Search This Blog

06/07/2015

ઍનકાઉન્ટર : 05-07-2015

૧. છેલ્લાં વર્ષોથી કાગડા કમ થઇ ગયા છે, તો હવે પછી શ્રાદ્ધ નાંખી કોને બોલાવશું ?
-એ તો બહારના ઑર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન જેને આપવું પડતું હોય એને ચિંતા !
(કરસન ભરવાડ, કરમસદ)

૨. 'ગુજરાત સમાચાર' વાંચતો તો એકે ય વાચક એવો નહિ હોય, જે 'ઍનકાઉન્ટર' ન વાંચતો હોય...અભિમાન-બભિમાન આવે છે ક્યારેક...?
- આ ધારણા સાચી હોય તો તમારા ઉપર અભિમાન બેશક આવે છે.
(શ્રીમતી પૂર્ણા ગૌતમ શાહ, મુંબઇ)

૩. ગુજરાતના મોટા ભાગના પાણી-પુરીવાળા યુ.પી.-બિહારના જ કેમ હોય છે ?
- જર્મની-જાપાનના પાણી-પુરીવાળાઓને પોસાતું નથી.
(જય જેતાની, ભાવનગર)

૪. રસ્તે જતા કૉલેજનો કોઇ જૂનો દોસ્ત મળી જાય તો કેવો ઉમળકો બતાવો છો ?
- એનો આધાર એ પુરૂષ છે કે સ્ત્રી, સ્ત્રી હોય તો એનો ગોરધન સાથે છે કે એકલી અને એકલી હોય તો ટાઇમ બગાડવા જેવો છે કે બચી જવા જેવું છે, એના ઉપર છે.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

૫. પરણવા માટે રાહુલને કોઇ સમજાવશે ?
- હા, પણ સારા ઘરની બધી છોકરીઓ ૨૫-૨૬ ની ઉંમરે પરણી જાય છે...અને બાબાભ'ઇના ઍજન્ડામાં ક્યાંય વિધવા-ત્યક્તાઓના ઉધ્ધારની વાત હજી સુધી તો આવી નથી.
(મેરૂ સતાપરા, અસલાલી)

૬. 'બુધવારની બપોરે'માં અજીતસિંહજીની અમૃતવાણીએ ખૂબ હસાવ્યા...એ નામની કોઇ વ્યક્તિ ખરેખર છે કે, જેન્તી જોખમ અને પ્રવીણ ચડ્ડી જેવું ?
- કાલ ઉઠીને તમે તો અશોક દવે માટે ય આવી શંકા કરશો !
(નવિન મોકરીયા, રાજકોટ)

૭. ૨૯ ફેબ્રુઆરીને બદલે તમને ૧ માર્ચનો 'હૅપી બર્થ ડે' કહેવો પડયો...
- હજી આવતાં વર્ષે ય હું જન્મ તારીખ બદલવાનો નથી.
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

૮. તમારી મુલાકાત વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે થાય, તો તમે એમને શું પૂછો ?
- બસ...હવે પછી આ હાસ્યલેખોની લારી ફેરવવાને બદલે દરજીકામ શરૂ કરવાનો વિચાર છે...સહકાર આપજો.
(ચિરાગ પટેલ, સુરત)

૯. શું 'વીક-ઍન્ડ'માં ફરવા જવાની આજકાલ ફૅશન થઇ ગઇ છે ?
- દેશના બધા કર્મચારીઓ કાંઇ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલો જેવી સરકારી નોકરી કરતા નથી, તે ચાલુ નોકરી ને ચાલુ પગારે ઘર આખાને દુનિયાભરમાં ફરવા લઇ જઇ શકે.
(શશીકાંત દેસાલે, સુરત)

૧૦. આઇપીઍલમાં રૂ. ૧૬-કરોડમાં વેચાયેલો યુવરાજસિંઘ કાંઇ ઉકાળી ન શક્યો...
- કોઇ ટીકા આવા ગ્રેટ ક્રિકેટરની ન કરવી જોઇએ. એ ન ભૂલશો કે આ જ યુવરાજે છ બૉલમાં છ સિક્સરો ફટકારવા જેવી અનેક ઈનિંગ્સ રમીને દેશને ગૌરવ અપાવ્યું છે..બસ, એનો સમય ખરાબ ચાલી રહ્યો છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૧૧. આમિરખાનને બદલે ફિલ્મ 'પીકે'નો રોલ તમે કર્યો હોત તો ?
- તો આ જ સવાલ તમે પાછો આમિરને પૂછ્યો હોત !
(જયદીપ વાલા, અમરેલી)

૧૨. તમે દેશભક્તિની વાતો કરો છો, પણ તમે દેશ માટે શું કરો છો ?
- કરૂણા એ વાતની જ છે કે, દેશભક્તિની તો કોઇ વાતે ય કરતું નથી.
(વિક્રમ ઠક્કર, આદિપુર-કચ્છ)

૧૩. એકે ય નેતાને સ્વાઇન ફલ્યૂ કેમ ન થયો ?
- સ્વાઇન ફલ્યૂ ફક્ત માણસોને થતો રોગ છે.
(ભાવિક શાહ, ગોધરા)

૧૪. બૅન્કોમાં એક ધક્કે કદી કામ ન પતે, એવું કેમ ?
- ચિંતા ના કરો. લગભગ બધી બ્રાન્ચો એસી થઇ ગઇ છે...ગાદલાં-ગોદડાં લઇને બૅન્કમાં જવાનું. ઘેર એસીનું બિલ વધારવા કરતા બૅન્કનું ન વાપરીએ ?
(પરાગ પરમાર, અમદાવાદ)

૧૫. અક્ષયકુમાર ડિમ્પલનો જમાઇ થાય માટે એની ફિલ્મ 'બૅબી' જોવાનું બધાને કહો છો ?
- તારી ભલી થાય, ચમના... હું તો કાયમ અક્ષયની ફિલ્મો જોવાનું જ કહું છું, ડિમ્પલની નહિ... લેવાદેવા વગરના મારે હરિફો વધારવા નથી.
(મહેશ શુક્લ, મુંબઇ)

૧૬. દેશની જનતાએ કાશ્મિરના મુખ્યમંત્રી મુફ્તિ મુહમ્મદ અને આપણા ભાજપને દેશની જનતાએ શું પાઠ ભણાવવો જોઇએ ?
- મુફ્તિ ગમે તેમ તો ય એક વફાદાર માણસ છે, પાકિસ્તાનને....ભાજપમાં આવા એક વફાદાર માણસની જરૂર છે...જે ઇસ્લામાબાદમાં જઇને ભારતનો તિરંગો લહેરાવી આવે.
(મધુકર મેહતા, વિસનગર)

૧૭. 'ગુજરાત સમાચાર'માં તમારી 'બુધવારની બપોરે' કૉલમ ખૂબ સરસ આવે છે...રહસ્ય ?
- 'ઍનકાઉન્ટર' અને શુક્રવારે 'ફિલ્મ ઇન્ડિયા' પણ આવતી હોવાથી રોજ ત્રણ વખત હું લક્સ સાબુથી નહાઉં છું.
(રૂપા ભટ્ટ, નવસારી)

૧૮. 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં પોપટલાલનું લગ્ન કેમ નથી થતું ?
- ઝવેરી તમે છો..હીરાની પરખ તમને હોય !
(અતુલ સી. ઝવેરી, વડોદરા)

૧૯. આ જન્મમાં સુખી કોને કહેવાય ?
- જેને આવતા જન્મની ફિકર ન હોય.
(રામ ઓડેદરા, પોરબંદર)

૨૦. તમારી કોઇ જૂની (સાચી) પ્રેમિકા તમને યાદ આવે ખરી ? શું ફીલ કરો ?
- એક વાર જેને પ્રેમ કર્યો હોય, એનું હંમેશા સન્માન જ હોય. નફરત તો હું મારા સાચા દુશ્મનોને ય નથી કરતો...
(શ્યામલ રાઘવન, અમદાવાદ)

૨૧. આવતા જન્મે તમને શું થવાનું ગમશે ?
- અફ કોસ, અશોક દવે. એનાથી ઉત્તમ માણસ હજી મને મળ્યો નથી.
(ચાંદની પી. સરડવા, મોરબી)

૨૨. 'અચ્છે દિન આનેવાલે હૈ ?'
- ઓહ...યૂ મીન...તમે ભારતની વાત કરો છો...!
(ગોપી બી. વડસક, સુરત)

૨૩. લોકો સ્વચ્છતાનું મહત્ત્વ ક્યારે સમજશે ?
- બસ. નેતાઓ નહાવાની શરૂઆત કરે ત્યારે.
(રિતેશ ધ્રૂવ, રાજકોટ)

૨૪. સ્ત્રી તો એની એ જ હોવા છતાં, લગ્ન પહેલા અને પછી...ફર્ક કેમ લાગે છે ?
- બીજાઓને ય લાગતો હોય....પણ બોલે નહિ બિચારા !
(રોનક એ. શાહ, ભરૂચ)

No comments: