Search This Blog

13/05/2015

સરપ્રાઇઝ પાર્ટી

સરપ્રાઇઝ પાર્ટીના નામ માત્રથી મારૂં હસવાનું નહિ, ખડખડાટ હસવાનું ચાલુ થઇ જાય છે. આજકાલ બહુ ચાલી છે આ, ''સરપ્રાઇઝ પાર્ટીઓ!'' આખી જીંદગી ડોહા-ડોહીને ઉલ્લુ બનાવ્યા પછી કાંઇ બાકી રહી જતું હોય એમ છોકરા, વહુ, દીકરી અને જમાઇઓ ડોહા-ડોહીના લગ્નની ૨૫ કે ૫૦-મી વર્ષગાંઠે પાર્ટી આપવાનું નક્કી કર્યું હોય અને એ ય ''સરપ્રાઇઝ પાર્ટી!'' લોહીઓ આપણા પીએ કે, 'અન્કલ, પપ્પા-મમ્મીને તો ખબર જ નથી...એ બન્નેને તો રીકુ અને જતિન એવું કહીને લઇ જવાના છે કે, 'બોપલમાં સીતુમાસી પડી ગયા છે ને તમને બહુ યાદ કરે છે, એટલે ત્યાં જઇ આવીએ.'' બસ, અન્કલ, તમે ને આન્ટી ખાસ આવજો. કોઇને કહેતા નહિ...ફક્ત ઘરઘરનાઓને જ કીધું છે. અમે લોકોએ ડૅડી-મમ્મી માટે સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી છે.''

તારી ભલી થાય ચમના...સરપ્રાઇઝ પાર્ટી તો ત્યારે આપી કહેવાય, જ્યારે બોપલથી બારોબાર આવીને મમ્મી સીધો અને મધુરો ધડાકો કરે, ''રીકુ...જતુ...પિન્ટુ...જલ્દી આવો...એક ખુશખબર આપું...? 'મૈં માં બનનેવાલી હું...ઔર યે તુમ્હારે પાપા...ફિર સે પાપા બનનેવાલે હૈં...!'' સદરહૂ વિષય અન્વયે સિધ્ધપુર, ટોક્યો, કોંગોના જંગલો તેમ જ જામનગર બાજુ, બહુ મોટી ઉંમરે પિતા બનેલા સાહસિકોનું માનવું છે કે, ડોહા-ડોહી ૫૦-૫૫ની આસપાસના હોય તો વૈજ્ઞાાનિક રીતે ખાસ કોઇ વાંધો આવતો નથી...જે કોઇ વાધો આવવાનો હોય, તે ઘરવાળાઓને આવે છે... સુઇં કિયો છો ? બા ઘેર આવીને છોકરાઓ પાસે ભારે ઉમંગથી આવી મસ્તમનોહર જાહેરાત કરે, 'એને' સરપ્રાઇઝ-પાર્ટી કહેવાય.'

આ તો કેમ જાણે ક્યો મોટો સસ્પૅન્સ રખાવવાનો હોય, એમ આપણને પહેલેથી હોટલના અંધારા રૂમમાં બેસાડી રાખીને 'ભોળા' ડોહા-ડોહી દાખલ થાય, કે તરત જ 'હોઓઓઓ....'ની બૂમો સાથે ફૂગ્ગા ફોડવાના, સિસોટીઓ મારવાની, ભેટાભેટી કરવાની ને લેવા-દેવા વગરનું હસે રાખવાનું. ડોહા-ડોહી પાછો વળતો હૂમલો કરે, ''અમને તો ખબર જ નહિ ! આ રીકુ અને જતુ અમને બોપલ લઇ ગયા...ત્યાં....'' ઓહ માય ગૉડ....આમાં સરપ્રાઇઝ ક્યાં આવ્યું ?

''મોમ-પાપાએ એમના મૅરેજના ૫૦-વર્ષ પૂરા કર્યા એના માનમાં અમે સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.'' બૅબી, પહેલા ડોહાને તો પૂછ કે, એને માટે આ સરપ્રાઇઝ છે કે ''શૉક'' છે. એનું મન જાણે છે, એક જમાનામાં કેવી સારી સારી પાર્ટીઓ છોડીને તારી બામાં એ માસુમ ભરાઇ ગયેલો ને કેવા ઝટકે ઝટકે આની સાથે ૫૦-પૂરા કર્યા છે! અરે, એમના લગ્ન વખતે અમે ય હાજર હતા ને બરોબર યાદ છે કે, હસ્તમેળાપ વખતે ચોરીમાં બેસતા જ, ભઠ્ઠીમાં તપેલા ગરમ તાવડા ઉપર બેસી ગયો હોય, એમ તારી 'મૉમ'ને જોઇને ઊભો થઇ ગયો હતો ! હિંદુ રીતરિવાજોમાં વરરાજાને એટલા માટે જ કોટ, સાફો, નવા ડંખે એવા શૂઝ અને હારતોરા પહેરાવી રાખવામાં આવે છે કે, છેલ્લી ઘડીએ એનું છટકે તો દોડીને ભાગી જઇ ન શકે. આમ તો ડોહાને પરણીને તારી બા ય ખાસ કાંઇ કમાઇ નહોતી, છતાં પાપાને ખાનગીમાં ટૅરેસ ઉપર લઇ જઇને પૂછ તો ખરી, એમને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે કે ''શૉકિગ-પાર્ટી ?'' આખું ગામ તારા ડોહાને આજ સુધી 'મર્દ' કહે છે, એ તમને ૪-૫ છોકરાઓને જનમ અપાવ્યો, એ માટે નહિ...આ ડોસી સાથે ૫૦-ખેંચી કેવી રીતે કાઢ્યા, એના આઘાતમાં કહે છે...બઉ ડાયલીની નો થા...!

આમે ય, તમે આજ સુધી જે કોઇ સરપ્રાઇઝ પાર્ટી કે મૅરેજ ઍનિવર્સરીઓમાં ગયા હો, ત્યાં ખ્યાલ તો આવ્યો હશે કે, ૨૫ કે ૫૦-પૂરા કરનારી કાકી છૂટા વાળ, પંજાબી સલવાર-કમીઝ, ફ્રૅન્ચ પરફ્યૂમ, નૅકલૅસ પંપાળવાનો, હાઇહિલ્સ સૅન્ડલ્સ, ચીઝના લોંદા ચોંડયા હોય એટલા જથ્થામાં લગાડેલી લિપસ્ટીક અને આખા નારણપુરાની મહિલાઓને પૂરો પડે, એટલો મૅક-અપ આવડી આ એકલી કરીને આવી છે. એકએક-બબ્બે શબ્દો ઇંગ્લિશમાં તો બોલવાના જ ! 'જે શી ક્રસ્ણ'ને બદલે ''ઓ હાય'' કહીને, જે મળે એને 'હગ' (ઇંગ્લિશ-સ્ટાઇલનું આલિંગન) કરવાનું...તારા ડોહા સિવાય ! એની દસમાંથી આઠ વાતોમાં, ''અમે ફલાઇટમાં યુરોપ ગયા'તા, ત્યાં ઠંડીઓ બહુ પડે !'' અરે ચંપા, તું યુરોપ ફલાઇટમાં ગઇ'તી તે બીજા બધા લૉડિંગ-રીક્ષાની પાછળ લટકી લટકીને જાય છે ? યુરોપમાં ઠંડીઓ બહુ પડે છે તો તારા ધ્રાંગધ્રામાં બીજા માળેથી ઍંઠવાડો પડે છે ? પાર્ટી ચાલુ થઇ નથી ને કાકી ખૂણેખૂણો ફરી વળી નથી ! હજી ડિનર ટૅબલ ઉપર ફૂડ જ મૂકાયું ન હોય ને પૂછવા માંડશે, ''ઍક્યૂજ મી...કંઇ જોઇતું-કરતું હોય તો કહેજો હોં....આ ય તમારૂં ઘર જ છે.'' દિલની ધડકનો આપણી વધી જાય કે, આ લોકોને જમવાનું રોજ આટલું બધું વધતું હશે ?

બીજી બાજુ, જેને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે એ ડોહો કિચનના પ્લૅટફૉર્મ ઉપર તેલ ઢોળાયું હોય, એવો ઢોળાઇને ખૂણાના સોફામાં બેઠો હોય. છોકરાઓએ આવી ગરમીમાં એને બ્રાન્ડેડ બ્લૅઝર (કોટ) સવારનું પહેરાવી રાખ્યું હોય, એમાંથી બહાર કેવી રીતે નીકળવું, એના ફાંફા મારતો દેખાશે. કોટ કાકાનો ન હોય, એના મોટા પેટવાળા છોકરાનો પહેરાવી દીધો હોય એટલે આવા પતલા બૉડીમાં કોટ પહેરેલો નહિ, ઢાંક્યો હોય એવું લાગે. એને કોઇ બોલાવતું ય ન હોય ને ન બોલાવે એમાં જ બધા બચી જતા હોય. જરાક અમથી તક મળે તો કાકો, ''...સન '૪૩-ની વાત છે. ત્યારે હું મુંબઇમાં ફાયરબ્રિગેડમાં કામ કરતો...'' ત્યાંથી શરૂઆત કરે ને '૪૭-માં વાપી આવ્યો, ત્યાં સુધીમાં તો આપણે આવી ત્રણ પાર્ટીઓમાં જઇ આવીએ. ઇ.સ. ૨૦૧૫ની સાલ સુધી કાકો અમદાવાદ પાછો તો હજી ય આવ્યો નથી. વચલા વર્ષોમાં અનેક શહીદ થઇ ગયા.

બુધ્ધિશાળી યુવાન પુરૂષો કદાપિ ડોહાઓ પાસે લાંબુ બેસતા નથી....

આવી સરપ્રાઇઝ પાર્ટીઓમાં પ્રત્યેક ડોહો હેબતાઇ ગયેલો દેખાય છે. આનંદ-ઉલ્લાસ તો માય ફૂટ...સાઉથ આફ્રિકાના જંગલોમાં જંગલી હબસીઓએ ઝાડમાં આને મુશ્કેટાટ બાંધ્યો હોય, નીચે હળગતા બાર્બેક્યૂમાં એને પધરાવવાનો હોય ને હાથ-પગના ઉલાળા મારતા હબસીઓ કિકિયારીઓ કરતા ગીતો ગાતા હોય, એ જોઇને એની જે હાલત થાય, એવી હાલત સરપ્રાઇઝ પાર્ટીમાં ડોહાની થાય છે. કેમ જાણે એ કોઇ મોટી કરામત કરી લાવ્યો હોય એમ બધા મીણબત્તીના ભડકા પાસે ડામરના રંગની કૅક ઉપર ૫૦-નો આંકડો લખાવીને બન્ને હાથે તાળીઓ પાડીને ઇંગ્લિશમાં 'હૅપી મૅરેજ-ઍનિ. ટુ યૂઉઉઉ...' ગાવા માંડે છે, એમાં ડોહાની હેડકીઓ ય ગીતમાં ગણાઇ જાય ! તમે સમજ્યા હો, 'કાકા તાલ આપે છે...!' 

સરપ્રાઇઝ પાર્ટીઓમાં પાછું આપણાથી કાંઇ સરપ્રાઇઝ ન અપાય. એમની સરપ્રાઇઝ પાર્ટીની સામે આપણાથી સરપ્રાઇઝ ગીફટ તરીકે સુંદર મજાના ચળકતા જાંબલી રૅપરવાળા બૉક્સની મહીં જીવતો દેડકો લઇને ના જવાય. બા ખીજાય. સરપ્રાઇઝ આપવા આપણાથી ડોહાએ મોકલેલા છેલ્લા 'વૉટ્સઍપો' પાર્ટીમાં વહેંચી ન દેવાય. સરપ્રાઇઝ આપવા ડોસીના કાનમાં મોટેથી ''કૂકડે કૂક'' ના બોલાય...બીજા કાનમાંથી કૂકડો નહિ, સીધો કાન જ નીચે આવે ! વચમાં આપણો દાંત ભરાઈ ન જાય, એનું ધ્યાન રાખવાનું.

કારણ કાયદેસર છે. આખી જીંદગીમાં ડોહા જે કાંઇ બોલ્યા હોય, એ બધું કાકીએ આમ જ કાનમાંથી બહાર કાઢી નાંખ્યું હોય. આપણે તો રોજ જોતા હોઇએ ને ? બહાર નીકળે ત્યારે સાયકલની પાછળ દોરીથી બાંધેલું કાગળીયું લટકતું લટકતું આવતું હોય, એમ કાકો પાછળ આવતો હોય. એમણે તો ફક્ત બિલ ચૂકવતી વખતે, ''કેટલા ?'' બસ, એટલું જ બોલવાનું. પણ, એ વડિલો બેશક નસીબવાન છે, જેમના પુત્ર-પુત્રી ને દીકરી-જમાઇઓ આવી સરપ્રાઇઝ પાર્ટી રાખીને એ બન્નેને એક દિવસ તો ભરપુર આનંદનો આપે છે. બાકી આ ઉંમરે 'સર' કે 'પ્રાઇઝ'...કાંઇ બચ્યા હોતા નથી, ને ૭૦-ટકા 'સુ'પુત્રો પાસે ઘરમાં બે ઘડી પપ્પા-મમ્મી સાથે વાત કરવાનો ય ટાઇમ કાઢતા નથી, એ રોજની 'શૉકિંગ-પાર્ટી' કરતા વર્ષની આવી એક 'સરપ્રાઇઝ-પાર્ટી' બેશક ઉત્તમ છે.

સિક્સર
નેપાળમાં રાહુલ ગાંધીએ પોતાના મોબાઇલમાં જોઇ જોઇને વિઝિટર્સ-બૂકમાં શ્રધ્ધાંજલિ લખી, એની વિડીયો-ક્લિપ 'વૉટ્સઍપ'માં ઘેરઘેર ફરી રહી છે...

હવે તમારે આલીયા ભટ્ટ અને રાહુલ વચ્ચે કોઇ સગપણ છે કે નહિ, તે ચૅક કરવું પડશે !

No comments: