Search This Blog

11/11/2015

બેસણામાં ફોટાની બબાલ

આખું ઘર ટૅન્શનમાં હતું. આવતી કાલે કાકાનું બેસણું ને છાપામાં આપવાનો એકે ય ફોટો ન મળે. ઍક્ચ્યુઅલી ગુજરી ગયા છે કાકા, એટલે એમનો ફોટો ન મળે, એટલે ગમે તેનો ફોટો તો આપી ન દેવાય ને ? આમાં તો કાકાનો જ જોઇએ. પદુ આખું ઘર ફેંદી વળ્યો. લેવા-દેવા વગરનો વાઈફ ઉપર ગરમ થયો કે, 'આખેઆખા કાકા જતા રહે છે ને તમને એક ફોટો મળતો નથી ?' વીરા એની વાઈફ... આમ પાછી પ્રેક્ટિકલ એટલે ગોરધનનું ટૅન્શન ઓછું કરવા એક ફોટો ગમે ત્યાંથી શોધી ય લાવી, એમાં પેલો વધારે બગડયો.

'ડોબી... કાકા છ વરસના હતા ત્યારનો ફોટો બેસણામાં ના ચાલે... મોરૂકાકા ૮૭ની ઉંમરે ગયા છે... છ વરસના હતા ત્યારે નહિ ! ગયા વરસનો ફોટો હજી ય ચાલે... આવો ચડ્ડી પહેરેલો ના ચાલે.'

પદુ આમ પાછો જાણકાર, છતાં ય મર્યા પછી ડૅડ-બૉડીનો ફોટો બેસણાંની જા.ખ.માં ન અપાય, એની એને ખબર. એમાં તો અધખૂલી આંખો અને ખુલ્લા દાંત જ દેખાય. કાકા સ્માઇલ આપતા આપતા ગયા છે કે મોઢું ખુલ્લું રહી જવાને કારણે ઊપડયા છે, એ ફોટો જોઇને ખબર ન પડે. આમાં તો જીવતા હોય ત્યારનો ફોટો જ ચાલે. એ જમાનામાં તો કોણ વળી ફોટા પડાવતું હતું !

પદુની દીકરી લલી માળીએ ચઢી હતી. એણે ધૂળો ખંખેરીને જુના ફોટાની ફાઈલો કાઢી. પદુ હોશમાં આવ્યો કે, 'હાઆ... શ, આમાંથી તો કાકાનો એકાદો ફોટો નીકળશે જ !' મેહનત એળે તો ન ગઇ, પણ ત્રણમાંથી એકે ય ફોટો લેવાય એવો નહતો. પદીયો પોતે નાનો હતો, ત્યારે ફોટામાં કાકાની બન્ને આંખોમાં બૉલ પૅનના ઘાટ્ટા ટપકાં કર્યા હતા, એટલે એ તો ન અપાય ! બ્લ્યુ મૂછો તો જુદી. ડાઘા દૂર કરવા પદીયાની વાઈફે ભીનું પોતું લઇને બન્ને આંખો ઉપર ઘસ્યું - પોતાની આંખો ઉપર નહિ... કાકાના ફોટાની બૉલ પૅનવાળી આંખો ઉપર ! એમાં મોટો લિસોટો કાનની ય પેલે પાર ફોટાની બહાર ગયો ને મૂળ ડાઘા તો એના એ જ રહ્યા. પદુ ખીજાણો, 'કોણે તને ડાયલી થાવાનું કીધું'તું...? માંડ એક ફોટો મળ્યો એ ય -'

'ખોટી રાયડું (બૂમો) પાડો મા... ! તી આમે ય, આખોંમાં બે ભૂરાં ટપકાંવારો ફોટો છાપામાં થોડો દેવાનો હતો ?'

લલી પાસે કાકાનો બીજો ફોટો ય હતો. પણ એ જમાનાના સ્ટુડિયોવાળાની ગમે તે ભૂલ થઇ હશે કે, ફોટામાં કાકાનું કપાળ આખું ગાયબ હતું - માત્ર આંખો ઉપરની ભ્રમરો દેખાતી હતી. નાક પછીના ભાગ ઉપર સ્વર્ગસ્થ કાકીનો ઓઢેલો સાડલો આવી જતો હતો, એટલે આવો ફોટો દેવાનો કોઈ અર્થ નહતો. આવો ફોટો બેસણાંની જા.ખ.માં આપીએ, તો કાકા આખેઆખા નહિ, તબક્કાવાર હપ્તે હપ્તે મર્યા હશે, એવું કોકને લાગે. પહેલા કપાળ ઊડયું હશે, પછી દાઢું ગયું હોય, એ ક્રમમાં !

ત્રીજો ફોટો હતો તો કાકાનો જ અને એમાં કોઈ ખરાબી નહોતી. પ્રિન્ટ પણ સરસ સચવાયેલી હતી. કાકાનો એ જ સફેદ સદરો ને એ જ ગાંધીબાપુ જેવા મોટા કાન... પણ પ્રોબ્લેમ એ હતો કે, કાકાનો પાછળથી પડેલો એ ફોટો હતો... આઈ મીન, કાકાની બોચી અને ઝીણકા સફેદ વાળનો ફોટો પાછળથી-એટલે કે, કોક લગ્નપ્રસંગે કાકા ભીંત સામે જોઇને ઊભા હશે, ત્યારે આગળ બન્ને ઢીંચણો ઉપર પહોળા આંગળા રાખીને બેઠેલા પદુનો કોકે ફોટો પાડેલો હતો, એમાં કાકા ઊભેલા દેખાય છે. પદુ તો પરફૅક્ટ ઓળખાતો હતો, પણ એમ કાંઈ કાકા ઓળખાય, એટલે પદીયાનો ફોટો બેસણાંની જા.ખ.માં ઓછો દઇ દેવાય છે ?

પદુ ટૅન્શનમાં આવી ગયો. કાકાનો માંડ એક ફોટો મળ્યો, એ ય ભીંતમાં જોતાં મોઢું પેલી બાજુ !

આમ કાકાને ટેવો ખરી કે, ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા સામેવાળા મધુબેન કપડાં સુકવતા હોય ત્યારે આવી રીતે બોચી આપણી તરફ રાખીને ત્યાં જુએ રાખે. એ વખતે લટકતી માળા ફરતી થંભી ગઈ હોય, એટલે આપણને ખ્યાલ તો આવે કે, માળા અડધી પતી છે, પણ કાકા પૂરા પહોંચી ગયા છે. પણ એ પછી તો મધુબેનના નામની આગળે ય 'સ્વ'. લગાવવાનું ચાલુ થયું, એટલે કાકાએ બાલ્કની બદલી હતી. સાલો, અત્યારે તો એવો ફોટો ય પાડયો હોત તો કામમાં આવત. મોબાઈલમાં સેલ્ફા-ફેલ્ફા પાડે રાખીએ છીએ, એના કરતા ડોહાનો આવો તો આવો... સાઇડમાંથી એક ફોટો પાડી લીધો હોત તો આ હાલત ન ઊભી થાત કે, ફોટામાં કાકાનું મોઢું પેલી બાજુ ને બોચી આપણી બાજુ !

'કઉં છું... કોક સ્ટુડિયોવારો ઓરખિતો હોય તો બોલાવી જુઓ ને... એ -' વીરાને એમ કે, આપણે કાંઈ કામમાં આઈએ.

'સુઉં કામ છે સ્ટુડિયોવાળાનું ?' મૃતદેહનો મૅઇક-અપ કરાવીને ફોટો પાડવાનો છે ? પદીયો બગડયો.

'તે હું એમ કે'તી'તી કે... આ તો અમથી વાત કરૂં છું, રાયડું નો પાડતા પાછા... કઉં છું, કોક ફોટાવારો ઓરખીતો હોય તો ઘેરે બોલાવીને પૂછી જુઓ કે, ફોટામાં કાકાનું મોઢું ભીત કોર (બાજુ) છે, તી આમની કોર નો થાય ? કાકાનું મોઢું આપણી તરફ ફેરવી નો દેવાય ??? આપણે જી કાંઈ ચાર્જ થાતો હશે, ઇ દઇ દેશું !'

પદુને પહેલાં તો ગુસ્સો ચઢ્યો, પણ પછી એને યાદ આવ્યું ય ખરૂં કે, સાયન્સ તો બહુ આગળ વધી ગયું છે. મોબાઈલ ફોનોમાં ય કૅમેરા અવળો રાખીને 'સેલ્ફી' પાડી શકાય છે, તો આ કેમ ન થાય ?

સ્ટુડિયોવાળો તો ખૂબ હસ્યો, પદુએ દરખાસ્ત મૂકી ત્યારે. આણે જીદ કરી તો હસતા હસતા ગુસ્સે ય થયો, પણ એના ગુસ્સામાં હસવાનું વધારે હતું. 'એમ કાંઈ ફોટા સીધા થતા હશે ?... કાલ ઉઠીને તમે તો એમે ય કહેશો કે, કૅમેરાની કરામતથી ૯૦ વર્ષના કાકાની ઉંમર ૧૫-વર્ષની કરી આપો ને...? હહહાહાહા...'

પદુ વીલે મોંઢે પાછો આવ્યો. લલીએ પાછું એક સૂચન કર્યું કે, આપણી સોસાયટીની સામે એક ફોટોગ્રાફર રહે છે. ખાસ બેસણાંના ફોટા પાડવા ઉપર એનો હાથ સારો બેસી ગયો છે. તમે કિયો, ઇ સ્ટાઇલથી ફોટાં પાડી દિયે... જીગુ કે'તી'તી કે, બેસણાંના ફોટા પડાવવા એને તીયાં તો અગાઉથી બૂકિંગું થાઈ છે, બોલો ! આજે ઑર્ડર નોંધાવો તો તઇણ મહિને નંબર આવે... છાપાઓમાં બેસણાંના ૭૦ ટકા ફોટા એણે પાડેલા હોય છે.'

'હા, પણ બેટા... એ તો માણસ જીવતું હોય ને, ત્યારે ફોટા પડાવી લેવાય...આપણને થોડી ખબર હતી કે, કાકા આટલા જલ્દી નીકળવાના છે...?'

'તી હું કઉં છું કે...' પદુ-પત્ની વીરાએ સૂચન કર્યું, '... ભેરાભેરો તમે ય એકાદો ફોટો પડાવી તો રાખો ! આ જોયું ને, અટાણે બાપુજીનો ફોટો મલતો નથી, તે કેટલી હડીયાપાટું થાય છે ?... અને મોઢું જરા હસતું રાખજો પાછા... છાપામાં તો તમે જોવો જ છો ને, બેસણાંવના ફોટામાં કોઈના મોઢાં ઉપર સ્માઇલું હોઇ છે ? કેમ જાણે બેસણા હાટું જ સ્પેશિયલ ફોટા પડાઇવા હોય !'

'એ ડોબી... અત્યારથી મારે ફોટો પડાવી રાખવાનો ન હોય. તારા બાપે તો મર્યા પછી ય નહોતો પડાવ્યો ને હું અત્યારથી પડાવું ? બોલવામાં કાંઈ શરમ-બરમ રાખ જરી !''

દોડાદોડી તો બહુ થઇ ગઈ, કાકાનો ફોટો ગોતવામાં આ બાજુ છાપાવાળાઓએ કહી દીધેલું કે, સાંજના ૭ પછી જાહેર ખબર નહિ લેવાય. લેવી હોય તો ફોટો અને મેટર વહેલું મોકલો. પદીયો ટૅન્શનમાં એટલો તો ઉશ્કેરાયેલો હતો કે, એક તબક્કે બેસણાંનું લખાણ નહિ હોય તો ખાલી ફોટો છાપીશું... લોકો સમજી જશે કે, કાકા ગયા, પણ ત્યાં જ સારા સમાચાર આવ્યા.

ગયા સપ્ટેમ્બરમાં કાકા પડી ગયા, ત્યારે માથામાં બહુ વાગ્યું હતું અને આખુંમકાન ધોળવાનું હોય એમ આખા મોંઢા ઉપર પાટાપિંડી આવ્યા હતા. કાકાની ફક્ત બે આંખો જ ખુલી દેખાતી હતી અને મહીંથી એમના ઉંહકારાના અને કણસવાના અવાજો આવતા હતા, ત્યારે કોકે 'સ્માઇલ પ્લીઝ' કહેતો ફોટો પાડયો હતો, એ મળ્યો, અલબત્ત, ફોટામાં ખબર પડતી નહોતી કે, કાકાએ સ્માઇલ આપ્યું હતું કે નહિ, કારણ કે ઍક્સિડૅન્ટમાં એમના બન્ને હોઠ પણ ફાટી ગયેલા.

'પણ એ હસ્યા'તા કે નહિ, એની આપણે શું લેવા દેવા ? ફોટો મળી ગયો, એ જ મોટી વાત છે.' પદુ ઠંડો તો પડયો.

કાકાનો પૂરી પાટાપિંડી સાથેનો ફોટો બેસણામાં છપાયો. જલદી ખબર પડતી નહોતી કે કોણ મર્યું છે, એને કારણે હજી જે મર્યા નહોતા, એવા ૩-૪ ડોહાઓને ઘેરે ય લોકો ધોળા કપડાં પહેરીને ધક્કો ખાઈ આવ્યા. કહે છે કે, ઘરમાં ઘરડું હોય ને વરસે-બે વરસે એમનું જવાનું નક્કી ન હોય તો બે-ચાર સારા ફોટા પડાવી રાખવા સારા... ઘરમાં કોક ઘરડું ગૂજરી જાય છે, ત્યારે બેસણાં માટે ફોટો શોધી કાઢવા દરેક ઘરમાં દોડાદોડી થાય છે.... ઘરમાં મોબાઇલ બધાની પાસે હોય છે.... ડોહા-ડોહીના ફોટા પાડવામાં કોને રસ હોય ? આ તો એક વાત થાય છે !

સિક્સર
જગતની સૌથી ટુંકી વાર્તા :
અમદાવાદના ટ્રાફિક જામમાં એ બન્નેની ગાડીઓ બાજુબાજુમાં ઊભી. પ્રેમ થઇ ગયો. નસીબદાર બે રીતે કે આ બાજુની ગાડીમાં કોક ગોરમહારાજ બેઠા હતા, એટલે લગ્ન ત્યાં જ થઇ ગયા... ને આ બાજુની ગાડીમાં ગાયનેક (ડોક્ટર) બેઠા હતા. બાબો આવ્યો.
ટ્રાફિક છુટો થયો અને ઘેર પહોંચ્યા, ત્યારે બન્ને દાદા-દાદી બની ગયા હતા.

No comments: