Search This Blog

15/01/2015

૩૧ ડિસેમ્બરની 'પાર્ટી'

૩૧મી ડીસેમ્બરની રાત્રે દારૂ પીવો જ પડે. જન્માષ્ટમીએ આખી રાત તીનપત્તી રમવી જ પડે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા જ પડે...?

સાલા, આપણા એકેય લક્ષણ સારા છે? ૩૧મીની રાત્રે દારૂને બદલે સૂંઠનો રસ પીવાનો કે જન્માષ્ટમીએ તીનપત્તીને બદલે ઊભી-ખો કેમ ન રમાય?

પણ એ બધા દેસીઓના કામ. ભારત દેશમાં રહીને અમારે 'દેસી' નહોતું ગણાવવું... ભલે બા ખીજાય. અમે ૭-૮ યારદોસ્તોએ ૩૧મીની રાત્રે 'મેહફીલ' બનાવવાનો નિર્ણય વગર પીધે લીધો. કહે છે કે, જે કામ કરવામાં ડર લાગતો હોય, એ કામો છુપાછુપી કરવામાં જે મજો પડે છે, એ 'એરેન્જ્ડ' મૅરેજમાં ન પડે. અડધી અને અંધારી રાત્રે ઘરમાં દરવાજાને બદલે બાલ્કનીમાંથી દાખલ થવા જેટલો ખુશ્બુદાર જલસો વિધાનસભામાં તાળીઓના ગડગડાટ વચ્ચે આપણું સ્વાગત થાય, એમાં ય ન આવે... સુઉં કિયો છો?

એવું ડીસિઝન અમે બધાએ મનમાં બોલીને લીધું, કારણ કે 'દીવારોં કો ભી કાન હોતે હૈં..!' એવું અમે ઘણી ફિલ્મોમાં સાંભળ્યું હતું. કોઈને ખબર ન પડે ને કોઈ સાંભળી ન જાય, એ માટે અમે સાતે ય જણાએ ખૂફિયા મીટિંગ અંધારી રાત્રે, અમારા ફ્લૅટના ટેેેરેસ ઉપરની પાણીની ટાંકી ઉપર ચઢીને રાખી. ટૅરેસના દરવાજે લૉક માર્યું અને જે કાંઈ બોલવું હોય તે બધું, ''છીછ... છીછ'' અવાજે બોલવાનું.

કબુલ કે, અમારામાંથી કોઈએ અત્યાર સુધી દારૂને હાથ કે હોઠ લગાડયો નહોતા. કેવી રીતે પીવાનો હોય, એ કાંઈ સ્કૂલમાં શીખવ્યું નહોતું. સૉલ્જરી કરીને સાતે ય જણાએ વ્હિસ્કીની એક એક બૉટલ લેતા આવવાનું સ્વીકાર્યું. અમારામાંનો કોક તો થોડો જાણકાર હોય ને? એ બોલ્યો કે, ''સાત જણા વચ્ચે સાત બૉટલો...? વધારે નહિ પડે??''

''એ ચીંગુસીયા... પીતી વખતે પૈસા સામે નહિ જોવાનું... આમાં તો મંડી જ પડવાનું હોય, કોડા!'' પટેલે પોતાની ભાષામાં જવાબ આપ્યો... સૉરી, આલ્યો!

કૅબરે જોવા ગયા હોઈએ ને ખોળામાં કોક ભાગવત મૂકી દે, એમ નીચેથી વાઈફે બૂમ પાડી, ''બધાની ચા જ મુકૂં ને? તારી ભલી થાય ચમની... આખા મૂડની મમ્મીના મૅરેજ થઈ ગયા. જો કે, એ ગરીબ બિચારીનો શો વાંક? એ થોડી, ''તમારામાંથી વૉડકા કોણ લેશે ને બિયરવાળું કોણ છે?'' નામની બૂમ પાડવાની હતી?

પાર્ટી યશોધરના ઘરે રાખી હતી. બધાએ પોતપોતાની બૉટલ છાપાના કાગળમાં ચુસ્ત રીતે સંતાડીને લાવવાની હતી. ગાડીમાંથી ઉતરતી વખતે પાછળ ખાસ જોઈ લેવાનું કે, 'પુલીસ હમારા પીછા તો નહિ કરતી...!' ડર લાગે ત્યારે હિંદીમાં બોલવું સારૂં પડે.

યશોધરે દરવાજો ખોલતા સાથે બન્ને હોઠ વચ્ચે 'ચૂપ'ની નિશાની રાખી મૂકી હતી. અમે તો કેમ જાણે શામળાજીના મેળે રાસ રમવા આવ્યા હોઈએ, એમ એ બધાને 'જેશી ક્રસ્ણ' કહીને આવકારતો હતો. ઢીલા તો અમે ય હતા. કોઈ જોતું તો નથી ને, એ જોવા અમે લોકો ઘરમાં દાખલ થતા, ઈવન ભીંતમાં ય શંકાસ્પદ નજરે જોઈ લેતા હતા. આવા કામોમાં તો અમે એકબીજાનો ય વિશ્વાસ ન કરીએ, એટલે અમારામાંનો કોક વળી શર્ટના ખિસ્સામાં કેમેરાવાળી પેન ભરાઈને આવ્યો નથી ને, એ ચેક કરી લીધું, પણ બધા સંસ્કારી હતા. કોઈની માંએ ખરાબ સંસ્કારો આપ્યા નહોતા. નહિ તો ભ'ઈ, આ જમાનામાં કોઈનો ય ભરોસો થાય એવો છે? આ તો એક વાત થાય છે.

ગુપ્તતા પૂરેપૂરી જાળવવામાં આવી. 'કિસી કો કાનોંકાન ખબર તક હોની નહિ ચાહિયે...' અમે ચોકન્ના તો એટલે સુધી કે, કાનોકાન તો બહુ દૂરની વાત છે... અમારામાં તો હાથોહાથ કે પગોપગ પણ ખબર પડે નહિ!

નદી કિનારે બ્રાહ્મણો એમના બાપાઓનું સામૂહિક શ્રાધ્ધ કરાવવા બેઠા હોય, એમ અમે સહુ ગોળ કૂંડાળે પલાંઠા વાળીને બેસી ગયા. સુરીયો પીવામાં જરા અનુભવી હતો, એટલે એ સોફા ઉપર એક પગ લટકાવીને જમીન પર સૂતો. એક હાથ વડે એણે માથું ઝાલી રાખ્યું હતું. કહેતો હતો કે, ''...પીવાની અશલી શ્ટાઈલ આ છે!'' મેહતાએ એને સુધાર્યો, ''તને ખબર નથી. પીવાનું તો ચાલતા ચાલતા લથડીયા ખાતા જ રખાય! યાદ છે, ફિલ્મ 'જાગતે રહો'નો મોતીલાલ?'' અલબત્ત, બધાએ એને પ્રૅક્ટિકલી સમજાવ્યો કે, તારી વાત સાચી પણ હોય તો ય રૂમ નાનો છે અને બધા ઊભા થઈને ચાલવા માંડે તો એકબીજાને અથડાઈ જઈએ. બેઠા બેઠા ઝૂમવામાં હાળું અથડાવાય તો નહિ? તે એ વળી માન્યો ય ખરો. કહે છે કે, દારૂ નમ્રતા શીખવે છે.

'કાઢ અલ્યા... હવે બહુ રાહ નહિ જોવાય.' જીતુ બધામાં ઉતાવળીયો ખરો. અમારા જવાબની રાહ જોયા વિના એણે લસ્સીના ગ્લાસ ભરતો હોય, એમ બધાના ગ્લાસ વ્હિસ્કીથી છલોછલ ભરી દીધા... 'જીયો મેરે રાજ્જા' બોલીને! અમે તો દારૂ પીવા આવ્યા હતા કે, વૈદ્યના ચિકિત્સાલયમાં દવા પીવા, એની ય કોઈને ખબર નહિ. એકલો મધુ જાણકાર નીકળ્યો. ''અલ્યા, આ છાશ નથી પીવાની તે ગ્લાસેગ્લાસ છલોછલ ભરી દીધા છે... આમાં તો એક એક પૅગ... આઈ મીન, ચા પીવાનું કપનું તળીયું ભરાય એટલો જ લેવાનો હોય.''

''અલ્યા ભ'ઈ, એને એટલો આપજે... તું તારે ભરી દે અમારા બધાના જામ છલ્લક છલ્લક..! અલ્યા પહેલી વાર પીવા આયો છે?'' પટેલો તો આમે ય બોલવામાં આખા હોય! સમયસર બધામાં અક્કલ તો આવી ગઈ અને વ્યવસ્થિત રીતે કાચના ગ્લાસમાં એક પૅગ બનાવી ઉપર સોડા અને બરફ નાંખ્યો.

''ભ'ઈ... સ્ટ્રો-બો વગર પીવાનું છે?'' મધીયો ફાટયો. કેમ જાણે ઘેર ચા ય રકાબીમાં સ્ટ્રૉ બોળીને પીતો હોય! બધાને એટલી ખબર કે, વચમાં ચાવવા-બાવવાનું કંઈ રાખવું પડે, એટલે નીચે જઈને કોઈ ચણા લઈ આવ્યું. ગાદી ભાળી એટલે એમાં બે- જણા ચણા વડે સામસામે એક્કા-દૂક્કા રમવા માંડયા. ત્રીજો વળી, બે આંગળીઓ વચ્ચે ચણો મૂકીને, ગાદી ઉપર વ્હેંત ભરીને પેલાને શીખવાડે... ''ચણો સીધો ગબામાં જવો જોઈએ.'' સાલું, અમે તો દારૂ પીવા બેઠા છીએ કે, નગરપ્રાથમિક રમતોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ, એ ખબર પડતી નહોતી.

સરવાળે કબુલાત એટલી કે, પીતા આવડતું કોઈને નહોતું, છતાં લાજ ૩૧ ડિસેમ્બરની રાખવાની હતી. ગુજરાતીઓની આને ખાસીયત ગણવી હોય તો અત્યારે સમય છે, ગણી લો કે, પોતાને કાંઈ આવડતું નથી, એ લગ્નના ૨૦-વર્ષે ય છોકરા વિનાનો રહે, તોય કબુલશે નહિ!

મધુ લવારી ઉપર ચઢી ગયો ને, ૨૧-વર્ષ પહેલા ગુજરી ગયેલા એના સ્વર્ગસ્થ સસુરને ભાંડવા માંડયો, ''હાળા નટીયા... આવું બૈરૂં મને વરગાડીને પોતે અલોપ થઈ ગયો... નીચે આય.... નીચે આય હાળા બીક્કણ...!''

મને આપઘાતના વિચારો આવવા માંડયા, એટલે ખોટો ટાઈમ ન બગડે માટે મેં સુરીયાના ખભે હાથ મૂકીને લાગણીભર્યા સ્વરે કીધું, ''જો સુરીયા... ખભે બહુ વલૂર-વલૂર ના કર... આ પંખે લટકી જા... મધીયાને ય ટીક-ટ્વેન્ટી પીવા સમજાઉં છું... પણ તું ઉપડ...''! જેના ઘેર અમે બેઠા હતા, એ યશોધર, પરણ્યો એ દહાડાનો ડરપોક બની ગયો હતો. મધુ ગ્લાસની વ્હિસ્કી શર્ટના ખિસ્સામાં રેડવા માંડયો ને બધાના ચરણસ્પર્શ કરીને રીક્વૅસ્ટો કરતો જાય, ''દાદુ... આજની પીવાની વાત મારી વાઇફને ખબર નહિ પડવી જોઈએ... પ્રોમિસ?''

''કેમ... તને ટીચી નાંખશે?''

''ના... હાળી કાલથી પોતે પીવા માંડશે..! સદીઓથી એનું આખું ખાનદાન પીધેલું છે.''

નવું વર્ષનું નવલું પ્રભાત ઊગ્યું. વહેલી પરોઢે સહુ પોતપોતાના ઘેર ગયા. છેલ્લા રીપોર્ટ મુજબ ઃ ચંપક મોદી જસુભ'ઈની બાજુના ફ્લેટમાં રહે છે, એને બૂમ પાડીને ઉઠાડયા, '' લે પકડ મારો ઝભ્ભો ને... તાકાત હોય તો ખલાસ કરી આય પાકિસ્તાનને...!'' ઘટનાસ્થળે મંગળપ્રભાતે એક નાનકડી ફાઈટિંગ.

મધુની વાઈફે દરવાજો ન ખોલ્યો, એમાં એ બાજુવાળાના ઘરના સોફામાં જઈને સૂઈ ગયો. ત્યાં એક નાનકડી ઝગડી. જીતુએ ગાડીમાં બેઠા બેઠા એના બંગલાની આસપાસ છસ્સો આંટા માર્યા હશે. સુરેશ પોતાનાથી મોટું પાપ થઈ ગયું છે, એમ માનીને આખી સોસાયટીમાં ઘેર ઘેર જઈને અમારા બધાના નામો સાથે માફી માંગી આવ્યો. મેહતાને બહુ ચઢી નહોતી, એનો એને આઘાત મોટો લાગ્યો હતો. જીપમાં બેસાડીને પોલીસ ઘેર મૂકી ગઈ, ત્યારે પણ ફાધરને પૂછી જોયું, ''પપ્પા... સાલા પીધો બધાએ... મને એકલાને કેમ ન ચઢી?''

No comments: