Search This Blog

08/11/2015

ઍનકાઉન્ટર : 08/11/2015

* મનુષ્યને સાચું જીવન જીવવાની જડીબુટ્ટી ક્યારે મળશે ?
- હાલમાં જેટલી પોસાય, એટલી તુવેરની દાળથી ચલાવી લો.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* પૈસા બનાવવાનો કોઇ સરળ રસ્તો ?
- સ્વામીજી બની જાઓ.
(નિકુંજ એમ. ગજેરા, સુરત)

* છો તો તમે હાસ્યલેખક, પણ વચમાં વૃદ્ધ માતા-પિતા માટે ઇમોશનલ લેખ લખ્યો. મૂંઝવણ છે કે, તમે ક્યા વિષયના લેખક છો ?
- હવે પછી, મારો છેલ્લો જે લેખ તમે વાંચ્યો હોય, એ બ્રાન્ડનો મને લેખક ગણવો.
(મિલન અશોક સોનગ્રા, ઉપલેટા)

* ડૉક્ટરો પોતાની આવકને 'ડ્રૅઇન' કેમ કરતા હશે ?
- 'બ્રૅઇન'વાળો ડૉક્ટર 'ડ્રૅઇન'ન કરે.
(ડૉ. ભાલચંદ્ર હાથી, ગાંધીનગર)

* પાકિસ્તાન સાથે હવે તમામ સંબંધો પૂરા કરવા ન જોઈએ ?
- ના. મોદી સાહેબ કહેતા હતા કે, ''પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ આપવો જોઇએ.'' (ક્યારે...? એ નહોતા બોલ્યા !)
(દીપક પંડયા, બિલિમોરા)

* સવાલના જવાબોમાં તમે કાયમ સ્ત્રીઓ ઉપર જ કૉમૅન્ટ્સ કેમ કરો છો ?
- હવે નહિ કરૂં, બસ ?
(મોનિકા પટેલ, નખત્રાણા-કચ્છ)

* પોરબંદરમાં ૭૦૦-થી વધારે રામ ઓડેદરાઓ છે. ખબર કઇ રીતે પડે કે આ સવાલ મેં જ પૂછ્યો છે ?
- 'આવા સવાલ તો આ જ પૂછે,' એની તો બધાને ખબર જ હોય ને ?
(રામ ઓડેદરા, પોરબંદર)

* સંસદ સભ્યો પગાર વધારો માંગતા હોય, તો ભારતને બીજા દુશ્મનોની જરૂર ક્યાં છે ?
- નીતિન વડગામાનો શે'ર છે :
'રાત છે ઘેઘૂર કાળી, કોઇ તો જાશે ઉજાળી,
બાગનું કરવા રખોપું, જાગશે એકાદ માળી.'
(મધુકર, મેહતા, વિસનગર)

* ભગવાન શ્રી કૃષ્ણ આ યુગમાં અવતરે તો ?
- એનો મતલબ, એ થયો કે તમને મારા ઉપર હવે કોઇ વિશ્વાસ રહ્યો નથી !
(વ્રજન પીઠડિયા, નડિયાદ)

* દારૂ કે દવાની દુકાનને વાસ્તુશાસ્ત્ર નડતું નથી ?
- વાસ્તુશાસ્ત્ર હકીકતમાં 'હસતું શાસ્ત્ર' છે...હસી કાઢવાનું શાસ્ત્ર.
(કૈરવ કે. દવે, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, તમે ઇન્ડિયન આર્મીની સાથે રહીને મ્યાનમારમાં દુશ્મનોનો ખાત્મો બોલાવી આવ્યા હતા ?
-ખોટું સાંભળ્યું હતું...હવે સાચું સાંભળો. ઇન્ડિયન આર્મીને જરૂરત પડશે તો મ્યાનમાર જ નહિ, એ બોલાવે ત્યાં જઇશ....ભલે ખાત્મો મારો બોલી જાય !
(જયેશ કણજરીયા, શેખપત)

* ફિલ્મી માંઓમાંથી તમને કઇ માં વધુ ગમે ?
- કેમ...ગામ આખાની ડોસીઓ જ મારે ભેગી કરે રાખવાની છે ? પંખો ચાલુ કરો.
(દિલીપ પટેલ, મુંબઇ)

* કંગના રનૌતની એક પછી એક ફિલ્મો હિટ જવાનું કારણ શું હશે ?
- એક પછી એક જ ફિલ્મ હિટ કે ફલૉપ જાય...એક પછી સાત, દસ કે પંદર ન આવે!
(રણવીર ડોડીયા, તલાલા-ગીર)

* આજના ઇન્ટરનૅટ યુગમાં પહેલો સગો કોણ ?
- તમારા મૅસેજો મળવા છતાં તમને ગાળ ન બોલે.
(રૂપેશ પટેલ, કોલક-વલસાડ)

* આ વખતે વરસાદ કેમ સરખો ન વરસ્યો ?
- ચાર અક્ષરની ઓળખાણમાં તો કેટલું વરસે ?
(કલ્પિત વ્યાસ, વડોદરા)

* નેતાઓ ઝગડવાને બદલે દેશ માટે લડે તો ?
- ગૂડ જોક.
(પ્રિન્કેશ લાડ, વાપી)

* તમારો 'ફૅસ' જ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ ફૅસ કેવી રીતે કરી શકો ?
- અરીસો જોવાનું બંધ કરીને....!
(રિધ્ધિ પટેલ, ચિખોદરા)

* હું મૅડિકલ સ્ટુડન્ટ છું, પણ તમે ડૉક્ટર હોત, તો ગંભીર દર્દીની સારવાર કરતી વખતે એની સાથે હ્યૂમરથી પેશ આવો ?
- એ બધું તો પૂરી ફી લઇ લીધા પછી હોય !
(નીલ રાઠોડ, અમદાવાદ)

* પરણ્યા એટલે પતી ગયા, પણ પરણ્યા એનું શું ?
- બધું અહીંનું અહીં ભોગવવાનું છે.
(નીરજસિંહ ટાંક, ઝીંઝાવદર)

* ભણતર અને ગણતર વચ્ચેનો તફાવત શબ્દોમાં આપશો ?
- લગભગ અઢીથી સાડા ત્રણ જેટલો.
(અમર પિલોજરા, રાજકોટ)

* શું મોદી આખું વિશ્વ ફરી આવશે ?
- સાથે મારૂં ગોઠવાય પછી કહું.
(જ્યોતિ મૅકવાન, આણંદ)

* ઓસામા બિન લાદેન અને તેની પત્ની. બેમાંથી કોની પસંદગી વધારે સારી ?
- મને મારા પૂરતો રસ છે. મારી પત્નીની પસંદગી સર્વોત્તમ.
(યોગેશ નારેચણીયા, મુંબઈ)

* પ્રેમ એટલે શું ?
- માં-બાપ.
(વસિમ વહોરા, આણંદ)

* તમે કેટલી છોકરીઓ જોયા પછી લગ્ન કર્યા હતા ?
- એવું કાંઇ નહિ...હું તો લગ્ન કરતા કરતા ય છોકરીઓ જોતો'તો !
(દેવચંદ જોશી, જેસંગપુરા-પાટણ)

* હું કેમ કોઇ છોકરીને પ્રપોઝ કરી શકતો નથી ?
- તમે સ્ત્રીઓનું ભલું ઇચ્છો છો માટે.
(ભાવિક એચ. વોરા, જેસર)

* પૅટ્રોલ-ડીઝલના ભાવો ક્યારે ઘટશે ?
- એને બદલે દૂધ કે લસ્સી પીવાનું રાખો.
(સંજય ઓડેદરા, પોરબંદર)

* દરેક પતિઓને 'ગોરધન' કહીને સંબોધન કરો છો, એની પાછળનું કોઇ ખાસ કારણ ખરૂં ?
- 'ગોવર્ધન' પર્વતનું નામ છે, જેને ટચલી આંગળીએ ઉચકવામાં આવ્યો હતો....આ યુગમાં ટચલી આંગળીએ નચાવવામાં આવે છે, એ બધા દુઃખિયારા ગોરધનો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

No comments: