Search This Blog

06/05/2015

વૉટ્સઍપીયાઓ...

આથી હું અશોક ચંદુભાઇ દવે જાહેરમાં ભારતવાસીઓને વિનંતિ કરૂં છું કે, મને કોઇપણ પ્રકારના 'વૉટ્સઍપ' મોકલવા નહિ. મોકલશો તો હું કદી વાંચતો નથી. 

હું ય જાણું છું કે, મફતમાં મોકલાય છે, એટલે તમે મને મૅસેજો મોકલો છો. મૅસેજ મોકલવાના પૈસા લાગતા હોત અથવા મૅસેજને બદલે છેવટે ઇડલી-ઢોંસા, પૅન્ટનું કાપડ, આઇસ્ક્રીમોના ફૅમિલી-પૅકેટો કે બિયરની એકએક બૉટલ મોકલવાની હોત, તો કોઇ મોકલે એવા નથી. આ તો એમના ઉપર કોઇએ એંઠવાડો ફેંક્યો, એ આપણા ઉપર ફેંકે. એમનું પોતાનું તો કશું હોય નહિ, પણ જે કાંઇ કચરો પોતાની પાસે પડયો હોય, તે બીજાના ઘરમાં સીધી રીતે ન ઠલવાય, એટલે 'વૉટ્સઍપ' સસ્તુ નહિ... મફતમાં પડે ! 

આ લેખ છપાયા પછી મને ય ખબર પડશે કે, મને રોજ 'વૉટ્સએપ' મોકલનારા 'બુધવારની બપોરે' વાંચે છે કે એમનું વાંચન 'વૉટ્સઍપો' પૂરતું જ મર્યાદિત છે ? 

હમણાં એક જૈન મુનિએ સભામાં ઉઘાડેછોગ કીધું હતું, ''આ મોબાઇલ જ બધા વિનાશનું મૂળ છે.'' એમનો ઇશારો કદાચ મોબાઇલના તમામ પાસાઓ ઉપર નહતો.... આવી બેવકૂફીઓ ઉપર હતો. એમણે પડકારરૂપી ભાષામાં એવું પણ કીધું કે, તમારા બધાના મોબાઇલો મને આપી દો... ''આપશો''? ના... કોઇ નહિ આપે. કારણ કે, મોબાઇલ વિનાનું જીવન શક્ય નથી લાગતું. હું મુનિશ્રી સાથે સહમત છું. 'વૉટ્સઍપ'માં ગંદા જૉક્સ અને સેક્સી-વીડિયોની મોકલા- મોકલી દેશને બગાડી રહ્યા છે. એવા ઇશારા સાથે એમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

કબ્બુલ કે, માણસ સંસ્કારી હોય તો જ્ઞાન અને વિડીયો- ન્યૂઝ પણ મોકલે. જેમ કે, કોઇકના મોબાઇલ પર મને એક અર્થપૂર્ણ મૅસેજ વાંચવા મળ્યો કે, જેની પાસે ઍ.સી. ગાડી છે, એમણે ગાડીમાં બેસતા જ એ.સી. ચાલુ કરી દેવું નહિ જોઇએ. બે મિનિટ જવા દીધા પછી ચાલુ કરી શકાય. કારણ કે, બંધ કારની સીટો, ડૅશબોર્ડ કે એ.સી.ની જાળીમાંપણ બૅન્ઝીન નામનો ટૉક્સિક કૅન્સર સર્જક કચરો હોય છે. ઍરપોર્ટ પર આપણા સામાનની રાહ જોઇને કન્વેયર- બૅલ્ટ પાસે ઊભેલા મુસાફરોને ખબર નથી કે, કેવી બેરહેમી અને પથ્થરબાજીની માફક આપણો સામાન એ લોકો લગૅજ-ટ્રોલીમાંથી ખેંચી કાઢીને બૅલ્ટ ઉપર ફેંકતા હોય છે. આવી બધી માહિતીજન્ય વિડીયો-ક્લિપ્સ પણ 'વૉટ્સઍપ' માંથી જોવા- જાણવા મળે છે. ક્યારેક તો અપ્રતિમ દેશભક્તિને લગતા ઝનૂનો પણ પ્રગટ થાય છે, જે વાંચવા ખૂબ ગમે છે તો ક્યારેક, બેનમૂન શાયરીઓ કે પેટ પકડીને હસાવે એવા જોક્સ પણ મોકલાય છે, પણ એમાં બધા મોકલનારાઓમાં પસંદગીની આવડત હોતી નથી. જે ઢગલો આવ્યો, એ પૂરેપૂરો બીજા ઉપર ઠોકી દેવાનો. પ્રોબ્લેમ એ થાય છે કે, એક મૅસેજ ખોલવા માટે કેટલી રાહો જોવી પડે છે ? બહુ ઉત્સાહથી ખોલેલા મૅસેજમાં લખ્યું હોય, ''જયશ્રી કૃષ્ણ''.... તારી ભલી થાય ચમના. ભર બપોરે તું શેનો મને ધાર્મિક મૅસેજો મોકલે છે ? ને તો ય, લાલચો વધતી જાય છે ને એક પછી એક ૧૦-૧૫ મૅસેજો ખોલતા અને વાંચતા તૂટી જવાય છે ને હાથમાં (એટલે કે) મગજમાં ઘંટડી ય આવતી નથી. ક્રિએટીવ માણસો પાસે બીજા કામો ય હોય છે, એટલે આવી ફાલતુગીરીમાં એ લોકો પડતા નથી. મારા પુત્રએ કહ્યું હતું કે, સ્વમાની લોકો માથું ઊંચુ રાખીને જીવે છે... 'વૉટ્સઍપ'વાળા બધાઓના માથા ઝૂકેલા હોય છે. નવરો પડયો નથી ને સલૂનમાં વાળ કપાવવા બેઠો હોય એમ મૂન્ડી નીચી કરીને મંડી જ પડતો હોય છે, 'વૉટ્સઍપ' જોવા કે મોકલવા ! અત્યારે જે કોઇને જૂઓ, મૂન્ડી નીચી કરીને મંડયો હોય છે. આપણને નવાઇ લાગે કે, એની બા ય ખીજાતી નહિ હોય ?

નહિ તો સૅન્સિબલ મૅસેજ કે સમાચારો માટે 'વૉટ્સઍપ'થી વધુ સારી શોધ હાલ પૂરતી તો આખી દુનિયામાં બીજી કોઇ થઇ નથી. ગ્રૂપ-મૅસેજ તો કેવી અદ્ભૂત ચીજ છે ? માત્ર પૈસા જ નહિ, અઢળક સમય પણ કેટલો બચાવી શકે ? એના બદલે, ઢંગધડા વગરના ફોટા, વિડીયો કે જૉક્સ મોકલીને પોતાનો કેટલો કિંમતી સમય બગાડે છે ? આપણો નહિ, કારણ કે, મારા જેવા તો 'વૉટ્સઍપ' ખોલતા જ નથી... સિવાય કે, કોઇ પર્સનલ મૅસેજ હોય. આવા ''ફક્ત અંગત મૅસેજ''ની મેં હા પાડી, એમાં તો એક નવોદિત કવિએ પોતાની રચનાઓ ઢેખાળાની માફક મારા ઉપર ફેંકવા માંડી ને પાછો મારો ઓપિનિયન માંગે...! તારી ભલી થાય ચમના...મને, 'મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે....' એ સ્કૂલવાળી કવિતા ય હજી આજે આખી આવડતી નથી ને તુ મંડયો છું, ''કૂંપળની આકાશી નિરભ્રતામાં તિતિક્ષારૂપ ધારણ કર્યું છે વૃક્ષે...'' ને આવી તો સાલી રોજની ૧૫-૨૦ ગાળો... આઇ મીન, કવિતાઓ મને મોકલે. કાગળ પર લખીને મોકલી હોત તો કાગળના ડૂચા હું ચાવી જાત, પણ ૨૦-૨૫ હજારના મોબાઇલ ચાવવા કેવી રીતે ?

યસ. 'વૉટ્સઍપ'ની એક ખૂબી હું પકડી જ ન શક્યો કે, એમાં આપણે તો મગજ દોડાવવાનું હોતું જ નથી. બીજાએ દોડાવેલા મગજો ઉપર આપણી રોજીરોટી ચાલે છે. વાંચનારો ય પાછો મોકલનારને આવો મસ્ત મેસેજ મોકલવા બદલ થૅન્કસ કહે અથવા તો 'વાહવાહ' કરીને મોકલનારના વખાણો કરે. અફ કૉર્સ, એ ય, ફક્ત 'વૉટ્સઍપ'માં જ...! જોઇ લીધા પછી ચાની લારીએ કે ક્લબના કાર્ડ-રૂમમાં કોઇ પેલા મોકલનારના વખાણ કરતું નથી કે, ''વૉટ્સઍપ'' તો બૉસ...ત્રિવેદીના જ ! એવી મસ્ત-મસ્ત લાવે છે ને ?'' કારણ કે, એ ય જાણતો હોય છે કે, આ બધો ઉઠાવેલો માલ છે... બાકી ત્રિવેદીને શું ઘંટડી ખબર પડે છે ઉર્દું શેરો- શાયરીની ? યસ. ત્રિવેદીવાળો એ જ માલ એ પાછો ઠક્કરને મોકલે. ત્યાં ઠક્કર રાજી થાય ત્રિવેદી ઉપર...! બાય ગૉડ, વૉટ્સઍપીયાઓ તો પોતે નવી ગાળે ય બનાવી શકતા નથી, એમાં ય સદીઓથી જે ૨૭-૨૮ ગાળો ચાલી આવે છે એ જ ચાલુ રાખવાની. મોબાઇલ ફોન નવો નવો શોધાયો ત્યારે નવાઇઓ નહિ, સીધા આંચકાઓ લાગતા હતા કે, ક્યાંય વાયર-બાયર નથી ને જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જઇ શકાય, એ માટે તો સાયન્સને સલામ કરવી પડે. બસ. પછી એમાં કૅમેરા અને 'વૉટ્સઍપ' આવ્યા, ત્યારથી બધા મંડયા છે. અમારા જમાનામાં એક ફોટો પડાવવો હોય તો ગાંધી રોડની કોઠારી પોળને નાકે પરીખ સ્ટુડિયોમાં જઇને એક રૂપિયામાં એક કોપી પડાવતા, જેની ડિલિવરી ચાર દિવસે મળે... અને એ ય બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ. હવે તો મોબાઇલ લેનારો/રી પહેલા કૅમેરા કેટલા મૅગા-પિક્સેલનો છે, એ જુએ છે. ત્યાંનો ત્યાંથી જ કોકને 'વૉટ્સઍપ' ઉપર નવા મોબાઇલનો ફોટો મોકલી જુએ. સામેથી જવાબ હા-માં આવે, એટલે લઇને મોબાઇલ-શોપની ભીંતોથી માંડીને બહાર નીકળીને ટ્રાફિકના ફોટા પાડવા માંડે. કપાળ ઉપર વળી બે- ચાર લટો લબડાવીને સૅલ્ફીના ૪-૫ ફોટા ખેંચી કાઢે ને જીવો બાળો, ''મોબાઇલ સારો છે, પણ ફોટા સારા નથી આવતા...'' અરે વાંદરા, દુનિયાભરના કૅમેરાઓમાં જેવું મોઢું હોય, એવા જ ફોટા આવે. તું જનમથી જ ટાંપાટૈડો હોય તો સૅલ્ફો પાડે કે બીજા પાસે પડાવે... ફેરફાર તો ઉપરવાળો ય કાંઇ કરી શકવાનો નથી. મોબાઇલ હાથમાં આવ્યા પછી ગૉડ નૉવ્ઝ વ્હાય... પણ લોકો જ્યાં ને ત્યાં ફોટા ખેંચવા મંડી જ પડે છે અને મંડી પડયા પછી બીજું મંડી પડવાનું હોય છે...'વૉટ્સઍપ' પર એ ફોટા મોકલવાનું ! ને પછી સામેવાળો ય એમ કાંઇ છોડે ?? સાલાએ એની બાના ય ફોટા પાડયા હોય એ બધા આપણી ઉપર મોકલે... કેમ જાણે એની બાનું બીજે ક્યાંક સારૂં ગોતવાનું હોય ! એક વાત ખરી કે, પોતે કેવો હેન્ડસમ કે બ્યુટીફૂલ છે, એ બતાવવા હવે તો ઇવન ડોહાઓ ય 'પ્રોફાઇલ- પિક્ચર'માં હીરો-હીરોઇન સ્ટાઇલના ફોટા મૂકે છે, તો ઘણા રાઝ ખુલ્લો પડી ન જાય એટલા માટે શ્રીનાથજી બાવા કે અંબાજી માતાનો ફોટો મૂકે છે.

થૅન્ક મી... આ લેખ મેં તમને 'વૉટ્સઍપ' પર મોકલાવ્યો નથી ! 

સિક્સર 

- દરેક પત્ની 'અર્નબ ગોસ્વામી' હોય છે... આપણને બોલવા જ ન દે ! 

No comments: