Search This Blog

03/07/2015

મેરી સૂરત, તેરી આંખે ('૬૩)

ફિલ્મ - મેરી સૂરત, તેરી આંખે ('૬૩)
નિર્માતા - ટી.એસ. ગણેશ-પંડિત બૈજનાથ
દિગ્દર્શક -આર.કે. રાખન
સંગીત - સચિનદેવ બર્મન
ગીતો - શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ - ૧૫-રીલ્સ
થીયેટર -મોડૅલ (અમદાવાદ)
કલાકારો - અશોક કુમાર, આશા પારેખ, પ્રદીપ કુમાર, કન્હૈયાલાલ ચતુર્વેદી, ઈશ્વરલાલ, અચલા સચદેવ, તરૂણ બૉઝ, ઈફ્તેખાર, મારૂતિ, ઈંદિરા.
ગીતો
૧. પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ એસ.ડી. બાતીશ
૨. પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ, એક પલ જૈસે મન્ના ડે
૩. નાચે મન મોરા મગન, તિકદા ધિગી ધિગી મુહમ્મદ રફી
૪. તેરે ખયાલોં મેં, તેરે હી ખ્વાબોં મેં, દિન જાયે લતા મંગેશકર
૫. યે કિસને ગીત છેડા, દિલ મોરા નાચે થિરક સુમન-મૂકેશ
૬. તુઝસે નઝર મિલાને કો, ઝૂમ કે ફિર શરમાને કો આશા ભોંસલે
૭. તેરે બીન સુને, નયન હમારે, બાટ તકત ગયે મુહમ્મદ રફી

ફિલ્મમાં એક અશોક કુમાર જ નથી, જેની ઍક્ટિંગ જોવાની હોય. બીજો એવો જ સમર્થ કલાકાર કનૈયાલાલ ચતુર્વેદી નાનકડા રોલમાં ય છવાઇ જાય છે, જે એની આદત પણ હતી. ફિલ્મ કોઇપણ હોય, ઉત્તમ અભિનય એની સ્વાભાવિકતા હતી. અશોક-પ્રદીપનો પિતા બનતો વૃધ્ધ કલાકાર 'ઈશ્વરલાલ' '૪૦ના દાયકાની ઘણી ફિલ્મોનો હીરો અને નિર્માતા હતો. આપણો ગુજરાતી હતો ને મૂળ નામ હરિપ્રસાદ જોશી. એ ગુજરાતના વાઘણીયા ગામનો હતો. આ ગામ ક્યાં આવ્યું, એની તો મને ય ખબર નથી. ઈશ્વરલાલે ૧૯૩૫થી '૪૧ સુધીમાં 'કિમતી આંસુ', 'હોલી' અને 'ઉમ્મીદ' નામની ફિલ્મો બનાવી હતી.

અત્યારે તો કોઈના માનવામાં નહિ આવે કે, આ મહાન ફિલ્મ અમદાવાદમાં પહેલી વાર આવી, ત્યારે અગાઉથી જ એને સામાન્ય કક્ષાની ધારી લઈને ફિલ્મના વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સે) એને અશોક ટૉકીઝમાં રીલિઝ કરાવી હતી. ધારણા મુજબ ત્યાં એકાદ વીકથી વધારે કાંઈ ચાલી નહિ. પણ ફિલ્મ ઉતરી ગયાના થોડા જ સમય બાદ રેડિયો પર એના સુરીલા ગીતોએ માઝા મૂકવા માંડી. સંગીત જ નહિ, ફિલ્મ વિશે ય સારી વાતો મુંબઈ-બુંબઈથી આવવા માંડી. કોક પ્રતિષ્ઠિત ફિલ્મ મેગેઝીનમાં દાદામોનીએ એવું ય કીધું કે, 'મારી કરિયરની સર્વોત્તમ ફિલ્મો પૈકીની આ એક છે.' અમદાવાદની પ્રજા ભોંઠી પડી કે, આવી સુંદર ફિલ્મ આપણે જોઈ કેમ નહિ? ફિલ્મ ફરી વાર શહેરમાં લાવવી પડી અને મૉડેલ ટોકીઝમાં રીલિઝ થઈ. ઓહ... ફૅન્ટેસ્ટિક... ટિકીટો ફિલ્મ રીલિઝ થતા પહેલા જ બૂક થવા માંડી. સિનેમા ઉપર પડે એના કટકા. જે અશોક ટૉકીઝમાં કાગડા ઊડતા હતા, ત્યાં મોડેલ ટોકીઝમાં હંસલા અને મોરલા ઊડવા લાગ્યા.

ફિલ્મ બાકાયદા અદ્ભુત હતી. ફિલ્મની જેને સમજ પડે છે, એ તો બધા કહેવાના જ કે, દાદામોનીથી વધુ સારો 'ઍક્ટર' હિંદી ફિલ્મોમાં આજ સુધી થયો નથી. સ્ક્રીન પર આપણને ય જોઈને ચીતરી ચઢે, એવા કદરૂપાનો રૉલ સ્વીકારવો, ત્યાં જ દાદામોનીના ચરણસ્પર્શ કરી લેવા પડે. અલબત્ત, એ પોતે ભલે કહેતા કે, એમની કરિયરની સર્વોત્તમ પૈકીની એક આ ફિલ્મ હતી, પણ આપણે તો જાણીએ ને કે, દાદા માટે તમામ ફિલ્મો એવી જ ઊંચી ગુણવત્તા સમાન હતી. કમિટમૅન્ટ પણ કેવું કે, રાગ ભૈરવી પર આધારિત, ''નાચે મન મોરા મગન તિકદા ધિગી ધિગી...''ના સર્જક સચિનદેવ બર્મન, ગાયક ધી ગ્રેટ રફી સા'બ અને આ ગીતમાં તબલાં વગાડનાર પંડિત સામતાપ્રસાદની મેહનત અને કલાને અન્યાય ન થાય, એ માટે પોતાના હાવભાવમાં કોઈ કમી રહી ન જાય, એ માટે દાદાએ એ ત્રણેને શુટિંગમાં હાજર રહેવાની વિનંતી કરી પરફૅક્શનના શૉટ્સ આપ્યા... (આ ગીતમાં તબલાંનું બાયું પૂરી તોફાનમસ્તી જમાવે છે.) જોવાની ખૂબી એ છે કે, સમગ્ર ગીત દરમ્યાન અશોક કુમારનું મોંઢું અંધારામાં રાખવાનું હોય છે, છતાં ય હાવભાવના પરફૅક્શનનો આગ્રહ!

ઓહ...! બર્મન દાદાના તો પ્રેમમાં પડી જવાય એવું સંગીત તો એમણે મોટા ભાગની ફિલ્મોમાં આપ્યું છે... મોટા ભાગનીને બદલે બધી કહી દો. તો ય કોઈ વાંધો ઉઠાવવા નહિ આવે. સંગીતકારો વિશેના મારા પુસ્તક 'ફિલ્મ સંગીતના એ મધુરાં વર્ષો'માં આ મહાન સંગીતકારના આ ફિલ્મમાં લતાએ ગાયેલા ગીત, ''તેરે ખયાલોં મેં, તેરે હી ખ્વાબોં મેં, દિન જાયે રૈના જાયે, જાને ના તું સાંવરીયા...'' વિશે મેં લખ્યું છે, ''આ ગીતનું રેકોર્ડિંગ પુરુ થયા પછી સ્ટુડિયોમાં કેવો સોપો પડી ગયો હશે! કોઈ કદાચ કાંઈ બોલ્યું-ચાલ્યું પણ નહિ હોય. તાજમહલ જોયા પછી બોલવાનું કાંઈ ન હોય... સન્નાટા સાથે બસ, માણવાનું હોય, એનું અપ્રતિમ સૌંદર્ય.

...અને લતા બાઈ... લતા બાઈ! ઓહ. કોઈએ મને પૂછ્યું હતું, ''તમને છાના રાખી ન શકાય એટલું રડવું ક્યારે આવશે?'' સવાલ કડવો હતો અને મારા અંગત ફેમિલીને બાદ કરીને જવાબ આપવાનો હોવાથી હું, ''લતા મંગે...'' ડૂમો ભરાઈ જવાને કારણે નામ પણ આખું બોલી ન શક્યો. લતા વગરનું જીવવાનું તો કેવું કરૂણ હશે?

રફી સાથેના યુગલ ગીત, 'તેરે બિન સૂને નયન હમારે...' ફિલ્મમાં યુગલ ગીત નથી (રેકૉર્ડ પૂરતું એને યુગલ ગીત બનાવી દેવાયું છે.) પણ રફીએ ગાયેલા આ ગીત વિશે જાણ્યા પછી લતા એટલી તો મુગ્ધ થઈ હતી કે, પોતાને પણ આ ગીતનો બીજો ભાગ આપવા વિનંતી નહિ, હઠ પકડી હતી. ફિલ્મના દિગ્દર્શક રાખન આ તો સ્વીકારી શકે એમ નહોતા, પણ લતાનો આદર કરવા ''ઓ અનદેખે, ઓ અનજાને, છુપ કે ન ગા યે પ્રેમતરાને'' લાઈનો ઉમેરી દેવાઈ. ફિલ્મ કરતા સાઉન્ડટ્રેક પર લતાએ જરા જુદી ઢબે ગાયું છે. પોતાના અંતરાના પ્રારંભમાં લતાનું હમિંગ પણ સાંભળવા જેવું છે. એકાદી હરકત પણ મનભાવન કરી છે. એ સાંભળીને જે નૌશાદે કીધું, એમાં આપણે ય નીચે સહિ કરી આપીએ કે, ''ઐસે હી તુઝે માં સરસ્વતી નહિ કહેતે...!''

દાદા બર્મન ખુશ તો બહુ હોવા જોઈએ આ ફિલ્મ સ્વીકારતી વખતે કારણ કે, હેમંત-તલતને બાદ કરતા એ સમયના બધા ગાયકોને આ ફિલ્મમાં બોલાવીને એક એકથી ચઢીયાતા ગીતો બનાવ્યા છે. મૂકેશ-સુમન કલ્યાણપુરનું 'યે કીસને ગીત છેડા...'માં ગીટાર અને સૅક્સોફોનનો સમન્વય સાંભળો, પૂરી ફિલ્મમાં સિતારના પીસ સાંભળો કે પંડિત સામતાપ્રસાદજીના તબલાં સાંભળો, એ સહુથી ઉપર દાદા મન્ના ડે ના પૂરા જીવનની સર્વોચ્ચ કમાલ રાગ આહિર ભૈરવ પર આધારિત, 'પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ...'માં દેખાઈ જાય છે. મને એ અવસર તો જીવનપર્યંત નહિ ભૂલાય કે મન્ના દાના જુહુ ખાતેના બંગલામાં ખાસ મારા માટે દાદાએ હાર્મોનિયમ પર આ ગીત સંભળાવ્યું, ત્યારે ગીતના પ્રારંભથી જ દાદાની આંખોના ખૂણા ભરાવા માંડયા, તે અંતે પણ ન અટક્યા. આવું વેદનામય ગીત ચાલુ ગાડીએ કે દાળઢોકળી બનાવતા ન સંભળાય. એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને, ઈઝી ચેરમાં લંબાવીને અંધારું કરીને સાંભળવું જોઈએ. જે અનુભૂતિ મન્ના ડેને થઈ હતી, એમાંની ડિજિટલ તો આપણને થવી જોઈએ.

જો કે, એ જ મુલાકાત વખતે મન્ના દા ની એક વાત સમજાઈ નહોતી. આ જ સદાબહાર ગીતને પૂરી તાનો, સરગમ અને આલાપ સાથે શિવદયાલ બાતીશે બખૂબી ગાયું છે (જે ફિલ્મમાં કન્હૈયાલાલ ઉપર ફિલ્માયું છે.) પણ આ વાત નીકળતા મન્ના દાએ તો કહી દીધું, ''વો કિસને ગાયા થા... માલુમ નહિ!'' નવાઈ લાગે ને?

યસ. સુપુત્ર રાહુલદેવ બર્મન ફૂલફ્લૅજમાં આ ફિલ્મમાં દાદાને આસિસ્ટ કરે છે ને કહેવાની જરૂર પડે એમ નથી કે, આશા ભોંસલેએ ગાયેલા ક્લબ-સોંગ 'તુઝસે નઝર મિલાને કો...' પંચમની કમાલ છે.

કમાલ તો ફિલ્મના વાર્તા લેખક ડૉ. નિહારરંજન ગુપ્તાએ અસલી બતાવી છે. એમની નવલકથા 'ઉલ્કા' ઉપરથી પહેલા બંગાળીમાં આ ફિલ્મ બની હતી. પૂરી ફિલ્મ મુંબઈના દાદરમાં આવેલા શ્રી સાઉન્ડ સ્ટુડિયોમાં બની હતી. વાર્તા કંઈક આવી હતી.

ધનવાન દંપતિ રાજકુમાર (ઈશ્વરલાલ અને અચલા સચદેવ)ને લાંબા સમય પછી બાળક અવતરે છે, પણ અત્યંત કદરૂપું. ઈશ્વરલાલ કોઇ પણ હિસાબે બદસૂરતી બર્દાશ્ત કરી શકે એવો માણસ ન હોવાથી, ડૉકટર-મિત્ર (તરૂણ બૉઝ)ને સમજાવી પોતાની વાઇફને પણ મૂર્ખ બનાવે છે કે, દીકરો મરેલો પેદા થયો છે. બીજી બાજુ, ગરીબ મુસલમાન રહેમતમીયાં (કન્હૈયાલાલ ચતુર્વેદી અને પારો) પણ મોટી ઉંમરે નિઃસંતાન હોય છે. ડૉકટર પેલું કદરૂપું બાળક (અશોક કુમાર) એમને આપી દે છે, અલ્લાહની મેહરબાની સમજીને કન્હૈયાલાલ એ બાળકને ઉછેરે છે. બીજી બાજુ, ઈશ્વરલાલની પત્નીને બીજી પ્રસૂતિમાં સુંદર બાળક (પ્રદીપ કુમાર) અવતરે છે. અશોક ગરીબ અને કદરૂપો પણ ગાય છે મધુરૂં, જે સાંભળીને આશા પારેખ (ડૉ. તરૂણ બૉઝની દીકરી) એના કંઠ તરફ આકર્ષાય છે, જેને અશોક પ્રેમ સમજી બેસે છે. આશા પારેખ પ્રદીપ કુમારના પ્રેમમાં હોય છે, જેને તેનો દુષ્ટ મિત્ર (ઈફતેખાર) અને તેની કુચરીત્ર પ્રેમિકા (ઈંદિરા બિલ્લી) ફસાવીને બ્લૅક-મૅઇલ કરે છે. આવો રાઝ છુપાવી રાખવો, એ પોતાની પણ ભૂલ હતી, તેમ સ્વીકારીને મરહૂમ રહેમતમીંયાના કદરૂપા સંતાનને ડૉ. તરૂણ બૉઝ પોતાના ઘેર રાખે છે, પણ ફિલ્મના અંતે, અશોક કુમાર પોતાનો જાન ગુમાવીને આહૂતિ આપે છે. સ્ટોરીનો આ અંશ વાંચીને પૂરી ફિલ્મનો તાગ ન આવે. ફિલ્મમાં એક અશોક કુમાર જ નથી, જેની ઍક્ટિંગ જોવાની હોય. બીજો એવો જ સમર્થ કલાકાર કનૈયાલાલ ચતુર્વેદી નાનકડા રોલમાં ય છવાઇ જાય છે, જે એની આદત પણ હતી. ફિલ્મ કોઇપણ હોય, ઉત્તમ અભિનય એની સ્વાભાવિકતા હતી. અશોક-પ્રદીપનો પિતા બનતો વૃધ્ધ કલાકાર 'ઈશ્વરલાલ' '૪૦ના દાયકાની ઘણી ફિલ્મોનો હીરો અને નિર્માતા હતો. આપણો ગુજરાતી હતો ને મૂળ નામ હરિપ્રસાદ જોશી. એ ગુજરાતના વાઘણીયા ગામનો હતો. આ ગામ ક્યાં આવ્યું, એની તો મને ય ખબર નથી. ઈશ્વરલાલે ૧૯૩૫થી '૪૧ સુધીમાં 'કિમતી આંસુ', 'હોલી' અને 'ઉમ્મીદ' નામની ફિલ્મો બનાવી હતી.

ફિલ્મનો હીરો પ્રદીપ કુમાર ટીવી એક્ટ્રેસ 'બીના'નો પિતા થાય. ફિલ્મ 'સંબંધ'ના દિગ્દર્શક અજય બિશ્વાસના પ્રેમમાં પાગલ બનેલી બીનાને સમજાવવા પ્રદીપ કુમારે ખૂબ કોશિષ કરેલી કે અભિનેત્રી રાખીએ આ માણસને પતિ તરીકે કાઢી મૂક્યો હતો. પુરૂષાતનની ખામીને કારણે, પણ બીના ન માની અને એય પાછી આવી. પછી બીજે પરણેલી હાલમાં બીનાનો દીકરો સિદ્ધાર્થ બેનર્જી ફિલ્મોમાં આવવાની કોશિષ કરી રહ્યો છે.

આશા પારેખ ગાંધી જયંતિ ૨જી ઓકટોબર, ૧૯૪૨ના રોજ ગુજરાતમાં હિંદુ પિતા પ્રાણલાલ પારેખ અને મુસ્લિમ માતા સુધાને ત્યાં જન્મી હતી. કહે છે કે, ફિલ્મ 'દિલ દે કે દેખો'ના દિગ્દર્શક નાસિર હૂસેનને દિલ દઇ દીધું હોવાથી આશાએ લાઇફ-ટાઇમ મેરેજ કર્યા નથી. હાલમાં એ ૭૨ વર્ષની ઉંમરે મુંબઇમાં રહે છે.

પાકિસ્તાનના પેશાવરમાં ( ત્યાંના પઠાણો 'પિશાવર' ઉચ્ચાર કરે છે.'કવેટા'નો ઉચ્ચાર પાકિસ્તાનમાં બધા ' કોયટા' કરે છે.) ૩ મે, ૧૯૨૦ના રોજ જન્મેલી 'જોહરા જબીં' અચલા સચદેવને લોકો ફિલ્મ 'વક્ત'ને કારણે યાદ કરશે. સારી અને સુંદર મમ્મીના રોલમાં એ સુલોચના લટકારની બરોબરીએ હતી. ધોળીયા ક્લિફર્ડ ડગ્લસ પીટર્સને પરણેલી અચલાનું મૃત્યુ ગરીબી અને હડધૂતીમાં થયું હતું.

અમિતાભ બચ્ચનનો ખૂબ માનિતો હોવાથી 'શોલે', 'ડૉન' અને 'દીવાર'માં યાદગાર રોલ કરી જનાર ચરીત્ર અભિનેતા ઈફતેખાર જૂના જમાનાની હીરોઇન અને 'પાકીઝા'માં મીના કુમારીની બહેન બનનાર વીણાનો સગો ભાઇ હતો.

મારૂતિ રાવ ખૂબ સારો કૉમેડીયન અને દારા સિંઘની ફિલ્મોથી આગળ વધી ન શક્યો, એમાં તેનું હદ ઉપરાંતનું 'પીવાનું' કારણભૂત હતું. એની ગોળમટોળ દીકરી ગુડ્ડી મારૂતિ પણ જલ્દી હવાઇ ગઇ.

આ કૉલમમાં સ્પષ્ટપણે ખરાબ ફિલ્મો ન જોવા માટે વાચકોને ચેતવવામાં આવે છે, પણ આવી સુંદર ફિલ્મ 'મેરી સુરત, તેરી આંખે' જોવાની પણ જીદના લૅવલની ભલામણ કરૂં છું.

No comments: