Search This Blog

28/01/2015

આજે સગાઇઓ તૂટે છે કેમ આટલી....?

સુધીરની વાઇફ તો શૉપિંગ-મૉલના કોક બીજા કોઇ ખૂણે ભરાઇ ગઇ હતી ને આ બાજુ સુધુ એકલો અદબ વાળીને ઊભો ઊભો મોલની ચહલ-પહલ જોયા કરતો હતો. એ ૫૦-વર્ષ પહેલાં જન્મ્યો હતો, એટલે આજે ૫૦-ની ઉંમરનો થયો હતો. આજે કયો ગુજરાતી એવો છે, જેની થોડી તો થોડી ફાંદ નીકળી ન હોય ને કયો ગુજરાતી એવો છે, જે દૂરથી કોઇ 'જોવાલાયક' આવતી હોય, તો કાચી સેકંડમાં ફાંદ અંદર ખેંચી ન લે... ભલે પછી એટલો ભાગ પાછળ ફૂલાતો હોય! કપડાં તો એ બ્રાન્ડેડ પહેરતો ને ગૉગલ્સ પણ 'વર્સાચી'ના. બહાર ગાડીમાં બેઠા પછી એ ગૉગલ્સ કોઇ જોવાનું નથી, એટલે મૉલમાં ય એણે પહેરી રાખ્યા હતા. બ્રાન્ડેડ ચીજો વાપર્યા પછી કોઇ જોનારૂં ન હોય તો પૈસા પડી જાય છે.

અચાનક દૂર ઊભેલી એક સ્ત્રીને સુધીરે જોઇ. જોવા જેવું કાંઇ લાગ્યું નહિ, એટલે આંખોએ ઘટનાસ્થળે જ રાજીનામું આપી દીધું. પણ તો ય, પુરૂષ છે ને..? આજુબાજુમાં વધારે સારા વિકલ્પો ન હોય તો ઘડી-બેઘડી માણસ પોતાની સગ્ગી વાઇફને ય જોઇ લેતો હોય... ને એમાં કાંઇ ખોટું ય નથી. એના સિવાય, આપણા બધા માટે પાછી એની વાઇફ ધરાઇ ધરાઇને જોવા જેવી લાગતી હોય. આ તો એક વાત થાય છે.

૫૦ની આસપાસની તો એ ય હતી. પણ જોઇને એટલો સંતોષ ચોક્કસ થાય કે, આપણા ઘેર જે જમા કરાવી છે, એ એટલીસ્ટ... ''આના કરતા'' તો સારી છે.. બહાર ખોટા ફાંફાં મારીએ છીએ. કહે છે કે, આવુ જ્ઞાન ૨૦૦ કરોડ પુરુષોમાંથી ભાગ્યે કોઇ એકાદાને થતું હોય છે... આવો એ એકાદો એટલે સુધીર.

પણ અચાનક એની આંખ ઝબકી. ''આ સ્ત્રીને પહેલા ક્યાંય જોઇ છે, યાર.. હિંદી ફિલ્મોના વિલંબની જેમ એક ડાયલોગ એના મનમાં ઝબક્યો, ''મેરી આંખે કભી ધોખા નહિ ખા સકતી.'' એ નજીક ગયો. પેલીનું ધ્યાન સુધુ ઉપર નહોતું, પણ એનો ચહેરો જોવામાં કોઇ મુશ્કેલી પડી નહિ. ''ઓહ યસ.. યસ... હવે યાદ આવ્યું.. આ તો હું પહેલી વાર કન્યાને જોવા ગયો હતો, એ રેખા આ જ! રેખલી રેખલી... ઓળખી હવે... ! ઓહ માય ગૉડ... આજે એ આવી થઇ ગઇ છે...? મરી ગયો.... ચોક્કસ મરી ગયો... એને પૈણનારો બાકાયદા મરી ગયો હશે ને હજી સુધી નહિ મર્યો હોય તો રોજ રિબાતો હશે... રેખલી સાવ આવી થઇ ગઇ? સાલું, ભગવાન જેવું ચોક્કસ કંઇ છે જ, ને એટલે જ હું આનામાં બચી ગયો.''

સુધીયો સાવ ખોટો ય નહોતો. આપણે તો ૨૮ વર્ષ પહેલાં રેખાને જોઇ નહોતી, પણ અત્યારે જોઇએ તો માની જવું પડે કે, ઇશ્વરી ન્યાય જેવું ચોક્કસ કંઇક છે, નહિ તો આપણામાંથી કોક આનામાં ભરાઇ ગયું હોત તો ઝભ્ભો ફાડીને લેંઘાના લટકતે નાડે નેહરૂ બ્રીજના થાંભલા ઉપર રોજ ચઢી જતા હોત! કોક દિવસ તો પ્રભુ હાથ છોડાવી દેશે... એ આશાએ! સુધીરને યાદ આવ્યું કે, આજથી ૨૮ વર્ષ પહેલાં એ લગ્નવિષયક કારણે આ રેખાને જોવા ગયો હતો, ત્યારે તો એ બહુ લેંચુ મારતી'તી...! કપાળ ઉપરથી લટીયાં ને આંખોમાંથી મેંશના કાળા ખૂણીયા કાઢતી. એ વખતની હીરોઇનોની ફેશન પ્રમાણે આ રેખા ય માથામાં વચ્ચોવચ ઢીમડું થયું હોય, એમ વાળનો ટેકરો બનાવતી ને કપાળની વચ્ચે સેંથી પાડીને બંને લટો કાન તરફ જવા દેતી. અર્થની ખબર હોય કે ન હોય, છોકરીઓમાં 'ઓહ શીટ..' બોલવાનું એ જમાનામાં શરૂ થયું હતું. (આજે ય, કોઇને અર્થની ખબર હોય, એવું લાગતું તો નથી.. લાગે તો ઊલટીઓ કરવા ન માંડે? આ તો એક વાત થાય છે.) સુધીરને યાદ આવ્યું હશે કોઇ '૮૫ કે '૮૭ની સાલ. ખાડીયાની કોઇ પોળમાં સુધીર છોકરી જોવા એના માં-બાપની સાથે ગયો હતો. એ દિવસોમાં તો કેવું હતું કે, સાવ એવું ય નહોતું. જોવા ગયા હોઇએ, એટલે ઘર આખું ચોખ્ખું કરીને રાખ્યું હોય ને ઘરમાં બધા લેવાદેવા વગરના સ્માઇલો આપે રાખતા હોય ને આ બાજુ, આપણે ટેન્શનમાં હોઇએ. બેસીએ એટલે તરત કાંઇ પેલી બહાર ન આવે. એ તો હાથમાં ચા-નાસ્તાની ટ્રે સાથે નીચું જોઇને કિચનના પરદા પાછળથી પ્રગટ થાય. એને આટલું ચલાવવા પાછળનું કારણ એ હતું કે, છોકરાવાળાને ખાત્રી થાય કે, છોકરી લૂલી-લંગડી નથી. પણ એના આવ્યા પછી છોકરાના હાલ જોવા જેવા હોય. આજના છોકરાઓની માફક, એકબીજાને, ''ઓ હાય.... સીમ ટુ હેવ મેટ ઇચ અધર બીફોર, ના..?'' જવાબમાં પેલી ફટ દઇને કહી પણ દે, ''...મૅટ બીફ્ફો...? માય ફૂટ.. આઇ નૅવર લૉઇટર અરાઉન્ડ ધ કૅફેઝ ઍન્ડ કૉફી શૉપ્સ...!''

એક જમાનામાં આપણે પોતાના માટે પહેલીવાર કન્યા જોવા ગયા, એ દિવસ યાદ કરો. તમારે 'મારો' એ દિવસ નહિ, 'તમારો' પોતાનો એ દિવસ યાદ કરવાનો છે. આજે ભલે ઉંમર તમારી કોઇ ૪૦-૫૦ કે ૬૦-૭૦ની પહોંચી, પણ આપણા જમાનામાં લગ્નના હેતુથી કન્યા જોવા માં-બાપ સાથે જવું, એમાં થ્રિલ હતી. યાદ છે, કેવા નવા નવા કપડાં સિવડાવી રાખ્યા હતા.... જોવા જવાનું જેટલી વખત થાય, એ વખતે જ એ જોડી કાઢવાની. દાઢી તો છોલાય ત્યાં સુધી ઘસઘસ કરવાની. સવારથી મોઢું મલકમલક થાતું હોય ને જે મળે, એને સ્માઇલથી જવાબ આપવાનો. પણ ત્યાં ગયા પછી, એ લોકો જ નહિ, આપણે ય 'ટેન્સ' હતા. એ લોકોનો બંગલો નજીકમાં હોય, ત્યારથી પગ ધ્રૂજતા અને કાનની બૂટ લાલલાલ થઇ જતી. પણ કિચનના પરદા સામે છાનુંમાનું જોઇ લેવાની તો એટલી બધી અધિરાઇ આવી ગઇ હોય કે, 'હમણાં ખુલશે.. હમણાં ખુલશે'ની લ્હાયમાં ને લ્હાયમાં સુધબુધ વિસરાઇ જાય ને... પછીના અડધા કલાક પછી ખબર પડે કે, કિચનમાં જેને જોવા માટે તરસતા હતા, એ તો ઘરની કામવાળી બાઇ છે... લેવા-દેવા વગરનું મૂડીરોકાણ કરી નાંખ્યું. તારી ભલી થાય ચમના... એ તો વિચાર કે, કામવાળી કેવી બચી ગઇ કહેવાય? સુઉં કિયો છો?

એ વાત જુદી છે કે, જેને જોવા ગયેલા એ માલતી કરતા પેલી કામવાળીના જન્માક્ષર મંગાવ્યા હોત તો વધુ સારૂં થાત!

પાછું આમાં કેવું હોય છ કે, આમાં તો આવું જ હોય! એક વાર જોઇને ખુશ થઇને કે મોંઢા બગાડીને પાછા આવ્યા બાદ, એ કહેવડાવવું અઘરૂં પડતું હોય છે કે, 'અમને નથી ફાવે એવું.' આપણામાં તો, મમ્મી- પપ્પા સાથે નિશાનીઓ રાખેલી હોય... છોકરી ગમી હોય તો મમ્મી સામે જોઇને આંગળી વડે બે-ચાર વખત નાક ઘસવાનું ને ''છુટા નથી.. આગળ જાઓ'' કહી દેવું હોય તો નાસ્તાની ના પાડી દેવાની કે, ''મનોજને પેટમાં ઠીક નથી...''

યાદ હોય તો, બધું ગમી-બમી ગયા પછી લોચા વાગી ગયા હોય તો સીધેસીધી ના પાડવાને બદલે ''જન્માક્ષર નથી મળતા...'' વાળું બહાનું તો આજે ય પૂરજોશમાં ચાલે છે. એકને જોઇ લીધા પછી કોક બીજું સારૂં મળી જાય તો જન્માક્ષરો બહુ કામમાં આવે...! વધારે જાણકાર છો, એમ બતાવવા 'ગુણાંક' નથી મળતા પણ કહેવાય છે.

આજે પરિસ્થિતિ બદલાઇ છે. આપણા જમાનામાં એક વાર નક્કી થઇ ગયા પછી નામક્કર નહોતું જવાતું. ગમે કે ન ગમે, હા પાડીને આવ્યા પછી. ''જેવું આપણું નસીબ...'' માનીને મૅરેજ-બૅરેજ બધું પતાવી દેતા... ને તો ય સક્સેસફુલ જતા. આજે તમારા સર્કલમાં નજર ફેરવી જુઓ. જેટલી સગાઇઓ થવાના સમાચાર સાંભળીએ છીએ, એના કરતા સગાઇ તૂટવાના સમાચારો વધુ આવે છે. આપણી વખતે, સગાઇ ભલે એક-બે વર્ષ ચાલી હોય.. છોકરો- છોકરી ખાસ 'આગળ વધ્યા' ન હોય.. આઇ મીન, એવી ચિંતા કરવા જેટલું આગળ ન વધ્યા હોય. આગળ વધવાનું (...કે પાછા પડવાનું..!) બધું લગ્ન પછી જ! હવે પંખો ચાલુ કરી શકો છો.

આટલા અરસા પછી રેખાને શૉપિંગ- મૉલમાં જોયા પછી સુધીર ભારે તાનમાં આવી ગયો. રેખાએ એને નાપસંદ કર્યો હતો ને બીજા દિવસથી આવડો આ દાઢી વધારીને મેલાંઘેલા કપડામાં ફરવા માંડયો હતો ને એક જ ગીત ગાતો ફરતો હતો, 'યે દુનિયા, એ મહેફીલ, મેરે કામ કી નહિ, મેરે કામ કી નહિ.. હોઓઓ!''

પણ બધું અહીનું અહીં ચૂકવવાનું હોય છે, ઉપર સ્વર્ગ-બર્ગ જેવું કાંઇ નથી -ના ધોરણે ઇ.સ. ૨૦૧૫ની રેખા ચારે બાજુએથી પતી ગઇ હતી. કમરની નીચેથી પગના તળીયા સુધીનો ભાગ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો માલસામાન બનાવવાના કામમાં આવે એવો થઇ ગયો હતો ને કમરની ઉપરથી માથા સુધીનો ભાગ પડુ-પડુ કરતા મકાન જેવો જર્જરિત થઇ ગયો હતો.

આમ સુધીર કદી આઇસ્ક્રીમો ન ખાય... ડૉકટરે ના પાડી હતી, પણ આજે, ''હું બચી ગયો..''ના વિજય- ટંકારમાં ખુશીના આલમમાં છ-સાત પ્લેટ ઠોકી ગયો.

માટે જ, કહ્યું છે ને, 'જેવી છે, ને તમારી પત્ની (કે પતિ) ચલાવી લો.. રામ જાણે, બીજા કેટલા બધા ઉગરી ગયા હશે?'

સિક્સર

ઉપલેટાવાળા બૂમો પાડતા'તા... ઓબામા ઉપલેટા ન આવ્યા.. આવ્યા હોત તો, રસ્તા-બસ્તા તો સાફ થઇ ગયા હોત!

1 comment:

દીપક said...

દિલ કો બહેલાને કે લિએ, ગાલિબ ખયાલ તો અચ્છા હૈ!