલી થાય ચમના... સાલા પંખો ચાલુ કર પહેલા! કેમ, અમારી વાઈફોને હસાવતા અમને નથી આવડતું? અમે મોંઢાનાં બોખા છીએ? તારી માંએ સંસ્કાર આપ્યા નથી કે, પરસ્ત્રી તો માતા સમાન ગણાય. (માતા ના ફાવતું હોય તો ભાભી સમાન ગણ!) અમે તારી વાઈફને એક દહાડો શું હસાવી, તે બદલામાં તું અમારી વાઈફોને હસાવી-હસાવીને પિદુડી કાઢી નાંખતા શરમાતો નથી?

યૂ સી... અમુક લોકોના ચરીત્રો જ થર્ડ-ગ્રેડના હોય છે. ભરતાની વાઈફ તો દેખાવમાં તદ્દન ઢોર બજારનો માલ છે ને જનકો એને ય હસાવતો હતો. સાલામાં ટેસ્ટ જેવું ય કાંઈ નહિ મળે. આપણા જેવા તો વાઈફ સિવાય અન્ય કોઈ સ્ત્રીને ફક્ત ભાભી કહે ને તાબડતોબ 'લક્ષ્મણ' બની જઈએ. પછી વાત આગળ વધે તો જુદી વાત છે, પણ આમ કોઈની વાઈફોઝને એકસામટી રોજ ક્લબમાં બોલાવીને હસાવવી, એ સજ્જનના લક્ષણ નથી. સુઉં કિયો છો?

કહે છે કે, આપત્તિ આવે ત્યારે દુશ્મનો ય એક થઈ જાય છે. અમે બધાએ નક્કી કર્યું કે, જનકાને ક્લબમાં બોલાવીને બરોબરનો ખખડાવવો. (આ વખતે 'ભાવનાબેન'ને નહિ બોલાવવાના.)

જનકો ભાવનાભાભીને લઈને જ આવ્યો.

સાર : આખો પ્લોટ ભાવનાભાભીએ જ ઘડયો હતો. પહેલા દિવસની ઘટના પછી. એમણે જનકા પાસેથી અમારા બધાના લેન્ડ-લાઈન નંબરો લઈને બધાની વાઈફોને સાલી બધી વાત કરી નાંખી અને અમને સીધા કરવા જનકાની... આઈ મીન, જનકભાઈની મદદ લઇ અમારી વાઈફોને બીજી ક્લબમાં રોજ બોલાવવાનો કારસો રચ્યો હતો.

હજી એ પૂછો છો, 'અમારૂં શું થયું ?' પેલા... ધોબીના કૂતરા માટે કંઈ કહેવત છે?

સિક્સર

- ઈંદિરા ગાંધીની સરકાર વખતે પાકિસ્તાન આવા જ અડપલાં કરતું હતું, ત્યારે કોઈકે મોરારજી દેસાઈને પૂછ્યું, ''પાકિસ્તાનને સીધું કેવી રીતે કરી શકાય?''

- એમાં કરવાનું શું? એના ઘરમાં જઈને ધોલધપાટ કરીને પાછા આવતા રહેવાનું હોય છે તો આટલું ટેણીયું!

No comments: