Search This Blog

27/05/2015

હા, હું ગાળો બોલું છું...!

અમદાવાદના ટ્રાફિકમાં વાહન ચલાવવું અને ગાળે ય ન બોલવી, એ બ્લાન્કેટ પહેરીને કૅબરે જોવા જવા જેવી વાત છે. આમ તો, ગાળો ઉપર હજી મારૂં સરખું ગળું બેઠું નથી, પણ જાણકારો કહે છે કે, 'એ તો ધીમે ધીમે આવડી જાય... પ્રૅક્ટીસ કરતા રહેવું પડે.' કહે છે કે, મન હોય તો માળવે જવાય, એ મુજબ મેં ખાડીયાના એક વયોવૃધ્ધ 'ગાળ-નરેશ' ચુનીકાકાનો સંપર્ક કર્યો. ગાળોની દુનિયામાં એમણે બહુ મોટી સિધ્ધિઓ હાંસિલ કરી હતી. દાયકાઓનો અનુભવ. જાણકારો કહે છે, તેઓશ્રી જન્મ્યા ત્યારે રડવામાં ય માં-બેનની કોઈ ગાળ બોલ્યા હતા. એમની શાળાના માસ્તરે એમને અક્ષરજ્ઞાન આપવાનો પ્રયાસ પડતો મૂક્યો હતો. કક્કાવારી પ્રમાણે ક, ખ, ગ... એમ શરૂ થતા મોટા ભાગના મૂળાક્ષરો પરથી કયો શબ્દ અને, તે શીખવાડવામાં માસ્તરને વાંધો ના આવ્યો, પણ કેટલાક મૂળાક્ષરોમાં માસ્તર પોતે ડઘાઈ ગયા. 'ક' કલમનો 'ક' કે 'ખ' તો સમજ્યા, પણ બે-ચાર અક્ષરો ચુનીયો ઘેરથી શીખીને લાવ્યો હતો. ચુનીયાના માં-બાપે ઘેર બેઠા જે બારાખડી શીખવાડી હતી, તે સાંભળીને માસ્તર પોતે માં-બેનની બોલતા થઇ ગયા. એ કયા અક્ષરો હોય એ જાણવાનો સુરત અને ખાડીયા સિવાયના કોઈ જ્ઞાાનીએ પ્રયત્ન પણ ન કરવો ! આમાં તો આવડતી ગાળો ભૂલી જવાય !

નહિ માનો પણ, 'ળ' કે 'ણ'થી શરૂ થતી ગાળોના મૂળ શોધક આ ચુનીકાકો જ. બહેરાં-મૂંગાઓ દઇ શકે અને એ લોકો જ સમજી શકે, એવી ગાળો ચુનીયો પોતાના મોંઢે પટ્ટી બાંધીને પણ શીખવી શક્તો ! હું શિષ્યભાવે એમની પાસે ગયો, તો એક વાતે મને ખુશ કરી દીધો. પોતે હિંચકે ને મને ભોંય પર બેસાડીને કહ્યું, 'જગતમાં ફક્ત ગાળોમાં જ એવા શબ્દો છે, જેમાં હ્રસ્વ-દીર્ઘની માં.... એટલે કે, પૂજ્ય માતૃશ્રીના શુભલગ્ન કરાવી આપવાની જરૂર નથી પડતી. ગ્રામરની ભૂલો ય, હમણાં કહું ત્યાં જાય ! ..... ચુનીકાકાએ પોતાના એક નવલખા સંશોધનની પણ વાત કરી કે, કેવળ ગુજરાતી ગાળો એવી છે, જેમાંની એકે ય બોલતા, મ્હોંમાંથી થૂંક ઊડતું નથી. હું રહ્યો લેખક, એટલે સમજીને જ એમણે કહી દીધું કે, તમે લોકો ગાળો કરતા ય વધારે નઠારૂં લખો છો. અમારી પાસે એવા ય કૅસો આવ્યા છે કે, એસ.જી.હાઈવે પરની એક ક્લબમાં બે મેમ્બરો વચ્ચે ઝગડો થયો, એમાં એકે બીજાને 'જા જા હાળા, બુધવારીયા...' જેવી કાન અને બીજું ઘણું બધું ફાડી નાંખે એવી નઠારી ગાળ દીધી, જેની સામે પેલાએ આને (બહેનો અને માતાઓ ક્ષમા કરે... આ ગાળ ન વાંચવી)' 'ઍન્કાઉન્ટરીયો' કીધો. એમાં બંન્ને હાથોહાથની મારામારી પર આવી ગયા. પોલીસે બન્નેને સમજાવ્યા કે, 'તમે બન્ને સારા ઘરના હોવા છતાં, આવી માં-બેનથી ય નઠારી એકબીજાને ગાળો આપો, એ શું તમને શોભાસ્પદ છે ? તમારા ઘરમાં ભ'ઇ-બાપ નથી ?'

મને કોકે કીધું હતું કે, શાસ્ત્રીય સંગીતમાં પહેલો રાગ ભૂપાલી શીખતા જ દસ વર્ષ નીકળી જાય છે... ભૈરવી સુધી પહોંચતા તો જન્મારો નીકળી જાય.

ચૂનીની એક નાનકડી સલાહમાં તો હું ખુશ થઇ ગયો. એણે મને કીધું, 'જો ફાડયા... સંગીતશાસ્ત્રમાં સર્વપ્રથમ રાગ ભૂપાલી શીખાય, એમ ગાળશાસ્ત્રમાં આંખોને હરી લે અને મનને ભરી લે એવી પ્રથમ ગાળ 'સાલો' છે. એમ 'ક'ને કાંઈ નહિ 'ક'વાળી બબાલોવાળી ગાળો શીખવામાં ટાઈમો બગાડીશ, તો પચ્ચા વરસ સુધી 'સાલો' બોલતા ય નહિ આવડે.'

'પણ ગુરૂજી, મારો પ્રોબ્લેમ ગાળો બોલવાનો નથી... મોંઢે આવેલી ગાળ મહીં ગળામાં પાછી નાંખવાનો છે... !' હવે માસ્તર મૂંઝાયા. 'એ ટોપા, કંઇ હમજાય એવું ફાડ... !' ગાળ ગળામાં પાછી નાંખવાની છે, એટલે ?' મેં તો કેમ જાણે એમના ધંધા ઉપર લાત મારી હોય, એવા ગીન્નાયા.

હવે હું હિંચકા પર ને એમને ભોંય પર બેસાડીને મેં કહ્યું, 'કાકા, હું એક સંસ્કારી ઘરનો માણસ છું... ! આ સાંભળીને ચુનીયો, મેં કોઈ નૉન-વેજ જોક કીધો હોય, એવું હસ્યો. 'ઈન ફેક્ટ, હું ગાળો બોલતો નથી. પણ અમદાવાદ શહેરમાં ગાડી ચલાવતા ભલભલો ગંદી ગાળો બોલતો થઇ જાય, એના ઉપર હું કંટ્રોલ રાખવા માગું છું.''

'એ ટણપા... હરખું હમજાય એવું બોલ. આમાં તારો બાપો કંઇ હમજતો નથી.' (વાચકોને સુચના ઃ પ્રસ્તુત અધ્યાયમાં ચુનીકાકા દ્વારા વપરાયેલા 'ટણપા', 'ફાડયા', 'ટોપા' કે એવા અન્ય શબ્દો વાચકોને ડઘાઈ મારવા કે નાના છોકરાં બીવડાવવા નથી વપરાયા. એ તમામ શબ્દોને બદલે વાચકોએ અગાઉ ક્યાંક સાંભળ્યા હોય, એવા અઘરા-અઘરા શબ્દો મૂકી દેવા, જેથી આપણા સહુનું ગૌરવ જળવાય... જય અંબે !)

અલબત્ત, મેં રજૂ કરેલી મારી વિતકકથા નીચે મુજબ છે :

દુઃખ નં. ૧ : હજી જેનો રજીસ્ટ્રેશન નંબર પણ નથી આવ્યો, તેવી નવી નક્કોર ગાડી ઉપર ભૂલ્યા વગર રોજ કોઈ પાનની પિચકારી મારી જાય તો શું કરવાનું ? ગાડી ધોવડાવવાનો રોજનો ચાર્જ રૂ. ૧૦૦/- છે. માણસ અત્યંત સંસ્કારી હોય તો આવું જોઇને એકાદ વખત શ્રી ગાયત્રીનો કે શ્રી નવકાર મંત્ર બોલે. પણ આવું રોજ થતું હોય તો એ કયો મંત્ર બોલે ? વિકૃત માણસ હાથમાં તો આવવાનો નથી. આવી પણ જાય તો રસ્તા ઉપર મારામારી કરવાની આપણામાં આવડત ન હોય. રોજ આ જોઈને આપણે ગાળ સિવાય બીજું શું બોલીએ ? ગાળ પણ મનમાં બોલવી પડે... નહિ તો કોઈ આપણને મારી જાય ! આપણે ફર્યા ઘણું હોઈએ પણ આપણને શોભે એવી ગાળો કંઇ ના આવડે. સુઉં કિયો છો ? શાસ્ત્રોમાં કહ્યું છે કે, ગાળ બોલવી તો એવી બોલવી કે, પેલાના અત્યાર સુધી ગુજરી ગયેલા દરેક પેઢીના તમામ ડોહા-ડોહીઓ ઉપર બેઠા બેઠા મહિના સુધી ખાટાં ઘચરકાઓ ખાધે રાખે !

દુઃખ નં. ૨ : શિયાળામાં ગુજરાતભરમાં ઇંગ્લેન્ડ-અમેરિકાથી સગાઓનો રાફડો ફાટે છે. એ બધા અહીં આવીને આપણી ટ્રાફિક-વ્યવસ્થા જોઇને પહેલું કામ ઇંગ્લિશમાં ગાળો બોલવાનું કરે છે.વળવા માટે સાઇડ-સિગ્નલ કે હાથ બતાવવાનો રિવાજ તો મારા શહેરના લોકો ઘરમાં ય નથી બતાવતા. હું નવી નવી સાયકલ શીખ્યો, ત્યારે બાથરૂમમાં તો સાયકલ લઇને ન જવાય પણ ચાલતા જવાનું હોવા છતાં, ઘરના બાથરૂમની ગલીમાં વળવા માટે હાથ વડે સાઇડ આપતો. ફાધર ખીજાયેલા, 'સામે દેખાતું નથી, ટૉઈલેટ ઉપર લાલ-બત્તી છે...? લીલી થાય પછી જજે...!'

દુઃખ નં. ૩: પેલા NRIઓ કહે છે, 'ટ્રાફિક જામ કે વગર જામે પણ પાછળથી તમે હૉર્ન મારો, તો આગળવાળો ગાડીમાંથી ઉતરીને તમને મારવા આવે, કાળીયા હોય તો ખાસ !' એમને ખબર નથી, ઇન્ડિયામાં હૉર્ન-ફૉર્ન કોઈ ન સાંભળે... બારીમાંથી બન્ને હાથ બહાર કાઢીને થાળી-વેલણ વગાડો ત્યારે તોપેલો પાછળ જુએ... હટવાની કોઈ ગૅરન્ટી નહિ, ભાઈ ! જીવનના આવા કપરા સમયે હૃદયની પીડા, મગજનો ગુસ્સો અને બીક લાગવાની લાચારી તમારી પાસે (કાચ બંધ કરીને) પેલાની સામે માં-બેનની ગાળો બોલાવડાવે, તો શું તમે કોઈ જધન્ય ગુન્હો કર્યો કહેવાય?

દુઃખ નં.૪ : પહેલા એવું મનાતું કે નઠારી ગાળો ફક્ત સૂરતની સ્ત્રીઓ જ બોલે છે. એવું નથી. અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં ય સારા ઘરની સ્ત્રીઓ હવે છૂટથી ગાળો બોલતી થઇ છે. યસ... જેને 'પેઇજ-થ્રી' કલ્ચરની કેહવાય, એવી સ્ત્રીઓ આ મામલે બિલકુલ સ્વાવલંબન અપનાવી ચૂકી છે. (આ સમગ્ર લેખમાં જે કોઈ ઉલ્લેખો સ્ત્રી-પુરૂષોના થયા છે, તે સમાજના ચોક્કસ ઉપલા વર્ગના શિક્ષિત અને સંસ્કારી ઘરોના છે, મવાલી બ્રાન્ડના નહિ !) ગાળો એકલા પુરૂષો બોલે છે, એવું નથી. કોક ગુજરાતી લેખકે કહ્યું હતું (નામ યાદ નથી આવતું, એમનું કામ યાદ આવે છે !) કે, 'ગાળ એ પુરૂષોનું સ્ભ છે.' (આવો સસ્પૅન્સ રાખીને લખવાનું કારણ એટલું કે, આ વાંચ્યા પછી અનેક લેખક-મિત્રો કહેતા થશે. 'હા...એ અવતરણ મારૂં હતું...!')

ઓકે... લોકો ગાળ શા માટે બોલે છે ? અને બોલે, તો એ ખરાબ ગણવું ? ગાળ બોલાઈ જાય તો કોઈ મોટો ગુન્હો કર્યો હોય, એવું ગીલ્ટી ફીલ કેમ કરવામાં આવે છે ? ગાળ બોલવા માત્રથી એ નક્કી થઇ જાય ખરૂં કે, બોલનારો હલકો છે, સંસ્કારી નથી ? જે કદી ગાળ જ બોલતો/તી ન હોય, એ ચરીત્રનો શુધ્ધ જ હોય અને બોલનારો હલકા ચરીત્રનો હોય, એવી ખાત્રી પાક્કી... ???

હું સમજ્યો છું ત્યાં સુધી, ગાળો વેશ્યાનું કામ કરે છે. વેશ્યા નામ પડતા જ હરકોઈ ભડકે છે, પણ કોઇને એ વિચાર આવે ખરો કે, એમના ધંધાને કારણે વધુ પડતા સ્ત્રી-આસક્તો અન્ય સ્ત્રીઓને છંછેડવા કે વિકૃત બનવાને બદલે વેશ્યાગમન કરી આવે છે, એમાં કેટલી સ્ત્રીઓ બચી જાય છે ? એક વેશ્યા એક બળાત્કાર અટકાવે છે. એવી જ રીતે, એક ગાળ એક મારામારી અટકાવે છે. (ક્યાંક શરૂ ય કરતી હશે !) ધૂમધામ ચઢેલો ગુસ્સો મ્હોંમાંથી નીકળેલી ગાળને કારણે બેશક શમી જાય છે. ગુસ્સો ન પણ શમે, તો બોલી દીધા પછી મન હળવું તો થઇ શકે છે. હું મારા ફ્લૅટ નીચે ઊભો હતો, ત્યાં પાછળથી અચાનક કોઇનો પુરજોશ ધક્કો વાગ્યો. મારાથી બોલી જવાયું, 'સાવ ગધેડો જ છે... !'

જોયું તો સાચેસાચો ગધેડો હતો. લો કલ્લો બાત... એક ગાળમાં કામ પતી ગયું. વાત સીધી છે. ગુસ્સાથી લાલચોળ બનીને હું એના કાનની નીચે એક થપ્પડ મારૂં, એ કાંઈ સારૂં લાગે ? સદરહૂ ગધેડો 'કિસ ખાનદાન સે હૈ, ઉસકે લછ્છન કૈસે હૈં, કિસ ગાંવ કા રહેનેવાલા હૈં, ઉસકી જાતપાત ક્યા હૈ ?' એની તપાસ-બપાસ કર્યા વિના શું હું એને માં-બેનની ગાળ દઇ શકવાનો હતો ? એ ગધેડો છે કે ગધેડી, એ આપણને નક્કી કરતા કેવી રીતે ફાવે ?

આવા દુઃખદ સંજોગોમાં મારી મદદે કોણ આવ્યું ?... ગાળ. અને ગધેડાને ગધેડો કહેવામાં તો મારા ખ્યાલથી ગાળ પણ બની ન કહેવાય ? સૂઉં કિયો છો ?

કાંઈ નહિ... હવે પંખો ચાલુ કરો.

સિક્સર
'વૉટ્સ ઍપ' વાપરનારાઓને 'વૉટ્સ અપ?' નું ગુજરાતી પૂછી જુઓ.

No comments: