Search This Blog

03/07/2015

આઇ મીસ યૂ, પાપા.....

એને પોતાને ય નવેસરથી પાડેલું આ નામ બહુ ગમતું, લુસી. ના લ્યૂસી પણ નહિ. કેવળ લુસી.

આમ તો જન્મ વખતે તો પટેલોમાં પડે છે, એવું જ નામ એ લઇ આવી હતી, 'લક્ષ્મી,' પણ આજકાલની છોકરીઓ આવા નામો કંઇ ચલાવી લે ? લુસીએ પણ ન ચલાવ્યું. એના ડોહાએ (સૉરી, પટેલોમાં પાછું 'ફાધર' શબ્દ ઓછો વપરાય !) ટોપલા ભરી ભરીને દહેજ આપીને લુસીને ભાસ્કર સાથે પરણાવી હતી. એને ય પોતાનું આવું ઇ.સ. ૧૯૨૨-ના જમાનાનું નામ ગમતું તો નહોતું, પણ 'ભાસ્કર'નું ટુંકું કરવા જઇએ તો બહુ બહુ તો 'ભસુ' થાય, એટલે પેલું નામ જ ચાલુ રાખવાનું ચલાવી લીધું. એ વાત જુદી છે કે, લુસીએ કંઇક ''હંભાળવવું'' હોય ત્યારે એ ભાસ્કરને બદલે 'ભસુ' જ કહીને બોલાવતી. નૉર્મલી, તો પટેલોમાં પટેલનું જ, એટલે કે ગોરધનનું ચાલતું હોય, પણ કહે છે કે, જુનું ખોદકામ કરતાં ઉત્તર ગુજરાત બાજુ બે-ચાર પટેલોના જીવંત બૉડી મળી આવ્યા છે, જેમને વાઇફ સામે ઊંચે બોલવામાં ય અવિવેક લાગે છે.

''ભાસ્કર...હું જીન્સ અને જર્સી પહેરૂં તો ચાલશે ને ?'' લુસીએ છુટા વાળનો ઝટકો મારતા પૂછી જોયું. ભાસ્કરે જવાબ આપવાનો હજી બાકી હતો અને પતિદેવનું કામ ઓછું થાય, એ જ આદર્શ ગૃહિણીની ફરજ છે, તેમ સમજીને લુસીએ જાતે જ જવાબ આપી દીધો, ''ધેટ્સ ફાઈન...હું જીન્સ ને જર્સી જ પહેરીશ.''

''લુસી, આપણે પપ્પાને મળવા જવાનું છે, 'હૅપી ફાધર્સ ડે' વિશ કરવા...કોઇ 'સરપ્રાઇઝ કે 'શૉકિંગ-પાર્ટી'માં નહિ...''

''ભસુ, વધારે પડતું ના બોલ...તારા ડોહાને મળવા જવાનું છે, એટલે આવો કૅઝ્યુઅલ-ડ્રેસ પહેરૂં છું...મારા ફાધરને મળવા જવાનું હોત તો હું...ગઇકાલની તૈયાર થતી હોત...! વાળે ય સ્ટ્રેઈટન કરાવી દીધા હોત, સમજ્યો ? તને ખબર છે, પાપાને મારા કર્લી-હૅર નથી ગમતા....''

''ઓહ લુસી...વાતને તું ક્યાંથી ક્યાં લઇ જાય છે ? ઓકે. આજે ફાધર્સ-ડે છે, તો ફાધર માટે ગિફટમાં શું લઇ જવું છે ?''

''જો, એમને બરફના ગોળા બહુ ભાવે છે, પણ ત્યાં સુધીમાં તો ઓગળી જાય...આઇ થિન્ક, ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી.''

''તું કહે એમ ડાર્લિંગ...તારી વાત સાચી છે, ફાધરને વળી આ ઉંમરે થોડી કાંઇ વર્લ્ડ-ટુરની ટિકીટો ગિફટમાં અપાય છે ?''

''ભાસ્કર, તું એક કામ કરજે. ત્યાં વૃદ્ધાશ્રમમાં બધા ડોહલાઓને જોઇને મને તો ચક્કર આવે છે...હાઉ ફિલ્થી એ લોકો રહેતા હોય છે...! હું બહાર ગાડીમાં બેસી રહીશ...તું એમને હગ કરીને આવતો રહેજે.''

કહે છે કે, બધું અહીં ને અહીં ચૂકવવાનું છે. ભાસ્કરના લગ્ન વખતે લુસીના બાપની તાકાત નહોતી કે, એ જમાનાના બે કરોડ દહેજમાં આપી શકે, પણ ભાસ્કરના ફાધરે તો હઠ પકડી હતી. ''છોકરો મફતમાં પેદા નથી કર્યો...અઢી કરોડ મૂકતા જાઓ અને છોકરો લેતા જાઓ.''

''સાહેબ...થોડું વ્યાજબી કરી આપો ને ?'' એવું કહેવાની લુસીના બાપને જરૂર પડી નહોતી. આમણે બે કરોડ આપ્યા ને આમણે લઇ લીધા. ફિર ક્યા...? લગ્નનું તો હજી વરસે ય થયું નહિ હોય ને થૅન્ક ગૉડ...બા તો ગઇ અને ભારતમાં કહેવત છે, ''બાપ મરજો, પણ માં ન મરજો.'' પહેલા માં જતી રહે, પછી વૃદ્ધ અને અશક્ત સસુરને વહુ થોડી સાચવવાની હોય ? માંદા પડે તો ઝાડો-પેશાબ પણ વાઇફ કરી આપે...બાકી એવી વહુ તો કરોડમાં એકાદી નીકળે જે, ડોહા પાણી માંગે અને છણકો કર્યા વગર વહુ આપે ય ખરી ! લુસીએ બી.કૉમ.માં ઍડવાન્સ ઍકાઉન્ટન્સી અને ઑડિટિંગ રાખ્યું હતું અને પછી બે વાર લૉ માં ફૅઇલ પણ થઇ હતી, એટલે જીવન જીવવાની જાણકારી તો હતી. એણે બધી મિલ્કત પહેલા ભાસ્કરને નામે, પછી બન્નેના નામે અને પછી પોતાની એકલીના નામે કરાવી લીધી. ડોહા સીધા વૃદ્ધાશ્રમમાં, ભાસ્કર (સમજો ને) અનાથાશ્રમમાં અને લુસી આનંદ આશ્રમમાં ! બાળકો ઉપર કોઇની બુરી નજર ન લાગી જાય એટલે હજી સુધી તો લુસીએ દાદા-દાદીનું મોંઢું ય જોવા દીધું નહોતું.
''લુસી, એક વાત કહું?...પછી તારી મરજી, પણ આજે 'ફાધર્સ-ડે' છે ને એ મારા ફાધર છે..તું એક વાર એમને પગે લાગવા તો આવ...ક્યાં રોજરોજ જવાનું છે ?''

''જસ્ટ શટ અપ, ભસુ....એ પાછા મારા માથે હાથ મૂકે, મારી હૅરસ્ટાઇલ વિંખાઇ જાય ને કલાકો સુધી બધી એમની ઈમોશનલ સ્ટૉરીઓ સાંભળવાની, 'ભાસ્કર બેટા, કોક વાર તો વહુના હાથની ખીચડી કરીને મોકલાય...મારા આ ચશ્મા ય સાંધી સાંધીને-રબ્બર બૅન્ડ બાંધીને પહેરૂં છું... એક જોડી ચશ્માની તો લાવી દે...બેટા, તારી બા વગર ગમતું નથી...'' ભાસ્કર તારી બા ય નવરી અને એકલપેટી હતી...એ એકલી ઉપર ગઇ, પણ સ્વાર્થ તો જુઓ....ડોહાને સાથે લેતી ગઇ હોત તો એના બાપનું કાંઇ જાત ?''

''ધેટ્સ રાઇટ, ડીયર...ચલ, મોડું થાય છે...પપ્પા રાહ જોતા હશે !''

કાંતિભ'ઇ ખરેખર રાહ જ જોઇને બેઠા હતા. બબ્બે મિનિટે વૉચમૅનને પૂછી આવે, 'બ્લૅક મર્સીડીઝ દેખાય તો કમ્પાઉન્ડની અંદર આવવાદેજે...આવતા મહિને દસ રૂપીયા આલીશ.'

આજે જો કે, કાંતિભ'ઇએ વૉચમૅન પાસે બીડી માંગી નહિ...ભાસ્કરને ફૂંકણીયાઓ જરા ય નથી ગમતા, એની એમને ખબર. ભાસ્કરને વ્હિસ્કી સિવાય બીજી કોઇ આદત નહિ...અને એ ય, લુસી સાથે રોજ રાત્રે બાલ્કનીમાં બેસીને જ પીવાની...ફ્રૅન્ડ્ઝો સાથે તો નહિ જ ! કહે છે કે, લુસીની 'પીવાની' આદત છોડાવવા જતા ભાસ્કરને ય થોડી લત લાગી ગઇ હતી.

સીડી-પ્લૅયરમાં સીડી સહેજ અડાડો, એટલે પ્લૅયર એને ખેંચી લે, એમ ગાડીની હજી તો બહાર નીકળવા જતા ભાસ્કરને લુસીએ પાછો ખેંચી લીધો, ''ઊભા રહો...તમારૂં વૉલૅટ (પાકીટ) મૂકતા જાઓ. બહુ મોટા શ્રીરામો જોઇ નાંખ્યા...!''

લુસીએ તલાશી ન લીધી હોત તો ય ભાસ્કર એમ કાંઇ ડોહાના હાથમાં સો-બસ્સો પકડાવીને પાછો આવે એવો નહતો. એકાદ-બે વખત તો વૃધ્ધાશ્રમમાં બટાકા-પૌંઆનો સરસ નાસ્તો બનાવ્યો હતો, એ 'ચાખવા' ભાસ્કર લેતો આવ્યો હતો. જો કે, આશ્રમમાં નવા આવેલા સંચાલિકા સરલાબેન ભાસ્કરને જોવામાં તો જરા ગમી ગયા હતા. એ વાત જુદી છે કે, આવી વાતો પાછી ઘેર ખબર પડવી ન જોઇએ ને ? લુસીને ખબર પડે તો સરલુને ગમાડવાની બંધ કરવી પડે !

''કાંતિ...હૅપી ફાધર્સ-ડે...ગઇ કાલની કમર દુઃખે છે, એટલે પગે-બગે નથી લાગતો, ઓકે ?'' નાનપણથી બાપને એ કાંતિ કહીને તુંકારે બોલાવતો. એ વાત જુદી છે કે, ઘરમાં વાતાવરણ ઉગ્ર થઇ પડે, તો લુસી 'કાંતિડો' બોલે અને ભાસ્કર 'કાંતિયો' બોલે.

''ઓહ કોઇ વાંધો નહિ બેટા..તું પગ ખેંચે છે એના કરતા અડતો નથી, એ વધારે સહેલું પડે છે. આ તો જરી મજાક કરૂં છું હોં, બેટા...'' કાંતિલાલે કહેવાનું હતું, એ કહી દીધું.

બસ. હજી તો ભાસ્કર કાર પાસે માંડ પહોંચ્યો હશે ને કાંતિલાલ કાયમ માટે એક ક્ષણમાં પતી ગયા-કાર્ડિયાક ઍરેસ્ટ ! બધા દોડતા દોડતા ગાડી પાસે પહોંચ્યા ને ખબર આપી કે, ''તમારા ફાધર-----''

''કાંતિડો મરતો મરતો ય નડતો ગયો...સરપ્રાઇઝ પાર્ટીમાં ક્યારે પહોંચીશું...? ભસુ, તું એ લોકોને કહી દે...અમે લોકો કાલે આઇને ડૅડ-બૉડી લઇ જઇશું...''

આ કિસ્સાને ૨૧-વર્ષ થઇ ગયા. વૃધ્ધાશ્રમ અને વૃધ્ધો બદલાયા હતા, ખાનદાન એનું એ જ રહ્યું હતું. ભાસ્કર પટેલ અને લક્ષ્મીબેન પટેલ આજે 'મધર્સ-ડે' હોવાથી છોકરાઓની રાહ જોઇને વૃધ્ધાશ્રમમાં બેઠા હતા. વર્ષમાં એક વખત તો છોકરાઓ 'હાય' કહેવા ચોક્કસ આવે છે. આ વખતે સાંજ સુધી તો કોઇ ન આવ્યું, એટલે લુસીબેન અકળાયા, ''કહું છું ચલો ને...એ લોકો ન આવે તો આપણે જઇ આઇએ...આપણા પેટના જણ્યા જ છે ને ?''

''ના લુસી...આટલા વર્ષોમાં આજે તારૂં નહિ માનું...આપણે નથી જવું અપમાનિત થવા...! બસ, મને કાંતિભાઈ...આઇ મીન, મારા ફાધર અને મધર યાદ આવે છે...આપણે એમને કેવી રીતે રાખ્યા હતા, એ બધું આપણા છોકરાઓ નાનપણથી જોતા આવ્યા છે... યાદ હોય તો, બીજે દિવસે આપણે તો ફાધરનું ડૅડ-બૉડી લેવા ય આશ્રમે ગયા નહોતા...લુસી, ઉપર સ્વર્ગ-નરક જેવું કાંઇ નથી... અહીંનું બધું અહીં જ ભોગવવાનું છે.''

એ તો ભાસ્કરને આટલું લાંબુ વાક્ય બોલી લીધા પછી ખબર પડી કે, લુસીએ છેલ્લો શ્વાસ તો ક્યારનો ય લઇ લીધો હતો.

સિક્સર

- ટ્રાફિક-જામનો હળવો રસ્તો અમદાવાદીઓએ તો શોધી કાઢ્યો છે...એના રૂટ ઉપર જ પોતાના વાહનો ચલાવવાના ! કહે છે કે, હવે તો પોલીસે ય વચમાં પડતી નથી !

No comments: