Search This Blog

04/11/2015

કિશ્તી કા ખામોશ સફર હૈ...

(Go to Part I)
(Part II)

કિશ્તી કાર્ડ તો લઇ ગઇ હતી, પણ એનો ફોન ન આવ્યો. ગઇ કાલની ઘટનાને પૂરા ૧૮ કલાક થવા આવ્યા તા, છતાં - આઈ મીન, પ્રેમોમાં ૧૮ કલાક તો બહુ લાંબો સમય કહેવાય. ભૂપ્પીએ કિશ્તીનું કાર્ડ લીધેલું નહિ, એટલે એ ક્યાં રહે છે, એનો સેલ નંબર શું છે કે, ફરી એને ક્યારે અને ક્યાં મળવાનું છે, એ બધી મૂંઝવણો અકળાવતી હતી. ફરીથી એ જ ટાઈમે પેલા શૉપિંગ-મૉલમાં જઇને રાહો જોવાનો ય કોઈ અર્થ નહતો. કિશ્તીને મળવાની લ્હાયોમાં નેલ્હાયોમાં હાળું કોક બીજું હોડકું ભટકાઈ જાય તો... તો, પકડાયા પછી આપણને તો તરતા ય આવડતું નથી.

ભૂપ્પી આખી રાત સૂતો નહિ, એવું કહીશ તો તમે તરત માની જવાના છો, કારણ કે, આવામાં આખી રાત તો શું, દોઢ દોઢ રાતો સુધી ઊંધો ન આવે. ભૂપ્પી રાત્રે ત્રણ વાગે પણ ડીમ લાઈટની અંધારી છત તરફ જોયે રાખતો હતો. પડખા બદલી બદલીને ખભા દુઃખી ગયા હતા. મારવાડી મજૂર ભૂલમાં કંતાનનો ભરેલો કોથળો ભૂલી ગયો હોય, એમ ભૂપ્પીની વાઈફ પોટલા આકારે કાયમ બાજુમાં સુતી. તે ભૂપો ય કાંઈ અફઘાનિસ્તાનના આરબની જેમ ઠાઠમાઠથી નહોતો સૂતો. એની સુવાની સ્ટાઇલ જગતમાં બીજે જોવા ન મળે. એ ભર ઊંઘમાં હોય, ત્યારે જમણો એક પગ... (અશોક દવે, જમણો એક જ પગ હોય... કોઈને બબ્બે-તત્તણ જમણા પગો ન હોય... જરા ભાષાજ્ઞાન સુધારો !) ભીંત ઉપર ઊંચો કરીને ચોંટાડી રાખ્યો હોય. બીજા પગનો ઢીંચણ હોય ભલે ઊંચો, પણ એ તબક્કે-તબક્કે આઘોપાછો થતો રહે-મૂળ ધરી ઉપર ખોડાયેલો ન હોય. એક હાથ ઉઘાડા પેટને આખી રાત પંપાળતો જાય ને બીજા હાથમાં મોબાઈલ પડયો રહેતો. વાઈફના ઘોંટાઈ ગયા પછી જ 'વૉટ્સઍપો' જોવાના હોય !

વાઈફનું એક સુખ હતું. એક વાર એ ઊંઘમાં આવી ગઈ, પછી પલંગ સાથે એને બાવળના ખેતરમાં મૂકી આવો, તો ય અડધે રસ્તે ઉઠે-જાગે નહિ. ઇશ્વર કરે, આવી વાઈફો સહુને મળે તો દુનિયાનો કોઈ ગોરધન તરસ્યો-પ્યાસો ન રહે. કિશ્તીના ખ્યાલોમાં ઊંઘ ન આવે, એટલે અડધી રાત્રે એ ફ્લૅટના કમ્પાઉન્ડની લોનમાં આંટો મારી આવ્યો.આવું કાંઈ હોય તો ગાર્ડનમાં મુહમ્મદ રફીનું કયું ગીત નોર્મલી ગવાય છે, એ એને યાદ નહોતું આવતું. એટલે ન છૂટકે, 'હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમુનાજી' હળવે કંઠે લલકારવા લાગ્યો. કોક વળી બીજા માળે જાગતું હશે, એણે બાલ્કનીમાં આવીને પાંચ રૂપિયાનો સિક્કો ફેંકતા કીધું, 'બાબા... જરા આગે જાકે ભીખ માંગો... યહાં સબ સો રહે હૈ...'

'તારી ભલી થાય ચમના... હું તને ભિખારી જેવો લાગું છું ?'

અલબત્ત, જાગૃત અવસ્થામાં ય પડોસીએ એને દિવસે જોયો હોય તો ય ભૂપ્પી લાગવાનો હતો તો ભિખારી જ. ફ્લૅટના કમ્પાઉન્ડમાં ભૂપ્પી રોજ ચડ્ડા-સદરામાં જ ફરતો હોય, એટલે આ યુનિફોર્મમાં એ કાંઈ બિલ ગેટ્સ તો નથી જ લાગવાનો ને ? આ તો એક વાત થાય છે. દોઢેક મહિનો જતો રહ્યો હશે ને કિશ્તી તરફથી કાંઈ આવ્યું નહિ. એટલે ભૂપ્પીએ કેસ માંડવાળ કરવાનું સમજોને... નક્કી કરી લીધું, પણ એ પછી કિશ્તીનો ફોન આવ્યો. એ વાત જુદી છે કે, ફોન ઉપાડયો ભૂપ્પીની વાઇફ જુગલીએ. જુગલીના શરીરના અવયવોમાં સૌથી વધુ વિકાસ એના બ્રેઇનનો થયો હતો. નોર્મલી, કોઈ સ્ત્રી એટલી સ્ટુપિડ ન હોય કે, ભૂપલાને ફોન તો શું ગલીપચી ય કરે, પણ ભૂપ્પીને બદલે જુગલીએ ફોન ઉપાડયો હોવાથી કિશ્તી પલભર મૂંઝાઈ ગઈ, ને તો ય સ્વસ્થતા રાખીને જુગલીને પૂછ્યું, 'મેડમ, અમારી કમ્પની ઓટોમેટિક રોટલી વણવાનું મશિન બનાવે છે, તો તમે...'

જુગલીએ ફોન કટ કરી નાંખ્યો. ભૂપલો બાજુમાં જ બેઠો હતો એ ય અકળાયો ને સલાહ આપી, 'આવીઓના ફોન આવે તો કહી જ દેવાનું, અમને આવા ફોનો નહિ કરવાના !'

ને તો ય, ધીરજ ધરીને કિશ્તીએ અડધો કલાક પછી ફરી ફોન કર્યો. ખાત્રી થઇ કે અવાજ ભૂપ્પીનો જ છે એટલે, 'ભૂપ્પી... કિશ્તી બોલું છું. આજે સાંજે ૪ વાગે એ જ મોલમાં આવી જા... મૂકું છું.' કહીને ફોન કાપી નાંખ્યો.

'હાઆઆઆ...શ ! કિશ્તુનો ફોન આવ્યો ખરો... હૂર્રેહૂર્રે...!'

અત્યારે બપોરે સવા બાર થયા હતા અને ભારતીય ઘડિયાળોનો પ્રોબ્લેમ એ છે કે, એમાં રોજે રોજ સાડા ચાર ફક્ત સાડા ચાર વાગે જ વાગે છે. કલાક-બે કલાક વહેલા કોઈ દિવસ વાગતા નથી. ભૂપ્પીને દુનિયાભરની ઘડિયાળો ઉપર નફરત થઇ ગઇ. 'આ તે સાલી કોઈ ઝીંદગી છે...?' એ, ઝીંદગી નહિ, 'સાલી ઝીંદગી' ઉપર ગાલિબનો કોઈ શે'ર યાદ કરવા માંડયો, ન આવ્યો એટલે મનમાં એક મસ્ત ગાળ બોલીને એટલો ટાઈમ પસાર કરી નાંખ્યો. જુગલી બપોરે તો ઘેર હોય નહિ, એટલે સૉલ્લિડ તૈયાર થવામાં ભુપ્પીએ વીસ મિનિટમાં જીંદગી ખર્ચી નાંખી. બે વાર તો દાઢા કર્યાં. (વાચકોની જાણ સારૂ : એક વાર કરી હોય તો 'દાઢી કરી' કહેવાય. સૂચના પૂરી)

શૉપિંગ મૉલ પર કિશ્તી રાહ જોઇને જ ઊભી હતી. ગભરાયેલી હતી. ભૂપ્પીના આઘાત વચ્ચે કિશ્તી એના હાથમાં એક ચિઠ્ઠી પકડાવીને જતી રહી, એટલું જ બોલી, 'કોઈ જુએ નહિ, એમ વાંચજે'. કિનારો છોડતી કિશ્તીને ભૂપ્પી જોઇ રહ્યો.

આવા ચિઠ્ઠા વાંચવા તો સીધું પબ્લિક ટોઇલેટમાં જ જવાનું હોય ને ? ભૂલમાં ભૂપ્પો 'લેડીઝ' વૉશરૂમમાં ઘૂસવા જતો હતો, પણ સામેથી બે-ત્રણને આવતી જોઇએ એટલે, 'ઓહ... સૉરી' કહીને બાજુના 'જૅન્ટસ'માં જતો રહ્યો. થૅન્ક ગૉડ કે, મોટા ભાગે બપોરોમાં બોપલ બાજુના પૂરૂષોને બહુ ટૉઇલેટો લાગતી નથી, એટલે મોટાભાગના ખાલી હતા.પસંદગીને બહોળો અવકાશ હતો. જે ગમ્યું, એમાં ભૂપ્પી ઘુસી ગયો.

એમાં કિશ્તીનું ઍડ્રેસ લખ્યું હતું અને બીજે દિવસે બપોરે ઍકઝૅક્ટ ૧૨.૩૦ વાગે કિશ્તીએ ભૂપ્પીને એના ઘેર બોલાવ્યો હતો. માય ગૉઓઓઓ...ડ ! બાત યહાં તક પહુંચનેવાલી હૈ... ? આહ...આહ...ઓહ' ભૂપ્પીને કિશ્તીની બ્લન્ટ-હૅરસ્ટાઇલ યાદ આવી અને ટોઈલેટમાંથી બહાર નીકળવાનું ય ભૂલી ગયો. એ તો દરવાજા ઉપર કોઈકે વળી ધમાધમી કરી, એટલે એ જાગ્યો ને 'સોરી' કહીને બહાર નીકળ્યો.

બીજે દિવસે પહોંચી ગયો. ઝાંપાનો કિચૂડ-કિચૂડ અવાજ ભૂપ્પીથી સહન થયો, એના કરતા ફફડાટ વધુ થયો. આવામાં તો ચૂપકે-ચૂપકે દાખલ થવાનું હોય. કિશ્તી અડધું બારણું ખોલીને ગભરાયેલા ચેહરે બધું જોતી હતી. ઇશારો કરીને એણે ભૂપ્પીને અંદર બોલાવી લીધો.

'કિશ્તુ... આટલા દિવસથી તેં મને ફોન કેમ---' કિશ્તીએ પોતાના નહિ પણ ભૂપ્પીના બન્ને હોઠ ઉપર પોતાની પહેલી આંગળી દબાવીને કાંઈ પણ બોલવાની ના પાડી. જો કે, સ્પ્રિન્ગ દોઢ મહિનાથી દાબેલી હતી, એટલે ભૂપ્પીએ પહેલું કામ કિશ્તીના બ્લન્ટ-શૅમ્પૂ કરેલા વાળ ઉપર પોતાનો હાથ ફેરવી લીધો, પણ તરત ઝટકો મારીને કિશ્તીએ દબાયેલા અવાજે કહ્યું, 'ભૂપ્પી... એ બધું પછી ! મારો હસબન્ડ કોઈ બી સૅકન્ડે આવી જશે. તારે જલ્દી ભાગવાનું છે... પણ એ પહેલા (આ વખતે કિશ્તીએ સામેથી ભૂપ્પીની હથેળી પોતાના હાથમાં અમૃતાંજન ઘસતી હોય, એવી સુવાંળપથી ઘસી અને તો ય ગભરાતા કંઠે બોલી) ભૂપ્પી... એક દોસ્ત તરીકે મારી મદદ કરીશ ?'

દ્રષ્ટિ કિશ્તીના વાળ પર પડી, એટલે ભૂપ્પીએ કહી દીધું, 'જાન આપવા ઉપરાંતનું ય બીજું કાંઈ કામ હોય તો બોલ...' સોફા પર પોતે તો બેઠી ને હાથ પકડીને ભૂપ્પીને ય બિલકુલ બાજુમાં જ બોસાડતા કિશ્તી બોલી, 'મારા હસબન્ડને કૅન્સર છે... છેલ્લા સ્ટેજનું. અત્યાર સુધી બધા પૈસા એની દવાઓ અને ઈલાજમાં જ ખર્ચાઈ ગયા છે. ભૂપ્પી, મારે ફક્ત ૧૮ દિવસ માટે રૂ. ૪૦ લાખની જરૂર છે. ઓપરેશન તાબડતોબ કરાવવું પડે એમ છે. ૧૮ દિવસ પછી મારો બોપલમાં રૂ. ૬૧ લાખનો બંગલો વેચવાનો છે. બા'નું આવી ગયું છે. આ રહ્યા કાગળીયા. ૧૯-મે દિવસે તને પૈસા પાછા. વ્યાજ તું માંગે એટલું. બસ, એક વાર મારા હસબન્ડને ઊભો થઇ જવા દે... એ બહુ સીધો માણસ છે. 'મને મરવા દેજે, પણ કોઇની પાસે રૂપિયા માટે ય હાથ લાંબો ન કરીશ,' એવી યાચનાઓ એણે મને કરી છે. પણ એમ કાંઈ આવા સારા માણસ માટે પૈસા કે સિધ્ધાંતો જોવાય ? ભૂપ્પી, મને આજે ને આજે પૈસા લાવી દે... બસ, પછી હું તારી જ છું.' કિશ્તીએ સાચ્ચે જ ફૂલ-બ્લડેડ હગ (આલિંગન) આપતા કહ્યું. અત્યારે ભૂપલો એવો ઉપડયો હતો કે, એટલી એક હગના ય ૪૦ લાખ ચૂકવવા પડે તો ય મંજૂર છે, બૉસ !

તો ય એ હવે મૂંઝાયો. ૪૦ લાખ કોઈ નાની રકમ તો ન કહેવાય, ભલે એ વર્ષે ૬૦૦ કરોડનો ધંધો કરતો માણસ હતો. પણ ૧૮ દિવસના ૪૦ લાખના રોકાણમાં ૪૦૦૦ કરોડની કિશ્તી મળવાની હતી, પછી પૈસાની સામું ન જોવાય... ઘેર બેઠેલી જુગલીને એના બાપ પાસે પાછી જમા કરાવવા જાઓ, તો ડોહો ૪૦ રૂપિયા ય ના આલે ! પણ આ સાલીની શું બ્લન્ટ હૅરસ્ટાઇલ છે ! આખું ફિગર જોયા પછી ભૂપ્પીની ઉંમર ૪૫માંથી સીધી ૨૩ની થઇ ગઈ.

૪૦ લાખ ભેગા કરવા એને માટે એક જ ફોનનું કામ હતું... કર્યો અને માણસ પૈસા આપી ગયો... કૅશ !

'ઓહ ભૂપ્પી... યૂ આર ગ્રેટ...! આ કાન્ટ ફરગૅટ યૂ, ડાર્લિંગ !' એક બીજું હગ.

'ધૅટ્સ ઑકે... પણ કાલે ક્યાં મળીશું, માય લવ ?' ભૂપી ૪૦ લાખની રીસિપ્ટ માંગતો હોય એવા અંદાજથી પૂછી લીધું.

'બસ, અહીં જ ડાર્લિંગ.' કાલે તું સીધો અહીં મારા ઘેર જ આવજે. મારો હસબન્ડ હોસ્પિટલમાં હશે. પણ અત્યારે તું જા. કાલે બપોરે ઍઝેક્ટ ૧૨ વાગે... ઓકે ?'

'યસ... કોનું કામ છે આપને ?' દરવાજો ખોલનારે સ્ત્રીએ પૂછ્યું. ખોટું બોલવાનો અર્થ અને જરૂરત નહોતી, ભૂપ્પીએ વિનમ્રતાથી કીધું, 'જી...કિશ્તી-'

'ઓહ... તો તમને ય ફસાવ્યા...? She is a bloody fraud... (એ કરૂબાજ છોકરી છે.) કોક ઓળખાણ લઇને કાલે જ મારા ઘરે આવી. એ કાંઈ પરણેલી-બરણેલી નથી. ગભરાયેલા અવાજે મને જલ્દી જલ્દી થોડા પૈસા આપીને કૅમિસ્ટ પાસે એના હસબન્ડની દવા લેવા મોકલી, જે દવા બજારમાં બનતી જ નથી. હું દવા લેવા ગઇ. એ ટાઈમે એણે તમને અહીં બોલાવ્યા. એણે તમને આ ઘર પોતાનું કીધું હશે. એ અહીં રહેતી જ નથી. અમદાવાદમાં ય નહિ... એ તો ગઇ કાલે રાત્રે જ કોક રીક્ષામાં બેસીને, 'હોસ્પિટલ જવાનું કહીને નીકળી ગઈ. મારા હસબન્ડ પાસેથી વીસેક હજાર લઇ ગઈ... તમારા ય ૨૦-૨૫ હજા તો ગયા હશે ને ?''

''૪૦ લાખ બોલ, બેન... ૪૦- લાખ ! ૨૦-૨૫ હજાર નહિ !''

બન્ને આંખોમાં આંસુની ધાર સાથે ભૂપ્પીને ગાલિબનો કોઈ શે'ર યાદ કરવો હતો, પણ આવતો નહતો...

સિક્સર
- આ સૅલ્ફી તમારો છે ?
- સ્ટુપિડ... આ સૅલ્ફી નથી. કોઇ શહીદના કાળા બાવલાનો ફોટો મેં પાડયો છે.

No comments: