Search This Blog

27/11/2015

'આધી રાત કે બાદ' ('૬૫)

અશોક કુમાર વન મેન શો

ફિલ્મ : 'આધી રાત કે બાદ' ('૬૫)
નિર્માતા : રાજન હકસર
દિગ્દર્શક : નાનાભાઈ ભટ્ટ
સંગીત : ચિત્રગુપ્ત
ગીતકારો : પ્રેમ ધવન-આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : (અમદાવાદ) ખબર નથી.
કલાકારો : અશોકકુમાર, રાગિણી, શૈલેષકુમાર, આગા, ઉલ્હાસ, મુરાદ, રાજન હકસર, પદ્મા ચવ્હાણ, રણધીર, જાનકી દાસ, સજ્જન, મજનુ, કુંદન, બાલમ અને નયના.

ગીતો
૧.બડી રંગીન હૈ રંગૂન કી યે શામ લતા મંગેશકર
૨.મુખડે પે તેરે બીજલી કી ચમક... ચલ થમ કે જરા મુહમ્મદ રફી
૩.ઓ ગોરી તોરી બાંકી, બાંકી ચિતવન સે ઉલઝ કે જીયા મન્ના ડે
૪.બહોત હંસિ હૈ, તુમ્હારી આંખે, કહો તો મૈં સુમન કલ્યાણપુર-રફી
૫.કાફિર નઝર ટકરાઈ, દિલ કી હુઈ રૂસવાઈ આશા ભોંસલે-રફી
૬.મેરા દિલ બહારોં કા વો ફૂલ હૈ, જીસે ગુલસિતાં સુમન કલ્યાણપુર 
છેલ્લા બે ગીતો આનંદ બક્ષીના... બાકીના પ્રેમ ધવનના છે.

'અશોક કુમાર... સિર્ફ નામ હી કાફી હૈ...' અહીં હું મારી વાત નથી કરતો, પૂજનીય દાદામોની અશોક કુમારની વાત કરું છું. તમે જરા જુઓ તો ખરા કે, '૫૦ થી '૭૦ના દાયકાઓમાં એમણે એવી એવી ઘટીયા ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં પ્રેક્ષકોને દાદામોની તો પૂરા સદભાવથી ગમ્યા અને યાદ રહી ગયા હોય. 'મિસ્ટર એક્સ' અને 'આધી રાત કે બાદ' જેવી ફિલ્મો વિશે તમારો અભિપ્રાય ગમે તે હોય,

અશોક કુમાર માટે કોઈ ફરિયાદ ન હોય. એ બિમલ રૉયની ફિલ્મમાં કામ કરતા હોય કે છેલ્લા પાટલાના આપણા ગુજરાતી દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટની ફિલ્મમાં કામ કરતા હોય.. કામ બિમલ રૉયની ફિલ્મો જેવું જ આપવાનું... ને માટે એ હિંદી ફિલ્મોના આજ સુધીના સર્વોત્તમ એકટર કહેવાયા ! હીરો તમને કોઈ પણ ગમતો હોય, પણ એક એક્ટર તરીકે એમના મૂલ્યાંકનમાં વાળસરીખી ય ભૂલ કાઢી ન શકો.

'આધી રાત કે બાદ' બનાવી તો હતી, પેલા લાંબા, ગોરા અને ટાલીયા ખલનાયક રાજન હકસરે, પણ દિગ્દર્શન સોંપ્યું નાનાભાઈ ભટ્ટને ! આ નાનાભાઈ (સાચું નામ યશવંત ભટ્ટ : જન્મ તા. ૧૨ જૂન, ૧૯૧૫ - પોરબંદર : મૃત્યુ ૨૪ એપ્રિલ, ૧૯૯૯-મુંબઈ) પણ એક કમાલની ચીજ હતા. (આજના વિવાદાસ્પદ માણસ અને દિગ્દર્શક મહેશ ભટ્ટના એ પિતા થાય !) આવી 'સી' કે 'ઝેડ' ગ્રેડની ફિલ્મો બનાવવામાં એમનું નામ મોટું હતું. મુંબઈના એક સાથે ૩-૪ સ્ટુડિયોમાં એમની જુદી જુદી ફિલ્મોના શૂટિંગ્સ ચાલતા હોય.

દરેક સ્ટુડીયોમાં પોતાની ફિલ્મના સેટ પર અડધો કલાક માંડ બેસીને પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને બાકીનું શૂટિંગ પૂરું કરવા સમજાવતા જાય. ક્યારેક તો ભૂલી ય જતા કે, આજે કયા સ્ટુડિયોમાં કઈ ફિલ્મનું શૂટિંગ છે ! એક વાતની ક્રેડિટ એમને ચોક્કસ મળે કે, ૧૯૪૨-માં પોતાની પહેલી ફિલ્મ 'મુકાબલા' (જેમાં કોમેડિયન આગા હતો. એક વાત સાહજીકતાથી સાંભળી લઈને હા-એ-હા કર્યા પછી ''હેં'' કરીને તરત ચોંકવાની હોલીવુડના બોબ હોપની મેનરિઝમ આગાએ અપનાવી હતી.) પછી હિન્દી ફિલ્મોમાં 'ડબલ રોલ' શરૂ કરાવનાર નાનાભાઈ હતા.

અશોક કુમારની જ 'મિસ્ટર એક્સ'માં (ભલે હોલીવુડમાંથી ચોરેલી) દવા પી ને અદ્રશ્ય થઈ જવાની ફેન્ટસી વાર્તાઓ ઉપરથી આ ફિલ્મ 'આધી રાત કે બાદ' એમણે બનાવી હતી. એ જમાના અને એમણે ઉતારેલી ફિલ્મોના સ્ટાન્ડર્ડ પ્રમાણે એક ફિલ્મ સારી બનાવી હતી. અશોક કુમાર-નિરૂપા રૉયની ફિલ્મ 'કંગન' (જેમાં લતાનું ગીત, 'મુસ્કુરાઓ કે જી નહિ લગતા...') એમ તો, 'ન કિસી કી આંખોં કા નૂર હૂં' અને 'લગતા નહિ હૈ દિલ મેરા...' એ રફીની બંને રચનાઓવાળી ફિલ્મ 'લાલ કિલ્લા' પણ એમણે દિગ્દર્શિત કરી હતી.

મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટના પિતા નાનાભાઈ હતા, પણ માતા શીરીન મુહમ્મદઅલી (દાઉદી વોહરા) હતી. શીરિન એક જમાનામાં 'બમ્બઈ કી સેઠાની', 'ખ્વાબ કી દુનિયા', 'સ્ટેટ એક્સપ્રેસ' અને 'પાસિંગ શો' જેવી ફાલતુ ફિલ્મોમાં ચમકી હતી. શીરિન અને પૂર્ણિમા સગી બહેનો. બંને મુસ્લિમ હતી. શીરિનના ત્રણ દીકરા મહેશ, મૂકેશ અને રોબિન. બહેનો ય ખરી. પૂર્ણિમા (મેહર બાનુ) એ તો અંદાજીત ૭૦-૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું.

એના પિતા રામ શેશાદ્રી આયંગર બ્રાહ્મણ હતા અને મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈનું એકાઉન્ટ્સ સંભાળતા હતા. એની પહેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ 'રાધેશ્યામ' હતી અને હિંદી ફિલ્મમાં એ ભારત ભૂષણ અને શશીકલાની ફિલ્મ 'ઠેસ'માં સેકન્ડ હિરોઈન હતી. (આ ફિલ્મમાં તદ્દન 'રેર' કહી શકાય એવું મારું માનિતું ગીત, 'બાત તો કુછ ભી નહિ, દિલ હૈ કે ભર આયા હૈ' રહી-મૂકેશે ગાયું હતું.) અલબત્ત, 'ઠેસ' પહેલા ય એણે બે હિન્દી ફિલ્મો અને એક ગુજરાતી ફિલ્મ 'સાવકી મા'માં કામ કર્યું હતું.

ભારત ભૂષણ સાથે ફિલ્મ 'પૂજા' (રફીનું 'ચલ ચલ રે મુસાફિર ચલ, તુ ઈસ દુનિયા સે ચલ' અને 'હોલી આઈ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચૂનરીયા હમાર') ઉપરથી આશા પારેખ અને રાજેશ ખન્નાની ફિલ્મ 'કટી પતંગ' બની હતી. પૂર્ણિમાનો પુત્ર અનવર હાશમી મીના કુમારી - ધર્મેન્દ્રની ફિલ્મ 'બહારોં કી મંઝિલ'માં ફરિદા જલાલના પ્રેમીનો રોલ કરે છે. આ અનવરનો પુત્ર એટલે આજનો હીરો ઈમરાન હાશમી.

થોડી ઘણી ફિલ્મોમાં એ હીરોઈન બની, પછી ઉંમર દેખાવા માંડતા એ હીરોલોગની માં ના રોલમાં આવવા માંડી. અન્ડરવર્લ્ડ પર ઉતારેલી ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' અને બીજી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' બનાવનાર નિર્માતા મિલન લૂથરીયા આ શીરિનની બીજી બહેનનો પુત્ર થાય. રાહુલ ગાંધી કે આલીયા ભટ્ટ વિશે તમે ગમે તેટલી ઉદારતા રાખો... એ બંને ક્યાંક તો લોચો મારવાના જ, જેમ કે ઈમરાન હાશમી આટલો નજીકનો સગો થતો હોવા છતાં આલિયાને એ ખબર નહતી કે ઈમરાન હાશમી એનો સગો છે. મહેશ ભટ્ટની બીજી પત્ની અને આલિયાની 'મોમ' સોની રાઝદાન અડધી જર્મન છે. એની માં ગર્ટૂડ હોલ્ઝર જર્મનીની અને પિતા એન. રાઝદાન કાશ્મિરી પંડિત હતા.

નામ પ્રમાણે મહેશની પહેલી પત્ની ય ગુજરાતી હશે એવું માની લેવાની જરૂર નથી. લોરેન બ્રાઈટ પરણીને કિરણ ભટ્ટ બની હતી. ૧૯૭૦માં મહેશ ભટ્ટ પરવિન બાબીના પ્રેમમાં પડયો ત્યારે કિરણ છૂટી થઈ ગઈ. પૂજા ભટ્ટ અને બોડી બિલ્ડર રાહુલ એના સંતાનો હતા. 'કબ્ઝા' અને 'સડક' ફિલ્મો બનાવનાર મુકેશ ભટ્ટ ફિલ્મોમાં આવ્યો ત્યારે સ્મિતા પાટિલ અને વિનોદ ખન્નાનો સેક્રેટરી હતો.

ત્રીજા નંબરના ભાઈ રોબિન ભટ્ટ એક માત્ર ભટ્ટ છે જે કોઈ વિવાદોમાં ફસાયા નથી. એમણે અનેક ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવા ઉપરાંત નાનકડા રોલ પણ કર્યા છે. તેઓ અમદાવાદ અનેક વખત આવે, ત્યારે મારે મળવાનું થયું છે.
--------
'૬૦ના દાયકાની ફિલ્મોમાં પરદેશ એટલે રંગૂન (બર્માની રાજધાની અને આજનું મ્યાનમાર... ત્યાંનો ઉચ્ચાર 'મ્યાંમા' છે. 'ર' સાયલન્ટ...) બહુ મોટું નામ કહેવાતું. ફિલ્મોમાં હીરો-હીરોઈનો અવારનવાર રંગૂન જવાની વાતો કરતા હોય ને જાય પણ ખરા. પણ કેમેરા અને કલાકારોને ત્યાં લઈ જઈને શૂટિંગ કરાવવું મોઘું પડતું, એટલે મુંબઈના સ્ટુડિયોમાં જ રંગૂનના સેટ્સ ઊભા કરી પ્રેક્ષકોને ઉલ્લુ બનાવાતા. અત્યારે હાસ્યાસ્પદ લાગે,પણ એ જમાનાના હીરો બ્લેક શૂટની નીચે વ્હાઈટ શૂઝ પહેરતા.

શૈલેષ કુમાર હેન્ડસમ હીરો હતો. પણ મીના કુમારી - રાજ કુમારવાળી ફિલ્મ 'કાજલ' પછી ક્યાં ખોવાઈ ગયો, તે આજ સુધી કોઈ જાણતું નથી. પ્રારંભમાં અશોક કુમારની પ્રેમિકા બનતી સાઈડ હિરોઈન નવોદિત નયના છે. એ પછી કોઈ ફિલ્મમાં દેખાઈ હોવાનું જાણમાં નથી. ફિલ્મની હિરોઈન સ્વ. રાગિણી છે. જે 'જીસ દેશ મેં...' વાળી પદ્મિનીની બહેન થાય. ત્રીજી બહેન લલિતાને ગણીને સાઉથમાં આ ત્રણે બહેનો 'ત્રાવણકોર-સિસ્ટર્સ' તરીકે ઓળખાતી. શાસ્ત્રીય નૃત્યોમાં એમનો કોઈ સાની નહતો. રણધીર દારૂડિયા અને શૈલેષ કુમારનો દોસ્ત બનતો ઈન્ડિયાનો પોલીસ ઈન્સ્પેક્ટર બાલમ છે.

કુંદન એ જમાનાનો સાઈડી એક્ટર હતો. આ ફિલ્મમાં તે શૈલેષ કુમારનો રંગૂનસ્થિત પોલીસ ઈન્સ્પેક્ટર દોસ્ત બને છે. આગાની પ્રેમિકા બનતી છોકરી પદ્મા ચવ્હાણ છે, જેને તમે કમલ હાસનની ફિલ્મ 'સદમા'માં વેશ્યાના રોલમાં જોઈ છે. ઋષિકેશ મુકર્જીની ફિલ્મ 'નરમ ગરમ' અને ગુલઝારની 'અંગૂર'માં ય આ મરાઠી અભિનેત્રી હતી.

તમને જૂની યાદોમાં લઇ જવા એ પણ જણાવી દઉં કે, આ વર્ષે અમદાવાદના કયા થીયેટરમાં કઇ ફિલ્મ ચાલતી હતી. કૃષ્ણમાં રાજેન્દ્ર-વૈજુનું 'ઝીંદગી', મોડેલમાં જોય મુકર્જી-આશા પારેખનું 'ઝીદ્દી', પ્રકાશમાં અશોક કુમાર, નંદા, ધર્મેન્દ્ર અને નિમ્મીનું 'આકાશદીપ', રીલિફમાં દેવ આનંદ-વહિદાનું 'ગાઈડ', લાઈટ હાઉસમાં મેહમુદ-તનુજાનું 'ભૂત બંગલા', એલ.એન.માં અશોક કુમાર, ધર્મેન્દ્ર, તનુજાનું 'ચાંદ ઔર સૂરજ', અલંકારમાં નંદા-મનોજનું 'ગુમનામ', (એના પછી શમ્મી કપૂર-રાજશ્રીનું 'જાનવર' આવ્યું હતું.),

રીગલમાં આઈ.એસ. જોહર-મેહમુદનું 'જોહર-મેહમુદ ઈન ગોવા', રૂપમમાં રાજ કુમાર, મીના કુમારી, ધર્મેન્દ્રનું 'કાજલ', નોવેલ્ટીમાં નૂતન-સુનિલ દત્તનું 'ખાનદાન', અશોકમાં પૃથ્વીરાજ કપૂર, દારાસિંઘ-નિશીનું 'લૂટેરા', કલ્પનામાં (જૂની સિનેમા 'ડી ફ્રાન્સ)માં મેહમુદ-અમિતાનું 'નમસ્તેજી', આમ તો એડવાન્સમાં માત્ર ઈંગ્લિશ ફિલ્મો આવતી, પણ ફોર એ ચેઈન્જ... આ વખતે કિશોર કુમાર-કુમકુમનું 'શ્રીમાન ફન્ટુશ' મુકાયું હતું અને લક્ષ્મીમાં સુનિલ દત્તનું કદાચ વર્લ્ડ રેકોર્ડ કરનારી ફિલ્મ 'યાદેં' હતી. આખી ફિલ્મમાં એ પોતે એક જ પાત્ર છે. બીજી કોઈ વ્યક્તિ નહિ. પણ સરવાળો કરવા બેસીએ ત્યારે ખબર પડે કે '૬૦ના દશકની ફિલ્મોનો અસલી સુપરસ્ટાર દારાસિંઘ હતો.

દર ફિલ્મે ચોથી ફિલ્મ એની જ હોય. આ જ વર્ષે આવેલી લતાના બે મધુર ગીતો અને વસંત દેસાઈના સંગીતમાં એક ફિલ્મ 'અમર જ્યોતિ' ક્યારે આવી ને જતી રહી, તે અમદાવાદમાં કોઈને ખબર પણ ન પડી. ''કલ્પના કે ઘન બરસતે, ગીત ગીલે હો રહે, ભાવ રિમઝીમ કર રહે હૈં, સ્વર રસીલે હો ગયે'' (મહેન્દ્ર કપૂર સાથે) અને બીજું લતા અને કોરસનું ખૂબ મસ્તીથી છેડાયેલું, 'ઝનઝનઝન ઝન ઝન ઝન બાજે પાયલિયા, કૈસે આઉં છલીયા' હું સદીઓથી શોધું છું ને મળતું નથી.

ફિલ્મ 'આધી રાત કે બાદ'માં કોમેડિયન આગા (આગાજાન બેગ) પર ફિલ્માયેલું મન્ના ડે નું 'ઓ ગોરી તોરી બાંકી બાંકી ચિતવન સે ઉલઝ કર...' ચિત્રગુપ્તની બેમિસાલ કમાલ છે. આગાની દીકરી શાહિ મેહમુદના સગા ભાઈ શૌકતને પરણી હતી. જોકે, અગાઉ તો શૌકત સાથે મેહમુદની અમેરિકન પત્ની ટ્રેસીની બહેન સાથે નક્કી કરવાનું હતું. એ પછી હીરો ફિરોઝ ખાનની બહેન સાથે શૌકતનું સમજો ને... ઓલમોસ્ટ નક્કી થઇ ગયું હતું.

ફિરોઝને પણ શૌકત ગમતો હતો, પણ ફિરોઝ ખાન શિયા મુસ્લિમ અને મેહમુદનો પરિવાર સુન્નિમાં આવતો હોવાથી વાત પડી ભાંગી. એટલે આગાની છોકરી સાથે મેહમુદના ભાઈના લગ્ન થયા. શમ્મી કપૂરને પહેલી ફિલ્મ આપનાર અને ફિલ્મ 'અભિમાન' ઉતારનાર દિગ્દર્શક મહેશ કૌલનો જ્યોતિ સ્વરૂપ ભત્રીજો હતો. (જ્યોતિ ફિલ્મ 'પડોસન', 'છોટે નવાબ' અને વિશ્વજીતવાળી ફિલ્મ 'બિન બાદલ બરસાત' કે નવિન નિશ્ચલ હીરો અને અમિતાભ જેમાં વિલન હતો તે ફિલ્મ 'પરવાના' જેવી બીજી થોડી ફિલ્મોનો દિગ્દર્શક હતો.) મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (ઉર્ફે શાનો) ફિલ્મ 'દો રોટી'ના દિગ્દર્શક ઈસ્માઈલ મેમણના પ્રેમમાં હતી, જે ઘરમાં કોઈને ગમતું નહોતું.

(આ એ જ શાનો હતી, જેની સગાઈ હસરત જયપુરી સાથે થઈ હતી અને છાપા-મેગેઝીનોના હસરત વિશેના ગપગોળાને કારણે એ સગાઈ તૂટી ગઈ) એક જમાનામાં આ મેમણ મેહબૂબખાનનો આસિસ્ટન્ટ હતો. આ જ્યોતિ સ્વરૂપ મેહમૂદની બહેન શાનોને પરણ્યો. જ્યોતિ સ્વરૂપે ઈસ્લામ અંગીકાર કર્યા પછી ! એ બંનેના દીકરા સાથે ગુરૂદત્ત-ગીતાદત્તની દીકરીએ પણ ઈસ્લામ સ્વીકારીને શાનોના દીકરા નૌશાદ સાથે નિકાહ પઢ્યા હતા.) લગ્નના કોઈ બે-ચાર વર્ષમાં જ જ્યોતિ સ્વરૂપ ગૂજરી ગયો.

ફિલ્મની વાર્તાનો અંશ લખવો ય માફ નહિ થાય એવું મારું કરતૂત કહેવાશે. બિલકુલ બકવાસ ફિલ્મ હતી આ : અશોક કુમાર પાસે અદ્રશ્ય થઈ જવાની દવા છે. એ નયનાને પ્રેમ કરે છે ને ભાવિ સસુર (મુરાદ)ને મળવા જાય છે. ત્યાં સસુરજીનું કોઈએ ખૂન કરી લીધું હોય છે. ઈલ્ઝામ પોતાના ઉપર ન આવે, માટે એ ભાગી જાય છે. નયનાની બહેન રાગિણી શૈલેષ કુમારના પ્રેમમાં છે.

અશોક કુમારનો ધનવાન દોસ્ત (આગા) મુરલી 'અસલી ખૂની કા પતા' બતાવવામાં મદદ કરે છે... ને એ જ જમાનાની ફિલ્મોમાં વિલનો માટે ખાસ બનેલી ફોર્મ્યુલા મુજબ, વર્ષો પહેલા ખૂન થઈ ચૂકેલા સજ્જનનું મોહરું પહેરીને વકીલ જાનકીદાસ રાગિણી-સિસ્ટર્સની મિલકત હડપ કરવા માંગે છે, પણ અશોક કુમાર ત્રણ કલાકે આપણને છોડાવે છે.

No comments: