Search This Blog

20/05/2015

મુહમ્મદ રફીને 'ભારતરત્ન'

આમ પત્રકારત્વના નિયમ મુજબ, આ લેખના શીર્ષકમાં 'ભારતરત્ન' લખ્યું છે, એમાં પેલા બે (' ') અવતરણ ચિહ્નો ન લખાય, લેખના મથાળામાં વગર અવતરણે ઉતરવું પડે. પણ એટલું બધું સાચવવા જઇએ તો મુહમ્મદ રફીને 'ભારતરત્ન' શબ્દોય ખોટા પડે એમ છે. આ માણસ ભારત-પાકિસ્તાન જ નહિ, દુનિયાભરની સરહદો પાર કરીને ઠેઠ મારા હૃદય સુધી પહોંચી ગયો છે.

મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન' આપવાથી શાન-ઓ-શૌકત ઍવૉર્ડની વધવાની છે.... એમને માટે તો હિંદી-ઉર્દુ સમજનારા દુનિયાભરના સંગીતપ્રેમીઓ વર્ષો પહેલાનો જગતભરનો સર્વોત્તમ ઍવૉર્ડ ''વિશ્વ-નાગરિક''નો આપી દીધો છે. ભારતમાં જ (ભાગલા પહેલાના પાકિસ્તાનમાં) એ જનમ્યા ને આપણે ત્યાં જિંદગી ગૂજારી, એટલે બેમાંથી એકેય દેશવાળા ''રફી અમારા'' એવો દાવો ન કરી શકે... ને એમ જ હોય તો ઠેઠ વેસ્ટ ઈન્ડીઝ ટાપુઓમાં આવેલાં ટચુકડા દેશ સુરિનામમાં તો રફી સા'બે ગાયેલું, 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગી..' રાષ્ટ્રગીતની કક્ષાએ ગવાય છે- રોજ! 'સાહેબ' તો જગતભરના રત્ન હતા... 'જગતરત્ન.'

રફીના જ લાડકા નામે ઓળખાતા રફી સાહેબ આજે ''નથી'', એવું નહિ કહેવાય, રફી ''છે'', એવું ઍટ લીસ્ટ હું ને તમે જીવીએ છીએ ત્યાં સુધી તો કહેવું જ પડશે. ભગવાન શ્રીકૃષ્ણની જેમ રફી પણ કોઇના કંઠમાં, કોઇની આંખોમાં, કોઇના લિબાસમાં, કોઇના વિશાળ કપાળમાં, કોઇના આંસુઓમાં, કોઇના પગના થરકાટમાં, કોઇના તાલ આપતા હાથોમાં કે બાળક જેવા કોઇના નિર્દોષ સ્માઇલમાં રફી હરદમ રહેવાના છે. એ દ્રષ્ટિએ મુહમ્મદ રફી ભારતના રાષ્ટ્રગીત જેવા છે, 'જનગણમન અધિનાયક...'

ઈન ફૅક્ટ, હું ને તમે સમજણા થયા, ત્યારથી રફીના ગીતો દોસ્તોની ટોળકીની માફક આપણી સાથે આજ સુધી રહ્યા છે. માણસના સ્વરૂપના તો અનેક દોસ્તો તો પોતાના યા આપણા વાંકે આપણને છોડીને ચાલ્યા ગયા છે, પણ રફીનું જે કોઇ પહેલું ગીત બાળપણમાં સાંભળ્યું હતું, તે આજ સુધી આપણી સાથે હૃદયપૂર્વક કહો કે કંઠપૂર્વક રહ્યું છે. બહુ સારૂં તો એ થયું કે, મને કે તમને જ નહિ, કોઇને મુહમ્મદ રફી સાહેબ જેવું ગાતા આવડયું નહિ, માટે એમના કંઠનું મૂલ્ય સમજીએ છીએ. સાયન્સ આગળ તો બહુ વધ્યું છે. કોઇની કિડની, કોઇની આંખો કે કોઇના વાળ લઇ શકાય છે, અવાજ નહિ... ને? મુહમ્મદ રફી જેવું ગાવા માટે તો ખુદ મુહમ્મદ રફી બનવું પડે... ઉપરવાળોય કંઠની ફોટો-કૉપીઓ કાઢી આપતો નથી.

કોઇ પણ હિંદુ ગાયક કરતા મુહમ્મદ રફીએ ઈશ્વરના ભજનો વધુ મોટી સંખ્યામાં ગાયા છે. ફિલ્મોમાં ગાતા કોઇપણ ગાયક કરતા મુહમ્મદ રફીએ ભારત માટેની દેશભક્તિના ગીતો બહુ મોટી સંખ્યામાં ગાયા છે. ચીન જ નહિ, પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે પણ મુહમ્મદ રફી નામના આ ઓલીયાએ ભારતના જવાનોને શૂરાતન ચઢાવે, એવા જલદ દેશભક્તિના ગીતો ગાયા છે. આ જઘન્ય ગૂનાહની સજા રૂપે પાકિસ્તાન સરકારે એમને જીવનભર પાકિસ્તાનમાં આવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 'મન તડપત હરિદર્શન કો આજ...' ભજને છપ્પનની છાતીવાળાઓનેય હર્ષના આંસુ સાથે રોવડાવ્યા છે. રફી જેવા મહામાનવ માટે એક 'ભારતરત્ન' જેવો ઍવૉર્ડ અપાવવા માટે પણ દેશભરના કરોડો ચાહકોએ તા. ૨૩મી મે, ૨૦૧૫ના રોજ નવી દિલ્હીના જંતર મંતર ખાતે સવારે ૧૦ વાગે ભેગા થઇને સરકારે વિનંતી ''કરવી પડે'', એ માન્ય નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ દિવસે ઘણી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે. આપણા માંગીએ અને એ આપે, એમાં ઈજ્જત રફી સાહેબની વધે છે ને એમની ઘટે છે. સામે ચાલીને સાહેબને 'મરણોત્તર' 'ભારતરત્ન' આપવો જોઇએ. તમે પણ ઈચ્છતા હો કે, મુહમ્મદ રફીને 'ભારતરત્ન' મળવો જોઇએ, તો જાતે પહોંચી જવું જોઇએ, દિલ્હી!

લતા મંગેશકર મારી જ નહિ, મારા જેવા કરોડો લતાપ્રેમીઓની મા સમાન છે. એને 'ભારતરત્ન'થી પણ જો કોઇ ઊંચો ઍવૉર્ડ હોત, તો અપાવો જ જોઇએ, એવું હું માનું છું, પણ મુહમ્મદ રફી પણ ઈક્વલ-એટલા જ હકદાર છે, 'ભારતરત્ન' માટે. સંગીતના જાણકારો એમ કહે છે કે, હિંદી ફિલ્મોમાં પરફેક્ટ પ્લે-બૅક ગાયકો ફક્ત બે જ... એક આશા ભોંસલે અને બીજા મુહમ્મદ રફી. કારણ સીધું છે. અન્ય કોઇ પણ બ્રાન્ડના ગીતો અન્ય જે કોઇ ગાયકે ગાયા હશે, એ જૉનરના તમામ ગીતો આ બન્ને ગાયકોએ ગાયા છે, પણ આ બન્નેએ જે જે કક્ષાના ગીતો ગાયા છે, તે અન્ય કોઇએ નથી ગાયા. દાખલા તરીકે, 'તારીફ કરૂં ક્યા ઉસકી, જીસને તુમ્હે બનાયા...' તમે હેમંત, મૂકેશ કે તલત પાસેથી સાંભળવાનું વિચારી પણ ન શકો. અવાજની અનેક પ્રકારની હરકતો જે આશાએ કરી છે, એવી એક પણ લતા પાસે સાંભળવા ન મળે. આશાએ ગાયેલું, 'આજ કી રાત, કોઇ આને કો હૈ રે બાબા...' લતા ગાય પણ નહિ, પણ લતાએ જે કોઇ જૉનરમાં ગાયું છે, એ બધા જૉનરો આશા માટે કંઠવગા છે. અર્થાત, સ્વયં આશા ભોંસલે પણ 'ભારતરત્ન'માટેની હક્કદાર છે.

એવું તો કોઇ બેવકૂફ જ માને કે, રફી કે લતા બેસ્ટ અને બીજા બધા... ઠીક મારા ભ'ઇ...! ફિલ્મી પ્લેબૅકમાં કિશોર, તલત કે હેમંત... કોઇ પણ મુહમ્મદ રફીથી ઉતરતા નથી, પણ જ્યાં 'ભારતરત્ન'ની વાત આવે છે, ત્યાં 'પ્રદાન' ની દ્રષ્ટિએ મુહમ્મદ રફી આ સમ્માન માટે સૌથી મોખરે છે.
ઇશ્વરે કરે... સૉરી, એકલો ઇશ્વર નહિ, ભારત સરકાર કરે કે, આ વખતે મરહૂમ મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન'થી નવાજીને આ મહામૂલા એવૉર્ડનું ગૌરવ વધે.

રફીના જે કોઇ ચાહક છે, એ સહુએ ૨૩ મે ના રોજ દિલ્હીમાં લાખોની સંખ્યામાં એકઠા થઇને આ એવોર્ડ મળે, એ માટેની શાંત રેલીમાં જોડાવું જોઇએ.

No comments: