Search This Blog

15/05/2015

અછુત કન્યા ('૩૬)

ફિલ્મ : અછુત કન્યા ('૩૬)
નિર્માતા : હિંમાશુ રાય
દિગ્દર્શક : ફ્રાન્ઝ ઓસ્ટીન
સંગીત : સરસ્વતિદેવી
ગીતકાર : જમુના કશ્યપ 'નાતવા'
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : દેવિકા રાણી, અશોક કુમાર, પી.એફ.પીઠાવાલા, કામતાપ્રસાદ, કિશોરીલાલ, કુસુમ કુમારી, મનોરમા, પ્રમીલા, ચંદ્રપ્રભા, સુનિતાદેવી અને મુમતાઝ અલી.
ગીતો
૧. હરિ બસે સકલ સંસારા, જલ થલ મેં... પુરૂષ સ્વર
૨. ધીરે બહો નદીયા, ધીરે બહો... કુસુમકુમારી એન્ડ પાર્ટી
૩. ખેત કી મૂલી, બાગ કો આમ... દેવિકારાણી-અશોકકુમાર
૪. મૈં બન કે ચીડિયા બન કે સંગ સંગ ડોલું રે... દેવિકારાણી-અશોક કુમાર
૫. કિત ગયે હો ખેવનહાર, નૈયા ડૂબતી જાય.. સરસ્વતી દેવી
૬. ઉડી હવા મેં જાતી હૈ, ગાતી ચીડીયા યે રાગ... દેવિકારાણી
૭. કિસે કરતા મુરખ પ્યાર પ્યાર પ્યાર... અશોક કુમાર
૮. પીર પીર ક્યા કરતા રે, તેરી પીર ન જાને કોય... અશોક કુમાર
૯. ચૂડી મૈં લાયા અનમોલ રે, લે લો ચૂડીયાં... મુમતાઝ અલી-સુનિતા દેવી

ઓહ... માની નથી શકાતું કે, આજથી ૭૮ વર્ષ પહેલા બનેલી બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મ આટલી સુંદર ને આટલી મનોહર હશે ! ૧૯૩૬ એટલે તો સ્વયં મારા સ્વ. પિતાશ્રી પણ ૧૪ વર્ષની ઉંમરના હતા પણ મારા ૧૪ વર્ષના થયા પછી એમણે કીધેલી બધી વાતો યાદ છે કે, અશોક કુમાર અને દેવિકા રાણીની ફિલ્મ 'અછૂત કન્યા' એમણે કિશોરાવસ્થામાં ય કેટલી બધી વાર જોઈ હશે, તે યાદ નથી. મને નવાઈ ને તમને આંચકો લાગે એવી વાત એ છે કે, આ આપણી 'ફિલ્મ ઇન્ડિયા' કોલમની વર્ષો પહેલા શરૂઆત થઇ ત્યારે જ 'અછૂત કન્યા' વિશે લખ્યું જ હતું, તો પછી એકની એક ફિલ્મ આજે બીજી વાર કેમ ?

'દાદામોની' ઉર્ફે અશોક કુમાર પ્રત્યેના મારા આદરને વ્યક્ત કરવા ઉપરાંત જૂનો લેખ કઢાવીને મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે, મૂળ ફિલ્મ વિશે જરૂરી વાતો એમાં સમાવિષ્ટ થઇ નહોતી. (પૂરતી પ્રશંસા પણ નહોતી થઇ !) એટલે આજે બાકી રહી ગયેલું ઘણું બધું પહેલી વાર... !

ધી ગ્રેટ ન્યુ થીયેટર્સ... એન્ડ ધી ગ્રેટ બોમ્બે ટૉકીઝ... ! કેવા પ્રણામયોગ્ય નામો ? ૭૮ વર્ષો પહેલાનો ભારતીય સમાજ જોવા મળે, એ જ મોટી વાત કહેવાય. એ સમયનું સંગીત, ફિલ્મ-વ્યવસ્થા, પ્રજામાનસ અને સંસ્કારો કેવા ઊંચા દરજ્જાના હતા, તે આજે તો કેવળ કહાની બનીને રહી જાય. ફિલ્મના નિર્દેષક ફ્રાન્ઝ ઑસ્ટીન જન્મે ધોળીયો જર્મન હોવા છતાં હિમાંશુ રાય સ્થાપિત બોમ્બે ટૉકીઝનો એ પ્રાણ હતો. પૂરા પ્રમાણભાન સાથે કહી શકું છું કે, એ જમાનાની સામાન્ય ટેકનોલોજી છતાં ઉત્તમ દરજ્જાની ફિલ્મ ઉપરાંત દિગ્દર્શન માટે આજની કોઈ પણ સ્વચ્છ અને સુંદર ફિલ્મ સાથે બેશક સરખામણી કરી શકાય ને છતાં ય ફ્રાન્ઝનો હાથ ઊંચો રહે. પણ આ ફિલ્મના વિષય બાબતે કેટલીક ચર્ચા કરવી છે. છુઆછૂતના એ જમાનામાં આવી ફિલ્મ વિશે વિચારવું ય પાપ ગણાતું, ત્યારે હિમાંશુ રાયે હલચલ મચાવી દીધી હતી, ફિલ્મનો આ વિષય પસંદ કરીને ! બ્રાહ્મણ અને હરિજન, એમ બે વર્ગોમાં વહેંચાયેલા સમાજમાં હરિજનોને અડવું પણ પાપ ગણાતું. માત્ર બ્રાહ્મણો જ નહિ, સમાજના તમામ સવર્ણો એમાં આવી જતા. મહાત્મા ગાંધીએ અસ્પૃષ્યતા દૂર કરવા જાત ઘસી નાંખી. આજે આટલા દસકાઓ પછી એમ કહી શકાય કે, દેશમાં આવી છુઆછૂત નામની રહી ગઈ છે, ને જ્યાં છે, એ વર્ગને માફ કરી શકાય એમ નથી.

હરિજનોના પક્ષે તો આ ફિલ્મે ડરવા જેવું કાંઈ નહોતું, કારણ અસ્પૃષ્યતા અંગે ગાંધી-વિચારોનું જ આ એક પ્રમોશન હતું, પણ હિમાંશુ રાયની હિમ્મત સવર્ણોના ખૌફ સામે હતી. પાડ ઈશ્વરનો કે તત્સમયના હિંદુ સવર્ણો પણ આ ફિલ્મના વિષય સાથે સહમત થયા. આજે પણ અનેક ઑફિસોમાં મહેતા અને મકવાણાને એક થાળીમાં બેસીને જમતા જોયા છે, એનો આનંદ થાય છે. અશોક કુમાર પોતે જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના હતા, તે એટલે સુધી કે છૂઆછુત તો બાજુ પર રહી, ફિલ્મોમાં કામ કરવું પણ પાપ ગણાતું, દેવિકા રાણી ય ઉચ્ચ વર્ગનું ફરજંદ હતા... 'ચૌધરી કી બેટી...' (કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે સગપણમાં એમનું સીધું જોડાણ હતું.)

ફિલ્મની વાર્તા સરળતાથી ૧૫ રિલ્સમાં વહે જાય છે. પ્રતાપ (અશોક કુમાર) અને કસ્તૂરી (દેવિકા રાણી) નાનપણથી સાથે ઉછરેલા છે. યુવાનવયે બન્ને પ્રેમમાં પડે છે, પણ પ્રતાપ બ્રાહ્મણ અને કસ્તુરી શુદ્ર હોવાથી બન્નેના માતા-પિતા એ બન્નેના લગ્નો પોતપોતાની જાતમાં કરાવી દે છે. સ્વાભાવિક છે, પહેલો પ્રેમ ભૂલાતો નથી, એમાં બન્નેના સ્પાઉઝ (પતિ અથવા પત્ની)આ સહન કરી શક્તા નથી. છેવટે કસ્તૂરી પ્રાણની આહૂતિ આપીને ફિલ્મનો કરૂણ અંત લાવે છે.

કબુલ કે, પોતાની થોડી ય ઇચ્છા વગર ઍક્સીડૅન્ટલી અને પરાણે ફિલ્મોમાં હીરો બનેલો અશોકકુમાર એક્ટિંગનો 'અ' ય જાણતો નહતો અને પ્રારંભની તો ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં ઘણો નબળો ઍક્ટર પૂરવાર થયો હતો. પતલા અવાજને કારણે ક્યારેક તો સ્ત્રૈણ્ય પણ લાગે. બસ, એ સાચો હીરો બૉમ્બે ટૉકીઝની જ ફિલ્મ 'કિસ્મત' પછી થયો અને એવો થયો કે, આજ દિન સુધી (નૉટ ઇવન મિસ્ટર બચ્ચન... સૉરી) એનાથી બઢીયા એક્ટર કોઈ બીજો થયો નથી.

ફિલ્મ જોતા એ સમયનું ભારત જોવું વહાલું લાગે છે. ગામડાઓમાં જ નહિ, શહેરોમાં ય ગૃહિણીઓ લાકડાનું સાંબેલું, ખાંડણીયું કે અનાજ દળવાની પથ્થરની ઘંટી વાપરતી. અશોક કુમારના લગ્નની જાન નીકળે છે, એ ડોલી કહારો ઉઠાવે છે. પાછળ બળદગાડામાં સાજનમાજન અને કાવડ ઉચકનારાઓ પાસે સિધું-સામાન હોય. બૅન્ડવાજાંવાળાઓ ન કહેવાય. એક પિપુડીવાળો અને બીજો આડેધડ ઠોકમઠોક કરતો ઢોલી હોય. બન્નેના સુર-તાલનો કોઈ મેળ ન હોય. હસવું તો આવશે, પણ મેહમાન ઘેર આવે, તો ગોળનું શરબત 'મોટી વાત' કહેવાતી. અર્થાત્, ગોળનો ગાંગડો પાણી ભરેલા પિત્તળના પ્યાલામાં હલાવીને આપી દેવાનું. પાણીમાં ફક્ત ખાંડ હલાવીને પિરસાયેલું શરબત તો મોંઘુ પડતું અને ફક્ત અમીરોના ઘેર જ મળે. સંગીત પણ કેવું મીઠડું છતાં સરળ ! એ યુગના સંગીતની ખાસ વાત હતી એની સરળતા. કોઈ પણ સંગીતકાર ધૂન એવી જ બનાવે, જે દેશનો આમ આદમી પણ ગાઈ શકે. આ ફિલ્મનું કોઈ પણ ગીત સાંભળો. ('અશોક કુમાર ગાઈ શક્તો હોય, તો આપણે તો સારું ગાઈએ છીએ...!' એવી મજાક કરો, તો ય ખોટા ન પડો !) વાદ્યો દેસી અને ઓછા. તબલાં આજના જેવા નહોતા. કોઈ પૂંઠું વગાડતું હોય એવું લાગે. ગીતનો પ્રારંભ થાય તેની સાથે જ વૉયલિન એ જ રાગ અને ઢાળમાં છેક સુધી વાગતી રહે. ઑબ્લિગેટો નહિ, ગાયકીને જ સંગીત ફૉલો કરતું રહે. મોટા ભાગે તો ઈન્ટરલ્યૂડમાં સ્થાયીની જ ધૂન વાગે.

હજી એ સમયની ફિલ્મોના ટાઈટલ્સમાં ગાયકો કે ગીતકારોના નામ લખવાની શરૂઆત થઇ નહોતી. ફિલ્મની રૅકડર્સ બહાર પડે એમાં ય નહિ. ઈવન '૪૯ની સાલમાં બનેલી અશોક કુમારની પોતાની ફિલ્મ 'મહલ'માં આજ સુધી મશહૂર રહેલા ગીતોમાં લતા મંગેશકર કે રાજકુમારીના નામો ૭૮ િૅસ ની રૅકોર્ડ પર નહોતા લખાતા. ફિલ્મમાં હીરોઈન મધુબાલાનું નામ 'કામિની' હતું, એટલે આ ગીતની ગાયિકા તરીકે લતા મંગેશકર નહિ, 'કામિની' લખાયું. મુકેશના સદાબહાર અને મશહૂર થયેલા સર્વપ્રથમ ગીત, 'દિલ જલતા હૈ તો જલને દે...' (ફિલ્મ 'પહેલી નઝર' ('૪૫)માં ફિલ્મના પરદા ઉપર મુસ્તાક નામના કોઈ કલાકારે ગાયું હોવાથી રેકર્ડ ઉપર ગાયકનું નામ 'મુસ્તાક' છપાયું હતું. હીરોઇન મુનવ્વર સુલતાના માટે આ ગીત ગવાયું હતું. બહુ બધાને નવાઈ લાગશે પણ લતા, આશા, રફી, કિશોર, તલત, મન્ના ડે, હેમંત કે ગીતા રૉય... એ બધા કરતા મુકેશ સીનિયર. આમાંના મોટા ભાગના '૪૫/'૪૬ની સાલ કે તે પછી આવ્યા. એક માત્ર શમશાદ બેગમ એનાથી સીનિયર. માસ્ટર ગુલામ હૈદરે શમશાદ પાસે '૪૧-માં બનેલી ફિલ્મ 'ખજાનચી'માં જ પહેલું ગીત ગવડાવ્યું, 'સાવન કે નઝારે હૈ, આહા હા હાહાહા...' પણ એ પહેલા નામની ક્રેડિટ વગર શમશાદ બે-પાંચ ફિલ્મોમાં ગાઈ ચૂકી હતી. શમશાદ બેગમના પતિ ગણપતલાલ બટ્ટો ૧૯૫૫-માં ગુજરી ગયા ને એમની લાડકી દીકરી 'ઉષા'એ ભારતીય લશ્કરના હિંદુ ઓફિસર મિસ્ટર રાત્રા સાથે લગ્ન કર્યા. ફિલ્મ 'પાકીઝા'માં લતા મંગેશકરે ગાયેલા 'ઇન્હી લોગોં ને લે લીના, દુપટ્ટા મેરા...' શબ્દસઃ અને બેઠું ૧૯૪૧માં રૂપ કે. શોરીની ફિલ્મ 'હિમ્મત'માં પંડિત ગોવિંદ રામના સંગીત નિર્દેશનમાં ગાયું હતું, જે અઝીઝ કાશ્મિરીએ લખ્યું હતું. બે વર્ષ પછી ૧૯૪૩માં આ જ સંગીતકારે આ જ ગીત એ જમાનાના વિલન કોમેડિયન યાકુબ પાસે પરદા ઉપર સૅમી-સ્ત્રીનો વેષ પહેરાવીને ગવડાવ્યું હતું. હીરોઇન સિતારાદેવી હતા ને હીરો યાકુબ. પ્લૅબેક કોનું હતું, એની તો ખબર નથી, પણ 'પાકીઝા'ની બદૌલત, આખરે ફિલ્મના ઓરિજીનલ ગીતકાર તરીકે નામ કમાયા મજરૂહ સુલતાનપુરી, ગાયિકા લતા મંગેશકર અને સંગીતકાર ગુલામ મુહમ્મદ. ઈવન, આજની આપણી ફિલ્મ 'અછૂત કન્યા'ના સંગીતકાર સરસ્વતિદેવીએ અશોક કુમાર પાસે જ ફિલ્મ 'જીવન નૈયા'માં 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા...' ગવડાવ્યું હતું, જે કિશોર કુમારે પોતાની ફિલ્મ 'ઝૂમરૂ'માં પોતાના નામે જ કોઈને ય ક્રેડિટ આપ્યા વિના ઠપકાવી દીધું હતું. આ મૂળ પારસી અને ભારતની સર્વપ્રથમ મહિલા સંગીતકારા સરસ્વતિદેવીએ કદી ગણગણાટ પણ કર્યો નથી. આમે ય, પારસીઓ અન્યાય સહેવામાં કે બધું ચલાવી લેવામાં સૌથી મોખરે છે. એકાદ અપવાદ હોય તો ખબર નથી, પણ ભારતનો કોઈ પારસી કોઇની સાથે ઝગડયો હોય એવું સાંભળ્યું તો નથી. જો કે,ખૂર્શિદ મિનોચૅરહોમજી નામની પારસણે ફિલ્મોમાં સંગીત આપવાનું હજી તો નક્કી જ કર્યું હતું, એમાં તો મુંબઇના પારસીઓ ભભૂકી ઉઠયા હતા અને એક તબક્કે તો એનું ઘર જલાવવાની ય ધમકી મળી હતી, એટલે ન છૂટકે ખુર્શિદે પોતાનું ફિલ્મી નામ 'સરસ્વતિદેવી' રાખ્યું.

ફિલ્મ 'અછૂત કન્યા'માં એક ગીત ચૂડીયાં લે લો... માટે પરદા ઉપર મુમતાઝઅલી નૃત્ય કરવા આવે છે. કોમેડીયન મેહમુદના આ પિતા બોમ્બે ટોકીઝની ઑલમોસ્ટ બધી ફિલ્મોના ડાન્સ-ડાયરેકટર હતા. લગભગ '૬૦ના દાયકા સુધીની ફિલ્મોમાં તો મેં પી.એફ. પીઠાવાલાને ય અનેક ફિલ્મોમાં જોયા છે, જે થોડે ઘણે અંશે નર્મદાશંકર જેવા લાગે. (નર્મદાશંકર એટલે ફિલ્મ 'ગાઇડ'માં દેવ આનંદ જે બે હિંદુ પંડિતોની મજાક ઉડાવે છે, તેમાંનો એક - પણ પેલો જાડીયો પંડિત નહિ.)

આટલા વર્ષો પહેલા આટલી સુંદર ફિલ્મ બની હતી, તે બૉમ્બે ટૉકીઝ માટે કોઈ અપવાદ નહતી. એ લોકોની લગભગ બધી ફિલ્મો આવી જ સુંદર હતી.

એ વાત જૂદી છે કે, હિમાંશુ રાયના અવસાન પછી આ સ્ટુડિયોમાંથી છુટા પડીને અશોક કુમાર, એમના બનવી શશધર મુકર્જી, જ્ઞાન મુકર્જી કે સાવક વાચ્છાએ પોતાનો અલગ સ્ટુડિયો ફિલ્મીસ્તાન બનાવ્યો ને ફિલ્મીસ્તાને પણ અઢળક સફળ ફિલ્મો આપી.

No comments: