Search This Blog

22/07/2015

હું તમને જ ફોન કરતો'તો... !

ગુજરાતીઓમાં એક નવી નફ્ફટાઈ ચાલુ થઇ છે. મોબાઈલ ફોન તો ભિખારીઓ ય વાપરતા થઇ ગયા છે પણ ફોનના બિલના પૈસા ખર્ચવાના આવે, ત્યાં ભિખારી કોણ ને ગુજરાતી કોણ, તેની ખબર ન પડે. કામ એનું હોય, છતાં આપણને મિસ કૉલ મારીને તરત મૂકી દે કે, આપણે તરત ઉપાડી લઇએ તો એને રૂપિયો ચોંટે, એ બચાવવા ભિખારીવેડા શરૂ થઇ જાય. સ્વાભાવિક છે, મિસ કૉલ જોઇને આપણે સામો ફોન કરવાના હોઇએ અને કરીએ એટલે એનું પહેલું ડાયલોગ હોય, 'ઓહ... હું તમને જ ફોન કરતો'તો ને તમારો ફોન આયો... !' આપણે એની વાત સાચી માની લઇએ અને કેવો યોગાનુયોગ થયો એનો અચંબો પામીએ, 'ગજબનું કહેવાય... એ મને જ ફોન કરવા જતો'તો ને મેં સામેથી કરી દીધો.'

અને તમે ય એના જેવી દાનતવાળા હો (તમે બોલો નહિ કે, 'હા, હું ય એવો છું', પણ આ તો મનમાં સમજવાની વાત છે !) તો, એનો મિસ કૉલ જોઇને એક નાનકડી ઉતાવળમાં સામો ફોન તમે ખોટ્ટો કરી દીધો, એનો જીવ ઇ.સ. ૨૦૨૩ સુધી બળે રાખે. આવી ઉતાવળો કરવાની શી જરૂર હતી, એક સેકન્ડ રાહ જોઇ હોત તો, એ સામો ફોન કરવા જ જતો'તો... બસ, એ સેકન્ડ ન સચવાઈ, એમાં તો શામળીયાને ભાંડે, 'તારી આટલી ભક્તિ કરૂં છું ને મારી આવી ઉતાવળોનું ધ્યાન રાખતો નથી... ?'

લોકો પાઈપાઈનો હિસાબ ગણવા લાગ્યા છે. ખર્ચો તમને થાય, એનો વાંધો મને નથી, પણ મને થાય એનો વાંધો મને છે. ગુજરાતના ૯૮ ટકા લોકો આવી ફિતરત અજમાવવા માંડયા છે અને આ ૯૮ ટકા લોકો વ્યવસાયે સાચા ભિખારીઓ નથી, ગરીબો કે મિડલ ક્લાસના નથી... આમ બીએમડબલ્યુ કે મર્સીડીઝ ફેરવતા હોય અથવા તો મારા/તમારા કરતા પૈસે ટકે વધુ બળવાન અને નિયતમાં તો સરખામણી ય મારી/તમારી સાથે ન થાય. કેવળ ભિખારીઓ સાથે થાય ! ખુદ મારા સર્કલમાં આવા અનેક ભિક્ષુકો છે, જે સામેથી તો કદી ફોન ન કરે, પણ એમને કરવો જ પડે એમ હોય, તો મિસ કૉલ મારીને મૂકી દે... ખબર છે કે, 'હું સામો ફોન કરવાનો જ છું.'

... અને આવી ભિક્ષુક ફિલસૂફીમાં ય એમના મોબાઈલનું બિલ ૩૦૦-૪૦૦નું આવે, એમાં તો સાંજનું જમવાનું ભાવે નહિ. તારી ભલી થાય ચમના... તું મોબાઈલ પચ્ચી હજારનો વાપરે છે. ને જીવ બસ્સો રૂપીયે ફૂટવાળો...? ગુજરાતી 'ખોરી દાનત' શબ્દો આ લોકોને કારણે આવ્યા હોય.

સાલાઓ નસીબના બળીયાઓ ય કેવા છે કે, એક તો જનમજાત ભિખારીની...અને એમાં ય મફતીયા 'વૉટ્સઍપો' આવ્યા. રોજના બસ્સો 'જયશ્રી કૃષ્ણો' 'જય જીનેન્દ્રો' કે 'જય મહાદેવ' મારે વાંચવાના આવતા હતા. મફતમાં પડતા 'વૉટ્સઍપ'માં લોકો પોતાને થનારી ઊલટી આપણી ઉપર કરે છે. મતલબ... એમની ઉપર જે કાંઈ 'વૉટ્સઍપ'ના મૅસેજો આવ્યા. તે બધા બાપાનો માલ હોય, એમ આપણી ઉપર ફોરવર્ડ કરે. પૂરી બેવકૂફીથી આપણે પાછા ખૂશ એની ઉપર થઇએ કે, 'બૉસ...કિર્તીભ'ઇ તો શું ગજબના 'વૉટ્સઍપ' મોકલાવે છે...?' ને આમ કિર્તીડાને 'સ્કૂલ'નો સ્પેલિંગ ય ન આવડતો હોય, પણ દુનિયાભરના મહાન માણસોના 'ક્વૉટ્સ', દુનિયાભરના મહાહરામી માણસોના ગંદા જોક્સ ને બેવકૂફીભરી વિડીયો ક્લિપ્સવાળી ઊલટીઓ આપણા ઉપર કરે ! મને તો પરમેશ્વરે બુધ્ધિ આપી છે એટલે નથી હું 'ફેસબુક' પર કે નથી કદી 'વૉટ્સઍપ'ના મૅસેજો જોતો. યસ. અંગત સંદેશા લેવા-મોકલવા માટે 'વૉટ્સઍપ' મને જગતભરની સર્વોત્તમ શોધોપૈકીની એક લાગી છે. હવે તો જેને જ્યાં જુઓ ત્યાં ડોકી નીચી કરીને 'વૉટ્સઍપ' ઉપર જ મંડયો કે મંડી હોય ! નીચી મૂન્ડીએ એની બોચી ઉપર જીવડું ચોંટયું હોય, એનું ય ભાન ન પડે. આપણને એમ કે કોઈ જીવસટોસટનો 'વૉટ્સઍપ' આવ્યો હશે... પણ એ ય પોતાની ઊલટી બીજાઓ ઉપર કરવા જ બેઠો હોય.

મોબાઈલ નવા નવા આવ્યા, ત્યારે સરખામણી ઘાંચીના બળદ સાથે થતી કે, જેવો કોકનો ફોનઆવે, એટલે પેલો જ્યાં બેઠો હોય ત્યાંથી ઊભા થઇને ચક્કર ચક્કર ઘુમવા માંડે. સમય જતા આ સરખામણી ખોટી પડવા માંડી. સમાજને બળદ વધુ અક્કલવાળો લાગવા માંડયો કે, એ તો ફક્ત ધરીની આસપાસ માપસર જ ચકરડાં મારે, જ્યારે આપણા મોબાઈલીયાઓનું ઊભા થઇ ગયા પછી કાંઈ નક્કી નહિ કે, ઊભા થઇને એ કઇ બાજુ કેટલા પગલાં લૅફ્ટમાં લેશે, કેટલે પગલે ઊંધો પાછો આવશે અને પાસેના થાંભલે ટેકો દેવા ગયો હોય, ત્યાં થાંભલો જ નહિ હોય...!

યસ. બીજું ય એક દર્દ ઉપડયું છે. બીજાનો જોઈને આપણો સૅલ ફોને ય મોંઘો લેવાનો. હવે ૧૫-૨૦ હજારવાળા મોબાઈલો તો ભિખારીઓ ય વાપરે છે. આજની યંગ-જનરેશન અને ખાસ કરીને 'ક્લબ-કલ્ચર'માં એકબીજાથી મોંઘો ફોન લઇ આવવાની ચૂળ ઉપડી છે. પેલો ૬૦-૭૦ હજારના મોબાઈલમાં ઝગારા મારતો હોય ને એનો જોઇને બીજાવાળો સવા લાખનો લઇ આવ્યો હોય... પછી ખબર પડે કે, 'દિનીયો રૂ. ૧૨-૧૫ લાખનો મોબાઈલ ફોન લઇ આયો છે...' આવો ૧૨-૧૫ લખનો મોબાઈલ વાપરનારો મ્હોંને બદલે ડૉકી ઊંચી કરીને વાત કરતો હોય. એમાં આવડે તો માંડ બે-ચાર ફંક્શનો, પણ ફોટા મસ્ત પડવા જોઇએ. 'મૅગા-પિકસેલ' નવા નવા શબ્દો છે, એ બોલવાથી છટા ઊભી થાય છે, 'અરે નિશી... તારા મોબાઈલમાં કેટલા મૅગા-પિકસેલનો કૅમેરા છે ?' જવાબમાં પેલી ૨૦ કહે, ત્યારે આને લજ્જત પડી જાય, 'ઓહ... ધૅટ્સ ફાઈન, બટ યૂ નો.. બ્રધરે સ્ટેટ્સથી (એટલે અમેરિકાથી... હવે 'યુએસએ' કે 'અમેરિકા' તો ગામડીયાઓ બોલે... જરા હાઈ-સૉસાયટીમાં ગણાવવું હોય તો અમેરિકાને બદેલ ફકેત 'સ્ટેટ્સ' બોલો... ! જય અંબે.) મને ૪૧ મૅગા પિકસેલનો સૅલફોન મોકલ્યો છે... યાર, શું એમાં ફોટા આવે છે ?

અત્યાર સુધી કરવા માટે ખાસ કંઇ નહોતું. હવે વાંદરાને નિસરણી મળી ગઇ છે, એટલે જ્યાં ઊભો કે ઊભી હોય, ત્યાં ફોટા પાડવા માંડે. (ઉપરોક્ત વાક્યરચનામાં જ્યાં 'ઊભી હોય' શબ્દો વપરાયા છે, ત્યાં સર્વનામ તરીકે 'વાંદરી' શબ્દ વાચકોએ જાતે ઉમેરી દેવો... સૂચના પૂરી) પાછા આ પાડેલા ફોટા ય વૉટ્સઍપ કરીને બસ, કોઈ ૪૦-૫૦ને મોકલવાના. અરે ભાઈ ભાઈ... ૭૦ ટકા ફોટામાં કૅમેરો હલી ગયો હોય, અથવા મૂળ પાર્ટી ફોટામાં દેખાતી ન હોય ને એની પાછળ ગાય ચરતી હોય, એના ખૂબ સારા હાવભાવ સાથેનો ચોખ્ખો ફોટો આવે. આપણા જમાનામાં પાસપોર્ટ માટે એક ફોટો પડાવવા સ્ટુડિયોમાં જવું પડતું. પેલો આપણી દાઢી ખસેડે, આ પગારમાં મોઢું હસતું રખાવે, ડોકી સાઇડમાં લેવડાવે અને ડીલિવરી લેવા અઠવાડીયા પછી બોલાવે. એક રૂપિયાની ત્રણ કૉપી અને એ ય બ્લેક-ઍન્ડ-વ્હાઇટ આપણે આજ સુધી જીવની જેમ સાચવી રાખી છે. પરણ્યા એટલે વાઈફની સાથે ફોટો પડાવવા સ્ટુડિયોમાં જવું જ પડે. એમાં ય એક સ્ટાન્ડર્ડ પૉઝ... આપણી છાતી ઉપર માથું રાખીને વાઈફ ઊભી હોય (જ્યાં હાઈટના પ્રોબ્લેમો હતા, ત્યાં સ્ટુડિયો તરફથી ઉપર ઊભા રહેવા માટે લાકડાનો એક પાટલો પણ મળતો... ૪૬.૭૮ ટકા પતિ-પત્નીના ફોટાઓમાં પાટલો હસબન્ડ માટે મૂકવો પડતો... આ તો એક વાત થાય છે !)

પેલીએ અંબોડો આપણા શર્ટને અડાડીને ફોટો પડાવ્યો હોય, એમાં ખચાખચ તેલવાળું ધાબું શર્ટ ઉપર પાડી દીધું હોય !

વૉટ્સએપમાં ય ગ્રૂપ-ઍડમિન પહેલા ઊંચુ સ્થાન ગણાતું... હવે, દુનિયાભરની ગાળો દેવા માટે ગ્રૂપના બધા ઍડમિનની (ખાલી જગ્યા) પૈણે છે. પેલાને એક જમાનામાં ગ્રૂપ-લીડર બનવાનો ઉપડેલા ચસકાની આ લોકો મધર-મેરી કરી નાંખે છે. ગ્રૂપવાળા ભેગા મળીને ઍડમિનની છોલી નાંખે છે, એની ખબર એને શરૂશરૂમાં નથી પડતી. એ તો રાજી થતો હોય ને માર્કેટમાં કહેતો ફરતો હોય, 'બૉસ...મારા વૉટ્સએપ- ગ્રૂપમાં ૭૮ મૅમ્બરો છે... બધા આપણને માને... !' એ તો પછી ખબર પડે કે, ગામ આખામાં ઉલ્લુઓનો સ્ટોક ઓછો થઇ ગયો હોય ને રાહુલ ગાંધી, આલિયા ભટ્ટ કે આલોકનાથના જૉક્સમાં હવે બૉર થવાય છે, એટલે હરીફરીને બધો કચરો ઍડમિન ઉપર ઠલવાય... 'એક વાર ઍડમિનની વાઇફ ઘરમાં એકલી હતી. આપણા ગ્રૂપના રાજીયાએ બૅલ માર્યો, 'ભરત છે...?' જવાબમાં પેલી બોલી,'...નથી...આઈ જાઓ !' આવી ૪૬,૫૪૯ વર્ષ જૂની પીસીઓ હવે ઍડમિનને નામે મૂકાય છે... લોકોએ ઍડમિન બનવાનું બંધ કરી દીધું છે.'

સાયન્સ એમ કહે છે કે, રોજ કમ્પ્યૂટર પર સતત બેસનારાઓને (ખાસ કરીને અમારા લેખકોને થતો) 'રાઈટર્સ-ક્રૅમ્પ' નામનો રોગ થવાનો છે. જો રોજ નિયમિત હાથ અને કમરના સ્નાયુઓ છુટા પડવાની કસરતો નહિ કરે તો... એમ જગતભરના મોબાઈલીયાઓની ડોકી એવી નીચી થઇ જવાની છે કે, એમનું આવનારૂં બાળકે ય મૂન્ડી નીચી રાખીને જ આવશે... બોલો અંબે માત કીઈઈઈ.... ?

(આ ય એક પ્રોબ્લેમ સદીઓ પુરાણો છે... આવી જય બોલવનારો પોતે ક્યારે ય 'જય' નહિ બોલે... એ બધું ઉપસ્થિત ભક્તો ઉપર છોડવાનું.)

સિક્સર
- અચ્છે દિન કબ આનેવાલે હૈ... કોંગ્રેસ કે ?
- આવું ભવિષ્ય તો ખુદ કોંગ્રેસવાળા ય ભૂલી ગયા છે.

No comments: