Search This Blog

22/05/2015

'શિકસ્ત' ('૫૩)

ફિલ્મ - 'શિકસ્ત' ('૫૩)
નિર્માતા - દિગ્દર્શક - રમેશ સેહગલ
સંગીત - શંકર-જયકિશન
ગીતકારો - શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ - ૧૫-રીલ્સ
થીયેટર - (અમદાવાદ)
કલાકારો - દિલીપ કુમાર, નલિની જયવંત, કે.એન.સિંઘ, ઓમપ્રકાશ, લીલા મીશ્રા, શ્યામલાલ, દુર્ગા ખોટે, હેમાવતી.


ગીતો
૧ જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..... લતા-તલત
૨ તુફાં મેં ઘિરી હૈ મેરી તકદીર કી રાહેં.... તલત મેહમુદ
૩ કારે બદરા તૂ ન જા, બૈરી બિદેસીયા ન જા. લતા મંગેશકર
૪ ચમકે બિજુરીયા...મન જા રે બલમ પરદેસીયા.. આશા-કોરસ
૫ સપનોં કી સુહાની દુનિયા કો, આંખોં સે બસાના તલત મેહમુદ
૬ હમ કઠપૂતલે હૈં, હમ તો હૈ ખેલ ખિલૌને હેમંત કુમાર
૭ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ લતા-રફી
૮ રાત જાગ કે નીકાલું, તેરે ઇન્તેઝાર મેં લતા મંગેશકર
૯ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ.... લતા મંગેશકર
૧૦ બુઝ ગયે આશા કે દિયે, બદલે રંગ જહાન કે લતા મંગેશકર
ગીત નં. ૨ અને ૮ હસરત જયપુરીના- બાકી બધા શૈલેન્દ્રના

દિલીપ કુમાર કેવો સોહામણો અને પ્રભાવશાળી ઍક્ટર હતો ! અન્ય કોઇ હીરોની સરખામણીમાં બે વાતે એ નોખો તરી આવતો હતો કે, એક તો, પરદા ઉપર એની હાજરી જ કાફી હતી. એ કાંઇ ન બોલે, તો ય અન્ય પાત્રો ઝાંખા પડી જાય, એવો 'ઑરા' એનો હતો અને બીજું મીઠાશ અને ભાવવાહી અવાજ. એ ગદ્યમાં બોલતો હોય તો ય પદ્ય લાગે... અને 'મદ્ય'માં બોલતો હોય તો હારે હારે આપણે ય પીધો હોય, એવી અસર ઊભી કરી શકતો. આમ તો, 'બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના જમાનાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એણે કરૂણ અને નિષ્ફળ પ્રેમી તરીકેના જ રોલ વધારે કર્યા, એમાં અંગત જીવન પર એવી ખરાબ અસર પડી ગઇ કે, ફિલ્મ બહારની દુનિયામાં એ થનગનાટ અને તોફાની કિસ્મનો માણસ હતો છતાં, ફિલ્મોમાં આવા રોલ કરવાને કારણે એના મન ઉપર પણ દુઃખી અસરો પડવા માંડી અને સાચા અર્થમાં સેકાયટ્રીસ્ટને બતાવવું પડયું, જેમણે સલાહ આપી થોડી ઘણી કૉમેડી ફિલ્મો કરવાની અને એટલે ફિલ્મ 'આઝાદ' અને 'આન' જેવી ફિલ્મો સ્વીકારી.'

એક ઍક્ટર તરીકે આ ફિલ્મ 'શિકસ્ત'માં તેને બહુ ઊંચું માન નહિ આપી શકાય. અફ કૉર્સ, જે રોલ એને સોંપવામાં આવ્યો હતો, એ તો એની પાસેથી રખાયેલી અપેક્ષા મુજબનો સિધ્ધહસ્ત જ હતો, પણ ફિલ્મના પહેલા દ્રષ્યથી એના સ્વભાવ, બોલચાલ, સંવાદ કે અન્ય કોઇ હરકતો કરવાની આવતી નથી. બસ, દરેક દ્રષ્યે ઢીલા પડતા જવાનું છે. એમાં દોષ એની એક્ટિંગનો દાઢી શકાય એમ નથી, એની પસંદગીનો કાઢ શકાય કે, બધી ફિલ્મોમાં આવા મડદાલ રોલ શું કામ સ્વીકાર્યા ? કમ્માલ છે કે, આવી ઍક્ટિંગ એને લગભગ બધી ફિલ્મોમાં કરવાની આવી. પછી, 'કોહિનૂર', 'આન' કે 'ગંગા જમુના'માં એણે પૂરૂં શહૂર બતાવ્યું.

બીજી બાજુ, હીરોઇન નલિની જયવંત માટે લાઇફનો કદાચ સર્વોત્તમ રોલ અહીં હતો...ઍન્ટી-હીરોઇનનો. આમ તો, એના રોલમાં ય વૅરિએશન્સ બે જ છે, રૂઆબદાર જમીનદાર અને ભગ્ન પ્રેમી-વિધવા. આખી ફિલ્મના એકે ય દ્રષ્યમાં કોઇ જરાક અમથું ય હસ્યું નથી, છતાં સુંદર વહે જતી વાર્તાને કારણે ફિલ્મ ક્યાંય બૉરિંગ લાગતી નથી.

બહુ ઓછાને ખબર હશે કે, ૧૮મી ફેબુ્રઆરી, ૧૯૨૬-ના રોજ એક શિક્ષિત મહારાષ્ટ્રીય પરિવારમાં જન્મેલી નલિનીએ ફિલ્મોમાં પ્રવેશ તો '૪૦-ના દાયકામાં કર્યો હતો. નૂતનની માં શોભના સમર્થ અને નલિની સગા કાકા-કાકાની દીકરીઓ થાય, એ ધોરણે નૂતન બાળકી હતી, ત્યારે એની ચોથી બર્થ-ડે પાર્ટીમાં નલિનીને આપણા ગુજરાતી યુવાન દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ એની સામે જોતા જ મોહી પડયો. પોતાની બે ફિલ્મો 'રાધિકા' અને 'નિર્દોષ'માં હીરોઇન બનાવી દીધી. 'જહૉની મેરા નામ'માં હેમા માલિનીની માં બનતી 'મૃદુલા' આ ફિલ્મની સેકન્ડ હીરોઇન હતી. (યોગાનુયોગ, આ મૃદુલા દિલીપ કુમારની પણ સૌથી પહેલી ફિલ્મ 'જ્વારાભાટા'ની હીરોઇન હતી.) પણ ખૂબસુરત વાત તો એ છે કે, ગાયક મૂકેશે ફિલ્મી શરૂઆત ગાયક નહિ, હીરો તરીકે આ ફિલ્મ 'નિર્દોષ'થી કરી હતી. અશોક ઘોષના સંગીતમાં મૂકેશે જે બે-ત્રણ ગીતો ગાયા હતા, તેમાંનું 'દિલ હી બુઝા હુઆ તો ફસલ-એ-બહાર ક્યા...' જાણિતું થયું હતું. મુકેશે ગાયેલું આ પહેલું ગીત હતું.

દિલીપ કુમારની સાથે ચરીત્ર અભિનેતા ઓમ પ્રકાશ...જરા નવાઈભર્યું લાગે એમ છે. છેલ્લે બન્ને સાથે ફિલ્મ 'આઝાદ'માં આવ્યા હતા. ઓમને વાંધો એ પડયો કે, દિલીપ કોમવાદી માનસ ધરાવે છે. હિંદુ દેવી-દેવતાઓ સામે એ કદી પ્રણામ કરતો નથી. ઝૂકતો નથી. એણે દિલીપ સાથે કામ કરવાનું બંધ કરી દીધું, પણ દાયકાઓ પછી નિર્માતાઓ મુશિર-રિયાઝની ફિલ્મ 'ગોપી'માં સાયરા-દિલીપની સાથે ઓમનું હોવું નિહાયત જરૂરી હતું. દિલીપ સમાધાન કરવા તૈયાર હતો. શર્ત ઓમે મૂકી કે, ફિલ્મમાં દિલીપ હિંદુ ભગવાનને પ્રણામ કરતો દર્શાવાય, એ જ મારૂં સમાધાન...ને આખરે એમ જ થયું.

આ ફિલ્મમાં ઓમપ્રકાશ એક સામાન્ય વિલન છે. ચૅમ્બુરમાં અશોક કુમારની બરોબર બાજુનો બંગલો, છતાં ય આ બન્ને વડિલો વચ્ચે જીવનભર બોલવાના વ્યવહારો રહ્યા નહોતા. થોડે દૂર આવેલા આર.કે. સ્ટુડિયોના સર્વેસર્વા રાજ કપૂર સાથે પણ અશોક કુમારને દહીંનું મેળવણ માંગવા જેટલા ય સંબંધો નહોતા. ઍક્ટિંગના જોરે દાદામોની ભલભલા હીરોને ખાઇ જાય એમ હતા, એ ધોરણે સ્વાભાવિક છે, મોટા ભાગના હીરો એમનાથી દૂર ભાગે.

એક નહોતી ભાગતી નલિની જયવંત, જેણે તો એક તબક્કે પોતાના 'આધાર-કાર્ડ'માં ય અશોક કુમારનું નામ ઉમેરવાના સપના જોયા હતા. બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા. ફિલ્મો જ નહિ, દેશભરમાં કોઇથી આ વાત અજાણી નહોતી.

અલબત્ત, વીરેન્દ્ર દેસાઇ સાથે લગ્ન કરી લીધાના એકાદ વર્ષમાં જ એને ખબર પડી કે, વીરૂ નલુને મારઝૂડ કરવામાં સેહવાગ જેવો હતો. છુટાછેડા લેવાઇ ગયા ને દેવ આનંદ અને ગુજરાતી હીરોઇન તરલા મેહતા (દીના પાઠકની નાની બહેન) સાથે આવેલી ફિલ્મ 'એક કે બાદ એક'માં આ પ્રભુ દયાલ સાઈડમાં હતો. નલુ એની સાથે પરણી ગઇ. એ ય કાંઇ ઝાઝું ન ચાલ્યું. ને છેલ્લે છેલ્લે અમિતાભ બચ્ચનની એક ફિલ્મ 'નાસ્તિક'માં 'માં'નો રોલ કરીને નલિનીએ અલવિદા કરી દીધી. બીજી અનેક હીરોઇનોની જેમ નલિની જયવંત પણ બેહાલી જ નહિ, ભિખારણ જેવી અવસ્થામાં ગૂજરી ગઇ ત્યારે એને સ્મશાને મૂકી આવવા કોઇ નવરૂં નહોતું.

કે.એન. સિંઘ એના જૉનરનો શ્રેષ્ઠ વિલન હતો. એને જોતા વ્હેંત કોઇને વહાલ ઉપજી આવે, એવું તો કદાચ એના જન્મસમયે ય નહિ થયું હોય. સાયગલ અને પૃથ્વીરાજ કપૂરના આ ખાસ દોસ્ત મુંબઇના કિંગ સર્કલ ખાતે પૃથ્વીરાજની બાજુમાં રહેતા. આ ફિલ્મમાં ય એ કાળાકામો જ કરે છે.

ફિલ્મમાં ગરીબ ખેડૂત મંગલૂ, જેની કિશોરી દીકરી નલિનીના ઘેર કામ કરતા ગૂજરી જાય છે, તે ચરીત્ર અભિનેતા શ્યામલાલને તમે શશી કપૂર-કિશોર-મેહમુદની કૉમેડી ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદના સસુરજી તરીકે જોયો છે. બહુ ખાસ ચાલ્યો નહિ.

ફિલ્મના સંગીતમાંથી થોડો મૂડ ઉતરી જાય એવું કામ શંકર-જયકિશને કર્યું છે. દોષ ફિલ્મની વાર્તાનો હશે, પણ ફિલ્મના દસે ય ગીતો ઉપડયા નહિ. આ તો મારા જેવા શંકર-જયકિશન પાછળ પાગલ ચાહકોને 'લતા-તલતનું 'જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..., લતાનું 'કારે બદરા તૂ ન જા...' અને તલતનું 'સપનોં કી સુહાની દુનિયા કો...' આજે ય કંઠસ્થ હોય. બાકીના ગીતો શંકર-જયકિશનના જ ન લાગે, એવા નબળાં નીકળ્યા. તલતના આ 'સપનોં કી સુહાની...'માં એક ખૂબી એ છે કે, તલતની પૂરી કરિયરનું આ એક જ ગીત એવું છે, જેની શરૂઆત એણે આલાપથી કરી છે. એમ તો શોધતા શોધતા આલાપવાળા બીજા-બે-ત્રણ ગીતો મળી આવ્યા, પણ કોઇ જાણિતા ન થયા.

કોઇને નવાઇ લાગી શકે કે, સંગીત-જયકિશનનું હોવા છતાં હસરત જયપુરીના બે જ ગીતો કેમ ? બાકીના બધા શૈલેન્દ્રના ! એક કારણ સાચું પડે એવું એ છે કે, ફિલ્મ 'આવારા' પછી તરત જ શંકર અને જયકિશન વચ્ચે ઝગડા શરૂ થઇ ગયા હતા. બન્ને છુટા પડી જવાના હતા, પણ રાજ કપૂરની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો. હસરતના ગીતોની ધૂન જયકિશન બનાવતો હોવાથી-તેમ જ પ્રભુત્વ શંકરનું વધુ રહેતું હોવાથી જયકિશન અને હસરતના બે જ ગીતો આ ફિલ્મમાં આવ્યા હોઇ શકે.

નવાઇ તો બીજી ય લાગી શકે એમ છે કે, શંકર-જયકિશનની ફિલ્મોમાં હેમંત કુમાર ભાગ્યે જ હોય. 'રૂલા કર ચલ દિયે એક દિન, હંસિ બનકાર જો આયે થે' કે 'આ નીલે ગગન તલે, પ્યાર હમ કરે' જેવા બે-ચાર ગીતો માંડ હશે.

વાર્તા આજે ય નવી લાગે, એવી ભાવવાહી હતી.

ડૉ. રામસિંઘ (દિલીપ કુમાર) સાત વર્ષ પછી પોતાને ગામ જમીન વેચીની પાછા શહેર જવા માટે આવે છે. એને તાત્કાલિક જાણ થાય છે કે, ગામનો જમીનદાર (કે.એન.સિંઘ) અને તેની બહેન સુષ્મા (નલિની જયવંત) ભોળા ગામલોકો ઉપર જુલ્મોસિતમ કરીને પૈસો હડપ કરી જવા માંગે છે.

સુષ્મા એક જમાનામાં તેની પ્રેમિકા હતી, પણ આ સાત વર્ષના ગાળામાં તે બે કામો એક સાથે પતાવે છે-લગ્ન કરવાનું અને વિધવા થવાનું. પહેલા કરતા બીજા કામમાં એનો હાથ વધુ સારો બેસી ન જાય, એ માટે દિલીપ કુમાર પણ એનો પૂર્વ પ્રેમી હોવા છતાં એને પ્રેમના ભાવથી જોતો નથી, પણ મહીં મહીં ઇચ્છા ખરી એ તો! એ સુષ્માની નજીક જવાનું કારણ એ લઇ આવે છે કે, સુષ ગ્રામજનો ઉપર અત્યાચારો કરે છે, એ આનાથી જોવાતું નથી, એટલે એ પોલીસ-સ્ટેશનમાં જવાને બદલે સુષ પાસે જા-જા કરે છે અને આવડી આ, એને આઘો જ રાખે છે. આમ તો ભ'ઇ, ગામ આખામાં બકી ચૂક્યા હતા કે, હું તો મારી જમીન વેચીને પાછો જતો રહીશ, પણ એ પંજાબનો ખેડૂત ન હોવાથી ઝાડ પર લટકીને ભરી સભામાં આત્મહત્યા કરતો નથી. ગામમાં પ્લેગ ફાટી નીકળતા, ડૉક્ટર રામસિંઘ સુષ્માના પુત્રને બચાવે છે, એમાં બન્ને વચ્ચેનો પ્રણય ફરી જાગૃત થાય છે. (ગુજરાતના ડૉક્ટરો....આ વાતમાં તમારી અનુકૂળતા મુજબ રસ લો.) અલબત્ત, ગાંવવાલોં હવનમાં હાડકાં નાંખે છે, એમાં આ બન્નેનો માંડમાંડ શરૂ-શરૂ થતો પ્રેમ 'ડીલીટ' મોડ પર આવી જાય છે. દિલીપને શહેર જતો પાછો રોકવા માટે સુષ ગ્રામ્યજનો ઉપર વધુ અત્યાચાર કરે છે ને પેલાને આ જ જોઇતું હતું. એ રોકાઇ જાય છે. પણ પ્રેમી પંખીડાઓને રોકવા જમીનદાર એ બન્ને વચ્ચેના પ્રેમની આગ ભડકાવીને દિલીપ સામે કૅસ કરે છે. હજી આવી બીજી એકાદ-બે લમણાઝીંક પછી ફિલ્મના અંતે પંખીડાઓ પિંજરામાં સહર્ષ પૂરાઇ જાય છે.

વાર્તા વજાહત મિર્ઝાની હતી. યસ. કંઇક અફ કૉર્સ નવું હતું. નલિની જયવંત પાસે ઘણો બોલ્ડ રોલ કરાવ્યો છે નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલે. નૉર્મલી, આવો ઍન્ટી-હીરોઇનનો રોલ ભાગ્યે જ અન્ય કોઇ હીરોઇન સ્વીકારે. મિર્ઝાએ ફિલ્મના સંવાદો ભલે સાહિત્યિક નહિ, તો ય ઘણા અસરકારક લખ્યા છે, એકે ય સંવાદ લાંબો કે અર્થ વગરનો નહિ.

દિલીપકુમારના ચાહકો અંજાઇ જાય, એવો બખૂબી બેહતરીન અભિનય જોવા માટે આ ફિલ્મ જોવી.

No comments: