Search This Blog

24/07/2015

દ્રષ્ટિ

ડિમ્પલ કાપડીયા જેવી કોઇ એક્ટ્રેસ નથી...

ફિલ્મ : 'દ્રષ્ટિ'
નિર્માતા : NFDC
દિગ્દર્શક : ગોવિંદ નિહાલાણી
સંગીત : કિશોરી અમોણકર
ગીતો : વસંત દેવ
રનિંગ ટાઇમ : ૯ રીલ્સ (ડબલ) : ૧૭૧- મિનિટ્સ
થીયેટર : ખબર નથી (અમદાવાદ)
કલાકારો : ડિમ્પલ કાપડીયા, શેખર કપૂર, મિતા વશિષ્ઠ, ઇરફાન ખાન, વિજય કશ્યપ અને એક એક દ્રષ્ય માટે નીના ગુપ્તા, તામારા, કૅનેથ દેસાઇ,નવનીત નિશાન, અલકા અને સુમુખીજમાનો તો ના કહેવાય પણ એ દસકો બેશક ચાલ્યો હતો, આર્ટ ફિલ્મો બનાવવાનો. આ આર્ટ ફિલ્મ એટલે શું વળી ? એટલે એવું કે, આપણે જે હરદમ જોતા આવ્યા છીએ એ કમર્શિયલ અથવા તો મનોરંજક ફિલ્મો કહેવાય. થોડું ઇંગ્લિશ આવડતું હોય તો 'મેઇનસ્ટ્રીમ સિનેમા' પણ કહેવાય ને એ કહીએ તો બૌદ્ધિકોમાં થોડી જાણ થાય કે, 'ભ'ઇને ફક્ત ઇંગ્લિશ જ નહિ, સારી ફિલ્મો વિશે ય જાણકારી છે. યાદ હોય તો એ જમાનામાં, મંથન, અંકુર, મીર્ચ મસાલા કે સ્પર્ષ જેવી જે ફિલ્મો આવતી તે બધી ફિલ્મો (ઓફબીટ સિનેમા)કહેવાય. જરૂરી નથી કે, આર્ટ ફિલ્મ હોય એટલે સારી જ હોય. પણ જોયા પછી થીયેટરની બહાર નીકળતા મોઢું જરા ગંભીર રાખવાનું. ચહેરા ઉપર હાવભાવ 'બૌધ્ધિકવાળા' રાખવાના. બાકી તો મનમાં સમજતા હોઇએ કે, આવી ફિલ્મ જોવામાં દોઢ કલાકની મેથી મરાઇ ગઇ...!

પણ 'દ્રષ્ટિ' એવી ફિલ્મ નહોતી... (આર્ટ ફિલ્મ હોવા છતાં સારી હતી !) અલબત્ત, 'બહુ સારી' થતા થતા થોડા માટે રહી ગઇ એટલા માટે કે, ડાયરેક્ટરે આખી ફિલ્મ 'વર્બોસ' બનાવી દીધી છે. 'વર્બોસ' એટલે બહુ બોલકી. ઘટનાઓ માંડ બને, પણ બે પાત્રો વચ્ચે સંવાદો મિનિટો સુધી ચાલે રાખે અને તે પણ 'બીટવીન-ધ-લાઇન્સ' કહેવાયેલા શબ્દોમાં. આઇ મીન, એ લોકો બધુ સમજાવવા ન બેસે. ત્રીસેક ટકા ઘટનાઓ તમારે ધારી લેવાની કે, 'ઓકે... તો આમ બન્યું હતું.' આ બધુ સિનેમા હૉલમાં ફિલ્મ જોતી વખતે ધારી લેવાની જરૂર નથી હોતી... ઘેર જઇને શાંતિથી ધારવાનું ચાલુ કરી શકાય. સવાર સુધી કોણ ડિસ્ટર્બ કરવાનું છે ?

ફિલ્મ 'બહુ સારી' બનતા બનતા એટલા માટે રહી ગઇ કે, અમુક તબક્કે તો દર્શકો કંટાળી જાય ત્યાં સુધી બે પાત્રો વચ્ચે સંવાદો ચાલતા રહે.બધું બોલી બોલીને જ અને તે ય લંબાણપૂર્વક તમારે સમજાય સમજાય કરવું પડે, એ પછી આર્ટ ફિલ્મ રહેતી નથી. દા.ત. ફિલ્મમાં શેખર કપૂર ડિમ્પલ કાપડિયાને,પોતે કેમ જુદો રહેવા માંગે છે તે કહેવા આવે છે, એમાં તો બન્ને વચ્ચે ઓશો અને જે.કૃષ્ણમૂર્તિ વાતોએ વળગ્યા હોય, એવી ભાષામાં લાંબે લાંબી વાતો ચાલતી જાય. ક્યારેક તો દ્રષ્ય શરૂ થતા પહેલા જ આપણે જાણી ગયા હોઇએ કે, આ બહેન આટલું કહેવા માંગે છે. પેલો તો એનો ગોરધન છે, એટલે લંબાણીયા પૅચથી ટેવાઇ ગયો હોય... આપણા લોહીઓ શું કામ પીએ છે ?

તેમ છતાં... તેમ છતાં... તેમ છતાં ફિલ્મ 'દ્રષ્ટિ' એક સુંદર ફિલ્મ બની હોય તો એનું દિગ્દર્શન, બહેતરીને સંવાદો, હૅન્ડસમ શેખર કપૂર (જે દેવ આનંદનો સગો ભાણેજ થાય)... એન્ડ ઍબોવ ઑલ, ડિમ્પલ કાપડીયાનો આટલો સરસ નહોતો ધાર્યો, એવો સરસ અભિનય. ક્યાંય લાઉડ ન લાગે. ચેહરાના હાવભાવ, સંવાદો બોલવાની સ્વાભાવિકતા અને માની ન શકાય એટલી સુંદરતાને કારણે ફિલ્મ અદ્ભૂત બની છે.

યસ, ડિમ્પલ સાથે ઇરફાન ખાનના સૅક્સ-દ્રષ્યો ('પ્રેમ દ્રષ્યો' કહેવાય, એવું કશું રાખ્યું નથી.) ડિમ્પલે ઘણી છૂટથી કામુક દ્રષ્યો આપ્યા છે, જે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમાં આવી કેવી રીતે શકે. એ સવાલ થવાનો ! આજનો મશહૂર હીરો ઇરફાન ખાન હોલીવૂડની 'જુરાસિક વર્લ્ડ'માં તો હવે આવ્યો, પણ ૧૯૯૦માં બનેલી આ ફિલ્મમાં (કમર્શિયલ ભાષામાં કહીએ તો) એનો હીરો જેવો મહત્વનો રોલ છે.

આવી આર્ટ ફિલ્મોની થીમ મોટે ભાગે આપણા અંગત જીવનને સીધી સ્પર્ષનારી હોય છે. સુખી લગ્નજીવન જીવતા યુગલમાં બહુ વિરાટ ઝંઝાવાતો મોટા ભાગે કોઇ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી આવતા હોય છે. કમર્શિયલ ફિલ્મોમાં આવું કાંઇ થાય તો એકાદો ઊડે ને બેકાદો જેલમાં જાય, પણ અહી વાત ગંભીરતાથી કહેવામાં આવી છે. વાસ્તવમાં આપણા જીવનમાં ય આવું કોઇ વાવાઝોડું આવે, તો આપણે હન્ટર લઇને ગોરધનને કે વાઇફોને ફટકારતા નથી... શું કરીએ છીએ, એના જવાબો ઘરેઘરે અલગ હોય, પણ લગ્નજીવનના સુખની સમાપ્તિ ત્યાં જ થઇ જાય છે. એ કહેવાની જરૂર નથી. લગ્નજીવન પછી પતિ કે પત્નીનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમસંબંધ ક્યારેય જસ્ટિફાય થતો નથી, એવું ય ન કહેવાય. ઑલ ઓફ એ સડન... બધું બની જાય. બેમાંથી એક પાત્ર કમ્પૅટિબલ (એટલે કે, વિવાદ વગરનું) ન હોય, અથવા જસ્ટ બોરિયત ભગાડવા બેમાંથી એક પાત્ર લગ્નેતર સંબંધ બાંધી આવે ત્યા સુધી કોઇ પ્રોબ્લેમ થતો નથી... એકવાર ખબર પડી ગયા પછી બહુ મોટા ફનાફાતીયા થઇ જાય છે. એ વખતે કોઇ જસ્ટિફિકેશન જોવાતું નથી અને આ એક જ સમસ્યા એવી છે, જેનો ઉકેલ વિશ્વમાં કોઇની પાસે નથી.

શેખર કપૂર અને ડિમ્પલ કાપડીયા તેમની નાની દીકરી રશ્મિ સાથે હાયર-મિડલ ક્લાસની જીંદગી બહુ સુખેથી જીવે છે. લગ્નના આઠ વર્ષ થવા છતાં બન્ને વચ્ચે કોઇ પ્રોબ્લેમ તો નથી જ પણ બન્ને એકબીજાને ચાહે છે પણ સ્વાભાવિકપણે જ. કોઇને કશું પૂરવાર કરવાની જરૂર પડતી નથી. બસ, આ આઠમી લગ્નતિથિ નિમિત્તે બે-ચાર નજીકના કપલ્સ-દોસ્તોને ઘરમાં નાનકડી એક ડ્રિન્ક્સ પાર્ટીમાં ડિમ્પલ- શેખર ઇન્વાઇટ કરે છે. એમાં એક દોસ્ત પોતાના ભત્રીજા ઇરફાન ખાનને સાથે લેતો આવે છે. એ ક્લાસિકલ ગાયક હોવાથી તો ડિમ્પલને એનામાં રસ પડે જ છે, પણ પછી વધારાનો રસ કેમ પડે છે, એ પ્રેક્ષકોને સમજાતું નથી. ડિમ્પલ પાસે એની ચોખવટ છે, જે પોતાના પતિ વિજય કશ્યપથી કંટાળેલી મિતા વશિષ્ઠને ડીટૅઇલમાં સમજાવે છે કે, 'બસ, મને ઇરફાન ગમી ગયો. હું એના પ્રેમમાં નથી, પણ એ મારી પાછળ બેશક પાગલ છે. અમે બન્નેએ અનેક વખત શરીર-સંબંધો બાંધ્યા છે. પણ એનો અર્થ એ પણ નથી કે, હું મારા હસબન્ડ શેખર કપૂરને દગો કરી રહી છું. શેખર જેટલું તો આ જગતમાં હું કોઇને ચાહી ન શકું.'

પેલી પૂછે છે ય ખરી કે, શેખરને ખબર પડી જશે તો મોટો ભોચાલ નહિ આવે ? ત્યારે પ્રેક્ષકોના ય ગળે ન ઉતરે એવો જવાબ ડિમ્પલ આપે છે કે, 'એ પૉસિબલ જ નથી કે એને કાંઇ ખબર પડે ! એ પોતાની જાતમાં ખોવાયેલો માણસ છે. પણ ઇરફાન પાછળ હવે તો હું ય પાગલ છું. એના વિના રહી નહિ શકાય.'

પણ મધ્યાંતરે પહોંચ્યા પછી અચાનક શેખર ડિમ્પલને દરિયા કિનારે જસ્ટ.... ફરવા લઇ જાય છે. એ મૂડમાં નથી અને મૂંઝાયેલો બહુ છે. ડિમ્પલ પૂછે રાખે છે કે, પ્રોબ્લેમ શું છે, ત્યારે એ એટલું ગુસ્સામાં બોલી જાય છે કે, એક જ ઘરમાં રહેતા બે પાત્રો એકબીજા સાથે આવો દગો કેમ કરી શકે ?'' બે-ચાર દિવસની સળંગ પૂછપરછ દરમ્યાન પ્રેક્ષકોને એવું ધારવા અપાય છે કે, શેખુને બધી ખબર પડી ગઇ છે અને માટે ડિમ્પલને કાયમ માટે છોડી દેવા માંગે છે, પણ એ તો અહી નવો ધડાકો કરે છે કે, એ પોતાની લેબ-આસિસ્ટન્ટ વૃંદાના પ્રેમમાં છે અને હવે એના વગર રહી શકે તેમ નથી. આભી બની ગયેલી ડિમ્પલને એ સીધું જ કહી દે છે કે, એ ઘર છોડી રહ્યો છે, કાયમ માટે ! દીકરી તો સચવાઇ જશે, એવા આશ્વાસન સાથે વાત તો ભ'ઇ... ડિવોર્સ સુધી પહોંચે છે અને પતિ- પત્ની બન્નેની સહમતિથી અપાયેલા ડિવોર્સમાં કાનૂન બહુ લમણાંઝીંક કરતો નથી, એટલે એ તો આસાનીથી મળી જવાનો બન્નેને વિશ્વાસ છે. ડિમ્પલની માં એને માટે બીજો મૂરતીયો શોધવાનો પ્રારંભ પણ કરી દે છે. વચ્ચે વચ્ચે એવું ય બને છે કે,ડિમ્પલ એના શેખુને પાછો બોલાવવા અને 'જે કાંઇ બન્યું, તે બધું ભૂલી જવાની ભીખ કક્ષાની આજીજીઓ કરે છે, ત્યારે શેખુ માનતો નથી, પણ શેખરની હવે પત્ની બની ચૂકેલી વૃંદા શેખરથી વયમાં નાની હોવા ઉપરાંત 'શોખિન' પણ છે, એટલે એને છોડીને અમેરિકા જઇ બીજા લગ્ન કરી લે છે. હવે શેખર ડિમ્પલ પાસે પાછો આવીને આજીજીઓ કરે છે, બધું ભૂલીને નવેસરથી પ્રારંભ કરવાની, ત્યારે ડિમ્પલ ધડાકો કરે છે કે, મારે પણ એક 'અફેયર' હતો. ઇરફાન સાથેની બધી વાતો એ કહી દે છે. આ વખતે શેખર પહેલી વાર ગુસ્સે થાય છે, એ જાણીને કે લગ્નજીવનમાં જ્યારે કોઇ કડવાશ નહોતી, ત્યારે ડિમ્પલે આવું કરવાની જરૂર કેમ પડી ? આ તો સરાસર બેઇમાની છે ! ડિમ્પલ રામાયણનો પાઠ કરતી હોય, એવી સાહજીકતાથી પતિને સમજાવે છે કે, મેં આડો સંબંધ ચોક્કસ બાંધ્યો હતો, પણ પ્રેમ તો તને જ કર્યો છે... તારી ભલી થાય ચમની, આવી ઇમાનદારી તો હત્યાથી ય વિશેષ ઘૃણાસ્પદ છે !

બસ, ફરી પાછું દરિયા કિનારે સમી સાંજે બન્ને વચ્ચે બબ્બે વર્ષ ચાલે એટલી લાંબી ડાયલોગબાજી અને કેમ જાણે આ આર્ટ નહિ, કમર્શિયલ ફિલ્મ હોય તેમ ફિલ્મનો અંત સુખદ આવે છે. બન્ને એકબીજાને સ્વીકારી લે છે.

આવી આર્ટ ફિલ્મોના અંત એટલે કે ઉકેલ સાથે કે વાર્તાના કોઇ હિસ્સા સાથે સહમત થવું કે ન થવું, સહેજ પણ માયનો રાખતું નથી. મારા કે તમારા જ નહિ, તિરાડમાંથી ડોકીયું કરવા જઇએ તો ય ખબર ન પડે કે,જગતના એકાદ પર સેન્ટ મામૂલી અપવાદોને બાદ કરતા કોઇ કપલમાં પ્રામાણિકતા હોતી નથી. ક્યાંક ચલાવી લેવું પડે છે, ક્યાંક જૂઠને સહારે મોંઢા બંધ કરી દેવાય છે તો ક્યાંક નજરઅંદાજ કરવું પડતું હોય, બાકી શુધ્ધ લગ્નજીવનો તો હવે વાર્તાઓમાં ય નથી આવતા. બધ્ધો મજો 'ખબર ન પડે' ત્યાં સુધીનો જ હોય છે. અહી ડિમ્પલ મિતાને કહે છે, 'શેખરને ખબર પડે એવી કોઇ શક્યતા જ નથી.'અથવા તો ફિલ્મમાં ડિમ્પલનું પોતાના લફરા માટેનું 'કન્વિક્શન' જોઇને સવાલ એ ઉઠે કે,જો આટલો બધો આત્મવિશ્વાસ અને પોતે કાંઇ ગિલ્ટ ફીલ નથી કરતી- વાળી વાત હોય તો શેખરને બધું કહી દેવામાં એને વાંધો ક્યાં આવ્યો ? શેખર પણ પોતે જે કર્યું, એને પ્રામાણિકતાનું નામ આપે છે, એ તો ખૂન કરીને આરોપી અદાલતમાં ન્યાયાધીશને કહે, ''હા જજસા'બ... ખૂન મૈને કિયા હૈ...'' તો એ ઑનેસ્ટી ક્યા કામની ?

ફિલ્મના લગભગ પ્રારંભમાં,ચાલુ પાર્ટીએ એક માનસિક રીતે અસ્વસ્થ યુવતી કોકને શોધવા આવે છે, એ દ્રષ્યની ફિલ્મ સાથે અગત્યતા કઇ હતી ? માની લો કે, મિતા વશિષ્ઠના પતિ બનવા વિજય કશ્યપની વિકૃત આનંદ લેવાની લાલચનું ચરીત્રચિત્રણ કરવાનો આ પ્રયાસ હોય, પણ તો ય ફિલ્મ સાથે આ ઘટનાને કોઇ લેવા દેવા જ નથી. એ જ રીતે, ડિમ્પલ-ઇરફાનના સેક્સ-સંબંધિત દ્રષ્યો કંઇક વધુ પડતી છુટથી લેવાયા છે. આવી આર્ટ ફિલ્મોમાં એક દોષ બીજો ય જોવા મળે છે કે, ફિલ્મના લગભગ તમામ પાત્રોની માનસિકતા એકસરખી હોય. બધા એકસરખી ડીસન્સી, સ્ટાઇલ,વર્તન કે ઇવન ટોનમાં વાતો કરતા હોય. બુધ્ધિનો આંક (આઇ-ક્યૂ) બધાનો સરખો નીકળે.

મૂળ તો શ્યામ બેનેગલના કેમેરામેન તરીકે કામ કરતા આ ફિલ્મના દિગ્દર્શક ગોવિંદ નિહાલાણીએ અદ્ભૂત આર્ટ ફિલ્મો આપી જ છે. પાઘડી પહેરે તો જીવતા ખુશવંતસિંગ જેવો લાગે, એ ફિલ્મના ડાયરેક્ટર ગોવિંદે પોતાની પહેલી ફિલ્મ 'આક્રોશ' ઘણી ખુબસૂરત બનાવી હતી. જેમાં સ્મિતા પાટિલ, ઓમ પુરી, અમરીશ પુરી અને નસીરુદ્દીન શાહ હતા પણ તે પછી બનેલી ફિલ્મ 'અર્ધ સત્ય' તો દુનિયાભરમાં છવાઇ ગઇ. પોલીસ અને ગૂન્હાખોરીના નૅક્સસ એટલે કે ભાઇબંધી ઉપર ઑલમોસ્ટ વાસ્તવિક લાગે એવી આ ફિલ્મ પછી ગોવિંદે જયા ભાદુરીને લઇને આવી જ આર્ટ ફિલ્મ 'હજાર ચોરાસી કી માં' બનાવી, જે ચારે બાજુથી ફ્લોપ ગઇ. તમને જરા વધુ માન ઉપજે, એટલે યાદ દેવડાવવાનું કે, સર રિચર્ડ ઍટૅનબરોની ફિલ્મ 'ગાંધી'માં કૅમેરો આ ગોવિંદભ'ઇનો ચાલ્યો હતો.

પદ્મશ્રી શેખર કપૂર આલા દરજ્જાનો દિગ્દર્શક હતો અને આ ફિલ્મ જોયા પછી તો એમ પણ લાગે કે, ધાર્યું હોત (અને કાયમ દાઢી રાખવાનો મોહ રાખ્યો ન હોત) તો એ ફૅન્ટાસ્ટિક હીરો પણ બની શક્યો હોત !... નસીરૂદ્દીન શાહ અને શેખરની એક સમયની પ્રેમિકા શબાના આઝમીની ફિલ્મ 'માસુમ' જેવી વાસ્તવિક ફિલ્મ શેખરે બનાવી, તો એ જ માણસે બિલકુલ કમર્શિયલ ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' પણ ડાયરેક્ટ કરી અને એણે જ ડાકુરાણી ફૂલનદેવી ઉપર આધારિત 'બૅન્ડિટ ક્વીન' બનાવી. 'ક્વીન ઇલિઝાબેથ' અને 'ધી ગોલ્ડન એજ' નામની હોલીવુડની ફિલ્મોનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું અને બન્ને ફિલ્મો મોટા એવોડર્સ જીતી લાવી. શેખર ઇંગ્લેન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઇને આવ્યો છે. ભારતના એક સમયના પ્રાઇમ મિનિસ્ટર આઇ.કે.ગુજરાલની ભત્રીજી મેઘા જલોટા સાથે શેખુ પહેલી વાર પરણ્યો અને '૯૪માં છૂટાછેડા લીધા. મેઘા ન્યુજર્સી-અમેરિકામાં હજી હમણાં છએક મહિના પહેલા ગુજરી ગઇ. શેખરે સુચિતા કૃષ્ણમૂર્તિ નામની એક્ટ્રેસ, લેખિકા, પેઇન્ટર અને ગાયિકા સાથે બીજા લગ્ન કર્યા, એ ય તૂટી ગયા, જેનાથી કાવેરી નામની એક દીકરી છે.

ડિમ્પલ તો બસ... ડિમ્પલ જ છે. થોડી ક્ષણો માટે એની અધધધ સુંદરતા બાજુ પર રાખીએ, તો પણ એક એક્ટ્રેસ તરીકે એનું મૂલ્યાંકન બહુ ઊંચે ગજે પહોંચે. આ ફિલ્મ 'દ્રષ્ટિ'ના એક દ્રષ્યમાં એ શેખર કપૂર સાથે ખૂબ લાંબો સંવાદ બોલે છે, જેમાં અનેક પ્રકારના હાવભાવના વેરિએશન્સ તેમ જ અવાજના ફેરફારો કેવી આસાનીથી કરી બતાવ્યા છે. 'બોબી' અને 'સાગર' માટે તો એને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડસ મળ્યા જ હતા, પણ એની અન્ય ફિલ્મો 'કાશ', 'રૂદાલી', 'લેકીન' કે 'ફાઇન્ડિંગ મિસ ફૅની' જોયા પછી એને પોતાને અભિમાન થવું જોઇએ કે, આવી અભિનેત્રીઓ બહુ જૂજ સંખ્યામાં આપણે ત્યાં આવી છે. કોઇ મને કહેશે કે, આજ સુધીની તમામ ફિલ્મી અભિનેત્રીઓમાં ડિમ્પલ જેવા વાળ એકે ય ના હતા કે છે ? જેની પાછળ આખા દેશની છોકરીઓ પાગલ હતી, એ સુપર સ્ટાર રાજેશ ખન્ના એના પ્રેમમાં પડયો, એ બ્યુટી કેવી મનોહર હશે ? જો કે, એક ઇન્ટરવ્યૂમાં ડિમ્પલ કાપડીયાએ નિખાલસતાથી કબૂલ કર્યું છે કે, જે દિવસે એણે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા, એ દિવસથી અમારા ઘરના સુખચૈન અને શાંતી કાયમ માટે ગાયબ થઇ ગયા.

No comments: